soldier veersing in Gujarati Short Stories by Om Guru books and stories PDF | સૈનિક વીરસિંગ

The Author
Featured Books
  • इश्क दा मारा - 46

    यूवी गीतिका का हाथ छोड़ देता है और गीतिका वहां से चली जाती ह...

  • इंटरनेट वाला लव - 97

    भूमि की मुंह दिखाई. . .अरे भूमि जी आप चुप क्यों बैठे है. जरा...

  • चुप्पी - भाग - 3

    क्रांति अपने पिता का आखिरी फ़ैसला सुनकर निराश अवश्य हुई लेकि...

  • Dangerous Ishq - 1

    मुंबई सपनो का शहर, एक मायानगरी।रोज़ देख अगर मां बाबा को मालु...

  • प्यार का एहसास

    अभिमन्यु, गौरव, अतुल,और मुस्कान कॉलेज की कैंटीन में बैठे हुए...

Categories
Share

સૈનિક વીરસિંગ

સૈનિક વીરસીંગ


આ વાત 1971ના ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ સમયની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા આ યુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું હતું. યુદ્ધ પતી ગયા બાદ યુદ્ધ માટે ગયેલા સૈનિક વીરસીંગના કોઇ સમાચાર મળ્યા ન હતાં. ફોજ તરફથી એના પરિવારજનોને એવું કહેવામાં આવ્યું હતું કે "સૈનિક વીરસીંગ યુદ્ધ લડતા લડતા પાકિસ્તાનની સરહદમાં દાખલ થઇ ગયો હતો અને વીરગતિને પ્રાપ્ત થયો હતો એવું અમારું માનવું છે." માત્ર આટલો જ સંદેશો ફોજ તરફથી સૈનિક વીરસીંગના પિતા મહાવીરસીંગને મળ્યો હતો.

આ સંદેશો મળ્યાને પણ એક વરસ વીતી ગયું હતું.

પિતા મહાવીરસીંગ અને એમના પત્ની દિવ્યબાળાબહેન એવું સ્વીકારી શક્યા ન હતાં કે એમનો પુત્ર વીરગતિને પ્રાપ્ત થયો છે. એમનું માનવું હતું કે દીકરો હજી જીવિત છે અને એની ખોજખબર એક દિવસ ચોક્કસ લાગશે અને એટલે જ તો પિતા મહાવીરસીંગ રોજ સવારે દસ વાગે પોતાના ઘરેથી નીકળે અને ચાલતા ચાલતા પીસ્તાલીસ મિનીટના અંતરે આવેલ પોસ્ટ ઓફિસ પર પહોંચી જાય અને પોતાના દીકરાના કોઇ સમાચાર આવ્યા છે કે નહિ એની પૂછપરછ કરે.

પોસ્ટ ઓફિસમાં બેઠેલા પોસ્ટમાસ્ટર હુકમસિંહ એમને જોઇ ખૂબ દુઃખી થઇ જાય. એમનાથી મહાવીરસીંગનું દુઃખ જોવાતું ન હતું.

"મહાવીરજી, આપના દીકરાનો પત્ર કે તાર આવશે તો હું જાતે જ આપના ઘરે પહોંચાડીશ. આપ રોજ ખોટો ધક્કો ખાઓ છો. છેલ્લા એક વરસથી તમને આ રીતે રોજ આવતા જોઇ મન દુઃખથી ભરાઇ જાય છે. તમે રોજ ખોટો ધક્કો ના ખાઓ." પોસ્ટમાસ્ટર હુકમસિંહે દુઃખભર્યા અવાજમાં મહાવીરસીંગને કહ્યું હતું.

