Vasudha-Vasuma - 47 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ -47

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ -47

વસુધા - વસુમાં

પ્રકરણ -47

 

વસુધા લાલી પાસે બેઠી હતી લાલીનાં ગળે હાથ ફેરવીને એની સાથે વાતો કરી રહી હતી એણે કહ્યું “લાલી તું પણ ગાભણી છે મને ખબર છે તું પણ માં બનવાની અને હું પણ. તારી વાછરડીનું શું નામ રાખવું એ અત્યારથીજ વિચારી લઉં...” એમ કહી હસી... લાલીએ પણ વસુધા સામે જોયું અને જાણે કંઈ કહેવાં માંગી રહી હતી...

    વસુધાએ જોયું લાલી કંઈક કહેવા માંગે છે એણે પૂછ્યું બોલને લાલી શું કેહવું છે? લાલી વસુધાની સામેજ જોઈ રહી હતી એની આંખોમાં વસુધાને ભય દેખાયો એની આંખો ચકળવકળ થઇ રહી હતી ... વસુધા સમજી ગઈ કે કંઈક ગરબડ છે... લાલીની આંખો કોઈક ભય સૂચવી રહી છે એને સમજાતું નથી એણે ગમાણ -ઘર-વાડો બધે જોવા લાગી કે ક્યાંક એવું કે કંઈ છે નહીં ને ? વસુધાની આંખમાં પણ ભય છવાયો એનું હ્ર્દય ઝડપથી ઘબકવા લાગ્યું...

   ત્યાં સરલાની બૂમ સંભળાઈ... ભાઈ... ભાઈ પીતાંબર... અને કંઈક પડવાનો જોરથી અવાજ આવ્યો... વસુધા દોડીને અવાજ તરફ ગઈ એ વાડો -ઘર વટાવી આગળ આંગણામાં આવી અને જે દ્રશ્ય જોયું એ જોઈને આંખો ફાટી ગઈ એણે ચીસ નાંખી પીતાંબર...

    ભાનુબહેન - ગુણવંતભાઈ -સરલા બધાંજ ઓટલેથી ઉભા થઈને પીતાંબર તરફ ભાગ્યા અને વસુધાનાં મોઢામાંથી મોટી ચીસ નીકળી ગઈ.

   -પીતાંબર ખેતરથી ઘોડા પર ઘરે આવવા નીકળ્યો હતો એ ખુબ ખુશ હતો પણ ખેતરથી નીકળી પાદરેથી ગામ તરફ આવી રહેલો અને અચાનક એનો ઘોડો લંગડાવા માંડ્યો... પીતાંબરે બેલેન્સ જાળવવા માટે ઘોડાની રાશ પડકી લીધી એણે મદદ માટે બૂમ પાડવા પ્રયત્ન કર્યો પણ અવાજ જ ના નીકળ્યો એ ઘોડાને કાબુ કરવા પ્રયત્ન કરવા લાગ્યો.

    ઘોડો પીતાંબરનાં ફાળીયા સુધી આવી ગયેલો એનું આંગણું આવતાં આવતાં ઘોડો લથડ્યો એનાં બંન્ને પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને એણે બેલેન્સ ગુમાવ્યું પીતાંબર ઘોડા પરથી ઉતરવા જાય પહેલાં ઘોડો લથડી પડ્યો પીતાંબર ઘોડા પરથી નીચે પછડાયો એનું માથું ભોંય પર જોરથી અફળાયું અને ઘોડો પણ એનાં પર પછડાયો ઘોડાનું બધું વજન પીતાંબર પર આવી પડ્યું અને એ બેભાન થઇ ગયો. બાઈક પર આવતો કરસન પાછળ ને પાછળ આવી ગયો... એણે આ દ્રશ્ય જોયું અને બાઈક બાજુમાં ફેંકી પીતાંબર પાસે દોડી આવ્યો.

    ગુણવંતભાઈ, કરસને બંન્ને જણાએ પીતાંબરને ખેંચી ઘોડાની નીચેથી કાઢી લીધો અને પીતાંબરને પવન નાંખવા લાગ્યાં. વસુધાએ ચીસ જેવા અવાજે કહ્યું “જલ્દી ડોક્ટરકાકાને લોલાવો પીતાંબરને વાગ્યું છે. “

   સરલાએ કહ્યું વસુધા ”હું દોડીને જઉં છું અત્યારે પંચાયતની બાજુમાં દવાખાને ડોક્ટર આવી ગયાં હશે હું બોલાવી લાવું છું” એમ કહીને સરલા દોડી...

