Vartaviswa Kalam's panel - Issue 15 - Editing - Darshana Vyas in Gujarati Magazine by વાર્તાવિશ્વ કલમનું ફલક books and stories PDF | વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 15 - સંપાદન - દર્શના વ્યાસ

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 15 - સંપાદન - દર્શના વ્યાસ



















વાર્તાવિશ્વ-કલમનું ફલક
ઇ - સામાયિકઅંક – ૧૫

સંપાદક:
દર્શનાવ્યાસ 'દર્શ'



આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ પણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપેમાત્રઆકસ્મિક સંયોગ હશે.
રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.
સર્વાધિકારસુરક્ષિત: આઅંકનાલેખક- લેખિકાઓના
'વાર્તાવિશ્વ-કલમનુંફલક' ઇ - સામાયિકઅંક -૧૫
સંપાદક:
દર્શનાવ્યાસ'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇ-મેઇલ: darshanavyas04@ gmail.com
એડિટરટીમ:
રજૂઆત ભૂમિ પંડ્યા
રસિકદવે, નંદિની શાહ મહેતા, હિમાંશુ ભારતીય
ગ્રાફિક્સ:
ઝરણા રાજા, અનિરુદ્ધ ઠક્કર,ચિરાગ કે બક્ષી
ચેતવણી: આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર,મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં. 




સંપાદકની કલમે
નમસ્કાર મિત્રો,
'વાર્તાવિશ્વ-કલમનું ફલક' તેની વાર્તાઓની ઓળખ લઈ ૯માં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ અમદાવાદ ખાતે ઉમદા અને આગવી પોતાની છાપ છોડીને આવ્યું.સૌ સર્જકો એ સાહિત્ય જગતમાં ટૂંકીવાર્તા વિશેના પોતાના વિચારોની પ્રબળ રજુઆત કરી અને આજે વાર્તાવિશ્વનું ઈ-સામાયિક પોતાની યાત્રાનું દોઢ વર્ષ સફળ રીતે સર કરતાં એક નવી સર્જનાત્મક તરફ લયબદ્ધ ગતિ કરી રહ્યું છે ત્યારે આનંદ અને ગૌરવની લાગણી વાર્તાવિશ્વના સૌ સર્જકો અનુભવી રહ્યાં છે. સર્જક તરીકેની વધતી જાગૃત જવાબદારી સુંદર રીતે નિભાવી શકીએ એ માટે મા સરસ્વતી વાર્તાવિશ્વનાં સૌ સર્જકોમાં સ્થાયી રહે તે પ્રાર્થના.
વાર્તાવિશ્વ-કલમનું ફલકને નોંધનીય સ્થાને લઈ જવા માટે સૌ સુજ્ઞ વાચકોનો આભાર.

અસ્તુ...
દર્શનાવ્યાસ 'દર્શ'
ભરૂચ
7984738035
ઇ-મેઇલ: darshanavyas04@ gmail.com







પ્રસ્તાવના

ॐ श्रीगुरुभ्योनमः । हरिःओम् ।
सहस्रशीर्षापुरुषःसहस्राक्षःसहस्रपात ।
स भूमिँसर्वतःस्पृत्वाऽत्चतिष्ठद्यशाङ्गुलम् ।।

શ્રી હરિની કૃપાથી સર્વે વાર્તાકારોની મહેનત રંગ લાવી અને આજે આપણે પંદરમા અંકને લઈને ઉપસ્થિત થયા છીએ.
એક જ વિષય પર અલગ અલગ રસધારાઓ અથવા અલગ અલગ વિષયો પર અલાયદી વિચારધારા પ્રસ્તુત કરવામાં વાર્તાવિશ્વના વાર્તાકારો હંમેશાં ખરા ઉતર્યા છે. કયાંક સરળ અને સહજ આલેખન છે તો કયાંક હ્રદયને વીંધતીં લાગણીઓ છે.
એક જ થાળીમાં પૌષ્ટિક આહાર અને સ્વાદનો સુભગ સમન્વય એ આપણી વિશિષ્ટતા છે. સાહિત્યની દુનિયામાં મન-મસ્તિષ્કને તંદુરસ્ત રાખનાર ખોરાક આપનાર કલમકારોની લેખનીનો જાદુ આ અંકમાં માણીએ.
અપૂર્ણમાંથી સંપૂર્ણ તરફની આ યાત્રા માટેના પ્રયાણ માટે સૌને ખૂબ શુભેચ્છાઓ.

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥








અનુક્રમણિકા

દર્શનાવ્યાસ - નૃત્યાંગના અને નટરાજ
ભૂમિપંડ્યા - શિખંડીનો બદલો
ભાવિકાપટેલ - સમયના ટકોરા
ઋતંભરાછાયા - સ્પર્શ
ચિરાગબક્ષી - 'પૂર્ણવાસુ'
પ્રફૂલ્લા'. પ્રસન્ન' - ધરા
અંજલિદેસાઈવોરા - સહેલી
નિમિષામજુમદાર - સાચો ન્યાય
અર્ચિતાદીપક પંડ્યા - એક નિર્ણય
૧૦ જાગૃતિ 'ઝંખનામીરાં' - આત્મગ્લાનિ
૧૧ જાગૃતિ 'ઝંખનામીરાં' - આજીવન કારાવાસ



૧.
લેખક – દર્શનાવ્યાસ'દર્શ'
શીર્ષક - નૃત્યાંગના અને નટરાજ
ઇ-મેઇલ: darshanavyas04@gmail.com

જ્યારે પણ મંદિરમાં ઘંટ વાગે ત્યારે ઘંટ ઉપર બાંધેલા ધૂંધરું મને અંદરથી ઝણઝણાવી દે. હું કેમ ભૂલું, ગામના આ મંદિરમાં મારા લિંગરૂપ સાથે જ્યારે મંદિર પરિસરમાં મારા નટરાજરૂપનું સ્થાપન થયું ત્યારે એ તરુણીની આંખમાંથી વહેતી ખુશીએ જાણે બધી જ વિધિઓથી પરે મારી મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી.

રોજ બપોરે મંદિરમાં કોઈ ન હોય ત્યારે એ આવે. પગમાં ધૂંધરું બાંધી મારી સામે નૃત્ય કરે ત્યારે હું મૂર્તિમાંથી બેઠો થઈ ગયો હોઉં તેવું જ લાગે. મને હવે ભક્તોની ભીડ સાથેની મંગળા કે રાજભોગ કે સંધ્યા આરતી કરતા આ તરુણીનું નૃત્ય વધુ ભાવવાહી લાગતું. તેના નર્તનમાં શ્રદ્ધા દેખાતી. તેના ધૂંધરુંના તાલે થનગનતાં પગે જાણે મારી ષોડશોપચાર પૂજા થઈ જતી. હવે મને તેની રાહ રહેવા લાગી. હા, સ્વયં નટરાજને નૃત્યાંગનાની રાહ ...! એ આવતી ત્યારે તેના પગનાં ધૂંધરું સમસ્ત મંદિર પરિસરને લય અને તાલમાં ગરકાવ કરી દેતાં. નટરાજરૂપે સ્થિત હું તેનામાં વિલીન થતો. મારો ભાવ અને તેનો તાલ નૃત્યની એ અવસ્થા જાણે બ્રહ્માંડ સુધી પહોંચતી. તેના પગનાં થરકાટમાં સરસ્વતીની વીણા, કૃષ્ણની બંસરી હું અનુભવતો. મારા ડમરુંના નાદ તેના ઘૂઘરાનો તાલ બની જતો... પણ એ દિવસ પછી એ આવી જ નહી.

જ્યારે તે આખરી વખત આવી ત્યારે ચોધાર આંસુએ રડતાં, લંગડાતાં તે મંદિરમાં આવી. તે દિવસની તેની સ્થિતિ મને દ્રવીત કરી ગઈ. તેનો ક્યાં કશો વાંક હતો? તે મંદિરમાં નૃત્ય કરે છે તે વાતની જાણ પૂજારીને થઈ પછી તો જોતજોતામાં તેના પરિવાર અને સમાજ સુધી પહોંચી. લોકોનું કુતૂહલ અંધશ્રદ્ધા બનતાં વાર ન લાગી. તેનામાં કોઈ દેવદાસીનો ઓછાયો પડ્યો કે કોઈ કહે નાચનારીનો આત્મા! મંદિરમાં ખરા બપોરે ધૂંધરું બાંધીને, બધું જ ભાન ભૂલીને નાચે છે. તેના બાપુએ તો "ધૂધરું ક્યાંથી મળ્યાં?" પૂછતાં પગે ડામ દીધાં. રડતાં રડતાં તેણે કહ્યું "મને ધૂધરું ગમતા, મેં નિશાળના કાર્યક્રમમાં નૃત્ય સ્પર્ધા જીતી અને ઇનામને બદલે આ ઘૂંઘરું માંગી લીધા...બાપુ, હું આ નટરાજ સામે નૃત્ય કરી હું નૃત્યની અને ખુદ આ નટરાજની ઉપાસના કરું છું." પગનાં ડામે એ નૃત્ય માટે અસમર્થ થઈ તેણે કંઇક કાકલૂદી કરી તેના ધૂધરું મંદિરના ઘંટ ઉપર બાંધી રાખવા, ત્યારે માંડ તેની આજીજી માન્ય કરી અને તેણે ઘૂંઘરું ઘંટ ઉપર બાંધ્યા.
તેની પીડા જોઈ મને તેને બચાવી લેવાનું, તેની પીડામાંથી તેને એક સ્પર્શમાત્રથી મુક્ત કરવાનું મન થયું. તેના પર અત્યાચાર કરનારને ત્યારે જ સજા આપવાનું મન થયું. કર્મની સજા તો વિધિના વિધાનથી મળતી હોય છે તેનાથી હું ના આ છોકરીને બચાવી શકું, ના અત્યાચારીને સજા આપી શકું. મારુ હૃદય દ્રવી ઉઠ્યું.
હું બધું જ જાણતો હોવા છતાં પથ્થર બની રહ્યો. મને મૂર્તિમાંથી બહાર આવી તેને કહેવાનું મન થયું હતું, તું ન જા.. તારા નૃત્ય વગર હું નટરાજ અપૂજ બની જઈશ. તારું નૃત્ય મારુ પૂજન છે. હું ખૂબ ઇચ્છવા છતાં તેને રોકી ન શક્યો. કર્મનાં બંધન આડે આવવાનું તો મને પણ બાધ્ય છે. તે દિવસે ઈશ્વર હોવા છતાં મેં લાચારી અનુભવી. હું તેની પીડાનો નિમિત્ત બન્યો એ ભાવ મને જ કોરી રહ્યો.

આજે આટલા દિવસો પછી પણ હું ઈશ્વર થઈ મંદિરમાં તેના આવવાની પ્રતીક્ષા કરું છું. તેના કર્મના બંધન પૂરા થવાની પ્રતિક્ષામાં હું પણ પથ્થર બની અહી મંદિરમાં જ તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. આજે તેના બંધનોથી તે મુક્ત થઈ. તેને હું અહીં ખેચીશ, એ આવશે. મન મૂકીને નાચવાની હું પ્રેરણા કરીશ, મનમાં બસ તેની જ રાહ... તે આવશે, ફરી આ પરિસર તેના ઘૂંઘરુનાં તાલે ગૂંજી ઉઠશે. હું તેની રાહમાં આખી બપોર તડપતો રહ્યો. આરતીની ઝાલર પણ મને રાજી ન કરી શકી. ઘંટ પર બાજેલા તેના ઘૂંઘરુ હવે હું તેનાં પગમાં રણકી ઉઠે તે જ ચાહી રહ્યો પણ તે ના આવી, શયન આરતી સુધી તે ના આવી. હવે તેની વાટ જોવી તો આ દેવને પણ દોહ્યલી થઈ ગઈ. મધરાતે તેને ઉંઘતી ઝડપી.
"હું નટરાજ યાદ છે ને..."કહેતા તેની સામે પ્રગટ થયો.
"તારા કર્મના બંધનો પૂરા થયાં હવે તું મુક્ત છે. મેં તારા મનમાં પ્રેરણા કરી કે તું મંદિર આવ હું ફરી તારું નૃત્ય જોઈ પથ્થરમાંથી દેવ બનું. તારી રાહ જોઈ તું ના આવી તો જો હું આવ્યો તારી પાસે."
તે દુઃખભર્યું હસી. મારાથી તેનું આ સ્મિત ન જોઈ શકાયું. "મારા નૃત્યની મને સજા મળે છે. તમે તે જોયું ને ? તમે ઈશ્વર થઈ મને ના બચાવી. મારો વાંક શું હતો? આખા ગામ સામે નિ:સહાય હતી ત્યારે મને ઉગારવા કેમ ના આવ્યાં?"
"હું ઈશ્વર થઈ દરેકની પીડા દૂર કરી શકતો હોત તો દુનિયામાં કોઈ જ દુઃખી ન હોત. તારી પીડાનો મને અહેસાસ હતો જ પણ તારા કર્મના બંધનને હું પણ ફેડી ના શકું. હા તારી પીડામાં તારી શક્તિ બન્યો કે તું હાર ન માને. તારા જીવનને તું ફરી સવારી શકે તે આત્મવિશ્વાસ પૂર્યો. તારા કર્મના બંધન પૂરા થયા હવે કોઈ તને રોકી નહિ શકે. આવ હવે મંદિર. તારું નૃત્ય જોવા હું આતુર છું. હવે તું નૃત્ય કરી નૃત્યની સામ્રાજ્ઞી બનીશ. ચાલ મંદિર..."
તે મારી સામે ઉપાલંભ ભર્યું હસી.
"નૃત્ય....સામ્રાજ્ઞી! હવે તેની શી જરૂર જ્યારે સ્વંય નટરાજ મારા નૃત્યને જોવા મને બોલાવવા આવે. તમે ઈશ્વર છો તમારી મર્યાદા મૂકી મને કર્મના બંધનથી છોડાવી ન શકો તો હું પણ દીકરી છું મેં બાપુને વચન આપ્યું છે હું નહિ નાચું, ઘૂંઘરું નહિ બાંઘુ. એ વચન ફોક કરી ફરી મારે તમારા કર્મના બંધને નહિ બંધાઉ."
"તું ખૂબ સુખી થા..તને માગ્યું મળે." બસ આ બે વચન આપી હું ફરી મંદિરમાં મૂર્તિમંત થયો.
મંગળા આરતીનો સમય થયો મંદિરમાં ઘંટ સાથે ઘૂંઘરું વાગવા લાગ્યાં. તેના નૃત્યની તડપ મને વધી રહી ઘૂંધરુંનો અવાજ, તેના પગની થાપ સિવાય મને કોઈની પ્રાર્થના નહોતી સંભળાઈ રહી. આજે ઈશ્વર કોઈને પોકારી રહ્યો હતો. એ ખેંચાઈને આવી. મારી મૂર્તિ સામે હાથ જોડી ઉભી રહી. "તમે કહ્યું ને મને મોં માંગ્યું મળે તો નટરાજ અને નૃત્યાંગના એકરૂપ બને! મારામાં વિરાજો આપણે સાથે નૃત્ય કરીએ. નટરાજ આજે નૃત્યાંગનામાં વિલીન થયા. શિવ જીવમાં ભળ્યાં અને એ ક્ષણે થંભેલો સમય ઈશ્વરની આ કેફિયતનો યુગોયુગો સુધી સાક્ષી બન્યો.










શિર્ષક : શિખંડીનો બદલો
લેખન : ભૂમિપંડ્યા
ઇ-મેઇલ: bhoomi93.pandya@gmail.com

जीवनकेकुरुक्षेत्रमें, जबजबआयास्वार्थ,
लेगीताकोहाथमें, तूभीबनजापार्थ।
- महावीरउतरांचली

"ઓહો! તો તું આવું બધું પણ વાંચે છે?" હરિતાએ હાથમાં રહેલી બુકના કોરા પાના પર લખેલી લાઈનો વાંચતા પૂછ્યું.
"હાસ્તો, તને શું લાગે છે હું ખાલી મોટી મોટી ફાઈલો અને એમાં રહેલા કાગળિયાં જ વાંચતો હોઈશ! તારા પતિની જેમ?"અર્ચને બંધ આંખે જ ખોળામાં સૂતેલી હરિતાને જવાબના બદલામાં સવાલ કર્યો.
"ઘ ગર્લ ઈન મહાભારતા" હરિતાએ શીર્ષક વાંચ્યું અને આકર્ષક મુખપૃષ્ઠને ધ્યાનથી જોવા લાગી." તો તને પણ વેદપુરાણોમાં રસ છે, મારી જેમ સરસ." હરિતા જેની સાથે છે, તે પણ તેના જેવું જ છે એ વાતે તેને હાશકારો થયો.

"હરિતા ઉઠ. મારી સામે બેસ મારે તારી સાથે અગત્યની વાત કરવી છે." અર્ચનના અવાજમાં ગંભીરતા હતી. હરિતા ઊઠી અને અર્ચનના ખભે માથું ટેકવીને બેઠી.

અર્ચને પૂછ્યું,"આપણે પાંચ દિવસથી ગાયબ છીએ.તને તારા પતિની યાદ નથી આવતી?તારા દીકરાને ખબર પડી ગઈ હશે કે આપણે આમ..."

"ભાગી ગયા છીએ એમ જ ને? હરિતાએ અર્ચનનું મોં પોતાની સામે ફેરવ્યું અને આંખમાં આંખ નાખીને બિન્દાસ સવાલ પૂછી લીધો.
બે માંથી કોઈ કશું બોલ્યું નહીં.
થોડી વારે હરિતા બોલી,"એ પતિ જેણે મારા નવ મહિના પેટમાં રાખેલા દીકરાને તેની જ મા પ્રત્યે કોઈ લગાવ રહેવા ન દીધો. એ પતિ જેણે હંમેશા પોતાનું ધાર્યું ન થાય તો બધો વાંક મારો છે એવું મને મહેસૂસ કરાવ્યું, એ પતિ જેણે મન થયું ત્યારે અપશબ્દો કહીને... પછી ગુસ્સે હતો સમજ, કહીને મને કેટલીય વાર મૂર્ખ બનાવી તેની યાદ મને આવે? "

"કેમ ન આવે? હું તો અજાણ્યો હતો, તોય તને મારી યાદ આવતી આપણાં મળ્યાં પછી. હા,આપણે ઉંમર કે રૂપના લીધે એકબીજા પ્રત્યે નથી આકર્ષાયા એ વાત અલગ છે પણ તું અને તારો પતિ તો .....કેટલા નજીક...એ બધું યાદ આવે સ્વાભાવિક છે. તને ગિલ્ટ જેવું નથી થતું તેને મૂકીને?" અર્ચને હરિતાનાં માથામાં હાથ પસવારતા પૂછ્યું.

