Varasdaar - 34 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 34

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

વારસદાર - 34

વારસદાર પ્રકરણ 34

ગડાશેઠનો માણસ સવારે ૧૦ વાગે જ આવી ગયો . એની સાથે જઈને જુહુ સ્કીમના રોડ નંબર ૧૩ ઉપર ૩૫૦૦ ચોરસ વારનો એક પ્લોટ હતો એ અંદર ચારે બાજુ ફરીને મંથને જોઈ લીધો.

આ પ્લોટ મોકાનો હતો. ૩૦૦૦ ચોરસ ફૂટનો એક એવા ૪૦ ફ્લેટનું એક ટાવર આરામથી થઈ શકે એવી જગ્યા હતી. અતિ સમૃદ્ધ વર્ગ અહીં રહેતો હતો અને દરેક ફ્લેટ ૫ કરોડમાં આરામથી વેચાઈ જાય એમ હતો. ઘણા જાણીતા ફિલ્મી કલાકારો પણ આજ એરિયામાં રહેતા હતા. ઇસ્કોન મંદિર પણ થોડેક જ દૂર હતું. જૂહુ બીચ પણ બાજુમાં જ હતો.

બાંદ્રા વેસ્ટ માં બેન્ડ સ્ટેન્ડથી થોડેક આગળ કોન્કર્ડ એપાર્ટમેન્ટ પાસે ૨૭૫૦ વારનો એક બીજો પ્લોટ હતો. જ્યાં પણ લક્ઝુરિયસ ફ્લેટનું એક ટાવર ઊભું થઈ શકે એમ હતું. આ આખી સ્કીમ શ્રીમંત મુસ્લિમ લોકો માટે એણે વિચારી લીધી.

અંધેરીની જગ્યા ઘણી મોટી હતી. પી.ડબ્લ્યુ.ડી ગેસ્ટ હાઉસથી સહેજ આગળ ભવન્સ કોલેજ રોડ ઉપર ૪૧૦૦ ચોરસ વારનો સરસ પ્લોટ હતો. ત્યાં મધ્યમ વર્ગીય લોકો માટે મોટી સ્કીમ મૂકી શકાય એમ હતી.

ત્રણે ત્રણ લોકેશનો બરાબર સમજી લીધા પછી મંથન પોતાની ઓફિસે ગયો અને ત્રણેય જગ્યાના તમામ પેપર ગડાશેઠના માણસ પાસેથી એણે લઈ લીધા. ત્રણેય સ્કીમો માટે અલગ અલગ પ્લાનિંગ કરવું પડશે. બાંદ્રાની સ્કીમ માટે મુસ્લિમોને પ્રિય મુગલાઈ ડિઝાઇન બનાવવાનું એણે વિચારી લીધું.

શ્રાદ્ધપક્ષ શરૂ થઈ ગયો હતો એટલે હાલ પૂરતું કોઈપણ કામ શરૂ નહીં કરવાનો એણે નિર્ણય લીધો. નવી ઓફિસ લેવાથી શરૂ કરીને તમામ પ્રોજેક્ટની શરૂઆત પણ દશેરાથી જ કરવી એવો નિશ્ચય પણ કર્યો.

મંથનની મમ્મી ગૌરીબેન અને પિતા વિજયભાઈ મહેતા નું શ્રાદ્ધ ત્રીજના દિવસે આવતું હતું. બંનેની મૃત્યુતિથિ એક જ હતી. મંથન માટે આ પહેલું એવું શ્રાદ્ધ હતું જ્યારે એની પાસે સારી આર્થિક વ્યવસ્થા હતી.

ગયા વર્ષે માતાના શ્રાદ્ધ વખતે એ ખાસ વડોદરા પાસે ચાણોદ ગયો હતો અને એક પંડિતજી પાસે શ્રાદ્ધ તર્પણ અને બ્રહ્મભોજન પણ કરાવ્યું હતું. ત્યારે ૫૦૦૦ નો ખર્ચ કર્યો હતો.

