Storyline Panel - Issue 6 - Editing - Darshana Vyas in Gujarati Magazine by વાર્તાવિશ્વ કલમનું ફલક books and stories PDF | વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 6 - સંપાદન - દર્શના વ્યાસ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 6 - સંપાદન - દર્શના વ્યાસ


પ્રકાશક પેજ -ઇ મેગેઝીન

આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.

રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.

સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના

'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ - સામાયિક અંક - ૬
સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@ gmail.com

એડિટર ટીમ:
નિષ્ઠા વછરાજાની
સેજલ શાહ 'સાંજ'
ઝરણા રાજા 'ઝારા'

ગ્રાફિક્સ : ઝરણા રાજા 'ઝારા'

ચેતવણી:
આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર, મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.
સંપાદકની કલમે✍️

નમસ્કાર મિત્રો,

*વાર્તાવિશ્વ- કલમનું ફલક* ઇ -સમાયયિકનો છઠ્ઠા અંક સાથે સૌ વાચકોનું સ્વાગત છે. ઉર્મિઓથી છલકતી વાર્તાઓ, કલ્પનાની ઉડાન સાથે વાચકોને તરબોળ કરવા આવી રહી છે. અનેક વાચકોના ફોન, મેસેજ, ઈમેઈલ વાર્તાવિશ્વ પરિવારના સર્જકોની કલમને પ્રેરણા આપે છે અને આગળ પણ કલમને વધુ સજ્જ કરવા ઉપયોગી બની રહેશે. આ અંકના વિષયો ખૂબ અનોખા હતાં પણ સર્જકોએ સરસ નિભાવ્યાં તેનો મને રાજીપો.


સૌ સર્જકોને અભિનંદન.

અસ્તુ...
દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
📲 7984738035
Email: darshanavyas04@ gmail.com










પ્રસ્તાવના
સાહિત્યની ઓટલી પર ડગલીઓ ભરતું બાળક એટલે 'વાર્તાવિશ્વ' હવે પાંચ અંક પાર કરી ચૂક્યું છે. આ ઈ-મેગેઝિન માટે સંપાદક તથા એડમિનટીમ કલમકારો પાસે ઉત્તમ કૃતિનું અવતરણ થાય એવા પ્રયાસો કરતાં રહ્યા છે, ત્યારે સાહિત્યસ્વરૂપે મા સરસ્વતીની નજીક રહેવા મળે એ અમારા જેવા બધાં માટે એક ધન્ય અનુભવ છે. વિષય, શબ્દો કે વ્યાકરણથી વાર્તા નથી બનતી, પણ અહીં સંવેદન પકડીને એની આસપાસ કથા ગૂંથવાનો મહાવરો થાય છે અને સુંદર વાર્તાઓ પ્રગટ થઈ જાય છે. દરવખતે ઈન્તેજારી, પ્રવૃત્તિ અને પરિણામ એટલાં જ આનંદ આપનારાં હોય છે. આ સાધના સહુ કલમકારો વર્ષોવર્ષ કરી શકે એ રીતે વાર્તાવિશ્વ એક નવા રૂપરંગ સાથે પ્રસ્તુત થતું રહે એવી ભાવના.

અર્ચિતા દીપક પંડ્યા



















અનુક્રમણિકા

1 રણનું નામ નદી આપુ? - દર્શના વ્યાસ ' દર્શ '
2 સૂરીલી તર્જ - અંજલિ દેસાઈ વોરા
3 આવરણ - અર્ચિતા દીપક પંડ્યા
4 રણનું નામ નદી - ચિરાગ કે બક્ષી
5 મા - રસિક દવે
6 કેટલા વાગ્યા? - સેજલ શાહ 'સાંજ'
7 જુગલબંધી - નિષ્ઠા વછરાજાની
8 તરૂણા - વૃંદા પંડ્યા
9 શ્રેય - કૌશિકા દેસાઈ
10 છેલ્લી પાટલી - નંદિની શાહ મહેતા
11 વેઇટિંગ રૂમ - સ્વાતિ મુકેશ શાહ
12 ઓગળતું ધુમ્મસ - ઋતુંભરા છાયા
13 હા...હું...જીવીશ - રીટા મેકવાન 'પલ'
14 આભાર - ડૉ વિનોદ ગૌડ
15 ગુંજા - હિમાંશુ ભારતીય
16 રણનું નામ નદી - ભૂમિ પંડ્યા
17 ઉકળતી જિંદગીની વરાળ - વિધિ વણજારા 'રાધિ'
18 ઉદીયમાન - ભાવિકા પટેલ





1
શીર્ષક : રણનું નામ નદી આપુ?
લેખન: દર્શના વ્યાસ'દર્શ'
ઇમેઇલ: darshanavyas04@gmail.com


આજે કલા ક્ષેત્રનાં સર્વોચ્ચ સન્નમાન પછી ચિત્રકાર આકાશ પાંડેનું ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું હતું. કચ્છનાં છેવાડાનાં પ્રાંતનાં ગામના વિકાસમાં તેમનો ફાળો નાનોસૂનો ન હતો. બહુમુખી પ્રતિભાના ધની આકાશ પાંડેની સિદ્ધિ અવારનવાર સોશિયલ મીડિયામાં વાંચતી મૈત્રયીને મનમાં આ વિરાટ વ્યક્તિત્વને જાણવાનો એક ભાવ મનમાં ક્યારે આકાર રહી લઈ રહ્યો તેનાથી તે પણ અજાણ હતી.

આજે જ્યારે ન્યૂઝપેપરમાં આકાશ પાંડેના ચિત્રનું પ્રદર્શન વિશે વાંચ્યું તો મૈત્રયી ખુદને રોકી ન શકી અને પ્રદર્શન શરૂ થવા પહેલાં જ આર્ટ ગેલેરી પહોંચી ગઈ.

જાજરમાન વ્યક્તિત્વ સાથે આછાં ગુલાબી કુર્તા અને ચમકીલું સ્મિત અને અદ્ભૂત વ્યક્તિત્વના સ્વામી આકાશ પાંડે કારમાંથી બહાર આવ્યા ત્યારે મૈત્રયી તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વને તાકી રહી.
લોકોની ભીડને ચીરતાં આકાશ પાંડે આર્ટ ગેલરીની પરસાળમાં દાખલ થયા ત્યારે તેમની નજર મૈત્રયી ઉપર પડી આંખમાં એક ચમકાર થયો જે મૈત્રયીથી અછતો ન રહ્યો.
ગેલેરીનાં ઉદ્દઘાટન પછી બધાં સાથે મૈત્રયી પણ પ્રવેશી. રણ વિષયક જ દરેક ચિત્રો હતાં. મૈત્રયી એક પછી એક ચિત્રો જોઈ રહી.
'અદ્ભૂત!!! એક જ સરખી દેખાતી એક જ કલરની રેતીને આટલી બધી રીતે એ પણ આટલું ઉમદા કોઈ કેવી રીતે ચિત્રી શકે!!' હજુ મૈત્રયીના મનનો વિચાર પૂરો થાય પહેલાં જ કોઈ અચાનક કાન પાસે આવીને કહે,"જેમ આપ એક સરખું પાણી, એક જ કલરનું પાણીથી સભર નદીને ચિત્રો છો."

"અરે! આપ? અને કઈ રીતે મારા મનોભાવ જાણી ગયા? હું નદીના ચિત્રો ફક્ત મારા પુરતાં જ દોરું છું. આમ પ્રદર્શનમાં નથી હોતા તો કઈ રીતે જાણ્યું?"

"હું એ જ આકાશ છું જેમને મળવા તમે ઉત્સુક હતા તો તમારા વિશે થોડી જાણકારી હું પણ મેળવી જ શકું, ખરું ને!! પરસાળમાં તમને જોતાં જ મેં એ કર્યું."

"આપ જાસૂસ પણ છો એ ક્યાંય તમારા વિશે વાંચતાં વાંચવામાં આવ્યું નથી" કહેતાં મૈત્રયી મોગરાનાં ફૂલ જેવું હસી ઉઠી.

"મિસ, બધું લખાયેલું જીવાતું નથી અને જે જીવાય છે એ ક્યાં કોઈને જણાય છે."

"સર, મને જણાય છે. આ રણનાં ચિત્રો વિશિષ્ટ એમ ક્યાં બન્યાં? શુષ્ક રણમાં રંગો ભરતાં ભીતર આખું નિચોવાયું દેખાય છે. જુઓ, આ રેતીની લહેરો તમારા જીવનની સુખદ પળનું ગાન છે અને પેલી ટોચ સુધી વિસ્તરેલ રેતીના ઢુંવામાં ભીતર દફન વેદના છે. ડમરીની બે લહેરો હવામાં ઊડતી અને ભેગી થતાં જ વિખેરાતી રેતીમાં ક્ષણિક મિલન પછી શાશ્વતમાં વિખેરાવું બતાવે છે. રેતીમાં ઝાંખા થયેલાં પગલાંઓ કોઈની સચવાયેલી યાદો ક્યાંક કોઈ ખૂણે પડી બતાવે છે. આ તપતી રેતનું ચિત્ર તમારી ભીતરની દાહ..."

"અરે!! બસ બસ...મારા ચિત્રો મારા વિશે આટલું કહી દેશે એ તો મને પણ ખબર નહોતી." આકાશ આશ્ચર્ય અનુભવતાં બોલી ઉઠ્યો.

"આટલું રણ ભીતર ભર્યું છે?"

"હા તો પણ સાવ શુષ્ક નથી... ક્યાંક ઝાંઝવા પણ પોતાના લાગે." એક હળવો નિશ્વાસ લેતા આકાશ બોલી ઉઠ્યો, "હું નદીનો તાગ લઈ શકું, એટલે કે તમારા નદીના ચિત્રો જોઈ શકું?"

"હા, ચોક્કસ મને ગમશે."

"કાલે બપોરે એક વાગ્યાની આસપાસ મારી વ્યોમવિલા પર આવો તમારા ચિત્રો મને જોવા ગમશે."

બીજે દિવસે વ્યોમવિલામાં મૈત્રયીના ચિત્રોમાં નદીના વૈવિધ્યભર્યા રૂપને જોઈ આકાશ પાંડે દંગ રહી ગયા. ચિત્રમાંની નદીના ભાવો તેના રણ જેવા શુષ્ક મનને ભીંજવી રહ્યાં.
આટલી સિદ્ધિ પછી કોઈ પુરુષ આટલો લાગણીશીલ અને સહજ હોય તે મૈત્રયી માટે દિવાસ્વપ્ન જેવું હતું. તેને આકાશની સરળતા ગમવા લાગી. આ સરળતાએ મૈત્રયીને આકાશની મિત્ર બનાવી દીધી તેનો તેને ખ્યાલ જ ન રહ્યો!!
સમય સરતો રહ્યો, સાથે સાથે સર્વ વ્યાપ્ત આકાશ ક્યારે એકબીજાની હથેળીના આકાશ થઈ ગયા તે ખબર જ ન રહી..

મૈત્રયી આકાશને ખુશ રાખવા પ્રયત્નશીલ રહેતી ત્યારે આકાશ કહેતો,"જો જે હું બહુ કઠોર છું. ક્યારેક રેતી જેમ હાથમાંથી સરી જઈશ."

મૈત્રયી ડરી જતી તો પણ શ્રદ્ધા સાથે કહેતી,"હું રણનું નામ નદી આપીશ."

અને આકાશ કહેતો, "ના..તારું અસ્તિત્વ મારામાં વિલીન નહીં થવા દઉં. તારા જીવનના કાંઠે ખુશીઓ બની વિખેરાઈશ અને આકાશ છું કવચ બની તારા અસ્તિત્વને જાળવીશ."

એ પછીની મેઘલી સાંજે મૈત્રયી અને આકાશ નદી કિનારે બેઠાં હતાં. ધીમેથી આકાશે મૈત્રયીની હથેળી હાથમાં લીધી અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો.
"જો વરસાદમાં નદી ને રેતી એક થયાં" આકાશ નદીને જોતાં બોલી ઉઠયો.
"ના એ ક્ષણિક..નદી કાયમ કાંઠે વહી શકે પણ રહી ન શકે."
આકાશ મીટ માંડીને મૈત્રયીને જોઈ રહ્યો ધીમે ધીમે વાદળ પણ ખૂલતાં ગયાં..
મૈત્રયીએ ઉભી થઈ ફરી હાથ લંબાવ્યો. આકાશે હાથ તેની હથેળીમાં મુક્યો. રેતીમાં ચાલતાં બંનેના પગલાં ઓગળતાં રહ્યાં. ઉપર આકાશ પણ હવે સાફ બન્યું.