"ગિલ્ટ" સાંભળતા જ હરિતાએ પોતાની જાતને અર્ચનની કાયામાં છુપાવી લીધી. પહેલાં તેના ગરમગરમ આંસુઓ પછી ડૂસકાં અને થોડી વારે તેના ગળે ડૂમો ભરાઈ આવ્યો. અર્ચન પાસે મન મૂકીને હરિતા નાના બાળકની જેમ રડતી હતી અર્ચને તેને રડવા દીધી.
માંડમાંડ તેના ગળામાંથી થોડા શબ્દો નીકળ્યા..." તેને બસ આખો દિવસ બિઝનેસ, એ કહે એમ કરો તો સારા બાકી તો..તેની થવામાં હું મને ખોઈ બેઠી અર્ચન. પહેલાં એમ હતું કે એ કામમાં હશે. પણ પછી સમજાઈ ગયું કે તેને બસ જે પોતાના કહેવા પ્રમાણે કરે તે જ ગમે બીજા નહીં. માનસિક ત્રાસ થઈ જતો." બોલતા હરિતાની ભીંસ વધી.

"હમમ...એવો જ છે." અર્ચન બબડ્યો.
"એવો જ છે?" શ્વાસની આવજા અનુભવી શકાય એટલા નજીક બે શરીરને ધીરેથી કરેલો બબડાટ પણ સંભળાય એ સ્વાભાવિક હતું.

"એ એટલે લગભગ પુરુષો એવા જ હોય." કહેતા અર્ચન ઊભો થયો અને કિચનમાંથી હરિતા માટે પાણી લઈ આવ્યો. હરિતાએ પાણી પીધું. થોડી સ્વસ્થ થઈ ત્યાં અચાનક તેના મનમાં પણ કૈંક પ્રશ્ન થયો હોય તેમ વિચારમાં ખોવાયેલી જોઈને અર્ચને ઇશારાથી પૂછ્યું" શું થયું?"
"તું પણ તારી વાઇફને આમ કરતો? તો ફરીથી મને પણ..."

"મારી વાઇફ નથી અને હોત તોય હું કોઈને એમ ટ્રિટ કરવામાં નથી માનતો કે નથી માંગતો." અર્ચનના અવાજની મક્કમતા અને આંખોમાં સત્ય હરિતાએ અનુભવી.
મનમાં હાશકારા સાથે હરિતા એ ફરી સવાલ કર્યો,"તો કોઈ ગર્લફ્રેન્ડ હતી કે પછી હું પહેલી છું? જો હું જ પહેલી હોઉં તો મને અફસોસ થશે કે તું મને બહુ મોડો મળ્યો."

"એવું કશું નથી."અર્ચન એ ટૂંકમાં જવાબ આપ્યો પણ જાણે હરિતાએ જવાબ માનવા તૈયાર નહોતી કે પછી ઢળતી ઉંમરે પણ પોતે કોઈના જીવનની પહેલી સ્ત્રી છે એવું સાંભળવા આતુર હોય એમ ફરી પૂછ્યું..."કોઈક તો હશે ને ક્રશ. તું દેખાવમાં પણ સરસ હોઈશ કારણ કે અત્યારે પણ છે જ.તો તે નહીં તો કોઈકે તો તારી માટે એવું અનુભવ્યું જ હશે...કે પછી....તને છોકરીઓના બદલે છોકરાઓમાં...ના..એવું તો કેમ હોય?તો તું મારી સાથે થોડો હોય?હા પણ એવુંય બને કે પહેલા તને છોકરાઓમાં રસ હોય પણ લોકો એ વાત સામાન્ય નથી લેતા એટલે તું છોકરીઓમાં રસ લેતો થયો અને પછી હું આવી તારા જીવનમાં..." હરિતા હજી બોલ્યે જ જતી હતી.તેના અનુમાનો સાથે તેના હાવભાવ જોઈને અર્ચનને હસવું આવતું હતું અને તેના હસવાથી અર્ચિતા વધારે ચિડાઈ જતી.

"હા,મને એક છોકરો ગમ્યો હતો કોલેજ સમયમાં." અર્ચને અચાનક કહી નાખ્યું.
"કોણ હતો? કેવો હતો?કોઈ પ્રોફેસર હતો કે પછી ખરેખર કોઈ હતું એ રીતે?" હરિતાના સવાલો સાથે આંખોમાં અજાણ્યો ભય પણ ડોકાયો.

અર્ચન કશું કહેવા જતો હતો ત્યાં જ બારણે ટકોરા પડ્યાં. અર્ચને દરવાજો ખોલ્યો એ સાથે જ બહાર ઊભેલા માણસે અર્ચનના મોં પર મુક્કો માર્યો અર્ચન જમીન પર પડ્યો તેનો કોલર પકડીને ઊંચકાવતા સામેવાળો માણસ તેના પર બરાડ્યો,"મારા જ બિઝનેસમાં મારો ખાસ વ્યક્તિ થઈને મારી જ વાઇફ પર નજર બગાડતા તને શરમ ન આવી?"
હરિતા આ બધું જોઈને એકદમ ડઘાઈ ગઈ.તે અને તેનો પ્રેમી ક્યાં છે એ તેના પતિને કેવી રીતે ખબર પડી અને હવે પોતાનું શું થશે એ વિચારે તેનું મગજ ચકરાવે ચડ્યું.

" ચિલ મિ.અનંત આવ્યા જ છો તો બેસીને વાત કરીએ પછી આપ આપની વાઇફને લઈ જઈ શકો છો." અર્ચને ઉભા થઈને અનંતને જોરથી સોફા પર બેસાડતા કહ્યું.

"આ શું ચાલે છે બધું? અર્ચન હું કોઈ રમકડું છું કે તું આમ..." હરિતા આગળ કંઈ બોલે પહેલાં એ પહેલાં અનંત બોલ્યો, "આ તારા પ્રેમી અર્ચને જ મને કોલ કરીને અહીં બોલાવ્યો છે હરિતા. એ તને રમકડું નથી સમજતો તો બીજું શું સમજે છે તું જ વિચાર? હરિતાની આંખમાં સવાલ હતો એ સમજી જઇ અર્ચન બોલ્યો, "મેં કોઈને રમકડું નથી બનાવ્યા પણ સંજોગોએ મને આવું કરવા મજબૂર..." તારી ફાલતું બકવાસ બંધ કર. બાકી એક કોલ કરું એટલી વાર છે પોલીસ તને ખબર પાડશે" કહેતા અનંત હરિતા તરફ જવા જતો હતો ત્યાં જ અર્ચન બોલ્યો, "તારા કેટલા કામ ગેરકાયદેસર થાય છે એ પણ પોલીસ આવે ત્યારે હું કહીશ."

"શું જોઈએ છે તારે? રૂપિયા જોઈએ છે મારી પાસેથી? કેટલા બોલ...જલદી બોલ." પોતાના ગેરકાયદેસર કામ વિશેની વાત પોતાની પત્ની સામે ખુલ્લી પડવાથી અનંત ગુસ્સામા લાલચોળ હતો.

"તો શું જોઈએ છે બોલ?" અર્ચન વધારે કશું બોલે અને બીજી કોઈ વાત ખુલ્લી પડે એ પહેલાં જેમ તેમ હરિતાને ત્યાંથી લઈને નીકળી જવાય એ વિચારીને અનંતે પૂછ્યું.
"મારે તારી માનસિકતા ખોટી પાડવી હતી અને આજે મેં એ કરી દીધું.તારી જ પત્નીને તારાથી અલગ કરીને."અર્ચન બોલ્યો.

"અર્ચન...શું છે આ બધું?પ્લીઝ જે હોય તે ચોખ્ખું કહી દે." હરિતા હાથ જોડતા બોલી.
"આજથી વીસ વર્ષ પહેલાં આ અનંત અને એક છોકરી એકબીજાના પ્રેમમાં પડ્યાં.અનંતના વારેવારે અપમાનિત કરી નાખવાના સ્વભાવથી એ છોકરીને કોઈ બીજા મિત્ર પ્રત્યે માન વધ્યું તો અનંતે એ છોકરીને લગ્ન કરીશ એવું કહીને બોલાવી તો ખરી પણ પોતે ફરાર થઈ ગયો. એ છોકરી પોતાના ઘરેથી માત્ર એક વાર અનંતના કહેવાથી ભાગી નીકળી કારણ કે તેને એનું જીવન તેની સાથે જીવવું હતું.પણ આ અનંત મહેતા તો પોતાના સ્વભાવને જ સર્વશ્રેષ્ઠ માનીને એ છોકરીને પડતી મૂકીને છુ થઈ ગયા. એ છોકરી પોતાના ઘરે ગઈ તો તેને ખબર પડી કે એના પિતાજી તેના ભાગી જવાના આઘાતને ન સહી શક્યા અને હંમેશા માટે શાંત થઈ ગયા. એ તો નસીબ એ છોકરીનું કે તેના પપ્પાની મિલકત તેની પાસે હતી. તેણે નક્કી કર્યું કે હવે અનંતને તે બધી રીતે બરબાદ કરી નાખશે. ઘણી તકલીફો, શોધખોળ, તેના નેટવર્ક વગેરેની માહિતી એકઠી કરવા તે મંડી પડી અને આખરે એક દિવસ તે છોકરીમાંથી છોકરો બનીને આવી તારી કંપનીમાં.

થોડા જ દિવસોમાં હરિતા સાથે ઓળખાણ અને તારો એના પ્રત્યેનો પણ એ જ રવૈયો છે એ જાણીને તેણે એટલે કે મેં હા મેં જ, તારી પૂર્વ પ્રેમિકાએ જે કરવું હતું એ કરી નાખ્યું. હા હું એ જ અર્ચના છું અનંત, જેને તે એવું કહીને તરછોડી હતી કે ,"આપણા વ્યક્તિનું મહેણું પણ આપણને વ્હાલું જ લાગે જો પ્રેમ હોય તો. પણ તને તો બીજા માન આપે એ ગમે છે. તો તને એ વ્હાલા હશે. જા રહે એની સાથે. જો આજે તારી હરિતા પણ લગ્નના પંદર વર્ષો બાદ તારા મહેણાથી કંટાળીને જ મારી સાથે આવી ગઈ છે.મેં પણ તેને માન જ આપ્યું હતું અને તેને લાગણી થઈ ગઈ મારી માટે એ પણ એટલી હદે કે...અને અર્ચનના ગાલ પર એક તમાચો પડ્યો. "તને શું લાગે છે તે આમ કરીને બહુ મહાન કામ કર્યું છે? તે અનંતને બધી રીતે ખતમ કરી દીધો છે એમ? હરિતાની આંખો લાલઘૂમ હતી. થોડીવાર માટે ત્રણમાંથી કોઈ કશું બોલ્યું નહીં.

હરિતાનું વર્તન જોઈને અનંતને લાગ્યું કે પોતે હરિતાના પોતાના જ જાણીતા વ્યક્તિ સાથે ભાગી જવાથી તે ખૂબ બદનામ થઈ ચૂક્યો છે. તો પોતે પ્રેમથી કામ લઈને હરિતાને સાથે આવવા મનાવી લઈ ભીનું સંકેલી લેવું જોઈએ. જ્યારે અર્ચનના મનમાં હરિતાના અનંત પ્રત્યેના આવા વર્તનથી પત્નીપ્રેમ જાગી ગયો કે શું? એવી શંકાકુશંકાઓ આકાર લેવા માંડી હતી. પોતાની આટલા વર્ષોની મહેનત,આટલી શોધખોળ અને હવે જ્યારે અનંત સાવ બરબાદ થઈ જવા રહ્યો છે ત્યારે જો હરિતા તેનો સાથ આપી દેશે તો શું થશે? અર્ચન અર્ચના તરીકે જ્યારે એકલતાની પીડામાં હતો ત્યારે કોઈએ તેને સાથ આપ્યો હોત તો તેનું જીવન કદાચ કૈંક અલગ દિશામાં હોત પણ હવે શું થશે? જ્યારે હરિતા વિચારી રહી હતી કે પોતે અનંત સાથે આટલા વર્ષ રહેવા છતાં ન જાણી શકી કે તેના જીવનમાં કોઈ અર્ચના પણ હશે અને આજે પોતે કોઈ સાથે ભાગી ગઈ ત્યારે તેને આ વાત જાણવાથી આટલું દુઃખ કેમ થાય છે? શું આ તેનો પતિપ્રેમ હતો કે પ્રેમીને છેતર્યાનો પસ્તાવો કે પછી પોતાની જ સાથે કરેલું છળ?

"ચાલ હરિતા, આ બધું ભૂલીને આપણા ઘરે." અનંતે હરિતાનો હાથ હાથમાં લેતાં કહ્યું. હરિતાએ અનંતનું આવું વર્તન ક્યારેય ધાર્યું નહોતું પણ એક સ્ત્રી તરીકે એ એટલું ચોક્કસ સમજતી હતી કે આજે પણ અર્ચન સામે પોતે મહાન સાબિત થાય એવું જ વર્તન કરવા અનંત ટેવાયેલો હતો. તે જરા ખચકાઈ પછી અર્ચન સામે જોયું.

અર્ચન બોલ્યો, "પેલા પુસ્તકો વિશે તું મને પૂછતી હતીને હરિતા તો સાંભળ. એ પુસ્તકો જ મારી પ્રેરણા બન્યાં એટલે એ મારી સાથે જ રહે છે.કળિયુગમાં ઈશ્વરની રાહે રહેવા કરતાં કર્મ વધારે મહત્વ રાખે છે. શિખંડી જે રીતે પોતાનો બદલો લેવા પોતે લડી એમ મેં પણ એ જ કર્યું , કારણ કે મને મારા અંતરમન પર શ્રધ્ધા હતી આગળ ઈશ્વર જાણે. મેં સ્ત્રી કે પુરુષ તરીકે તારું દિલ બહુ દુઃખાવ્યું છે હરિતા, શક્ય હોય તો મને માફ કરજે.”

અર્ચન મૌન હતો અને અનંત હરિતાને દરવાજા તરફ ખેંચી રહ્યો હતો.

“તને શું લાગે છે તે બધી રિસર્ચ કરી લીધી એમ?તે આ અનંતને તોડી નાખ્યો એમ?” હરિતા હાથ છોડાવીને અર્ચનની સામે જઈને ઉભી.

"કોઈને સાવ કેમ તોડાય એ તને આવડે છે ખરું? લે હું શીખવું."અર્ચનને પગથી માથા સુધી જોતા જોતા હરિતા ફરી બોલી, "અનંત હું ઘરે નહીં આવી શકું."

"પણ કેમ? હું બધું ભૂલી જવા તૈયાર છું." અનંતે હરિતાને પૂછ્યું.

"કારણ..."બોલીને હરિતાએ અર્ચનનો હાથ પકડ્યો અને બોલી,"મારે પણ એક વ્યક્તિને બરબાદ કરવાનો છે. જેમાં અર્ચન જ મારી મદદ કરી શકે એમ છે અનંત." અનંત દુઃખદ તો અર્ચન સુખદ આશ્વર્ય સાથે હરિતાને જોઈ રહ્યો.






શીર્ષક :- સમયનાટકોરા
લેખન:- ભાવિકાપટેલ
ઇ-મેઇલ:- bhavikapatel0777@gmail.com

જીવનના બારણે બે જણનો મેળ મિલાપ થવો એ જેટલી સહજ બાબત છે તેટલી જ સામાન્ય બાબત બે જણાં તે બારણે જુદા પડે એ પણ છે.
વેદાંત અને રીમાનો પણ જીવનના બારણે ફરી પાછો પાંચ વર્ષ પછી મેળ મિલાપ થાય છે. આ સમય દરમ્યાન તે બંનેમાંઘણો બધો ફેરફાર થાય છે. તેઓની રહેણીકરણીમાં ફેરફાર જોવા મળે છે.

તેઓ મળે છે ત્યારે બંનેને બોલવા માટે કોઈ શબ્દો જડતા નથી.. બંને સ્નેહભાવથી એકબીજાના હાથ પકડી લે છે. તેઓના વદન પર પ્રસન્નતા છવાઈ જાય છે. તેમના ભેગા થયેલા હાથની પકડ ધીરે ધીરે મજબૂત થઈ જાય છે.

"વેદાંત"......."રીમા"...... બંનેના મોંમાંથી શબ્દો સરી પડયા છે.

ભીડમાંથી બહાર આવી એકબાજુએ થોડી વાર ઊભા રહી તેઓએ એકબીજાના ખબર અંતર પૂછે છે. તેઓ વાતો કરવાની એકાંત જગ્યા શોધતાં શોધતાં બગીચામાં જાય છે. બંનેને ઉતાવળ ન હોવાથી નિરાંતે વાતો કરે છે.

વેદાંત અને રીમા એકાએક એકબીજાને જોઈને ખડખડાટ હસે છે. જ્યારે હાસ્ય બંધ થયું ત્યારે વેદાંતના ચહેરા પર અંતરનું દુઃખ વ્યકત થાય છે. ત્યારે રીમા તેને ઉદાસ ચહેરા પાછળનું કારણ પૂછે છે.

વેદાંત તેના દુઃખનું કારણ તેની પત્ની રીમાને કહે છે.
"રીમા, હું આપણા બાળકો અને પરિવારના સારા ભવિષ્ય માટે દુબઈ આવ્યો અને અહીંયા સારી કંપનીમાં યોગ્ય પદ પર નોકરી મેળવી. કંપનીમાં મેનેજર અને બીજા બધા સાથે મારા સંબધો સારા હતા. મારા મેનેજરને રોયલ કસીનોમાં જુગાર રમવાની આદત હતી. તેઓ મને અવારનવાર તેમની સાથે રોયલ કસીનોમાં લઈ જતા હતા. કેટલીકવાર મારી ઈચ્છા ન હોય તો પણ મારે તેમની સાથે જવું પડતું હતું. પહેલા તો હું ત્યાં જઈને એક ખુરશી પર બેસી રહેતો હતો. પરંતુ આ જીવનના બારણે સમયનો એવો ટકોરો પડ્યો કે મારું જીવન બદલાય ગયું. ત્યાં જઈને ધીમેધીમે મને પણ રોયલ કસીનોમાં જુગાર રમવાની આદત લાગી ગઈ. મેં આ વાતની જાણ તને અને પરિવારને થવા દીધી નથી. સમય રેત બની સરતો જાય તેમ તેમ મને જુગારની લત વધુને વધુ લાગતી ગઈ હતી. તેમા હું મારી મહેનતના બધા રૂપિયા હારી ગયો હતો."