આ વખતે મંથન માતાપિતાના શ્રાદ્ધમાં કોઈ કસર છોડવા માગતો ન હતો.
આગલા દિવસે મલાડ વેસ્ટમાં આવેલા સ્નેહ સાગર અનાથ આશ્રમમાં એ જઈ આવ્યો અને ત્યાંના તમામ બાળકો માટે ત્રીજના દિવસે દૂધપાક પુરીનું જમણ થાય એ માટે દાન પણ કરી આવ્યો.

માતાપિતાની તસવીરોને આજે એણે ગુલાબના હાર ચડાવ્યા. એમના આત્માને શાંતિ મળે એના માટે હૃદય પૂર્વક ઈશ્વરને અને ગુરુજીને પ્રાર્થના પણ કરી.
ઝાલા અંકલે લગ્ન વખતે જે પંડિતને બોલાવ્યા હતા એમને મંથને આજે ઘરે બોલાવ્યા હતા. પંડિતજીએ વિધિપૂર્વક પૂજા કરાવીને માતાપિતાનું તર્પણ કરાવ્યું. આજે ઘરે દૂધપાક પુરીનું જમણ રાખ્યું હતું. એ પંડિતજી સાથે બીજા બે બ્રાહ્મણો પણ આવ્યા હતા. મંથને ત્રણેય બ્રાહ્મણોને જમાડ્યા અને ત્રણેયને ૨૧૦૦ રૂપિયા દક્ષિણા આપી.

એક ગૌશાળામાં જઈને એ ૧૧ હજાર રૂપિયા ગાયોના ઘાસચારા માટે માતા પિતાના નામે આજે દાન કરી આવ્યો.

આજે પૂજા વખતે માતા પિતા હાજર હતાં એવો એને સ્પષ્ટ અહેસાસ થયો. બંનેની હાજરી એણે અનુભવી. એણે ક્યાંક વાંચ્યું હતું કે શ્રાદ્ધ પક્ષમાં તમામ પિતૃઓ પિતૃલોકમાંથી પૃથ્વી ઉપર આવે છે અને પોત પોતાનાં સ્વજનોને મળી શકે છે. સ્વજનો એમને જોઈ શકતા નથી પરંતુ પિતૃઓ એમને જોઈ શકે છે અને પોતાના માટે શ્રાદ્ધ કરવામાં આવે એવી અપેક્ષા પણ રાખતાં હોય છે.

શ્રાદ્ધ પક્ષ પતી ગયા પછી નવરાત્રી આવી એટલે એણે નવ દિવસ સુધી માત્ર દૂધ અને ફ્રુટ ખાઈને ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું. નવરાત્રીમાં એક દિવસ ઓછો હતો એટલે એણે રોજની ૩૦ માળા ચાલુ કરી. જે પણ પ્રગતિ એના જીવનમાં થઈ હતી એમાં ગાયત્રી મંત્રનો ફાળો ઘણો મોટો હતો !

ઝાલા અંકલે મલાડમાં ગોરસવાડી રોડ ઉપર એક નવા જ કોમ્પ્લેક્સમાં ૧૦૦૦ ચોરસ ફૂટની ઓફિસ નવરાત્રીમાં પસંદ કરી હતી. દશેરાના દિવસે એ ખરીદી લીધી અને ઓફિસમાં અદિતિ પાસે પાણી ભરેલો ઘડો મૂકાવ્યો.

એ જ દિવસે એમણે સીપી ટેન્ક વાળા મનીષભાઈને બોલાવીને આખી ઓફિસનો કોન્ટ્રાક્ટ આપી દીધો. ઈન્ટિરિયર ડિઝાઇનરથી માંડીને કલરકામ, ફર્નિચર વગેરે તમામ કામ મનીષભાઈ સંભાળી લેતા. ઓફિસમાં બે ચેમ્બરો બનાવવાની હતી. અને એ સિવાય ત્રણ સિવિલ એન્જિનિયર, એક સેક્રેટરી, એક એકાઉન્ટન્ટ તથા બે ક્લાર્કનાં ટેબલ ગોઠવવાનાં હતાં. ચા પાણી માટે એક પેન્ટ્રી પણ બનાવવાની હતી.

