Hidden spring in Gujarati Short Stories by Sheetal books and stories PDF | છુપી વસંત

The Author
Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

છુપી વસંત

"આ કેસર હજી સુધી શાકની લારી લઈને આવી નહિ, દસ વાગી ગયા, ક્યારેય આટલું મોડું નથી કર્યું. હમણાં ટેમ થઈ જાશે ને મારી રાતપાળી પુરી થશે. મારે ઘરે જાવું પડશે અને કેસરને મળ્યા વગર કેમનો જાઉં?" જીવણે કેબિનનો દરવાજો બંધ કર્યો ને સોસાયટીના ગેટ પાસે આવી રસ્તા પર નજર પાથરી ઉભો રહ્યો. જીવણ આનંદવન સોસાયટીનો વોચમેન હતો. કાલે એની રાતપાળી હતી અને કેસર હતી શાકવાળી. રોજ સવારે બરાબર નવના ટકોરે કેસર પોતાની હાથલારીમાં તાજા તાજા શાક ભરી આનંદવન અને આજુબાજુની સોસાયટીમાં આવતી. એના તાજા શાક અને એની ખુમારી અને પ્રામાણિકતાથી લોકો હોંશેહોંશે એની પાસેથી શાક ખરીદતા. કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી, કેસર એની લારી સાથે નવ વાગે હાજર જ રહેતી. ભરેલી શીંગ જેવી કાયા, કામણગારી આંખો અને એની લચકતી ચાલ અને થનગનતા યૌવન પર જીવણ મોહી પડ્યો હતો.

શહેરની છેવાડે આવેલી વસ્તીમાં, નાનકડા કાચા મકાનમાં કેસર એની બીમાર મા સાથે રહેતી હતી. આખો દિવસ કારમી મહેનત કર્યા પછી પણ મા-દીકરીનું પેટ ભરાય એટલી કમાણી માંડ થતી. એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં પણ મા-દીકરી બેઉ હસતું મોઢું રાખી જીવ્યે જતી હતી.

જીવણ પણ શહેરના બીજે છેડે એના ત્રણ-ચાર મિત્રો જોડે એક નાનકડી ખોલીમાં રહેતો હતો. ગામડેથી હીરો બની પૈસા કમાવવાના સપના સાથે શરૂ કરેલી સફરમાં એ આનંદવન સોસાયટીના વૉચમેનની નોકરી કરતો હતો. દેખાવે બૉલીવુડના હીરોને પણ આંટી મારે એવું શરીર સૌષ્ઠવ, વાંકડિયા વાળ અને મર્દાની ચાલ પણ નસીબ બે ડગલાં આગળ ચાલતા અત્યારે તો એ વોચમેનની નોકરીમાં જ સંતોષ માની પોતાનું અને ગામડે પોતાના માતા-પિતા અને એનાથી નાના ત્રણ ભાઈ-બેનના પરિવારનું ગાડું ગબડાવ્યે જતો હતો.

રોજ ટાઈમસર આવતી કેસર જોડે એનું મન મળી ગયું હતું. ઘણીવાર કેસર પોતાની સાથે લાવેલા સૂકા રોટલામાંથી અડધો રોટલો જીવણ સાથે વહેંચીને ખાતી, એના સૂકા રોટલામાંય જીવણને છપ્પનભોગનો સ્વાદ આવતો. તો જીવણ પણ ક્યારેક એની માટે ચોપાટી કુલ્ફી લાવી ખવડાવતો. કેસરને પણ જીવણ ગમતો હતો પણ શરમની મારી એ ક્યારેય પોતાના દિલની વાત હોઠો સુધી આવવા ન દેતી. બંને તરફ ફૂટેલા લાગણીના અંકુરની વેલ ધીમે ધીમે વિકસી રહી હતી અને એક દિવસ બંનેએ પરણવાનું નક્કી કર્યું.

