Saibaba no itihaas in Gujarati Mythological Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈબાબાનો ઈતિહાસ

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

સાઈબાબાનો ઈતિહાસ

શિરડીના સાંઈબાબાની કૃપાના વાંચ્છુકો તો અગણિત છે. દરેક શહેરના દરેક મહોલ્લામાં સાંઇની દેરી અને દરેક શહેરમાં સાંઇનું એકાદ મોટું મંદિર હોય જ છે. તેમનો ફોટો ઘણાં ઘરોમાં હોય છે. તો સાંઈબાબા વિશે મળેલી કેટલીક રસપ્રદ માહિતી અત્રે પીરસીશ.

સાંઈનો જન્મ 28 સપ્ટેમ્બર 1838 ના રોજ અને દેહત્યાગ 15 ઓક્ટોબર 1918, દશેરાના દિવસે થયો હોવાનું કહેવાય છે. સાંઈને ખુદ દત્તાત્રેય ભગવાનના અવતાર પણ મનાય છે. તેમને મુસ્લિમો એક ઓલિયા ફકીર તરીકે અને હિંદુઓ સંત તરીકે પૂજે છે. તેમના જીવનકાળ દરમ્યાન પણ પૂજતા હતા અને મૃત્યુના 103 વર્ષ બાદ પણ.

તેમણે કહેલ ત્રણ સરળ વાક્યો ગૂઢ ફિલસુફી બની ગયાં છે.

1 . શ્રદ્ધા, સબુરી, ભક્તિ.

2 . સબકા માલિક એક

3 . અલ્લા માલિક.


ઉપદેશ: તેમણે જીવનપર્યંત આવો ઉપદેશ વાતવાતમાં જ આપેલો.

પોતાની જાતને ઓળખવી,

નાશવંત ચીજો પર મોહ ન રાખવો,

સર્વ જીવો પર પ્રેમ રાખવો

શારીરિક કે માનસિક ઇજા પહોંચાડનારને પણ ક્ષમા આપવી

મદદગાર બનવું

સંતોષ

મનની શાંતિ, સબુરી

ગુરુ અને દૈવી શક્તિ પ્રત્યે શ્રદ્ધા.


તેઓ ધર્મના ભેદભાવને ધિક્કારતા હતા. તેઓ હિંદુ હતા કે મુસ્લિમ તેનો વિવાદ આજે પણ ચાલે છે પરંતુ તેઓ તેનાથી પર હતા. તેમને કોઈ ફેર પડતો ન હતો કે તેઓ મસ્જિદમાં ધ્યાન ધરે છે કે મંદિરમાં. તેમના ઉપદેશમાં ઇસ્લામ અને હિંદુ ધર્મ, બન્નેનાં તત્વો જોવા મળે છે. તેઓ જ્યાં બેસી ધ્યાન ધરતા કે લોકોનાં દુઃખ દૂર કરતા તે જગ્યાને તેમણે જ દ્વારકામાઈ નામ આપેલું જે એક ત્યજી દેવાયેલી મસ્જિદની પાછલી ભીંત હતી.

તેઓ કહેતા કે ' મારી સામે જુઓ, હું તમારી સામે જરૂર જોઈશ.

તેમના એક શિષ્ય હેમાદ પંત, અન્ના સાહેબ દાભોલકર દ્વારા 1922માં લખાએલ પુસ્તક સાંઈ સત્ચરિત્રમાંથી ઘણી માહિતી મળે છે.

શ્રી. નરસિંહ સ્વામીએ ચેન્નાઈમાં સાંઈસમાજની શ્યાપના કરેલી. તેમણે સાંઈબાબાના પ્રખર ભક્ત મ્હાલસાપતિએ કહેલ કેટલીક વાતો દ્વારા સાંઈબાબાનાં પૂર્વજીવન પર પ્રકાશ પાડ્યો છે. તે અનુસાર હૈદરાબાદ નજીક પરભણી તાલુકાનાં પાથરી ખાતે દેશસ્થ બ્રાહ્મણ કુટુંબમાં સાંઈબાબાનો જન્મ થયેલો. પાંચ જ વર્ષની ઉંમરે તેમને તેમનાં મા બાપે એક ફકીરની માંગણી પર સાંઈબાબા તેમને સોંપી દીધેલા. કહેવાય છે કે સાંઈબાબા પાથરી અને પરભણીના લોકો મળે તો તેમની વાતોમાં ઘણો રસ લેતા.