2
શીર્ષક : સૂરીલી તર્જ
લેખન : અંજલિ દેસાઈવોરા
ઈમેઇલ : anjalivora2001@gmail.com

" સા સારેગ ગમપ પમગ ગમપ પમરેગસા...... "
"સૂર, ઈટ્સ યોર ટર્ન.... કમ ઓન ' તર્જે સૂરીલી સામે આંખ મારતા કહ્યું.
જ્યાંથી તર્જે "સા" મૂક્યો ત્યાંથી સૂરીલીએ "સા' પકડી લીધો.......
" સા સારેગ ગમપ પમગ ગમપ પમરેગસા...... "
અને બન્ને હાથમાં હાથ નાખીને આનંદમાં હસી પડ્યાં. "હેપ્પી ફિફ્થ વેડિંગ એનિવર્સરી સૂર.... આઈ લવ યુ, પાંચ વર્ષ તારી સાથે સૂર સાધનામાં ક્યાં વિતી ગયા ખબર જ ન પડી? આ આપણું સંગીતમય દાંપત્યજીવન આમ જ વરસો સુધી તર્જ અને સૂરમાં ખોવાયેલું રહે... એ જ પ્રભુ પાસે માંગુ છું. બોલ બેબી, શું ગીફ્ટ જોઈએ છે તારે? આ આપણો લંડનનો શો સુપર ડુપર હિટ થઈ જાય ને પછી તારા માટે હીરાનો હાર ઘડાવવો છે. મારી સૂરનાં ગળામાં શોભી ઉઠે એવો ઝળહળતો." અને તર્જે સૂરીલીને હળવું ચુંબન કર્યુ.
"તર્જ, તમે તો મને કેટલું બધું આપ્યું છે. એક નાના ગામની સૂરીલીને તમારી જેવા પ્રસિદ્ધ અને નામી કલાકાર સાથે ગાવાની તક આપી, તરબતર થઈ જાઉં એટલો પ્રેમ આપ્યો, લગ્ન કરીને મુંબઈ જેવી મહાનગરીમાં લઈ આવ્યા, એક સ્વપ્નસમું જીવન આપ્યું. બદલામાં હું તો તમને કાંઈ જ આપી શકી નથી." સૂરીલી લાગણીવશ થઈ ગઈ.
"સૂર, આજના દિવસે તું ક્યાં આ બધી વાતો લઈને બેસી ગઈ? આજે તો ફક્ત રોમાન્સ કરવાનો દિવસ છે. લેટ્સ એન્જોય " તર્જૈ સૂરીલીને પોતાની નજીક ખેંચી.
"તર્જ, મારે પણ તમને ભેટ આપવી છે, એક અણમોલ ભેટ જે આપણાં જીવનને ખુશીઓથી હર્યુભર્યુ કરી દે. હા તર્જ, મારે તમને પિતા બનવાનુ સુખ આપવું છે. આપણાં સંગીત વારસાને આગળ ધપાવે એવો વારસ આપવો છે. આપણાં કુળને દીપાવે એવો કુળદીપક આપવો છે. તર્જ, મારે મા બનવું છે. મારે માતૃત્વનું સુખ જોઈએ છે. હીરાના હાર કરતાં પણ આ સુખ વધુ કિંમતી છે મારી માટે. પુત્ર કે પુત્રી... ઈશ્વર જે આપે. બસ, મારે બાળક જોઈએ છે હવે"
"શું છે સૂરીલી...? ફરીથી આ વાત!!!!. છેલ્લા છ મહિનાથી આ એક જ વાત તારા મગજમાં ભમે છે. સૂર, હજી તો આપણે સફળતાની સીડી ઉપર પહેલું ડગ માંડ્યું છે. હજી તો આપણે બોલીવુડમાં પ્રવેશ કરવાનો છે, અગણિત સ્ટેજ શો કરવાના છે, દેશ-વિદેશમાં આપણી ગાયકીને ઝંડો લહેરાવાનો છે. એક ઉજ્જવળ સંગીતમય ભવિષ્ય આપણી રાહ જોઈ રહ્યું છે અને તું આ શું ઉપાધિ વ્હોરી લેવાની વાત કરે છે? આવતા મહિને લંડનમાં આપણો મેગા શો છે. તારું ધ્યાન જ નથી રિયાઝમાં. ત્યાં છબરડો થશે તો આપણો ફ્લોપ શો થઈ જશે. તને કંઈ ભાન છે? " તર્જ છંછેડાઈ ગયો.
"આપણા લગ્નને પાંચ વર્ષ પૂરા થયા આજે. હવે તો આપણા માતા-પિતા પણ આ સુખદ ક્ષણની રાહ જોઈ રહ્યા છે, તર્જ." સૂરીલીએ દયામણા અવાજે કહ્યું.
"ઈનફ, સૂર. આનાથી વધારે હું આ વાત સહન નહિ કરી શકું. જો તારી પાસે આની સિવાય બીજી કોઈ જ વાત ન હોય તો હું જાઉં છું. આજના દિવસનો માહોલ અને મૂડ બન્ને બગાડી નાંખ્યાં તેં. સાંજે મગજ ઠેકાણે હોય તો પાર્ટીમાં આવી જજે."
અને તર્જ ગુસ્સામાં પગ પછાડતો ઘરની બહાર નીકળી ગયો.
સૂરીલી ધબ્બ કરતી સોફા ઉપર બેસી પડી. "તર્જને આ થયું છે શું? છેલ્લાં કેટલાંક મહિનાઓથી તર્જ આ વાતથી અટલો બધો અકળાઈ છે શા માટે? સૂરીલી તર્જના આ તોછડાં અને નકારાત્મક વલણને સમજવાની મથામણ કરી જ રહી હતી ત્યાં ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી.
"બેટા સૂરીલી, હું મમ્મી. લગ્ન જીવનની પાંચમી વર્ષગાંઠની ખૂબ શુભેચ્છાઓ." તર્જના મમ્મી વસુબેન બોલ્યાં. આડીઅવળી વાતો કરીને એ પણ મૂળ મુદ્દા ઉપર આવી જ ગયાં, "હવે ક્યારે અમને દાદા-દાદી બનવાની ખુશખબર આપો છો બન્ને? અમે આતુરતાથી રાહ જોઈએ છીએ." ત્યાં તો સૂરીલીની નાની નણંદ ટીખળ કરતાં બોલી, "ભાભી, પ્રેમની આ પંચવર્ષીય યોજના સમાપ્ત થઈ હવે નવી યોજના બનાવો જલ્દીથી"
પોતાની ઈચ્છા અને પોતાનાઓની અપેક્ષાઓથી ઘેરાયેલી સૂરીલીના અંતરમાં મા બનવાની વાતના ઉલ્લેખથી જ ધમાસાણ તોફાન ઉઠતું. એની અંદર ગજબનું કશુંક વલોવાઈ જતું . એક ટીસ ઉપડતી. એક એવી પીડા ઉપડતી જે સહી ન શકાય કે કહી ન શકાય અને એટલે આ પીડા શબ્દો વડે નહીં પરંતુ ગરમ આંસુ બનીને આંખમાંથી વહી જતી. "માતૃત્વ મારો અધિકાર છે. મારી ચાહ છે, દાંપત્યબાગમાં ખીલતું આ કોમળ પુષ્પ આપણા પ્રેમનું પ્રતીક હોય છે. તર્જ, આ પુષ્પને અંકુરિત કરવામાં આટલી બધી આનાકાની, ઉદાસીનતા શા માટે!!!! " સૂરીલી ક્યાય સુધી આંસુ સારતી રહી. સાંજ ઢળી ગઈ. અંધકારના ઓળાંએ ધરાને પોતાની ચાદરમાં લપેટી લીધી. સૂરીલી ઉભી થઈ, મંદિરમાં દીવો કર્યો. આજના ખાસ દિવસે તર્જને નારાજ કર્યાના અપરાધ ભાવથી એ વધુ ઉદાસ થઈ ગઈ.
ગુસ્સામાં લાલઘૂમ મોઢું અને લથડતી ચાલ સાથે મોડી રાત્રે તર્જ ઘરે આવ્યો. આજના રોમેન્ટિક મૂડને સૂરીલીએ બરબાદ કરી નાખ્યો હતો અને વળી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં પણ સૂરીલીની ગેરહાજરી એની માટે અસહનીય હતી.. એ જોરથી બાવડું ઝાલીને સૂરીલીને બેડરૂમમાં ખેંચી તો ગયો પરંતુ શરાબ ના નશાની અસર કહો કે સૂરીલી માટેનો અપાર પ્રેમ....... એ સૂરીલીને કાંઈ જ કહી ન શક્યો અને એ રાત સૂર અને તર્જ માટે સૌથી વસમી રાત હતી. પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર..... બન્નેનાં તકિયા ગરમ આંસુઓથી ભીંજાતા રહ્યાં રાતભર.
સૂરીલી અને તર્જ- આ સારસ બેલડી દાંપત્યજીવનના તોફાનમાં અટવાઈને જાણે દિશાશૂન્ય થઈ ગઈ હતી. એકબીજા માટે પ્રેમ અને લાગણી ભરપૂર હોવા છતાં બન્ને વચ્ચે એક ખાલીપો સર્જાઈ રહ્યો હતો. સાજીંત્રો-વાજીંત્રો, સૂર-તાલના મધૂર સંગીતથી ગૂંજતું રહેતું ઘર હવે સાવ સૂનું થઈ ગયું હતું. મા શારદા જાણે આ દંપતિથી રુઠ્યાં હતાં. બન્નેના ગળામાં હવે સરગમની બદલે ડૂમો બાજેલો રહેતો. ન કોઈ રાત-રાતભરના રિયાઝ, ન સંગીતના કાર્યક્રમ, ન તો મિત્રો સાથે બેસીને થતી સૂરીલી અને તર્જની મીઠી છેડછાડ. હવે તો બસ, લાંબા દિવસો અને એનાથીય લાંબી રાત. સૂરીલીને ન તો ખાવા-પીવાનું ભાન, ન તો પહેરવા-ઓઢવામાં કોઈ રસ. આખો દિવસ ખોવાયેલી જ રહેતી. તર્જ દૂરથી સૂરીલીને જોયા કરતો. એને સૂરીલીની દયા આવતી. "શું માતૃત્વ એક સ્ત્રી માટે આટલું અગત્યનું હોય? પતિનો પ્રેમ અને મા સરસ્વતીના આશીર્વાદ....આ બે જ કાફી નથી જીવન આનંદ થી જીવવા માટે? શું માતૃત્વના સુખની સામે દુનિયાનું કોઈ પણ સુખ વામણું હોય છે?" આ ઉદાસ સૂરીલીમાંથી પોતાની સૂરને પાછી લાવવા શું કરવું એને સમજાતું નહોતું.
સૂરીલી માટે આ વેદના અસહ્ય બની ગઈ હતી. ઘરમાં ઘુમરાતાં મૌનનો એને ભાર લાગવા માંડ્યો હતો. એને વારેવારે ગામડે રહેતી મા યાદ આવી જતી. ભારે હૈયે સૂરીલીએ આ ઘરને, તર્જને છોડીને મા પાસે જવાનો નિર્ણય લઈ લીધો. કબાટ ખોલી એટેચીમા આડેધડ સામાન નાખવાનો શરુ કર્યો. અને અચાનક જ થોડા મહિના પહેલાં કરાવેલા રિપોર્ટ એના હાથમાં આવ્યાં. રીપોર્ટ વાંચીને સૂરીલી ધ્રુજી ઊઠી. "વેરી થીન એન્ડોમેટ્રીયમ- અનેબલ ટુ હોલ્ડ પ્રેગનન્સી" ગર્ભાશય ની દિવાલ પાતળી હોવાથી હું ગર્ભ ધારણ કરવા સક્ષમ નથી...!!! સૂરીલીને ચક્કર આવી ગયાં. "તર્જ આ વાત જાણતો હતો!!!" બાળક પેદા કરવા બાબત તર્જનું રૂક્ષ વલણ, સૂરીલીને સંગીતમાં વ્યસ્ત રાખવાના પ્રયાસો.... સૂરીલીને એક પછી એક વાતની મગજમાં ગડ બેસવા લાગી. સૂરીલી ફર્શ પર ફસડાઈ પડી. એની આંખે અંધારા આવી ગયાં. એને તર્જના પ્રેમને, લાગણીને ન સમજી શક્યાનો પારાવાર પસ્તાવો થવા લાગ્યો.
ત્યાં જ ડોરબેલ વાગી. સૂરીલીએ સફાળા ઉભાં થઈને બારણું ખોલ્યું. "સરપ્રાઈઝ.... "એક નાનકડી ત્રણ મહિનાની બાળકીને હાથમાં તેડીને તર્જ ઉભો હતો. " બધાઈ હો સૂર, તું મમ્મી બની ગઈ. આ જો... સૂર અને તર્જની સરગમ આવી ગઈ" સૂરીલી તો આ ગુલાબી, કોમળ, ગોળમટોળ માખણના પિંડા જેવી નિર્દોષ બાળકીને મમતામયી આંખે જોતી જ રહી ગઈ. "સૂર, આ બાળકીએ પોતાના માતા-પિતા કોરોનામાં ગુમાવી દીધાં છે. પરંતુ આજથી આપણે જ એનાં માવતર....બરોબર ને!! "તરરર્જ, તમે તો મને..", "શિશશશ..."તર્જે પ્રેમથી સૂરીલીને હોઠ ઉપર આંગળી મૂકી દીધી. "મને મારી સૂર અને સરગમ બન્ને મળી ગયાં" સૂરીલીએ વ્હાલથી તર્જને એક ઉષ્માભર્યું આલિંગન આપી દીધું. આ હર્ષિત ક્ષણને માણવા સરગમના દાદા-દાદી, નાની, ફઈ બધાં જ પહોંચી ગયાં. તર્જે આંખ મિચકારતા સૂરને કહ્યું.... "તો હો જાય સરગમ........ "
"સા સારેગ ગમપ પમગ ગમપ પમરેગસા..... "
અને આખું ઘર તર્જ અને સૂરીલીની સરગમથી ગુંજી ઉઠ્યું.



















3
નામ: અર્ચિતા દીપક પંડ્યા
શીર્ષક : આવરણ
ઈમેઈલ :architadeepak@gmail.com

એપ્રિલ, 2036નો સમય હતો. કોરોના મહામારીને હવે લોકો ભૂલી ગયાં હતાં અને ધાર્મિક મેળાવડામાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. લોકો હળીમળીને તહેવારો ઉજવતાં થઈ ગયાં હતાં, એ હવે આનંદનો વિષય હતો. મહામારીના સમય પહેલાં જે સ્વાભાવિક જીવન હતું એ ફરી અસ્તિત્વમાં આવ્યું હતું. દરેક વ્યક્તિ એના માટે ઈષ્ટદેવનો આભાર માનતી હતી.

શહેરની ક્રિશ્ચિયન હાઉસિંગ સોસાયટીમાં આજકાલ શ્રધ્ધા-ભક્તિનું વાતાવરણ હતું. એ દિવસોમાં ચર્ચમાં ઓછું જતાં ખ્રિસ્તી લોકો પણ ભક્તિના ભાગરૂપે રાતના જાગરણ, કેરોલની સંગીતમય નિર્મળ ભક્તિમાં વ્યસ્ત રહેતાં હતાં, કારણ ઈસ્ટરનો દિવસ આવી રહ્યો હતો. ગ્રેસી ખૂબ ભક્તિવાન તથા શ્રદ્ધાવાન મહિલા હતી. વર્ષમાં માર્ચ-એપ્રિલ મહિનાનાં દિવસો આવે ત્યારે એનું મન અજંપાથી ભરાઈ જતું પણ ઈશુ પ્રત્યેની ભક્તિ જ એની શક્તિ બની જતી હતી. એ ઈશુના પુનર્જિવિત થવાના વિચારથી ભાવવિભોર થઈ જતી અને ઈસ્ટર ઉજવતી.

ગ્રેસીએ રસોડામાં કામ કરતાં કરતાં ફરી ઝીણી નજરે જોયું કે આજે પણ માસ્ટર માઈકલ વર્ગીઝ ઉદાસ હતો. થોડાં દિવસો પહેલાં જ એના પિતાનો મૃત્યુદિન હતો. દર વર્ષની જેમ મા-દિકરો દિવંગત પિતાની કબર પર ગયેલાં. હંમેશા માનો હાથ પકડીને આવતો માઈકલ પાછા વળતી વખતે એકદમ શુષ્ક અને સૂનમૂન થઈ ગયેલો. ગ્રેસીને સહારો જોઈતો હતો કે પછી માઈકલની સંંભાળવા એવાં કોઈ કારણથી કે પછી સ્વાભાવિક રીતે ગ્રેસીએ માઈકલનો હાથ પકડી લીધો. પણ આજે? એ હાથ ઝાટકીને માઈકલ બે ફૂટ દૂર ચાલવા લાગ્યો. ગ્રેસી વિચારમાં પડી ગઈ. પછી વિચાર આવ્યો કે, કદાચ કિશોરાવસ્થામાં બાળકની દુનિયા જૂદી જ હોય છે. એ હવે કદાચ મોટો થઈ ગયો છે એટલે જાહેરમાં મારી આંગળી પકડવી નહીં ગમી હોય!

એ પછી પણ, માઈકલના નખરાં ચાલું જ હતાં. ગ્રેસી પોતે વિજ્ઞાનશિક્ષિકા હતી. બંને બપોરે ઘરે આવે ત્યારે ટીવી પર ડિસ્કવરી ચેનલ જોતાં. માઈકલની અને પોતાની એમ બંનેની થાળી પીરસીને ગ્રેસી બૂમ પાડતી. પણ હમણાંથી રોજ કોઈને કોઈ બહાને માઈકલ મમ્મીથી દૂર રહેવા લાગ્યો એટલે જ તો એક માએ આજે એનાં દીકરાને ખુશ કરવા માટે એને ભાવતું પુડિંગ બનાવ્યું હતું. ગ્રેસીએ ફરી નજર કરી પોતાનાં માસૂમ કિશોરવયના દીકરા તરફ.
એ જોવા કે વ્યંજનની મીઠી, મનભાવન સુગંધે માઈકલના મન પર કોઈ જાદુ કર્યો કે નહીં? પણ આ શું ગ્રેસીનો લાડકો દીકરો કેમ બદલાઈ ગયો હતો?

"માઈકલ, આવી જા બેટા! જો તને ભાવતું ટ્રફલ પુડિંગ! માઈકલ.. જવાબ કેમ નથી આપતો? શું કરે છે?"
"મને ભૂખ નથી." સામાન્ય રીતે કાયમ લાડ કરતા માઈકલે આજે ઉડાઉ જવાબ આપી દીધો હતો.
"જો તો કેટલું સરસ બન્યું છે!"
"કહ્યું ને? મારું પેટ બરાબર નથી!"
ગ્રેસી ઊભી થઈને એની નજીક જવા લાગી તો એ સાયકલની ચાવી લઈને સાયક્લિંગ કરવા જતો રહ્યો.
હવે ગ્રેસીને થયું કે ચોક્કસ કંઈક ગરબડ છે. માઈકલના કિશોરવયના માનસમાં કોઈ ભૂત ભરાયું છેજેમકે દર વર્ષની જેમ ગઈકાલે સાંજે પણ માઈકલ ઈસ્ટરની તૈયારી રૂપે ઈંડાને સુશોભિત કરી રહ્યો હતો પણ તે વખતે એકદમ જ સૂનમુન થઈ બેસી રહ્યો હતો. એ તો હાથમાં પીંછી પકડી રાખીને જાણે વિચારોમાં ખોવાઈ ગયો હતો! આમ તો સામાન્ય રીતે અડધા દિવસમાં જે કામ કરી લેતો, એ આજે બે દિવસ થયા તો પણ પાર આવતું નહોતું. ઉપરાંત એની માથી તો એકદમ દૂર ભાગતો હતો.

