Martyrdom in Gujarati Detective stories by Maheshkumar books and stories PDF | શહાદત

Featured Books
Categories
Share

શહાદત

ચીનની ભારત ખાતેની દિલ્લીમાં શાંતિપથ સ્થિત એમ્બેસીમાં ઝાંગનો આજે પહેલો દિવસ હતો. તે ગઈકાલે જ ભારત આવ્યો હતો અને આજે તે એમ્બેસીમાં ફરજ પર હાજર થઈ ગયો હતો. તેણે ચીનમાં અકાઉન્ટિંગ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ફોરેન અફેર વિભાગમાં નોકરી માટેની પરીક્ષા પાસ કરી આ નોકરી મેળવી હતી ને તેનું પહેલું જ પોસ્ટીંગ ભારત ખાતેની ચીનની એમ્બેસીમાં થયું હતું. તેને સહાયક અકાઉન્ટન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

કોઈપણ ચીનના નાગરિકને જુએ તો પહેલી નજરે બધા એક સરખા જ લાગે. ચપટા નાક, મધમાખીઓએ ડંખ દીધા હોય એવી આંખો, એક જ સરખા વાળ ઓળવાની પેટર્ન, હંમેશા ક્લીન શેવ, પીળો રંગ અને માંડ પાંચ સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતા ચીનના નાગરિકોને જોઈને ઘણીવાર આપણને થાય કે ત્યાં બાળકો મશીનમાં બનતા હશે કે ઝેરોક્ષ કાઢતાં હશે.

ભારતમાં ચીન વિશેની માન્યતાની ઝાંગને થોડી માહિતી તેના કલીગ પાસેથી મળી હતી. ચીનની ભારતમાં ગુસણખોરીના ટીવી પર રોજબરોજ આવતા સમાચારો અને સમાચારપત્રોમાં પણ આવતા સમાચારોથી ભારતીય નાગરિકોમાં ચીનની છબી દુશ્મન દેશ તરીકેની ઊભી થઈ હતી.

ઝાંગના આવ્યાના થોડા દિવસ પછી ભારતમાં રહેતા ચીનના નાગરિકો માટે ચીન એમ્બેસી દ્વારા ચીનના નુતન વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ચીનના ઓપેરા સંગીતના તાલે ચીનના નાગરિકો શરાબની છોળો ઉડાડતા ઝૂમી રહ્યા હતા. તમામ ચીનના નાગરિકો વચ્ચે એક ભારતીય ચહેરો પણ ઝૂમી રહ્યો હતો. તેણે બ્લેક સ્કીન ટાઈટ જીન્સ અને વ્હાઈટ ટીશર્ટ પર પીળો ખુલ્લો શર્ટ પહેર્યો હતો. તે ચાઇનીઝ ઓપેરા ગીતો ગાઈ રહ્યો હતો.

ઝાંગ ભારતીય યુવકની ગાવાની અને નાચતી વખતે થતા તેના અંગ મરોડો જોઈ રહ્યો. જોઈ રહ્યો એના કરતાં આકર્ષાયો કહેવું વધુ યોગ્ય રહેશે. ઝાંગના જેટલી ઉંચાઈ ધરાવતા એ યુવક પાસે જઈને ઝાંગે પોતાની ઓળખાણ આપતા કહ્યું, “હાય, આઈ એમ ઝાંગ. કેન આઈ ડાન્સ વિથ યુ.” પેલા યુવકે કહ્યું, “સ્યોર. બાય ધ વે આઈ એમ આબિદ.” બંને સંગીતના તાલે મદહોશ બની ઝૂમી રહ્યા હતા.

થોડા દિવસ પછી ઝાંગને તેના કલીગ પાસેથી જાણવા મળ્યું કે આબિદ ચીન એમ્બેસીમાં કામ કરતાં અધિકારીઓના બાળકોને હિન્દી શીખવે છે અને ચાઇનીઝ ઓપેરા ગીતો પણ સરસ ગાય છે. તેના અવાજની મીઠાશ તો તેણે પણ સાંભળી હતી. ઝાંગે આબિદ સમક્ષ પોતે હિન્દી શીખવા માંગે છે એવો પ્રસ્તાવ મુક્યો અને પોતાની ભારતીય સંસ્કૃતિ જાણવાની બાળપણથી જ ઈચ્છા વિષે પણ વાત કરી. આબિદ ઝાંગના વ્યક્તિત્વથી પ્રભાવિત થયો હતો. તેને પણ ઝાંગનો સાથ ગમતો હતો.

