Varasdaar - 1 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

વારસદાર - 1

(વાચકમિત્રો... પ્રાયશ્ચિત પછીની મારી આ બીજી નવલકથા શરૂ કરી રહ્યો છું. પ્રાયશ્ચિતમાં એક અબજોપતિ કેતન સાવલિયાની વાત હતી. તો વારસદાર નવલકથામાં એક ગરીબ મધ્યમવર્ગીય યુવાન મંથન મહેતાની વાત છે. આશા છે કે આ નવલકથા પણ તમને જકડી રાખશે. એક પણ હપ્તો ચૂકશો નહીં. )

વારસદાર પ્રકરણ 1

મંથન એની રગશિયા ગાડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના હવે જીવવું જ નથી !!!

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરની ડિગ્રી મળી ત્યારે એ કેટલો બધો ખુશ હતો !! ટોપ રેન્ક આવ્યો હતો એનો. આજે છ છ વર્ષ વીતી ગયા પછી પણ વીસ પચીસ હજારથી વધારે પગાર કોઈ એને આપતું નહોતું.

મંથન ભણવામાં હોશિયાર હતો અને નોલેજ પણ ઘણું હતું. છતાં જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં એનું શોષણ જ થતું હતું. એનો વાંક એટલો જ હતો કે એ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો. એની પાસે જો પૈસા હોત તો એ પોતે જ મોટો બિલ્ડર બની ગયો હોત ! એક આર્કિટેક્ટ જેટલી સૂઝબૂઝ એનામાં હતી.

સિવિલ એન્જિનિયર તરીકે નોકરી મળે તો પણ કેવી ? કોઈ કન્સ્ટ્રકશન કંપનીમાં સિમેન્ટની થેલીઓનો હિસાબ રાખવાનો, સળિયાનો સ્ટોક ગણવાનો અને સાઈટ ઉપર મજૂરોનું ધ્યાન રાખવાનું !! બસ આવી જ નોકરીઓ મળતી એને ! પોતે કહેવાય એન્જિનિયર પણ કામ કરવાનું સુપરવાઈઝરનું !!

૨૭ વર્ષની ઉંમર થઈ ગઈ હતી એની પણ કોઈ કન્યાવાળા એના ઘર સામે પણ જોતા નહોતા. પિતા તો એણે જોયા જ ન હતા. માત્ર પિતાનું નામ સાંભળ્યું હતું. પિતા મુંબઈમાં રહેતા હતા અને પોતે માતાના ગર્ભમાં હતો ત્યારે જ માતાએ પિતાનું ઘર છોડી દીધું હતું. અને હવે માતાનું પણ એક વર્ષ પહેલાં હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું હતું એટલે ઘરમાં રસોઈ કરનાર પણ કોઈ નહોતું.

નોકરી પણ કરવાની અને બે ટાઈમ જાતે રસોઈ પણ બનાવવાની ! કચરા-પોતાં વાસણ કપડાં બધું જ પોતાને કરવાનું ! આ તે સાલી કંઈ જિંદગી છે !! ના હવે જીવવું જ નથી !

આત્મહત્યાના વિચારો તો રોજ આવતા હતા પણ પોતે પાછો ડરપોક હતો. બે વાર તો એણે ટ્રેન આગળ પડતું મૂકીને આત્મહત્યા કરવાનું નક્કી કરેલું. પહેલી વાર તો રાત્રે બાર વાગે નજીકના રેલવે સ્ટેશનથી દૂર પાટા ઉપર ચાલતો ચાલતો ગયો પણ ત્યાં સૂમસામ જગ્યામાં કૂતરાંના ભસવાનો અવાજ સાંભળીને ગભરાઈને પાછો ઘરે આવી ગયો.