હવે આ ખરાબ લતને કારણે મેં મારી નોકરી પણ ગુમાવી દીધી છે. ત્યારે મને મારી ભૂલનો એહસાસ થયો છે. આ આદતમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો જડ્યો નહિ એટલે મેં તને તુરંત અહીંયા બોલાવી છે.”

વેદાંતની વાત સાંભળી રીમા સ્તબ્ધ થઈ જાય છે. તેના ચહેરા પર નિરાશાના મોજા ફરી વળે છે. રીમા થોડી વાર કંઇ જ બોલતી નથી. સમુદ્રની ગહેરાઇની માફક ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. પોતાના પતિની ભૂતકાળની ભૂલોને સુધારવા માટે તેણી એક માર્ગ શોધી કાઢે છે. પછી રીમા આદર્શ પત્નીની ફરજ બજાવતી સૂઝબૂઝથી કામ હાથ ધરે છે.

રીમા તેના પતિને ખરાબ આદત છોડાવવા માટે પ્રયત્નો હાથ ધરે છે. તેણી અલગ અલગ માર્ગો આપવાની પોતાના પતિની ખરાબ આદતોને છોડવા માટે કોશિશ કરે છે. તેણી વેદાંતને અલગ અલગ કામમાં વ્યસ્ત રાખે છે. તેને પોતાના મનગમતા કામ કરવા માટે તેણી પ્રેરણા આપે છે. જેથી તેને જુગાર રમવાનું યાદ ન આવે. તેને રીમા ફરવા માટે લઈ જાય છે. તેને અલગ અલગ પ્રવૃત્તિ કરાવે છે. જેથી તેનું મન તેમાં પરોવાયેલું રહે. તેણી હંમેશા વેદાંતનો પડછાયો બની સાથે રહે છે. રીમા પણ તેની સાથે તે કામમાં અને પ્રવૃત્તિમાં સહભાગી બને છે. સમય વીતતો જાય છે. અંતે રીમાના પ્રયત્નો સફળ નીવડે છે. બે વર્ષ સતત મહેનત કરી રીમા પોતાના પતિને ખરાબ આદતોની જાળમાંથી છોડાવીને જ રહે છે.

એક દિવસ વેદાંત નીરસ થઈને બેસે છે. રીમા તેને જોવે છે. વેદાંતની નિરાશા પાછળનું કારણ પૂછે છે.

વેદાંત કહે છે ," હવે મારી પાસે મારી નોકરી રહી નથી તો અહીંયા કેવી રીતે રહીશું? અત્યાર સુધી તો તારા બચાવેલા રૂપિયામાંથી રહેતા હતા. ક્યાં સુધી આવું રહેશે?"

તે વેદાંતને કહે છે ," તમે ચિંતા ન કરો. બધું પહેલાંની જેમ સારું થઈ જશે. આપણે બંને ફરી સાથે મળીને બધું ઠીક કરી દઈશું. ચાલો આપણે ઇન્ડિયા આપણા પરિવાર અને બાળકો પાસે જતા રહીએ. તમે તેઓને પાંચ વર્ષથી મળ્યા નથી. ત્યાં જઈને ભૂતકાળમાંથી બહાર આવી ભવિષ્યને ઉજ્વળ બનવા માટે શુભારંભ કરીએ."

તે બંને બાર વાગ્યાની ફ્લાઇટમાં બેસી દુબઈથી ઇન્ડિયા જવા માટે રવાના થઈ જાય છે. ઇન્ડિયા પહોંચીને વેદાંત માતા પિતા અને બાળકોને મળે છે અને તેને આનંદની અનુભૂતિ થાય છે. રીમા ધીમે રહીને માતા પિતાને વેદાંતની પરિસ્થિતિ વિશે જાણ કરે છે. તેઓ વેદાંતના દુઃખના સમયમાં તેનો સાથ આપે છે. ભૂતકાળમાં થયેલ ભૂલોને ભૂલાવી દઈ તેને જીવનમાં આગળ વધવાની સલાહ આપે છે.

પાંચ વર્ષ પછી વેદાંત અને તેનો પરિવાર સાથે ભોજન કરવા માટે બેસે છે. ભોજન લીધા બાદ વેદાંત થોડો સમય બાળકો સાથે વિતાવે છે અને ત્યારબાદ રીમા અને વેદાંત છત પર એકાંતની પળો માણે છે.

એકાંતના આકાશ નીચે બેસી રીમા વેદાંતને સમયને બદલવા માટે કહે છે. “જે દિવસો નકામા વીતી ગયા તેને યાદ કરીને નકામો સમય ન વેડફો. આ થનગનતા જીવનમાં મનગમતા રંગો ભરવાનો સમય આવી ગયો છે. હવે તમારે તમારો સમય જાતે બદલવાનો છે. હવે તમે તમારા જીવનમાં સપનાના મનગમતા રંગો ભરવાના છે.”

વેદાંત નિરાશા સાથે બોલે છે, "પણ રીમા હું હવે હારી ગયો છું. મારામાં હવે ઊંચાઈ પર આવવાની તાકાત રહી નથી. હું કંઈ કરવા માટે સક્ષમ રહ્યો નથી."

વેદાંતની વાત સાંભળી રીમા વિચારમાં પડી જાય છે. ત્યારે તેને વેદાંતના અધૂરા રહી ગયેલા સપનાનો ખ્યાલ આવે છે.

રીમા તેને કોરો સફેદ કાગળ અને કલમ લાવીને આપે છે અને તેમાં તેને અધૂરાં રહી ગયેલા સપનાને સાકાર કરવા માટે કહે છે.પણ વેદાંત તેમાં ઘણો સમય વીતી ગયો હોવાથી કંઈ લખી શકતો નથી.

ત્યારે રીમા તેના સાહિત્યકાર બનવાના સપનાને યાદ કરાવે છે અને તેને પ્રેમ અને હૂંફ આપતા કહે છે , " તમે તો મને કહેતા હતા કે મારું સપનું સાહિત્યકાર બનવાનું હતું પણ સંજોગોવશાત હું સાહિત્યકાર બની શક્યો નહીં. તો હવે કુદરતે જીવનના બારણે તમને ફરી નવી તક આપી છે. તમારી પાસે હવે સમય જ સમય છે. તમારે જે સાહિત્યની રચના કરવી હોય તે કરી શકો છો. બારણે આવેલી તકનું સ્વાગત કરી જીવનને વસંતરૂપી શબ્દોથી મહેકાવી દો. હતાશ થવાનું છોડી નવું પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે."

રીમાના હિંમતભર્યા શબ્દો સાંભળી તેની અંદર સાહિત્યકાર બનવાનું ઝનૂન આવી જાય છે. તે રીમાનો આભાર માને છે અને રીમાને કહે છે કે," મારા આ સપનાની ઉડાનમાં સૌથી મોટો સહયોગ તારો જ રહેશે."

રીમા વેદાંત પાસે બેસે છે અને બંને એકબીજા સાથે ચર્ચા કરે છે અને વાતો કરતા જાય છે. વેદાંત સફેદ કાગળમાં શબ્દોના રંગો પૂરતો જાય છે. તેણી રાતદિવસ વેદાંત સાથે રહીને તેને હિંમત આપે છે. વેદાંતની અંદર રહેલા સાહિત્યકારને રીમા બહાર લાવે છે.

સમયના બારણે ટકોરા પડતા જાય છે અને વેદાંત તે ટકોરા સાથે અને રીમા સંગાથે ઉત્તમ સાહિત્યની રચના કરતો જાય છે.

સમય વીતતો જાય છે અને વેદાંત સાહિત્યની રચના કરે છે અને તેને પ્રકાશિત પણ કરતો જાય છે. પુસ્તકો પ્રકાશિત કરવા માટે તેની પાસે ઘણા પ્રકાશકો આવે છે. તે સાહિત્યને પ્રકાશિત પણ કરે છે. તેના રચાયેલા સાહિત્ય લોકપ્રિય બની જાય છે.

જીવનમાં દરેક પાને નવું અને અણધાર્યું બને છે. બંનેના જીવનમાં પણ આ નવું અને અણધાર્યું પાનું આવે છે. વેદાંત તેમાં નવું નવું સર્જન કરે છે અને રીમા તેને સાથ આપતી જાય છે.

રીમા અને વેદાંતના સમયના બારણે સફળતાના ટકોરા પડતા જાય છે અને રીમાએ તે બારણે વેદાંતને સફળતા સાથે ગાઢ મૈત્રી કરાવી આપી છે.

અંતે ભૂતકાળમાં જીવતા વેદાંતે બારણે આવેલ તકને યોગ્ય સમયે ઝડપી લઈ એક ઉત્તમ સાહિત્યકાર બની જાય છે.



શીર્ષક-“સ્પર્શ”
લેખન : ઋતુંભરા છાયા
ઇ-મેઇલ:rkchhaya2001@gmail.com
આજે સોમવાર..સોમવારનું દિવ્યભાસ્કર હંમેશાં માત્ર પોઝિટિવ સમાચારો અને પોઝિટિવ વાર્તાઓથી ભરપૂર હોય છે એટલે તે દિવસે હું પહેલું હાથમાં લઊ છું. આજે પણ ઘણાં વૈવિદ્ય સભરસમાચારોમાં એક હેડલાઈને મારું ધ્યાન ખેચ્યું. ”દિવ્યાંગ બાળકોની બહાદુરીને બિરદાવવા એક કાર્યક્રમનું આયોજન.. બાળકોના નામનું લિસ્ટ જોયું,તો એમાં મારી પરિચીત ખેમીનું પણ નામ હતું.
આ સમાચાર વાંચતાં જ હું ભૂતકાળમાં સરી પડી.
હું કોલેજમાં હતી ત્યારે અઠવાડિયે એકવાર અંધશાળામાં અચૂક જતી અને રીડર તરીકે બાળકોને વાંચનમાં મદદ કરતી. તે વખતથી ખેમીનો મને પરિચય થયો હતો. મેં જોયું હ્તું કે એ છોકરી સતત વિચારોમાં ખોવાયેલી અને બેધ્યાન થઈને બેઠેલી હોય તેવું લાગતું હ્તું.એક બે વાર પ્રેમથી પૂછ્યું.સમજાવ્યું…પણ જવાબ ના મળ્યો.એટલે મેં પ્રિન્સિપાલ સાહેબને વાત કરી. એમણે મને શાંતિથી કીધું,”વાત તમારી સાચી છે.ખેમી સ્કૂલમાં હમણાં જ થોડા વખત પહેલાં જ દાખલ થઈ છે. તેની સાથે ભૂતકાળમાં એવો બનાવ બની ગયો હતો કે તેની અસરમાંથી હજી બહાર નથી આવી.” ”કેમ એવું તે શું બન્યું કે આ છોકરી આવું વર્તન કરે છે?” હું મારી જીજ્ઞાસા રોકી ન શકી અને પૂછી બેઠી.એમણે નિરાંતે વાત માંડી.
”ખેમી,પોરબંદર પાસે એક નાનું ગામ કુતિયાણા. ત્યાંની એ રહેવાસી. અત્યંત ગરીબ ઘરની આ દિકરી જન્માન્ધ નહતી. હા, આંખો નબળી હતી પણ સપ્તરંગી મેઘધનુષ જોઇ તો શકતી. ખેમીના પિતા સિમેન્ટ ફેક્ટરીમાં મજુરીનું કામ કરતા હતા અને માતા ઘેર ઘેર વાસણ અને કપડાં ધોતી. ઘર ચલાવવામાં બે છેડા માંડ મળતાં, ત્યાં પિતાની પોટલીમાં બધું વપરાઈ જતું. મા-દિકરી બધું સમજતાં હતાં પણ લાચાર હતાં. સ્ત્રી મર્યાદાઓની લક્ષ્મણરેખામાંથી એ બહાર આવી શકતાં નહીં. ગરીબીના સંઘર્ષમાં ખેમીના મા-બાપુએ ખેમી માટે ભણતરનો ભાર લીધો જ નહિ. અધૂરામાં પુરુ ખેમી દસ વર્ષની થઈ ત્યારે આકરા ઝેરી મેલેરિયામાં તેની આંખોની રોશની ચાલી ગઇ.
અચાનક આવી પડેલ અંધાપાથી ખેમી હતપ્રભ થઈ ગઈ. આજ સુધી હસતી રમતી, પોતાની આંખે દુનિયા જોતીતી એ અચાનક કોઇક પર આધારિત,કોઇકના દોરવાયે જાણે કોઇ લક્ષ્યવિહીન જિંદગી જીવતી હોય તેવું લાગવા માંડ્યું. જો કે ખેમી મનની મજબૂત અને બહાદુર હતી. કુદરત જ્યારે એક ઈન્દ્રિયને લઈ લે છે ત્યારે બીજીને સતેજ કરે છે તે ખેમીને સમજાઈ ગયું હ્તું. શરુઆતમાં ખુબ તકલીફ પડી ઘરમાં જ દિવાલો અથડાતી અને પગ ઉંબરે અટવાતા .નવી દુનિયા અને નવી શૈલી. ખેમી ધીમે ધીમે સ્પર્શથી ઓળખતી આગળ વધવા લાગી. અગિયારબાર વર્ષની ઉમ્મરે એને એક સખી મળી ગઈ! રસ્તાઓ પગ તળે થતાં ખેમી કોઇવાર મંદિરને ઓટલે બેસતી. ત્યાં મંદિરનો ઘંટારવ અને બીજા છોકરાંઓનો કલબલાટ સાંભળવો ગમતો. એમાં સવિતા પણ રમવા આવતી. ઊંચો મોટો, ભરાવદાર બાંધો,બટકબોલી સવિતાખેમી કરતાં ચારેક વર્ષ મોટી હતી પણ એને ખેમી સાથે સારી દોસ્તી થઈ ગઈ. સવિતાની અલકમલકની વાતો,ભણવાનીવાતો ખેમીને બહુ ગમતી એટલે બન્ને પાકાં દોસ્ત બની ગયાં. ખેમીએ સવિતાને જોઇ નહતી પણ એનો અવાજ અને સ્પર્શ ખેમી સાથે માનસિક રીતે જોડાઈ ગયાં હતાં. એવી જ એક સાંજે બન્ને બહેનપણીઓ મંદિરને બાંકડે બેસીને આરતી પુરી થવાની રાહમાં બેઠાં હતાં. આરતી પુરી થઈ એટલે પ્રસાદ લઈ ઘર તરફ જવાની તૈયારી કરતા હતાં. ત્યાં જ સામે એક ગાડી આવીને ઉભી રહી ગઇ .તેમાંથી એક યુવાન ઉતર્યો અને આ લોકોને પુછવા લાગ્યો, "રેવાશંકર મહારાજનું ઘર બતાવશો?”
બટકબોલી સવિતા બોલી,
”આ સામેની ગલીમાં સીધા જઈ ડાબે હાથે ચબુતરાથી જમણી બાજુથી ત્રીજું મકાન એટલે રેવાશંકરનું મકાન." ”ઓહો..માથાકૂટવાળું સરનામું છે. તમારે એ રસ્તે જવાનું હોય તો ચાલો ગાડીમાં બેસી જાવ તમને ઉતારી દઈશ અને તમે ઘર બતાવી દેજો”. બેચાર મિનિટ માટે પણ ગાડીમાં બેસવાની લાલચ સવિતા રોકી શકી નહિ.
“હાલ, ખેમી... આમને ઘર બતાવી આપણે આપણાં ઘરે ઉતરી જઈશું.”
ખેમી,સવિતાની દોરવણીમાં એનો હાથ પકડી ચાલવા માંડી. ગરીબ,અબુધ કન્યાઓએ દુનિયા જોઇ નહતી. પાંચ મીનીટના રસ્તે ઘર બતાવવા માટે ગાડીમાં બેસવાનો લાહવો મૂકી ન શકી. કુદરત નિર્ધારિત યુવાનના પાસાં પોબાર પડયાં. ગાડી ગલીમાં વળી જ નહિ. પુરપાટ ઝાડીઝાંખરા કાપતી આગળ વધી. સવિતાની છઠ્ઠી ઈન્દ્રિય સતેજ થઈ ગઈ. બુમાબુમ અને બચાવ બચાવની ચીસો પાડી પણ નિરર્થક!
ગાડી જાણે અટ્ટહાસ્ય સાથે એક ખંડિયેર મકાન આગળ ઉભી રહી ગઈ .બન્ને કન્યાંઓએ ખુબ ઝપાઝપી અને મારામારી કરી...સ્ત્રીની મર્યાદાને પુરુષની શક્તિએ જીતી લીધી. ખેમીએ બન્ને પુરુષોને હાથે મોઢે ખુબ ઉઝરડા નખથી પાડ્યા..પણ વ્યર્થ! બન્ને કન્યાઓનું “ધન”લુંટાઈ ગયું.
”દેખતીનો ઠાર કર..એ ક્યાંક મોઢું ખોલશે અને આંધળીને મંદિરના રસ્તે નાખી આવ”.
યુવાને “તૃપ્તિ”પછી ડ્રાઈવરને સૂચના આપી, અને એમ જ કરી બન્ને ભાગી છુટયા.
બીજે દિવસે વહેલી સવારે કોઇકે ખેમીનો કંઇક કણસતો અવાજ સાંભળ્યો. શરીર પર શાલ ઓઢાડી તેને ઘરનાંબારણાં પાસે મુકી દીધી. ખેમીની મા સમજી ગઈ કે દીકરીને માથે શું વિત્યું છે. હીબકાં ભરતી દીકરીને વાસામાં પ્રેમથીહાથ ફેરવી વિગતો પૂછી. ખેમીએ બધું જણાવ્યું અને અચાનક સવિતા યાદ આવી અને એના નામની બુમાબુમ કરવા લાગી.
માએ સમજાવ્યું કે “સવિતાને એ લોકોએ મારી નાખી છે. તને કોઈક અહી મુકી ગયું હતું.” તે દિવસે મિડિયા અને પેપરમાં આ બળાત્કારનો કિસ્સો ખુબ ચગ્યો.
બળાત્કારીઓ ભાગી ગયા.
નરાધમોએ ફૂલ જેવી કન્યાઓ સાથે દુષ્કર્મ આચર્યુ.વગેરે...વગેરે...
સમય સરકતો ગયો.ઘેર ઘેર થતી ચર્ચાઓ શમી ગઈ.લોકો આવા બનાવોને ભૂલવા માંડ્યા. ખેમીના દિલમાં આગ,આક્રોશ બુઝાયા નહતા. તે ફરી એકવાર સૂનમૂન થઈ ગઈ. શું કરવું? એ નરાધમોને ક્યાં શોધવા? સતત ગડમથલ એના દિલ અને દિમાગમાં ચાલતી હતી. આમને આમ બે’ક મહિના નીકળી ગયાં. ત્યાં એક દિવસ ગામમાં બધાને વાત કરતાં સાંભળ્યા કે કોઈ રાજનેતા અને એનો દિકરો ગામમાં ઘેર ઘેર અનાજની કિટ દેવા આવ્યાં છે.
“ચુંટણી નજીક આવતી લાગે છે એટલે જ નીકળી પડ્યાં હશે.પોતાનું સારું બતાવવા આવી પડ્યા છે.”
ખેમી બડબડવા મંડી, વાત તો સાચી હતી પણ ગરીબ પ્રજા જ્યાં બે છેડા માંડ ભેગા કરતી હોય ત્યાં આટલું મફતનું સામેથી મળતું હોય તો શું કામ ન સ્વીકારે? બધાએ હોંશે હોંશે સ્વીકારી લીધું. બધે ફરતાંફરતાં અંતે ખેમીને ઘરે આવ્યા. ખેમીના મા બાપુએ, ખાટલો ઢાળીને બેસાડ્યા. નેતાનો
દિકરો..ખેમીને જોઈને ભડક્યો. પછી મનમાં બોલ્યો, “આંધળી છે એટલે બચી ગયાં!સુફિયાણી વાતો ચાલી.” થવાનું હતું તે થઈ ગયું. જુની વાતો ભૂલી જવામાં સાર.
ખેમી અસ્વસ્થ હતી. માથું હલાવ્યા કરતી કંઈક યાદ કરતી હતી. ત્યાં જ ખેમીની માએ ચા આપવાનું કીધું. પોતાના ઘરમાં ખેમી બધું આપલે કરી શકતી હતી એટલે ઝટ કરતીને ચા આપવા ગઈ.ચાનો કપ લેવા જતાં પુત્રનો હાથ અથડાયો અને કપ નીચેથી લેતાં ખેમીના હાથ પર એનો હાથ પડ્યો અને એ જ વખતે ખેમીને જાણે કરન્ટ લાગ્યો હોય તેમ પોતાનો હાથ ખસેડી લીધો. ”બીજી ચા લઈ આવું કહી બહાર નીકળી ગઈ”.
બીજી ચા તો ના આવી પણ હાથકડી સાથે પોલિસ આવી. કોઈ પણ દલીલ વગર ગુનેગારને હાથકડીપહેરાવી પોલિસ લઈ ગઈ. ખેમીની સ્પર્શેન્દ્રિયએ કામ પાર પાડ્યું
એ ખેમીની બહાદુરી આજે ન્યૂઝ પેપરની હેડલાઈનમાં ચમકી


શીર્ષક :- 'પૂર્ણા વાસુ'
લેખન : ચિરાગકેબક્ષી
ઇ-મેઇલ: aumchirag@gmail.com

નમસ્તે મારા ખૂબ અંગત મિત્રો.