બંને વચ્ચે મુલાકાતોનો દોર શરૂ થયો. સપ્તાહના અંતે રજાના દિવસો બંને સાથે જ ગાળવા લાગ્યા. એકબીજાની પસંદ અને નાપસંદ સમજવા લાગ્યા અને બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. તેમને એવું જરા પણ લાગતું ન હતું કે બંનેના સંસ્કાર અને સંસ્કૃતિ અલગ અલગ છે. એકબીજાનો સાથ તેઓ હંમેશા ઝંખતા. ઝાંગ પણ આબિદથી પ્રભાવિત હતો. અન્ય પુરુષો કરતાં આબિદનો અવાજ સહેજ તીણો હતો ને ઝાંગને તેની વાતો સાંભળવાની મજા આવતી. આબિદ ચીની નાગરિકની જેમ જ અસ્ખલિત ચાઈનીઝ ભાષા બોલતો. ઝાંગને આબિદ પાસેથી જાણવા મળ્યું કે તેણે ચાઇનીઝ ભાષાનો કોર્સ કર્યો છે અને ચાઈનીઝ રીતરીવાજો વિષે ઘણા પુસ્તકો વાંચ્યા છે. તે પોતે ચાઇનીઝ ઓપેરા ગીતો લખે છે અને બંગાળી ગીતો પણ લખે છે અને ગાય છે.

ઝાંગને આબિદનો ચીન પ્રત્યેનો લગાવ અને પ્રેમ તેને આબિદ પ્રત્યે સંમોહિત કરી રહ્યો હતો. પણ અચાનક આબિદ ગુમ થઈ ગયો. ઘણા દિવસ સુધી ઝાંગને તે દેખાયો નહીં. ઝાંગ વિહવળ થવા લાગ્યો. તેને ભયાનક સપના આવ્યા માંડ્યા હતા. આબિદની ચિંતામાં તેનું કામમાં મન લાગતું ન હતું. બંને વચ્ચેની દોસ્તીને છ મહિના ઉપર થઈ ગયા હતા. બંને નિયમિત મળતા અને અલકમલકની વાતો કરતાં. ઝાંગને પણ કોઈ મિત્ર ન હતો કે કોઈ સ્ત્રી મિત્ર ન હતી એટલે આબિદ વિના તેને એકલવાયું લાગવા માંડ્યું હતું.

બે અઠવાડિયા સુધી આબિદ ન આવ્યો એટલે ઝાંગ સરનામું શોધતાં શોધતાં આબિદના ઘરે પહોંચ્યો. ત્યાં આબિદે ઝાંગને તેની બીમાર માં સાથે ઓળખાણ કરાવી. આબિદે ઝાંગને ન મળવાનું કારણ સમજાવતા જણાવ્યું કે હું મારી માંનો એક જ સહારો છું. મારા પિતા હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા અને મારી બંને બહેનોના લગન થઈ ગયા છે. મારે જ મારી બીમાર માંની સેવાચાકરી કરવી પડે છે.

થોડા દિવસ પછી ફરી બંનેનો નિયમિત મળવાનો ક્રમ ફરી શરૂ થઈ ગયો. એક દિવસ ઝાંગે આબિદને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું અને ઉમર્યું કે પોતે તેના માટે ખાસ ચાઈનીઝ વાનગીઓ બનાવશે જે તેણે કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં નહીં ખાધી હોય.

નક્કી કરેલા દિવસે સમયસર આબિદ ઝાંગે આપેલા સરનામે પહોંચી ગયો. ઝાંગે નોંધ્યું કે આબિદ રોજ કરતાં આજે અલગ લાગે છે. તેણે ડાર્ક બ્રાઉન કાર્ગો પેન્ટ અને તેના પર તેના મેચિંગમાં આવતી ટીશર્ટ પહેરી હતી. તેના કાનમાં લગાડેલી બુટ્ટી તેની સુંદરતામાં ઓર વધારો કરી રહી હતી.

