Varasdaar - 38 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 38

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

વારસદાર - 38

વારસદાર પ્રકરણ 38

લગભગ બે વર્ષના સમયગાળા પછી તોરલ સાથે આજે નિરાંતે વાતો કરવા મળી. એણે આજે મારું ભાવતું ભીંડાનું શાક બનાવ્યું અને પ્રેમથી મને જમાડ્યો. એની આંખોમાં ભરપૂર પ્યાર હતો પરંતુ એ હવે એ કોઈની અમાનત હતી એટલે ખુલીને લાગણી વ્યક્ત કરી શકતી ન હતી.

જો કે બિચારીનું અંગત સંસારિક જીવન એટલું સુખી ન હતું એનો એને ખૂબ અફસોસ થયો. સ્ત્રીઓ બિચારી ઘણીવાર મન મારીને જીવતી હોય છે. અમુક વાતો કોઈને કહી શકતી પણ નથી.

હોટલ પહોંચ્યો ત્યારે રાતના ૧૦ વાગવા આવ્યા હતા. એ રૂમમાં જઈ એસી ચાલુ કરીને સૂઈ ગયો.

સવારે માળા વગેરે પતાવીને ચા પાણી પી લીધાં અને પછી સાડા આઠ વાગે એણે રફીકને ફોન કર્યો. રફીકનો ભાઈ એક જમાનામાં મોટો વગદાર માણસ હતો પરંતુ એનું મર્ડર થઈ ગયું હતું. રફીક પોતે પણ માથાભારે માણસોના સંપર્ક ધરાવતો હતો.

" રફીક મંથન બોલું. શાહ આલમ વિસ્તારમાં કોઈ કરીમભાઇ શેખ છે . એનો મોબાઈલ નંબર અને એડ્રેસ હું તને વોટ્સએપ કરું છું. મારા એક મિત્ર હિતેશે એની પાસેથી પાંચ ટકાના વ્યાજે દસ લાખ લીધેલા છે. છેલ્લા ત્રણ ચાર મહિનાથી એની હાલત બહુ જ ખરાબ છે એટલે વ્યાજ પણ ભરી શકતો નથી. કરીમ શેખ એને ધમકીઓ આપે છે. " મંથન બોલતો હતો.

" હમ્...."

"એની તમામ રકમ હવે હું ભરી દેવા માગું છું. તો તું એની સાથે વાત કરીને એક ફિક્સ રકમ મને કહી દે તો હું તને જ એના નામનો ચેક આપી દઉં. " મંથન બોલ્યો.

" અરે મંથન કાયકુ દુસરોં કે લફડે મેં પડતા હૈ તુ ? ઈતની બડી રકમ કોઈ દેતા હે ક્યા ? " રફીક બોલ્યો.

"રફીક એ મારો ખાસ દોસ્ત છે અને અલ્લાએ મને ઘણું આપ્યું છે તો થોડી ખેરાત પણ કરવા દે . " મંથને રફીકને એની ભાષામાં સમજાવ્યું.

" તું નહીં માનેગા. ઠીક હૈ ભાઈ. મેં ઉસકે સાથ બાત કરકે દો પહેર તક તુમકો બતાતા હું. " કહીને રફીકે ફોન કટ કર્યો.

બપોર સુધી રાહ જોવી જ ના પડી. એ પછી અડધા કલાકમાં જ રફીકનો ફોન આવી ગયો.

" અરે યે તો મેરી પહેચાન કા નિકલા. અચ્છા ઇન્સાન હૈ. બ્યાજ સબ માફ કર દિયા હૈ. ખાલી ૧૦ લાખ દેને કા." રફીક બોલ્યો.

" ઠીક છે આજે તને દસ લાખનો ચેક આપી દઉં છું. " મંથન બોલ્યો.

ચાલો એક કામ તો પતી ગયું. હવે કાના ભરવાડ માટે મારે મારા કાકાજીને મળવું પડશે. આવા કામ માટે એમના ઘરે જવું એ ઠીક નથી. એના કરતાં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે જઈને જ મળવું એ વધારે સારું રહેશે - મંથને વિચાર્યું.

૧૧ વાગે એ ગાયકવાડ હવેલી પહોંચી ગયો અને ક્રાઈમ બ્રાન્ચમાં જઈ ઝાલા સાહેબની ચેમ્બર પણ શોધી કાઢી.

"અરે મંથનકુમાર પધારો પધારો." કહીને અનિલસિંહ ઝાલા ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા.