કહે છે કે સાંઈબાબાને તે પછી નહોતો તેમના જન્મદાતા માબાપ પર અનુરાગ કે નહોતો એ પાલક ફકીર પર. ફકીર માત્ર 4 -5 વર્ષ તેમને રાખીને જન્નતનશીન થયા. મરતા પહેલાં તેમણે જીંતુર પરગણાના મુખીયા (જેને આજના કલેક્ટર જેવું કહી શકો) શ્રી. ગોપાલ દેશમુખની નિશ્રામાં મોકલી આપ્યા. ગોપાલ દેશમુખે તેમની કેળવણીની વ્યવસ્થા કરી. તેમની સાથે સાંઈ દરેક ધાર્મિક વિધિઓ કરતા અને વહીવટી કાર્યોનું પણ નિરીક્ષણ કરતા. ગોપાલ દેશમુખ પોતે તિરૂપતિ વેંકટેશના મોટા ભક્ત હતા એટલે હિંદુ ધાર્મિક વિધિ વિધાનોનું જ્ઞાન પણ સાંઈને ગોપાલ દેશમુખ સાથે રહી મળ્યું. મુસ્લિમ શાસ્ત્રોનું નાની ઉંમરમાં મળી શકે તેટલું જ્ઞાન ફકીરે તેમને આપેલું જ. ગોપાલ દેશમુખે સાંઇને સારું ભણાવ્યા.

સાંઈ સત્ચરિત્રમાં કહ્યા મુજબ સાંઈબાબા તેમના એક ગુરુ વેંકુશાને ગણાવતા જે લગભગ વેંકટેશ સ્વામી છે. ગોપાલ દેશમુખ ઈશ્વરને પૂછીને જ મહત્વની સાંસારિક કે સંચાલનની બાબતે નિર્ણય કરતા અને તેમને ઈશ્વર જવાબ આપતા પણ ખરા.

કહે છે કે એક વખત અમદાવાદ ખાતે ગોપાલ દેશમુખ એક ફકીરની મજાર પર ગયા ત્યારે મજારમાંથી આનંદસભર બિંદુઓનો સ્ત્રાવ થયો. તે મજાર સંભાળનારા ઓલિયા ફકીરે કહેલું કે ગોપાલ દેશમુખ કાશીના વિદ્વાન સંત રામાનંદ દાસનો અવતાર છે. રામાનંદના પ્રખર શિષ્ય સંત કબીર તેમની પાસે આ જન્મમાં તાલીમ લેશે. કહેવાય છે કે ગોપાલ દેશમુખે કદાચ કબીરના જ અવતાર સાંઈબાબાને આ જન્મે દત્તક લઈ આગળ કેળવણી આપી. ગોપાલ દેશમુખે આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ ઊંડી પ્રગતિ કરેલ. તેઓ ખુદ healing power ધરાવતા હતા અને સ્પર્શથી લોકોને સાજા કરતા હતા. તેમણે એક અંધ સ્ત્રીને લાલ મરચાંની ભૂકી આંખ પર લગાવી દ્રષ્ટિ આપેલી.