બીજી વાર મન મક્કમ કરીને મધરાતે સ્ટેશનથી એકાદ કિલોમીટર દૂર પાટા ઉપર સૂઈ ગયો. ટ્રેઈન આવવાનો સમય થયો એટલે પાટા ઉપર ધ્રુજારી ચાલુ થઈ અને દૂરથી એન્જિનની વ્હિસલ પણ સંભળાઇ. હિંમત કરીને એ થોડી વાર તો સૂતો રહ્યો. શરીરના બે ટૂકડા થઈ જશે પછી કાયમ માટે શાંતિ !

પરંતુ જેવી ટ્રેઈન નજીક આવી કે તરત ઉભો થઈને ભાગ્યો. એન્જિનમાં તો હજારો ટન વજન હોય !! ના ના મારે આ રીતે મરવું નથી. બીજો કોઈ સહેલો રસ્તો વિચારવો પડશે.

એક વાર તો મંથન રાત્રે હાઇવે ઉપર જઈને રોડની વચ્ચોવચ એક કલાક સુધી આંખો બંધ કરીને ઊભો રહ્યો. સેંકડો ગાડીઓ અને ટ્રકો એને ઓવરટેક કરીને પસાર થઈ ગઈ . જતાં જતાં કોઈએ તો એને ગાળો બોલી પણ કોઈએ એને ટક્કર મારવાની હિંમત ના કરી !! ત્યાંથી પણ કંટાળીને ઘરે પાછો આવી ગયો.

આત્મહત્યાના રસ્તાઓ વિશે એણે ગૂગલમાં સર્ચ કર્યું અને કાગળમાં નોંધ કરતો ગયો. માંકડની દવા પી લેવી... ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પી લેવી... એસિડ પી જવો...પેટ્રોલ છાંટી ને બળી મરવું... હાથ ની નસ કાપી નાખવી..... માથામાં પ્લાસ્ટિકની થેલી ભરાવીને ગળામાં દોરી બાંધી દેવી...દોરી બાંધીને પંખે લટકી જવું...નદી કે દરિયામાં તણાઈ જવું... અનેસ્થેશિયાનાં હાઈ ડોઝ ઇન્જેક્શન નસ માં લઇ લેવાં !!

માંકડ તો હવે ગામડાંમાં પણ ખોવાઈ ગયા છે એટલે માંકડની દવા ભૂલી જવાની ! એવું સાંભળ્યું છે કે જંતુનાશક દવાથી સો ટકા મૃત્યુની ગેરંટી નથી. ડોક્ટરો બચાવી લે છે અને ઉપરથી આજીવન પેટની તકલીફો ચાલુ થઈ જાય છે એટલે એ વિકલ્પ પણ નકામો છે !

એસિડ તો ભૂલેચૂકે પણ ના પીવાય !! પોતાના એક સગાએ એકવાર એસિડ પી લીધેલો અને પછી વેદનામાં જે ચીસો પાડતા હતા અને જમીન ઉપર આળોટતા હતા એ પોતે નજરે જોયેલું !! લોકો હોસ્પિટલમાં લઈ ગયા એટલે બચી તો ગયા પણ આખી જિંદગી માત્ર દૂધ અને ખીચડી ખાવાનો વારો આવ્યો !!

હાથની નસ કાપી નાખવી જ બરાબર છે. બધુ લોહી નીકળી જાય એટલે મૃત્યુ !! એક દિવસ એણે નિર્ણય લઈ લીધો. સવારે નાહીધોઈ પૂજાપાઠ કરી મંથન મરવા તૈયાર થઈ ગયો. હાથમાં ચપ્પુ લઇને ખુરશી ઉપર બેસી ગયો. ડાબા હાથની નસ કાપવી કે જમણા હાથની ? કારણ કે જોર દઈને નસ કાપવા જતાં કદાચ આખુ કાંડુ જ કપાઇ જાય તો !! જો બચી ગયા તો જમવું કઈ રીતે ? ના..ના.. ડાબા હાથની જ નસ કાપવી છે !!

