Shreshthta ane purnatanu Pratik Shardotsav in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | શ્રેષ્ઠતા અને પૂર્ણતા નું પ્રતિક શરદોત્સવ

Featured Books
Categories
Share

શ્રેષ્ઠતા અને પૂર્ણતા નું પ્રતિક શરદોત્સવ

શ્રેષ્ઠતાઅને પૂર્ણતાનું પ્રતિક :શરદોત્સવ
રસો વૈ સઃ ।। ભગવાન શ્રી કૃષ્ણ રસ મય છે. અનંત રસ રૃપ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમાં સ્કંધમાં અધ્યાય ૨૯ થી ૩૩ રાસ પંચાદયાયી ના શ્લોકો છે.જે અનુસાર કહીએ ભગવાન શ્રી કૃષ્ણ શરદ પૂર્ણિમાને દિવસે વૃંદાવનમાં આવ્યા અને વેણુનાદ કર્યો; અને એ વેણુમાં "ક્લીં" નામનું બીજ પ્રગટ કર્યું. આ "ક્લીં" એ કામરાજ બીજ છે. વેણુનાદ રસરૂપા ગોપીઓએ સાંભળ્યો, પણ ગોપીઓની અંદર જે કામના હતી એ ભગવાન શ્રી કૃષ્ણને મેળવવાની કામના હતી. તો એ પૂર્ણિમાને દિવસે ગોપીઓનું શ્રી કૃષ્ણ ભગવાન સાથે મિલન થયું અને દિવ્ય રાસ રચાયો. આધ્યાત્મિક રીતે જો વિચારીએ તો ગોપી એ કોઈ સ્ત્રી કે પુરુષ નથી. પણ ગોપી એ એક ભાવનું નામ છે ! જે નિત્ય ભક્તિરસનું પાન કરે છે એ ગોપી છે. આમ, આધ્યાત્મિક રીતે એમ કહેવાય કે જીવ એ "ગોપી" જ છે; અને જીવ જ્યારે પરમાત્મા સાથે જોડાય, અને એનો પરમાત્મા સાથે સંબંધ થાય તો જ શરદ પૂર્ણિમા સાર્થક બને. ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક, પ્રભુએ રાસ ખેલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે.


બીજી એક માન્યતા મુજબ, શરદ પૂનમના દિવસે મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે ઉજવાય છે.શ્રીમદ્ દેવી ભાગવત અને બ્રહ્મવૈવર્તક પૂરાણ અનુસાર જોઈએ તો શરદ પૂર્ણિમાને દિવસે લક્ષ્મી માતાજીની પુજાનું પણ વિધાન છે. શરદ કાલીન લક્ષ્મી પૂજા કરવાથી લક્ષ્મી માતાજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહે છે. શ્રીમદ્ દેવી ભાગવત નવમસ્કંધ અનુસાર આ શરદ કાલીન લક્ષ્મી માતાજીની ઉપાસના એ કુશધ્વજ અને ધર્મધ્વજ રાજાએ કરી. શરદ પૂર્ણિમાનો જે ચંદ્ર છે એ અમૃત સમાન છે. માટે જ ચંદ્રને "સુધાંશુ" કહેવામાં આવે છે.

વિદ્વાનોના મતે બીજો એક આધ્યાત્મિક ભાવ એવો છે કે, નરસિંહ મહેતાને પણ ભગવાનની રાસ-લીલાના દર્શન શરદ પૂર્ણિમાને દિવસે થયેલાં. તો શરદ પૂર્ણિમા એ જીવનને રસમય બનાવનારી પૂર્ણિમા છે. આપણું જીવન રસમય હોવું જોઈએ. રસ શબ્દથી રાસ શબ્દ બન્યો છે. આમ, ભગવાનનું નામ છે રસ-રાજ. રસરૂપ પરમાત્માને જાણવા અને રસરૂપ પરમાત્માને જાણી અને એ પરમાત્માના સ્વરૂપને આપણા હૃદય મંદિરમાં ઉતારવું એ જ શરદ પૂર્ણિમા. વાસ્તવમાં રસરૂપ પરમાત્માને જાણવા એ જ્ઞાાન છે અને રસરૂપ પરમાત્માને માણવા એનું નામ ભક્તિ છે. જ્ઞાાન ભક્તિનો તાદાત્મ્ય સધાવનારી જો કોઈ પૂર્ણિમા હોય તો એ શરદ પૂર્ણિમા છે.