ચમત્કારિક શક્તિઓનો પ્રાદુર્ભાવ

એક વખત ગોપાલ દેશમુખ પાસે જઈ ક્રોધે ભરેલા કેટલાક ધર્મઝનૂની લોકોએ સાંઈબાબાને તેમના હવાલે કરી દેવા કહ્યું. દેશમુખે ઇન્કાર કરતાં પથ્થરો અને ઈંટ વડે તેમણે દેશમુખ પર હુમલો કર્યો. સાંઈબાબા દેશમુખની સાથે હતા. શરૂમાં દેશમુખે કેટલાક ઘા ચુકાવ્યા. એક જીવલેણ ઘા કરતી ઈંટ તેમની તરફ આવી જે તેમણે તેમની ચમત્કારિક શક્તિથી હવામાં જ અટકાવી દીધી. ત્યાં તો બીજી ઈંટ તેમના મસ્તક પર વાગી. બાળ સાંઈબાબાએ કહ્યું કે મારે કારણે તમારી ઉપર હુમલો થાય છે તો હું જ અહીંથી જતો રહું. દેશમુખે ના પાડી અને પોતાનું જ વસ્ત્ર ફાડી ઘા રૂઝાવ્યો. તેમણે તરત જ કહ્યું કે સમય આવી ગયો છે કે હું મારી ચમત્કારિક શક્તિઓ તને આપી દઉં. તેમણે સાંઈ પાસે એક વસુકી ગયેલી કાળી ગાય મંગાવી. ગાયનાં શીંગડાંથી પૂંછડાં સુધી હળવે હળવે હાથ ફેરવ્યો અને ગાયે વિપુલ માત્રામાં દૂધ આપ્યું. દેશમુખે એ બધું જ દૂધ સાંઈને પી જવા કહ્યું. એ સાથે એમણે કહ્યું કે મારી બધી જ શક્તિઓ તારામાં આવી ગઈ છે. આ એક જ દીક્ષા સાંઈબાબાને આપવામાં આવેલી હહોવાનું જાણમાં છે.

આ શક્તિ વિનિપાત થતાં જ જેણે એ ઈંટથી ઇજા પહોંચાડેલી તે તત્કાળ મૃત્યુ પામ્યો. તેના સાથીઓએ દેશમુખની ક્ષમા માંગી અને એના જીવન માટે કરગર્યા. દેશમુખે કહ્યું કે હવે બચાવવાની તમામ શક્તિઓ મારામાંથી વિદાય લઈ સાંઈમાં પ્રવેશી ચુકી છે. તે કરે તો આ શક્ય બને. સાંઈએ પાલક પિતા અને ગુરુ દેશમુખની ચરણરજની ચપટી ધૂળ લઈ મૃતદેહ પર વેરી અને તે વ્યક્તિમાં જીવ પરત આવ્યો.

તેમનાં અંતિમ જીવનમાં બાબાએ કહેલું કે મૃત વ્યક્તિને સજીવન કરવાની શક્તિ તેમની પાસે છે.

ગોપાલ દેશમુખે સાંઈના ખોળામાં માથું રાખી કહ્યું કે બીજે દિવસે બપોરે 4 વાગે તેઓ આ દુનિયામાંથી વિદાય લેશે અને એમ જ બન્યું.

દેહત્યાગ પહેલાં તેમણે પશ્ચિમ તરફ તેમનો હાથ ફેલાવી તે હાથની દિશામાં ગતિ કરતાં ચાલ્યા જવા સાંઈને કહ્યું. આમ આંધ્રના પાથરીથી સીધી લીટીમાં પશ્ચિમે જતાં ગોદાવરી તટે શિરડીમાં સાંઈનું આશરે 16 વર્ષની ઉંમરે આગમન થયું. ત્યાં તેઓએ પશ્ચિમ દિશાએ જતી કેડીનો જ્યાં અંત આવ્યો ત્યાં એક ત્યજી દેવાયેલી મસ્જિદમાં પોતાનો નિવાસ કર્યો.

તેઓ આસપાસ જંગલોમાં એકલા ભટક્યા કરતા કે ધ્યાન કર્યા કરતા. તેઓ ખૂબ અંતર્મુખી હતા. છતાં શિરડીના લોકો સાથે હળીમળી ગયેલા અને અનેકનાં દુઃખ દર્દ પોતાની ચમત્કારિક શક્તિઓથી તેમણે દૂર કર્યાં. આ કારણે તેમને જીવતે જીવ ઈશ્વર માનવામાં આવે છે.

