Badlo - 9 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 9)

The Author
Featured Books
Categories
Share

બદલો - (ભાગ 9)

ગાડી ની ચાવી સાથે ઘરની ચાવી હતી જેથી અભી એ દરવાજો ખોલ્યો અને બંને અંદર આવ્યા...
નીયા એ અભી ને જણાવ્યું હતુ કે એ ઘરે આવી ત્યારે સ્નેહા કે શીલા ,દાદી કોઈ ઘરે નહોતું અને બંને ફોન પણ નથી ઉઠાવતા...
ત્યારે અભી ને યાદ આવ્યું કે એના ફોનમાં શીલા નો ફોન આવતો હતો... અભી ને થોડી ફાળ પડી એણે તરત જ ફોન કાઢીને શીલા ને જોડ્યો અને ફોન સ્પીકર ઉપર કર્યો જેથી નીયા પણ સાંભળી શકે...
" થેંક્યું અભી તે મારી લાગણી ની લાજ રાખી...હું તને ગુડબાય કહ્યા વિનાની ઘરેથી નીકળી ગઈ હતી..." ફોન ઉપાડતા ની સાથે શીલા એક શ્વાસ માં બ્રેક માર્યા વગર બોલવા લાગી હતી ...શીલા ના શબ્દો સાંભળીને નીયા અને અભી ની નજર ઘણી વાર એક થઈ હતી...શીલા જેમ જેમ બોલતી હતી એમ અભી ના ચહેરા ના હાવભાવ બદલાતા હતા જે નીયા નોંધી રહી હતી...
"મને તારી ખૂબ જ યાદ આવે છે...બે દિવસ હું કઈ રીતે ગાળીશ એ હું પણ નથી જાણતી..." શીલા રડી રહી હોય એવો આભાસ આવતો હતો...નીયા ને આગળ સાંભળવાની હિંમત નહોતી જેથી વચ્ચે બોલી ઉઠી...
"શીલા, હું નીયા..."
"તારી પાસે અભી નો ફોન કેમ છે...તું અભી સાથે શું કરે છે..." જાણે કોઈ ફાળ પડી હોય એ રીતે શીલા એ દહાડ્યું...
અભી ને વધારે ગુસ્સો આવતા ફોન હાથમાં લઈને શીલા ને પૂછી લીધું અને ફોન કટ કરી નાખ્યો...
ત્યારબાદ અભી એ નીયા ને મંદિર ની વાત જણાવી અને ફાઈલ શોધવા માટે ઉપર ની રૂમ તરફ ચાલવા લાગ્યો...
અભી અને શીલા વચ્ચે નો સબંધ જાણવાની ઉત્કંઠા વધતી જતી હતી જેથી નીયા અભી ની પાછળ પાછળ આવી...
પરંતુ ચક્કર ના કારણે નીયા થોડા સમય દાદર ઉપર જ બેસી ગઈ હતી...

"ગીતા?...." સ્નેહા એ કહ્યું...
"હા, ગીતા...તમારા માટે એ સંગીતા હતી પરંતુ મારા માટે ગીતા છે ..." દાદી ની આંખો માં આગ નું ઝરણું દેખાતું હતું જે સ્નેહા ને સહન ન થયું એણે નજર ફેરવી લીધી...
"બધાના જીવન માં ઉથલ પાથલ મચાવી છે ગીતા એ..."દાદી આગળ બોલે એ પહેલા સ્નેહા એ વાત કાપીને વચ્ચે કૂદી પડી...
"પરંતુ મારા મમ્મી એ શું કર્યું છે...તમે કેમ એના નામ થી ક્રોધિત થઈ રહ્યા છો ..."
"ગીતા અભી અને નિખિલ ની મમ્મી છે...." દાદી ના શબ્દો સાંભળીને જાણે સ્નેહા ના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી....

અભી ફાઈલ ચેક કરી રહ્યો હતો એવામાં નીયા એની પાછળ આવી પરંતુ નીયા ને હજુ પણ ચકકર આવતા હતા જેથી બારણાં પાસેના ટેબલ ઉપર પડેલો ફ્લાવરપોટ ઉપર હાથ આવતા એ પડીને તૂટી ગયો ...તૂટવાનો અવાજ આવતા અભી એ પાછળ નજર કરી અને નીયા ને પકડી લીધી ...નીયા ને ઉપાડીને અભી એ બેડ ઉપર આડી કરી...
"તમે ઉપર કેમ આવ્યા ...હું ફાઈલ લઈને નીચે આવતો જ હતો..." અભી એ કહ્યું.
"હું તમારા થી નાની છે તમે મને તું કહો ને ...." નીયા એ હલ્કી સ્માઇલ કરીને કહ્યું.
"તો તું મને તું કહીશ ત્યારે જ હું તને તું કહીશ..." અભી અને નીયા બંને હસી પડ્યા.
અભી નીયા કરતા બે વર્ષ મોટો હતો...
થોડી દલીલ બાદ બંનેએ એકબીજાને તુ કહેવાનું વિચાર્યું...
અભી નીયા માટે લીંબુપાણી બનાવા માટે જઈ રહ્યો હતો...
પરંતુ નીયા એ અભી નો હાથ પકડ્યો અને ડોકું ધુણાવી ને ના પાડી...
નીયા ના હાથ ના સ્પર્શ થી અભી જાણે મંત્રમુગ્ધ બની ગયો હોય એ રીતે નીયા ની વાત માનીને નીયા નો હાથ પકડીને એની બાજુમાં બેસી ગયો ...
નીયા અને અભી એકબીજાને જોઈ રહ્યા હતા ...બંનેની નજર એકવાર પણ મટકું મારતી ન હતી...
સફેદ શર્ટ માં અભી ખૂબ સારો દેખાઈ રહ્યો હતો ,એના મોટા હાથ માં નીયા નો નાનો હાથ પકડેલો હતો ,સ્લીવ કોણી થી નીચે સુધી થોડી ફોલ્ડ કરેલી હતી ,અભી નો ચહેરો ખૂબ ચમકીલો અને જાણે કોઈ હોલિવૂડ નો હીરો હોય એવો હતો ,એની આંખો માં નીયા ને કંઇક અલગ જ દેખાઈ રહ્યું હતું, નમણા નાક ની નીચે આવતા એના હોઠ તરફ નીયા વારંવાર નજર કરતી હતી એના ગાલ ના ખાડામાં જાણે એ પણ કોઈ મંત્રમુગ્ધ બની ગઈ હોય એ રીતે અભી ને જોઈ રહી હતી...