હું પૂર્ણા વાસુ. આજે તમારી સાથે થોડી વાતો કરવી છે. પેલું હિન્દીમાં કહે છે ને કે મૌકા ભી હૈ ઔર ઈચ્છા ભી, તો આજે થોડી મારા વિષે વાતો કરીએ. પછી આવી તક ખબર નહિ ફરી ક્યારે મળે! આ તો હું મારા બિલ્ડીંગના આડત્રીસમાં માળેથી ઠેઠ નીચે આવું એ પહોંચવાનો સમય પસાર થઈ જાય એટલે થયું કે તમારી સાથે મન ખોલી લઉં.

બાળકી પૂર્ણા તો મને યાદ નથી. મુગ્ધા બની બની ત્યાં તો યુવાની ક્યાંથી આવીને વળગી ગઈ એ ખબર નથી. આંતરવસ્ત્રો ફરજિયાત થઈ ગયા, ઘરની બહાર જવા આવવા ઉપર વડીલોની ચકોર નજર રહેવા લાગી અને મને પોતાને તો જાણે 'ધનવાન' બની ગઈ હોઉં એવું ક્ષણે ક્ષણે લાગવા લાગ્યું.

પછી મારી કલ્પનાનો રાજકુમાર થોડા થોડા દિવસે મારા સ્વપ્નામાં આવીને મને પ્રગાઢ આલિંગન થકી જકડી લેતો હોય એવા સ્વપ્ના મારી રાત ઉપર છવાઈ જવા લાગ્યા.... મમ્મી; આવું હોય...? મમ્મી નામની વ્યક્તિને ફક્ત ફોટામાં જ જોવાની હતી જે મારા સવાલ ચોક્કસ સાંભળી લેતી પણ જવાબ નહોતી આપતી. અરે.. પાંપણ પણ ના હલાવે.....

હાશ એક માળ તો ઉતરી!

નરસિંહકાકાના હાથમાં મોટી થઈ એટલે એમની સાથે મને બહુ ફાવે. અમે રમીએ, વાતો કરીએ, બહાર જઈએ અને આ બધામાં એમને આ યુવાન પૂર્ણા એક દિવસ જરા વધારે જ ગમી ગઈ...મને ખૂબ વેદના થઈ, લોહી પણ ખૂબ વહી ગયું ... ઘરમાં એકલી એટલે કણસતા કણસતા બધું સાફ પણ મેં જ કર્યું. નરસ્વરુપે સિંહનો આ મારો પહેલો અનુભવ...

કેટલી સહજતાથી હું બોલું છું નહીં...?

સાંજે કાકા પાછા આવ્યા અને એટલું પૂછ્યું કે હવે દુઃખતું ઓછું થયું? યુવાન પૂર્ણા આ વાક્યમાં રહેલી લાગણીની પાછળ સળવળતા સાપોલીયા જોઈ ગઈ અને હસીને વાત ટાળી દીધી.

કોલેજમાં મારી ગણના હોશિયારમાં થાય એટલે મારા રુપની સાથે છોકરાઓને મારી નજીક આવવાની એક વધુ તક મળે. ક્યારેક હું નરસિંહ કાકાને કોલેજ સામેથી પસાર થતા જોઉં ત્યારે મને અચંબો થાય પણ પછી “મારે શુ?" સ્વગત બોલીને મારામાં લાગી જાઉં.

ફરી એક વાર મારી યુવાનીનો ડંખ મને જ વાગ્યો. કોલેજના પ્રાંગણમાં સૂમસામ એવી એક જ જગ્યા અને એ લાઈબ્રેરી. સવારે લાઈબ્રેરીયન તાળું ખોલવા માટે આવે અને સાંજે તાળું વાસવા માટે. આ સમયગાળામાં એક ચોકીદાર પુસ્તકોની રક્ષા કરે -પરિણામની આશા વગર... એ દિવસે ચોકીદાર રજા ઉપર હશે એમ લાગ્યું. એ દિવસે સિંહની સાથે વરુ, વાઘ અને રીંછ પણ હતા અને ચીંથરેહાલ શબ્દનો સાચો અર્થ એ દિવસે સમજાયો. હું પીંખાઈ ગઈ. હોશમાં આવી ત્યારે કપડાં બાજુમાં જ હતા એટલું મારું સદભાગ્ય.

ચાલો ચોવીસમો માળ પસાર થયો.

નરસિંહકાકા એમને મન થાય ત્યારે એમના મારા ઉપરનાં 'ઉપકારો'નુ વળતર લઈ લેતા અને સાથે સાથે બીજા પ્રાણીઓ પણ મારી મિજબાની કરી લેતા. હું ખ્યાતનામ થવા લાગી - પ્રખ્યાત નહિ ... કુખ્યાત...

મારી એક જ બહેનપણી કેતકી. એને આ બધુ ખબર. એની પાસે મન ખાલી કરતાં થોડા સમય પછી તો આંસુ પણ નહોતા આવતા. એ નર્સ. એણે અને મેં એક પ્લાન બનાવ્યો...

આ તો કુલદીપનુ ઘર છે... એટલે અઢારમો માળ આવી ગયો..

ઓ હો.. એની ચાવી તો એને પાછી આપવી ભૂલી જ ગઈ.. એ મને એકલો હોય ત્યારે 'બોલાવી લ્યે' અને પાછો એ આળસુ. એ મૂડમાં હોય ત્યારે બારણું ખોલવાયે ના ઉઠે. એટલે એણે એક ચાવી મને આપી રાખેલી.

હું પીંખાતી ગઈ ફક્ત પીંખવાવાળા પ્રાણીઓ બદલાતા રહ્યાં. પૈસા મળતા હતા એટલે જ તો કુલદીપની મદદથી આ ‘રત્નસાગર’ એપાર્ટમેન્ટમાં આડત્રીસમા માળે ડાઉન પેમેન્ટથી ફ્લેટ લીધો.

ધીરે ધીરે મારા કાયમી આગંતુકો ઘટવા લાગ્યા. હજુ એકત્રીસ જ વર્ષની થઈ છતા યુવાની રિસાવા લાગી હતી.

એક દિવસ કુલદીપને એમ્બ્યુલન્સમા ઘેર આવેલો જોઈ મેં એને પૂછ્યું કે શું થયું? એણે કહ્યું એડ્સ. સાથે એણે એ લોકોના પણ નામ લીધા છે મારા જાણીતા હતા.

હવે તો નવ માળ જ બાકી છે.

અરે, તમને પેલા અમારા પ્લાનની વાત તો કહેવી ભૂલાઈ જ ગઈ. જલ્દી જલ્દી કહી દઉં. કેતકી પાસે એચઆઈવી પોઝીટીવના બ્લડનુ સેમ્પલ હતું એના થોડા ટીપા એણે મારા લોહીમાં ભેળવી આપ્યા અને પછી થયો મારો ભયંકર બદલો લેવાનો પ્લાન શરુ. નરસિંહકાકા તો સહુથી પહેલાં ઉપર પહોંચી ગયા અને બીજા બધા લાઈનમાં ઉભા છે. પીંખાતી પૂર્ણા હવે પિશાચી પૂર્ણા બની ગઈ અને એ વરુઓને અને રીંછોને અને વાઘોને અને સિંહોને એમના કર્મોની સજા આપવા માટે મેદાને પડી. વીણીવીણીને મેં પણ એ બધાના શિકાર કર્યા અને એ પણ એવા કે એ બધાને યમદૂતોથી પીંખાવા માટે ધરી દીધા. હું તો દર વખતે સ્વબળે ઉભી થઈ જતી પણ એ બધામાંથી કોઈ પગ ટેકવવા માટે પણ લાયક ના રહ્યા.

બસ હવે એક જ માળ બાકી છે ત્યારે છેલ્લે કહી દઉં કે આ બધાએ મને જીવથી અલગ નહોતી કરી પણ મેં તો આ બધાનું જીવન છીનવી લીધું અને આ જીવલેણ એડ્સનો ચેપ બધાને મેં લગાડીને એ બધાને 'ઉપર મોકલી દીધા'. એ હકીકત મને હચમચાવી ગઈ. હા મને એ વાતનો પસ્તાવો છે.

આ આડત્રીસ માળ હું પગથિયેથી નથી આવી...... મેં તો ભુસકો માર્યો છે....
આવજો....
.

શીર્ષક: ધરા
લેખન: પ્રફુલ્લા "પ્રસન્ના"
ઈ-મેઈલ: shahprafulla3@gmail. com

હું ધરા. ધરણી જેટલી જ મજબૂત અને સહનશીલ. હું એક શક્તિ. પણ,આજે આ શક્તિને પછાડી દીધી એ નરાધમોએ! રાત-દિવસ કોઈ જ જાતનાં ડર વગર પત્રકારત્વનું મારું કર્મ નિભાવવા ક્યાંય પણ જતી! મારી જાત ઉપર મને ખૂબ વિશ્વાસ હતો. પણ એક અટૂલાં પંખી ઉપર અનેક શિકારી તૂટી પડે ત્યારે એનાં આત્મવિશ્વાસની તો ધજજીઓ ઉડવાની જ ને? રોજ નવી નવી ઘટનાઓ નવાં નવાં હેડિંગો સાથે છાપતી. હવે મારાં નામની ખબરો ઘેર ઘેર પહોંચવાની. કોઈ દયા ખાશે, કોઈ મારો જ વાંક જોશે. કોઈ ફિટકાર વરસાવસે તો વળી કોઈ સરઘસો કાઢશે. હવે હું શું કરીશ? નરાધમોનાં શૂળથી ભોંકાતા સ્પર્શના સતત પીડતાં અહેસાસ સાથે કેવી રીતે જીવીશ?
એક છાપરું જોઈતું હતું, જૂનું, તૂટેલું હોય તો પણ ચાલે, ચાર દીવાલ-કાચી હોય તો પણ વાંધો નહીં, એક દરવાજો,તૂટેલો પણ બંધ થઈ શકે .બારી કે વેન્ટિલેશન નહીં હોય તો ચાલશે.આખરે તો વીંખાયેલી, પિંખાયેલી કાયાને સમેટવી હતી, છુપાવવી હતી. ઊભી થઈ શકું એટલી સ્વસ્થ કરવી હતી..
હું એ જ, સૌને ગમતી,રમતિયાળ, સુંદર કાયા ધરાવતી,કમનીય, કાચની પૂતળી જેવી પરી.જેને સ્પર્શો તો કાંપી ઉઠે, જેને અડો તો ડાઘ પડે, જેને જડતાથી પકડો તો નંદવાઈ જાય, જેને કુદ્રષ્ટિથી જુઓ તો નજર લાગી જાય, જેને ચૂંથી નાખો તો માનસિક સંતુલન ગુમાવી બેસે એવી હું ઈશ્વરની બનાવેલી જીવતી- જાગતી કઠપૂતળી.
તમે માત્ર મને સ્પર્શ જ ના કર્યો, માત્ર મને અડ્યા જ નહીં, માત્ર મને જડતાથી પકડી જ નહીં, માત્ર કુદ્રષ્ટિથી જોઈ જ નહીં પણ એ બધું કરવાની સાથે સાથે તમે મને ચૂંથી નાંખી, વીંખી નાંખી, પીંખી નાખી,રહેંસી નાંખી.મારા શરીરની એકે એક નસ તૂટી જાય એટલી હદે મને નંદવી નાંખી.
તમને પણ ઈશ્વરે જ બનાવ્યા હશે, દિલ - હૈયું પણ આપ્યું હશે ! સંવેદનાઓ પણ આપી હશે ! ડર પણ આપ્યો હશે ! કોઈ પણ છોકરી કે સ્ત્રીમાં દીકરી કે મા જોવાની દ્રષ્ટિ પણ આપી જ હશે... તો, આવી વિકૃત, બીભત્સ, અમાનવીય વિકૃતિ તમારા મનોજગત પર હાવી કેમ થઈ ગઈ? મારાં શરીર સાથે શરીર ભીંસતા તમને તમારી દીકરી યાદ ના આવી? મારાં સ્તનોને મસળતાં અને મારી યોનિને છેદતાં તમને તમારી માના દૂધથી ભરપૂર સ્તન અને જે જગ્યાએથી તમે નવી દુનિયામાં આવ્યા, જે રસ્તે તમે માનવ જન્મ લીધો એ યોનિમાર્ગ યાદ ના આવ્યો?
આટલી હદે નરાધમ બન્યા પછી પણ તમારી સજા કેટલી? તમને આક્રોશથી ભરેલી સ્ત્રીઓના ટોળાને સોંપી દેવામાં ખોટું શું છે? તમારા એ હાથના અને એ પગના કટકા કેમ ના કરી શકાય? મારા ચુરેચુરા કરનાર તમારા લિંગને રહેંસી રહેસીને જ્યાં સુધી એ તડપે ત્યાં સુધી એના નાના નાના કટકા કેમ ના કરી શકાય?
આ સજા ત્વરિત જ કેમ ના અપાય?
આનાથી સહેજ પણ ઓછી સજા યોગ્ય નથી જ.
આટલું કર્યા પછી પણ જો આવા નરાધમમાં જીવ હોય તો એને એક એક પથ્થર મારીને છૂંદી જ નાખવો જોઈએ.
તો પણ સ્ત્રી સાથે થયેલા દુષ્કર્મની સજા ઓછી જ છે કારણકે એ વગર વાંકે, માત્ર સ્ત્રી હોવાના કારણે આ ભોગવે છે.
એનો કોઈ જ વાંક ન હોવા છતાં એને એની ચૂંથાયેલી જાત છુપાવવાની જગ્યા મળતી નથી, એને ઉભી થવા માટે ટેકો નથી મળતો. પોતાની જાતને સમેટવા માટેની હામ ક્યાંયથી મળતી નથી.
રોજ રોજ છાપામાં આવતા આવા કિસ્સાનું પ્રમાણ વધતું જાય છે અને ચા ગળે નથી ઉતરતી. શું કરી નાંખું? એવો આક્રોશ રોજે રોજ જન્મે છે અને હું કંઈ જ કરી શકતી નથી.