કેસરની મા તો આ સંબંધ જોડાય એમાં રાજી હતી, પોતાની ઢળતી ઉંમર અને બીમાર હાલતમાં એ વધુ સમય જીવે એમ લાગતું નહોતું અને જીવણને પણ પરિવાર તરફથી લીલી ઝંડી મળી ગઈ હતી એટલે સારું મુરત જોઈ બંનેએ મંદિરમાં જઈને જીવણના મિત્રો અને પૂજારીની સાક્ષીએ એકબીજાને વરમાળા પહેરાવી લગ્નગ્રંથિથી જોડાઈ, સહજીવનની શરૂઆત કરી. લગ્ન પછી જીવણ પણ કેસરના ઘરે જ રહેવા લાગ્યો. લગ્નના એકાદ વર્ષમાં જ કેસરની માતા સ્વર્ગે સિધાવી ગઈ અને ઘરમાં માત્ર કેસર અને જીવણ જ રહ્યા. સમય વીતતો ગયો અને અઢી વર્ષ પછી કેસરે સુંદર ઢીંગલી જેવી કન્યાને જન્મ આપ્યો, જીવણતો પોતાના ઘરે લક્ષ્મીનું આગમન થતાં રાજીરાજી થઈ ગયો. બંનેએ દીકરીનું નામ પાડ્યું 'રાજલ'.

જોતજોતામાં રાજલ પાંચ વર્ષની થઈ ગઈ. ડગુમગુ ચાલતી, કાલીઘેલી વાતો કરતી રાજલ માટે જીવણ અને કેસર બેઉ ચિંતિત હતા. ઘરની પરિસ્થિતિ જોતાં રાજલ માટે નવા કપડા, રમકડાં લેવા અસમર્થ હતા. દર મહિને કોઈને કોઈ અણધાર્યા ખર્ચાઓ આવી જતા એટલે જીવણનો હાથ હમેશા ખેંચમાં રહેતો. કેસરે પણ રાજલ જન્મ્યા પછી શાક વેચવાનું બંધ કરી દીધું હતું. રાજલને સારું શિક્ષણ મળે એ માટે એને શહેરની શાળામાં દાખલ કરી. જીવણ હવે લગભગ દિવસપાળીમાં જ નોકરીએ જતો અને સાંજે ઘરે આવીને બાકીનો સમય રાજલ સાથે રમવામાં વિતાવતો. કેસર પણ રાજલને નિશાળે મૂકી શાકની લારી લઈ વેચવા નીકળી જતી.

એક દિવસ રાજલને નિશાળે મૂકી કેસર લારી લઈને શાક વેચવા નીકળી અને રોડના વળાંકે એક રીક્ષાની અડફેટે આવી જતા લારી સાથે પડી ગઈ અને રીક્ષાના પૈડાં એના બેઉ હાથ પર ફરી વળ્યાં.

છ મહિનાની સારવાર પછી કેસર ઉભી તો થઈ પણ એના બંને હાથ નકામા થઈ ગયા હતા. જીવણને માથે બેવડી જવાબદારી આવી પડી. રાજલને તૈયાર કરી નિશાળે મુકવાની, ઘરનું કામ પતાવવાનું ને ઉપરથી કેસરને પણ તૈયાર કરી નોકરીએ જવાનું. કેસરના અકસ્માત થયા પછી હોસ્પિટલ અને દવાનો ખર્ચ પણ વધી ગયો હતો. મિત્રો પાસેથી અને ગામડેથી થોડા પૈસા મગાવી એણે હોસ્પિટલ અને દવાઓનું બિલ ચૂકવ્યું હતું. હવે આવક ઓછી ને જાવકનું પ્રમાણ વધી ગયું હતું કેમ કે રાજલના જન્મ્યા બાદ કેસરે પણ શાક વેચવાનું બંધ કરી નાખ્યું હતું. સુખ-દુઃખની સંતાકૂકડી વચ્ચે દુઃખ હમેશા થપ્પો કરી જીતી જતું અને એમના જીવનમાં વસંત આવવાની ઉમ્મીદ ધીરે-ધીરે ભુલાતી ચાલી.