આયુર્વેદ અને સ્વાસ્થ્યમાં જેનું વિશેષ મહત્વ છે, એવી આ શરદ પૂનમ માટે એક માન્યતા છે કે શરદ પૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક આવી જાય છે જેના કારણે ચંદ્રની સુંદરતા વધી જાય છે. શરદ પૂનમના દિવસે નિકળતા ચાંદના કિરણો ખૂબ જ લાભદારી હોય છે. શરદ પૂર્ણિમાના ચંદ્રની શીતળતા આપણા ત્રણેય તાપો વાત, પિટ, કફને હરવાવાળી છે. જેથી ખીરમાં વિશેષ ઔષધિયગુણ આવી જાય છે. દૂધમાં પલળેલ પૌવા અને દૂધની ખીર આજે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા આકાશમાં રાખ્યા બાદ ખાવાથી ચર્મરોગ, અસ્થમા, હૃદયની બીમારીઓ, ફેફસાંની બીમારીઓ અને આંખોની રોશની સાથે સંકળાયેલ પરેશાનીઓમાં લાભ થાય છે. વરસાદની વિદાય શરદનું આગમન એક અનુસંધાન છે. આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ પૌઆ ખાવાથી નાશ પામે છે. દૂધ પિત્તનું દુશ્મન છે. ચંદ્રના કિરણો દુધ, પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે. અમુક આયુર્વેદની દવાઓ શરદ પૂનમના રાત્રિના શીતળ ચાંદનીમાં મૂકી બનાવવામાં આવે છે,જે લાંબા ગાળે અમુક હઠીલા રોગીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

શરદ્પૂનમને અશ્વિન પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા અને કૌમુદી વ્રત વગેરે જેવા કેટલાય નામથી ઓળખવામાં આવે છે. શરદ પૂનમની રાત દિવ્ય રાત્રિ છે. આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. રાજા રણછોડ રાયને આ દિવસે દિવ્ય મુકુટ ડાકોરમાં ધરાવાય છે. આ મુકુટોત્સવ દિવ્ય છે.

શરદ પૂનમ વિષે વિવિધ વાતો જોઈએ તો,

શરદ પૂનમને લઇને શ્રીમદ્દ ભાગવતગીતામાં લખ્યુ છે કે આ પૂનમની રાત્રે ભગવાન કૃષ્ણે એવી વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇ હતી. શરદ પૂનમની આ રાતને 'મહારાસ' અથવા 'રાસ પૂર્ણિમા' કહેવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન કૃષ્ણે એક-એક કૃષ્ણ બનાવ્યા અને આખી રાત આ જ કૃષ્ણ અને ગોપીઓ નાચતાં રહ્યા, જેને મહારાસ કહેવામાં આવે છે. આ મહારાસને લઇને કહેવાય છે કે કૃષ્ણે પોતાની શક્તિથી શરદ પૂનમની રાતને ભગવાન બ્રહ્માની એક રાત જેટલી લાંબી કરી દીધી હતી. બ્રહ્માજીની એક રાત મનુષ્યોની કરોડો રાત સમાન હોય છે.

શરદ પૂનમને લઇને એક અન્ય માન્યતા અનુસાર આ દિવસે માતા લક્ષ્મીજીનો જન્મ થયો હતો. એટલા માટે શરદ પૂનમના દિવસે ભારતના કેટલાય ભાગમાં માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ રાત ધનના લક્ષ્મીએ આકાશમાં વિચરણ કરતાં કહ્યું હતું કે 'કો જાગ્રતિ'. સંસ્કૃતમાં 'કો જાગ્રતિ' નો અર્થ છે 'કોણ જાગે છે'. માનવામાં આવે છે કે જે પણ શરદ પૂનમના દિવસે અને રાત્રે જાગતા રહે છે માતા લક્ષ્મી તેમના પર પોતાની ખાસ કૃપા વરસાવે છે. આ માન્યતાને કારણે જ શરદ પૂનમને 'કોજાગર પૂર્ણિમા' પણ કહેવામાં આવે છે. આ દિવસની લક્ષ્મી પૂજા તમામ ઋણમાંથી મુક્તિ અપાવે છે. તેથી શરદ પૂનમને ઋણ મુક્તિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

શરદ પૂનમના દિવસે કુવારી છોકરીઓ પણ સારો વર પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે. ખાસકરીને ઓડિશામાં શરદ પૂનમને 'કુમાર પૂનમ' કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે અને સાંજે ચાંદ નિકળ્યા બાદ વ્રત ખોલે છે.

શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે અવિનાશભાઈની પંક્તિ સ્મરણ થાય. "જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ." જે માતાજીના નેત્રની જ્યોતિ છે એ જ શરદ પૂર્ણિમા…. કુદરતની કવિતાનું સૌંદર્ય એટલે શરદ પૂનમ...તો આવો આપણે શરદ પૂર્ણિમાનું આધ્યાત્મિક, ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ જાણીએ અને તે દ્વારા આપણા જીવનને રસમય બનાવી, આપણું જીવન કૃતાર્થ કરીએ.