Varasdaar - 14 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 14

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વારસદાર - 14

વારસદાર પ્રકરણ 14

"મંથન સાથે મેં એના અદિતિ સાથેના નાનપણમાં થયેલા વેવિશાળની વાત કરી દીધી છે. મંથને હજુ ફાઈનલ નિર્ણય લીધો નથી છતાં મોટાભાગે તો એની હા જ છે. છોકરો એકદમ સીધો અને સંસ્કારી છે. અદિતિ માટે એકદમ યોગ્ય પાત્ર છે. જ્યાં સુધી એને મળ્યો ન હતો ત્યાં સુધી મને બહુ જ ચિંતા હતી પરંતુ એને મળ્યા પછી મારું બધું ટેંશન દૂર થઈ ગયું છે. " ઝાલા એમના બેડરૂમમાં એમની પત્ની સરયૂબાને કહી રહ્યા હતા.

મંથન બેડરૂમમાં ચાલ્યો ગયો એ પછી સરયૂબા સાથે ઝાલા સાહેબે અદિતિની ચર્ચા ચાલુ કરી હતી.

" વિજયભાઈના દીકરા તો બહુ સરસ છે. મને પણ ગમ્યા. કેટલા બધા સંસ્કારી છે ! આપણી અદિતિ માટે એકદમ યોગ્ય પાત્ર છે. એમની હા આવી જાય તો આપણે આ વર્ષમાં જ લગ્ન કરાવી દઈએ. એ પણ બિચારા અત્યારે એકલા જ રહે છે." સરયૂબા બોલ્યાં.

" એ જો મુંબઈમાં સેટ થઈ જાય તો મારી બધી ચિંતા દૂર થઇ જાય. અહીં એના માટે ઘણી બધી તકો છે. અને છોકરો પાછો એકદમ પાણીદાર છે. ધંધામાં સૂઝ પણ ઘણી છે. " ઝાલા બોલ્યા.

" મંથનકુમાર અને અદિતિ પહેલીવાર મળી રહ્યાં છે ત્યારે પણ એકબીજામાં કેટલાં બધાં હળીભળી ગયાં છે જાણે કે વર્ષોથી એકબીજાને ઓળખતાં હોય ! " સરયૂબા બોલ્યાં.

" તમારી વાત એકદમ સાચી છે. મેં પણ એ વસ્તુ માર્ક કરી. મજાક મસ્તી કરતાં જ રહે છે. અદિતિ આજ સુધી કોઈ સાથે આટલી બધી મિક્સ નથી થઈ. " ઝાલાએ કહ્યું.

બીજા દિવસે સવારે મંથન અને ઝાલા અંકલ બંને વહેલા તૈયાર થઈ ગયા. નવ વાગે પટેલ શોપિંગ સેન્ટરમાં મનસુખભાઈના ફ્લેટ ઉપર ગુરુજીનાં દર્શન કરવા પહોંચવાનું હતું.

"અંકલ... મનસુખ અંકલને ગુરુજીનો પરિચય કઈ રીતે થયો ? મુંબઈમાં ગુરુજી માત્ર મનસુખ અંકલના ઘરે જ ઉતરે છે ? " મંથને પૂછ્યું.

" મુંબઈમાં ગુરુજીના પાંચ ઉતારા છે. એ જ્યારે પણ આવે ત્યારે થોડા થોડા દિવસ આ પાંચેય ભક્તોના ત્યાં જાય છે. મુલુંડ, પ્રભાદેવી, જુહુ, ઘાટકોપર અને અહીં બોરીવલી. એ બે-ત્રણ વર્ષે એક વાર જ આવે છે. " ઝાલા અંકલ બોલ્યા.

મંથનના બીજા પ્રશ્નના જવાબમાં ઝાલા અંકલ ભૂતકાળમાં સરી ગયા.
*******************"
મનસુખભાઈ અને વિજયભાઈ બંને ખાસ મિત્રો હતા. એ બંને કન્સ્ટ્રક્શનના ધંધામાં હતા. એડવોકેટ ઝાલા એમના લીગલ સલાહકાર હતા.વિજયભાઈની સ્કીમો અંધેરી બાજુ ચાલતી જ્યારે મનસુખભાઈની સ્કીમો દહીસર અને મીરા રોડમાં ચાલતી.