ઓફિસ તૈયાર કરવા માટે મનીષભાઈ એ બે મહિનાનો સમય માગ્યો. એટલે દિવાળી સુધી તો જૂની ઓફિસ જ ચાલુ રાખવાની હતી. જો કે મંથને ત્રણ નવી સ્કીમોનાં નામ દશેરાના દિવસે જ નક્કી કરી દીધાં અને ત્રણ ફાઈલો બનાવી દીધી.

જૂહુ સ્કીમના ટાવરનું નામ એણે એલીજિયમ રાખ્યું. એલીજિયમનો અર્થ સ્વર્ગ થાય. બાંદ્રાના ટાવરનું નામ ફિરદૌસ ટાવર રાખ્યું તો અંધેરીની સ્કીમનું નામ આદિત્ય એપાર્ટમેન્ટસ રાખ્યું.

તમામ ત્રણે ત્રણ સ્કીમોની પરમિશન દલીચંદ શેઠ એક મહિનામાં લઈ આવવાના હતા એટલે હાલ પૂરતું જ્યાં સુધી નવી ઓફિસમાં શિફ્ટ ના થવાય અને બીજો નવો સ્ટાફ ના આવે ત્યાં સુધી નવી સ્કીમો માટે કંઈ કરવાનું ન હતું. મંથને સંપૂર્ણ ધ્યાન બોરીવલીના અદિતિ ટાવર્સ ઉપર આપ્યું.

દિવાળી સુધીમાં એક ટાવર આખું ફૂલ થઈ ગયું. દશેરાના દિવસે જ ૧૧ ફ્લેટ બુક થઈ ગયા હતા. માત્ર સાડા ચાર મહિનામાં ૩૨ ફ્લેટ વેચાઈ જવા એ કોઈ નાનીસૂની સિદ્ધિ ન હતી. આખી બિલ્ડર લોબીમાં મંથન મહેતાનું નામ જાણીતું થઈ ગયું.

પહેલા ટાવરનું પાંચ માળ સુધી સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું હતું. અત્યારે છઠ્ઠા માળથી ટાઇલ્સનું કામ ચાલતું હતું. અને સાથે સાથે ઇલેક્ટ્રીફીકેશન પણ થઈ રહ્યું હતું. પહેલા માળે ઇન્ટિરિયર ડિઝાઇનરે એક સેમ્પલ ફ્લેટ પણ તૈયાર કર્યો હતો.

મંથન દિલ દઈને આ ટાવર ઉપર કામ કરી રહ્યો હતો. લગભગ ૧૫ કલાક સુધી રોજ કામ ચાલતું હતું. ઝાલા સાહેબ પણ મંથનના કામથી ખૂબ જ પ્રસન્ન થયા હતા.

મંથનની ઓફિસ તૈયાર થઈ ગઈ એટલે લાભ પાંચમથી નવી ઓફિસમાં શિફ્ટિંગ ચાલુ કરી દીધું અને પાંચ છ દિવસ પછી એણે આ નવી ઓફિસમાં બેસવાનું પણ ચાલુ કરી દીધું. સ્ટાફની ભરતી પણ કરી દીધી હતી. એટલે સંપૂર્ણ સ્ટાફ નવી ઓફિસમાં કાર્યરત થઈ ગયો હતો.

મંથને ૫૦૦ કરોડની બે બેગો પણ મંગાવી લીધી હતી અને એની બધી જ વ્યવસ્થા ઝાલા અંકલે પોતાની રીતે કરી દીધી હતી.

નવી ઓફિસમાં આવ્યા પછી તરત જ મંથને નવા ત્રણ પ્રોજેક્ટ હાથ ઉપર લીધા હતા અને ત્રણેય એન્જિનિયરને કામ સોંપી દીધું હતું. તમામ ૩ નવી સ્કીમોની ડિઝાઇનનું કામ જાણીતા આર્કિટેક્ટ શૈલેષ શાહને સોંપી દીધું હતું.