ગ્રેસીને પણ કંઈ સમજાયું નહીં કે એનો લાડકવાયો કેમ આવું કરી રહ્યો છે? એ શાંત મને બેસીને યાદ કરવા લાગી. એકદમ ઊભી થઈને પતિ વિન્સેન્ટ વર્ગીઝના ફોટા પાસે જઈને એ રડી પડી. એનાં મનમાં ગડ બેઠી હતી. માઈકલ એના પિતાની મૃત્યુતિથિના દિવસથી જ બદલાઈ ગયો હતો એ વાત માટે ગ્રેસીના મને સમર્થન આપ્યું. એ દિવસે ગ્રેસી જે ફૂલો આપતી હતી એ માઈકલ જ્યાં પિતાના નામની નીચે મૃત્યુની તારીખ લખી હતી ત્યાં જ મૂકતો હતો. બે ત્રણ વખત હાથેથી લૂછીને એણે મૃત્યુની જે સાલ લખી હતી એને પણ બરાબર રીતે વારંવાર જોઈ હતી. આંખ બંધ કરીને સૂવાનો ડોળ કરી રહેલા માઈકલ પાસે ગ્રેસી ગઈ.

"માઈકલ"
"માઈકલ, શું થયું છે તને?"
માઈકલે હુંકારો પણ ન કર્યો. ગ્રેસીએ તો ભાવાર્દ્રતાથી માથે હાથ ફેરવવાનું શરૂ કર્યું. માઈકલે જાણે એ હાથને ઝટકાવી નાખવો હોય એમ બેઠો થઈ ગયો. હવે ગ્રેસીથી રહેવાયું નહીં.
"તારા પપ્પાના સમ બેટા! તને શું થાય છે એ મને કહે."
"કોણ પપ્પા? કયા પપ્પાની વાત કરે છે તું? જેણે મને જન્મ આપ્યો એ? કે જેને આપણે ફૂલ ચડાવવા કબર પર જઈએ છીએ એ? કે હું કોઈ ઐય્યાશીનું સંતાન છું? કે પછી મને કોઈ આશ્રમમાંથી લઈ આવી છે? મારું અસ્તિત્વ શું છે? સાચે હું તારો દીકરો છું કે નહીં? મારા પપ્પા વિશે તું સાચું કહે છે કે નહીં.. મારા પ્રશ્નોના જવાબ આપવાની હિંમત છે તારામાં?"

" હિંમત? અરે, તને જન્મ આપ્યો એ જ મારી હિંમત હતી. હજુ તું બાળક છું એમ સમજી હું તને કશું કહેતી નહોતી."
ગ્રેસીએ જોરથી માઈકલને પકડીને ઊભો કર્યો. કબાટ પાસે દોરી ગઈ અને ખાનું ખોલી એમાંથી એણે ફાઈલ કાઢી. એના પાનાં ઉથલાવી એમાંથી એક પાનું ખુલ્લું રાખી એણે ટેબલ પર પછાડી.
" જો આ જો! વાંચી લે તારી કુંડળી! "
માઈકલે ફાઈલના કાગળ પર નજર કરી અને ઈંતેજારીથી અક્ષરો ઉકેલવા માંડ્યા. હૉસ્પિટલની ફાઈલ હતી. ગાયનેક અને આઈ. વી. એફ સેન્ટરની. એક પછી એક કાગળ ઉથલાવતા એને કોર્ટના ચુકાદાની ઝેરોક્સ મળી. જેમાં મૃત્યુશૈય્યા પર સૂતેલા કોરોના વોરિયર વિન્સેન્ટ વર્ગીઝના સ્પર્મને પ્રિઝર્વ કરવાની છૂટ અપાયેલી. બીજો કાગળ સ્પર્મ બેન્કમાં પ્રિઝર્વ કરાયાની રસીદ હતી. એ પછી આગળ આવ્યો ત્યારે એક વર્ષ પછીના સફળ આઈ. વી. એફ. નો રિપોર્ટ હતો. હવે સડક્ થઈ જવાનો વારો માઈકલનો હતો. પવિત્ર પ્રેમના પ્રતિક સમાન મા પર જ એના મનમાં ને મનમાં એણે જે આક્ષેપો કર્યા હતા એ બદલ એને ભરપૂર પસ્તાવો થતો હતો. માઈકલ સજળ આંખોથી નેત્રધારા વરસાવતી માને વળગી પડ્યો. એટલું જ બોલ્યો, "બને તો તારા દીકરાને માફ કરી દે જે, મા! મને તારા પર ગર્વ છે. મારી ભૂલ થઈ ગઈ."
વહાલા દિકરાને માફ તો કરી દીધો હતો ગ્રેસીએ. એ સમજતી હતી કે વાંક અધૂરી સમજણવાળી ઉંમરનો છે. એ બોલી,
"માફ મને કરજે બેટા. તને બાળક સમજી હજુ તને હકીકતની જાણ નહોતી કરી. તારા પિતાને હું ગૂમાવી રહી હતી. એની હયાતીમાં મેં સંતાનપ્રાપ્તિની ઝંખના હંમેશા ટાળી હતી, એ મારી ભૂલ મેં સુધારી અને એવો નિર્ણય કર્યો કે તારા પિતાનું સ્થાન મારા જીવનમાં એ જ રીતે રહે કે જાણે એ હયાત હોય! બસ, એના વિના પણ એવું જીવન જીવવાનું નક્કી કરી લીધું કે એનો સાથ કદી ન છૂટે. ચાલ દીકરા, આજે એમને ફરીથી મળવા જઈએ."

વહેલી સવારે બંને જણ વિન્સેન્ટની કબર તરફ જવા ગાડીમાં બેઠા. દર વખતની જેમ ફૂલો ખરીદવા એ લોકો ઊભા રહ્યાં. ફૂલોની દુકાનમાં રેડિયો પર ભજન વાગી રહ્યું હતું.
"તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.. "














4
શીર્ષક : રણનું નામ નદી
લેખન : ચિરાગ. કે. બક્ષી
ઈમેઇલ: aumchirag@gmail.com

ડોક્ટર વિરેન્દ્ર કશ્યપ આજે 'સન ટેક્ષ્ટાઈલ મશીનરી'માં માર્કેટીંગ ડાયરેક્ટર તરીકે જોડાઈ રહ્યા હતા. એમનો સ્વાગત સમારંભ ઉમળકાભેર યોજાયો હતો. છેલ્લે ડોક્ટર કશ્યપસાહેબ બોલવા ઊભા થયા.

"હું ઓછું બોલું છું પણ માપનું બોલું છું. તમને સૌને આ વાતની જાણ થાય કે આ હોદ્દા ઉપર મારી એક વિશેષ જવાબદારી છે અને સમય સાક્ષી છે કે મેં મારી જવાબદારી કોઈ પણ ભોગે પૂરી કરી છે. કદાચ આજ પછી તમારા કોઈનાં મોઢા ઉપર સ્મિત નહિ આવે. કદાચ તમારી ઓફિસ દરમ્યાન થતી ગુફતેગો આવતીકાલથી ભૂતકાળ બની જશે. મારી કામ કરવાની પધ્ધતિ કડક અને પરિણામલક્ષી છે. એમાં કોઈ ભાવના, લાગણી, પ્રેમ વગેરેને લગીરેય સ્થાન નથી. હું સમયબદ્ધતાનો અઠંગ આગ્રહી છું. આપણી વચ્ચે અને તમારા બધાંની વચ્ચે પણ કામ સિવાય કોઈ વાત થશે નહિ. મારી વાતને હળવાશથી લેવાની ભૂલ ના કરશો. આવતીકાલે સવારે આઠ વાગ્યે તમે બધાં તમારી જગ્યાએ હશો એ આશા રાખું છું. સવા આઠ વાગ્યે મિટિંગ શરૂ કરીશું."

ડોક્ટર વિરેન્દ્ર કશ્યપ ઈમોશનલ ઈન્ટલિજન્સમાં પી. એચ. ડી.ની પદવી ધરાવતા હતા. વૈશ્વિક સ્તરે ટેક્સટાઈલ ક્ષેત્રે એકથી ત્રણમાં ગણાતી બાંગ્લાદેશની મહમુદિન ટેક્સટાઈલ્સમાં લાંબી નોકરી પછી એ હવે અહીં જોડાયા હતા. વૈશ્વિક મંદી પછી ભારતમાં ટેક્સટાઈલ ક્ષેત્રે આવેલી અભૂતપૂર્વ મંદીમાંથી બેઠાં થવા માટે 'સન ટેક્સટાઈલ્સ મશીનરી'ના મેનેજમેન્ટે ડોક્ટર કશ્યપને નોકરીમાં રાખવાનો નિર્ણય કર્યો એ આ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી ગયો. ડોક્ટર કશ્યપે કંપનીને ખાત્રી આપી હતી કે આવતા વર્ષે આ દિવસે કંપની એક ચમકતો સિતારો હશે.

બીજા દિવસે મિટિંગમાં પોતાના એકમાત્ર લક્ષ્યની વાત સ્ટાફને ગંભીરતાથી સમજાવી અને એમની કડકાઈથી કામ લેવાની પદ્ધતિની પણ જાણ કરી.

બપોરે મિસિસ સીમા એમની જગ્યા ઊપર ન હતા અને ડોક્ટર કશ્યપને એમનું જ કામ હતું. કશ્યપસાહેબે સીમા મેડમને ફોન કર્યો તો જાણવા મળ્યું કે એ એમનાં નાનાં બાળકની 'માતૃસંભાળ' માટે ઘરે હતાં. તરત એક નોટ ટાઈપ થઈ ગઈ કે અડધા દિવસનો એમનો પગાર કપાઈ જશે. 'માતૃસંભાળ' માટે કંપની જવાબદાર નથી અને એ પણ કામના ભોગે? નો. નેવર.

બીજા દિવસે સીમા મેડમ પાસેથી માફીપત્ર લેવાઈ ગયો. અને ભવિષ્યમાં આવી ભૂલ નહિ બેવડાય એ ખાત્રી પણ.

સ્ટાફ ફફડવા લાગ્યો હતો. કદાચ અહીં જોડાયા પછી પહેલી વાર કાયદાની ઓળખાણ થઈ હતી. આ બાજુ ડોક્ટર કશ્યપ દિવસ રાત જોયા વગર એમના ધ્યેયને પામવા મચી પડ્યા હતા અને સાથે સ્ટાફને પણ કામ દરમ્યાન શ્વાસ લેવા સિવાય બીજું કશું યાદ આવતું નહોતું.

કશ્યપસાહેબના જોડાયાનો ચોપ્પનમો દિવસ હતો. મિસ્ટર રામનાથન આજે અસ્વસ્થ હતા.. માર્કેટ પ્રોજેક્શનમા એક ભૂલ થઈ ગઈ અને એને કારણે પ્રોડક્શન પ્લાનિંગ એક અઠવાડિયું પાછળ જતું રહ્યું. આનો જ લાભ લઈને હરીફ કંપની ફાવી ગઈ. રામનાથન કશ્યપસાહેબની રુમમાં ગયા અને છ મિનિટમાં બહાર. અઠ્યાવીસ વર્ષની નોકરી ત્રણસો સાઈઠ સેકન્ડમાં ગઈ. કશ્યપસાહેબે એમનું રાજીનામું લીધું અને એમને કોરો ચેક આપતા કહ્યું કે એચ આર ડિપાર્ટમેન્ટમાં જઈને એ ચેકમાં એમની વિદાયની રકમ લખાવી લે. ના કોઈ માફી, ના કોઈ રજુઆત, ના કોઈ ઠપકો. બસ માત્ર 'ગેટ આઉટ'.

આ બે દાખલા સ્ટાફ માટે પુરતાં સંદેશા હતાં એ સાબિત કરવા માટે કે ડોક્ટર વિરેન્દ્ર કશ્યપ એટલે ફક્ત અને ફક્ત કામનો પર્યાય.

ઈમોશન અને ઈન્ટલિજન્સ વચ્ચે સંકલન સાધીને લક્ષ્યને પહોંચવા માટે ડોક્ટર કશ્યપસાહેબ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા હતા. લોજીસ્ટીક્સ ડિપાર્ટમેન્ટ માટે તો જાણે આગળ મરડીને બેઠાં થવા જેવું થઈ ગયું હતું. પ્રોડક્શન ફ્લોર ચોવીસ કલાક ચાલે એવું છેલ્લું ક્યારે થયું હતું એ કોઈને યાદ નહોતું. સ્ટાફના ચહેરા ઉપરનું સ્વાગત સમયનું સ્મિત ચોરીને જાણે મેનેજમેન્ટને ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આંકડાં નવાં નવાં જોવા મળતાં હતાં.. ટૂંકમાં કંપનીમાં કાંટાની વચ્ચે ક્યાંક ગુલાબ દેખાઈ રહ્યું હતું તો ક્યાંક એની સુગંધ આવી રહી હતી.

આખરે નાણાંકીય વર્ષ સમાપ્ત થયું. નફા નુકસાનના લેખાંજોખાં ચકાસણીની એરણ ઉપર હતા. બધાંની આંખો ઊપરની ભ્રમર એને ખુણેથી ઊંચી થવા લાગી હતી. ઑડીટર શું ધડાકો કરશે એ જાણવા બધા બોર્ડરુમમાં ભેગાં થયા હતા.

"અરે........"

"આ શું.....?"

"ખરેખર.......?"

"કાંઈ ભૂલ તો નથી થતી ને.......?"

"ફરી એક વખત ચેક કરી લો....."

વિતેલાં નાણાકીય વર્ષમાં ખોટ ધોવાઈ ગઈ હતી અને નફો છેલ્લાં આઠ વર્ષમાં મહત્તમ નોંધાયો હતો. કંપનીના ચેરમેને છેલ્લે બોલવાનું શરૂ કર્યું. "આ યુ ટર્નનો સંપૂર્ણ શ્રેય હું ડોક્ટર વિરેન્દ્ર કશ્યપને આપું છું. હજુ એમના અહીં જોડાયાને એક વર્ષ પુરુ થયું નથી અને એ પહેલાં એમણે આ કંપનીને આઈકોનિક બનાવી દીધી. બસ આજે આટલું જ કહીશ".

ત્યાર પછી આ બંને ઊચ્ચ અધિકારીઓ ચેરમેનની રુમમાં મિટિંગમાં બેઠા હતા. કોઈને ખબર નથી કે એજન્ડા શું હતો. આટલી મ્હોંફાટ પ્રસંશા પછી બંને વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. બીજા સભ્યો પણ દ્વિધામાં હતાં કે અંદર શું ચાલી રહ્યું હતું. થોડી વારમાં અવાજ બંધ થયો. કશ્યપ સાહેબ બહાર નીકળીને સડસડાટ એમની રુમમાં ગયા. લગભગ પીસ્તાળીસ મિનિટ પછી પ્યુન કશ્યપસાહેબ અને સ્ટાફના બધાં જ સભ્યો માટે દરેક માટે એક એક કવર લાવ્યો. બધાંના કવરમાં એક લખાણ હતું 'આજે સાંજનું ભોજન ચેરમેન સાથે લેવાનું છે'.

"હેં.....?"

"શું......?"

"ચેરમેન સાહેબ સાથે ભોજન.....?"
"મે તો એમને જોયા પણ નથી....."

ખુશીની લહેર આખા શરીરમાં ખો ખો રમવા લાગી હતી પણ કોઈનામાં કશ્યપસાહેબ પાસે જવાની હિંમત નહોતી.

ભોજનના સમયે બધાં સાથે જ પહોંચ્યાં હતાં.

સૌએ જોયું કે ડોક્ટર કશ્યપસાહેબ પણ અહીં બેઠા હતા પણ કોઈની હિંમત નહોતી કે એમની સામે સ્મિત કરે. જમવાના ટેબલની ગોઠવણી એ રીતની હતી કે બધાં જ એકવીસ સભ્યો એકસાથે બેસી શકે.

બધાં ગોઠવાઈ ગયા પછી ચેરમેનસાહેબ ઊભા થઈને એમની ખુરશીમાંથી બહાર આવ્યા. દરેક સભ્યોના અગાધ આશ્ચર્ય સાથે જીવનમાં ક્યારેય શક્ય ના હોય એવી ઘટના આકાર લઈ રહી.