વર્ષો પહેલાં ૧૯૯૦માં મનસુખભાઈનો ખૂબ જ ખરાબ સમય આવ્યો. કન્સ્ટ્રક્શનના ધંધામાં એક તરફ મંદી આવી તો બીજી તરફ એમના ઉપર ક્રિમીનલ કેસ થઇ ગયો. એમના મેનેજરે એમની એક સ્કીમમાં એક જ ફ્લેટ બોગસ દસ્તાવેજ બનાવીને બે કસ્ટમરને વેચી દીધો. કંપનીના માલિક તો મનસુખભાઈ જ હતા. કેસ મનસુખભાઈ ઉપર થયો. એ જ વર્ષે ઈન્કમટેક્ષની રેડ પણ પડી. એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા.

અચાનક એમને કોઈકે કહ્યું કે " એક સિદ્ધપુરુષ ઘાટકોપરમાં આવ્યા છે. તમે એમનાં દર્શન કરી આવો. એમના જો આશીર્વાદ મળી જશે તો તમારું બધું ટેન્શન પૂરું થઈ જશે." બસ પછી તો પૂછવું જ શું ? મનસુખભાઈ બીજા દિવસે સવારે પેલા ભાઈએ આપેલા એડ્રેસ ઉપર પહોંચી ગયા.

મનસુખભાઈ તો ગુરુજીના પગમાં જ પડી ગયા અને ખૂબ રડ્યા. ગુરુજીએ એમના માથે હાથ મૂક્યો. કંઈ પણ બોલ્યા વગર આંખો બંધ રાખીને પાંચ મિનિટ સુધી એમના માથા ઉપર હાથ રાખ્યો.

" તમે સાત આઠ મહિના પહેલાં નાલાસોપારામાં એક જમીન ખરીદી છે ? " ગુરુજીએ એમને કહ્યું.

" હા ગુરુજી. સસ્તામાં સોદો થયો એટલે એ મોટો પ્લોટ ખરીદી લીધો. "

" બસ એ જમીન ખરીદ્યા પછી તમારી પડતી શરૂ થઈ છે. એ આખીય જમીન ઉપર એક જમાનામાં કબ્રસ્તાન હતું. ભયંકર મલીન તત્ત્વો એ જગ્યા ઉપર છે. તમે મોટી ભૂલ કરી દીધી છે. તમે તાત્કાલિક એ જગ્યા વેચી દો. ઓછા ભાવે પણ એ જગ્યા કાઢી નાખો. " ગુરુજીએ એમને સલાહ આપી.

" જી ગુરુજી "

" એ જગ્યા ખરીદ્યા પછી મલીન તત્વોના કારણે તમારા પાછલા જન્મોનાં પાપ કર્મો પણ જાગૃત થઈ ગયાં છે. કર્મોની સજા તો ભોગવવી જ પડે. એટલે તમારા કર્મોને હું બાળી ના શકું પરંતુ અમુક કર્મોનું ફળ વિલંબમાં મળે એવું કરી શકું. તમને રાહત ઘણી થઇ જશે. પરંતુ એ કર્મોનું ફળ બીજી રીતે તમારે ભોગવવું પડશે. અને હું તમને એક મંત્ર આપું છું. રોજ પાંચ માળા આ મંત્રની કરજો. " ગુરુજી બોલ્યા.

ગુરુજીની મુલાકાત પછી એમણે એક મહિનામાં જ એ પ્લોટ સસ્તા ભાવે વેચી દીધો. એ પછી મનસુખભાઈની જિંદગી જ જાણે બદલાઈ ગઈ ! કોર્ટ કેસમાં અચાનક સમાધાન થઈ ગયું. ઇન્કમટેક્સમાં પણ એ બહાર નીકળી ગયા. એમની સ્કીમમાં ફ્લેટો વેચાવા લાગ્યા.

બસ પછી તો મનસુખભાઈ ગુરુજીના પરમ ભક્ત બની ગયા. ગુરુજી જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે મનસુખભાઈ એમના ઘરે અચૂક લઇ આવતા. આ વખતે પણ એમને ખબર પડી એટલે એ ગુરુજીને પોતાના ઘરે તેડી લાવ્યા.
*******************
યાદ કરીને ભૂતકાળની આ તમામ વાતો ઝાલા અંકલે મંથનને કરી.

" આ તો ખરેખર ચમત્કાર જ કહેવાય" મંથન બોલ્યો.

" હા. એ પછી તો મનસુખભાઈ એમના ભક્ત બની ગયા છે. ગુરુજીએ એમને કહ્યું એ પ્રમાણે મનસુખભાઈનાં કર્મોનું ફળ બીજી રીતે મળવાનું ચાલુ થયું છે. કારણ કે કર્મનું ફળ મિથ્યા થઈ શકતું નથી. ઈશ્વર કે સંતની કૃપાથી સમય આઘો પાછો થઈ શકે છે." ઝાલા અંકલ બોલ્યા.