મંથન મોટાભાઈનો જમાઈ હતો અને એની તમામ પ્રગતિથી ઝાલા વાકેફ હતા.

મંથને ઝાલાસાહેબની સામેની ખુરશીમાં બેઠક લીધી. ઝાલા સાહેબ પણ બેઠા અને એમણે ઓર્ડરલીને બેલ માર્યો.

એક પોલીસ યુવાન અંદર આવીને સલામ કરી ઉભો રહ્યો.

" તમે ચા પીઓ છો કે ઠંડું મંગાવું ? " ઝાલાએ મંથનને પૂછ્યું.

" ચા ચાલશે. " મંથન બોલ્યો.

" સાહેબ માટે એક સ્પેશિયલ ચાનું કહો " ઝાલા એ ઓર્ડરલીને સૂચના આપી.

"સર" ઓર્ડરલી સલામ કરીને બોલ્યો અને બહાર નીકળી ગયો.

" બોલો મંથનકુમાર. ઘરે બધાં મજામાં ? શું કરે છે અમારી અદિતિ?" ઝાલા મંથન સામે જોઈને બોલ્યા.

" અદિતિ એકદમ મજામાં છે અંકલ" મંથન હસીને બોલ્યો.

" તમારી પ્રગતિથી હું ખૂબ ખુશ છું. તમે એક વર્ષમાં તો અબજોપતિ બની ગયા. આજે મુંબઈની બિલ્ડર લોબીમાં તમારું નામ આદરથી લેવાય છે. " ઝાલા બોલ્યા.

" એ બધું અદિતિનાં પગલાંનું પરિણામ છે અંકલ. " મંથન બોલ્યો.

" વાહ.. તમારા વિચારો જાણીને આનંદ થયો. હવે બોલો હું તમારી શું સેવા કરી શકું ?" ઝાલા બોલ્યા.

" અમદાવાદમાં હિતેશ કરીને મારો એક જૈન મિત્ર છે. એણે એકાદ વર્ષ પહેલાં એક ભરવાડ પાસેથી ૨૫ લાખ રૂપિયા ૧૦% ના વ્યાજે લીધેલા છે. દર મહિને અઢી લાખ વ્યાજ એ ચૂકવતો હતો પરંતુ હવે એ ખૂબ જ દેવાદાર બની ગયો છે અને છેલ્લા ત્રણ ચાર મહિનાથી વ્યાજ ચૂકવી શકતો નથી. "

" ભરવાડ એને ખૂબ જ ધમકીઓ આપે છે અને એના માણસો આવીને ઘરે બેસી જાય છે. મારો ફ્રેન્ડ સીધો માણસ છે એ ડરી ગયો છે. હું એના વતી તમામ પૈસા ચૂકવવા તૈયાર છું અંકલ. તમે ભરવાડને અહીં બોલાવીને આટલું ઊંચુ વ્યાજ માફ કરાવી દો અને એક રકમ પણ નક્કી કરો એટલે હું ચૂકવી દઉં. આવા માણસોને સબક શીખવાડવો પણ જરૂરી છે." મંથન બોલ્યો.

" આજકાલ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. આવા ઘણા કેસ અમારી પાસે આવે છે. ખરેખર તો પૈસા વ્યાજે ધીરવાનું લાયસન્સ લેવું પડે છે પરંતુ આ બધું બેફામ ચાલ્યા કરે છે. તમારી પાસે એનો નંબર કે એડ્રેસ છે ? " ઝાલા બોલ્યા.

મંથને ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને અંકલના હાથમાં આપી જેમાં એનું નામ નંબર અને પૂરું એડ્રેસ હતું.

ઝાલા સાહેબે તરત જ લેન્ડલાઈન ઉપરથી કાના ભરવાડને ફોન લગાવ્યો.

" હા બોલ " કાનો ભરવાડ એની આદત મુજબ બોલ્યો.

" કાનો ભરવાડ બોલે છે તું ?" ઝાલા થોડા ઊંચા અવાજે બોલ્યા.

" હા કોણ ? " કાનો બોલ્યો.

" ઇન્સ્પેક્ટર ઝાલા. ક્રાઈમ બ્રાન્ચમાં આવી જા ભાઈ તું. કહેતો હોય તો તને તેડવા માટે ગાડી મોકલું. અને વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ પણ જોડે લેતો આવજે. " ઝાલા બોલ્યા.