"જુઓને હુકમસિંહ, ફોજવાળા મારા દીકરાની શોધખોળ કરતા નથી. જો શોધખોળ કરે તો મારા દીકરાનો પત્તો તરત મળી જાય. એ જન્મ્યો ત્યારે એની પત્રિકા આપણા ગામના પંડિત શિવશંકર શર્માએ જ બનાવી હતી અને પત્રિકા જોઇ એમણે સ્પષ્ટ કહ્યું હતું કે તમારો આ દીકરો 80 વરસ સુધી જીવશે. હજી તો એને ત્રીસમુ વરસ જ ચાલે છે અને ફોજવાળા કહે છે કે એ શહીદ થઇ ગયો હશે અને એને શહીદ સમજી એ લોકો મને દસ વીઘા જમીન આપવાની વાત કરે છે. હવે તમે જ કહો કે હું એની જન્મપત્રિકામાં લખેલી વાત સાચી માનું કે ફોજવાળા કહે છે એ વાત સાચી માનું?" મહાવીરસીંગે હુકમસિંહને ખૂબ આત્મવિશ્વાસથી પૂછ્યું હતું.

"ફોજવાળા ખોટું તો ના જ બોલેને? એ કંઇ પોલીસ ખાતું થોડું છે. ફોજ અને પોલીસ ખાતામાં આ જ તો મોટો ફરક છે. ફોજવાળા ખોટું ક્યારેય ના બોલે અને પોલીસવાળા સાચું ક્યારેય ના બોલે." હુકમસિંહ બોલ્યા હતાં.

હુકમસિંહની વાત સાંભળી મહાવીરસીંગે ઊંડો નિસાસો નાંખ્યો હતો. હુકમસિંહને પણ આ વાત બોલ્યા બાદ મનમાં પસ્તાવો થઇ રહ્યો હતો. એમના મનમાં એમ થતું હતું કે મહાવીરજીના આત્મવિશ્વાસને મેં ઠેસ પહોંચાડી એમને દુઃખી કરી નાંખ્યા.

"ચલો થોડીવાર માટે હું માની પણ લઉં કે મારો દીકરો દેશ માટે શહીદ થયો છે અને જો દેશ માટે શહીદ થયો હોય તો હું મારી જાતને દુનિયાનો સૌથી સુખી પિતા માનું પરંતુ ફોજને એનો મૃતદેહ પણ મળ્યો નથી, તો હું કઇ રીતે માની લઉં કે મારો દીકરો આ દુનિયામાં હયાત નથી? મારું અને વીરસીંગની માનું દિલ કહે છે કે વીરસીંગ હજી આ દુનિયામાં જીવે છે અને એક દિવસ પાછો આવશે." આટલું બોલી મહાવીરસીંગ ઊભા થઇ પોતાના ઘર તરફ જવા લાગ્યા હતાં.

60 વરસના મહાવીરસીંગના આત્મવિશ્વાસ સામે પોસ્ટમાસ્ટર હુકમસિંહ ચૂપ રહ્યા હતાં. એ વધારે તર્ક અને દલીલ કરી એમને દુઃખી કરવા માંગતા ન હતાં પરંતુ દીકરા પાછળ વલોપાત કરતા અને રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાતા પિતાને એ નરમ દિલ પોસ્ટ માસ્ટર જોઇ શકતો પણ ન હતો.

મહાવીરસીંગ ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા ત્યારે ખૂબ જ થાકી ગયા હતાં. ઘરમાં પ્રવેશ કરતા જ ખાટલા પર બેસી ગયા હતાં. પત્નીએ હાથમાં પાણીનો ગ્લાસ આપતા એમની આંખોમાં જોયું હતું. મહાવીરસીંગની આંખોમાં રહેલો જવાબ એમણે વાંચી લીધો અને એ પણ ખાટલામાં ફસડાઇ પડ્યા હતાં.

"આજે બરાબર એક વરસ અને એક મહિનો પસાર થયો પણ દીકરાનો કોઇ સંદેશો આવ્યો નથી. તમે પોસ્ટ ઓફિસે જવા નીકળ્યા પછી રેશમાના પિતા રામસીંગ આવ્યા હતાં અને સગપણ તોડી નાંખવાની વાત કરતા હતાં. મેં એમને માંડ માંડ સમજાવી છ મહિનાની રાહ જોવાનું કહી પાછા મોકલ્યા હતાં. રેશમા પણ વીરસીંગ પાછળ રડી રડીને અડધી થઇ ગઇ છે. ખબર નહિ ઉપરવાળો ક્યારે આપણા વીરસીંગને પાછો મોકલશે?" દિવ્યબાળાબહેને નિરાશ થઇને મહાવીરસીંગને કહ્યું હતું.