સાંઈબાબાનું સાચું નામ કોઈને ખબર નથી. તો પણ કેટલાક તેમનું નામ હરિભાઉ ભૂસરી કહે છે. ઘણા ખરા સ્વીકારે છે કે સાંઈબાબા જન્મ્યા હિંદુ, પાંચ વર્ષની ઉંમરથી ફકીર પાસે ઉછર્યા અને ફરી હિંદુ વ્યંકેશા ગુરુ પાસે ઉછર્યા.

સાંઈબાબા શિરડીમાં 16 મે વર્ષે આવ્યા અને વચ્ચે 3 વર્ષ માટે 1857 ના બળવા આસપાસ ચાલ્યા ગયેલા અને ફરીથી 1858 અંત આસપાસ શિરડી આવી જીવન પર્યંત ત્યાં જ રહ્યા.

બાબાને હિન્દૂ શાસ્ત્રો, રામાયણ વગેરેનું ઊંડું જ્ઞાન હતું તો અરેબિકમાં લખેલાં મુસ્લિમ શાસ્ત્રોનું પણ. તેમણે ક્યારેય પોતે હિંદુ છે કે મુસ્લિમ એ જાહેર થવા દીધું નથી. તેઓ પહેરતા તે ફેંટો અને સફેદ કફની મુસ્લિમો પહેરે તેવાં હતાં. કહે છે કે માત્ર એક વખત કોઈ ખાસ વખતે એક પહેલવાન સાથે કુસ્તી કરવા તેમણે એ કફની અને ફેંટો કાઢેલાં, એ સિવાય ક્યારેય નહીં.

સાંઈ નામ તેમને મ્હાલસાપતિ નામના અનુયાયીએ તેઓ બીજીવાર શિરડી આવ્યા ત્યારે આપેલું. સાંઈનો અર્થ ધાર્મિક સાધક કે સાક્ષાત ઈશ્વર એવો થાય છે અને બાબા એટલે મરાઠીમાં પિતા.

સાંઈબાબાના કેટલાક હોંશિયાર અનુયાયીઓ પણ પ્રખ્યાત થયા છે જેવા કે મ્હાલસાપતિ જેઓ ખંડોબા મંદિરના પૂજારી હતા, ઉપાસની મહારાજ જેમને પણ બીજા સંત ગણાય છે. એ સિવાય બીડકર મહારાજ, ગગનગિરી, જાનકીદાસ વગેરે. સાંઈ તેમને 'મારા ભાઈઓ' કહેતા.

એ તો સર્વવિદિત છે કે સાંઈ કોઈ પણ હલનચલન વગર એક જ આસનમાં ખૂબ લાંબો સમય એક લીમડાનાં વૃક્ષ નીચે સમાધિમાં બેસી રહેતા. 16 વર્ષનો છોકરો આમ ટાઢ, તડકો કે વરસાદમાં સતત બેસી રહે તે શિરડીની પ્રજા માટે નવું હતું. કાળક્રમે સાંઈ દ્વારા તેમનાં દુઃખ દર્દો દૂર કરવાથી સહુ તેમના પરમ ભક્તો બની ગયા અને કીર્તિ ફેલાતાં છેક મુંબઈથી તેમની પાસે હિલિંગ માટે લોકો આવવા લાગેલા.

કહેવાય છે (કદાચ તેમણે જ કહ્યું છે) કે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં લશ્કરમાં 1857માં લડેલા પણ ખરા.

સાંઈબાબા શિરડી નજીક જંગલોમાં ફર્યા કરતા, કોઈ સાથે ભાગ્યે જ વાત કરતા. તેઓ સતત વિચાર્યા કરતા. તેમના સફેદ વાળ ફરફરતા રહેતા અને તેમની કમર સુધી પહોંચતા. તેમણે ક્યારેય નથી વાળ કપાવ્યા કે નથી જટા બાંધી. અહીંતહીં ભટકતા સાંઈને લોકોએ કોઈ સ્થિર જગ્યાએ રહેવા આગ્રહ કર્યો અને તેઓ એક ત્યજી દેવાયેલી મસ્જિદ ભીંતને અડીને પડ્યા રહ્યા. તેઓ પોતાની સામે સતત એક ધૂણીમાં અગ્નિ પ્રજ્વલિત રાખતા અને તેની રાખ, જેને 'ઉદ' કહેતા તે આપી લોકોની સારવાર કરતા.