કેસર ક્યારેક ક્યારેક જીવણની છાતીએ માથું નાખી રડી લેતી પણ જીવણ હમેશા એને સકારાત્મક વિચાર અને વલણ અપનાવવાનું કહી હિંમત આપતો રહેતો. બસ, એક જ વાતનું દુઃખ એને સતાવતું રહેતું કે એ રાજલ માટે એક રમકડું પણ લાવી નહોતો શકતો. મનમાં ને મનમાં આ વાત એને કોરી ખાતી. રાજલને ઘણીવાર દરવાજામાં આશાભરી આંખે મીટ માંડી બેસેલી જોઈ એના હૃદયમાં ટીસ ઉપડતી. રાજલ ઘરની સામે આવેલા રસ્તાની પાર કતારબંધ રૉ-હાઉસની લૉનમાં રમતા બાળકોને નિતનવા રમકડેથી રમતા જોતી ત્યારે એ જીવણ પાસે રમકડું અપાવવા બાળસહજ જીદ કરતી અને જીવણ હંમેશની જેમ 'પછી અપાવીશ' કહી ટાળતો રહેતો.

"કેસર, હું એમ વિચારતો'તો કે જો હું સવારમાં શાકની લારી ફેરવું અને બપોરે આરામ કરી સાંજે નોકરીએ જઈ રાતપાળી કરું તો બે પૈસા વધુ કમાવી શકીશ અને હવે તો તુંય થોડું થોડું કામ કરી શકે છે અને રાજલ પણ હવે સમજણી થઈ ગઈ છે અને આપણી વસ્તીમાં તો ખરે વખતે બધા ઉભા રહી જાય છે એટલે રાતે તમને બેયને એકલાં રહેતા વાંધો નહીં આવે. બે પૈસા વધુ કમાવીશ તો રાજલની આંખોમાં ઉગતા સપના પણ પુરા કરી શકીશ." એક રાત્રે જમીને જીવણે પોતાના મનમાં કેટલાય દિવસથી ચાલી રહેલી વાત કેસરને કહી અને કેસરે પોતાની મુક સંમતિ આપી.

બે-ત્રણ દિવસ પછી જીવણે આનંદવન સોસાયટીમાં રાતપાળી શરૂ કરી અને દિવસે શાકની લારી લઈ જઈ શાક વેચવાનું શરૂ કર્યું. આમનેઆમ મહિનો પસાર થઈ ગયો. પગાર અને શાક વેચી થયેલી કમાણીમાંથી ખર્ચ બાદ કરતાં છસો રૂપિયા વધ્યા હતા.

"રાજલ, બેટા, આજે સાંજે હું તારા માટે રમકડું લઈ આવીશ, હો દીકરા,"

"હેં....પપ્પા," નિશાળમાં બીજા બાળકોને જોઈ એ પણ જીવણને પપ્પા કહીને બોલાવતી. ખુશ થઈને એ જીવણને ગળે વળગી પડી, "હું અહીંયા જ બેસીને તમારી રાહ જોઇશ. જો આજે તમે મારા માટે રમકડું નહિ લાવો તો હું તમારી જોડે વાત નહિ કરું, કિટ્ટા કરીશ," અળગી થઈ મોઢું ફુલાવી બેસી ગઈ.

"ના....ના.... મારી રાજકુમારી, તારા પપ્પા તારા માટે આજે રમકડું લઈને જ આવશે." રાજલના ગાલ ચૂમી જીવણ શાકની લારી લઈ નીકળી ગયો.

બપોરે શાક વેચીને પાછા ફરતાં અચાનક જ જીવણની લારીનું પાછલું ટાયર ફાટ્યું અને લારી એકબાજુએ આડી વળી ગઈ. લમણે હાથ દઈને એ બેસી ગયો. કેટલાય દિવસથી ખડખડ થતી લારીને સમી કરાવવાની કેસરે કરેલી વાત અત્યારે એને યાદ આવી ગઈ પણ રૂપિયાના અભાવે એ કામ રહી જતું.

"હવે શું કરું? જો લારી ટાયર રીપેર નહિ કરાવું તો કાલથી શાક વેચવાનું બંધ થઈ જશે, ટાયરના નહિ નહિ તોય ચાર-પાંચસો રૂપિયા થઈ જશે તો રાજલ માટે રમકડું નહિ લઈ શકું. એની મુગ્ધ આંખોમાં સપનું આંજીને નીકળ્યો છું એ સપનું એના આંસુઓ સાથે વહેતું હું નહિ જોઈ શકું. એક કામ કરું, પહેલાં ઇકબાલભાઈની સાઇકલ રીપેરીંગની દુકાને જઈને લારીનું ટાયર બદલી કરાવું, એ વધુ પૈસા નહિ લે અને બચેલા રૂપિયામાંથી રાજલ માટે એકાદ રમકડું તો આવી જ જશે." કહી લારીને ધક્કા મારતો એ ઈકબાલભાઈની ગેરેજનુમા દુકાને આવ્યો.