" અરે સાહેબ બોલવામાં જરા ભૂલ થઈ ગઈ. માફ કરી દો. " કાનો ઢીલો પડ્યો.

" એકવાર તું તાત્કાલિક મારી ઓફિસે આવી જા. નહીં તો એરેસ્ટ વોરંટ લઈને પોલીસ તારા ઘરે પહોંચી જશે. " કહીને ઝાલાએ ફોન કટ કર્યો.

લગભગ ૪૫ મિનિટ પછી કાનો ભરવાડ કોઈને સાથે લઈને ઇન્સ્પેક્ટર ઝાલાની ચેમ્બરમાં આવ્યો. ઝાલા સાહેબ ઊભા થયા.

" આવી ગયો તું ? સૌથી પહેલાં તો તારું દસ ટકે પૈસા ઘીરવાનું લાયસન્સ બહાર કાઢ (ગાળ). " કહીને ઝાલા સાહેબે કાનાને એક તમાચો માર્યો.

" સાહેબ મને માફ કરી દો. હવે બીજી વાર આવું નહીં બને. આ મારા કાકા છે. ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરે છે. " કાનો બોલ્યો.

" હા સાહેબ. આટલી વખત એને માફ કરી દો. હું એના વતી માફી માગું છું." એની જોડે આવેલા ભાઈ બોલ્યા.

" સરકારી નોકરીમાં રહીને તમે એને સાથ આપો છો ? એને છોડાવવા આવ્યા છો ? કયા ડિપાર્ટમેન્ટમાં છો ? તો હું પણ તમારા સચિવને નોટિસ મોકલી દઉં. કેટલો ભયંકર ગુનો છે એનું કંઈ ભાન છે તે ભલામણ કરવા નીકળી પડ્યા છો ?" ઝાલા ગુસ્સે થઈ ગયા.

" સોરી સાહેબ સોરી. મારે કંઈ લેવાદેવા નથી. આ તો એણે કહ્યું એટલે જોડે આવ્યો. " કહીને એ બહાર નીકળી ગયો. ઝાલા સાહેબનું રૌદ્ર સ્વરૂપ જોઇને એ ગભરાઈ ગયો હતો.

" હવે બોલ. જેલના સળિયા ગણવા છે ને ? તારી એફઆઇઆર કરાવું છું. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરું છું. કેટલા રૂપિયા ઘરમાં પડ્યા છે અને કેટલા સમયથી વ્યાજે પૈસા ફેરવે છે ? ગુંડાઓને લોકોના ઘરે મોકલે છે (ગાળ) ? " ઝાલા બોલ્યા.

" સાહેબ મને જવા દો. હું પતાવટ કરવા તૈયાર છું. હવે ફરી આવું નહીં બને. " કાનો કાકલુદી કરતો હતો.

" શું કરવું છે મંથનકુમાર ? એને કોર્ટમાં હાજર કરું કે પતાવટ કરવી છે ? " ઝાલા સાહેબે મંથનને પૂછ્યું.

" જવા દો એને. પતાવટ કરી દો અંકલ." મંથન બોલ્યો. એ કોઈને માર ખાતાં જોઈ શકતો ન હતો.

ઝાલા સાહેબ પોતાની ખુરશી ઉપર બેઠા.

" હિતેશ શાહને કેટલા પૈસા આપેલા ? કેટલું વ્યાજ લીધું ? કેટલા પૈસા બાકી રહ્યા ? " ઝાલા સાહેબે કાનાને પૂછ્યું. કાનો હજી પણ ગભરાયેલો હતો.

" જી સાહેબ ૨૫ લાખ ધીરેલા. ૫ મહિના સુધી એણે વ્યાજ પેટે સાડા બાર લાખ આપ્યા. " કાનો બોલ્યો.

" વ્યાજ ભૂલી જા. સાડા બાર તને મળી ગયા. બાકીના સાડા બાર તારે લેવાના બાકી રહ્યા. બરાબર ? " ઝાલા બોલ્યા.

" જી સાહેબ હું તૈયાર છું. " કાનો બોલ્યો.

" તને કંઈ પણ કર્યા વગર આજે જવા દઉં છું એના અઢી લાખ કાપી લેવાના. બોલ શું કરવું છે ? તને મંજૂર ના હોય તો આપણે કેસ કરી દઈએ અને ઇન્કમટેક્સને પણ જાણ કરી દઉં. " ઝાલા બોલ્યા.

