Varasdaar - 3 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 3

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

વારસદાર - 3

વારસદાર પ્રકરણ-૩

" મારે આ એડ્રેસ ઉપર જવું છે. મને જરા ગાઈડ કરશો ? "

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રીક્ષા ઉભી રખાવીને વાડીગામ ભજીયા હાઉસની બાજુમાં ઊભેલા એક શિક્ષિત દેખાતા વડીલને એડવોકેટ ઝાલાએ ચિઠ્ઠી બતાવી.

"અચ્છા તો તમારે પુનિત પોળ માં જવું છે ! જુઓ આ સામે દેખાય ને એ જ પુનિત પોળ ! તમે અંદર જઈને પૂછી લેજો ને. કારણ કે પોળ તો મોટી છે અને હું એ પોળમાં નથી રહેતો. " વડીલ બોલ્યા.

ઝાલા સાહેબે રીક્ષાવાળાને પૈસા ચૂકવી છૂટો કર્યો અને જરાક આગળ ચાલીને પુનિત પોળમાં પ્રવેશ કર્યો. થોડુક અંદર ચાલીને ચોક વટાવ્યા પછી એક મકાનની બહાર ચોકડીમાં બેસીને કપડાં ધોતાં એક બેન પાસે એ ગયા.

" મંથનભાઈ મહેતાના ઘરે જવું છે. તમે એમને ઓળખતા હો તો જરા ઘર બતાવશો બેન ? " ઝાલા સાહેબે એમને પૂછ્યું.

" તમે ક્યાંથી આવો છો ભાઈ ?" સવિતાબેન બોલ્યાં.

" જી બેન હું મુંબઈથી આવું છું."

" અરે મનિયા... આ સાહેબને મંથનના ઘરે લઈ જા ને !! એના મહેમાન લાગે છે." સવિતાબેને એક છોકરાને મોટેથી બૂમ પાડી.

મનિયો નજીક આવ્યો એટલે ઝાલા સાહેબ એની પાછળ પાછળ આગળ ચાલ્યા. એકસરખી ડિઝાઇનનાં તમામ મકાનો હતાં.

સવિતાબેનની બૂમ સાંભળીને આજુબાજુના ઘરની બે ત્રણ સ્ત્રીઓ પણ દરવાજા પાસે આવીને આ નવા આગંતુકને જોવા લાગી.

"કાળો કોટ પહેર્યો છે એટલે કોઈ વકીલ લાગે છે. કર્યું હશે કોઇ પરાક્રમ ! " મીનાબેન બોલ્યાં.

" છેક મુંબઈથી આવે છે. હાથમાં મોટી બેગ પણ છે આટલે દૂરથી કોઈ વકીલ આવે ? મને તો કોઈ મોટો ગોટાળો લાગે છે." સવિતાબેન બોલ્યાં.

પોળની પંચાત શરૂ થઈ પણ ઝાલા સાહેબ ઘણા આગળ નીકળી ગયા હતા. મનિયાએ હાથ લાંબો કરીને મંથનનું ઘર બતાવી દીધું. સવારના નવ વાગ્યાનો સમય હતો.

લગભગ સવારે સાત વાગે ઝાલા સાહેબ કાલુપુર સ્ટેશને ઉતરીને પહેલાં તો સ્ટેશનની બરાબર સામે આવેલી એક હોટલમાં ગયા હતા. નાહી ધોઈને ફ્રેશ થઈ ચા પાણી પી રીક્ષા કરીને એ દરિયાપુર આવ્યા હતા. અમદાવાદમાં પહેલી જ વાર આવતા હતા એટલે અહીંના કોઈપણ એરિયાની એમને કંઈ જ ખબર નહોતી.