દરેક સભ્યની ખુરશી નજીક જઈને, દરેકનું અભિવાદન કરીને દરેક સભ્યના હાથમાં એક કવર આપ્યું. - હમણાં ના ખોલવાની સુચના સાથે. પોતાની ખુરશી ઉપર પરત આવીને ચેરમેન સાહેબે ઘટસ્ફોટ કર્યો. "આજે કંપનીનાં નાણાંકીય પરિણામ આટલાં ઉત્કૃષ્ટ આવ્યાં છે એ વાતની તમને કેટલી જાણ છે એ મને ખબર નથી પણ તમને બધાંને જણાવતાં મને ખૂબ આનંદ થાય છે કે કંપનીએ આ નાણાંકીય વર્ષમાં યુ ટર્ન લઇને અભૂતપૂર્વ નફો કર્યો છે. હવે પછીના બધાં જ શબ્દો આ તમારા કશ્યપસાહેબના છે જે એમના આગ્રહ અને એમની ઈચ્છા પ્રમાણે હું તમને કહું છું. આ પરિણામની ઉજવણીના ખરાં હકદાર તમે બધાં છો. તમારી અથાગ મહેનત અને નિષ્ઠા થકી કંપની આ સ્થાને પહોંચી છે. મેં જ્યારે બોર્ડરુમમાં એમને અભિનંદન આપ્યાં ત્યારે એમણે એનો મારી ચેમ્બરમાં આવીને એનો સવિનય અસ્વીકાર કર્યો અને મને સ્પષ્ટપણે જણાવ્યું કે આ અભિનંદનની હકદાર તો મારી ટીમ છે. મેં તો માત્ર નેતૃત્વ આપ્યું પણ કામ મારી ટીમે કર્યું છે માટે મારી ટીમના દરેક સભ્યનું આજે પ્રમોશન થાય, દરેકને ત્રણ ઈન્ક્રીમેન્ટ મળે અને આ વાત તમે એટલે હું - આ કંપનીનો ચેરમેન સાંજે એમની સાથે ભોજન લેતી વખતે જણાવું. હવે તો વિરેન્દ્ર, તમે કાંઈક કહો!"

"મિત્રો - પહેલી વખત સાંભળ્યું ને? - હું એ જ ડોક્ટર કશ્યપ છું જે તમારી સાથે હદથી વધારે કડકાઈથી વર્ત્યો છું પણ મારો આશય શુધ્ધ રહ્યો છે. આ સિધ્ધિના ખરા હકદાર તમે બધાં જ છો. તમારા પરિશ્રમનું મૂલ્ય આંકવું અશક્ય છે પણ એક પ્રયત્ન કર્યો છે તમારા સહકારને બિરદાવવાનો - આ તમારા હાથમાં જે કવર છે એ દ્વારા. આશા છે તમારી ધગશને હું થોડો ઘણો ન્યાય આપી શક્યો છું. મોગામ્બો ખુશ હુઆ ..... હા...... હા....... હા....... મને આ ઉજવણીમા ભાગીદાર નહિ બનાવો?"

બધાં જ સભ્યોની આંખો આ ઘટનાક્રમમાં ન્હાઈ રહી છે અને ત્યારે સીમામેડમ ઊભા થઈને એક વાક્ય બોલ્યા છે "રણમાં ઝરણું તો ઓફિસના કવરમાં દેખાઈ ગયું પણ એ ઝરણા પાછળ આ રણનું નામ જ મોટી અફાટ નદી હશે એ તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. સાહેબ, આ બધાં જ મિત્રો વતી આપનો આભાર નહિ માનું. ફક્ત એટલું જ કહીશ કે આવનારા સાત જન્મોમાં અમને તમારી કૌટુંબિક કે સામાજિક કે વ્યાવસાયિક ટીમમાં ચોક્કસ સમાવશો."












5
શીર્ષક : મા
લેખન : રસિક દવે.
ઈમેઇલ : rasikdave53@gmail.com

માનવ જીવનની એક ખાસિયત હંમેશા રહી છે કે જે તેની પાસે ના હોય એની ઝંખના સતત કરે છે અને જે હોય છે તેને મનભરીને માણી શકતો નથી.
આ ઝંખના જ એને જીંદગીના કપરા ચઢાણને પડકારવા ઉત્સાહિત કરે છે.

ઘણીવાર કારખાનામાં બનતી વસ્તુઓમાં કોઈ ત્રુટિ રહે તો એ માલની કોઈ કિંમત રહેતી નથી.
કોઈ તેને ખરીદવા તૈયાર હોતું નથી. પરંતુ જો કોઈ પારખુની નજરે એ ચડી જાય તો એ જ ત્રુટિ એની આગવી ખાસિયત બની જાય અને તેની કિંમત અમૂલ્ય બની જાય છે.

માનવીના મનનો તાગ પામવો એ સાતે સાગરને તાગવાથી પણ દુષ્કર કામ છે.

ઈશ્વરના સર્જનમાં પણ ક્યારેક આવી ક્ષતિ જોઈને એ સર્જકને પણ આપણે વગોવીએ છીએ કે પ્રભુ તું પણ! આવો નિષ્ઠુર હશે એ નહોતું ધાર્યું.

હું જ્યારે મૈત્રેઈ દેવીનો સાક્ષાત્કાર કરવા ગયો ત્યારે મારા મનમાં પણ અસમંજસ હતી કે હું ક્યાંથી શરૂઆત કરીશ?

મારી ધારણા મુજબ શહેરથી દૂર, જંગલના પ્રવેશ દ્વારથી પાંચેક કિલોમીટર દૂર એ આશ્રમ 'મા' આવેલો છે જેમાં આશરે સો બાળકો ઉછરી રહ્યા છે. જેમની ઉમર એક વર્ષથી અઢાર સુધીની છે.
મારી હોન્ડાસીટી જેવી પ્રવેશદ્વારે પહોચી કે ઊભેલા સંત્રીએ ઓળખ અને શા કામે આવ્યા છો-ની પુછતાછ કરી
અને તુરત ઈન્ટરકોલથી માહિતી આપી. પ્રત્યુત્તરમાં મને આગળ વધવાની અને મૈત્રેયી દેવી હાજર છે-ની લીલીઝંડી આપી.

આશ્રમ આશરે પાંચ એકરમાં ફેલાયેલો છે અને મુખ્યાલય સુધીના રસ્તાની બંને બાજુ શીતળતા પ્રદાન કરતા કતારબંધ વડ, અશ્વત્થ અને લીમડાઓ હળવી પવન લહેરીઓ સંગ મર્મરી આહ્લાદક વાતાવરણ સર્જી રહ્યા.
સાથે જ બંને બાજુએ ક્યારીઓમાં ગુલાબ, મોગરા, ગલગોટા અને ચંપાના ફૂલોની મહેક મનને તરબતર કરી રહી.
તેને પાર કરી હું મુખ્યાલય પાસે પાર્કિંગમાં કાર પાર્ક કરી મુખ્યાલયમાં પ્રવેશ્યો.
સસ્મિત મીઠા આવકાર સાથે મૈત્રેયી દેવીએ સ્વાગત કર્યું. મેં નમીને તેના ચરણ સ્પર્શ કરવા યત્ન કર્યો તો મને અધવચ્ચે જ હાથ પકડી કહેવા લાગ્યા,"જો ભાઈ હું કોઈ સંત-સાધુ નથી કે નથી કોઈ મહાન વિભૂતિ કે ચરણ સ્પર્શ કરવા લાયક વ્યક્તિ. હું પણ આપની માફક એક સામાન્ય માણસ જ છું અને માણસ માણસને નમાવે એ મને ના ગમે. માણસ માણસ વચ્ચે સ્નેહસેતુ હોય એ જ મોટી ઉપલબ્ધિ ગણાય માનવી હોવાની."
થોડી વિશ્રાંતિ બાદ આશરે પચાસ વર્ષની વયના
આછા સફેદી યુક્ત વાળ, ઝીણી ઝીણી ચહેરા પરની કરચલીઓ અને ગૌર ચહેરો, કમળ પાંદડી જેવા ગુલાબી ઓષ્ઠ, નમણી નાકનકશી અને પ્રેમાર્દ્ર આંખોથી સભર જાજ્વલ્યમાન મૈત્રેયી દેવીને મેં પ્રશ્ન કર્યો, "આપને આ આશ્રમ બનાવવાની પ્રેરણા કેવી રીતે થઈ?"
થોડીવાર શાંત રહી મને કહે, "ભાઈ એ મારા પરની પ્રભુ કૃપાનો પ્રસાદ છે."
મેં પૂછ્યું,"એવી તે કેવી કૃપા?"
મલકતાં મોંએ જવાબ મળ્યો,"સમય લઈને આવ્યા છોને? ઉતાવળ તો નથીને?"
મેં કહ્યું,"આજનો દિવસ આશ્રમની માહિતી અને આપની મુલાકાત માટે જ છે."
ટેબલ પર હાથ ટેકવી મારી સામે આંખમા આંખ મેળવી ખૂબ શાંત સ્વરે બોલ્યા.
"હું શેઠ વિનયચંદ્ર દેસાઈનું એકનુંએક સંતાન. મારા જન્મ પછી બીજા બે સંતાન પુત્રો અલ્પ આયુષી થયા જે બે વર્ષના થયાને ઈશ્વર શરણ થયા. પછી માતાની તબિયત ઠીક ન રહેતા તેઓએ મને જ પુત્રવત ઉછેરવા માંડી. હું પણ ખૂબ ખંત પૂર્વક અભ્યાસ અને શિક્ષણેતર બાબતોમાં શાળામાં અગ્રિમ રહેતી. પરંતુ મારો સ્વભાવ થાડો તેજ. આથી જો કોઈ છોકરીને સતાવે કે શાબ્દિક છંછેડવાની કોશિશ કરે તો મારાથી સહન ન થાય. હું તે ગમે તે હોય ઝૂડી કાઢું.
માતપિતાને ફરિયાદ જાય અને મને કંઈ કહે તો કહું કે દીકરી હોવું એ કોઈ ગૂનો નથી અને હા દીકરીઓ પણ માણસ જ છે. એને પણ પોતાનું સ્વમાન હોય છે. એટલે અબળા ધારી કોઈ છંછેડે તો માર તો ખાવો જ પડશે. હું સ્કૂલમાં પણ છોકરાઓની જેમ પેન્ટ-શર્ટ-ટાઈ જ પહેરતી. અભ્યાસમાં તો અવ્વલ હતી જ પરંતુ ખેલકૂદમાં અને ખાસ કરીને એથ્લેટિક્સમાં પણ સ્ટેટ અને નેશનલ લેવલ સુધી ચંદ્રકો અને ઈનામ જીતી લાવતી. મારો સ્વભાવ જ કૈંક વિશિષ્ટ હતો.
મારી સાથેની છોકરીઓ વયસ્ક થતા સ્ત્રી સહજ પિરિયડમાં બેસે, તે હજુ હું સોળ વર્ષની થવા છતાં મને ન થતાં માતાપિતાને ચિંતા થતા ગાયનેક ડોક્ટરને બતાવી.
વિવિધ ટેસ્ટ કરવાથી અને સોનોગ્રાફીથી જાણવા મળ્યું કે હું ઓવરીઝ ધરાવતી નથી.
મારા માતાપિતા પર તો આભ તૂટી પડયું. મને પણ આજીવન માતૃત્વ વંચિત રહેવાની આ સજાએ એકાંતમાં ખૂબ રડાવી. રાતોની રાતો હું જાગતી રહેતી. મારામાં ફેલાયેલા શારીરિક ક્ષતિના સહરા વિશે ઈશ્વરને ફરિયાદ કરતી કે મારા એવા ક્યા જન્મના પાપની તેં આ સજા મને આપી છે કે એક દીકરી બનાવીને ખળખળ વહેતી માતૃત્વની ધારાને રૂંધી વંચિત રહેવાની અકાટ્ય સજા કેમ આપી?
છતાં માતાપિતા સામે એક પીઢ વારસદાર બની કહેતી કે, હોય આવું પણ હોય, એ ઘણો વિચક્ષણ છે એણે કંઈક વિચારીને જ આ ક્ષતિ મને જ આપી છે. એ પરીક્ષા એની જ લે છે જે સક્ષમ હોય છે. તમે ચિંતા ના કરો એ જ કંઈક રસ્તો બતાવશે.
મારી યુવાવસ્થાનું સૌંદર્ય જોઈ જ્ઞાતિના ઘણા યુવાનો જીવનસાથી બનાવવા ઈચ્છતા અને જ્યારે વ્યવહારિકતા નિભાવવા રૂબરૂ ઘરે આવે ત્યારે હું મારી ક્ષતિ વિશે સ્પષ્ટતા કરતી અને આથી સમાજમાં ખબર પડતા એ બાબત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.
આ બાજુ મારા માતાપિતાની ચિંતાએ તેઓનું સ્વાસ્થ્ય કથળાવ્યું.
હું ત્રીસીમાં બેસી ગઈ.
બે વર્ષના સમયમાં માતાપિતા એ નશ્વરદેહ છોડી દીધા. પિતાની અઢળક સંપત્તિની વારસદાર હું જ હતી.
આથી તેનો કાયદાકીય પ્રક્રિયા પછી મેં નિશ્ચય કર્યો કે ભલે હું દૈહિક માતૃત્વ ધારણ કરવા અસમર્થ છું. પરંતુ હે ઈશ્વર હું તારી સામે એમ હાર નહીં માનું હું પણ તારો જ અંશ છું.
ને ધીમે ધીમે હું એક એનજીઓ - માં કામ કરવા જોડાઈ.
તેનો બે વર્ષનો અનુભવ મેળવી તેની કામકાજની બારીકીઓ જાણીને એક દિવસ મનોમન નક્કી કર્યું કે હવે હું એક બે નહીં પરંતુ સમાજના ડરથી પોતાના આવેગોના પરિણામ રૂપ ત્યજાયેલા બાળકો માટે મા બનીશ અને આ આશ્રમનો પાયો નખાયો.
મારા આ સદકાર્યમાં ગુણીજનો પણ મદદરૂપ થયા.
એક વર્ષમાં આરંભાયેલું કાર્ય આશ્રમના રૂપમાં પૂર્ણ થયું.
મેં નિસંતાનના શાપને અતિક્રમી બહુ મોટું માતૃત્વ ધારણ કર્યું. હું રણ માંથી રૂપાંતરિત થઈ ખળખળ અસ્ખલિત વહેતી પૂર્ણ સલીલા બની.
આશ્રમનું નામ પણ તરછોડાયેલા બાળકોને 'મા' નું વાત્સલ્ય મળી રહે અને નમાયાનો પડછાયો ન પડે એ માટે 'મા' જ રાખ્યું.
આથી મારો માતૃત્વ ભાવ પણ અસ્ખલિત વહેતો રહે.
અહીં આવેલા બાળકને ભણાવી તૈયાર કરવામાં આવે છે અને તેની ઈચ્છા હોય તો આશ્રમમાં રહેવાની છૂટ છે, નહીં તો પોતાનો સંસાર વસાવી દૂર રહી શકે છે.
પરંતુ હું ભાગ્યશાળી છું કે અહીંથી સમાજમાં ગયેલા મારા સંતાનો ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં પોતાની આ મા-ને અને આશ્રમને ભૂલે એવા કૃતઘ્ની નથી. આ આશ્રમને તન, મન, ધનથી ભર્યો ભર્યો રાખે છે.
તો લો ભાઈ! આ છે મારી એક માતૃત્વ વંચિતાની જીતની નાનકડી કથા."
અમારો સંવાદ પૂરો થયો ત્યાં બહાર ઘણી કિલકારીઓ સંભળાઈ અને પાંચ પરિવાર પોતાના સંતાનો સાથે 'મા' ને મળી આશિષ લેવા આવ્યા. સૌએ દંડવત કરી કરૂણામયી મા-ના આશિષ લઈ 'મા'ને વહાલની ચૂમીઓથી નવરાવી દીધી.
મારી આંખોમાં નમી ઉભરાઈ, મેં ઊભા થઈ તેમને દંડવત પ્રણામ કર્યાં.
અને મા જગદંબિકા સ્વરૂપ મૈત્રેયીદેવીના આશિષ સાથે તૃપ્તિકર શાતા લઈ વિદાય લીધી.