" હું સમજ્યો નહીં. " મંથને કહ્યું.

" મનસુખભાઈને ત્રણ મહિનાથી બ્લડ કેન્સર થયું છે. " ઝાલા અંકલે કહ્યું.

" ઓહ... " મંથનથી બોલાઈ ગયું.

" ગુરુજી ની તમામ વાતો સાચી પડે છે. મેં તમને ગઈકાલે કહેલું એમ તમારા પપ્પાને પણ એમણે કહી દીધેલું કે તમારી પત્ની અને તમારા પુત્રનો મેળાપ તમને હવે આ જન્મમાં નહીં થઈ શકે." ઝાલા અંકલે કહ્યું.

" હવે તો હું પણ એમનાં દર્શન કરવા આતુર છું. ચાલો આપણે નીકળીએ. " મંથન બોલ્યો.

" હા ચા પીને નીકળીએ જ છીએ. મેં ચા નું કહી દીધું છે. પટેલ શોપિંગ સેન્ટર બાજુમાં જ છે. ગાડીમાં પાંચ મિનિટનો રસ્તો છે." ઝાલા અંકલ બોલ્યા.

થોડીવારમાં અદિતિ ચાના બે કપ લઈને આવી. મંથન એને જોઈ રહ્યો. પોતે જો હા પાડે તો આ ખૂબસૂરત અદિતિ એની ભાવિ પત્ની હતી. એને પહેલી નજરે જોઇ ત્યારે જ મંથન આકર્ષાઈ ગયો હતો. એણે જીવનમાં ઘણી છોકરીઓ જોઇ હતી પણ આ રાજપૂત કન્યાનું અદ્ભુત સૌંદર્ય એને પાગલ બનાવી ગયું હતું.

" સવાર સવારમાં બંનેની સવારી ક્યાં ઉપડી ? " અદિતિએ પપ્પાને પૂછ્યું અને પછી મંથન સામે જોયું.

" મનસુખભાઈના ત્યાં ગુરુજી આવ્યા છે ને ? એમનાં દર્શન કરવા જઈએ છીએ. " ઝાલા અંકલે જવાબ આપ્યો.

" પણ આમને આ ઉંમરે દર્શન કરવાની ક્યાં જરૂર છે પપ્પા ? " અદિતિ બોલી.

" ઘરે બેસી રહે એના કરતાં ગુરુજીના આશીર્વાદ લે તો એમાં ખોટું શું છે ? એમને પણ દર્શન કરવામાં રસ છે. " અંકલ બોલ્યા.

અદિતિ એ વખતે તો કંઈ બોલી નહીં પરંતુ પપ્પા જેવા ચાનો ખાલી કપ લઈને કિચનમાં ગયા કે તરત જ એણે તક ઝડપી લીધી.

" ભગવા રંગની માયા ના લાગી જાય એનું ધ્યાન રાખજો. " ધીમે રહીને અદિતિ બોલી.

" વિચાર તો એવો જ હતો. પરંતુ રાજકુમારીને જોયા પછી એ વિચાર માંડી વાળ્યો છે." મંથન બોલ્યો.

" બોલવામાં તમને નહીં પહોંચાય." અદિતિ શરમાઈને બોલી અને મંથનનો ખાલી કપ લઈને કિચનમાં દોડી ગઈ.

મંથનને લઈને ઝાલા અંકલ નીચે ગયા. રસ્તામાં ફૂલોની દુકાનમાંથી ગુલાબનો એક હાર લીધો અને પછી પટેલ શોપિંગ સેન્ટરમાં મનસુખભાઈના ઘરે પહોંચી ગયા.

મુખ્ય હોલમાં જ સોફા ઉપર સ્વામી સર્વેશ્વરાનંદજી બેઠા હતા. જ્યારે બાકીના પાંચેક દર્શનાર્થીઓ નીચે ગાલીચા ઉપર બેઠા હતા. ભક્તોએ પહેરાવેલા ગુલાબના ત્રણ-ચાર હાર પણ ગુરુજીની બાજુમાં પડ્યા હતા. ગુરુજીને જોઈને મંથનને રજનીશજી યાદ આવ્યા.

ઝાલા અંકલે સૌથી પહેલા ગુરુજીને ગુલાબનો હાર પહેરાવીને નીચે નમી એમના ચરણસ્પર્શ કર્યા. એ પછી મંથને પણ ઘૂંટણિયે પડી ગુરુજીના પગ પકડી લીધા અને એમના ચરણોમાં માથું મૂક્યું.