મંથનના ઘરનાં બે પગથિયાં ચઢી એમણે જાળી ખખડાવી. ઘર તો ખુલ્લું જ હતું પણ જાળી આડી કરેલી હતી. જાળી ખોલવા માટે મંથન આવ્યો અને એણે પગથિયા ઉપર ઝાલા સાહેબ ને જોયા. ઝાલા સાહેબને જોઈને મંથનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

" આવો આવો સાહેબ. " મંથન બોલ્યો અને એણે દરવાજો ખોલ્યો. ઘરમાં માત્ર એક જ ખુરશી હતી એ એણે ઝાલા સાહેબને બેસવા માટે આપી.

મંથન પાણીયારા પાસે જઈને પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યો.

" નહીં મંથન ભાઈ. હું હોટલમાં ચા પાણી પીને જ આવું છું. તમે હવે કોઈ તકલીફ ના લેશો. વિજયભાઈ મારા વર્ષો જુના ક્લાયન્ટ હતા. અમારા બંને વચ્ચે મૈત્રીના સંબંધો હતા. "

મંથન હજી ઝાલા સાહેબની સામે ઊભો જ હતો. ઘરમાં એક નાનકડું સ્ટૂલ પડેલું હતું. મંથન એ સ્ટૂલ ખેંચી લાવ્યો અને ઝાલા સાહેબની સામે બેઠો.

ઝાલા સાહેબે જોયું કે મંથને માથે મુંડન કરાવ્યું હતું. એ બધું સમજી ગયા. એમને ખૂબ જ આનંદ થયો. મંથન વિજયભાઈનો સાચો વારસદાર હતો જેણે પિતાના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ પણ કર્યું હતું !!

"તમે લોકો અમદાવાદ રહો છો એ ખબર વિજયભાઈને છ મહિના પહેલાં જ પડી. ગૌરીબેનને એક પુત્ર પણ છે એ સમાચાર જાણીને એ લગભગ ગાંડા જેવા થઇ ગયેલા. એ તમને મળવા પણ માગતા હતા પરંતુ એમની હિંમત ચાલતી ન હતી. લગભગ છેલ્લાં ૨૭ વર્ષથી એ ગૌરીબેનને શોધી રહ્યા હતા. ગૌરીબેન અમદાવાદમાં હશે એવી તો એમને કલ્પના પણ ક્યાંથી હોય ? " ઝાલા સાહેબ બોલી રહ્યા હતા.

" તમારાં મમ્મી ગૌરીબેન ચાર મહિના પહેલાં દેવલોક પામ્યાં એ ખબર પણ તમારા પપ્પાને દોઢ મહિના પહેલાં જ પડી. એમને ખૂબ જ આઘાત લાગેલો. એ ગૌરીબેનને મળી ના શક્યા એનું એમને બહુ જ દુઃખ હતું " ઝાલા સાહેબ વાત કહી રહ્યા હતા.

" પપ્પા છેલ્લે બિમાર હતા ? ગંભીર બીમારી હોય તો જ એમણે વીલ બનાવ્યું હોય ને ? " મંથન બોલ્યો.

" ના એવું નથી. વિજયભાઈ બિમાર નહોતા. એકદમ તંદુરસ્ત હતા. પરંતુ એમણે તમારી બધી જ અમાનત મને સોંપીને કેટલાક અંગત કારણોસર આત્મહત્યા કરી લીધી છે. મને જો આત્મહત્યાનો જરા પણ અણસાર હોત તો કદાચ આ ઘટના ના બની હોત. પરંતુ છેક છેલ્લે સુધી એમણે મને કળાવા ના દીધું. મને મળીને એ સીધા બોરીવલીની જ એક હોટેલમાં ગયા. ત્યાં રૂમ રાખીને રાત્રે એમણે ગળે ફાંસો ખાઈ લીધો. ચિઠ્ઠી પણ લખતા ગયા કે મારા મૃત્યુ માટે કોઇ જ જવાબદાર નથી. "

" ઓહ..." મંથનથી બોલાઈ ગયું. ગમે તેમ તોય એ એના પિતા હતા.

" હવે આપણે કામની વાત કરીએ. તમે બારણું બંધ કરી દો જેથી અચાનક કોઈ આવી ન જાય. " ઝાલાસાહેબ બોલ્યા.