" મને જવા દો સાહેબ તમે જે રકમ આપવી હોય તે પાછી અપાવી દો." કાનો બે હાથ જોડીને બોલ્યો.

" મંથનકુમાર આપણે એને દસ લાખ આપવાના બાકી રહે છે. કેવી રીતે કરવું છે ? " ઇન્સ્પેક્ટર ઝાલા બોલ્યા.

" હું ચેક લઈને જ આવ્યો છું. અત્યારે જ લખી આપું છું. " મંથન બોલ્યો.

એણે ખિસ્સામાંથી ચેક કાઢ્યો. દસ લાખની રકમ ભરી દીધી. કાનાને પૂછીને આખું નામ પણ લખી દીધું. ચેક ઝાલા સાહેબને આપ્યો.

" હવે ફરી તારા નામની ફરિયાદ મારી પાસે આવવી જોઈએ નહીં. લોહી ચૂસવાના ધંધા બંધ કરો." ઝાલા બોલ્યા.

" જી સાહેબ. હવે ફરી ક્યારે પણ ફરિયાદ નહીં આવે. " કાનો બોલ્યો.

ઝાલા સાહેબે ઓર્ડરલીને બેલ મારી.

" રાઇટરને મોકલ. " ઝાલાએ એને સૂચના આપી.

થોડીવાર પછી રાઇટર ચેમ્બરમાં આવ્યો.

" આ કાના ભરવાડનું સ્ટેટમેન્ટ લઈ લો. એ ૧૦ ટકા વ્યાજે પૈસા ફેરવે છે. આજ પછી ક્યારેય પણ એ આવા ઊંચા વ્યાજનો ધંધો નહીં કરે એ પ્રકારનું કબુલાતનામું લઈ લો. એણે હિતેશ ચંપકલાલ શાહને ૨૫ લાખ રૂપિયા ધીરેલા એ પેટે ૧૫ લાખ પાછા મળી ગયા છે અને બાકીના ૧૦ લાખ રૂપિયા પેટે આ ચેક પણ આજરોજ મળી ગયો છે. હવે હિતેશ શાહ સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ બાકી રહેતી નથી. એ પ્રકારનું લખાણ પણ એનું લઈ લો. ચેક નંબર લખીને આ ચેક એને આપી દેજો. " ઝાલા સાહેબે રાઇટરને વિગતવાર સૂચના આપી અને ચેક પણ આપી દીધો. એમણે કાનાને એની સાથે જવાનું કહ્યું.

" તમારું કામ હવે પતી ગયું મંથનકુમાર. તમારા ફ્રેન્ડને પણ કહી દેજો કે એનો બધો હિસાબ પૂરો થઈ ગયો છે. " ઝાલા સાહેબ બોલ્યા.

" બહુ મોટું કામ કરી આપ્યું તમે અંકલ. આખો પરિવાર પરેશાન થઈ ગયો હતો. ચાલો હવે હું તમારો વધારે સમય નહીં લઉં. હું નીકળું. " કહીને મંથન ઉભો થઈ ગયો.

ઝાલા સાહેબે પણ એને ઊભા થઈને વિદાય આપી.

મંથન ત્યાંથી નીકળીને સીધો રફીકની ડ્રાઇવિંગ સ્કૂલે પહોંચી ગયો.

" રફીક આ ૧૦ લાખનો ચેક છે. જે નામ લખવાનું હોય તે લખીને કરીમ શેખને આપી દેજે. આજે બે મોટાં કામ પતી ગયાં. હવે સાંભળ તારી મુંબઈમાં સેટલ થવાની કોઈ ઈચ્છા છે ? તો હું તને રહેવા માટે ફ્લેટની વ્યવસ્થા કરી આપું " મંથન બોલ્યો.

" નહીં મંથન. અપુન કે લિયે તો અમદાવાદ હી અચ્છા હૈ. મેરે લાયક કોઈ ભી કામ હો આધી રાતકો ભી ફોન કર સકતે હો. " રફીક બોલ્યો.

મંથન ત્યાંથી બહાર નીકળ્યો ત્યારે લગભગ દોઢ વાગવા આવ્યો હતો. ગાડી એણે સીધી આશ્રમ રોડ ઉપર તોરણ ડાઇનિંગ હોલ તરફ લેવડાવી.