પોતાના મમ્મી અભી અને નિખિલ ના મમ્મી છે એ વાત સ્નેહા ને ગળે ઉતરતી ન હતી...
સ્નેહા ની આંખો આછી ભીની થઇ ગઈ હતી...
દાદી એટલું બોલીને સ્નેહા ને એકલી મૂકીને ક્યારના આગળ નીકળી ચૂક્યા હતા...
સ્નેહા એના ભૂતકાળ માં સરી પડી હતી...

*
કાલથી દિવાળી વેકેશન ચાલુ થવાનું હતું સ્કુલનો છેલ્લો દિવસ પણ બધાને ભારે પડતો હતો...બાર વર્ષ ની સ્નેહા સ્કૂલે થી ઘરે જવા માટે ખૂબ બેબાકળી થઈને બેઠી હતી...
સ્કૂલના છેલ્લા દિવસ ની ખુશી છોડીને થોડાક દિવસો થી બનતા ઝઘડા ના કારણે સ્નેહા ખૂબ વિચારો માં રહેતી હતી....
અગિયાર વાગ્યે બધા છૂટી ગયા હતા...સ્નેહા કોઈ મિત્રો ને મળ્યા વગર જ ઘર તરફ નીકળી પડી...
ઘરે પહોંચતા જ રોજ ની જેમ ઝઘડો ચાલી રહ્યો હતો....
પરંતુ આજે એના મમ્મી બે મોટી કપડાંની બેગ લઈને ઊભા હતા અને એના પપ્પા એના પગે પડીને કગળી રહ્યા હતા...
નાનકડી સ્નેહાને સમજાતું ન હતું કે કંઈ વાત ઉપર ઝઘડો થાય છે પરંતુ એ એટલું સમજી રહી હતી કે એના પપ્પા ની મરજી વિરૂધ્ધ એના મમ્મી ઘર મૂકીને એનો બધો સામાન લઈને જઈ રહ્યા છે... બંને વચ્ચે નો સબંધ પૂરો થઈ રહ્યો છે....
સ્નેહા ને જોઇને એના પપ્પા બોલી ઉઠ્યા...
"સ્નેહા બેટા જો તારા મમ્મી જાય છે હવે એ ક્યારેય નહી આવે ...તું સમજાય એને...મારી વાત તો સાંભળતી જ નથી સાલી..." એના પપ્પા ની બોલી જોઇને સ્નેહા ને સમજાય ગયુ હતું કે રોજ ની જેમ આજે પણ એના પપ્પા દારૂના નશામાં ધૂત થઈને બેઠા છે....
સ્નેહા ને શું કરવું કંઈ સમજાતું ન હતુ...એ દોડીને એના મમ્મી ને વળગી પડી...અને રડવા લાગી...
એની મમ્મી ની આંખો માં આંસુ વહી રહ્યા હતા...બે હાથે સ્નેહા ને ભીંસી ને એ રડવા લાગ્યા...
ગોઠણભેર બેસીને એના મમ્મી એ સ્નેહા ને અળગી કરી અને કહ્યું...
"તું અત્યારે મારી વાત નહિ સમજે પરંતુ તું એટલું યાદ રાખજે તારી મમ્મી ક્યારેય ખોટી નહોતી...જે પણ કર્યું છે એના પરિવાર માટે તારી માટે કર્યું છે જેનો હિસાબ પૂરો કરવાનો સમય આવી ગયો છે....હું તને મળવા જરૂર આવીશ પરંતુ સાથે નહિ લઈ જઈ શકું ...." નાનકડી સ્નેહા કંઈ સમજી રહી ન હતી પરંતુ એના મમ્મી એને મૂકીને જાય છે એ એને સમજાતું હતું ...એ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી...
ઊભા થઈને સ્નેહા ના મમ્મી બેગ લઈને સડસડાટ નીકળી ગયા...સ્નેહા એની પાછળ દોડી પરંતુ એના મમ્મીએ બહાર થી દરવાજો બંધ કરી દીધો ....
એના પપ્પા એ બાજુમાં ટેબલ ઉપર પડેલો લાકડાથી બનેલ શોપીસ ને સ્નેહા ના મમ્મી તરફ ફંગોળ્યું પરંતુ દરવાજો બંધ થઈ ગયો અને એની સામે સ્નેહા આવી ગઈ જેથી શોપીસ સ્નેહા ના માથા સાથે અથડાયું અને સ્નેહા ત્યાં ઢળી પડી ...
*
યાદ આવતા જાણે અત્યારે એના માથા સાથે અથડાયું હોય એવું સ્નેહા ને લાગ્યું એણે એનો હાથ એના માથા ઉપર ફેરવી લીધો...એની આંખોમાં આંસુ તોળાઈ રહ્યા હતા...

(ક્રમશઃ)