બંને વચ્ચે ચાઈનીઝ સૂપ તોંગ સુઈ પીતાં પીતાં સામાન્ય વાતચીત થઈ. વાતચીત દરમિયાન આબિદની ગંભીર મુખમુદ્રા જોઇને ઝાંગના મનમાં મૂંઝવણ થવા લાગી. જયારે ઝાંગે આબિદને તેનું કારણ પૂછ્યું ને આબિદે જે રહસ્ય છતું કર્યું તે જાણીને ઝાંગના શરીરમાં ઉત્સાહનું મોજું ફરી વર્યું. આબિદે પોતાની સાચી હકીકત જણાવતા કહ્યું કે પોતે પુરુષ નહીં પણ સ્ત્રી છે. પોતાનાથી મોટી બહેનોના જન્મથી નિરાશ થયેલા તેના અબ્બુને તેના જન્મ પેહલા આશા હતી કે ત્રીજું સંતાન તો દીકરો જ આવશે. પણ મારા જન્મથી મારા અબ્બુની એ આશા પર પાણી ફરી વળ્યું. પણ દુનિયાની સામે પોતાને મર્દ સાબિત કરવા મારો ઉછેર એમણે છોકરા તરીકે જ કર્યો. મને નાનપણથી જ છોકરાના કપડાં પહેરાવ્યા. છોકરાઓ જેવા જ વાળ રાખતા. છોકરાઓ સાથે જ રમવા મોકલ્યો અને તેમની સાથે જ દોસ્તી કરવાનું કહ્યું, પણ જેમ જેમ હું મોટી થતી ગઈ અને મારું શરીર સ્ત્રીત્વમાં પ્રવેશ્યું તેમ તેમ મને સ્ત્રી તરીકેના મારા આવેગો રોકવા મુશ્કેલ થઈ ગયા.

આટલું બોલતા બોલતા આબિદના ચેહરા પર લાલાશ છવાતી ઝાંગે નોંધી. ઝાંગે તેની પાસે આવી તેના હોંઠ ચૂમી લીધા. આબિદને પણ પહેલીવાર પોતાને સ્ત્રી હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. તે રાત્રે બંનેના શરીર કપડાંના આવરણ છોડી એકમેકમાં સમાઈ ગયા ને બંને માટે વિજાતીય સ્પર્શ પહેલી વાર હતો. બંને કોઈ અલગ જ વિશ્વમાં રાચી રહ્યા હતા.

બે વ્યક્તિઓ પ્રેમમાં હોય પછી દિવસો ક્યાં વીતી જાય છે તેની જાણ જ રહેતી નથી. ઝાંગ માટે આબિદ હવે આબિદા બની ચુકી હતી. બંને એકબીજામાં ખોવાયેલા રહેતા. એકબીજાને ખુબ પ્રેમ કરતાં હતા. લગભગ ત્રણ મહિના પછી આબીદાને ઝાંગે આંચકો આપતા કહ્યું કે તેની બદલી શ્રીલંકા થઈ ગઈ છે. આબિદા પણ સમજતી હતી કે ઝાંગની નોકરી જ એવી છે કે તે તેને રોકી શકે એમ ન હતી.

જે દિવસે ઝાંગને શ્રીલંકા માટે જવા રવાના થવાનું હતું તે દિવસે આબિદા ઝાંગને એરપોર્ટ પર મુકવા આવી અને જતા પહેલાં ઝાંગને જે સમાચાર આપ્યા તેનાથી ઝાંગ રોમાંચિત થઈ ઉઠ્યો અને આબિદાને ચુંબન કરી લીધું. આબિદા માં બનવાની છે અને ઝાંગ બાપ બનવાનો છે એ વાતે ઝાંગને દુનિયાની એવી ખુશી આપી કે જે તે કોઈને વર્ણવી શકે એમ ન હતો. બંનેએ આવનાર બાળક છોકરો થાય તો શું નામ રાખીશું અને છોકરી થાય તો શું નામ રાખીશું એની પણ ચર્ચા કરી ઝાંગે આબિદાને એકલી મૂકી ભારત છોડી દીધું.

સમય વીતવા લાગ્યો. ઝાંગ શ્રીલંકામાં ગોઠવાઈ ગયો હતો પણ તેના હૃદયમાં આબિદા એટલે ઊંડે સુધી વસી ગઈ હતી કે તે તેને ભૂલી શકતો ન હતો અને ભૂલવા પણ માંગતો ન હતો. કોઈક કોઈકવાર બંને વચ્ચે ફોનથી વાત થઈ જતી.