    વસુધાએ પીતાંબરનું માથું પોતાનાં ખોળામાં લીધું અને બોલી તમને કશું નહીં થાય એમ બોલતાં બોલતાં એની આંખમાંથી આંસુ સરી પડ્યાં હે ભગવાન કેટ કેટલી કસોટી લઈશ ? હજી શું ચૂકવવાનું બાકી છે ?

   કરસને જોયું તો ઘોડાનાં પાછળનાં બંન્ને પગમાં ધારિયાનાં ઘા છે. એમાંથી ખુબજ લોહી વહી રહ્યું હતું એ સમજી ગયો એણે ગુણવંતભાઈને કહ્યું “કાકા આ પણ ષડ્યંત્રજ છે પીતાંબરને નુકશાન પહોંચાડવા એને ખબર ના પડે એવી રીતે ઘોડાને ધારિયાનાં ઘા માર્યા છે જેનાથી પીતાંબરને નુકશાન પહોંચાડી શકાય. એ કોણ હશે ? મને ખબર છે એ કોણ હશે” એમ કહી ગુણવંતભાઈની આંખમાં જોયું ગુણવંતભાઈએ કહ્યું “જે હશે એ પણ પહેલાં પીતાંબરને દવાખાને લઇ જઈએ. ગામનાં ડોક્ટર ક્યારે આવશે ?”

   સરલા ડોક્ટરને લઈનેજ આવી અને ડોકટરે પરિસ્થિતિ પામી જઈને તાત્કાલીક તપાસવા માંડ્યા અને બોલ્યાં “ લોહી નીકળે છે પણ પીતાંબરને અંદરૂની કોઈ ઇન્જરી છે એને મોટાં દવાખાનેજ લઇ જવો પડશે કારણકે આ સર્જરી નું કામ છે...” પીતાંબર બેભાન હતો એને માથાનાં ભાગે અને પગમાં વાગ્યું હતું હવે માથાનાં ભાગેથી થોડું થોડું લોહી નીકળતું હતું વસુધા વિવશ અને દયામણી નજરે પીતાંબર તરફ જોઈ રહી હતી.

   પીતાંબર નો ચેહરો પીડા નહીં ખેંચ નહીં સાવ શાંત હતો એને ભાનજ નહોતું એનાં શરીર પર ઇજાનાં ચિન્હ નહોતાં માત્ર માથામાં ઇજા હતી. ગુણવંતભાઈએ તરતજ એમનાં મિત્ર રમણભાઈને ફોન કર્યો અને પીતાંબરની વાત કહી.

રમણભાઈએ કહ્યું ઓહ આ બધું શું થવા બેઠું છે ? એમણે કહ્યું હું જીપ લઈને તાત્કાલીક આવું છું.

               *********

પીતાંબરને ફરીથી સીટી હોસ્પીટલમાં દાખલ કર્યો. ડોકટરે ઇમરજન્સીમાં એની સારવાર ચાલુ કરી માથાનાં ભાગે વાગેલો ઘા સાફ કર્યો અને એનાં સીટી સ્કેનનો રીપોર્ટ કઢાવવા માટે તૈયારી કરી.

    વસુધા -સરલા - ભાનુબહેન-ગુણવંતભાઈ અને કરસન બહાર બેસી રહેલાં. વસુધાની આંખમાંથી આંસુ અટકતાં નહોતાં એણે કહ્યું “મારાં સંસારને કોની નજર લાગી ગઈ છે ?”

   ભાનુબહેને કહ્યું “વસુ તું શાંત થા તારે હવે છેલ્લાં દિવસો જાય છે આમ તારું રડવું સારું નહીં” અને પીતાંબરને સીટી સ્કેન કરાવવા સ્ટ્રેચરમાં લઇ ગયાં.

    સીટી હોસ્પીટલમાં પુરુષોત્તમભાઈ અને પાર્વતીબેન આવી પહોંચ્યાં સીધાં વસુધા પાસે આવ્યાં પાર્વતીબેનની આંખમાં આંસુ હતાં એમણે કહ્યું “કુમારને પાછું શું થયું ? તારે તારું ધ્યાન રાખવું પડશે દીકરા આ ક્યા કાળમુખાએ ફરીથી આવું કર્યું ?”