અને એને યાદ આવ્યું કે તે દિવસે આંગળી ઉપર બ્લેડ વાગી હતી ત્યારે કેટલી બળતરા થયેલી ? અને ડોક્ટર જ્યારે હાથની નસમાં ઇન્જેકશનની સોય ઘુસાડે છે ત્યાંરે પણ એક ક્ષણ માટે મનને કેટલું મજબુત કરવું પડે છે. જ્યારે આ તો કરવતની જેમ હાથની નસ કાપવાની. ના.. ના ! આ રીતે મરવું નથી. એ ઊભો થઈ ગયો.

સળગી જવાનો વિચાર તો ભૂલેચૂકે પણ ના થાય !! ક્યારેક દિવાસળીની સળીથી આંગળી દાઝી જાય છે ત્યારે પણ કેટલી બધી બળતરા બળે છે ? રસોઈ કરતાં કરતાં એકવાર તાવડીને હાથ અડી ગયો હતો ત્યારે પણ કેટલો મોટો ફોડલો પડેલો ! જ્યારે આ તો જીવતું શરીર સળગાવી દેવાનું ! આ આઇડિયા કેન્સલ !!

માથામાં પ્લાસ્ટિકની થેલી ભરાવીને ગળામાં દોરી બાંધી દેવી એના કરતાં તો પંખે લટકી જવું વધુ સારું ! અને અત્યારે છાપામાં જેટલા પણ આત્મહત્યાના કેસ વાંચવા મળે છે તેમાં મોટાભાગે તો બધા પંખે લટકીને જ દુનિયા છોડી દેતા હોય છે. વધારે લોકો જે માર્ગે જતા હોય એ જ રાજમાર્ગ કહેવાય એમ સંતો કહી ગયા છે. બસ આ જ રસ્તો ફાઇનલ !!

હવે બજારમાંથી સારી દોરી લાવવી પડશે. પ્લાસ્ટિકની દોરી તો ગળામાં વાગશે. કાથીની દોરી તો એનાથી પણ વધારે ખરાબ. રેશમની દોરી સૌથી વધારે સારી પણ રેશમની જાડી દોરી મળતી નથી. જે મળે છે એ રાખડી બાંધવામાં કામ આવે એટલી પાતળી દોરી જ હોય છે. એટલે સુતરની જાડી દોરી ઉત્તમ રહેશે. એ ચાર મીટર જેટલી લાંબી સુતરની વણેલી દોરી બજારમાં જઈને લઈ આવ્યો.

આ દોરીને પહેલાં પંખા સાથે બાંધવાની કે પહેલાં ગળામાં વીંટી દેવાની ? એણે થોડીવાર તો માથું ખંજવાળ્યું. એને સમજણ નહોતી પડતી કે કઈ રીતે લટકવાનું હોય ! ચાલો એ બધું તો પછી થશે પહેલાં ગૂંગળામણ નો થોડો અનુભવ કરી લઉં કારણ કે પાંચ-સાત મિનિટ સુધી શ્વાસ વિના દેહ તરફડતો રહેશે. એણે નાક દબાવીને શ્વાસ લેવાનું બંધ કર્યું અને ઘડિયાળમાં સેકન્ડ કાંટા ઉપર નજર સ્થિર કરી.

૩૦ સેકન્ડ સુધી તો કોઈ વાંધો ન આવ્યો પણ પછી એ આકળ વિકળ થવા લાગ્યો. એક મિનિટ સુધી તો માંડ માંડ એ ટકી શક્યો પણ પછી જોર થી શ્વાસ ખેંચવો પડ્યો. એક મિનિટમાં જ આવું થાય છે તો પાંચ-સાત મિનિટ સુધીમાં તો શું નું શું થશે ? એવું સાંભળ્યું છે કે અંદર ફેફસાં પણ ફાટી જાય છે અને આંખોના ડોળા પણ ઊંચા ચડી જાય છે. આ તો સાલું બહુ ભયંકર મૃત્યુ કહેવાય !! હજુ બીજું કંઇક વિચારવું પડશે. અને એણે દોરી કબાટમાં મૂકી દીધી.

