"મમ્મી, જો આપણે સારા, તો બધા સારા. છેવટે, દરેકનું હૃદય સારું જ હોય છે."
આ ટિપ્પણી સાંભળીને, સારિકાની મમ્મી, સોનલ બેન કટાક્ષમાં હસી પડ્યા અને વ્યવહારિક રીતે કહ્યું, "બેટા, વ્યંગાત્મક રીતે, રામ રાજ્યમાં પણ આ માન્યતાનું કાંઈ તથ્ય નહોતું. અને હવે તો આપણે કલયુગમાં જીવી રહ્યા છીએ. શું તને લાગે છે કે વર્તમાન સમયમાં તેનું કોઈ મહત્વ હશે?"
સારિકા મુંઝવણમાં પડી ગઈ અને તેણે તેની મમ્મીને પ્રશ્ન કર્યો, "મમ્મી, હું સમજી નહીં, તમે કહેવા શું માંગો છો?"
સોનલ બેને વધુ સ્પષ્ટતા કરી, "'આપણે સારા, તો બધા સારા!' જો આ અવતરણમાં કોઈ સત્ય હોત, તો દાસી, મંથરાના કાવતરાથી ગેરમાર્ગે દોરાઈને, રાણી કૈકેયી એ શ્રીરામને ચૌદ વર્ષના વનવાસ માટે મોકલવાનો આગ્રહ ન કર્યો હોત."
"હમ્મ." સારિકા વિચારશીલ બની ગઈ, અને સોનલ બેને તેમના અનુભવના જ્ઞાનમાંથી સારિકાને બીજી સલાહ આપી. "યાદ રાખજે દીકરી, આપણા વેપારના ભેદ બધાને ન કહેવાય, નહીં તો લોકો આપણી માસૂમિયતને મૂર્ખતાનું લેબલ આપી દે, અને તેનો અયોગ્ય લાભ ઉપાડવામાં જરાય વિલંબ ન કરે. બરાબર આપણી પાડોશી કલ્યાણીની જેમ."
સારિકા અને સોનલ બેન, સ્થાનિક બજારમાં ઈમિટેશન જ્વેલરીની નાની દુકાન ચલાવતા હતા. તેમના નમ્ર સ્વભાવ અને સારી વ્યાપારી સમજને કારણે તેઓએ ખૂબ નામ કમાવ્યું હતું. તેમ છતાં, તેમની ચાલાક પાડોશી, કલ્યાણી હંમેશા તેમની સમૃદ્ધિની ઈર્ષ્યા કરતી હતી. તે મા-દીકરીની જોડીની પ્રગતિનું અવલોકન કરતી અને ઈર્ષ્યાથી બળી જતી. તેમના વેપારમાં પગ જમાવવા માટે, કલ્યાણી મહિનાઓથી ગુપ્ત રીતે કાવતરું કરી રહી હતી.
બહુ વિચાર કર્યા પછી કલ્યાણીએ એક યોજના બનાવી, અને સારિકાને મળવા આવી. તેના શબ્દોમાંથી મધ ટપકતું હતું. "હેલો ડિયર. હું તારી હિંમતની પ્રશંસા કરું છું. પુરુષોની દુનિયામાં પોતાની ઓળખ મેળવવી અને જાળવી રાખવી, એ ખરેખર નોંધપાત્ર છે. મને તારી સિદ્ધિઓ પર ગર્વ છે."
સારિકાએ તેની વાત સાંભળી અને નમ્રતાથી કહ્યું, "આંટી તમારો આભાર."
સોનલ બેન કલ્યાણીને શંકાની નજરે જોઈ રહ્યા. એમને આશ્ચર્ય થયું કે કલ્યાણી શા માટે તેની દીકરીના આટલા વખાણ કરી રહી હતી. નિશ્ચિતપણે આ માસૂમિયત એક મુખવટો હતો, જરૂર આ નકલી પ્રશંસાની પાછળ તેનો કોઈક ગુપ્ત હેતુ હોવો જોઈએ.
ધીરે ધીરે, કલ્યાણી તેની મુલાકાતના મુખ્ય કારણ ઉપર આવી. "સારિકા, હું યુ.એસ.માં મારા સંબંધીઓને ઈમિટેશન જ્વેલરી મોકલવા માંગુ છું. પણ મારે ઘણી બધી ખરીદી કરવી છે. મહેરબાની કરીને મને માર્ગદર્શન આપીશ, કે હું તેને હોલસેલમાં ક્યાંથી ખરીદી શકું, જેથી થોડા પૈસા બચી શકે."