મંથને ઉભા થઈને પોતાના ઘરનું બારણું અંદરથી બંધ કરી સ્ટોપર મારી દીધી.

ઝાલા સાહેબે સુટકેસ ખોલીને એમાંથી પ્લાસ્ટિકની એક વજનદાર બેગ બહાર કાઢી.

" જુઓ આ બેગમાં સોનાના દાગીના છે.એની અંદર લિસ્ટ પણ મૂક્યું છે. અને વજનની ચિઠ્ઠી પણ મૂકી છે. તમે દરેક દાગીનો મારી સામે ચેક કરી શકો છો. ટોટલ વજન ૧૨૮૫ ગ્રામ છે. સોનાના ભાવ પ્રમાણે એની કિંમત વધઘટ થાય. અત્યારના ભાવ પ્રમાણે એની કિંમત ૫૦ ૫૫ લાખ જેવી થાય. તમે દરેક દાગીના ચેક કરી લો. " ઝાલા સાહેબ બોલ્યા.

" મને પૂરો વિશ્વાસ છે સાહેબ. મારે ચેક કરવાની કોઈ જ જરૂર નથી. " મંથન બોલ્યો.

" ત્રણ બેંકોમાં એમની ફિક્સ ડિપોઝીટ છે. બધી ડિપોઝિટ ત્રણ-ચાર મહિનામાં પાકે છે. બે ડિપોઝિટ ૨૫ ૨૫ લાખની અને એક ડિપોઝિટ ૧૦ લાખની છે. આ બેગમાં ૭૨ લાખ રૂપિયા રોકડા છે. જે એમના લોકરમાં કેશ પડી હતી. વીલ કર્યું એ દિવસે એમણે આ બધું મને આપેલું. આ સિવાય એમના ત્રણેય ખાતામાં થઈને ટોટલ ૨૨ કરોડ ૩૬ લાખ રૂપિયા છે. એ કાયદેસર ઇન્કમટેક્સ પણ ભરતા હતા. " ઝાલા સાહેબ એક પછી એક વિગતો આપી રહ્યા હતા.

" મુંબઈમાં એ જ્યાં રહેતા હતા એ મલાડ વેસ્ટમાં આવેલો સુંદરનગર નો ફ્લેટ પણ હવે તમારો છે. તમે એમના કાયદેસર વારસદાર છો. એ ફલેટની કિંમત આજે બે કરોડ જેટલી છે. " ઝાલા સાહેબ બોલ્યા.

" એમણે તમારા નામની પાવર ઓફ એટર્ની આપેલી છે અને દરેક ડિપોઝિટમાં તથા બેંક એકાઉન્ટમાં નોમીની તરીકે તમારું નામ દાખલ કરેલ છે. હું પોતે નોટરી પણ છું. સ્ટેમ્પ પેપર લઈને જ આવ્યો છું. તમામ જરૂરી લખાણ અલગ અલગ સ્ટેમ્પ પેપર ઉપર ટાઈપ કરેલું જ છે. તમે સહી કરી દો એ પછી કાયદેસર રીતે એમના તમામ બેંકના એકાઉન્ટ તમારા થઈ જશે અને તમે ઓપરેટ કરી શકશો. તમારે મુંબઈ એ દરેક બેંકમાં જઈને એક વાર સહી કરી દેવી પડશે. આ એફ.ડી સર્ટિફિકેટો પણ તમે કેશ કરી શકશો. મુંબઈની પ્રોપર્ટીના માલિક પણ બની જશો. તમે સહી કર્યા પછી હવે વિજયભાઈ મહેતાના કાયદેસરના તમે વારસદાર છો !! " ઝાલા સાહેબે પોતાની વાત પૂરી કરી.

" ઝાલા સાહેબ એક વાત પૂછું ?" મંથન બોલ્યો.