સૌથી શ્રેષ્ઠ મૃત્યુ તો બેભાન થઈ જવામાં છે. શરીર ભલે ને મરી જાય પણ આપણને કંઇ ખબર ન પડે !! પણ એનેસ્થેસિયા નું ઇન્જેક્શન આપે કોણ ? કોઈ ડોક્ટર ઓળખીતો નથી. અને ઓળખીતો હોય તો પણ કોઈને મારી નાખવા માટે તૈયાર ના જ થાય ! નસમાં ઇન્જેક્શન લેવાની પ્રેક્ટિસ કરું તો પણ આ ઇંજેક્શન લાવી આપે કોણ ? કારણ કે મેડિકલ સ્ટોરમાં તો મળતાં નથી !! આ મૃત્યુ સહુથી સહેલું છે પણ ઇન્જેક્શન મેળવવું એટલું જ અઘરું છે.

હવે છેલ્લો રસ્તો નદીમાં કૂદી પડવાનો છે. એક વાર હિંમત કરીને કૂદી પડવાનું પછી જે થવું હોય તે થાય. પોતે સ્વિમિંગ પુલમાં તરવાનું શીખેલો છે એટલે કૂવા તળાવનું ના વિચારાય પણ નદીના વહેતા પાણીની કોઈ પ્રેક્ટિસ નથી. ધસમસતી નદી જ પસંદ કરવાની એટલે સીધા તણાઈ જ જવાય અને કોઈ બચાવી ન શકે.

હા આ જ રસ્તો બરાબર છે. નદી તો માતા ગણાય એટલે માતાની ગોદમાં સમાઈ જવાનું. નર્મદા અને ગંગા આ બે દેશની પવિત્ર નદીઓ છે. જો નર્મદામાં ડૂબી જવું હોય તો સરદાર સરોવર ડેમ ઉપર જઈને કૂદકો મારી દેવાનો !! બચવાના કોઈ જ ચાન્સ નહીં.

પરંતુ નદીમાં જ જો ડૂબી જવું હોય તો ગંગા નદી જેવી પવિત્ર કોઈ નદી નથી. સ્વામી રામતીર્થે પણ ગંગા નદીમાં જીવતા સમાધિ લીધેલી એવું સાંભળ્યું છે. મારે પણ જો ગંગા નદીમાં જ કૂદી પડવું હોય તો પછી વારાણસી અથવા તો હરિદ્વાર જવું પડે. કાશીમાં મરણ અને સુરતમાં જમણ એ કહેવત તો વર્ષોથી સાંભળતો આવ્યો છું. વારાણસી એટલે કે કાશી જ શ્રેષ્ઠ રહેશે.

મંથન શિવજીનો અનન્ય ઉપાસક હતો. દર સોમવારે શિવજીને જળનો અભિષેક અવશ્ય કરતો. આખો દિવસ માનસિક રીતે ઓમ નમઃ શિવાય ના જાપ કર્યા કરતો. કાશી પસંદ કરવા માટેનું આ પણ એક કારણ હતું. મહાદેવની એ ચૈતન્ય ભૂમિમાં શરીરનો ત્યાગ કરી દેવો એ જ શ્રેષ્ઠ નિર્ણય હતો !

મંથને ગૂગલમાં સર્ચ કરીને બનારસનાં ત્રણ ગેસ્ટ હાઉસ ફાઇનલ કર્યાં. ત્રણે-ત્રણ ગેસ્ટ હાઉસમાં ફોન કરીને એણે માહિતી મેળવી લીધી અને છેવટે ગંગા ગેસ્ટ હાઉસમાં ઉતરવાનું નક્કી કર્યું. હવે મૃત્યુ માટે ઉત્તમ દિવસ પસંદ કરવો પડશે.

