Closed doors in Gujarati Short Stories by Sheetal books and stories PDF | બંધ દરવાજા

The Author
Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

બંધ દરવાજા

સૂરજના રથ પર સવાર થઈને ક્ષિતિજની ગોદમાંથી નીકળતા તડકાના કોમળ સોનેરી કિરણો વિન્ડોગ્લાસને ભેદીને આઈ.સી.યુ.માં બેડ પર સુતેલા પરમજીતના ચહેરા પર પડતાં જ એણે ધીમે રહીને આંખો ખોલી અને બંધ દરવાજા તરફ મોઢું ફેરવી મીટ માંડી કોઈના આવવાની આહટ સાંભળવાની કોશિશ કરવા લાગ્યો.

*** *** ***

"ગુડ મોર્નિંગ મિ. જીત," રોજ એની સવાર સિસ્ટર ડેઇઝીના ટહુકાથી પડતી. બરાબર આઠ વાગે એટલે આઈ.સી.યુ.ના સ્પેશિયલ રૂમનો બંધ દરવાજો ધીમે રહીને ખુલે, એની સાથે જ તરોતાજા સુગંધનું મોજું પણ અંદર આવે અને પરમજીતના નાકે અથડાય એટલે એ સમજી જાય કે ડેઇઝી આવી ગઈ. એના આવવાની આહટ સાંભળીને જાગતો હોવા છતાં ઊંઘવાનો ડોળ કરતો પરમજીત આંખો મીંચી પડી રહેતો. ડેઇઝી આવે એટલે એના હાથમાં રહેલું લાલ ગુલાબનું તાજું ખીલેલું ફૂલ અચૂક હોય જેનો સુંવાળો સ્પર્શ પરમજીતની હથેળીને થાય એટલે એ આંખો ખોલી બેઠો થાય.

પરમજીત પચીસ વર્ષનો તરવરિયો જાટ યુવાન જે મહામારીનો શિકાર થતાં સિટી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. દસ દિવસ મોત સામે ઝઝૂમી, મોતને માત આપ્યા બાદ એને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને એની કેર સ્પેશિયલ ડે-નાઈટ નર્સ રાખવામાં આવી હતી. સવારે આઠથી રાત્રે આઠ સુધી બાવીસ વર્ષની, ડેઇઝી ડિમેલો આવતી અને રાત્રે આઠથી સવારે આઠ સુધી ચાળીસે પહોંચેલી સુષ્મા વર્મા નામની નર્સ આવતી. ડેઇઝી એટલે વહેલી સવારે ઝાકળમાં નહાઈને ખીલેલું તાજું ફૂલ, સ્મિતનું સરનામું, વ્હાલની વેલી, એ આવે એટલે હોસ્પિટલનો આ રૂમ મહેકવા લાગે, એની હાજરીથી વાતાવરણ આનંદથી છલકાઈ જાય. રોજ શાર્પ આઠના ટકોરે પેન્સિલ હિલ સેન્ડલના ઠક-ઠક અવાજથી જ્યારે એ એરકન્ડિશન્ડ કમરામાં દાખલ થાય એટલે એના મનપસંદ ફ્લોરલ ડિઓની તરબતર કરી દેતી માદક ખુશ્બુથી પરમજીત ફ્રેશ થઈ જાય. રોજ આવીને સૌથી પહેલાં એ પરમજીતને 'ગુડ મોર્નિંગ જીત', ગ્રીટ કરી વ્હાલથી ઉઠાડે અને એના જમણા હાથની હથેળી ચૂમી એમાં ગુલાબનું ફૂલ મૂકી એનામાં રોજ નવા જીવનની ઉમંગનો સંચાર કરી પોતાના કામે વળગે. પરમજીતને રોજ વોકરના ટેકે વોશરૂમમાં લઈ જાય, એ ફ્રેશ થઈ તૈયાર થઈ જાય એટલે એને હોસ્પિટલની કેન્ટીનમાંથી આવેલો પૌષ્ટિક અને ગરમ બ્રેકફાસ્ટ કરાવે પછી દવાઓ આપી એને બાલ્કનીમાં મુકેલી ચેરમાં તડકો ખાવા બેસાડે ત્યારે સામેના ગાર્ડનમાં રોજ એ સમયે એક રંગબેરંગી પતંગિયું ફૂલો પર ઉડાઉડ કરતું જોવા મળે. ડેઇઝી પરમજીત સાથે વાતો કરે, મોબાઈલમાં એની પસંદના ગીતો વગાડે, એને બપોરે જમાડીને સુવડાવે આમ રૂટિન ડ્યુટીમાં એનો દિવસ આઠ વાગે સુષ્મા આવે એટલે પૂરો થઈ જાય. જતાં પહેલાં પણ રોજ પરમજીતના કપાળે કિસ કરી 'ગુડ નાઈટ' કહી પરમજીતની આંખોમાં સોનેરી સવારના સપના સજાવી જતી રહે. ડેઇઝી જાય પછી પરમજીતને સાવ સુનું સુનું લાગે એને ડેઇઝીની સાથે એ પતંગિયું પણ યાદ આવે. એના જીવનમાં પતંગિયાની પાંખો જેવા રંગીન સપના સજાવતી ડેઇઝીનો ખાલીપો એને ફૂલની ડાળીએ ઉગેલા કાંટાની જેમ ખાવા દોડે પણ બીજા દિવસે દેઇઝીની ફરી આવવાની આશા અને આસ્થા સાથે ડેઇઝીનો સકારાત્મક સ્પર્શ એની જીવાદોરી લંબાવવામાં મોટો ભાગ ભજવી ગયો. ત્રણ દિવસ પહેલા કરાવેલ બધા ટેસ્ટ રિપોર્ટ આજે નોર્મલ આવ્યા એટલે એણે બીજા દિવસે પોતાના દિલના દરિયામાં વ્હાલનું વહાણ ચલાવતી ડેઇઝીને અત્યાર સુધી મનમાં વાળી રાખેલો સ્નેહનો સઢ ખોલી એને પોતાની જીવનનૈયાની સુકાની બનાવવાના નિર્ધાર સાથે સપના જોતો સુઈ ગયો.