તેને શ્રીલંકા આવ્યે એક વરસ થવા આવ્યું હતું. ઘણા સમયથી આબિદા સાથે વાત ન થવાથી વિહવળ બનેલો ઝાંગ દસ દિવસની રજાઓ લઈને ભારત આવી સીધો આબિદના ઘરે પહોંચ્યો. આબિદા પહેલાં તો ઝાંગને આમ અચાનક જોઇને આવાક બની ગઈ, પણ બંનેના સંબંધોથી તે ભાગી શકે એમ ન હતી. ઝાંગે ઘરની અંદર આવી જોયું તો તેને આબિદા અને તેની માં સિવાય કોઈ બાળક હોવાનો અહેસાસ ન થયો. તેનું મન પોતાના બાળકની કિલકારીઓ સંભાળવા માટે અધીરું બન્યું હતું પણ તેની ઈચ્છા પર પાણી ફરી વળ્યું જયારે આબિદાએ તેને કહ્યું કે હાલ તે તેના દીકરાને નહીં મળી શકે.

પોતે દીકરાનો બાપ છે એ જાણીને ઝાંગ આનંદિત થઈ ગયો, પણ તેનો આનંદ ક્ષણભરમાં ઓસરી ગયો. આબિદાએ ઝાંગને ચારેક મહિનાના બાળકનો ફોટો બતાવતાં પોતાની મજબૂરી કહી કે તું એક વિદેશી છે અને અમે એવા સમાજમાં જીવીએ છીએ કે તને અને તારા બાળકને અમારો સમાજ સ્વીકારશે નહીં. ઝાંગે આંખમાં હરખના આંસુ સાથે ફોટાને ચૂમી લીધો અને પાછો શ્રીલંકા પોતાની નોકરી પર હાજર થઈ ગયો.

ઝાંગનું શરીર શ્રીલંકા આવ્યું પણ તેનું મન ભારતમાં આબિદા અને પોતાના દીકરા પાસે રહી ગયું હતું. તેની બેચેની એ હદે વધી ગઈ કે શ્રીલંકામાં તેનું મન કોઈ કામમાં લાગતું ન હતું. તેની તબિયત પણ લથડવા માંડી. તેણે ચીન સ્થિત ફોરેન અફેરમાં એક અરજી કરી કે ભારતમાં કોઈ પોસ્ટ ખાલી પડે તો તેને જાણ કરવામાં આવે. તે કોઈ પણ નોકરી કરવા માટે તૈયાર છે.

થોડા સમય પછી કલકત્તામાં ચીન સરકાર દ્વારા ખોલવામાં આવી રહેલી કોન્સ્યુલેટમાં અનુભવી વ્યક્તિની જરૂર હતી. ચીનમાં બેઠેલા ફોરેન અફેરના હેડને લાગ્યું કે ઝાંગ હવે સિનયર થઈ ગયો છે અને તે કલકત્તાની બ્રાંચ માટે યોગ્ય રહેશે તેથી તેની બદલી ત્યાં કરી દેવામાં આવી.

ભારત આવ્યાને થોડાં સમય પછી આબિદા પણ કલકત્તા રહેવા આવી ગઈ હતી. બંનેની મુલાકાતોનો સીલસીલો ફરી પહેલાની જેમ શરૂ થઈ ગયો હતો. ઝાંગ જયારે પણ પોતાના દીકરાને મળવા માટે આજીજી કરતો આબિદા એમ કહીને ટાળી દેતી કે સમાજના ડરને કારણે અને આપણા બંનેના દેશોના સંબંધોને કારણે હું અત્યારે તને તારા દીકરાને નહીં મળાવી શકું. તેણે ઝાંગને એક ત્રણેક વર્ષના છોકરાનો ફોટો બતાવી તેની આતુરતા શાંત કરી દેતાં તેને જણાવ્યું કે હાલ આપણો દીકરો મારી એક સહેલી પાસે રહે છે.

સમય વીતવા સાથે ઝાંગની પોતાના દીકરાને આતુરતા વધી રહી હતી, પણ આબિદા દરવખતે અલગ અલગ બહાના બનાવી વાત ટાળી દેતી. ઝાંગ બાળપણથી જ બહુ જ સંવેદાશીલ હતો. ઝાંગ આબિદાને અનહદ પ્રેમ કરતો હતો એટલે તેની સાથે કોઈ જોર જબરદસ્તી કરતો નહીં, કારણ કે તેને આબિદાને ખોઈ બેસવાનો ડર લાગતો.

ઝાંગ માટે પણ આમ કોઈ ભારતીયને વારંવાર મળવું એ ચીન સરકારના શંકાના ઘેરામાં આવી શકે એમ હતું અને એવો જ ડર આબિદાને પણ હતો. એનો રસ્તો કાઢતા ઝાંગે કહ્યું કે તું મને હિન્દીનું ટ્યુશન આપ, જેથી આપણે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ મળી શકીએ અને તે પ્રમાણે ગોઠવાઈ પણ ગયું. તેમના માટે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ મળવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો.