સમય પસાર થતો ગયો. જિંદગીની રફતાર ચાલતી રહી. ચૈત્ર મહિનો આવી ગયો. મંથનને મુંબઈ આવ્યા ને એક વર્ષ થઈ ગયું.

આ એક વર્ષમાં મંથને ઘણી પ્રગતિ કરી હતી. બોરીવલીની અદિતિ ટાવર્સ સ્કીમ ખૂબ જ સફળ થઈ હતી બીજું ટાવર પણ અડધું બની ગયું હતું અને એમાં પણ ૧૪ ફ્લેટ વેચાઈ ગયા હતા.

જુહુ સ્કીમ, બાંદ્રા વેસ્ટની સ્કીમ અને અંધેરીની સ્કીમ પણ ચાલુ થઈ ગઈ હતી. દલીચંદ શેઠના પોતાના સંપર્કોના કારણે જુહુ સ્કીમના ૧૫ ૧૫ કરોડના ફ્લેટ પણ બુક થવા લાગ્યા હતા અને ૧૧ ફ્લેટ તો સ્કીમ મુકતાંની સાથે જ વેચાઈ ગયા હતા.

બાંદ્રા વેસ્ટની ફિરદૌસ સ્કીમ ધાર્યા કરતા પણ વધારે ઝડપથી બુક થવા લાગી હતી. અને એમાં રફીકના મામુજાન અંગત રસ લઈને પોતાના સર્કલમાં આ સ્કીમનો પ્રચાર કરી રહ્યા હતા. એમણે પોતે પણ ચાર ફ્લેટ માં ઈનવેસ્ટમેન્ટ કર્યું હતું .

એના પ્રમાણમાં અંધેરીની સ્કીમની ગતિ થોડીક ધીમી હતી. છતાં પાંચ મહિનામાં આઠ ફ્લેટ વેચાઈ ગયા હતા. મંથને અંધેરીની સ્કીમ ઉપર પોતાનું ફોકસ કર્યું હતું અને બોરીવલીની જેમ એનું પણ માર્કેટિંગ ચાલુ કરી દીધું હતું.

અખાત્રીજના દિવસે મંથન અને અદિતિની લગ્ન તિથિ આવતી હતી. મંથને અદિતિ માટે એક સુંદર ડાયમંડ નેકલેસ ખરીદી રાખ્યું હતું.

ઝાલા સાહેબે મંથન અદિતિની પ્રથમ મેરેજ એનિવર્સરીના દિવસે મલાડની એક હોટલના બેન્કવેટ હોલમાં ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું જેમાં ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું. બિલ્ડર લોબીના જાણીતા બિલ્ડરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. દલીચંદ ગડા પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા. મંથને આ ભવ્ય પાર્ટીમાં ઘણો ખર્ચ કર્યો હતો.

પાર્ટી શરૂ થઈ એટલે મંથને અદિતિને ગુલાબના ફૂલોનો હાર પહેરાવ્યો અને ડાયમંડ નેકલેસ પોતાના હાથે એના ગળામાં પહેરાવ્યો. બધાએ તાળીઓથી આ ક્ષણને વધાવી લીધી.

એ પછી સૌએ મંથન અદિતિનું ફૂલોના બુકે આપીને અભિવાદન કર્યું અને શુભેચ્છાઓ પાઠવી. ગડા શેઠે બુકેની સાથે મોંઘો રત્નજડિત ગોલ્ડન નેકલેસ અદિતિને ગિફ્ટ આપ્યો. ઝાલા સાહેબ અને સરયૂબાએ મંથન અને અદિતિને ગોલ્ડન રીંગ આપી.

એ પછી ભવ્ય સંગીત વચ્ચે ડ્રિંક્સ અને ડાન્સનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો. એ પતી ગયા પછી ડિનર પાર્ટી યોજાઈ. આ ભવ્ય પાર્ટીમાં મંથન મહેતા સૌના કેન્દ્રસ્થાને હતો.

ચાર ભવ્ય સ્કીમો મૂકીને અને ગડા શેઠની ભાગીદારી કરીને આજે મંથન અબજોપતિ ની કક્ષામાં આવી ગયો હતો !