શીર્ષક : સહેલી
લેખન : અંજલિદેસાઈવોરા
ઈ-મેઈલ : anjalivora2001@gmail.com


એ સાંજે સામે છેડેથી મૃદુનો ફોન કટ થયા બાદ પણ સંહિતા ક્યાંય સુધી ફોનનું રિસિવર કાને ધરીને ઉભી રહી જાણે મૃદુની કહેલી વાત સંહિતા વારંવાર સાંભળવા ઈચ્છતી હતી,"મમ્મી, અન્યાય કરવો એના કરતાં અન્યાય સહન કરવો એ વધારે મોટો ગુનો છે તું જાણે છે ને! જે સંબંધમાં તું સતત ઓગળતી જાય છે, ભૂંસાતી જાય છે એવા સંબંધમાં બંધાઈ રહેવાનો શું અર્થ? તું હિંમત કરીને એકવાર બંધનરુપી પિંજરાને તોડીને મુક્ત થઈ જા, પછી તારી સામે નવી જ મનગમતી દુનિયાના દ્વાર ખૂલી જશે, મમ્મી.” સંહિતાના મનમાં મૃદુની આ શબ્દો ઘોળાઈ રહ્યા, અને સંહિતા વિચારતી રહી, "આ મૃદુ મારી દિકરી છે, મા છે કે સહેલી! ઈશ્વરના વરદાનરૂપ આ દિકરી મને મારા વિષૈલા સંસાર સાગરમાંથી તારવા જ જન્મી છે. કહેવાય છે ને કે ભાગ્યશાળીના ઘરે જ દિકરી જન્મે છે ! પરંતુ આ વાત પ્રહારને કેમ નહિ સમજાતી હોય!"
સંહિતાની પરિસ્થિતિ, મનની વાત મૃદુ કરતાં વધારે કોણ જાણી શકે કારણ પ્રહરના પ્રખર તાપ જેવા વ્યક્તિત્વને મૃદુ પણ જોયું , અરે, અનુભવ્યું છે ને!
સંહિતાને યાદ આવી ગયો મૃદુના જન્મનો દિવસ. નાનકડી, ગુલાબી, પરીઓના દેશમાંથી આવેલી રાજકુમારી જેવી મૃદુ કેટલી વ્હાલી લાગતી હતી પરંતુ પુત્રીના જન્મથી ઉદાસ પ્રહરે કમને જ્યારે મૃદુને હાથમાં લીધી ત્યારે એ નવજાત શિશુ પણ પોતાના પિતાની આંખોમાંથી ઝરતાં ધૃણાના હાવભાવ સમજી જ ગઈ હશે કદાચ.
અને એટલે જ કાળક્રમે પુત્રપ્રાપ્તિના મોહમાં સતત રિબાયા કરતા પ્રહરથી સંહિતા અને મૃદુ દૂર થતાં ગયાં અને એકબીજાની વધુ નિકટ આવતાં ગયાં. મા દિકરી એકમેકના મનની વણકહી વાતો અને આંખોમાંથી નીતરતી સંવેદનાઓને પણ વાંચી શકતાં, સમજી શકતાં. અને સમયાંતરે માતાપુત્રીનો આ પ્રેમ વધુ ઘેરો, વધુ પરિપક્વ બનતો ગયો.
ફક્ત સામાજીક રીતે પત્ની અને પુત્રી સાથે જોડાયેલો પ્રહર એક ઉષ્માહિન પતિ અને લાગણીહીન પિતા હતો. પ્રહર ક્યારેય સંહિતા કે મૃદુ સામે લાગણીનો હાથ લંબાવી શકતો નહીં. પોતાની ભીતર ક્યાંક કશુક ખૂટી રહ્યું છે એ સમજવાને બદલે પ્રહર બીજા લોકોમાં સતત દોષ જોયાં કરતો. અને એટલે જ માદિકરીની નિકટતા અને પ્રેમ એને આંખમાં કણાની જેમ ખૂંચ્યા કરતાં. અને પ્રહર ઈર્ષાની આગમાં તપ્યા કરતો. પરીણામરુપે પ્રહર મા-દિકરી ઉપર સતત કડપ રાખતો હતો. સંહિતા અને મૃદુના બહાર જવા આવવા ઉપર રોકટોક, સગા સંબંધીઓની સાથે હળવા મળવા ઉપર પાબંદી અને આવા બીજા કેટલાય અણગમતા નિયમોમાં પ્રહર એ બન્નેને બાંધી રાખવા ઈચ્છતો.
સંહિતાએ પ્રહર સાથેના શૂષ્ક લગ્નબંધનને નિયતિ સમજીને સ્વીકારી લીધુ હતું પરંતુ પુખ્ત વયની મૃદુને પપ્પાનો કડપ, સંવેદનાહિન વર્તાવથી હવે ગૂંગળામણ થવા લાગી હતી.
મૃદુ આઝાદી ઈચ્છતી હતી, પોતાની અને મમ્મીની. એ મમ્મી માટે સતત ચિંતા અને અસલામતી અનુભવતી., " હું તો અભ્યાસાર્થે, નોકરીઆર્થે ઘરથી, મમ્મીથી દૂર જતી રહીશ પરંતુ પછી મમ્મીનું શું થશે? ઉષ્માવિહીન પતિ સાથે એ શેષ જીવન કઈ રીતે પસાર કરી શકશે? હું ફક્ત મારા ભવિષ્ય માટે વિચારું તો સ્વાર્થી કહેવાઉં. જે માએ મારા ઘડતરમાં, મારા ઉછેરમાં પ્રાણ રેડી દીધા છે એ મા સાથે હું અન્યાય કઈ રીતે થવા દઉં? મારી સાથે મમ્મીને પણ આ કેદખાનામાંથી મુક્ત કરવી જ રહી!"
ઘણા મનોમંથન બાદ મૃદુએ પોતાના અભ્યાસને શસ્ત્ર બનાવીને એક માર્ગ વિચાર્યો. વિદ્યાભ્યાસમાં હોંશિયાર મૃદુએ પોતાના અને મમ્મીના ભવિષ્યને ઉજાળવા ઉચ્ચઅભ્યાસાર્થે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું. મૃદુ એક ચોક્કસ લક્ષ્ય સાથે કેલિફોર્નિયા જઈ રહી હતી એ વાતથી અજાણ પ્રહર મા દિકરીના વિખૂટા પડવાની વાતથી જ ખુશ હતો.
કેલિફોર્નિયા જતાં પહેલાં મૃદુએ સંહિતાને કહ્યું હતું, "મમ્મી, મને હિંમત અને સ્વમાન તો તેં જ ગળથૂથીમાં આપ્યાં છે ને! હવે એ જ હિંમત તારે દેખાડવાની છે. તારા સ્વમાનની, સ્વતંત્રતાની લડાઈ તારે ખુદ લડવાની છે. હું આજે આ કેદખાનામાંથી જઈ રહી છું. અને તને પણ જલ્દી જ મારી પાસે બોલાવી લઈશ. તું આવીશને મમ્મી !"
સંહિતાએ એ વખતે મૃદુને અવઢવભરી હા ભણી હતી અને છૂટાં પડતાં પહેલાં મૃદુ સંહિતાને વળગી પડી જાણે પોતાની અંદર રહેલી બધી જ હિંમત એ સંહિતાની અંદર ઠાલવી દેવા માંગતી હતી.
કેલિફોર્નિયા જઈને અભ્યાસ સાથે નોકરી કરતી મૃદુ ધીરે ધીરે નવા વાતાવરણમાં, નવા લોકો સાથે ગોઠવાઈ ગઈ. હવે મૃદુના જીવનનું એક લક્ષ્ય હતું. એ સંહિતાને પોતાની પાસે કેલિફોર્નિયા આવી જવા માટે દરેક ફોનમાં સમજાવતી, હિંમત આપતી.
આખરે મૃદુના અથાગ પ્રયાસો સફળ થયાં. એ દિવસે સાંજે મૃદુ સાથે વાત થયા બાદ સંહિતાએ પોતાના ઓગળી રહેલાં અસ્તિત્વને ફરી જીવંત કરવા, નવજીવનમાં કદમ માંડવા પ્રહરને છોડીને, નિષ્પ્રાણ લગ્નજીવનના બંધનને તોડીને મૃદુ પાસે જવાનો દ્રઢ્ઢ નિર્ધાર કરી જ લીધો.
અને આજે, કેલિફોર્નિયામાં સવારનો માહોલ તદન અલગ અને ખુશનુમા હતો.
"ગુડ મોર્નિંગ માઈ ડાર્લિંગ મમ્મી " મૃદુ સંહિતાને આનંદથી વળગી પડી. "ગુડ મોર્નિંગ માઈ બેસ્ટી" સંહિતાએ મૃદુને વ્હાલથી હૈયાસરસી ચાંપી દીધી અને દિકરીના રુપમાં એક સમજુ સહેલી આપવા માટે સંહિતાએ મનોમન ઈશ્વરનો આભાર માની લીધો. આજે બન્ને સહેલીઓ કારાવાસમાંથી છૂટીને મુક્ત ગગનમાં ઉડવાનો આનંદ માણી રહી હતી.


શીર્ષક:- સાચોન્યાય
લેખન : નિમિષામજમુંદાર
E mail: nimishamajmundar@gmail.com

હોઈ હૈ સોઈ જો રામ રચિ રાખા...'
દિલ્હીસ્થિત પાંચ બેડરૂમના ભવ્ય ગવર્મેન્ટ ક્વાર્ટર્સના પૂજાઘરમાંથી સુમનબેનનો અવાજ સમગ્ર ઘરમાં ગૂંજી રહ્યો હતો, સાથે સંધ્યા-આરતીની ઘંટડી પણ.
એ જ વખતે બહાર ડાયનીંગ ટેબલ પર પડેલા જસ્ટિસ દેવપ્રસાદ મિશ્રાના મોબાઈલની રીંગ ગાજી ઉઠી. પિયુન ફોન લઈ ને સુમનબેન પાસે આવ્યો. ફોનના સ્ક્રીન પર ઝબકતું દીકરા કુશલનું નામ જોઈને સુમનબેનને નવાઈ લાગી. એમણે તરત ફોન ઉપાડ્યો,"જય રામજી કી. બોલ બેટા, ઈસ વક્ત કૈસે ફોન કીયા? તને તો ખબર છે અત્યારે પાપાજી જજમેન્ટ ડીક્ટેટ કરાવતા હોય એટલે વાત નહિ કરે."
સામેથી કુશલનો ચિંતાથી નંખાઈ ગયેલો અવાજ આવ્યો, "મમ્મી, તમે પ્લીઝ પાપાને ફોન આપો. ઈટ્સ અર્જન્ટ."
મૂળ ઉત્તરપ્રદેશના જસ્ટિસ મિશ્રાનું કુટુંબ ત્રણ પેઢીથી અમદાવાદ વસ્યું હતું, એટલે ઘરમાં ગુજરાતી ભાષા જ બોલાતી. કુશલે ગુજરાતી છોકરી જાનકી સાથે લગ્ન કર્યાં પછી તો ગુજરાતી જ મિશ્રા પરિવારની માતૃભાષા જેવી થઈ ગઈ. સુમનબેન હરણફાળ ભરતાં જસ્ટિસ મિશ્રાના ઓફીસ-રૂમમાં પહોંચ્યા. એમણે બોલ્યા-ચાલ્યા વગર, મિશ્રા સાહેબને ફોન પકડાવી દીધો.
કુશલે ફોનમાં જે વાત કરી તેનાથી જસ્ટિસ મિશ્રા ખુરશીમાંથી ઊભા થઈ ગયા. સ્ટેનોને તરત જ રવાના થવાનો ઈશારો કરી એ રૂમની બહાર આવી ગયા. સુમનબેન પણ ઉચાટભર્યા ડગલે પાછળ આવ્યાં. એકાદ-બે પ્રશ્નો અને, "તું ચિંતા ના કરીશ, હું અમદાવાદ ડી.આઈ.જી. મહેતાની સાથે વાત કરું છું" એ વાક્ય સાથે ફોન મૂકાયો. ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, નખશિખ પ્રમાણિક અને આપબળે વકિલાતમાંથી ડીસ્ટ્રીક્ટ જજ, હાઈકોર્ટ જજ અને છેલ્લે સુપ્રિમ કોર્ટના જજની પદવી સુધી પહોંચેલા બાહોશ પતિના ચહેરાના ભાવ, હવે સુમનબેનને અકળાવી રહ્યા હતા. મિશ્રા સાહેબને કોઈકનો ફોન નંબર ડાયલ કરતા જોઈને એમનાથી રહેવાયું નહિ, "બોલો તો ખરા! શું થયું છે?"
મિશ્રા સાહેબ પરાણે બોલ્યા, "આપણો બબલુ સ્કુલેથી આવ્યો નથી. કુશલને ઈમરજન્સી ઓપરેશન હતું અને જાનકીને ઓફીસમાં મીટીંગ હતી, એટલે ચાર વાગે સ્કુલ છૂટી ત્યારે ડ્રાયવર રામલાલ, રીક્ષામાં બબલુને લેવા ગયેલો. બબલુ ઘેર પહોંચ્યો નથી. ડ્રાયવર પણ નથી આવ્યો. એનો ફોન પણ બંધ છે."
"હે રામજી.. અત્યારે તો ત્રણ કલાક થયા..." કરતા સુમનબેન ખુરશી પર ફસડાઈ ગયાં. મિશ્રાસાહેબ એક પછી એક ફોન ડાયલ કરીને ઝડપથી ઓર્ડર્સ કરતા રહ્યા. અમદાવાદનું આખું પોલિસ તંત્ર હલચલમાં આવી ગયું. થોડી વારે એમના ફોન અટક્યા ત્યારે બેય જણાં બેહાલ થઈને બેઠા.
સુમનબેનની વહેતી આંખો અને મિશ્રા સાહેબનો ફોન સતત વ્યસ્ત રહ્યા. અમદાવાદની ચારે બાજુ નાકાબંધી થઈ ગઈ, બધા સીસીટીવી ફૂટેજ ચેક થઈ રહ્યા હતા. આ તો સુપ્રીમ કોર્ટના જજનો લાડકો પૌત્ર! એને શોધવા માટે તો આખું પોલીસતંત્ર કામે લાગી ગયું હતું. ડ્રાયવર રામલાલ આમ તો વર્ષો જૂનો, વફાદાર હતો. મિશ્રાસાહેબ વકીલાત કરતા તે વર્ષોમાં, એને એના વતનથી લાવીને અહીં વસાવ્યો હતો. એને ભણાવ્યો, પરણાવ્યો અને ઘરના સભ્ય જેવો ગણીને રાખ્યો હતો એટલે એના પર શંકા જવાનું કારણ નહોતું. પણ સંજોગો એના તરફ જ આંગળી ચીંધતા હતા. એક પોલીસ ટીમ અમદાવાદ ડ્રાયવરના ઘેર તપાસ કરી આવી. એ ત્યાં ગયો જ નહોતો. ટીમ સીધી એના વતન જવા રવાના થઈ.
થોડી વારે મિશ્રા સાહેબે ફોન જોડીને કહી દીધું, "આજે શુક્રવાર રાતની અમદાવાદની ફ્લાઈટની બે ટીકીટ બુક કરાવી દો."
અમદાવાદ પહોંચ્યા ત્યારે દીકરા-વહુની હાલત ખરાબ હતી. સુમનબેન વહુને સાચવવામાં લાગ્યાં. થોડી વારમાં તો ઘરની બહાર પોલીસની ગાડીઓની લાઈન લાગી ગઈ. સીસીટીવી ફૂટેજમાં ડ્રાયવર જ બબલુને સ્કુલના ગેટ પરથી લઈ જતો દેખાયો પણ પછી એ બન્નેને જાણે ધરતી ગળી ગઈ કે આકાશ ઉડાડી ગયું હોય એમ ક્યાંય પત્તો નહોતો.
આખી રાત ચારેય જણાં જાગતા બેસી રહ્યાં. બબલુને ગુમ થયે પંદર કલાક થઈ ગયા હતા. હવે બધાને હૈયે અમંગળ આશંકાઓ ભરડો લેવા લાગી. થોડી-થોડી વારે સુમનબેન અને જાનકીના રુદનના બંધ છૂટી જતા. જેમતેમ સવાર પડી. બધાં ચા પીતા હતાં ત્યારે સુમનબેનથી ના રહેવાયું. એ બોલ્યાં, "કહીં ઐસા તો નહીં કી..." બાકીના બધા એમની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા. "મારો કહેવાનો મતલબ...એ.. છે.. કે... બબલુના ગુમ થવાને ક્યાંક તમારા કામ સાથે કંઈ..સંબંધ.. તો..." અને એ અટકી ગયા.
મિશ્રાસાહેબ બોલ્યા, "આ વાતને મારા કામ સાથે શું સંબંધ હોય? તમે વાત વધારો નહી. બબલુ મળી જ જશે."
મિશ્રાસાહેબના એ શબ્દો સુમનબેનના કાને પડે તો ને! એ તો હવે છૂટ્ટા મોંએ રડવા લાગ્યા, "મારો બબલુ ક્યાં હશે..? મારા પરિવારને જરૂર કોઈકની હાય લાગી છે..!હે રામજી.., મારો બબલુ મળી જશે એટલે હું ધામધૂમથી સુંદરકાંડનો પાઠ કરાવીશ... હાય..હાય.. મારો.. બબલુ..." બોલતાં એ અચાનક બેભાન થઈ ને ખુરશી પરથી નીચે પડી ગયાં.
દીકરો ડો.કુશલ હાજર જ હતો એટલે સુમનબેનની સારવાર તરત ચાલુ થઈ અને માસિવ હાર્ટ એટેકમાંથી બચી ગયાં પણ કંડીશન ક્રીટીકલ હોવાથી ડોક્ટરોએ એમને અડતાલીસ કલાક સુધી આઈ.સી.સી.યુ.માં રાખ્યાં હતાં. આખી હોસ્પિટલ જાણે પોલીસ હેડ ક્વાટરમાં ફેરવાઈ ગઈ હતી. ટીવીમાં પણ આ સમાચાર બ્રેકિંગ ન્યુઝ બની ગયા હતા.
સાંજે સુમનબેનની સ્થિતિ થોડી સ્થિર થઈ અને મિશ્રા પરિવાર આઈ.સી.સી.યુ.ની બહાર સ્પેશીયલ રૂમમાં બેઠો હતો ત્યારે એક બુરખાધારી મહિલા એના બિમાર જેવા લાગતા, હૂડીવાળું જેકેટ પહેરાવેલા બાળકને ખભે ઉચકીને ઝડપભેર હોસ્પિટલમાં પ્રવેશી. દરવાજામાંથી સીધી એ આઈ.સી.સી.યુ. ની બહાર જસ્ટિસ મિશ્રાસાહેબના રૂમ તરફ જતી હતી ત્યારે પોલિસે એને રોકી. મહિલા અટક્યા વગર, પોલિસોને પણ ધક્કામુક્કી કરીને આગળ વધવા જતી હતી એટલે ભડકેલા પોલિસોએ એને બે બાવડેથી પકડી લીધી. હવે એના પ્રયાસ મરણીયા થઈ ગયા. આ બધી ધમાલમાં પેલું બાળક એક પોલિસના હાથમાં આવી ગયું. એનું હૂડી ખુલી ગયું ને એનો ચહેરો જોઈને પેલો પોલિસમેન બૂમ પાડી ઉઠ્યો..”બબલુ..અરે! આ તો બબલુ જ છે. મેં ફોટો જોયો છે.”હવે પોલિસોએ આખી બાજી સંભાળી લીધી. પેલી મહિલાનો બુરખો ખેંચી એને જમીન પર પાડીને દબાવી દીધી. ખુલ્લો પડી ગયેલો રામલાલ બૂમો પાડવા લાગ્યો. 'સાહેબને બોલાવો.. મારે વાત કરવી છે..મેં બાબાસાહેબને કંઈ કર્યું નથી..'
ધમાલ સાંભળીને મિશ્રા પરિવાર બહાર દોડી આવ્યો. રામલાલ તથા બબલુને સાથે જોઈ મિશ્રાસાહેબ આખી વાત સમજી ગયા. જાનકીએ બબલુને તેડી લીધો. મિશ્રા સાહેબે કોલર પકડીને રામલાલને ઊભો કરીને એક તમાચો ઝીંકી દીધો. "અમે તને પરિવારના સભ્ય જેવો ગણીને રાખ્યો, એનો તેં આ બદલો આપ્યો? તેં શું કર્યું છે મારા બબલુને? અરે! તારે પૈસા જોઈતા હતા તો માંગવા'તા. આવું શું કામ કર્યું?"
રામલાલ હાથ જોડીને એમના પગમાં પડી ગયો, "સાહેબ, મેં બાબા સાહેબને કંઈ નથી કર્યું; ફક્ત કફસીરપ આપ્યું છે એટલે એ ઊંઘે છે. મારે પૈસા નથી જોઈતા. અરે! એમને એક ખરોચ પણ આવે તો હું મારો જીવ આપી દઉં."
મિશ્રાસાહેબ તાડૂક્યા, "તારે પૈસા નહોતા જોઈતા તો એને ઉઠાવી કેમ ગયો, બદમાશ? બોલ?"
રામલાલ, "સાહેબ, યાદ કરો, છ મહિના પહેલાં આપ ત્રણ જજ સાહેબોની બનેલી સુપ્રિમ કોર્ટેની બેન્ચે એક જજમેન્ટ આપેલું. એક ચાર વર્ષની બાળકીના બળાત્કારી અને હત્યારાની ફાંસીની સજા ઘટાડીને આપે વીસ વર્ષની કેદમાં ફેરવી હતી. તે પણ એવું કહીને કે 'આરોપી સામે એણે ગુનો કર્યાના બધાજ પુરાવા છે, એનો ગુનો સાબિત થયેલો છે પણ દરેક પાપીને ભવિષ્ય હોય છે' - 'એવરી સીનર હેઝ અ ફ્યુચર' યાદ છે સાહેબ?"
મિશ્રા સાહેબ, "પણ એનું તારે શું લાગે વળગે?"
ધ્રુસકે ને ધ્રુસકે રડતા રામલાલના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો, "સાહેબ, એ બાળકી મારા બાળપણના જીગરી દોસ્ત શ્યામલાલની દીકરી હતી. ગયા વર્ષે રજા લઈને દેશમાં ગયો ત્યારે મારી સાથે ખૂબ હળી ગયેલી. મારા હાથમાં રમેલી ગુડિયાને રહેંસી નાખનાર પિશાચને આપે જીવતો રાખ્યો ત્યારથી મારું જીવવાનું હરામ થઈ ગયું હતું. પેલા પાપીના ભવિષ્યનો આપે વિચાર કર્યો પણ કમોતે, રીબાઈ-રીબાઈને જીવથી ગયેલી મારી એ ગુડિયાના ભવિષ્યનું શું? સાહેબ, મારે બાબાસાહેબને કંઈ નુકસાન કરવું નહોતું, ફક્ત તમને બધાને સમજાવવું હતું કે પોતાના બાળક ઉપર આવી પડે ત્યારે કેવું થાય? હું ત્રીજા દિવસે તો બાબાસાહેબને પાછો લાવવાનો જ હતો પણ માઈની તબિયત બગડી એ સમાચાર ટીવીમાં જોયા એટલે એમના માટે દોડતો આવી ગયો. બાકી મને ખબર છે કે એક પાપી હત્યારાને સમાજમાં છૂટો મૂકી દેનાર ન્યાયની દેવી, મારા જેવા સામાન્ય ગુનો કરનારને કડકમાં કડક સજા કરશે. આંખે પાટા બાંધીને ઊભેલી એ દેવી જે ન્યાય કરે છે, તે દરેક વખતે સાચો ન્યાય નથી હોતો. મેં જે કર્યું છે તેનો મને કોઈ અફસોસ નથી."
પોલિસો ખેંચીને રામલાલને લઈ ગયા.
બરાબર આઠ મહિના પછી ન્યુઝ પેપરની હેડલાઈન હતી, 'સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત પોતાનો કાર્યકાળ પૂરો કરતાં પહેલાં સુપ્રિમકોર્ટના જજ, જસ્ટિસ શ્રી મિશ્રા સાહેબનું અજ્ઞાત કારણોસર રાજીનામું.'