સાંઈબાબા તેમના શિષ્યોને ધાર્મિક શિક્ષણ પણ આપતા. રામાયણ, યોગવશિષ્ઠ અને ગીતા હિંદુઓને તો કુરાન મુસ્લિમોને. તેઓ તેમનાં પ્રવચનોમાં રૂપક કથાઓ અને કહેવતોનો ખૂબ ઉપયોગ કરતા. તેઓ કેટલાંક ગૂઢ ચિહ્નો કે શબ્દોનો પણ ઉપયોગ કરતા.

1918 ના સપ્ટેમ્બરમાં તેમણે કહ્યું કે તેઓ આ પાર્થિવ શરીરનો ત્યાગ કરશે. તે પછી તેમણે અન્નત્યાગ કર્યો અને 15 ઓક્ટોબર 1918, દશેરાના દિવસે તેમણે દેહત્યાગ કર્યો.

હિંદુઓમાં સાધુઓને બેઠાં સમાધિ અપાય છે તેમ તેમને સમાધિ આપવામાં આવેલી. બુટીવાડા, શિરડી ખાતે આ જગ્યા શ્રી સમાધિ મંદિર તરીકે જાણીતી છે.

સાંઈબાબા ધર્મના ભેદભાવમાં જરા પણ માનતા ન હતા અને તેનો સખત વિરોધ કરતા. તેમને હિંદુ શાસ્ત્રો ઉપરાંત કુરાનનું પણ ઊંડું જ્ઞાન હતું. તેઓ હિંદુ શાસ્ત્રોમાંના અદ્વૈતવાદના હિમાયતી હતા.

તેઓ કહેતા કે કોઈ કારણ જ એક જીવને બીજા જીવ પાસે મોકલે છે. તમારે આંગણે આવેલા પશુ કે માનવ, કોઈને કાઢી મુકો નહીં. ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણી, વસ્ત્રહીનને વસ્ત્ર, નિરાશ્રિતને ઓટલો આપવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે.

મ્હાલસાપતિ નાગરે તેમના પટ્ટશિષ્ય હતા. તેમનાં ખંડોબા મંદિરથી શરૂ થયેલ શિરડી સાંઈની કીર્તિ ભારતભર અને વિદેશોમાં ફેલાઈ છે.

સાંઈબાબા કહેતા કે તમે જન્મ કયા ધર્મનાં ખોળિયાંમાં લીધો એ અગત્યનું નથી. બધા આત્માઓમાં એક જ સમાન દિવ્યશક્તિ રહેલી છે.

તેઓ બધા જીવો પ્રત્યે કરુણા અને પ્રેમ રાખવા કહેતા.

સાંઈબાબાના ચમત્કારો વિશે અનેક વાતો થાય છે કે તેઓ પાણીથી દીવો પ્રગટાવી શકતા, એક સાથે બે જગ્યાએ દેખાઈ શકતા, પોતાનાં શરીરના ભાગોને અલગ કરી ફરી જોડી શકતા. ક્યારેક કોઈ જીવને ઇજા કરવાથી પીડા થાય તો ઘા તેમનાં શરીર પર દેખાતો. ઘણાને સમસ્યા હોય ત્યારે સ્વપ્નામાં આવી તેમણે માર્ગદર્શન આપ્યું છે.

સાંઈબાબા એક જીવિત શક્તિ હતા જે આજે માનવામાં આવે નહીં. તેમના ઉપદેશ - 'સબકા માલિક એક', 'શ્રદ્ધા, સબુરી, ભક્તિ' અને 'અલ્લા માલિક' ને અનુસરી સર્વ પ્રત્યે કરુણા રાખી ચાલીએ.

-સુનીલ અંજારીયા