    કરસન અને ગુણવંતભાઈ પીતાંબરની સાથેને સાથે હતાં. પુરુષોત્તમભાઈએ કહ્યું “ઘોડા પર શા માટે તમે બેસવા દીધો ? હજી ક્યાં સારું થઇ ગયું હતું ?” સરલાએ કહ્યું “અમને તો ખબર પણ નહોતી કે ભાઈ ઘોડાપર ઘરે પાછો આવશે. એતો કરસન જોડે બાઈક પર ખેતરે ગયેલો પણ રસ્તામાં કોઈએ ઘોડાનાં પગમાં ધારીયાનાં ઘા કરેલાં... ઘા આપણાં પીતાંબરને નડ્યાં એ બોલી ના શક્યો ના ઉતરી શક્યો ઘરે આવતાં આવતામાં નીચેજ ફસડાઈ ગયો. પડ્યો એવો એણે ભાન ગુમાવ્યું... કેટ કેટલી કસોટીઓ છે આવી આકરી ?”

       સરલાએ જે કહ્યું પુરુષોત્તમભાઈએ બધું સાંભળ્યું એમણે કહ્યું “ચોક્કસ કોઈનું ષડયંત્રજ છે.”

    સીટી સ્કેન કરાવીને પીતાંબરને રૂમમાં લાવી દીધો હતો. ડોક્ટર સતત એની સારવાર કરી રહેલાં વડોદરાનાં મોટાં ન્યુરોલોજીસ્ટ સાથે વાત કરી લીધી હતી એ પ્રમાણે એને દવાઓ અને ઇન્જેક્શન અપાઈ રહ્યાં હતાં. પણ એને કોઈ ફરક નહોતો વર્તાતો.

     વસુધા રડી રડીને હવે થાકી હતી એની આંખો કોરી ધાકોર થઇ ગઈ હતી એનો ચહેરો સાવજ ઉતરી ગયો હતો એણે એની માં પાર્વતિબેનને કહ્યું “માં મને કંઈક થાય છે માં... માં ... “ અને પાર્વતીબેને વસુધાને પોતાની તરફ લીધી વસુધાને જાણે પ્રસુતી પીડા ઉપડી હોય એવું લાગી રહ્યું હતું.

    પાર્વતિબેને પુરુષોત્તમભાઈને કહ્યું “સાંભળો છો જલ્દી આમ આવો વસુધાને પીડા ઉપડી છે એને ડોકટર પાસે લઇ જવી પડશે...” ભાનુબહેને વસુધાને જોઈને કહ્યું “બેટા... તારી તબીયત સંભાળ તું કોઈ ચિંતા ના કરીશ... તને...” અને ગુણવંતભાઈ પણ રૂમમાંથી બહાર નીકળી આવ્યાં બધાનાં ચહેરાં પર ભય છવાયેલો બધી આંખોમાં આંસુ હતાં...

                **********

                વસુધાને આણંદની મેટરનીટી હોસ્પીટલમાં દાખલ કરી હતી એને પ્રસવપીડા લેબર પેઈન ઊપડ્યું હતું ડોક્ટરે જે તારીખ આપી હતી એનાથી 15 દિવસ પહેલાંજ એને... પાર્વતીબેન  અને પુરુષોત્તમભાઈ એની પાસેજ હતાં બીજી બાજુ પીતાંબરની તબીયતમાં સુધારો નહોતો...

    ડોક્ટરે ગુણવંતભાઈને કહ્યું “સીટી સ્કેનનો રીપોર્ટ આવી ગયો છે એને માથામાં ઇન્ટર્નલ ગંભીર ઇજા પહોંચી છે અંદર ને અંદર લોહી નીકળીને ગંઠાયું છે હેમરેજ થઇ ગયું છે એની સ્થિતિ નાજુક છે... વડોદરાથી મોટાં ડોક્ટરને બોલાવ્યાં છે એ આવે પછી નક્કી થાય કે ઓપરેશન કરવું પડશે કે કેમ ?”

      ભાનુબહેન અને સરલા ભાંગી ચૂક્યાં હતાં. પીતાંબર અને વસુધા બંન્ને જણાં હોસ્પીટલમાં હતાં ક્યારે કોના કેવા સમાચાર આવે એની ચિંતામાં હતાં અને સરલાનાં મોબાઈલ પર રીંગ આવી...

 

વધુ આવતા અંકે -પ્રકરણ 48