" મને તમે સાહેબ નહીં. અંકલ કહો. વિજયભાઈ મારા ક્લાયન્ટ નહીં પરંતુ મારા મિત્ર હતા. અમારા બહુ જ અંગત સંબંધ હતા. એમણે તો આત્મહત્યા કરી લીધી છે. મારા મનમાં જો ખોટ હોત તો આ બધી સંપત્તિ હું મારા પોતાના નામે કરી શક્યો હોત. પરંતુ એમણે મારામાં જે વિશ્વાસ મૂક્યો એ હું કદી તોડી શકું નહીં. " ઝાલા સાહેબ બોલ્યા અને એમની આંખમાં પાણી આવી ગયાં.

" સ્થાવર-જંગમ થઈને તમારા માટે લગભગ ૨૫ થી ૨૭ કરોડ રૂપિયા મુકતા ગયા છે. મારી તમને એટલી જ વિનંતી છે કે આ સંપત્તિ વેડફી ના નાખશો. તમે સુખી થાઓ એના માટે એમણે આ બધું તમને આપેલું છે. એમનું બીજું કોઈ સંતાન નથી. એમણે તમને જોયા પણ નથી. બની શકે તો આ રકમથી લોકોનું કલ્યાણ કરજો. કોઈને મદદરૂપ બનજો જેથી તમારા પિતાના આત્માને શાંતિ થાય અને એ જ તમારું સાચું તર્પણ હશે !! " ઝાલા અંકલ બોલ્યા.

" ભવિષ્યમાં મારી કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો અડધી રાત્રે પણ મને ફોન કરી શકો છો. જ્યારે પણ મુંબઈ આવો ત્યારે મારા ઘરે જ ઉતરજો. બોરીવલી ચંદાવરકર રોડ પતે પછી બાભઈ નાકા ચાર રસ્તા પાસે મયુર ટાવરમાં મારો ફ્લેટ છે. હું તમને કાર્ડ આપી જાઉં છું. મારો નંબર તો તમારી પાસે છે જ." ઝાલા સાહેબે કહ્યું.

" મારે મારા પિતા વિશે થોડું વધુ જાણવું છે. હું એમના વિશે કંઈ જ જાણતો નથી. મેં તો એમનો ફોટો પણ જોયો નથી. એ શું ધંધો કરતા હતા ? એમણે કેમ મારી માતાનો ત્યાગ કર્યો હતો ? આ બધી માહિતી તમારા સિવાય કોઈ મને આપી શકશે નહીં. જો તમને વાંધો ના હોય તો " મંથને બે હાથ જોડીને પૂછ્યું.

" મને વાંધો શા માટે હોય ? મને એમ હતું કે ભવિષ્યમાં તો આપણે મળવાના છીએ તો ક્યારેક હું તમને બધી વાત કરીશ પરંતુ અત્યારે જ જો તમને સાંભળવાની ઈચ્છા હોય તો પછી એક કામ કરીએ. તમે મારી સાથે હોટલ ઉપર આવો. મને અહીંનું વાતાવરણ જામતું નથી. નેગેટિવ એનર્જી બહુ છે. હું તમને એમનો સાચો પરિચય આપું. એ પછી આપણે જમી લઈએ અને બપોરે અઢી વાગે શતાબ્દીમાં હું મુંબઈ જવા નીકળી જાઉં. મારી ટિકિટ કન્ફર્મ છે." ઝાલા અંકલ બોલ્યા.

" અને બીજી એક વાત. મારા એ સ્વર્ગસ્થ મિત્રને અન્યાય ના થાય એટલા માટે તમને જણાવી દઉં કે વિજયભાઈએ તમારાં મધરનો ત્યાગ નહોતો કર્યો કે કોઈ અન્યાય પણ નહોતો કર્યો. બસ એક મોટી ગેરસમજ હતી. તમારા પિતા એક સજ્જન વ્યક્તિ હતા !! "

" કેટલીક ઘટનાઓ એવી બની હતી કે જેના કારણે તમારા મધરે એમને કહ્યા વગર એમનું ઘર રાતોરાત છોડી દીધું હતું. એમણે તમારાં મધરની ખૂબ જ શોધખોળ કરી પરંતુ વર્ષો સુધી એમને તમારી કોઈ ભાળ ન મળી !! જો એમણે તમારી મધરનો ત્યાગ કર્યો હોત તો તમે આજે વારસદાર ના હોત !! " ઝાલા અંકલ બોલ્યા.