"અરે વીરસીંગની મા, આમ નિરાશ ના થવાય અને ઈશ્વર પરનો વિશ્વાસ ના તોડાય. આપણા દીકરા ઉપર ઈશ્વરના હજાર હાથ છે. એ પાછો આવશે અને જરૂર પાછો આવશે. રેશમા સાથે આપણે ધામધૂમથી એના લગ્ન પણ કરીશું. ઘરમાં વહુ આવશે એટલે તારા જીવને પણ નિરાંત થશે. બસ, વીરસીંગ જલ્દી પાછો આવી જાય." મહાવીરસીંગે હુક્કો હાથમાં લેતા કહ્યું હતું.

મહાવીરસીંગના જીવનમાં તકલીફો રોજ નવી નવી આવતી ગઇ હતી. દીકરા વીરસીંગની રાહ જોતા જોતા બીજું એક વરસ પણ પસાર થઇ ગયું હતું. પત્ની દિવ્યબાળાબહેને તો દીકરો હવે પાછો નહિ આવે એ સત્યને પણ સ્વીકારી લીધું હતું. વેવાઇ રામસીંગ રેશમા અને વીરસીંગની સગાઇ ઘરે આવીને તોડી ગયા હતાં પરંતુ રેશમા બીજે ક્યાંય લગ્ન કરવા તૈયાર થતી ન હતી.

મહાવીરસીંગ સિવાય હવે કોઇને એવી આશા રહી ન હતી કે દીકરો વીરસીંગ પાછો આવશે. મહાવીરસીંગે પોતાના જીવનનો નિત્યક્રમ ઘરેથી પોસ્ટ ઓફિસ સુધી જવાનો અને દીકરાના કોઇ સમાચાર આવ્યા છે કે નહિ એ જાણવાનો જ બની ગયો હતો. (એ સમયે ભારતના ગામોમાં ટેલિફોનની પણ સુવિધા ન હતી એટલે સમાચાર માટે પત્રવ્યવહાર અને તારના માધ્યમ ઉપર આધારિત રહેવું પડતું હતું.)

મહાવીરસીંગ દીકરાની પાછળ અડધા ગાંડા જેવા થઇ ગયા હતાં. ઘણીવાર તો સમય અને સંજોગનું ભાન ન રહેતા રાત્રિના બે-ત્રણ વાગે પણ પોસ્ટ ઓફિસ જવા માટે નીકળી પડતા હતાં. પોસ્ટ ઓફિસ પહોંચ્યા પછી ખબર પડતી કે હજી તો અંધકારમય રાત્રિએ સૂરજને પોતાની ગોદમાં છુપાડીને રાખ્યો છે, જેમ કુદરતે મારા દીકરાને સંતાડીને રાખ્યો છે તેમ. પછી એ પોસ્ટ ઓફિસના ઓટલા પર જ સુઇ જતા હતાં.

હુકમસિંહ સવારે આવીને મહાવીરસીંગને ઓટલા પર બેઠેલા જોઇ સમજી જતાં કે મહાવીરસીંગ રાત્રિના સમયે જ પોસ્ટઓફિસ પર આવી પહોંચ્યા હશે. એમના મનને શાંતિ મળે એ માટે અંદર જઇ કાગળોની થપ્પીમાંથી વીરસીંગનો કોઇ પત્ર આવ્યો છે કે નહિ એ શોધવાનો ઢોંગ કરતા હતાં અને થોડીવાર ખોટી રીતે શોધખોળ કર્યા પછી પત્ર નથી આવ્યો એવું કહી દેતા હતાં.

મહાવીરસીંગ હુકમસિંહની ના સાંભળીને પાછા પોતાના ઘર તરફ પગ ઉપાડતા હતાં.