6
શીર્ષક : કેટલા વાગ્યા?
લેખન : સેજલ શાહ 'સાંજ'
ઇમેઇલ : sejal2383@gmail.com

"કેટલા વાગ્યા?" એણે પૂછ્યું.
"૧૧-૩૦" મે કહ્યું.
અડધોએક કલાક થયો હશે ત્યાં એણે ફરી પૂછ્યું,"કેટલા વાગ્યા?"
મને થયું કે કદાચ એને ભૂખ લાગી હશે, જમવાનો સમય થઈ ગયો હતો એટલે કદાચ વારે વારે સમય પૂછતી હશે. મે એને ફરી જવાબ આપ્યો,"બાર વાગ્યા."
મારો જવાબ સાંભળવામાં જાણે એને કોઈ રસ નહોતો. કેટલા વાગ્યા એ જાણવામાંય રસ નહોતો. હું હિમાંશુભાઈ સાથે વાતચીતમાં વ્યસ્ત હતી, છતાં વારે વારે મારાથી એની તરફ જોવાઈ જતું હતું. ખબર નહિ કેમ, પણ એની આંખો કંઇક કહેવા માંગતી હતી. જોબનો પહેલો દિવસ હતો એટલે હિમાંશુભાઈ મને બીજા દર્દીઓની ઓળખાણ કરાવી રહ્યાં હતાં એ એને ગમતું નહોતું. એટલામાં જમવાનું આવી ગયું. એણે જમી લીધું. હું અને હિમાંશુભાઈ સતત અમારું કામ કરી રહ્યાં હતાં. હિમાંશુભાઈ મને એનજીઓ વિશે બધી માહિતી આપી રહ્યાં હતાં. મારે બીજા દિવસથી શું કામ કરવાનું છે, એ વિશે જણાવી રહ્યાં હતા. એટલામાં એણે ફરી પૂછ્યું,"કેટલા વાગ્યા?"
હું કંઈ બોલું એ પહેલાં જ હિમાંશુભાઈએ મને અટકાવી,"બેન એ આખો દિવસ આવતાં જતાં બધાને આ જ સવાલ કર્યા કરે છે. કેટલા વાગ્યા? એટલે એને જવાબ ના આપશો."
હું કંઇ પણ બોલ્યા વગર એની સામે નજર કરી મારું કામ પતાવી બીજા દિવસે આવીશ એમ કહી ઘરે જવા નીકળી. હું મારા એક્ટિવા પર બેઠી ત્યાં સુધી એ મને ધારી ધારીને જોઈ રહી હતી, પણ મેં ઘર તરફ દિશા પકડી. આખા રસ્તે એનો ચહેરો મારી નજર સામેથી ખસતો નહોતો. ઘરે આવ્યા પછી પણ મારું મન કશામાં નહોતું લાગતું. હું બસ કાલ પડવાની રાહ જોઈ રહી હતી. બીજા દિવસે નક્કી કરેલા સમયે હું ત્યાં પહોંચી ગઈ. મારા આવતાં જ એણે પૂછ્યું,"કેટલા વાગ્યા?"
મે માત્ર એટલું જ કહ્યું,"દસ."
નવી નવી જોબ હતી એટલે બીજા ઘણા કામ હતાં જે મારે શીખવાના હતા. હું ઓફિસમાં બેઠી બેઠી મારું કામ કરી રહી હતી. એ ઓફિસની બરાબર સામે જ ખાટલામાં બેઠી બેઠી મારી સામે જોઈ રહી હતી. આવું સતત ચાર પાંચ દિવસ ચાલ્યું. એક દિવસ ઓફિસમાં કંઈ ખાસ કામ નહોતું એટલે હું જરા બહાર આંટો મારવા આવી. એણે મને જોઈ એટલે પૂછ્યું,"કેટલા વાગ્યા?"
હું કંઈ પણ બોલ્યા વગર એની પાસે ગઈ. એના ખાટલામાં જઈને એની પાસે બેઠી. એની ખુશીનો પાર નહોતો. જે એના ચહેરા પર સાફ વંચાઈ રહ્યું હતું. એ થોડી ખસીને મારી નજીક આવી. હું શું કહું? શું બોલું? મને કંઈ જ સમજાતું નહોતું. એ બસ ઉપરથી નીચે સુધી મને જોઈ રહી હતી. મારી કોઈ વાત કે સવાલનો જવાબ આપવા એ સક્ષમ નહોતી, એ વાતની મને ખબર હતી. બસ થોડી વાર સુધી હું એની પાસે બેસી રહી. થોડી વાર પછી હું મારા કામે વળગી. એ પછી આખો દિવસ એણે એક પણ વાર કોઈને પૂછ્યું નથી કે કેટલા વાગ્યા? બીજા દિવસે ફરી પાછું ચાલુ. જેવી હું આવી એવી એ ચૂપ. બસ પછી એ રૂટિન થઈ ગયું. જયાં સુધી હું ન આવું ત્યાં સુધી બધાને પૂછ્યા કરતી. પછી આખો દિવસ ચૂપ. ખબર નહિ કોણ જાણે શું મળી ગયું હતું એને મારામાં? થોડા જ દિવસોમાં એ મારી સખી બની ગઈ હતી. હા એનું નામ મેં જ પાડ્યું હતું સખી. હું સખી કહી એને બોલાવતી ત્યારે એ ઝૂમી ઉઠતી. અમારી વચ્ચે કોઈ સંબંધ તો નહોતો, પણ અમારી વચ્ચે કોઈ ઋણાનુબંધ પાંગરી રહ્યો હતો. કદાચ એકબીજાના અસ્તિત્વની આરપાર જોઈ શક્યા હતા. એક એવો ઋણાનુબંધ જ્યાં સંવાદને અવકાશ નહોતો. બસ જરૂર હતી એક હૂંફની, કોઈ પોતાનું કહી શકાય એવી વ્યક્તિની.
એક દિવસ હું મારું કામ કરી રહી હતી ત્યાં એક પુરુષ એને જોવા આવ્યો. એ સમયે સખી રોજ કરતા વધારે ડિસ્ટર્બ લાગી. એનું માનસિક સંતુલન વધુ નબળુ થઈ રહ્યું હતું. પેલો માણસ થોડી વાર એને જોઈને જતો રહ્યો. એ પછી સખી તરત જ નોર્મલ થઈ ગઈ. જાણે કશું બન્યું જ નહોતું. મારું મન અવઢવમાં પડ્યું. હું કશું સમજી નહોતી શકતી. ધીરે રહીને એની કેસ હિસ્ટ્રી કઢાવી. ત્યારે ખબર પડી કે પેલો માણસ એનો વર હતો, પણ મને એ નહોતું સમજાતું કે એના વરને જોઈને સખીનું વર્તન કેમ બદલાઈ ગયું. એક દિવસ બપોરનો સમય હતો. બધા દર્દીઓ જમીને સુઈ ગયા હતા. એટલે હું ધીરે રહીને એની પાસે જઈને બેઠી. એ જાગતી જ હતી. થોડી વાર આમ તેમ વાતો કરી. પછી ધીરે રહીને મે એને પૂછ્યું,"તું આ નાટક શા માટે કરે છે?"
"બેન કોઈને કહેતા નહિ તમને મારા હમ. બેન હું ઇને છોકરું નતી આલી હકતી. ઇ વાતે ઈ ખૂબ મૂંઝાતો. મારી હાહુ મારી હારે રોજ બાઝતી. અમ હાહું વહુના કજીયાથી ઈ કંટાળી ગ્યો તો. એવામાં ઈને બાર કોકની હારે સંબંધ થઈ ગયો. એના પેટે એને રૂપાળી દિકરી હતી, પણ ઈ ઘરમાં કાંઈ કહી નતો હકતો. એક દી પેલીનો ફોન આઇવો તે મે લીધો. એ નાવા ગ્યાં તો. તે હામેથી પેલી બાયડીનો અવાજ આઈવો કે તમે હટ આવો નઈતો આપણી દીકરી જીવ ખોઈ દેશે. બસ એ દીથી મે નાટક કરવાનું ચાલુ કર્યું તે આજ લગી ચાલુ છે."
"પણ એને ખ્યાલ ન આવ્યો?"
"ઈને ખબર સે, એટલે તો થોડા થોડા દહાડે ઈ મને જોવા આવ સ."
થોડી ક્ષણો માટે હું સ્તબ્ધ થઈ ગઈ. સ્ત્રી આ હદે બલિદાન આપી શકે? પોતાનું અસ્તિત્વ ખોઈને પુરુષને જીવાડી શકે. મનમાં સખી માટે ખૂબ માન થઈ આવ્યું.


"સોનલબેન આજે ઘરે નથી જવું?" હિમાંશુભાઇએ બુમ પાડી
મારાથી અનાયાસે પુછાઇ ગયું,"કેટલા વાગ્યા?"
સખીએ મારી સામે જોયું અને અમે બંને હસી પડ્યાં.







7
શીર્ષક:- જુગલબંધી (સત્ય ઘટના પર આધારિત)
લેખન:- નિષ્ઠા વછરાજાની
ઈમેઈલ:- nishthadv05@gmail.com


અમદાવાદનો ઠાકોરભાઈ દેસાઈ હોલ દર્શકોની હકડેઠઠ ભીડથી ઉભરાતો હતો. લોકો 'અમન દેસાઈ શૉ'ની ટિકિટો ખરીદવા પડાપડી કરી રહ્યાં હતાં. ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ ને થોડી જ વારમાં હાઉસફૂલના પાટિયાં ઝૂલવા લાગ્યાં. તે કેમ ન હોય! ગાયક અમન દેસાઈ ને સારંગી અમીનની બેલડીએ સુગમ સંગીત ને ગઝલ ગાયકીમાં ખાસ્સું એવું કાઠું કાઢ્યું હતું. એમણે સંગીત રસિયાઓને રીતસરનું ઘેલું લગાડ્યું હતું.

શૉ શરૂ થવાને હજુ થોડીવાર હતી. ત્યાં જ અમન દેસાઈની ચમચમાતી કારે હોલના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. જેવી લોકોને અમન દેસાઈના આગમનની જાણ થ‌ઈ. ચારેકોર 'હો..હો' ને દેકારો ચાલું થઈ ગયાં. લોકોએ તેની કારને ચારેબાજુથી ઘેરી લીધી. અમન દેસાઈ સાથે ફોટો પડાવવા ને ઓટોગ્રાફ લેવા પબ્લિકે રીતસર ધસારો કર્યો. અમન દેસાઈએ પણ પોતાની કારના રૂફટૉપની બહાર નીકળીને હાથ હલાવીને સહુનું અભિવાદન કર્યું. ચારેકોરથી 'અમન દેસાઈ..અમન દેસાઈ''ના નામની બૂમો ને સીટીઓનાં અવાજ સંભળાવા લાગ્યાં. શૉના આયોજકોએ કોર્ડન કરીને અમન અને સારંગીને મહામુસીબતે હોલની અંદર પહોંચાડ્યાં.

થોડી જ વારમાં શૉ શરૂ થવાનો બેલ વાગ્યો ને અમને હારમોનિયમ પર મંદ સપ્તકમાં સા... વગાડવો શરૂ કર્યો ને પછી અમનની સૂરીલી સરસ્વતી વંદના સાથે પ્રોગ્રામ ચાલુ થયો. અમન અને સારંગીએ સુગમ સંગીત, ગઝલો ને લોકગીતો ગાઈને મહેફિલ જમાવી દીધી. વચ્ચે વચ્ચે ઓડિયન્સમાંથી વન્સ મૉર..વન્સ મૉરના અવાજો આવતાં. એ સાંભળી અમન અને સારંગી એકબીજા સામે જોઈને મીઠું મલકી લેતાં. પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો. લોકોએ આ પ્રોગ્રામ ખૂબ રસપૂર્વક માણ્યો ને અમન અને સારંગીના ગીતોએ લોકમાનસ પર અમીટ છાપ છોડી દીધી.

હવે, દેશ-વિદેશમાં જ્યાં પણ અમનના પ્રોગ્રામ હોય ત્યાં મુખ્ય ગાયિકા તરીકે સારંગી તેની સાથે જ હોય. અમનનું સારંગી સાથે ટયુનિંગ એટલું સારું હતું કે, ગીતોમાં કંઈ વૅરિએશન કરવા હોય તો સારંગી એ ગીતને અમન ક‌ઈ રીતે મૉડીફાઈ કરવા માંગે છે એ તરત સમજી જતી ને એ પ્રમાણે ગાઈને બતાવી પણ શકતી. એમનાં જ મ્યુઝિક ગ્રુપમાં અલકા પણ હતી. તેને અમનના પ્રોગ્રામમાં મુખ્ય ગાયિકા બનવું હતું પરંતુ, સારંગીના રહેતાં એ શકય ન હતું એટલે એણે કોઈપણ ભોગે અમનને ઈમ્પ્રેસ કરવાના પ્રયત્નો ચાલુ કરી દીધાં, પણ અમને તેને જરાપણ ભાવ આપ્યો નહીં એટલે ગુસ્સે ભરાઈને બદલો લેવાની ભાવનાથી એણે બધે વાત ફેલાવવાની શરૂ કરી કે,'અમનને સારંગી સાથે અનૈતિક સંબંધો છે.'

અમન અને સારંગીની ગાયકીની લોકપ્રિયતાની સાથે સાથે એમનાં સંબંધો પણ ચર્ચાવા લાગ્યાં. ઉડતી ઉડતી આ વાત અમનની પત્ની શોભાને કાને પણ પડી. ત્યારે એણે અમનને આ અંગે સવાલ પણ પૂછયો,
"અમન, સાચું બોલજે. તારી અને સારંગી વચ્ચે શું છે?"
ત્યારે અમને હસતાં હસતાં એને કહ્યું,
"ડાર્લિંગ, તું પણ શું આવી બેકારની વાતો પર ધ્યાન આપે છે. તું જાણે જ છે કે, સારંગી મારી સ્ટુડન્ટ છે. એ સારું ગાય છે ને એનાં અને મારા અવાજની જુગલબંધી વખણાય છે એટલે જ હું લીડ સિંગર તરીકે એને લેવાનો આગ્રહ રાખું છું. બાકી, તું વિશ્વાસ રાખ. લોકો જે બોલે છે એવું કંઈ અમારી વચ્ચે નથી."
અને અમનની આ ચોખવટથી શોભાના મનનું સમાધાન થઈ ગયું.

આ બાજુ, અલકા કોઈપણ‌ ભોગે સારંગીને અમનથી દૂર કરવા માંગતી હતી એટલે એણે અમનને ઘરે જ‌ઈ શોભાના કાન ભરવા શરૂ કર્યા. એણે પોતે શોભાની શુભચિંતક હોય તેવો ડોળ કરી શોભાને કહ્યું,
"ભાભી, તમે તો સાવ ભોળાં છો. અમે તો પ્રોગ્રામની પ્રેક્ટિસ વખતે જોઈએ છીએ ને એ તમને કહું છું. સારંગી, અમન સરને પટાવીને દરેક પ્રોગ્રામમાં મુખ્ય ગાયિકા તરીકે ગાય છે. ગ્રુપમાં અમે પણ છીએ પણ અમન સર દરેક વખતે માત્ર એને જ ચાન્સ આપે છે ને પોતાની સાથે દેશ-વિદેશમાં પ્રોગ્રામો આપવા લ‌ઈ જાય છે. જરા વિચારો. આવું કેમ? જુઓ ભાભી, હું તમને ચેતવું છું કે તમે ધ્યાન રાખો નહીં તો આ સારંગી અમન સરને ઉડાવી જશે ને તમે જોતાં રહી જશો."

એ રાત્રે અમન પ્રોગ્રામ પતાવીને થાક્યો પાક્યો ઘેર આવ્યો ને શોભાએ આખું ઘર માથે લીધું.
"અમન, હવે બહું થયું. તું સારંગીને તારા ગ્રુપમાંથી કાઢી નાંખ નહીં તો તારા ને મારા સંબંધો પૂરાં. તને મારો કે આપણી આ બંને દીકરીઓનો જરા પણ વિચાર નથી આવતો?"
અમને એને ખૂબ સમજાવાનો પ્રયત્ન કર્યો કે, તેને આ રુપિયા, માનમરતબો ને સફળતા મળી છે. એમાં સારંગીની ગાયકીનો પણ સિંહફાળો છે પણ શોભા કંઈ સાંભળવા તૈયાર જ ન હતી.