શીર્ષક : એક નિર્ણય
લેખન : અર્ચિતાદીપકપંડ્યા
ઈ-મેઈલ: archiradeepak@gmail.com

//પુસ્તક : છલ લેખક:કાજલ ઓઝા વૈદ્ય
છલ નવલકથાના બે ભાગ છે. એમાં રેવતી અને નિયતિ બે બહેનો છે. જેઓનાં લગ્ન અનુક્રમે સમીર અને નિલય જોડે નક્કી થયા છે. યોગાનુયોગ એવો બને છે કે સમીર-રેવતીના લગ્નની તડામાર તૈયારીઓ ચાલતી હોય છે, તારીખ નક્કી થઈ ગઈ હોય છે ત્યારે આગળના દિવસોમાં જ સમીરને જાણ થાય છે કે એ પોતે દત્તક દીકરો છે. એને અસલી મા-બાપને શોધવાનું ઝનૂન ઉપડે છે. લગ્નની આગલી રાત્રે જ માતા પિતાને શોધવા સમીર ઘર છોડીને ચાલ્યો જાય છે. રેવતી આ આઘાત સહન ન કરી શકવાથી આપઘાત કરવાની કોશિશ કરે છે અને બચી જાય છે.
'એવું કદાચ ન પણ બને! રેવતીને તકદીર સાથ ન આપે અને ન બચે તો?' અને નિયતિ-નિલયનાં લગ્ન થઈ ગયા હોત તો? એ વિચાર પર મારી વાર્તા રજુ કરૂં છું. વાર્તા માટે એક બીજ માત્ર લીધું છે.//


આંખ ખૂલતાં સૂતાં સૂતાં જ નિયતિએ પડદો જરાક ખસેડ્યો. આજે વાદળીયા વાતાવરણ સાથે સૂર્ય પણ ઝાંખો ઊગ્યો. નિયતિએ જોયું નિલય સૂઈ રહ્યો છે. એ પણ રાતે પડખાં જ ઘસતો હતો ને? નિયતિએ સૂજી ગયેલી લાલ આંખો પર હાથ ફેરવ્યો. શરીરને ઊંચકીને ઊભું કરવું પડ્યું. જાણે જીવન જીવવાનો એનો ઉત્સાહ મરી પરવાર્યો ન હોય? દૂધવાળો બેલ મારશે તો નિલય જાગી જશે એમ વિચારીને એ પરાણે ઊભી થઈ. મોં ધોઈ આંખમાં પાણી છાંટી બહાર આવી. બારણું ખોલી નાંખ્યું.
"બેન થેલીમાં કુપન તો નથી મૂકી તમે!"
“આપુ બાબુભાઈ.”
"તમે તબિયત સાચવવજો બેનબા! ઉપરવાળાને જે ગમ્યું એ ખરું."
નજીકમાં જ પિયર હતું, અને ત્યાં પણ બાબુભાઈ જ દૂધ આપવા આવતા. વર્ષોની આ ઓળખાણે એમણે લાગણીના બે શબ્દો કીધાં તો ગમ્યું, પણ એમ કંઈ દુઃખનો પહાડ હટે? નિયતિની આંખમાંથી ઊલટાનાં આંસુ છલકાઈ ઊઠ્યા. દૂધ ગરમ કરી કૉફી બનાવવાનું પણ મન ન થયું. રેવતી યાદ આવી ગઈ. એને સવારમાં પહેલી કૉફી જોઈએ. નિયતિને વહેલું ઊઠવું ગમે પણ રેવતી તો સોનાનાં નળિયા થાય પછી જ જાગે! મમ્મી જગાડવા બૂમો પાડે તો રેવતી નિયતિને બૂમ મારતી.
“નિયુ સ્વીટી... કૉફી બનાવી રાખજે ને પ્લીઝ! મમ્મીને કહે બૂમો ન પાડે. કૉફી પી લઉં પછી જો જો ને બધાં, મારો ઝપાટો! પંદર મિનિટમાં બધું કામ પૂરું કરી નાંખીશ.”
"હા, એ હતી જ એવી! પપ્પા એને વાવાઝોડું કહેતા." નિયતિનાં આંસું ઊમટી પડ્યા. એ અત્યારે કોઈ કામમાં મન પરોવી શકતી નહોતી. એની એકદમ વહાલી બહેન, જોડિયાં બહેન વગરની જિંદગી કેવી જશે! કેમ સહન થશે? એ જતી રહી, એની ભગવાન પાસે જતાં રહેવાની આ કોઈ ઉંમર હતી? લગ્નનો આગળનો એક દિવસ હતો, એ દિવસે કેટલો ઉત્સાહ હતો! બધાં કેટકેટલાં હોંશથી બધી તૈયારી કરતાં હતાં? ખરીદીમાં એણે બધી જ મનગમતી વસ્તુઓ જ લીધી! ના ના, મનગમતી એમ નહિ, સમીરની ગમતી..
“સમીરને આ ગમશે, આ સેટ સારો છે. અરે ના ના, લીલો રંગ તો એને ગમતો જ નથી! ગુલાબી રંગમાં આવી જ પેટર્ન હોય તો બતાવો.”
"સમીર એનાં જીવનનું કેન્દ્ર બની ગયો હતો. એ મૂર્ખને લીધે જ મારી બહેનનો જીવ ગયો!"

દૂધ ઉભરાઈ જવાના અવાજે નિયતિ પાછી વર્તમાનમાં આવી. એને ગુસ્સો આવી ગયો.
“ધરતીના કયા પડમાં સંતાયો છે એ સમીર! આ રીતે કોઈ જતું રહે? મારી બહેનને આઘાત આપીને એ જીવનનું સુખ શોધવા ગયો, નપાવટ સા... !”
મનની અકળામણને આંતરવા નિલયનો અવાજ આવ્યો,
"ચ્હા તૈયાર કરજે નિયતિ. મારે બહારગામ જવાનું છે."
નિયતિને ખ્યાલ આવ્યો. નિલય એના ભાઈને શોધવા જ જવાનો હશે.
'કોઈ માહિતી મળી છે?'
"હં." જવાબ પરાણે આપવો પડતો હોય એમ નિલયે હકાર કર્યો.
“તારી કૉફી? પી લીધી?”
"આજે નથી બરાબર લાગતું. હજુ નથી પીધી."
“કૉફી લાવ જોઉં. હું ચા પીઉં સાથે કોફી પી. નહિ તો કોઈવાર ટ્રાય કર મારા મૅડમના હાથની ચા!”
નિલયે બોલતાં બોલતાં નિયતિની ચિબુક પકડીને ઊંચી કરી.
"હવે સ્વસ્થ થઈ જા નિયતિ. થવાનું હતું તે થઈ ગયું."
“નિલય,સમીરે ઘર છોડીને જતું રહેવાય? રેવતીને મૂકીને? એનાં જીવનમાં ક્યાં કોઈ ફરક આવ્યો હતો? બધાં હતાં. મમ્મી - પપ્પા, આપણે, રેવતી. સાચા મા-બાપ તો.. ભલે હકીકત હોવા છતાં એક ભ્રમ હતાં. તો જે એનાં લોકો છે એને કેમ છોડી ગયો? એમાં આપણે રેવતીને પણ ગુમાવી!”

“સમીર અમારી સાથે રહેતો હતો. અમારા બંને ભાઈઓમાં કોઈ અંતર રખાયું નહોતું. મને પણ સમીર ઘર છોડીને ગયો ત્યાં સુધી ખબર જ નહોતી કે એ મારો ભાઈ ખરેખર દત્તક પુત્ર છે!”
"એના લીધે મારી બહેન આપણે ગુમાવી."
“તું કેમ સમજતી નથી? વ્યક્તિ માટે એનાં મૂળ બહુ અગત્યનાં હોય છે.”
"હા ખરું. મારા માટે મારી બહેન એટલી જ અગત્યની છે. હું જાઉં છું. એનાં જીવને આટલો કકળાવ્યો એ વ્યક્તિને તમે શોધવા જશો? જે તમારો સગો ભાઈ પણ નથી. મેં તો મારી સગી બહેન ગુમાવી છે. મારાથી સહન નથી થતું, હું મારા પિયર જાઉં છું. આમે ય રેવતી પછી પપ્પાની તબિયત સારી નથી રહેતી. અને એક ખાસ આગ્રહ છે, પેલો સમીર મળે તો એને ઘરે ન લાવીશ. મારા માટે હવે એ કંઈજ નથી."
“નિયતિ! ગમે તેમ પણ એ મારો ભાઈ છે!”
"જેણે મારી બહેનનો જીવ લીધો છે. સમીરના જવાથી રેવતીએ આપઘાત કરી લીધો. કેટલો પ્રેમ કરતી હતી એને! છે તારા ભાઈને કોઈ કદર?"
“મન કડવું કર્યા વગર હવે પરિસ્થિતિ પ્રમાણે જીવતાં શીખી જા, નિયતિ!”
"કેમ ભૂલાય? આગલી રાત્રે જ એ લોકો મળેલાં. સમીરે જ રેવતીને એવું કંઈક કીધું કે... “
'સ્ટોપ ઈટ, નિયતિ. વર્તમાનમાં જીવવાનું શીખી લે. દુઃખ તો મને પણ તારા જેટલું જ થાય છે. તારી બહેન હતી તો મારો ભાઈ હતો!”
"મારી બહેનની જેમ સગો નહિ!" નિયતિ સગ્ગો ખૂબ ભારપૂર્વક બોલી પછી અંદરના રૂમમાં જતી રહી. મનની શાંતિ માટે એણે ગીતા-પઠન શરૂ કર્યું.

ઘડી બેઘડી નિલય તાકી રહ્યો નિયતિ ગઈ એ તરફ. સંસારની આ કટુતા પર એનું મન ખરાબ થઈ ગયું પણ એ પછી રેવતીના ફોટા સામે આવ્યો.
“રેવતી, તારું મન તેં શાંત રાખ્યું હોત, તો મારે આજે આ કપરી પરિસ્થિતિમાં પણ શાંત રહેવાનું શીખવું ન પડ્યું હોત. એક ઉતાવળિયો નિર્ણય બહુ બધાંની જિંદગી ખરાબ કરી નાંખે છે. તારાં જ લોકો અત્યારે ગ્લાનિ અને દુઃખમાં તડપી રહ્યા છે. આજે મને ભાળ મળી છે સમીરની. એ મળશે તો એને શું કહીશ? એ કેવી રીતે સહન કરશે કે તું છે જ નહિ, સમજાય છે?તું જતી રહી ન હોત તો એક દિવસ સમીર મળી પણ જાત ને! આજે હું એક નિર્ણય કરું છું. સંજોગો ગમે તે હોય, મારાં લોકો ઉદ્વેગ કરે તો પણ હું મન હંમેશાં શાંત રાખીશ.”

કાને પડ્યા, એ શ્લોકનાં શબ્દો હતાં.
'दुःखेषूद्विग्नमनाः सुखेषु विगतस्पृहः।
वीतराग भय क्रोधः स्थितर्धिमुनिरुच्यते।।'

‘સાંભળ્યું છે સમીર કોઈ સંતનાં આશ્રમમાં ભેખ ધરીને બેઠો છે. નિલય ત્યાં એને શોધવા જવાનો છે.’ નિલયની મનોદશા અને કુટુંબમાં રોજ બનતી ઘટનાને લીધે એને લાગતું હતું કે સંસારમાં રહીને પણ એ પોતે તો સંત જ થઈ જવાનો છે! જીવનમાં 'એક નિર્ણય', સારો કે ખરાબ, કેટલો અગત્યનો ભાગ ભજવે છે? રેવતીએ અનંતવાટ પકડી, સમીર એક અજાણ્યા ક્ષેત્રમાં પોતાની જાતને સમજવા, શાંતિ શોધવા ગોઠવાઈ ગયો. નિયતિ બહેન ગુમાવી એના આઘાતમાંથી બહાર નહોતી આવી શકતી. જીવનમાં સુનામી, ધરતીકંપ અને વાવાઝોડું બધું સાથે આવી ગયું હોય એવું લાગતું હતું. કોઈના એક નિર્ણયથી જિંદગી આટલી બદલાઈ જશે એવી કલ્પના હોય ખરી! સુખનાં સ્વપ્નાં જોતાં બંને કુટુંબો કાંટાળી કેડી પર ચાલીને સમય પસાર કરી રહ્યા હતાં. હજુ કોઈને ધવા વળી નહોતી.

એક દિવસ-
"નિયતિ, હું ઓફિસથી હજુ હવે નીકળ્યો છું. અડધો કલાકમાં કાકાને ત્યાં પહોંચી જઈશ."
“હું આપણાં ઘરે આવી ગઈ છું. તું પપ્પા મમ્મીને લઈને આવજે.”
"અરે,કેમ?કેવું લાગે બધાંને? આમ આવી જવાય? મમ્મી - પપ્પાને પણ કેવું લાગશે? એ લોકો ખાસ કથા માટે બહારગામથી આવ્યા હોય તો તારે સાથે રહેવું જોઈએ ને? ઘરમાં અણધાર્યો બનાવ બન્યા પછી સાથે પૂજા જેવો સારો પ્રસંગ કરવા તો મળવાનું હતું ને તું આમ.. "
“મારી તબિયત સારી નહોતી. પ્લીઝ, તું એ લોકોને લેતો આવજે.”
"હું તો લેતો આવીશ જ ને? પણ તારા માટે આ ઠીક નથી. પૂજા અને પ્રસાદને અવગણાય નહિ."
“એક મિનીટ, પૂજા પૂરી થયે પ્રસાદ લઈને જ આવી છું. પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. મારા માથામાં ઘણ પડતા હોય એવું લાગે છે. મને શાંતિથી પડી રહેવા દે.”
નિલયે એક મોટો નિઃસાસો નાંખીને ગુસ્સામાં દાંત કચકચાવ્યા. રેવતીએ આપઘાત કર્યો પછી, 'મારી તબિયત સારી નથી' એમ કહે છે ત્યારે એ ખરેખર અત્યંત દુઃખી હોય છે. 'આપણાં લોકોનાં નિર્ણય જ ઘણીવાર ઘાતક બની જાય છે!' હવે કરવું શું? નિયતિના માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવી કે સગાંવહાલાંઓનો આ ડહોળાટ બંધ કરાવવો? એક પ્રસંગનો પથ્થર કૂવામાં પડે પછી વમળ થાય એમ સમાજમાં વહેતી વાતો મનનાં ભમ્મરિયા કૂવામાં તરંગો પેદા કર્યે જ જાય છે.