"હજી ક્યાં સુધી દીકરો પાછો આવશે એની રાહ જોશો? મેં તો મારું મન મનાવી લીધું છે. તમે પણ તમારા મનને મનાવી લો. તમારી પરિસ્થિતિ જોઇ મને લાગે છે કે એક દિવસ તમે ગાંડા થઇ જશો. દીકરા માટે આટલો બધો મોહ સારો નહિ. ફોજમાં તમે એને મોકલ્યો ત્યારે જ હું તમને ના પાડતી હતી પણ તમે મારી વાત ના માન્યા." દિવ્યબાળાબહેને પોતાના પતિને સમજાવતા કહ્યું હતું.

"હું રાજા ધૃતરાષ્ટ્ર નથી કે પુત્ર મોહમાં પડું અને નથી મારો દીકરો દુર્યોધન. મારો દીકરો યુધિષ્ઠિર જેવો નિષ્ઠાવાન છે. અર્જુન અને ભીમ જેવો શક્તિશાળી છે. નકુલ અને સહદેવ જેવો બુદ્ધિશાળી છે. ભગવાને એને જીવતો પાછો મોકલવો જ પડશે નહિતર આ ધરા અને આકાશ બંન્ને ફાટી જશે. હું મરીને ઉપર જઇશ તો ઈશ્વર પણ મને જવાબ નહીં આપી શકે અને મારી પાસે મોઢું સંતાડવું પડશે. માટે મારી સામે મોઢું સંતાડવું પડે એવું કૃત્ય ઈશ્વર ક્યારેય નહિ કરે." મહાવીરસીંગે પૂરા આત્મવિશ્વાસ સાથે પત્નીને કહ્યું હતું.

પોસ્ટ માસ્ટર હુકમસિંહ નાસ્તિક હતો. એને ઈશ્વરમાં આસ્થા અને શ્રદ્ધા જરાય ન હતી. પચાસ વરસનો થવા આવ્યો હતો પણ મંદિરના પગથિયાં એ ક્યારેય ચડ્યો ન હતો. પરંતુ આજે પહેલીવાર એ મહાદેવના મંદિરમાં પ્રવેશ્યો હતો. બપોરનો સમય હતો. મંદિર સાવ ખાલી હતું. શિવલીંગની બરાબર સામે ઊભા રહી હુકમસિંહે બે હાથ જોડ્યા હતાં અને કહ્યું હતું.

"હે ઈશ્વર! મને પ્રાર્થના કરતા આવડતી નથી. સાચું કહું તો મને તારામાં વિશ્વાસ પણ નથી. પણ લોકો કહે છે કે તે આ દુનિયા બનાવી છે. દુનિયા તને જગતપિતા કહે છે. લોકો કહે છે કે તું ધારે એ કરી શકે છે. મેં આજ દિન સુધી ક્યારેય તારી પ્રાર્થના માટે કે મારા કોઇ સ્વાર્થ માટે તારા મંદિરનું પગથિયું ચડ્યો નથી અને આજ પછી ક્યારેય ચડીશ પણ નહિ. પણ જો મેં મારા જીવનમાં આજ દિન સુધી તારા અસ્તિત્ત્વનો મેં જે અસ્વીકાર કર્યો છે એના બદલે હું તારા અસ્તિત્ત્વનો સ્વીકાર કરી શકું, તું ખરેખર છે એનું પ્રમાણ તું મને આપવા માંગતો હોય તો મહાવીરસીંગના દીકરા વીરસીંગને જીવતો પાછો મોકલી આપ અથવા એ આ દુનિયામાં હયાત નથી એનું પ્રમાણ મોકલી આપ, તો હું માની જઇશ કે તું આ દુનિયાનો રચયિતા છે અને અમારો પરમપિતા છે અને જો તું આ ના કરી શકે તો હું સમજી લઇશ કે તારું અસ્તિત્વ છે જ નહિ અને તું માત્ર મનુષ્યના મનની ભ્રમણા જ છે." આટલું બોલી હુકમસિંહ મંદિરના પગથિયાં ઉતરી ગયો હતો.