ઝાંગની તમામ ખુશીઓ ધૂળમાં મળી ગઈ જયારે ત્રણેક મહિના પછી આબિદાએ કહ્યું કે તેની જગ્યાએ ચીન ઓથોરીટીએ બીજા કોઈને હિન્દી શીખવાડવા માટે નિયુક્ત કર્યો છે. ઝાંગને આ વાત સાંભળી ધ્રાસકો લાગ્યો. તેને લાગ્યું કે જાણે ભગવાન તેની ખુશીઓથી રાજી નથી.

આબિદા ચાલીસ વર્ષના શંભુપ્રસાદની ઓળખાણ તેના નવા હિન્દી શિક્ષક તરીકે ઝાંગ સાથે કરાવી તેને અલવિદા કહી દિલ્લી પરત આવી ગઈ. ઝાંગને આબીદાનું આમ ચાલ્યા જવું જરાય ગમ્યું ન હતું, પણ તે પોતાની નોકરી છોડી શકે એમ ન હતો.

થોડા વખતમાં જ હિન્દી શીખતા શીખતા શંભુપ્રસાદ અને ઝાંગ બંને વચ્ચે ઘનિષ્ટ દોસ્તી થઈ ગઈ હતી. ઝાંગ પાસે પોતાનું કહી શકાય એવું કોઈ હતું નહીં, જે પરિવાર હતો તે દૂર ચીનમાં રહેતો હતો.

એક દિવસ બેચેની તોડતા ઝાંગે પોતાનો બળાપો શંભુપ્રસાદ આગળ ઠાલવતા પોતાની અને આબિદાની પ્રેમકહાની કહી અને પોતાના દીકરાને મળવાની મંશા જાહેર કરી. શંભુપ્રસાદે તેને દિલાસો આપ્યો કે તે જરૂર કંઈ કરશે. ઝાંગ ન તો આબિદાને મળી શકતો હતો કે ન તો પોતાના દીકરાને. દિવસે દિવસે તે વધુને વધુ વ્યાકુળ રહેવા લાગ્યો હતો.

એક દિવસ શંભુપ્રસાદને તેણે કહ્યું કે તે આબિદાને અને તેના દીકરાને લઈને હંમેશ માટે ચીન જતો રહેવા માંગે છે. શંભુપ્રસાદ જે ઘડીની રાહ જોતો હતો તે આવી ગઈ હતી હવે તે વધારે મોડું કરવા માંગતો ન હતો. શંભુપ્રસાદે ઝાંગ સમક્ષ એક શર્ત મૂકી કે જો તે તેનું કામ કરી આપે તો આબિદા અને તેનો દીકરો તે તેને અપાવી શકે એમ છે.

પહેલાં તો શર્ત સાંભળી ઝાંગના હોશ ઉડી ગયા પણ તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તેણે શંભુપ્રસાદનું કામ કરી આપવાની બાંહેધરી આપી. લગભગ ચારેક વર્ષ સુધી ઝાંગ શંભુપ્રસાદનું કામ કર્યે રાખ્યું એ આશામાં કે એને એના દીકરા સાથે મળવા મળશે. ચાર વર્ષ પુરા થયા એટલે તેની બદલી શાંઘાઈ થઈ ગઈ, પણ હજી સુધી શંભુપ્રસાદે તેને તેના દીકરા સાથે ભેટો કરાવ્યો ન હતો.

ઝાંગના શાંઘાઈ જતા પહેલાં આબિદા ફરી તેને એક ફોટો બતાવતાં કહે છે કે આ આપણો દીકરો છે. ઝાંગની આંખોમાં ભરાઈ આવી. તેણે એકીટશે પોતાના દીકરા તરફ જોયે રાખ્યું. તેને રડતો જોઈ આબિદા પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. બંને એકબીજાને ફરીથી જલ્દી મળવાના કોલ આપી છુટા પડ્યાં.

શાંઘાઈ જઈને નોકરી શરૂ કરી ઝાંગ પોતાના જીવનને પાટા પર લાવવાની કોશિશ કરવા લાગ્યો, પણ આબિદા અને તેના દીકરાની યાદો તેને ઘેરી વળતી. ઘણીવાર તે રાત્રે સ્વપ્નમાં ઝબકીને જાગી જતો. એને એવો ભાસ થતો કે એનો દીકરો એને બોલાવે છે. પણ તે સ્વપ્નમાંથી જાગતો તો રૂમમાં અંધકાર સિવાય કંઈ ન દેખાતું. તેનું જીવન અંધકારમય બની ગયું હતું.