"ઈકબાલભાઈ, આ મારી લારીનું ટાયર ફાટી ગયું છે, જરા જોઈ આપોને, સમું કરાવવાનો કેટલોક ખર્ચ થાશે એ પણ કયો એટલે....."

"એય...જીવણીયા, તારી પાહેંથી વધુ નહિ લઉં, પેલા જોવા તો દે, આમેય તારી આ લારી ખખડધજ થઈ ગઈ છે...જોઉં છું...." ઇકબાલભાઈ ઉભા થઇ લારી આગળ ગયા અને તડકાના પરસેવે રેબઝેબ થયેલો જીવણ બહાર ઓટલે મુકેલી હાથા વગરની ખુરશીમાં બેસી ગયો.

"અલ્યા, જીવણીયા, આમ તો તારા આ ખટારાને રીપેર કરવાના અને ટાયરનું પંચર કાઢી, હવા ભરવાના કુલ્લે મળીને સાડા છસો રૂપિયા થાય છે પણ તારી પાહેંથી હું સાડા પાંચસો લઈશ અને તારી આ ખટારા લારીને ટનાટન બનાવી આપીશ," ઇકબાલભાઈએ લારી બરોબર ચકાસી ને જીવણને કહ્યું.

જીવણે ગજવા પર હાથ ફેરવ્યો, છસો રૂપરડીમાંથી સાડા પાંચસો તો ઇકબાલભાઈને આપવા પડશે અને બચેલા પચાસ રૂપિયામાં હું રાજલ માટે કંઈક લઈ લઈશ.

"ભલે, ઇકબાલભાઈ તમે લારી સરખી કરી દયો, હું હમણાં આવું છું." જીવણ સામેની બાજુએ દેખાઈ રહેલી ભંગારવાળાની દુકાન તરફ વધ્યો.

ભંગારવાળાની દુકાને જઈને એના બહાર પડેલા સામાનમાંથી રાજલ માટે કોઈ સસ્તું ને સારું રમકડું મળી જાય એ આશામાં એ નીચો વળી બધી વસ્તુઓ ફંફોસવા લાગ્યો. એના હાથમાં એક આંખ અને હાથ વગરની ઢીંગલી આવી પણ મન ન માનતા એણે પાછી મૂકી દીધી. પછી એણે એક એક ગાડી ઉપાડી પણ રાજલને ગાડીઓ પસંદ નહોતી એટલે એ પણ પાછી મૂકી દીધી. આમ પાંચ-છ વસ્તુઓ ઉપાડીને પાછી મૂકી. પછી એનું ધ્યાન એક ખૂણામાં પડેલ શાસ્ત્રીય નૃત્ય માટે વપરાતા ઘૂઘરીયાળ ઘૂંઘરૂની જોડ પર પડી. એણે હાથમાં ઉપાડી જોયું તો ઘૂંઘરૂની જોડ નવી જેવી જ હતી ફક્ત બે-ત્રણ ઘૂંઘરુઓ છૂટા પડી ગયા હતા.

"ભાઈ, આ ઘૂંઘરુની જોડ ના કેટલા પૈસા?" જીવણે અંદર ઉભેલા દુકાનમાલિકને પૂછ્યું.

"લઈ જાઓ એમને એમ, કોઈ પૈસાદાર પિતાની પુત્રીએ ડાન્સ શીખ્યા પછી બે-ચાર ઘૂંઘરુ નીકળી જતા મને આપી દીધા.

"મારી દીકરી એ પહેરીને બહુ રાજી થશે ભાઈ, હું આ લઈ જાઉં?"