ગુરુજીએ એના માથા ઉપર હાથ મૂક્યો. મંથન ધીમેથી ઉભો થઈને બાજુમાં ગાલીચા ઉપર બેસી ગયો. ગુરુજીએ મંથનની સામે જોયું અને મંદ મંદ સ્મિત કરવા લાગ્યા.

" મંથન નામ છે ને તારું ? "

" જી ગુરુજી. " મંથને આશ્ચર્યથી કહ્યું.

" તારી જ રાહ જોતો હતો. સત્સંગ પતી જાય પછી મારા રૂમમાં આવજે "

બધા ભક્તો ગુરુજી સામે જોઈ રહ્યા.
ઝાલા અંકલને ખૂબ જ આશ્ચર્ય થયું કે પહેલીવાર મંથન એમને મળતો હતો છતાં એમણે એને નામ દઈને બોલાવ્યો હતો અને એને ધ્યાન રૂમમાં પણ બોલાવ્યો હતો.

એ પછી અડધો પોણો કલાક સત્સંગ અને પ્રશ્નોત્તરી ચાલી. છેલ્લે તમામ ભક્તોને સમારેલાં ફ્રુટનો પ્રસાદ પડીયામાં વહેંચવામાં આવ્યો. બધા ભક્તો ગયા પછી સ્વામીજી ઊભા થયા અને પોતાના અલગ બેડરૂમમાં ગયા.

થોડીવાર પછી મંથન પણ ઝાલા અંકલની રજા લઈ ગુરુજીના રૂમમાં ગયો. બેડ સાઈડમાં કરી દીધો હતો અને એક નાનકડો સોફા ગોઠવ્યો હતો. સ્વામીજી આ સોફા ઉપર બેઠા હતા. નીચે નાનો ગાલીચો પાથર્યો હતો. મંથન ફરીથી પ્રણામ કરીને ગાલીચા ઉપર બેઠો.

" બાબાકી તુમ પર બહુત કૃપા હૈ બચ્ચા." ગુરુજી હસીને બોલ્યા.

આ અવાજ તો એકદમ જાણીતો હતો. અરે આ તો એ જ અવાજ હતો ! અમદાવાદમાં કર્ણમુક્તેશ્વર મહાદેવનાં દર્શન કર્યા પછી બહાર જટાધારી સંન્યાસીએ તેને દર્શન આપ્યાં હતાં એમણે આ જ શબ્દો કહ્યા હતા.

" ગુરુજી અમદાવાદમાં શિવરાત્રીના દિવસે એક સન્યાસી મને મળ્યા હતા. એમણે મને આ જ શબ્દો કહ્યા હતા. એમનો અવાજ પણ આપના જેવો જ હતો." મંથન બોલ્યો.

" અને બનારસમાં વિશ્વનાથ બાબાનાં દર્શન કર્યા પછી ભોજન કોણે માગ્યું હતું ? " સ્વામીજી હસીને બોલ્યા.

" જી ગુરુજી હું હવે તમને ઓળખી ગયો. કાશીમાં પણ મેં તમારાં જ દર્શન કરેલાં અને અમદાવાદ કર્ણમુક્તેશ્વર મંદિરમાં પણ તમે જ હતા. " મંથન ભાવવિભોર થઈને બોલ્યો.

" મેં તને અલગ અલગ સ્વરૂપમાં ત્રણ વખત દર્શન આપ્યાં છે. ત્રીજી વાર સ્વપ્નમાં મેં ભભૂતિવાળા નાગા બાવા તરીકે આદેશ આપ્યો હતો કે રોજ ગાયત્રીની ૧૧ માળા કરજે. પણ માત્ર એક દિવસ તેં પાલન કર્યું. " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી. મેં એક જ દિવસ ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. મને સ્વપ્નમાં તમે ત્રણ સ્વરૂપમાં દર્શન આપ્યાં પરંતુ મેં આપને ગંભીરતાથી ના લીધા. મને ક્ષમા કરો. કાલથી ગાયત્રી મંત્ર મારો જીવન મંત્ર બની જશે. હું હવે આપને ઓળખી ગયો છું. આપ કોઈ સામાન્ય સંત નથી. " મંથન બોલ્યો અને ઉભો થઈને એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

"તને જોવા માટે તારા પિતા પણ અહીં ઉભા છે. એ ખૂબ જ ખુશ છે. મેં જ એમને બોલાવ્યા છે. એમનો જીવ તારામાં હતો એટલે એમને માયામાંથી મુક્ત કરવા માટે મેં એમને આમંત્રણ આપ્યું છે. તું મુંબઈ આવ્યો છે એ પણ મારા સંકલ્પથી આવ્યો છે. અને અહીં પણ મેં જ તને બોલાવ્યો છે. " ગુરુજી બોલ્યા અને મંથન એમની વાત આશ્ચર્યથી સાંભળી રહ્યો.