મકરસંક્રાંતિ પછીના છ મહિના ઉત્તરાયણના ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણમાં મૃત્યુ શ્રેષ્ઠ છે અને મહાભારતમાં ભીષ્મ પિતામહે પણ મૃત્યુ માટે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી !! મારે પણ ક્યાં ઉતાવળ છે ? વીસ દિવસ પછી ઉત્તરાયણ શરૂ થશે !! એકાદશી નું મૃત્યુ શાસ્ત્રોમાં સારું ગણાતું હોય છે.

પોષ મહિનાની એકાદશી સારુ મૂહુર્ત હતું પણ કહે છે કે ઉત્તર ભારતમાં પોષ મહિનામાં તો હાડ થિજવી દેતી કડકડતી ઠંડી પડે છે. ઘણીવાર તો ઝીરો ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે એટલે ગંગાનું પાણી પણ કેટલું બધું ઠંડુ હશે !! મરી જઈએ એનો વાંધો નહીં પણ બરફ જેવા ઠંડા પાણીમાં !! ના.. ના... મહા મહિનાની એકાદશી ઉત્તમ દિવસ રહેશે. અને એણે એકાદશીના બે દિવસ પહેલાની તારીખ જોઈ ગંગા ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવ્યો !

વારાણસી જતાં પહેલાં પૈસાની પણ સગવડ કરવાની હતી. બેંક ના ખાતામાં લગભગ ૮૦ હજાર જેવી રકમ જમા હતી. એણે એ તમામ રકમ ઉપાડી લીધી. દૂધવાળા થી માંડીને કરિયાણા વાળા સુધીનાં જે પણ બિલ બાકી હતાં એ તમામ એણે જતાં પહેલાં ચૂકવી દીધાં.

છેલ્લાં બે વર્ષથી મંથન સાવ સાદગીથી જીવતો હતો. ત્રણ શર્ટ અને બે પેન્ટ એ બે વર્ષથી ચલાવતો હતો. એણે ભારે કિંમતનું એક પેન્ટ, એક શર્ટ અને એક ટીશર્ટ ખરીદ્યાં. અત્યાર સુધી એ ચંપલ પહેરતો હતો. એણે નવા બુટ લીધા. હવે મરવું જ છે તો ઠાઠ થી ચાર દિન કી ચાંદની જેવું જીવન જીવી લેવું.

વારાણસી જવા માટે સવારે ૭:૨૦નું ફ્લાઈટ પકડવાનું હતું એટલે આગલા દિવસે સાંજે આખા શહેરનું ચક્કર માર્યું. મરતાં પહેલાં શહેરને છેલ્લે છેલ્લે જોઈ લીધું અને નવરંગપુરાની એક હોટેલમાં ડિનર પણ લીધું.

બીજા દિવસે સવારે ફ્લાઇટ પકડીને સાંજે સાડા ચાર વાગે એ વારાણસી પહોંચી ગયો. એણે ગંગા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈ લીધો. બીજા દિવસે સવારે ભગવાન કાશી વિશ્વનાથ નાં અદભુત દર્શન કર્યાં. એક પંડિતને પૈસા આપીને અભિષેક પણ કરાવી દીધો. હજુ એકાદશી કાલે હતી. એણે વારાણસી માં એક ચક્કર માર્યું. સાંકડી ગલીઓ નું આ શહેર ખૂબસૂરત હતું.

એને આશ્ચર્ય એ વાતનું થયું કે ઘણા બધા લોકો અહી મોક્ષ મેળવવા માટે આવતા હતા ! કાશીમાં જે મરે એને મોક્ષ મળે એવી માન્યતા હતી. કાશીમાં જઈને મરે એણે કાશીની કરવત મૂકાવી એમ કહેવાતું.