"હા...હા...લઈ જાઓ," ખુશીથી જીવણે ઘૂંઘરુની જોડ ઉપાડીને ખિસ્સામાં મૂકી અને ઇકબાલભાઈ પાસેથી રીપેર કરાવેલી પોતાની લારી લઈ પૈસા ચૂકવી હરખથી ગીત ગણગણતો ઘર તરફ ચાલવા લાગ્યો.

"રાજલ, જો..તો ખરી, તારા પપ્પા તારી માટે શું લાવ્યા છે?" ઘરે પહોંચીને ઉંબરે બેઠેલી રાજલને તેડીને અંદર લઈ ગયો.

ખિસ્સામાંથી ઘૂંઘરુની જોડ કાઢી જીવણે એ રાજલના નાના નાના પગે બાંધી દીધા. રાજલ ખુશીથી નાચવા લાગી. એની માસૂમ આંખોમાં છલકાતી ખુશી જોઈ એની અને કેસરની આંખો પણ હરખથી છલકાઈ ઉઠી.

નિશાળેથી પાછી આવ્યા પછી રાજલ પગે ઘૂંઘરુ બાંધી ઘરમાં નાચતી-દોડતી રહેતી. રાજલની કિલકારીઓ સાથે ઘૂંઘરુનો અવાજ પણ ઘરમાં ગુંજી ઉઠતો.

ઈશ્વરની અકળ લીલા કહો કે રાજલના સદનસીબ, વસ્તીની સામે આવેલા એક રૉ હાઉસમાં ક્લાસિકલ ડાન્સના કલાસ ચાલતા હતા અને ઘણી બાળકીઓ ત્યાં શીખવા આવતી.

થોડી મોટી થતાં રાજલ પણ ત્યાં જઈને બારીમાંથી છોકરીઓને ડાન્સ શીખતાં જોતી અને ઘરે આવીને એ જ રીતે પ્રેક્ટીસ કરતી. એક દિવસ એ બારીમાંથી અંદર જોઈ રહી હતી ત્યારે ત્યાં શીખવતા ડાન્સ ટીચરે એને જોઈ લીધી અને અંદર બોલાવી. રાજલ ડરતાં ડરતાં અંદર ગઈ પણ શિક્ષિકાના પ્રેમાળ વર્તન અને મમતાળુ હાથથી એણે સાચી હકીકત એમને કહી સંભળાવી. ડાન્સ ટીચરે એને બીજા દિવસે ઘૂંઘરુ પહેરી આવવા કહ્યું.

બીજા દિવસે સાંજે રાજલ ઘૂંઘરુ બાંધી ડાન્સ ક્લાસમાં ગઈ અને અત્યાર સુધી એણે છુપાઈને શીખેલો ડાન્સ ટીચર સમક્ષ કરી બતાવ્યો, ડાન્સ ટીચર તો એની પ્રતિભા અને ચહેરાના હાવભાવ જોઈ આભા જ બની ગયા. જો રાજલને યોગ્ય માર્ગદર્શન મળે તો એ પરિવારની સાથે દેશનું નામ પણ રોશન કરે એમ માની એમણે રાજલ સાથે એના ઘરે જઈ જીવણ અને કેસરને રાજલને ડાન્સ શીખવાડવાની પરવાનગી આપવા કહ્યું. પોતે વિનામૂલ્યે એને ડાન્સ શીખવાડશે એમ કહી જીવણ અને કેસરને મનાવી લીધા. હવે શરૂ થઈ રાજલની નૃત્યને અંગીકાર કરી પોતાની પ્રતિભાને દુનિયા સમક્ષ સાક્ષાત્કાર કરાવવાની અવિરત યાત્રા....

*** *** ***

આજે અઢાર વર્ષ પછી શહેરના હોલમાં યોજાઈ રહેલા ત્રેવીસ વર્ષની મિસ રાજલના પ્રત્યેક ડાન્સ-શો હાઉસફુલ જઈ રહ્યા હતા. અનેક સંસ્થાઓ તરફથી બહુમાન પ્રાપ્ત કરી રાજલ સફળતાના સોપાનો સર કરતી પ્રગતિના પંથે વધી રહી હતી અને એના દરેક ડાન્સ-શો માં હાજરી આપી જીવણ અને કેસરની આંખોમાં આટલા વર્ષોથી છુપાઈને બેઠેલી વસંત મહોરી ઉઠતી.