બીજે દિવસે, સારંગી કોઈ કામના સંદર્ભમાં અમનને મળવા એને ઘેર આવે છે ત્યારે, શોભા તેનું ખૂબ અપમાન કરી તેને કાઢી મૂકે છે. સારંગી એને કશું કહ્યાં વગર ત્યાંથી નીકળી જાય છે ને અમનના મ્યુઝિક કલાસ પર જાય છે. ત્યાં જઈને એ સૂનમૂન બેસી રહે છે ને થોડી જ વારમાં અનાયાસે જ તેનો હાથ હારમોનિયમ પર ફરવા લાગે છે ને એ તીવ્ર સપ્તકમાં સા... છેડે છે. ત્યાં જ, અમન આવે છે એ બંને એકબીજાંની સામે જુએ છે ને એકબીજાનાં મનનાં ભાવો કળી જાય છે. એક પણ શબ્દ બોલ્યાં વિના સારંગી ત્યાંથી અને અમનની જિંદગીમાંથી જતી રહે છે. અમન ખૂબ દુ:ખી થાય છે, પણ એને પોતાના પરિવારને બચાવવા મૌન સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી. હવે, અમન, સારંગી વગર જ પ્રોગ્રામ આપવા લાગે છે. અલકાને મુખ્ય ગાયિકા તરીકે રજૂ કરે છે, પણ એની અને સારંગીની બેલડીની જુગલબંધીથી ટેવાયેલાં લોકો આ બદલાવ સ્વીકારતાં નથી. ધીમે ધીમે અમનને પ્રોગ્રામ ઓછાં મળવા લાગે છે ને એ પોતાની લોકપ્રિયતા પણ ગુમાવી બેસે છે. આથી, અમન ડિપ્રેશનમાં રહેવા લાગે છે.

સમય જતાં, શોભાની પણ તબિયત બગડતાં બધાં રિપોર્ટ કરાવતાં એને થર્ડ સ્ટેજમાં કેન્સર હોવાની જાણ થાય છે ને એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. વળી, તેને ખ્યાલ આવે છે કે, એની પાસે હવે બહુ સમય નથી. એને પોતાની બંને દીકરીઓ તથા અમનની ખૂબ ચિંતા થવા લાગે છે. એને વિચાર આવે છે,
"મારા પછી એમનું કોણ?"
સહસા એના મનમાં સારંગીનું નામ ઝબકી ઉઠે છે.
એ સાથે જ એને યાદ આવે છે કે પોતે કેટલાં કઠોર શબ્દોમાં તેનું અપમાન કર્યું હતું. એને પોતાની ભૂલ સમજાય છે ને એને પારાવાર પસ્તાવો થવા લાગે છે.

એ અમનને વિનંતી કરી સારંગીને પાછી બોલાવી તેની ખૂબ માફી માંગે છે. એ સારંગીની કહે છે,
"સારંગી, મને માફ કરી દે. મેં તને સમજવામાં ખૂબ ભૂલ કરી છે. મને હવે સમજાય છે કે,અમનની સા.. થી સા.. ની સરગમ વચ્ચે તું જ સમાયેલી હતી, છે ને રહીશ. તમે એકબીજા માટે જ ઘડાયાં છો."
ને શોભા સારંગીને અમન સાથે લગ્ન કરીને પોતાની દીકરીઓની સંભાળ રાખવા માટે રીતસર વિનવે છે. એ સારંગીને કહે છે,
"તું મરતા માણસની અંતિમ ઈચ્છા પૂરી નહીં કરે?"
ત્યારે, સારંગી કહે છે,
"દીદી, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ એ જ કહું છું કે અમન ને મારી વચ્ચે મિત્રતા છે, આત્મિયતા છે ને લાગે છે કે અમારી વચ્ચે ગયા ભવનું કોઈ ઋણાનુબંધ છે. જે અમને એકબીજા તરફ બાંધી રાખે છે, પણ અમારી વચ્ચે એનાથી વધુ કદીયે કંઈ હતું પણ નહીં ને થશે પણ નહીં."
એ અમન સાથે લગ્ન કરવાની ના પાડે છે અને એની દીકરીઓની જવાબદારી પોતે રાખશે એવું શોભાને વચન આપે છે. આ સાંભળતાં જ શોભાના મનને શાંતિ થાય છે ને એ સારંગીના ખોળામાં જ પોતાનું માથું ઢાળી દે છે.

હવે, સારંગી અમનને ઘરે જ રહેવા આવી જાય છે, પણ તેની અને અમન વચ્ચે ખૂબ પવિત્ર સંબંધ રહે છે. બંને એકબીજાનું માન રાખે છે. સારંગી, અમનની બંને નાની દીકરીઓની ખૂબ સંભાળ રાખે છે ને સાથે સાથે પહેલાંની જેમ જ અમન સાથે પ્રોગ્રામ આપવાના પણ ચાલુ કરી દે છે ને એમની જુગલબંધી પાછી લોકપ્રિયતાના
શિખરો સર કરવા લાગે છે.







8
શીર્ષક : તરુણા
લેખન : વૃંદા પંડ્યા

શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા હોલમાં એકદમ શાંતિ છવાયેલી હતી. આજે જેનું સન્માન થવા જઈ રહ્યું હતું એ કોઈ નેતા કે અભિનેતાનું નહી પણ એક ગૃહિણીનું હતુ.
વર્ષોથી અડીખમ ઉભા રહી એમણે ગૃહિણી તરીકેની ફરજ ખૂબજ સુંદર રીતે નિભાવી હતી. જવાબદારીઓ વચ્ચે પોતાના માટે થોડી ક્ષણો શોધી લેખન પ્રવૃત્તિ શરૂ કરી. એમના દ્રારા લખાયેલા લેખો સોશિયલ મીડિયા પર ખૂબ વંચાતા. આવા જ સુંદર કળાના માલકીન તરુણાબેન દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતુ જેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું.
શહેરના મહિલા મંડળ દ્વારા આવી પ્રતિભાશાળી વ્યક્તિનું સન્માન કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પ્રાસંગિક સ્વાગત વિધિ પતી ગયા પછી સભા સંચાલકે તરુણાબેનને સ્ટેજ પર આવી પોતાના પુસ્તક વિશે માહિતગાર કરવા વિનંતી કરી.
"જુઓ મિત્રો, સ્ટેજ પરથી સ્થિર ઘંટડી જેવો મીઠો તરુણાબેનનો અવાજ વહેવા લાગ્યો.
આ નવલિકા "અસ્તિવની આરપાર" એ એક એવી સ્ત્રીની વાર્તા છે કે જે સપના પુરા કરવા જ જાગે છે અને ખુલ્લી આંખના સપના પુરા કરવા ઝઝૂમે છે, સંઘર્ષ કરે છે.
હા પણ એના સપના કંઈ એટલા મોટા નથી કે કોઈ સામાન્ય વ્યક્તિ એને પુરા કરી શકે નહી. એનું સપનું આકાશમાં ઊડાવાનું છે, પણ એને એના આકાશની ખબર છે એની બહાર એને ઊડવુ નથી, પણ આ નાનકડું આકાશ મેળવવા માટે પણ એણે કરવા પડતા સંઘર્ષની આમાં વાત છે. એમાં સ્ત્રીની લાગણી અને સમર્પણની ને આટઆટલા સમર્પણ પછી પણ એની લાગણીને નહીં સમજનાર ટૂંકી માનસિકતા ધરાવતા લોકો વચ્ચે કરવા પડતા સમાધાનની વાત છે.
તરુણા... કે જે મારી વાર્તાનું મુખ્ય સ્ત્રી પાત્ર છે જે પિતાની બીમારીના સમયે પોતાનો ઉચ્ચ અભ્યાસ છોડી ઓળખીતાને ત્યાં નોકરી શરૂ કરે છે, પણ ત્યાં પણ એની ગરીબી અને મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો એક પણ વ્યકતિ મોકો છોડતા નથી. દરેક વ્યક્તિ અલગઅલગ રીતે એક જ વાતનો પ્રસ્તાવ લઈને એની પાસે આવે છે અને ડગલે ને પગલે એણે પોતાની જાતને આવા હડકાયા કૂતરા જેવી માનસિકતા ધરાવતા લોકોથી બચાવવી પડે છે. પિતાને કે ઘરમાં કોઈને પણ આ વાત કહી શકતી નથી ને એકલી જ આવા સંજોગો સામે ગૂંગળાયા કરે છે.
જ્યાંરે હિંમત ભેગી કરી પોતાની કારકિર્દી આગળ વધારવાની વાત વિચારતી હોય છે ત્યાં જ એના લગ્ન સુખી સંપન્ન પરિવારમાં થઈ જાય છે.
લગ્ન પછી એને એવી માનસિકતાના લોકો સાથે મુલાકાત થાય છે કે જેમાં વહુ દીકરી બહાર જઈને નોકરી કરે તો શરમ અનુભવાય છે વળી એના પતિનો એને ખાલી શારીરિક સાથ મળે છે, પણ એક નૈતિક આધાર મળવો જોઈએ એ મળતો નથી. આખરે એના સપનાંના તંતુને બાળઉછેર અને ઘરની જવાબદારીના બોજા હેઠળ કચડી નાખવામાં આવે છે.
વર્ષોથી સ્ત્રી સાથે આવુ જ થતું આવ્યું છે ને ! વર્ષો પહેલા ભણતરથી વંચિત રાખી હોવા છતાં ખેતરમાં પણ વાવણીથી લઈને લણણી જેવા ઘણા કર્યામાં સાથસહકાર આપતી અને ઘર તથા પાળેલા પશુઓનું વાસીદું પણ કરતી હોવા છતાં એ સમયનો સ્ત્રી વર્ગ કેટલો દબાયેલો અને પિસાયેલો હતો. સમય બદલાયો છે એની ના નથી, બધા જ જાણે છે કે દરેક સંબંધ 70:30 ના સમાધાન પર ચાલતા હોય છે પણ આ 70%નું સમાધાન સ્ત્રીઓ પાસે જ કેમ કરાવવામાં આવે છે!
સમાનતાની વાત કરવાવાળો આ સમાજ આજે સ્ત્રીને સલામતી પણ આપી શક્યો છે ખરો! ઘરમાં ને બહાર બધે જ સ્ત્રીએ અસમાનતાનો સામનો કરવો પડે છે.
દીકરી કહ્યાગરી બની તો સપના હૈયે દબાય અને સપના ને ઈચ્છાઓ માટે ઝુંબેશ કરી તો સ્વચ્છંદી કહેવાય.
આવી જ સમાનતા-અસમાનતાના સંઘર્ષ વચ્ચે પોતાના અસ્તિવને ટકાવી રાખવા ઝઝૂમતી સ્ત્રીની કહાની છે.
મિત્રો ઘણું કહેવાઈ ગયું હવે તરુણાના સપનાના તરું મુરઝાય છે કે આત્મવિશ્વાસનું પાણી સિંચન થાય છે એ આપ સૌ વાચક મિત્રો વાંચીને જાણજો.
હવે તમને પ્રશ્નોતરી માટે અનુરોધ કરું છુ. તમારા પ્રશ્નોના હું જરૂરથી જવાબ આપીશ.
સભા સંચાલકે બાગડોર પોતાના હાથમાં લઈ હરોળબંધ પ્રશ્નોતરી શરૂ કરી.
"તરુણાબેન આપે આપની નવલિકાના સ્ત્રી પાત્રનું નામ તરુણા આપ્યું છે તો શું આ વાર્તાને આપના અંગત જીવન સાથે સાંકળી શકાય ખરી?"
"તરુણાબેનના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. મને આ પ્રશ્નની અપેક્ષા હતી જ. તરુણા એ જમીન ચીરીને ઉગતા ને વિકસવા મથામણ કરતા તરણાં જેવી ખંતીલી યુવતીની વાત છે. જે તરણાંના ઓથે આખો ડુંગર પલવાય છે. એવી એક સ્વપ્નદ્રષ્ટા યુવતીની કહાની છે જે સ્વપ્ન જોઈ એને પુરા કરવા ઝઝૂમે છે એટલે મારા જીવન સાથે તુલના કરવાનો કોઈ મતલબ જ નથી અને જો તુલના કરવા જશો તો એની તુલના પ્રત્યેક સ્ત્રી સાથે થઈ શકશે."
"તરુણાના જીવનનો કયો પ્રસંગ આપના અંગત જીવન સાથે મળતો આવે છે?"
"તરુણા ...મારી નવલિકાનું જે સ્ત્રી પાત્ર છે એ દરેક સ્ત્રીનું એક અથવા બીજા પ્રકારે પ્રતિનિધિત્વ કરશે જ એટલે દરેક સ્ત્રીના જીવનનો એકાદ પ્રસંગ તો તરુણાના જીવનને અનુરૂપ લાગશે જ. એટલે તો એ પાત્ર સૌને આટલું પોતીકું લાગ્યું છે."
"તરુણાના જીવનમાં બનેલ કઈ વાત એના જીવનમાં બનવી જોઈતી નહતી?"
"આમ તો એના જીવનમાં બનેલી એકપણ ઘટના કોઈપણ સ્ત્રીના જીવનમાં બનવી જ ના જોઈએ. કોઈપણ વ્યક્તિ બહારની દુનિયા સામે સંઘર્ષ કરી શકે છે, પણ પરિવાર સામે સંઘર્ષ કરતા હજાર વાર વિચાર કરે છે ને આવી જ અવઢવને અંતે ઘણી સ્વપ્નશીલ યુવતીના સપના બસ હૈયામાં દબાઈને રહી જતા હોય છે. અરે! જેને પોતાનું સર્વસ્વ આપી દીધું, પોતાની જાત સુધ્ધા પણ સોંપી દીધી એવા પતિનો જો સાથ સહકાર ન મળે એ સૌથી આઘાતજનક વાત કહેવાય ને કોઈના પણ જીવનમાં આ વાત કયારેય બનવી ના જોઈએ. બોલતા બોલાતા તરુણાબેન થોડા ભાવુક થયા."
"તરુણાને જેમ એના પતિ સહકાર નથી આપતા એમ આપને એવું કયારેય લાગ્યું ખરું?"
આ પ્રશ્નથી તેઓ થોડા વિચલિત થયા પણ સંજોગો સંભાળી જવાબ આપ્યો.
"જુઓ, મારુ આ પુસ્તક કોને અર્પણ થયું છે? વળી અહીં ઉપસ્થિત ન હોવા છતાં મારા પતિ આ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ ચોક્કસ જોતા જ હશે એટલો તો મને વિશ્વાસ છે. આ બાબતે હું થોડી ભાગ્યશાળી છુ."
પ્રશ્નોતરીનો દોર ઘણા લાંબા સમય સુધી ચાલ્યો. પ્રેક્ષકોએ મન ખોલીને પ્રશ્નો પૂછ્યા અને તરુણાબેને પોતાનું હૈયું હાથ પર રાખી મુક્ત મને જવાબ આપ્યા.
પ્રસંગ રંગેચંગે પતાવી બધાને મળી પોતાના ઘરે જવા ગાડીમાં બેઠા ત્યાં જ અત્યાર સુધી શાંત બેઠેલો મોબાઇલ રણકી ઉઠયો ને સ્ક્રીન પરનો નંબર જોતા તરુણાબેન બે ધડકન એક સાથે ચૂકી ગયા.
હેલો! એમનો અવાજ રીતસર ધ્રુજી ગયો.
"જોયું તારા પ્રોગ્રામનું જીવંતપ્રસારણ. તને આ ચિતરામણ કરવાની મેં છૂટ આપી એટલે તારે કઈપણ લખવાનું એમ? તારી કહેવાતી વાર્તાનું પાત્ર તારા નામ પરથી રાખી તું સાબિત શું કરવા માંગે છે? તને શું નથી આપ્યું મેં? તારા ઘરમાં તમે બધા ભૂખે મરતા હતાં મેં તને જાહોજલાલી વાળી જિંદગી આપી છે, બીજું શું જોઈએ છે તને બોલ? તો પછી શા માટે આવા ચિતરામણમાં તારી જિંદગીને જોડીને મારી ને મારા પરિવારની ઈજ્જત ઉછાળે છે આજથી આ કાગળિયા પર ચિતરડા ચિતરવાનું બંધ કર અને તારુ દરેક લખાણ મને વંચાવી આગળ મોકલવાનું છે સમજી તું. કાગળો લખી લખીને તારા જેવા જ પર્યાવરણને પણ નુકસાન કરે છે. બાકીની વાત ઘરે આવીને કરીશ".
પણ, અરે વાત તો સાંભળો એતો ખાલી વાર્તા...તરુણા બેન આગળ કંઈ બોલે એ પહેલા સામે છેડે ફોન મુકાઈ ગયો.
આખે ટપકું ટપકું કરી રહેલા અશ્રુ બુંદ સાથે એ "અસ્તિવની આરપાર" પુસ્તક પર હાથ ફેરવી રહયા.