સોનલ બેનને આ પાસું ખોટુ અને શંકાસ્પદ લાગ્યું. અમેરિકન નાગરિકો ભારતીય ઈમિટેશન જ્વેલરી શા માટે પસંદ કરશે? પરંતુ તે તેની પુત્રીને રોકે, તે પહેલા જ માસૂમ સારિકાએ કલ્યાણીને હોલસેલરનું સરનામું આપી દીધું. સોનલ બેનનો વધુ પારો ચડ્યો જ્યારે સારિકાએ કહ્યું, "આન્ટી, તેને મારું નામ આપશો, તો તમને હજી આગળ ૧૦% ડિસ્કાઉન્ટ મળશે."
કલ્યાણી આનંદથી નાચી ઉઠી, "ઓહ દીકરી, તું કેટલી સારી છે! તારો ખૂબ ખૂબ આભાર."
કલ્યાણીના ગયા પછી, સોનલ બેને સારિકાને ઠપકો આપ્યો, "મને આ જરા પણ ન ગમ્યું સારિકા. કલ્યાણીને કોઈ માહિતી આપતાં પહેલાં તારે મારી સાથે ચર્ચા કરવી જોઈતી હતી. એને મળ્યા પછી મને નકારાત્મક આભાનો અનુભવ થઈ રહ્યો છે. ચોક્કસ તે કોઈ છળકપટ કરવાની હશે."
પણ સારિકાએ આ વાતને વધુ મહત્વ ન આપ્યું.
"મમ્મી છોડો ને. હું ખુશ છું કે આપણે તેને મદદરૂપ થઈ શક્યા."
પરિણામે સોનલ બેનની શંકા સાચી સાબિત થઈ. એક મહિના પછી, કલ્યાણીએ બજારમાં પોતાની જ્વેલરીની દુકાનનું ઉદઘાટન કર્યું, અને તે તેમની પ્રતિસ્પર્ધી બની ગઈ.
સોનલ બેન ગુસ્સાથી તમતમી ગયા, અને સ્વાભાવિક રીતે સારિકા તેમની ભડાસનો બલિનો બકરો બની ગઈ. "સારિકા, જોયું, કલ્યાણીએ શું કર્યું! તેણે આપણી પાસેથી મદદ લીધી અને આપણી જ પીઠમાં છુરો ભોંક્યો. શું તું હજી પણ માને છે કે આપણે સારા, તો બધા સારા!"
સારિકાએ સોનલ બેનના ખભે હાથ મૂકીને શાંતિથી કહ્યું, "મમ્મી, જો તે માન્યતામાં કોઈ સત્ય ન હોય, તો પણ હું તેના પર વિશ્વાસ કરવા માંગુ છું. તમને ખબર છે શા માટે?"
સોનલ બેને દીકરી સામે આંખ કાઢી, "કેમ?"
"કારણ કે તે આપણા પોતાના ચારિત્ર્યને અંકુશમાં રાખે છે. આપણી આસપાસ કેટલું પણ ખોટું થતું હોય, અલબત્તા આ માન્યતા સાથે આપણે સારા બનેલા રહીએ અને નેકી કરતા રહીએ."
સોનલ બેનની નારાજગી ઓગળી ગઈ અને દીકરી માટે માન થયું. સારિકાએ આગળ કહ્યું, "મમ્મી ચિંતા ન કરો, કલ્યાણી આંટી ફક્ત જ્વેલરી શોપ ખોલીને આપણને પડકાર નથી આપી શકતા. સફળ થવા માટે, તેને વેપારની સમજ હોવી જોઈએ અને ગ્રાહકો સાથે સારી વર્તણુકની પણ જરૂર પડશે. બસ જોયા કરો, કોને ખબર કાલ કેવી પડે!"
કલ્યાણીનો ભ્રષ્ટ સ્વભાવ તેનો પોતાનો દુશ્મન સાબિત થયો. લાંબી વિગતોમાં ન પડીએ, પરંતુ, ઘણી ઉથલપાથલ થઈ, અને કલ્યાણીના વેપારમાં ઘણું ખોટું થયું. ટૂંક સમયમાં તેને દુકાન બંધ કરવી પડી, તેને જે નુકસાન સહન કરવું પડ્યું તેનો તો શું ઉલ્લેખ કરીએ!
જેવી નીયત એવી બરકત!!
શમીમ મર્ચન્ટ, મુંબઈ
__________________________________
લેખિકાના વિચાર
નમસ્કાર મિત્રો
મારી દરેક વાર્તા, જીવનના અનુભવ, આપણા મૂલ્યો અને ભાવનાઓથી પ્રેરિત હોય છે. તમે બધાએ ક્યારે ન ક્યારે કલ્યાણી જેવી વ્યક્તિને મળ્યા હશો યા એના વિશે બીજાથી સાંભળ્યું હશે. વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરવા વિનંતી. આભાર.
________________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Shades Of Simplicity
Follow Me On My Blog
https://shamimscorner.wordpress.com/