પિતાજીની હાજરી એને તો દેખાતી ન હતી એટલે એણે ગુરુજી ની બાજુમાં જોઈને મનોમન પિતાજીને પ્રણામ કર્યા. અને આશીર્વાદ પણ માગ્યા.

" તારા પિતાજી કહે છે કે હવેથી રોજ ૧૧ માળા ગાયત્રી મંત્ર કરતો રહેજે. સૂક્ષ્મ જગતમાં પણ ગાયત્રી મંત્રનો બહુ જ પ્રભાવ છે. સૂક્ષ્મ જગત માં પણ ઘણા આત્માઓ સતત ગાયત્રી મંત્ર જાપ કરતા હોય છે. છતાં સ્થૂળ જગતમાં કરેલી ગાયત્રી સાધના વધારે ઝડપથી ફળ આપે છે. " ગુરુજી બોલ્યા.

" મારી માતા નથી આવી ? " મંથનથી પુછાઈ ગયું.

" સૂક્ષ્મ જગતમાં દરેક જીવનાં પોતપોતાનાં કર્મો પ્રમાણે લેવલ અલગ અલગ હોય છે. એ એકસાથે ના રહેતાં હોય. એ પણ તને મળવા ક્યારેક આવશે. એ જ્યાં છે ત્યાંથી એને અહીં આવવાની અત્યારે પરમિશન મળી નથી. " ગુરુજી બોલ્યા.

મંથન ગુરુજીની વાતચીત સાંભળતો રહ્યો. આ બધું એની સમજની બહાર હતું. એને એ વાતનો સંતોષ થયો કે એના પિતાજી ખુશ છે.

" ગુરુજી એક પ્રશ્ન પૂછી શકું ? " મંથન બોલ્યો.

" તારો પ્રશ્ન મેં વાંચી લીધો છે. તારા જીવનમાં અત્યારે ત્રણ કન્યાઓ છે. ચોથી કન્યા પણ આવશે. લગ્ન માટે તારું મન દ્વિધામાં છે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે તારા માટે યોગ્ય છે એ જ આપોઆપ તારા જીવનમાં આવશે. " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી. "

"શિવજીની તારા ઉપર બહુ જ કૃપા છે. તારો આત્મા ઉચ્ચ છે. મારા ગુરુભાઈ તારા સ્પિરિચ્યુઅલ ગાઈડ છે. અને એટલે જ હું ત્રણ વાર તારી સામે અલગ અલગ સ્વરૂપમાં પ્રગટ થયો. ભવિષ્યમાં તારા જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવવાનું છે. બસ ગાયત્રી મંત્ર છોડતો નહીં. " ગુરુજી બોલ્યા.

મંથન ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને રૂમની બહાર નીકળી ગયો. મુખ્ય ખંડમાં ઝાલા અંકલ મનસુખભાઈ સાથે બેઠા હતા. ઝાલા અંકલે મનસુખભાઈને મંથનની ઓળખાણ કરાવી.

" તમારા પપ્પા તમને મળી ના શક્યા એનું થોડું દુઃખ છે. ઝાલાએ મને વીલની વાત કરી. ખૂબ જ આનંદ થયો. હવે મુંબઈમાં શિફ્ટ થઈ જાઓ. પપ્પાના જ ધંધાને આગળ વધારો. " મનસુખભાઈ બોલ્યા.

" જી અંકલ. "

" તમારા ઉપર તો ગુરુજીની વિશેષ કૃપા છે એવું લાગ્યું. તમારે હવે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. એ જ બધું ધ્યાન રાખશે." મનસુખભાઈ બોલ્યા.

" જી અંકલ. અમારી મુલાકાત આ પહેલાં પણ થઈ ચૂકી છે. " મંથન બોલ્યો.

મનસુખભાઈ અને ઝાલા અંકલને આ વાતથી આશ્ચર્ય જરૂર થયું પરંતુ ગુરુજી માટે બધું જ શક્ય હતું એટલે કોઈ કંઈ બોલ્યું નહીં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)