એક દિવસ બગીચામાં એની મુલાકાત એક ચોવીસ વર્ષની શીન યુ સાથે થઈ. બંને વચ્ચેની મિત્રતા શારીરિક સંબંધ સુધી પહોંચી ગઈ. બંનેને એકબીજાનો સાથ ગમવા લાગ્યો. ઝાંગ પણ પોતાના એકલવાયા જીવનમાં કોઈનો સાથ ઝંખતો હતો. બંનેના સંબંધને લગભગ એક વર્ષ થઈ ગયું હતું ને એક દિવસ અકસ્માતમાં શીન યુ નું મૃત્યુ થયું.

શીન યુ ના મોતના બે મહિના વીત્યા હતા. ઝાંગ પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે શંભુપ્રસાદનો ફોન આવ્યો. ફોનમાં જે માહિતી મળી તે સાંભળીને તેનો હર્ષ સાતમાં આસમાને પહોંચી ગયો હતો. શંભુપ્રસાદ તેને જણાવે છે કે શાંઘાઈમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જો તે આબિદા અને તેના દીકરાના વિઝા કરાવી દે તો બંને ત્યાં આવી શકે.

ઝાંગે પોતાના એક મિત્ર મારફતે બંનેના વિઝા કરાવી બંનેને શાંઘાઈ બોલાવી લીધા. ઝાંગે પોતાના પરિવાર સાથે પોતાના દીકરાની ઓળખાણ કરાવી, પણ આબિદાની ઓળખાણ પોતાના દીકરાના મામા તરીકે કરાવી. આબિદાએ પુરુષના કપડાં પહેર્યા હતા. તને જોઇને કોઈ કહી જ ન શકે જે તે સ્ત્રી હશે.

ઝાંગ આબિદા અને તેના દીકરા રશીદ સાથે ખુશ રહેવા લાગ્યો હતો. ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો, આબિદા અને તેના દીકરાના વિઝા લંબાયે જતા હતા. પણ જેના નસીબમાં સુખ ઝાઝો સમય ટકતું ના હોય તેમણે હરહંમેશ મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે. ઝાંગ પણ કંઈક આવું જ નસીબ લઈને જન્મ્યો હતો.

આબિદાને આવ્યે લગભગ એક વર્ષ વીત્યું હશે. એક દિવસ ઝાંગને ઘરેથી પાંચ અધિકારીઓની ટીમે પકડ્યો અને તેને પૂછપરછ માટે તેમની ઓફિસે લઈ આવ્યા. ઝાંગે પોતે એમ્બેસીમાં નોકરી કરતાં સરકારી અધિકારી હોવાની દલીલ કરી પણ અધિકારીઓ તેની કોઈ દલીલ સંભાળવાના મુડમાં લાગતા ન હતા.

પૂછપરછ રૂમમાં પાંચેય અધિકારીઓની ટીમે તેને પૂછ્યું કે તેના પરિવારમાં કોણ કોણ છે, જેના જવાબમાં તેણે પત્ની અને દીકરો હોવાનું જણાવ્યું. અધિકારીઓએ જયારે આબિદા વિષે પૂછ્યું અને તેણે પોતાની પત્ની હોવાની માહિતી આપી ત્યારે પાંચેય અધિકારીઓ ખડખડાટ હસવા લાગ્યા. તેમણે તેને જણાવ્યું કે કાંતો તું મુર્ખ છે કાંતો અમને મુર્ખ સમજે છે. આખી ઘટના સમજવા મથી રહેલો ઝાંગ મગજ પર જોર લાગવવા છતાં સમજી શકતો ન હતો કે શું બની રહ્યું હતું અને કેમ આ અધિકારીઓ તેની મજાક કરી રહ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું કે આબિદા ભારતીય જાસૂસ છે. હવે હસવાનો વારો ઝાંગનો હતો. જે સ્ત્રી સાથે પોતે સહશયન કર્યું હતું, જેમના પ્રેમની નિશાની સ્વરૂપે નવ વર્ષનો દીકરો હતો તે સ્ત્રીને દસ વર્ષથી ઓળખતો હતો તેને આ લોકો જાસૂસ કહી રહ્યા હતા.