નિલય ડ્રાઈવ કરતાં કરતાં વિચારોમાં સરી પડ્યો. 'મમ્મી-પપ્પાનું વર્તન પણ થોડું તો બદલાયું જ છે! એમની વાતોમાં લાગે છે જાણે આપઘાત એ રેવતીનો વાંક હોય! નિયતિના મમ્મી-પપ્પા સમીરના ઘર છોડીને ચાલ્યા જવાની ઘટનાને વગોવે છે. આ આઘાત ઉપર આઘાત આપવા માટે રેવતી.. શા માટે? ગુનાહિત લાગણી ન થતી હોય તો પણ થઈ જાય એવા સમયે એ ચાલી ગઈ. લગ્નનો માંડવો બાંધેલો હોય અને ઘરની દીકરીની ઠાઠડી નીકળે એનાંથી મોટું દુઃખ કલ્પી પણ ન શકાય. નિયતિ તો રેવતીની એક સમયે જન્મેલી બહેન! એ કેવી રીતે સહન કરી શકે?'

નિલય સત્યનારાયણ કથાનો પ્રસંગ પતાવી પ્રસાદ લઈ મમ્મી - પપ્પા સાથે ઘર તરફ આગળ વધ્યો. અલબત્ત, વાતોમાં નારાજગી અને ફરિયાદો હતી. નિલયે એને ખાળી નાંખ્યા. સ્થિતપ્રજ્ઞ થઈ, ત્રીજી વ્યક્તિ બનીને સંભાષણ પૂરું કરીને નિલય મમ્મી - પપ્પા સાથે ઘરે પહોંચ્યો. ઘરની બધી જ લાઈટો બંધ જોઈને એને આશ્ચર્ય થયું. પોતાની ચાવીથી ઘર ખોલીને અંદર પ્રવેશ્યો. આખા ડ્રોઇંગરૂમમાં વસ્તુઓ વેરવિખેર હતી. અજવાળું નથી, નિયતિ નથી દેખાતી, શું થયું હશે? મમ્મીએ તો નિયતિનાં નામની બૂમાબૂમ કરી મૂકી. પપ્પા અને નિલય પણ હાંફળા ફાંફળા નિયતિના રૂમ તરફ દોડ્યા. નિયતિ બૅડ પાસે નીચે ફસડાઈ પડી હોય એમ બેઠી હતી. અરીસા પર લિપસ્ટિકથી રેવતીનું નામ લખેલું હતું. વસ્તુઓ વેરણછેરણ હતી. નિયતિ કંઈ સંભળાતું ન હોય એમ સૂનમૂન બેઠી હતી. નિલયે દોડીને એને ઢંઢોળી તો નિયતિ પાગલની જેમ ચીસો પાડવા લાગી. મનને શાંત રાખવાના એક નિર્ણય પર અડગ હવે કેન્દ્રમાં રહીને બે બાજુથી ખેંચાતા દોરડા વચ્ચે નિલય સંતુલન જાળવી રહ્યો.




૧૦
શીર્ષક : 'આત્મગ્લાનિ'
લેખન : જાગૃતિ,'ઝંખનામીરાં'
ઈ-મેઈલ: kishanmuliya2@gmail.com

હું મીરાં મહેતા,
આજે એટલે ખુશ છું કે આજથી મેં મારા મનની તમામ વાતો આ ડાયરીમાં લખવાનું નક્કી કર્યું છે. આજે મને એમ લાગે છે કે હૃદયનાં સ્પંદનને વ્યક્ત કરવા મારી પાસે પણ કોઈ છે. કંઈક છે."

પહેલાં જ પાનાં પર જાણે કે કોઈ ચંચળ હરણીની જેમ દોડી જતું હતું. શબ્દોમાં જાણે ઉમંગ છલકાઈ રહ્યો હતો.

એક પછી એક પાનું ઉથલતું રહ્યું. કોઈ પાનું સાવ સામાન્ય ક્યાં હતું? દરેક ખાસ દિવસને જ તો આ ડાયરીમાં શબ્દસ્થ કરાયો હતો. એક પાનાં પર એક નામ આવ્યું 'શ્યામ', ને તીર્થની આંખો ચમકી. એક મુગ્ધાનાં રોજિંદા જીવનથી, વિદ્યાર્થી તરીકે મેળવેલ સિદ્ધિઓથી, કોઈ સ્પર્ધામાં મેળવેલ સફળતાથી પર આ એવું પાનું હતું કે જ્યાં જિંદગી બદલાઈ રહી હતી. હવે શબ્દોએ જાણે પગે ઘુંઘરુ બાંધી લીધાં હતાં. એક-એક પાને જાણે કે મીરાં નાચી રહી હતી.
5/12/95
'મને એમ લાગી રહ્યું છે કે જો ઈશ્વર જ જોડી બનાવતો હશે તો એણે જ મારા જીવનમાં શ્યામને મોકલ્યાં હશે. મીરાંનું તો કામ જ છે શ્યામમય બનીને જીવવાનું!'

તે પછીની ડાયરી પણ મીરાં સાથે શ્યામ રંગે રંગીન હતી. તેમ છતાં શ્વેત રંગ જેવી શાંત અને પવિત્ર પ્રેમની સાક્ષી રૂપ વાતો હતી.

હા, એવી જ વાતો કે જે કદાચ મીરાંએ તીર્થને બહુ પહેલાં કહી હોત તો પણ માતા-પુત્રનાં સંબંધની કોઈ ગરિમા ઝાંખી ન થઈ હોત.
***
"તીર્થ બેટા, હવે તું આમ ક્યાં સુધી મારો હાથ નહીં મૂક? હવે તો તું ત્યાં પ્હોંચી ગયો છે, જ્યાં મારી આંખોએ તને જોવાનું સ્વપ્ન જોયું હતું. તારી ઓફિસ, એક વખતનાં આપણાં ઘર કરતા મોટી બની ગઈ છે. લોકો સી.એ. તીર્થ મહેતાની અપોઈન્ટમેન્ટ લેવાં પણ કતાર લગાવે છે. તારી નીચે કેટલાં ટ્રેઇની કામ કરે છે! "
આટલું બોલતાં ક્યારની એકઠી કરેલી શક્તિ જાણે ખાલી થઈ ગઈ હોય એમ મીરાંનાં શ્વાસ ધમણની જેમ હાંફી રહ્યાં.
તીર્થે પાણી પાયું.
"મા, પ્લીઝ! બસ હવે. મારે નથી સાંભળવું. તારે મને મૂકીને ક્યાંય જવાનું નથી, ને હવે તું સૂઈ જા." તીર્થનો અવાજ તરડાયો.

"ના દીકરા, સાંભળ. કાલ પર મને પહેલાં પણ ભરોસો ન હતો. આજે તો બિલકુલ નથી. કોરોનાએ તારા પપ્પાને મારી પાસેથી છીનવી લીધાં. એનાં વગરનું આ એક વર્ષ મારા માટે એક યુગ જેવું વીત્યું. મારા બ્રેઈનટ્યુમરે મને જેટલી શારીરિક તકલીફ નથી આપી, એટલી માનસિક યાતના મારી અંદર સળગતા આત્મગ્લાનિનાં ભારેલા અગ્નિએ આપી છે." ફરી મીરાંનાં એક સમયનાં અતિ સ્વરૂપવાન એવાં અત્યારનાં નિસ્તેજ ચહેરા પર દર્દની રેખાઓ ફરી વળી.

"આટલું એક સાથે બોલવું તારા માટે ઠીક નથી, મા. આપણે બાકીની વાતો કાલ..."

"નહીં તીર્થ, સમય મારી સાથે હંમેશા દગાબાજ રહ્યો છે. જો આજે તને જે આપવાનું છે તે નહીં આપી શકું તો કદાચ ઈશ્વર પાસે પણ એ સુકૂન નહીં પામું જેની મારે બહુ જરૂર છે." મીરાંની આંખો અથાગ પ્રયત્ન કરવા છતાં ભીનાશ ન ખાળી શકી.

તીર્થે માની માથે સ્નેહથી હાથ ફેરવ્યો. મીરાંએ ઓશિકા નીચેથી એક ડાયરી કાઢી. પોતાની જિંદગીની સૌથી કિંમતી જણસનો વારસો જાણે કે પુત્રને આપી રહી હોય એમ એણે એ ડાયરી તીર્થને હવાલે કરી. પછી ધીમા સ્વરે બોલી,"બેટા, આ વાંચીને તું મારા વિષે શું વિચારીશ એ મારે જાણવું નથી. માટે વચન આપ કે આ ડાયરી મારા મૃત્યુ પછી તેરમે દિવસે તું વાંચીશ!"

"હા મા, આઇ પ્રોમિસ."ગળગળો થઈ તીર્થ બોલ્યો.

"બસ હવે કંઈ બોલવું નથી. બાકીનું બધું આ ડાયરી બોલશે." એક અનોખું સ્મિત મીરાંનાં હોઠ પર ફરકી ને આલોપ થઈ ગયું. મન પરથી કોઈએ મણનો બોજ લઈ લીધો હતો અને એનાં કારણે ઉદ્ભવેલ હળવાશની આભા મીરાંનાં ગૌર ચહેરે પથરાઈ રહી હતી.

તીર્થ માની સામે અપલક જોઈ રહ્યો. એને માની આંખોએ ભાર વર્તાયો. એમ થયું કે એ હવે ઊંઘી જશે. ને ત્યાં જ તીર્થનાં હાથમાં રહેલી માની હથેળી ઠંડીગાર બની ગઈ. મીરાંની તીર્થ પર સ્થિત થયેલી નજર કાયમી સ્થિર બની ગઈ. જેનાથી તીર્થનું જીવન ચેતનવંતુ હતું એ મા સુકૂન સાથે નિશ્ચેતન બની ગઈ.

તીર્થને ડાયરી વાંચતા એ રાત નજર સામે વલવલાટ કરતી યાદ આવી.

5/4/98
કિસ્મત નામની કોઈ એવી કરામત હોતી હશે કે જેને પોતાને હસ્તક રાખી ઈશ્વર માણસને એ બતાવતો રહે છે કે તેની મરજી માણસની ઈચ્છાઓ કરતાં મોટી હોય છે. શ્યામે આ ત્રણ વર્ષમાં મને સ્નેહ તો આપ્યો પણ મારા પ્રેમની ઉત્કટતા એને અડકી ન હોય એવો અને એટલો જ! હું એનામાં દુનિયા જોતી. એ મને દુનિયાની જેમ જોતાં. એ એલ.એલ.બી. કરી રહ્યાં હતાં. એનાં સ્વર્ગસ્થ પપ્પાનાં એક મિત્ર નામાંકિત વકીલ હતાં. એની નીચે જ એને પ્રેક્ટિસ કરવાની હતી. એમની ઓફિસ સંભાળતા એમની એક ની એક દીકરી નિયાને સંભાળવાનું કામ પણ એમણે શ્યામને સોંપી દીધું. કદાચ ઉજ્જવળ ભવિષ્ય, વગર સંઘર્ષે મળતી પ્રતિષ્ઠા શ્યામ માટે મારા પ્રેમ કરતાં મૂલ્યવાન હશે. તો એ નિયા સાથે લગ્ન કરવા રાજી થઈ ગયાં. એની વિધવા માતાની ખુશીઓ માટે મારીઅને પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી.

9/5/98
બે દિવસ પછી શ્યામનાં લગ્ન છે. આજે હું એને છેલ્લી વાર એ દરિયા કિનારે મળી, જેનો ઢળતો સૂરજ અમારા એકબીજાનાં હાથ પકડીને બેસવાં સુધીનાં સીમિત અને પવિત્ર સ્પર્શનો સાક્ષી હતો. શ્યામ મારી આંખોનાં આંસુનો સામનો કરવા માંગતા ન હોય એમ બહુ ટૂંકમાં પોતાની મજબૂરી સમજાવી, મારા હાથમાં એમની પહેલી ને છેલ્લી ભેટ એવી એમનાં લગ્નની કંકોત્રી મૂકી ઝડપથી નીકળી ગયાં.

એ પછીનાં અનેક પાનાં મીરાંની ટળવળતી વેદનાની ચાડી ખાતાં રહ્યાં. લાગણીશીલ તીર્થ માની અકથ્ય પીડાઓ અનુભવી રહ્યો.

9/12/98
આજે શ્યામ ગયાં એને સાત મહિના વીતી ગયાં. મારી ભીતર એણે વાવેલ ખાલીપો હવે વૃક્ષ પણ બની ગયો. એનાં લગ્નનાં સાત મહિના પછી અગિયાર તારીખે જ બે દિવસ પછી હું પણ આખરે સૌની ઈચ્છાઓ સાચવવાં અજય સાથે પરણીને આ ઘર છોડી જઈશ. મેં આ લગ્ન એક જ શરતે કર્યાં છે. હું સાદી લાલ બાંધણી પહેરીને કોર્ટ મેરેજ કરીશ. જે મારા રૂપથી અંજાયેલ પઝેસિવ અજયે તરત જ મંજૂર કરી દીધી છે. આખરે એક વખત સ્વપ્નમાં શ્યામ સાથે રાધારૂપે નવવધૂ બની હતી. હવે ફરી કેમ...?

‘ઓહહહ...મા કેમ આ કપરો સમય જીવી હશે? કેમ એણે પપ્પાની હા એ હા અને ના એ ના કરી હશે?’ આવું બોઝલ અને યંત્રવત જીવન છતાં ચહેરે કાયમ સ્મિત! આ મા કેમ કરી શકી હશે? તીર્થ મનોમન વિચારી રહ્યો.

એ પછી માની ડાયરી કોરી હોત તો સારું હોત માની જિંદગીની જેમ! પણ ના, એ કોરી ન હતી. છેક એ પછી ત્રેવીસ વર્ષે એક પતું લખેલ હતું.

27/12/2021
અજયનાં અચાનક ગયાં પછી તીર્થે મારો લખવાનો જૂનો શોખ જાગૃત કર્યો. હવે આદત પડી ગઈ છે મને બધાં ઓનલાઈન પ્લેટફોર્મ પર સતત લખવાની. શ્યામે મારી ફેસબુક પરની કોઈ રચના જોઈ અને છેક એ જ્યાં સ્થાયી થયેલાં એ બેંગ્લોરથી મને મળવા બરોડા આવ્યા. મારી રચના છપાતી એ અખબારમાંથી મારો નંબર મેળવી મને ફોનમાં કહ્યું કે એ મારા પિયરનાં ગામ વેરાવળની પાસે સોમનાથ મહાદેવનાં દર્શન કરવાં આવે છે. મને એકવાર મળવા માંગે છે. એની સાથે નિયા અને એની દીકરી શ્યામા પણ હશે. ખબર નહીં કેમ પણ હું મને રોકી ન શકી. તીર્થ ખૂબ વ્યસ્ત હતો. હું શ્યામને મળી. નિયા અને શ્યામા સાથે મારી ઓળખાણ એક અસીલ તરીકે કરાવી દીધી. હવે મારી અંદર કોઈ ભાવ બચ્યો ન હતો એવું મને લાગતું હતું પણ એ પછીનાં કોલ્સમાં શેરબજારમાં પૈસા ગુમાવી આર્થિક પાયમાલ શ્યામ પોતાની તકલીફો વર્ણવી રહ્યો. હું ફરી એકવાર શ્યામનો મૂળ સ્વભાવ ભૂલી ગઈ. મારી સુષુપ્ત લાગણીઓ શ્યામાને બહાર ભણવા જવાનાં ખર્ચને પ્હોંચી વળવા શ્યામને મદદ કરવાં તૈયાર થઈ. મેં મારા સ્ત્રીધનનો એક સેટ વેચીને શ્યામને ત્રણ લાખની મદદ કરી. ભીતર એક અપરાધભાવ રહેશે કે આ વાત તીર્થથી છૂપાવી.

1/1/2022
શ્યામનો ફોન બીજા ત્રણ દિવસ ન આવતાં આખરે મેં સામેથી ફોન કર્યો પણ આ નંબર હવે સેવામાં નથી જે હવે કદી સેવામાં ન્હોતો આવવાનો એ મને સમજાઈ ગયું છે.

31/1/2022
મારા આજીવન અજય સાથે કરેલાં માનસિક અપરાધની સજા રૂપે મને આત્મગ્લાનિમાંથી મુક્તિ આપવા ઈશ્વરે બ્રેઈન ટ્યુમર રૂપે ભેટ આપી. મને કોઈ અફસોસ નથી.

તીર્થ ડાયરી મૂકી મનોમન કશુંક વિચારી રહ્યો. મા શા માટે છેલ્લાં થોડાક વખતથી વધુ ઉદાસ રહેતી એ કારણ પણ સમજાય ગયું. એનાં દાંત ભીંસાયા.

બીજે દિવસે એની ઓફિસનાં સૌથી દેખવડા અને વાકપટુ છોકરા રવિને એણે બમણો પગાર કરી આપ્યો. એને શ્યામાની તસવીરો બતાવી શું કરવું એ સમજાવી દીધું. શ્યામાને પોતાની ઓફિસમાં પાર્ટ ટાઇમ જોબ પર રાખી લીધી. એને બહાર ભણવા મોકલવાનાં નામે મા પાસેથી લીધેલ પૈસા શ્યામ દેવાં અને દવામાં હોમી ચૂક્યો હતો.

તીર્થની યોજના કામ કરી ગઈ. સગવડોમાંથી અભાવ વચ્ચે પટકાયેલી શ્યામા એક મહિનામાં તો રવિ સાથે હરતી-ફરતી થઈ ગઈ. રવિ એની સાથે દરેક વખતે એક સેલ્ફી લઈ તીર્થને મોકલી દેતો.

આખરે જ્યારે આવી અસંખ્ય તસવીરોથી મોબાઈલ ગેલેરી ભરાય ગઈ, ત્યારે એક દિવસ રવિએ તીર્થનાં કહ્યાં મુજબ શ્યામાને મળવાનું બંધ કર્યું. તીર્થે શ્યામાને ઓફિસમાંથી પણ છૂટી કરી દીધી. બેય આઘાતથી હતપ્રભ શ્યામા ઘરમાં સતત રડતી રહેતી. રવિએ એને બ્લોક કરી એ વાત એને માટે અસહ્ય થઈ પડતાં એકવાર તો એણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈ લીધો. શ્યામ અને નિયાનાં ઝઘડા પરાકાષ્ટાએ હતાં.

હોસ્પિટલમાં માંડ બચેલી શ્યામાની પાસે બેઠેલાં શ્યામનાં મોબાઈલ પર અચાનક સતત મેસેજ ટોન ચાલું થયો. અજાણ્યા નંબર પરથી શ્યામાની રવિ સાથેની તસવીરોથી મોબાઈલ ઊભરાયો. શ્યામનો શ્યામ ચહેરો આ જોઈ કાળો ધબ્બ થઈ ગયો.

એણે તરત બહાર જઈ એ નંબર પર કોલ કર્યો. તો એ નંબર સેવામાં નથી, એમ આવતું રહ્યું. પરસેવે રેબઝેબ શ્યામ માથું પકડીને શ્યામાનાં ભવિષ્યને લઈ શૂન્યમનસ્ક બની ગયો.