તોરલનાં લગ્ન પણ અખાત્રીજના દિવસે જ થયાં હતાં. એક વર્ષનો પિરિયડ પસાર થઈ ગયો હતો. એ સુખી હતી કે દુઃખી એની કોઈ જ ખબર મંથનને ન હતી. એકવાર અમદાવાદ હવે આંટો મારી આવવો જોઈએ એવું એણે વિચાર્યું.

બીજા દિવસે સવારે એણે વીણા માસી સાથે વાત કરી. " માસી બે ત્રણ દિવસ અમદાવાદ જવાનું વિચારું છું. તમારી ઈચ્છા પણ પોળનાં પાડોશીઓને મળવા મારી સાથે આવવાની હોય તો બોલો. "

" હા બેટા ઈચ્છા તો છે. ઘરની પણ ખબર લઈ આવું. મંજુને કહીને જરા સાફ-સફાઈ પણ કરાવી દઉં. ઘણા સમયથી ઘર બંધ જ છે. " વીણા માસી બોલ્યાં.

" ઠીક છે માસી પરમ દિવસે સવારે આપણે નીકળીએ છીએ. સદાશિવને હું કહી દઉં છું. અદિતિ બે ત્રણ દિવસ મમ્મી પપ્પાના ઘરે રહેશે. એ પણ હમણાંથી ઘરે રહેવા ગઈ નથી." મંથન બોલ્યો.

" હા મંથન. હું મમ્મીના ઘરે જઈશ. ત્રણ ચાર દિવસ રહેવા જઈશ તો એને પણ આનંદ થશે. તમે લોકો જઈ આવો. આમ પણ તમારે થોડા રિલેક્સ થવાની જરૂર છે. છેલ્લા એક વર્ષથી કેટલી બધી દોડધામ કરો છો તમે !" અદિતિ લાગણીથી બોલી.

મંથને એના ડ્રાઇવર સદાશિવને કહી દીધું કે ત્રણ ચાર દિવસનાં કપડાં સાથે રાખે. શનિવારે સવારે ૭ વાગે નીકળવાનું છે. અદિતિ બીજા દિવસે શોરૂમમાં જઈને શિલ્પા માટે ૭૦૦૦ નો પીચ કલરનો એક સરસ ડ્રેસ લઈ આવી.

શનિવારે વહેલી સવારે મંથન સાડા ચાર વાગે ઉઠી ગયો. નાહી ધોઈને ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. શિવજીને અભિષેક કર્યો.

વીણામાસી અને અદિતિ પણ સવારે વહેલાં ઊઠી ગયાં હતાં. વીણા માસીએ રસ્તામાં ખાવા માટે મેથીનાં થેપલાં બનાવવાની વાત કરી પરંતુ મંથને ના પાડી.

" ના માસી. રસ્તામાં ઘણી બધી રેસ્ટોરન્ટો આવે છે. આપણે બહાર જ જમી લઈશું. "

ચા પાણી નાસ્તો કરીને મંથન અને વીણા માસી સાડા સાત વાગે નીચે ઉતર્યાં. સદાશિવ મર્સિડીઝ ગાડી સાથે તૈયાર જ હતો.

મુંબઈથી અમદાવાદ નું અંતર લગભગ ૫૦૦ કિલોમીટર હતું. ગાડી ડ્રાઈવ કરીને દસેક કલાકમાં પહોંચી શકાતું હતું છતાં મંથન પાસે મર્સિડીઝ હતી એટલે સાત આઠ કલાકમાં જ અમદાવાદ પહોંચવાનું ટાર્ગેટ હતું.

ચાર કલાકમાં તો સુરત પણ ક્રોસ કરી દીધું. ૧૧:૩૦ વાગી ગયા હતા. હજુ જોઈએ એવી ભૂખ લાગી ન હતી. સુરત પાસેની એક હાઇવે હોટલમાં એ લોકોએ ચા પી લીધી અને થોડા પગ છૂટા કરીને ગાડી ફરી સ્ટાર્ટ કરી.