જે લોકોનું મૃત્યુ ખૂબ નજીક હોય એવા લોકોને લઈને એમના સ્વજનો અહી કાશીમાં આવતા હતા. એવા લોકોને રહેવાની પણ મુક્તિધામમાં વ્યવસ્થા હતી. જે લોકોનું મૃત્યુ બીજા કોઈ ગામ કે શહેરમાં થયું હોય એવા લોકોને પણ અંતિમ સંસ્કાર કરવા માટે અહીં મણિકર્ણિકા ઘાટ ઉપર લઈ આવતા હતા.

મંથનને પણ લાગ્યું કે એ પોતે યોગ્ય જગ્યાએ આવ્યો છે. એક તો ગંગા જેવી પવિત્ર નદીની ગોદમાં મૃત્યુ થશે અને મૃત્યુ પછી મોક્ષ પણ મળશે ! આખો દિવસ ફરીને સાંજે જમીને એ પોતાની રૂમ પર ગયો અને સૂઈ ગયો.

બીજા દિવસે સવારે સાત વાગ્યે ઉભો થઇ ગયો. બ્રશ વગેરે પતાવી એણે નાહી લીધું. આજે એકાદશીનો પવિત્ર દિવસ હતો. સારુ ચોઘડીયુ જોઈને બસ ગંગા નદીની ગોદમાં સમાઈ જવું છે. એણે બેલ મારીને ચા નો ઓર્ડર આપ્યો.

આત્મહત્યા કરતાં પહેલાં ફરી એકવાર ભગવાન વિશ્વનાથનાં દર્શન કરી લેવાં જોઈએ એમ વિચારી એ ફરી મંદિરમાં ગયો. ભાવપૂર્વક એણે બિલીપત્ર ચઢાવીને શિવજીને વંદન કર્યાં.

દર્શન કરીને એ બહાર આવ્યો તો મંદિરની બહાર એક સંન્યાસી ઉભા હતા. મંથનને જોઈને એ બોલ્યા.

" જય ભોલેનાથ ! ખાને કે લિયે કુછ દે દે બચ્ચા. "

" જી મહારાજ. દો મિનિટ ઠેહરો. " કહીને એ નજીકની એક ફ્રુટની લારી પાસે ગયો.

અડધો ડઝન કેળાં અને બે સફરજન ખરીદીને એ સંન્યાસી પાસે આવ્યો અને સંન્યાસીના હાથમાં આપ્યાં અને માથું નમાવીને નમસ્કાર કર્યા.

" તેરી કિસ્મત અબ બદલને વાલી હૈ. બાબા વિશ્વનાથ કે આશીર્વાદ તુજે મિલ ગયે હૈં. તેરે પાપ કરમોં કે ફલ સમાપ્ત હો ચૂકે હૈ. તેરે પુણ્યકર્મ કા અબ ઉદય હો રહા હૈ. " કહીને સન્યાસી ચાલવા લાગ્યા.

મંથનને મનોમન હસવું આવ્યું. દરેક સાધુઓ દાન દક્ષિણા આપો એટલે આવી જ વાતો કરતા હોય છે. એ આગળ ચાલ્યો અને એણે વિચાર બદલ્યો. એ હોટલ ઉપર પાછો આવ્યો. અત્યારે દરેક ઘાટ ઉપર યાત્રાળુઓની ભીડ હોય એટલે માનો કે એ નદીમાં કૂદી પડે તો કોઈને કોઈ એને બચાવી લે. એના કરતાં રાતનો સમય જ ઠીક રહેશે. ચૂપચાપ ગંગાની ગોદમાં સમાઈ જવાનું ! રાત્રે સાડા દસ વાગ્યા પછી સારું ચોઘડિયું શરૂ થતું હતું ! બસ આ ટાઇમ જ ફાઇનલ !!