ફરી એક વખત એ નંબર ડાયલ કર્યોં. તો એની બાજુમાં ને કાનમાં એક સાથે રીંગ વાગી! એણે જોયું તો સામે એક યુવાન ઊભો હતો. એણે શ્યામનાં ખભે વજનદાર હાથ મૂક્યો અને કહ્યું, " મી.શ્યામ કોલ કટ કરો. હું પોતે હાજર છું. જે છોકરા સાથે તમારી શ્યામાની તસવીરો તમને મોકલી એ હું ક્યાંય પણ મૂકી શકું તેમ છું. તમને છો એનાં કરતાં વધુ બરબાદ કરી શકું એમ છું. અચાનક કોઈ ફોન નંબર સેવામાં ન રહે તો સામેવાળાંની શું હાલત થાય એ તો તમે અનુભવી જ લીધું છે."

શ્યામ અવાચક બની એને તાકી રહ્યો. એટલે એ યુવાને આગળ ચલાવ્યું,"અત્યારે તમારી સાથે કે શ્યામા સાથે કંઈ પણ કરી શકવા હું સક્ષમ છું પણ ગભરાશો નહીં. હું તીર્થ છું. મીરાં મહેતાનો દીકરો. એ મીરાં મહેતા કે જેની લાગણીઓ તમે બે વાર કચડી ગયાં માત્ર પૈસા માટે! એ મીરાં મહેતા કે જેણે આજીવન તમને મનથી સમર્પિત પ્રેમ કર્યો. એ મીરાં કે જે મીરાં શાહ બનીને પણ તમને ન ભૂલી અને તમારી તકલીફ જોઈ તમને મદદ કરવાં આવી. એ મીરાં મહેતા કે જેણે તમારા દગાએ એના મનમાં સર્જેલી આત્મગ્લાનિ કારણે ઘર કરેલી બીમારીમાં પોતાનો જીવ ખોયો."

"હા, શ્રીમાન શ્યામ! હું એ મીરાંનો દીકરો છું. એક અસાધારણ પ્રેમ કરનારી મીરાંનો પુત્ર. માટે હું તમારી શ્યામાને મારી બેન ગણી એનાં રવિ સાથે લગ્ન પણ કરાવી દઇશ. હું તમને બરબાદ કે દુઃખી નહીં કરું કેમકે હું તો એક સામાન્ય યુવક જ છું પણ મારી અસાધારણ માનું હું ગૌરવ છું. જે તમારા જેવા સ્વાર્થી અને સ્વકેન્દ્રી માણસને ચાહી બેઠી."

આટલો આક્રોશ ઠલવી તીર્થ બહાર નીકળી ગયો. એ રાતે માની ડાયરીને ગળે લગાડી ખૂબ રડ્યો. ને શ્યામ?

કદાચ મીરાંની અંદરની આત્મગ્લાનિ એની અંદર સમાય ગઈ હતી ને એક કાયમી ખાલીપો સર્જી ગઈ



૧૧
શીર્ષક : આજીવનકારાવાસ
લેખન : જાગૃતિ,'ઝંખનામીરાં'
ઈ-મેઈલ: kishanmuliya2@gmail.com

"મેં કહ્યું ને અમ્મી, તું ભાઈજાનની સાથે ખુશ રહેતા શીખી જા. ભૂલી જા કે તારે કોઈ બેટી છે. મને મારા હાલ પર છોડી દે. મારા માટે પૃથ્વીની યાદ જ કાફી છે. મારે વકીલની જરૂર નથી. હું તો ખુદ ઈચ્છું છું કે મને ફાંસીની સજા મળે. તો જ હું મારા પૃથ્વી પાસે જઈ શકીશ ને?"

અમ્મી આંખો કોરી કરતી મારી સામે લાચાર નજરે જોઈ રહી. એ પછી અમ્મી એક પણ શબ્દ બોલે એવો મેં અવકાશ જ નહોતો રાખ્યો. એણે એના ચશ્મા પર બાઝેલાં આંસુ લૂછીને જવા માટે પગ ઉપાડ્યાં. એની ચાલ પગમાં મણ-મણનાં પથ્થર બાંધ્યા હોય એવી હતી. હોય જ ને! હું બે ભાઈ પર મન્નત માગીને અબ્બુએ ખુદા પાસેથી માંગેલી સૌની લાડલી એક જ દીકરી હતી.

"રજાક મિયા, બેટીને આટલાં લાડ કરાવશો તો ખાવિંદને ઘરે કેમ સચવાશે?"

મને સ્કુટી પર કોલેજે જતી જોઈ બાજુવાળાં અબ્દુલ ચાચાએ અબ્બુને કહ્યું હતું.

"અરે મારી ઇસ્મત માટે હું એવું ઘર શોધીશ કે રાણી બનીને રાજ કરે... રાજ!"

મને યાદ આવી ગયો એ મારો જન્મદિવસ કે જ્યારે અબ્બુએ રિયાઝ ભાઈ અને સલીમ ભાઈ બેયને નારાજ કરીને પણ મારા માટે સ્કુટી લાવી આપેલું. જ્યારે કોલેજમાં એ લઈને હું પ્રવેશતી ત્યારે કેટલાંયનાં દિલની ધડકનો તેજ થઈ જતી!

અમ્મી અઠવાડિયે એકવાર તો મારી નજર ઉતારતી જ. મને કોઈ અડકે તો મેલ લાગી જાય એટલી ગોરી ને સપ્રમાણ બાંધાની તો હું હતી જ! પણ પૃથ્વી એમ કહેતો, "ઇસ્મત, તારી આંખો એક એવાં મોહક સમંદર જેવી છે કે એની અંદર ડૂબેલ માણસ બહાર આવવાં ન ઈચ્છે. તારું સ્મિત એટલું નિખાલસ છે કે હું આ સ્મિતને કાયમ રાખવાં મારી જિંદગી પણ ફના કરી દઉં."

મેં તરતજ એનાં મોઢે મારો નાજુક હાથ મૂકી દીધો. મારી આંખોમાંથી ખરેલ ટીપાંને પૃથ્વીએ કોલેજનાં મેદાનની ધૂળ સાથે ન ભળવા દીધાં ને પોતાના રૂમાલમાં લઈ કોઈ નાજુક કિંમતી સામાનની જેમ સાચવીને ખિસ્સામાં સરકાવી દીધાં.

એ મારા કરતાં બે વર્ષ મોટાં હતાં.એટલે હું કોલેજમાં હજુ પહેલાં વર્ષમાં આવી ત્યારે એ ત્રીજાં વર્ષમાં હતાં. પૃથ્વી પર આખી કોલેજની છોકરીઓ મરી પડતી પણ ખુદા ગવાહ છે કે મારા પૃથ્વી માટે એની દુનિયા એક હું જ હતી.

"તું કેમ સફેદ રંગની કુર્તી જ વધુ પહેરે?" વારંવાર સફેદ જ રંગમાં સજ્જ જોઈ પૃથ્વીએ એક દિવસ પૂછ્યું.

"મને બહુ ગમે સફેદ રંગ, પૃથ્વી."

"ઇસ્મત 'જાનીવાલીપિનારા' સાત રંગો છે આ દુનિયામાં! મને એમાંનો દરેક રંગ તારા પર ગમે. તને રંગીન ને ખુશહાલ જોવી એ જ મારી જિંદગીનો ધ્યેય છે. બસ હમણાં કોલેજ પૂરી કરી હું માસ્ટર્સ કરવાં પરદેશ જઈશ. બે વર્ષ પછી આવીને સીધો મારી ઇસ્મતને દુલ્હન બનાવીને લઈ જવાનો. તું રાહ જોઈશ ને?"

"પૃથ્વી, રાહ તો તમારા માટે યુગો સુધી જોઈ શકે તમારી ઇસ્મત પણ.."

"પણ શું..ઇસ્મત? "

"મને અબ્બુનો બહુ ડર લાગે છે.એ મારા તમારી સાથે નિકાહ માટે ક્યારેક રજામંદ ન થાય. તો મારે એમને છોડી, એમનાં પ્રેમને છોડી તમારી સાથે ..."

"ના, ઇસ્મત એવું તો હું પણ નહીં કહું કે આપણે ભાગી જઈએ. બસ તું ભરોસો રાખ. આપણો પ્રેમ સાચો હશે તો અબ્બુને પણ એનો સ્વીકાર કરવો જ પડશે."

"અને નહીં માને તો?"

મારી આંખોમાં ડોકાતો ડર વાંચીને પૃથ્વી દરિયાકિનારે એ સાંજે મને એની સશક્ત બાંહોમાં ઉચકીને હસતા- હસતા ગાવા લાગ્યા," લે જાયેંગે...લે જાયેંગે ..દિલવાલેં દુલ્હનિયા લે જાયેંગે..." ને એને હસતાં જોઈ હું પણ હસી પડી.

પૃથ્વીનું માસ્ટર્સ કરવા જવાનું સપનું હજુ પૂરું થાય એ પહેલાં એક દિવસ કોલેજની બહાર રિયાઝ ભાઈનો મિત્ર અલ્તાફ અમને સાથે જોઈ ગયો. એને મેં ઘણીવાર મને તાકી રહેતાં જોયો હતો. એ નજરને ન સમજુ એટલી નાસમજ હું ન હતી પણ મેં એને નજરઅંદાજ કર્યો હતો. જે ન સમજે એવો મુર્ખ એ પણ ન હતો.

મને ખબર હતી કે એનું અમને સાથે જોઈ જવાનું મારે મન કયામતના દિવસ જેવું હતું. એ રાતે અબ્બુની અદાલતમાં હું ગુનેગાર હતી. અમ્મી દરેક વાતની માફક આ વાતમાં પણ મજબૂર ચૂપકીદી ધારણ કરી બેઠી હતી. રિયાઝ ભાઈ અને સલીમ ભાઈ આ વાતને અબ્બુએ કરેલ લાડનો મેં આપેલ ભયાનક બદલો ગણાવી અબ્બુનાં ગુસ્સાની આગને હવા દઈ રહ્યાં હતાં.

મારી મુહોબ્બતને પાક પુરવાર કરનારો એક ખુદા હતો ને બીજો મારો પૃથ્વી. જેણે અમે અલગ થયાં ત્યારે મારા હાથને ચૂમીને કહ્યું હતું,"ઇસ્મત આજે સવારે કોલેજે આવતાં પહેલાં અચાનક મને તારા માટે કંઈક ભેટ ખરીદવાની ઈચ્છા થઈ! એટલે હું આ મેઘધનુષનાં સાતે રંગનાં દુપટ્ટા લાવ્યો છું. તારો પ્રિય શ્વેત રંગ પહેર એનાં પર રોજ જુદા- જુદા રંગની આ ચૂંદડી રાખજે. મને એમ થશે કે તે મારા પ્રેમને હૃદયસ્થ કરી દીધો છે. ને હા! આજે આપણાં સ્નેહબંધનાં સાત મહિના પૂર્ણ થયાં. હું તને મારા ધર્મ મુજબ સપ્તપદીનાં સાતે વચન આપું છું ને આ આપણી આ સાત મહિનાની યાદોને મારા પ્રિય સાતે રંગનાં કાગળ પર શબ્દમાં ઢાળીને આપું છું. તું એને વાંચીશ એટલે તારી નસેનસમાં પૃથ્વી એક ઉર્જા બનીને વહેશે."

સાતે રંગના કાગળ વીંટળાઈને આવેલી આ સંવેદનાઓ અર્પી અને સપ્તરંગી ચૂંદડી ઓઢાડી મારો પૃથ્વી મને જાણે પૂર્ણતા બક્ષી ગયો!

ખુદાએ તો મારી કિસ્મત નિર્ધારી રાખી હતી. એને તો કેમ નીચે ઉતારું? પૃથ્વીને અચાનક મારી સામે સલીમ ભાઈએ ખડો કર્યો. હું તેની આંખોમાં છલકતો મારા તરફનો પ્રેમ અને અહીં આવવા પાછળનો એનો અમારા પ્રેમ પરનો ભરોસો બંનેને નીરખી રહી. મારી ભીતર એ પ્રેમ થકી ઉર્જા સંચાર થઈ ગઈ.

મેં અબ્બુને પૂછયું ," પૃથ્વીને અહીં શા માટે લઈ આવ્યાં છો? જે કહેવું હોય એ મને કહો." અબ્બુએ મારી મક્કમ આંખો જાણે વાંચી લીધી. એનાં પ્રત્યુત્તર રૂપે મારા ગાલ પર સટાક કરતો તમાચો પડ્યો. જેણે અબ્બુએ આટલાં વર્ષ મને કરેલ લાડ પર જાણે એક ઝાટકે લાલ છાપનાં ડાઘ પાડી દીધાં.

"તારે આની સાથે નિકાહ કરવાં છે?" અબ્બુએ કરેલ આગ ઝરતો સવાલ.

"આ જન્મે પૃથ્વી સિવાય કોઈ સાથે નિકાહ નહીં પઢું અબ્બુ."

બીજા ગાલ પર છાપ સાથે ડાઘ અને હોઠમાંથી લોહીની ધાર રૂપે આ જવાબને સરપાવ મળ્યો.

પૃથ્વીની સહનશક્તિ પૂરી થઈ ને એણે મારા વાળ ખેંચી ચહેરો અબ્બુ સામે ધરનાર રિયાઝ ભાઈને ધક્કો મારી એનાં રૂમાલથી મારું આંસુ મિશ્રિત લોહી લૂછ્યું. મારી રડતી આંખોમાં પૃથ્વીનાં સ્પર્શથી ચમક આવી.

પણ એ જ મોકાની રાહમાં હતાં જાણે ને ત્રણે તૂટી પડ્યાં હતાં. મને અને અમ્મીને એક રૂમમાં બંધ કરી બારી ઈરાદાપૂર્વક ખુલ્લી રાખી. બેય ભાઈઓએ પૃથ્વીના તાકાતથી કરાતા સામનાથી બચવા એના બાવડે બેહોશ કરતું ઈન્જેક્શન ખૂંચાડી દીધું. હું પૃથ્વીની ઢળતી આંખોએ ઢળતી રહી ગઈ! કારમી ચીસો પાડતી રડતી રહી ગઈ, કરગરતી રહી ગઈ. એ બેહોશ થઈને ઢળ્યો એ સાથે અબ્બુએ એની આંખો વેતરી નાખી, એમ કહીને કે લે જો હવે ઇસ્મતને! એની આંગળીઓ કાપી નાખી, એમ કહીને કે લે હવે અડ ઇસ્મતને! એની "જીભ...યા અલ્લાહ નહીં અબ્બુ..નહીં"...મારી કાકલૂદીને સાંભળ્યા વિના કાપી નાખી, એમ કહીને કે લે બોલાવ હવે ઇસ્મતને!

મારી નજર સામે મારી દુનિયાને ઉજાડી નખાઈ ને એ પણ બેરહેમી અને બર્બરતાથી.
હું એ વખતે લાલ દુપટ્ટામાં હતી. હું આ દ્રશ્ય જોઈ ભાન ગુમાવી બેઠી.

શું મારો પૃથ્વી મારી સામે મને છોડી ગયો? ના, એ તો પેલા સપ્ત રંગ સાથે મારી અંદર સાત રંગ બની પ્રવેશી ગયો. સાત દિવસ પછી હું હોસ્પિટલેથી ઘરે આવી. મારા પગમાં જોમ ન હતું. હું ઢસડાતી અંદર પ્રવેશી. એ દરમિયાન પૃથ્વીની લાશ અને આખી ઘટનાને કેમ રફેદફે કરી હશે એ મારે જાણવું ન હતું.

હા, મને કોઈ રસ ન્હોતો એ પૃથ્વીમાં. મારો પૃથ્વીતો મારી નસ-નસમાં લોહી બની ફરી રહ્યો હતો. મારા કણ-કણમાં વસી રહ્યો હતો. જો એમ ન હોત તો હું ઇસ્મત શ્વાસ ક્યાંથી લઈ શકતી હોત!

એ સાંજે ઘરમાં પગ દેતાં જ મારી અંદર કશુંક અસામાન્ય પરિવર્તન થઈ રહ્યું હતું. અબ્બુને જોતાં જ મારી આંખોની કીકી રાતી નશોથી ઘેરાઈ ગઈ. મારા લોહીની અંદર કંઈક ઉછાળા મારી રહ્યું હતું.

ને એ મધરાતે અબ્બુ પૃથ્વીને ખતમ કર્યાનું સુકૂન ચહેરા પર પાથરીને સૂતા હતાં ત્યારે પૃથ્વીએ આપેલ લીલી ઓઢણી મેં અબ્બુની ગરદન પર વીટી. મારી આંખો સામે એક પળ માટે મને લાડ પ્યાર આપનાર અબ્બુ આવ્યાં પણ મારા પર જે હાવી થયું હતું એ હતું મારા વ્હાલા પૃથ્વીની કપાયેલી આંખો કે જેણે મારામાં જિંદગી શોધી. એ તરફડતી આંગળીઓ કે જેનાં પારસમણિ સમા સ્પર્શથી ઇસ્મત સોનું બની હતી. એ લોહી નીંગળતી જીભ જેના પર માત્ર મારું નામ રહેતું.

આ દરેક ભયાનક યાતનાએ મારા કોમળ હાથને મજબૂત બનાવ્યાં. મારી કોમળ લાગણીઓ કઠોર બનાવી. મેં બંને છેડે ભીંસ વધારી ને અબ્બુને ખુંખાર હત્યા કરવાની સજા રૂપે ચીર નિંદ્રામાં પોઢાડી દીધાં. પૃથ્વીએ આપેલ સાત ઓઢણી ને સાત કાગળ આ મારી મરણમૂડી લઈ મેં પોલીસ સ્ટેશન તરફ જવા પગ ઉપાડ્યાં.

રિયાઝ ભાઈ અને સલીમ ભાઈ, પૃથ્વીને જેણે છળથી અહીં સુધી લાવી બેહોશ કરીને અબ્બુને મદદ કરી, તેને સજા મારું નામ બાપની હત્યારી તરીકે છાપાંમાં આવશે ત્યારે થનારી બેઇજ્જતી રૂપે મળશે.

અમ્મીએ એકવાર પણ આખી ઘટનામાં અબ્બુ વિરોધી અવાજ ન ઉઠાવ્યો કે ન એ નિર્મમ હત્યા પર એનું રુવાડું ફરક્યું. એની સજા રૂપે આજે અબ્બુ નથી. હું જેલમાં છું.

મને કદાચ આજીવન કારાવાસની સજા મળશે. પણ હા, હું એકલી નથી. મારી સાથે મારી ભીતર કેદ થઈને મારો પૃથ્વી પણ કારાવાસ ભોગવે છે.