9
શીર્ષક : શ્રેય
લેખન : કૌશિકા દેસાઈ

ગંગાપુર ગામ આજે ઝગમઘી રહ્યું હતું. આમ જોવા જઈએ તો બીજા ગામોની જેમ જ આ પણ એક સાધારણ ગામ હતું પણ તેનો સમય સુધરી ગયો હતો. ગંગાપુર હવે ગંગાનગર થવાનું હતું. લોકોના મનમાં એક અનેરો ઉત્સાહ હતો. એવું લાગતું હતું કે જાણે ગામ શૈશવ કાળ છોડીને યૌવન તરફ જઈ રહ્યું હોય. જીવનમાં આ યુવાની તરફ જવાનો જે સમય છે એ ઘણા બદલાવ લાવે છે. એ સુંદરતા અર્પે છે અને કોઈ અનેરો ઉમળકો તથા થનગનાટ વ્યાપી જાય છે. બસ આવોજ બદલાવ આ ગામમાં દેખાઈ રહ્યો હતો. ગામના સરપંચને મન તો આજે એમના ઘરમાં લગ્ન લેવાયા હોય એવો માહોલ હતો. સરપંચ નામે સજ્જનસિંહ હતા પણ ગુણે તે સજ્જન હતાં કે નહીં એ કહી શકાય નહીં. આમ તો ગામનાં લોકો એમને ભગવાન માનતા હતાં કારણકે ગામને નગર બનાવવાની પાછળ એમનો સિંહફાળો હતો. કોઈક અજાણ્યા પાસેથી ગામ માટે આવતાં નાણાંનો ઉપયોગ તે ગામ માટે કરતાં અને એટલે ગામમાં શહેર જેવી બધી જ વ્યવસ્થા ઉભી થઈ ગઈ હતી. આજે ગામમાં કન્યા શાળા તથા મહાવિદ્યાલયનું લોકાર્પણ થવાનું હતું અને એ માટે કલેક્ટર શ્રી આવવાના હતાં અને ગામનું નામ પણ બદલાઈ જવાનું હતું. ગામ આખું આનંદમાં ઝૂમી રહ્યું હતું.
"અરે ચાલો બધાં, શું કર્યા કરો છો? સવારથી તૈયાર થઈ રહ્યાં છો, પણ કોઈ તૈયાર થયું નથી. આતો જાન આવીને પરણી જાય તો પણ આપણે તો ત્યાંના ત્યાં જેવું કામ છે..." જોરથી અને ગુસ્સામાં સજ્જનસિંહ તાડુક્યા.
"તમારે લોકોએ ના આવવું હોય તો રહો હું તો ચાલ્યો, મારે વહેલું પહોંચવું પડે, બધી તૈયારીઓ થઈ કે નહીં, બધો વહીવટ બરાબર છે કે નહીં અને ખાસ તો હું સરપંચ છું, તો મારે તો ચિંતા કરવી જ પડે ને!!!" એમ બોલતાં બોલતાં પોતાની મૂછ પર હાથ ફેરવ્યો અને મલકાયા.
બધા ગાડીમાં બેસી સ્થાન પર પહોંચી ગયા. વ્યવસ્થા બધી થઈ ગઈ હતી. લોકો પણ એકત્રિત થઈ રહ્યાં હતાં. થોડી જ વારમાં જાણે આખું ગામ હાજર હતું. લોકાર્પણનો સમય સવારના ૧૦ વાગ્યાનો હતો. પંદર મિનિટ બાકી હતી ત્યાં જ એક સફેદ ગાડી આવી ઉભી રહી. બધાનાં ચહેરા પર આગંતુકને જોવાની તાલાવેલી દેખાઈ રહી હતી.
ગાડીમાંથી એક ત્રીસ વર્ષની યુવતી સાડીમાં સજ્જ, મુખ પર ચમક અને હોઠો પર સુંદર સ્મિત સાથે ઉતરી. તેણે ઉપસ્થિત સૌની ઉપર નજર ફેરવી માન આપ્યું. સજ્જનસિંહ પર નજર પડતાં જ કોઈ અલગ લાગણી તેની આંખોમાં તરી આવી. તે તેમની નજીક ગઈ અને તેમના ચરણ સ્પર્શ કર્યા. બધાને ખૂબ નવાઈ લાગી. સરપંચ તો વિચારતા જ રહી ગયા કે આ કલેક્ટર બેન એમને કેમ પગે લાગ્યા?
સૌ પોતાના સ્થાન પર જઈ બેસી ગયા. મંચ પર ખુરશીઓ હતી જ્યાં અમુક હોદ્દાવાળા લોકો બિરાજમાન થયા હતાં. એક ખુરશી કલેક્ટર બેનની બાજુમાં ખાલી હતી જે તેમણે ખાસ મુકાવી હતી. કોઈ ખાસ વ્યક્તિ આવવાનું છે એમ કહીને.
કાર્યક્રમ શરૂ થયો, બધાનાં ફૂલહારથી સ્વાગત થયું, બધાંના સંબોધન પણ પત્યા. હવે કલેક્ટર બેન પોતાના વક્તવ્ય માટે ઊભા થયા. તેમણે ઈશારો કર્યો એટલે તેમની સાથે આવેલ ભાઈ એક વૃદ્ધ સ્ત્રીને લઈ આવ્યા અને મંચ પરની ખાલી ખુરશી પર બેસાડી દીધી.
"મારું નામ કલગી છે. મને ખૂબ ખુશી છે કે હું આ ગામનાં આવા સુંદર પ્રસંગે હાજર થઈ છું. આમ કહું તો મારા જીવનની શરૂઆત જ આ ગામથી થઈ છે. મારો જન્મ આ ગામમાં ચોક્કસ થયો છે, પણ મને જીવન આ ગામે નથી આપ્યું. તમને બધાને આશ્ચર્ય થતું હશે, પણ આ વાત સાચી છે. હું આ ગામની એવી દીકરી છું જેને દીકરી હોવાના અપરાધને લીધે મૃત્યુની સજા જન્મ લેતાની સાથે જ સંભળાવામાં આવી હતી. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગામનાં મુખીને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો, મુખીને એ વાતનું ખૂબ દુઃખ થયું એટલે તેમણે દીકરીનું મુખ પણ જોયા વગર તેને દાયણને સોંપીને મારવાનો હુકમ આપી દીધો. તે દિવસથી ના એ દીકરી આ ગામમાં રહી કે ના દાયણ. બસ જો કોઈ રહ્યું હોય તો જન્મ આપનારી અને જીવન જીવવાનો હક આપનારી જનેતા. એ દીકરીની માતાએ પ્રસૂતિ પેહલા જ દાયણને થોડા પૈસા આપી જો દીકરી જન્મે તો તેને અહીથી દૂર લઇ જવા કહ્યું હતું.
એ દીકરી એટલે હું અને એ દાયણ એટલે મારી બાજુમાં બેઠેલા રૂખી મા. મને પોતાની દીકરીની જેમ રાખી છે એટલે મા કહું છું એમને.
હવે આજના કાર્યક્રમની વાત, આ કન્યા શાળા અને મહાવિદ્યાલય નું નામ આપણે રૂખી બેન અને મૃણાલિની રાખીશું. આ નામ એટલા માટે કે આ બંનેની હિંમત અને વિચારધારાને લીધે જ આ ગામ એક નગર તરીકે પરિવર્તિત થઈ શક્યું છે. આ ગામને જે પૈસા મળતાં હતાં તે હું જ મોકલતી હતી અને મને એટલી સક્ષમ બનનાવા પાછળ જે પણ ખર્ચો થયો એ મારી મા મૃણાલિની સજ્જનસિંહ રાજપૂત મોકલતી હતી. મારા પિતાને હું કોઈ દોષ નથી આપતી કારણકે માએ મોકલ્યા તે પૈસા પિતાએ આપેલા ઘરખર્ચમાંથી જ હતાં એટલે એમનો ફાળો ખરો જ ભલેને અજાણતામાં હોય, પણ મારી માએ મારાથી દૂર રહી, ત્રીસ વર્ષ સુધી મને જોઈ પણ નથી અને તે છતાં મારી કેળવણી, મારા ભણતર અને મારી દરેક જરૂરિયાતોનું પૂરતું ધ્યાન રાખ્યું છે. આજે હું જે પણ સ્થાને છું એનો બધો જ શ્રેય આ બે મહાન સ્ત્રીઓને જાય છે. જ્યાં સુધી આવી સ્ત્રીઓ આ જગતમાં છે ત્યાં સુધી આવી કેટલી કલગીઓ પોતાનું જીવન જીવી શકશે. હું આશા રાખું છું કે આજ પછી આ ગામમાં તો ચોક્કસ જ અને આ દેશમાં પણ બીજા સજ્જનસિંહ જન્મ નહીં લે."
આ વક્તવ્ય પૂરું થતાં જ મૃણાલિનીનો ત્રીસ વર્ષનો આંસુઓનો બંધ તૂટી પડ્યો અને તે પોતાની એકની એક પુત્રીને વળગી ચોધાર આંસુએ રડી પડી અને સરપંચ સાહેબ તો ધરતી ફાટે તો સમાઈ જાય એવી સ્થિતિમાં હતાં.












10
શીર્ષક : છેલ્લી પાટલી
લેખન : નંદિની શાહ મહેતા
ઈમેઇલ : mehtanandini@rocketmail.com

જિંદગીનું શ્વસવું કે રુંધાવું,
અજીબોગરીબ પાઠ ભણાવે,
પહેલી પાટલી થી છે...લ્લી...!

"મમ્મા... મમ્મા..." કહેતી હીર સ્કુલેથી ઘરે આવી. "ઘર આવે એટલે બહાર ઝાંપેથી જ બૂમો પાડતી આવે, મારું તોફાન..! સાથે-સાથે આખો દિવસ સ્કૂલમાં કરેલાં તોફાનોની વાતો. એની હાજરીથી ઘર એકદમ જીવંત થઈ જતું ને હું પણ!"

આજે તો એકદમ ખુશ થઈને કહે,“મમ્મા, ખબર છે! આજે તો મૅમે મને લાસ્ટ બેન્ચ પર બેસાડી એટલે હું કંઈ તોફાન નહોતી કરતી યુ નો. જસ્ટ અ રૂટિન રોટેશન હો ને..!”

"પણ... બેબી, પહેલાં મારી વાતો સાંભળ !"
"ના... ના... ના..! પહેલાં મારી વાતો સાંભળો પછી જ હું મિલ્ક પીશ હો..ને!
"સારું-સારું... ચલ, પહેલાં યુનિફોર્મ ચેન્જ કર, ફ્રેશ થા એટલે વાતો કરીએ."
"એય.. મમ્મા, તમે ક્યારેય સ્કૂલમાં
લાસ્ટ બેન્ચ પર બેઠાં છો? બહુ જ મજા આવે હો.. મમ્મા! એમ કહેતાં જ રસોડામાં પ્લેટફોર્મ પર બેસી ગઈ ને હીરના ફેવરિટ આલુ પરોઠાં બનવતાં બનાવતાં હું જાણે એક ટીનેજર બની ગઈ."
એ સ્કૂલમાં તોફાનો, ધમાલ-મસ્તી ને બેફિકરીની દુનિયામાં ઉડ્યાં કરે! આખી સ્કૂલમાં છોકરાંઓ એની સાથે પંગો લેતાં વિચાર કરે, કારણકે એટલાં રોફ સાથે એ જવાબ આપે કે, બધાંની બોલતી બંધ જ થઈ જાય. આમ જુઓ તો ઝંખના ને એની ચાર બહેનપણીઓ છેલ્લી પાટલી પર બેસે.
ચાલુ પિરિયડમાં એનાં તોફાનો, તીખાં આંબોળિયા ખાયને ક્યારેક ચકલીનો અવાજ કાઢીને મસ્તી કરે. એક દિવસ, ગુજરાતી વિષયના શિક્ષક કહ્યું કે,'છેલ્લી પાટલી વાળા ઠોઠ નિશાળીયા કવિ, પાગલ, કે પછી મોટો માણસ બને.' એટલે હસતી હસતી ઊભી થઈને બોલી, “સર! હું તો કવિ બનીશ. સર, જોજો..ને તમે!” ને આખો કલાસ એની વાતો પર હસવા લાગ્યો પણ એનાથી એને થોડી કોઈ ફેર પડે! હંમેશા એનાં દફતરમાં ઝીબ્રાનનું પુસ્તક હોય કે કોઈ કવિતાનું.

એક વખતે આખી સ્કૂલમાં સેક્સ એજ્યુકેશનની માંગણીમાં ઝંખનાનું ગ્રુપ મોખરે હતું. બધાં જ છોકરાઓએ વિરોધ નોંધાવ્યો હોવા છતાં, મક્કમ રહીને એણે એની માંગણી પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કરી હતી. પ્રિન્સિપાલ સાહેબે, એ વાતને સ્વીકારી પણ હતી. હંગામી ધોરણે સેક્સ એજ્યુકેશનનો પિરિયડ ચાલુ કર્યો હતો. કંઈક નવું કર્યાનો આનંદ..!
ઘરે આવે એટલે એની મમ્મી પણ એ જ કહે, "આવી ગઈ તોફાની જંપશે નહીં ને કોઈને જંપવા દેશે નહીં." એને એનાં રૂમની બાલ્કનીમાંથી આકાશમાં વાદળો જોવા બહુ જ ગમતાં. એ ફેવરિટ ટાઈમપાસ એમાં આકારોને જોઈને કંઈક ને કંઈક વિચારોની દુનિયામાં ફર્યા કરતી. એક વખત એને વાદળને સ્પર્શ કરવાનું મન થયું ને એણે એક કવિતા લખી.

*સ્પર્શ*
તું એક કવિતા છે.
કદાચ એથીય વિશેષ
એક ભાષા છે તું સ્પર્શ..!

ને એ દોડતી એની મમ્મી પાસે ગઈ ને કહ્યું," જુઓ, મેં કવિતા લખવાનો પ્રયત્ન કર્યો." મમ્મીને વ્હાલથી ભેટી પડી. જાણે એને કોઈ સરપાવ ના મળ્યો હોય!
પણ... છેલ્લી પાટલી સાથેનો એક ટીનએજનો પ્રેમભર્યો સંબંધ પણ ખરો. બારમાં ધોરણની પરીક્ષામાં એની સાથે મુલાકાત થઈ. "એનો નંબર મારી બાજુની જ છેલ્લી પાટલી પર આવ્યો હતો. આખા વર્ગમાં બધાંની નજર મારી પર અટકે ને મારી ..!"
આમ, પરીક્ષા તો પતી ગઈ ને બધાં પોતપોતાની દુનિયામાં ગોઠવાઈ ગયાં પણ છેલ્લી પાટલીની એ મુલાકાત... હજીયે ટેરવાંને સતેજ કરી દે છે. લોમાની પરફ્યૂમની મહેકથી તરબોળ કરી દે છે. આજે આટલાં વર્ષો પછી પણ કિશોરાવસ્થાની યાદો મનને હચમચાવી નાંખે છે.
“મમ્મા... મમ્મા...!” કરતી મારી હીર ઢંઢોળે છે ને પૂછે છે ક્યાં ખોવાઈ ગઈ તું... ને બસ હું એને ભેટી પડું છું. ત્યાંજ મોબાઈલમાં રીંગ વાગે છે.
સ્ક્રીન પર અમરનું નામ ફ્લેશ થતું હતું. ફોન ઉઠાવતાં જ એક સત્તાવાહી અવાજે શાસન ફેલાવી લીધું. ફટાફટ અપાતાં સલાહ-સૂચનો અને કામ કરવાની યાદીઓને ધ્યાનથી સાંભળવા લાગી. ફોન મુકતાંની સાથે એક ગ્લાસભરીને ઠંડુ પાણી પીધું ને વિચારવા લાગી કે,'લગ્ન પછી
હોશિયારી, સૂઝબૂઝ અને સમયસૂચકતાના ગુણોએ અવગુણ બનીને ક્યારે એને જીંદગીમાં છેલ્લી પાટલીએ ધકેલી દીધી?' દબાયેલા ડુમા સાથે એ છેલ્લી પાટલીના નવા સ્વરૂપને નીરખી રહી.
સાથે એણે મનમાં એક ગાંઠ વાળી કે,'પોતે ભલે હૃદય પર ભાર રાખીને જીવી રહી છે પણ હીરને તો એ છેલ્લી પાટલીથી પહેલી પાટલી પર જવાનો પાઠ અત્યારથી જ શીખવાડશે. જેથી એ એની જિંદગીમાં ખુશીની મજલ કાપી શકે.