" આપણે હોટલે જઈએ એ પહેલાં આ કાયદાની વિધિ પતાવી દઈએ. હું જે જે પેપર્સ તમને આપતો જાઉં એ તમામ પેપર્સ ઉપર તમે તમારી સાઈન કરતા જાઓ. " કહીને ઝાલા સાહેબે પોતાની એક નાની બ્રીફકેસમાંથી થોડા સ્ટેમ્પ પેપર્સ અને થોડા પ્રિન્ટેડ પેપર્સ કાઢ્યા. સ્ટેમ્પ પેડ અને રબ્બર સ્ટેમ્પ પણ બહાર કાઢયાં. તમામ પેપર્સ ઉપર એમણે સહી કરાવી લીધી. નોટરાઈઝ કરીને સ્ટેમ્પ લગાવી દીધા. સિક્કા મારી પોતાની સહીઓ કરી અને રજીસ્ટરમાં પણ એન્ટ્રી કરી દીધી.

" જુઓ આ ઓરિજીનલ સ્ટેમ્પ પેપર્સ તમારી પાસે રાખો. કોપીનો એક સેટ હું રાખું છું. પાવર ઓફ એટર્ની અને વારસદાર તરીકેનું સોગંદનામુ વગેરે તમને બેંકમાં જરૂર પડશે. " કહીને એમણે ઓરિજીનલ સેટ મંથનને આપ્યો.

" તમારે જો મુંબઈમાં સ્થાયી થવું હોય તો મુંબઈમાં પણ તમારો ફ્લેટ છે. અને તમારે અમદાવાદમાં જ રહેવું હોય તો તમારા તમામ એકાઉન્ટ અમદાવાદમાં પણ ટ્રાન્સફર કરી શકો છો. તમે શાંતિથી વિચારજો અને પછી નિર્ણય લેજો. ૨૭ કરોડ જેવી રકમ નાની નથી. તમે કંઈ નહીં કરો તો પણ આખી જિંદગી સરસ રીતે ગુજારી શકશો. હવે તમારે આ પોળમાં રહેવાની પણ જરૂર નથી. " ઝાલા અંકલે મંથનને સલાહ આપી.

"તમારી હવે લગ્ન કરવાની ઉંમર છે. તમે એક શ્રીમંત વ્યક્તિ બની ચૂક્યા છો એવી લોકોને ખબર પડશે એ પછી તમને લગ્ન કરવામાં કોઇ તકલીફ નહીં પડે. પાત્ર પસંદગી જોઈ વિચારીને કરજો. હવે આપણે હોટલ જવા નીકળીએ. " ઝાલા અંકલ બોલ્યા અને ઉભા થયા.

મંથને પોતાના ઘરનો દરવાજો ખોલી નાખ્યો. તમામ પેપર્સ અને દાગીનાની બેગ કબાટમાં મૂકયાં. રોકડા રૂપિયા ભરેલી બેગ ઓરડામાં જઈને મૂકી આવ્યો. એ પછી બન્ને જણા બહાર નીકળ્યા.

દરીયાપુરથી રીક્ષા કરીને મંથન અને ઝાલા અંકલ કાલુપુર સ્ટેશન એરિયામાં આવેલી હોટલ સરોવર પોર્ટિકો માં ગયા. કાઉન્ટર ઉપરથી ચાવી લઈને ૨૦૩ નંબરની રૂમમાં ગયા.

" હવે તમને તમારા પપ્પા વિશેની આજ સુધીની સંપૂર્ણ માહિતી તમને આપું છું." ઝાલા અંકલ બોલ્યા અને એમણે વિજયભાઈની આખી જીવન કથની શરૂ કરી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)