હુકમસિંહને મંદિરમાં ગયે મહિનો થયો હશે અને એક દિવસ પોસ્ટ ઓફિસમાં તાર આવ્યો. સૈનિક વીરસીંગ જીવિત છે અને ફોજની હોસ્પિટલમાં ભરતી છે. હુકમસિંહ તાર વાંચી ખુશ થઇ ગયો. મનોમન એણે ભગવાન શિવને વંદન કર્યા અને તાર લઇને દોડતો દોડતો મહાવીરસીંગના ઘરે પહોંચ્યો.

મહાવીરસીંગ પોસ્ટ ઓફિસ આવવા માટે જ નીકળતા હતાં.

"તમારો દીકરો વીરસીંગ જીવતો છે અને ફોજની હોસ્પિટલમાં છે." હુકમસિંહે આંખમાં આંસુ અને મોઢા પર હાસ્ય સાથે ખબર આપ્યા હતાં.

દીકરાના જીવિત હોવાના સમાચાર સાંભળી મહાવીરસીંગજી બારણાંમાં જ ફસડાઇ પડ્યા હતાં. એમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતાં. હુકમસિંહ અને દિવ્યબાળાબહેન બંન્ને એમના પગ પાસે બેસી ગયા હતાં.

"હું કહેતો હતોને કે મારો દીકરો જીવતો હશે. તમે બધાં મારી વાત માનતા ન હતાં. પણ ઈશ્વરે સાબિત કરી બતાવ્યું છે કે એની લીલા અપરંપાર છે." મહાવીરસીંગ આંખમાં આંસુ સાથે બોલ્યા હતાં.

મહાવીરસીંગ અને તેમના પત્ની ફોજની હોસ્પિટલ પહોંચ્યા હતાં. દીકરા વીરસીંગને જોઇ એને ભેટી મા-બાપ બંન્ને ખૂબ રડ્યા હતાં. વીરસીંગ પણ ધ્રુસકે ને ધ્રુસકે મા-બાપને ભેટીને રડી રહ્યો હતો.

વીરસીંગ લડતા લડતા પાકિસ્તાનના એક ગામમાં દાખલ થઇ ગયો હતો. ગોળી વાગવાથી એ બેભાન થઇ ગયો હતો. પાકિસ્તાનમાં જ રહેતા રહીમઅલી નામના કોઇ પાકિસ્તાની નાગરિકે એની સારસંભાળ અને દેખભાળ કરી હતી. વીરસીંગની હાલત ખૂબ જ નાજુક હતી. ધીરેધીરે રહીમઅલીની સેવાથી વીરસીંગ સાજો થવા લાગ્યો હતો અને છ મહિનામાં તો એકદમ સાજો થઇ ગયો હતો. પરંતુ પાકિસ્તાનથી ભારત આવવાનો કોઇ રસ્તો મળતો ન હતો. દોઢ વરસની મહેનત બાદ રહીમઅલી વીરસીંગને પાકિસ્તાની સૈનિકોની નજરમાંથી બચાવીને સરહદ પાર કરાવવામાં સફળ થયો હતો. રહીમઅલીના કારણે વીરસીંગ જીવતો ભારત આવી શક્યો હતો.

વીરસીંગના મોઢેથી આ વાત સાંભળી વીરસીંગના માતા-પિતાએ રહીમઅલીનો મનોમન આભાર માન્યો હતો.

વીરસીંગ અને રેશમાની સગાઈ ફરીવાર થઇ ગઇ હતી અને લગ્ન પણ લેવાઇ ગયા હતાં. લગ્નની કંકોત્રી હુકમસિંહને આપવા માટે મહાવીરસીંગ પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતાં અને હુકમસિંહને કંકોત્રી આપી હતી.

"મહાવીરસીંગજી, દીકરાને મારા વતી તમે આશીર્વાદ આપજો. હું તો ચાર દિવસ પછી દીક્ષા લઇ હિમાલય તરફ જવાનો છું. ઈશ્વર છે એની પ્રતીતિ મને થઇ ગઇ છે અને નિમિત્ત તમે બન્યા છો માટે એક રીતે જોવા જઇએ તો તમે મારા ગુરૂ કહેવાઓ." આટલું બોલી હુકમસિંહ મહાવીરસીંગના પગે લાગ્યો હતો.

- ૐ ગુરુ