સીનીયર અધિકારીએ તેના હાસ્યમાં ભંગ પડતા કહ્યું, “શું હસે છે, અહીં મજાક ચાલી રહી છે?”

ઝાંગને મજાક જ લાગી રહી હતી. તને હસતાં હસતાં કહ્યું, “તમે વાત જ એવી કરો છો એટલે હસવું જ આવે ને.”

પેલા અધિકારીના મોમાં ગાળ આવી ગઈ, પણ એક તરફ ઝાંગની દયા પણ આવતી હતી. કારણ કે તેને આબાદ રીતે બેવફૂફ બનાવાયો હતો. અધિકારીએ વધુ ખુલાસો કરતાં કહ્યું કે તે જેને પોતાની પત્ની સમજે છે તે ભારતીય જાસૂસ છે. ઝાંગ હજી પણ તેમની વાત માનવા તૈયાર ન હતો.

એક અધિકારી બાજુના રૂમમાં બેઠેલા આબિદાને લઈ આવ્યો. આબિદાને જોતાવેંત ઝાંગ બોલી ઉઠ્યો, “આ લોકો કહી રહ્યા છે કે તું જાસૂસ છે. કહી દે કે આ મજાક છે.” આબિદા જાણે કંઈ બન્યું જ નથી અને પોતે કંઈ જાણતો જ નથી એવો ઢોંગ કરી રહી હતી. તેણે ઝાંગને તસલ્લી આપી કે આ લોકો ખોટું બોલી રહ્યા છે. હું અને તું જ જાણીએ છીએ કે હકીકત શું છે. આપણે પ્રેમ કરીએ છીએ. અધિકારીઓ તેની વાત સાંભળી ફરી મન મુકીને હસી પડ્યા. તેમના માટે આખો પ્રસંગ જ એવો હતો કે તેઓ હસવું રોકી શકતા ન હતા.

એક અધિકારીએ ઝાંગને વધુ ખુલાસો કરતાં પૂછ્યું કે તે શંભુપ્રસાદને ઓળખે છે. જેના જવાબમાં ઝાંગએ હેરાની સાથે હા કહ્યું. પેલા અધિકારીએ ઝાંગને આખી ઘટનાથી વાકેફ કરતાં કહ્યું કે શંભુપ્રસાદ અને આબિદા બંને ભારતીય જાસૂસ છે અને રો માટે કામ કરે છે. તને બેવકૂફ બનાવી તારી પાસેથી ચીન સરકારના સિક્રેટ ડોક્યુમેન્ટ લઈ લીધા છે. આપણી અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા પરમાણુ સંધિના લગભગ પાંચસો જેટલા સિક્રેટ ડોક્યુમેન્ટ તેં આ તારી કહેવાતી પત્ની અને પેલા શંભુપ્રસાદ જેનું સાચું નામ આમોદ મિશ્રા છે તેને સોંપી દીધા છે. છેલ્લા સાત વર્ષમાં તારી જ્યાં જ્યાં બદલી થઈ ત્યાંથી આ દરેક સિક્રેટ ડોક્યુમેન્ટ ગાયબ થયા છે અને એ તેં આ લોકોને સોંપ્યા હતા.

ચીનની કોર્ટમાં આબિદા અને ઝાંગ પર ચીન સરકારના સિક્રેટ ડોક્યુમેન્ટ ચોરવાના આરોપ સર ચલાવેલા કેસમાં બંનેને ફાંસીની સજા આપવામાં આવી. ફાંસીના થોડા દિવસો પહેલાં ઝાંગે છેલ્લી વાર પોતાની પત્ની આબિદાને મળવાની અરજી કરી. તેમને જે દિવસે ફાંસી આપવાની હતી તેના બે દિવસ પહેલાં બંનેની મુલાકાત ગોઠવવામાં આવી.

એક ઓરડામાં ઝાંગ અને આબિદા એક મેકની સામે ગુમસુમ બેઠા હતા. આબિદાને ચીની અધિકારીઓએ શારીરિક અને માનસિક રીતે તોડી નાખી હતી. તેણે સખત ત્રાસ આપવા છતાં પણ પોતે જાસુસ હોવાનો ઇનકારની વાત પકડી રાખી હતી. ઝાંગ પણ માનવા તૈયાર ન હતો કે આબિદા એક જાસૂસ છે. તેને ચીન સરકારે આબિદા અને તેના દીકરા રશીદનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો તે પણ બતાવ્યો, જેમાં એ સ્પષ્ટ હતું કે રશીદ તેમનો દીકરો નથી. ઝાંગ સત્ય હકીકત આબિદના મુખે સંભાળવા માંગતો હતો. તેથી જ આજે બંને સામસામે બેઠા હતા.