"આઠ વાગી ગયા, ડેઇઝી હજી સુધી નથી આવી. અઢાર દિવસથી હું અહીં છું પણ એ સમય ક્યારેય નથી ચુકી." ધીમે ધીમે બેઠાં થતા એણે બંધ દરવાજા તરફ ઉમ્મીદભરી નજર નાખી પણ ડેઇઝીના આવવાના કોઈ એંધાણ ન મળ્યા. સુષ્મા પણ પાંચ મિનિટ પહેલા જ "ડેઇઝી આવતી જ હશે" કહી નીકળી ગઈ હતી.

દસ મિનિટ પછી દરવાજો ખુલવાનો અવાજ થતાં પરમજીતે એ દિશામાં નજર ફેરવી પણ ડેઇઝીને બદલે કોઈ નવી નર્સનો ચહેરો નજરે પડ્યો.

"ડેઇઝી ક્યાં?" નર્સ અંદર પ્રવેશી એટલે એણે બેઠાં થતા ચોમેર નજર ફેરવી.

"સર, ડે....ઇઝી સિ..સ્ટ..રનો, અહીંથી નીકળ્યા બાદ ચાર રસ્તાના વળાંકે એની સ્ફુટીનો એક્સીડેન્ટ થઈ ગયો અને એ.... ઓન...ધ....સ્પોટ...." આગળની વાત એના ડૂસકાંમાં દબાઈ ગઈ.

પરમજીતની નજર સમક્ષ ગાર્ડનમાં ઉડતું પતંગિયું આવી ગયું જાણે ફુલનો રસ પામવાની આશામાં એ ફૂલ ઉપર મંડરાઈ રહ્યું હોય અને અચાનક એની રંગીન પાંખો કાંટામાં ભરાઈને ચિરાઈ ગઈ હોય અને ફૂલની ખીલેલી પાંખડીઓ અચાનક બંધ થવાની સાથે જ એના બહાર આવવાના દરવાજા બંધ થઈ ગયા હોય અને એ ફૂલની સુંવાળી ગોદમાં સુઈ ગયું હોય એમ પરમજીતને ડેઇઝીના ગોરા, લીસા હાથનો સુંવાળો સ્પર્શ યાદ આવ્યો અને એની આંખોની પાંપણના દરવાજા પણ ક્યારેય ન ખુલવાના નિર્ધાર સાથે બિડાઈ ગયા.....