વડોદરાથી આગળ રણોલી પાસે હાઇવે ઉપર તાપી હોટલ ફેમસ હતી. એટલે મંથને ત્યાં જમવાનું નક્કી કરી દીધું અને ગાડી ત્યાં લેવરાવી. બપોરના અઢી વાગી ગયા હતા. વચ્ચે વચ્ચે રસ્તા થોડા ખરાબ હતા એટલે સ્પીડ કંટ્રોલમાં લેવી પડતી.

મેનુ મંગાવીને મંથને ગુજરાતી થાળી જ પસંદ કરી. સદાશિવ અલગ ટેબલ ઉપર બેઠો. જમવાનું ખરેખર ટેસ્ટી હતું.

જમ્યા પછી ફરી પાછા બધા ગાડીમાં ગોઠવાઈ ગયા. અમદાવાદમાં પ્રવેશ કર્યો ત્યારે સાંજના પાંચ વાગ્યા હતા. મંથને ગાડી નવરંગપુરા સી.જી રોડ ઉપર હોટલ ક્લાસિક ગોલ્ડમાં લેવડાવી.

" સદાશિવ મારી બેગ લઈ લે. " મંથન બોલ્યો.

મંથને હોટલમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈ એક સ્યુટ પોતાના માટે બુક કર્યો. એક સાદો રૂમ સદાશિવ માટે પણ લઈ લીધો. પહેલા માળે પોતાનો રૂમ ખોલીને બેગ ત્યાં મૂકાવી દીધી. હવે એ દર વખતે જયેશને કોઈ તકલીફ આપવા માંગતો ન હતો. રૂમ ઉપર હાથ પગ ધોઈને થોડો ફ્રેશ થઈ ગયો.

બેગ ખોલીને એણે અદિતિએ શિલ્પા માટે લીધેલો ભારે ડ્રેસ બહાર કાઢ્યો. ડ્રેસનું પેકેટ એણે હાથમાં લઈ લીધું અને વીણામાસીને લઈને એ નીચે આવ્યો. માસી તો પોળમાં પોતાના ઘરે જ જવા માગતાં હતાં.

ગાડી એણે દરીયાપુર જયેશની અંબિકા હોટલ તરફ લેવડાવી. વચ્ચે વચ્ચે એ સદાશિવને રસ્તો બતાવતો ગયો.

જયેશની હોટલ આગળ પાર્કિંગ થઈ શકે તેમ હતું એટલે ગાડી એણે ત્યાં જ પાર્ક કરાવી. ગાડી ઉભી રહી એટલે ડ્રાઇવર બહાર આવ્યો અને એણે શેઠ માટે પાછળનો દરવાજો ખોલ્યો.

ગાડીની પાછલી સીટમાંથી મંથન અને વીણા માસીને ઉતરતાં જોઈ જયેશ તો આભો જ બની ગયો. આજે તો મંથન સ્યુટ બૂટમાં કોઈ માલદાર નબીરા જેવો લાગતો હતો ! અને ગાડીનો દરવાજો પણ ડ્રાઇવરે ખોલ્યો હતો.

" માસી તમે હવે ઘરે જાઓ. ઔર સદાશિવ તુમ બેગ લેકે ઉનકે સાથ જાઓ. ઉનકે ઘર બેગ રખ કે તુમ વાપસ આ જાઓ."મંથન બોલ્યો.

" જી સર " સદાશિવ બોલ્યો અને એણે બેગ હાથમાં ઊંચકી લીધી. એ વીણા માસીની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

" અરે મંથન તું મુંબઈથી આ મર્સિડીઝ માં આવ્યો ? વીણા માસીને પણ બેસાડીને લાવ્યો ? માની શકાતું નથી." જયેશ બોલ્યો.

" હા જયેશ મહાદેવે બહુ જ કૃપા કરી છે. આ મર્સિડીઝ પણ મારી પોતાની જ છે. અને ડ્રાઇવર પણ મારો જ છે. તારો આ મિત્ર હવે કરોડોપતિ બની ચૂક્યો છે. હું તને મળવા માટે જ આવ્યો છું." મંથન બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)