" સદાશિવ તુ ભી યહાં ખાના ખા લે " તોરણ ડાઇનિંગ હોલ આવી ગયો એટલે મંથને ગાડીમાંથી નીચે ઉતરતાં સદાશિવને કહ્યું.

ગુજરાતી થાળી માટે તોરણ પકવાન અને ગોરધન થાળ અમદાવાદના ખૂબ જ જાણીતા ડાઇનિંગ હોલ હતા. આ બધામાં તોરણ ઘણો જૂનો હતો.

ઉનાળાની સિઝન હતી એટલે અહીંયા પણ અનલિમિટેડ રસ અને રોટલી હતી. સાથે ત્રણ પ્રકારનાં ફરસાણ નો સ્વાદ પણ એણે માણ્યો.

જમ્યા પછી ગાડી એણે હોટલ ઉપર લેવડાવી. હવે થોડો આરામ કરવો જરૂરી હતો. આરામ કરતાં પહેલાં એણે હિતેશને ફોન કરી દીધો.

" હિતેશકુમાર મંથન બોલું. કરીમ શેખ અને કાના ભરવાડનો તમામ હિસાબ ચૂકતે કરી દીધો છે. કાના ભરવાડે ક્રાઈમ બ્રાન્ચમાં લખીને આપી દીધું છે કે હવે એક પણ પૈસો એ તમારી પાસે માગતો નથી અને આજ પછી ક્યારે પણ તમને એ ફોન નહીં કરે. " મંથને કહ્યું.

" જી ખૂબ ખૂબ આભાર તમારો મંથનભાઈ. તમારો આ અહેસાન ક્યારેય પણ નહીં ભૂલું. " હિતેશ બોલ્યો.

મંથને ફોન તરત કટ કરી દીધો અને કાંતિલાલને પણ ફોન કરીને જણાવી દીધું. એ પછી એસી ચાલુ કરીને એ સૂઈ ગયો.

સાંજે ચાર વાગે એની આંખ ખુલી ગઈ. નડિયાદ જઈને કેતા અને શીતલને મળવાની એની ઈચ્છા હતી. લગ્નનું એક વર્ષ થઈ ગયું હતું છતાં પણ હજુ સુધી એણે આ લોકોને કોઈ જાણ કરી ન હતી. હવે વાત કેવી રીતે કરવી એનું મનોમંથન એના મનમાં ચાલતું હતું.

કેતાને તો કદાચ એટલો બધો આઘાત નહીં લાગે કારણ કે એણે તો ગર્ભપાત ના કારણે પોતાનું મન મનાવી લીધું છે પરંતુ તેજીના તોખાર જેવી શીતલને વાત કેવી રીતે કરવી એ એક મૂંઝવણ હતી. જો કે પ્લસ પોઇન્ટ એક જ હતો કે છેલ્લા એક વર્ષમાં કેતાના આઠ દસ મેસેજ આવ્યા હતા પરંતુ છેલ્લા છ મહિનામાં શીતલ તરફથી કોઈ મેસેજ ન હતો.

પડશે એવા દેવાશે એમ વિચારીને મંથને નડિયાદ જતાં પહેલાં કેતા સાથે ફોન ઉપર એક વાર વાત કરી લેવાનો નિર્ણય લીધો. કેતા સમજદાર છે. એકવાર એની સાથે નિખાલસ ચર્ચા કરી લઉં એ જ યોગ્ય છે.

" કેતા મંથન બોલું. અમદાવાદ આવ્યો છું તો તને મળવાની ઈચ્છા છે. અત્યારે જો નડિયાદ આવવા નીકળું તો દોઢેક કલાકમાં કેનાલ રોડ ઉપર હોટલ સાયપ્રસ પહોંચી શકું. તું એકલી મને મળવા આવી શકે ? હમણાં શીતલને કંઈ પણ જણાવતી નહીં. જો તું આવી શકતી હોય તો જ હું નીકળું. " મંથન બોલ્યો.

"વાઉ ! આઈ એમ એક્સાઈટેડ ! મને મળવા માટે પરમિશન લેવાની જરૂર તમને લાગે છે ? તમારો પૂરો અધિકાર છે સાહેબ. તમે પહોંચીને રૂમ નંબર મેસેજ કરી દેજો. હું તરત ઘરેથી નીકળી જઈશ. " કેતા બોલી.

"ઠીક છે. તો પછી હું નીકળું છું. " મંથન બોલ્યો અને એણે ગાડી બહાર કાઢવા સદાશિવને ફોન કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)