ઓરડામાં પ્રવર્તમાન શાંતિનો ભંગ કરતાં ઝાંગ બોલ્યો, “હવે આપણી પાસે બે દિવસ જ છે. મારે સત્ય જાણવું છે કે શું તું ખરેખર જાસૂસ છે? મને જે ડીએનએ બતાવ્યો છે તેમાં આપણા બંનેમાંથી કોઈનો ડીએનએ રશીદ સાથે મેચ નથી થતો, કેમ? મારે મરતા પહેલાં હકીકત જાણવી છે.

આબિદા હજી એકદમ શાંત અને ચુપ હતી. આબિદાએ ધારણ કરેલુ મૌન ઝાંગને વધુને વધુ કોરી ખાતું હતું. ઝાંગ પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેઠો અને હૈયાફાટ રડવા લાગ્યો. તેના રુદને આબિદાના હૃદયને પીગળાવી મુક્યું. જે ચીન ઈન્ટેલીજન્સ સામે ન તૂટી તે ઝાંગ સામે ભાંગી પડી અને પોતાની આખી કહાની તેણે કહેવા માંડી.

આબિદાએ બોલવાનું શરૂ કર્યું. ઝાંગ શાંતચિત્તે તેની વાત સાંભળવા માંગતો હતો. તેણે પોતાની જાત પર કાબુ મેળવ્યો અને આંસુ લુછી નાંખ્યા. આબિદા બોલી, “મારો જન્મ ક્યાં થયો હતો અને મારા માં બાપ કોણ છે એની મને ખબર નથી. હું એક અનાથ આશ્રમમાં ઉછરી હતી. મને નાટક અને સંગીતમાં નાનપણથી રસ હતો એટલે મેં સોળ વર્ષે જ નાટકમાં અભિનય કરવાનું અને સંગીત મહેફિલમાં ગાવાનું શરૂ કર્યું. મને ચાઇનીઝ ઓપેરા ગીતો ગાવા ખુબ ગમતા. મારો અવાજ પણ તેના માટે અનુરૂપ હતો. એક દિવસ હું મારો પ્રોગ્રામ પતાવીને કલબની બહાર નીકળી ત્યારે મને એક વ્યક્તિ મળી જેનું નામ આમોદ મિશ્રા હતું. એજ જે તને હિન્દી શીખવવા શંભુપ્રસાદ બનીને આવ્યા હતા. તેમણે મને તેમની સાથે કામ કરવાની ઓફર કરી. મને ખબર પડી કે તે રો માં કામ કરે છે. એમણે કહ્યું ત્યાં સુધી મને રો શું છે એ ખબર ન હતી. પણ દેશ માટે કુરબાન થવાનો મોકો નસીબ હોય એને જ મળે. તેમણે મને ટ્રેનીંગ આપી. એમણે મને ચાઇનીઝ ભાષા શીખવી. રશીદ આપણું સંતાન નથી, કારણ કે હું માં બની શકું એમ નથી. મેં પહેલાં જ ઓપરેશન કરાવી નાખ્યું હતું. અમે જ તારી પાસેથી એ ડોક્યુમેન્ટ લીધા હતા જે અમારા ભારત માટે ખતરારૂપ હતા. તારા દેશ ચીનની સરકાર પાકિસ્તાન સાથે મળીને અમારા દેશ ભારતને ડરાવવા અને તમારું પ્રભુત્વ વધારવા પરમાણું હથિયાર બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. જે મેલી મુરાદ અમે નિષ્ફળ બનાવી છે. મારા દેશ માટે મરવું મારા માટે ગૌરવ છે. મારા મોતથી મારા દેશમાં કોઈને કંઈ ફરક નહીં પડે કે ના તો મારું નામ શહીદોના લીસ્ટમાં આવશે. ના તો મારું સન્માન થશે. પણ મને ખુશી એ વાતની છે કે મારી કુરબાનીથી મારા સો કરોડ ભાઈ બહેનો શાંતિથી જીવી શકશે. મારી આવી સો જિંદગીઓ મારા ભારત માટે કુરબાન. મારા બલિદાનથી મારો દેશ આબાદ રહેશે. જય હિંદ. આબિદા એક ક્ષણ પણ રોકાયા વિના ત્યાંથી નીકળી ગઈ. ઝાંગ તેને જતા જોઈ રહ્યો.