જમવાની હજુ વાર હતી એટલે એણે થોડો સમય આરામ કરવાનું નક્કી કર્યું.
ત્યાં જ એના મોબાઈલ ઉપર કોઈનો ફોન આવ્યો. એ હોટલની ગેલેરીમાં આવ્યો અને ઉભો રહીને વાત કરવા લાગ્યો. રૂમની અંદર નેટવર્ક બરાબર પકડાતું ન હતું.

" તમે મંથન મહેતા બોલો છો ? "

" હા..જી. હું મંથન મહેતા. તમે કોણ ?" મંથને પૂછ્યું.

" તમારા પિતાનું નામ વિજયભાઈ મહેતા ?" ફરી સામેથી બીજો સવાલ પૂછાયો.

" હા જી. પણ તમે ક્યાંથી બોલો છો ?" મંથને પૂછ્યું.

"હું મુંબઈથી એડવોકેટ ઝાલા બોલું છું. મને તમારુ એડ્રેસ જોઈએ છે. ૧૫ દિવસથી હું તમને શોધી રહ્યો છું. માંડ માંડ તમારો નંબર મને મળ્યો છે. " ઝાલા બોલ્યા.

" જી શું કામ હતું મારું ? " મંથન બોલ્યો. એ થોડો ટેંશનમાં પણ આવી ગયો. એને સમજાતું ન હતું કે મુંબઈના એડવોકેટને મારુ શું કામ હોય ? મેં તો કોઈ ગુનો કર્યો નથી.

" જી તમારા પિતાજી વિજયભાઈ મહેતા વીસેક દિવસ પહેલાં દેવલોક પામ્યા છે અને તમારા માટે વીલ મૂકતા ગયા છે. તમે સરનામું આપો તો હું એક-બે દિવસમાં અમદાવાદ આવીને વીલના કાગળો અને તમારી અમાનત તમને સોંપી દઉં. તમે એમની સ્થાવર રોકડ સંપત્તિના એકમાત્ર વારસદાર છો ! " ઝાલા સાહેબ બોલ્યા.

" સ્થાવર-જંગમ મિલકતનો હું વારસદાર ? પણ મેં તો મારા પિતાને જોયા પણ નથી !!" મંથન બોલ્યો.

" હા. એ તમારા માટે બહુ મોટી રકમ અને પ્રોપર્ટી મૂકતા ગયા છે. એ બધું હું તમને રૂબરૂ મળીને કહીશ. પ્લીઝ મને તમે એડ્રેસ મેસેજ કરો. " ઝાલા બોલ્યા.

" ઠીક છે. હું મારું એડ્રેસ મેસેજ કરી દઉં છું." મંથન બોલ્યો અને એણે ઝાલા સાહેબના મોબાઈલ નંબર ઉપર પોતાના એડ્રેસનો મેસેજ કરી દીધો.

ઝાલા સાહેબની વાત એના માન્યામાં જ આવતી ન હતી ! પપ્પાને તો આજ સુધી એણે જોયા જ નથી. પપ્પા મુંબઈમાં ક્યાં રહે છે એ પણ આજ સુધી એને ખબર નથી.

પપ્પા મારા માટે બહુ મોટી રકમ અને સ્થાવર મિલકત મૂકી ગયા ?!! મંથનને માન્યામાં જ નહોતું આવતું ! પૈસાની તકલીફના કારણે તો જિંદગીથી કંટાળી એ આત્મહત્યા કરવા આવ્યો હતો !!

અચાનક એને યાદ આવ્યું કે પોતાના પિતા ગુજરી ગયા છે ! કમ સે કમ ગંગા નદીમાં જઈને મારે માથાબોળ સ્નાન કરવું જોઈએ અને એમની પાછળ યથાશક્તિ શ્રાદ્ધ તર્પણ પણ કરવું જોઈએ. ગમે તેમ તોય હું એમનો એકનો એક પુત્ર છું અને પાછો બ્રાહ્મણ છું. !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)