11
શીર્ષક : વેઈટીંગ રુમ
લેખન : સ્વાતિ મુકેશ શાહ
ઈમેઇલ- swatimshah@gmail.com


વ્યથાની કથા છે ભારી,
સા થી સા સરગમ વચ્ચે,
આવે જાય વ્યથા મારી,
સૂણશે એને જરુર હરિ.
એક દિવસ એકાએક મારા ભાઈને પોસ્ટ કોવિડની અસર થતાં એકદમ શ્વાસ વધી ગયો અને જેમજેમ હાંફે તેમતેમ ઓક્સીજન લેવલ ઓછું થતું જાય. ડૉક્ટરને ફોન કરતાં તરત હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ કર્યા. હું અને મારા ભાભી બહાર બેસી રહેતાં. અવારનવાર કંઈક પુછવા આવે કે કોઈ ડોક્ટર આવે તો ત્યાં બેઠા હોઈએ તો સારું પડે. ભગવાનને પ્રાર્થના કરતાં બેઠાં પણ પ્રાર્થના પણ તમે કેટલી વાર કરી શકો? એટલે આજુબાજુ બધાંને બેઠી બેઠી જોતી હતી.
એકાએક નજર પડી તો એક રુપાળી છોકરી બેઠી બેઠી રડતી હતી. તેની સાથે કોઈ નહિ હોય તેવું લાગ્યું. હું ઊભી થઇ તેની પાસે જઈને બેઠી. તેના વાંસે હાથ ફેરવતાં શાંત કરી અને વાતો કરવા કોશિશ કરી તો જાણ્યું કે સુમી અને કમલ કચ્છના એક ગામમાં પ્રેમથી રહેતાં. કમલની સરકારી અમલદારની નોકરી હતી. બદલી થાય ત્યાં રહેવા જવું પડે. બરાબર સારા શહેરમાં ગોઠવાયા પછી બાળક લાવશું તેવો વિચાર. બેઉં એક બીજાના પ્રેમમાં મશગુલ. આખા ગામમાં સુમી એક જ ગાડી ચલાવતી સ્ત્રી એવો એનો વટ.
એવામાં કમલ એક દિવસ ધગધગતા તાવમાં ઘરે આવ્યો. સુમી હિંમતવાળી બહુ. તરત ગાડીમાં બેસાડી દવાખાને લઈ ગઈ. નિદાન થયું કોરોના. દસ દિવસ દવાખાને રાખ્યો પછી પણ કમલની તબિયતમાં કોઈ સુધારો ન થયો. વોર્ડની કાચની બારીમાંથી ઈશારો કરી સુમી કમલને હિંમત આપતી રહેતી.
એક દિવસ સુમી કમલના સાહેબ સાથે કમલની તબિયત અંગે વાત કરી. કમલને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સાહેબે પણ પુરતો ટેકો આપવાનું વચન આપ્યું.
બસ પછી તો સુમીમાં હિંમત આવી. સુમી અને એના બોસ બે જણાએ કમલને અમદાવાદ લઈ જવાની ગોઠવણ કરી. "સુમી, તું એકલી જઈ શકીશ? સરકારી જવાબદારી છોડી હું નહીં આવી શકું."

"મોટા ભાઈ તમે આટલી મદદ કરી તે મારે માટે બહુ છે. હું હિંમત નહીં હારું. કમલને સાજો લઈને જ પાછી આવીશ." સાહેબનો એક ફ્લેટ અમદાવાદમાં હતો તેની ચાવી તેમણે સુમીને આપી અને પૈસાની કે બીજી કોઈ વાતે ચિંતા ના કરવા કહ્યું.
અમદાવાદ પહોંચી એક હોસ્પિટલે તો કમલની કન્ડિશન જોતાં એડમિટ કરવાની ના પાડી દીધી. હિંમત હાર્યા વગર સુમી બીજી મોટી હોસ્પિટલમાં ગઈ. બહુ વિનંતી કર્યા બાદ કમલનું એડમિશન એ હોસ્પિટલમાં થઈ ગયું. સુમી હાશકારો લઈ આઈ.સી.યુની બહાર હરિનું નામ જપતી બેઠી.
સાથે લાવેલી બૉટલમાંથી પાણી પીને બેસી રહી. ખાવાના હજુ ભાનમાં નહોતી. બધી ગોઠવણ વિચારવામાં મગજ વ્યસ્ત હતું. મનમાં અનેક પ્રશ્નો ગુંચવતાં હતાં. કમલની સારવારના ખર્ચની ચિંતા, પોતાની ચિંતા! પણ સાહેબના શબ્દો પર અને ભગવાન પરનો ગાંડો વિશ્વાસ.
કમલની સારવાર સારી રીતે શરું થઈ ગઈ એટલે એ ક્ષેત્રમાં શાંતિ હતી. હવે બોસે આપેલું સરનામું શોધીને પોતે ઠેકાણે પડવાનું હતું. હોસ્પિટલમાં હેલ્પડેસ્ક પર પુછતાં ખબર પડી કે હોસ્પિટલથી નજીકના વિસ્તારમાં હતું.
ગાડી લઈ નીકળી તો ખરી પણ એકદમ અજાણ્યું શહેર, એરિયા કેવો હશે? આવા બધાં પ્રશ્નો સાથે લોકોને પૂછતાં પૂછતાં ફ્લેટ પર પહોંચી તો ગઈ. કમલના બૉસે અગાઉથી ફ્લેટ સાફ કરાવી રાખ્યો હતો. કામવાળી બાઈને પણ સંભાળ રાખવાનું કહી રાખ્યું હતું.
ઘરમાં અંદર જતાં જ અત્યાર સુધીની હિંમત પર બાંધેલો બંધ તૂટી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
નાના ગામમાં સરકારી નોકરી કરતા કમલ પર નાતનો હોવાથી ભાગીને લગ્ન કર્યા હતાં. પોતાના આણામાં આપવાના દરદાગીના સાથે લઈને નીકળી હતી. પરંતુ પિયરની દોર કપાઈ ગઈ હતી.
ખૂબ જર અને જમીન હવાલે કરી માતપિતા કમલ નાનો હતો ત્યારે ગુજરી ગયેલાં. મામાને ત્યાં ઉછરેલ કમલનુ પોતાનું તો કોઈ હતું જ નહીં. મામા પોતાનામાં વ્યસ્ત.
જ્યારે કમલ અઢાર વર્ષનો થયો એટલે જમીન અને બીજી જે કંઈ મિલ્કત કમલના પપ્પા મુકી ગયા હતા તે બધું મામાએ કમલને સોંપી નિવૃત્તિ લઈને પરદેશ દીકરાને ત્યાં જતા રહ્યા હતા.
સુમીને તો જે ગણો તે બોસનો પરિવાર અને અડોશપડોશ. પરંતુ હિંમત એની સાથીદાર. આમ હળવે હળવે સુમી મારી સાથે ખૂલતી ગઈ સાથે એનું મન
હળવું થવા લાગ્યું.અમે બેઉં એકબીજાના દુઃખ વ્યકત કરીએ. બસ પછી તો તેણે આગળ વાત ચલાવવા માંડી....
જરા ફ્રેશ થઈ હોસ્પિટલ પાછી ચાલી. આઈ.સી.યુમાં અંદર તો દિવસમાં એક સમય જોવા જવા દે. ભૂખ તો લાગી હતી. ઘરે રસોડું માંડવું કે અહીં કેન્ટિનનું ખાવું તે દ્વિધા હતી. ઊભી થઈ બીજા માળે આવેલી કેન્ટીનમા જઈ આજે ખાઈ લેવાનું નક્કી કર્યું.
પૈસાની દ્રષ્ટિએ કેન્ટિનનું ખાવું સસ્તું પડે એવું લાગ્યું. પાછું રસોડું માંડવાની ઝંઝટ. સાંજ પડે ફોન ઉપર બધો રિપોર્ટ બોસને આપતી. બાકીના સમયે જો મગજ ઠેકાણે હોય તો આજુબાજુના લોકો સાથે વાત કરી મન થોડું હળવું કરતી. બાકીનો સમય આંખો બંધ કરીને બેસી રહેતી.
કોરોનાને કારણે કમલના શરીરમાં ખૂબ ઉથલ પાથલ થતી. સુમી બધું જાણતી. ડૉક્ટર સાથે ચર્ચા પણ કરતી. ડૉક્ટરના જવાબ પણ સંતોષકારક ન મળતાં ત્યારે અપસેટ થતી પણ બીજા દિવસે જવાબ મેળવીને જંપતી.
ઘણીવાર તો આજુબાજુના લોકોને પણ સાંત્વના આપતી. થોડી આમતેમ વાતો પણ કરતી. એક સવારે ડૉક્ટરે એકદમ કીધું કે કમલભાઈની તકલીફ વધી છે એટલે આપણે તેમને આઈસોલેશનમાં રાખવા જરુરી છે. સુમી પાસે તો એક જ જવાબ હતો." તમને જેમ ઠીક લાગે તેમ કરો પણ મારા કમલને સાજો કરો." સંમતિ પત્ર પર સહી કરી આપી.

કમલની આઈસોલેશન કેબિન કાચની હતી. દિવસમાં બે વાર પેશન્ટને જોવા જવાની છુટ હતી. એક દિવસ સુમી અંદર ગઈ ત્યારે કમલને ખુરશી પર બેસાડેલો જોઈ ખૂબ ખૂશ થઈ.
ખૂશીને જાણે એની સાથે વેર હતું. એનો આનંદ ચોવીસ કલાક પણ ના ટક્યો. કમલનું ઓક્સિજન લેવલ એકદમ ઘટતાં તેને તુરંત વેન્ટિલેટર પર મુકવો પડ્યો.
સુમીની આંખમાં પાણી આવી ગયાં. ભગવાન સાથે થોડું ઝગડી પણ લીધું. બસ પછી પાછી કઠણ થઈ ગઈ. એનાં માટે તો એનો કમલ જ હતો. એમ શ્રધ્ધા અને વિશ્વાસ ગુમાવે કશું નહીં ચાલે તેવો દ્રઢ નિશ્ચય કર્યો.
મારા પણ સગાં એ જ વૉર્ડમાં દાખલ હતાં એટલે હું બધું જોતી. હિંમત આપવાનો વાડકી વહેવાર અમારો ચાલુ જ હતો. એકબીજાની ખબર પુછતાં. બાકી તો બન્ને પાસે પ્રશ્નો તો ઘણાં હતાં.
મારા ભાઈને તો એક બે દિવસમાં કદાચ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ સુમી કઈ રીતે ઝઝૂમશે તે પ્રશ્ન મને અવારનવાર મૂંઝવતો.
"બે દિવસ માટે કચ્છ જઉં છું." કહીને ગઈ. મને એની હરપળ ચિંતા થતી. આવી ત્યારે એ જ મધુરાં સ્મિત સાથે. પછી જાણ્યું કે હોસ્પિટલમાં કમલની સારવારનો દિવસનો સવાલાખ રુપિયાનો ખર્ચ હોવાથી પૈસાની વ્યવસ્થા કરવા ગઈ હતી. થોડી વ્યવસ્થા થઈ એટલે એને પણ થોડી નિરાંત થઈ.
પૈસાની નિરાંત થઈ પણ કમલની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો પણ ઈશ્વરમાં અતૂટ શ્રધ્ધા.
એક દિવસ મને કહે,"જો! પેલાં કાકા બેઠાં છે ને એમનો દીકરાને કાલે ઈમરજન્સીમાં લાવ્યા. બિચારા ભાઈ, મહેનત કરી છોકરો મોટો કરી ભણાવી ગણાવીને પરદેશ મોકલ્યો ત્યાં નોકરી પણ સારી હતી. દીકરાને થયો ટીબી તે માંડ અમદાવાદ ભેગો કર્યો."
આમ હોસ્પિટલના આઈ.સી.યુની બહાર બેઠેલાં લોકોની વ્યથા જોઈ ભગવાન ઉપરનો ભરોસો ડગમગી જતો.
એક દિવસ સુધી એકદમ ઢીલી હતી. મેં સહાનુભૂતિથી પુછ્યું,"શું વાત છે? આજે ફાઈટર મેડમ કેમ ઢીલાં છે?" ત્યાં તો રડી પડી. મને કહે,"હવે, એમની કિડની પર અસર થઈ છે."
આજે અમારે ભાઈને રુમમાં શિફ્ટ કરવાના હતા. મેં રુમ નંબર આવે એટલે આપવાનું કહ્યું જેથી એને જરુર પડે તો આવી શકે. ફોન નંબરની આપ-લે તો પહેલાં જ થઈ ગઈ હતી.
હોસ્પિટલનાં આઈ.સી.યુનાં વેઈટિંગ રુમની બહાર બેઠેલાં લોકોની વ્યથા જોઈ ભગવાન ઉપરનો ભરોસો ડગમગી જતો. સાથે સુમીને ઝઝુમતી જોઈને સલામ કરવાનું મન થતું સાથે બોલાઈ જતું," હે ભગવાન! કોઈની પણ આવી કસોટી ના કરો! ભગવાન આવી જીવનની સા થી સા સરગમને તું ક્યારેક તીવ્ર થી મંદ ગતિ માં લઈ જા."





12
શીર્ષક :ઓગળતું ધુમ્મસ
લેખન : ઋતંભરા છાયા
ઈમેઇલ : rkchhaya2001@gmail.com
અતુલભાઈ અને અવનીબેન અમારાં પડોશી. અતુલભાઈ એન્જીનીયર હતા અને એક પ્રતિષ્ઠીત
કંપનીમાં નોકરી કરતા હતા.અવનીબેન ઘર-ગૃહસ્થી સંભાળતાં અને પ્રાઈવેટ ટયુશન કરતાં હતાં. બંનેને
એક સુંદર દીકરી હતી. સૌમ્યા એનું નામ. સૌમ્યા ખૂબ સુંદર, સુરિલી ને હોંશિયાર છોકરી હતી. નાનપણથી સ્કૂલ ટાઈમ પુરો થયો ત્યાં સુધી એ કાયમ અવ્વલ જ રહી. 12મું ધોરણ ખૂબ સારા માર્ક્સથી પાસ થયા પછી ઘરમાં
સૌમ્યાએ કઈ લાઈનમાં ભણવું? એની ચર્ચા ચાલી. અતુલભાઈની ઈચ્છા હતી કે એ કોઈ પ્રોફેશનલ લાઈનમાં
આગળ ભણે તો સારું,પણ સૌમ્યાને તો મ્યુઝિકમાં આગળ વધવું હતું. તેનો અવાજ ખૂબ મધુર હતો. એ ગાવાની ખૂબ જ શોખીન હતી. સ્કૂલમાં પણ સ્પર્ધાઓમાં ભાગ લેતી અને ઈનામો જીતી હતી. સૌમ્યાએ મ્યુઝિકમાં આગળ વધવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. અવનીબેનને થોડો વિરોધ હતો. એમણે સૌમ્યાને મ્યુઝિકમાં કેરિયર બનાવવાને બદલે બીજી કોઈ લાઈનમાં ભણવાનું કહ્યું. સૌમ્યા,અડગ હતી એને મ્યુઝિક કોલેજમાં જ એડમિશન લેવું હતું. અતુલભાઈ થોડા ઠરેલ અને સમજુ સ્વભાવના હતા એટલે એમણે મંજૂરી આપી દીધી. એમણે અવનીબેનને પણ સમજાવ્યાં કે યુવાન દીકરીને જેમાં રસ હોય તેમાં ભણવા દેવી જોઈએ. એનાં ઉપર આપણાં વિચારો થોપવાની જરુર નથી. સૌમ્યાને પદ્ધતિસરનું સંગીત શીખવું હતું. એમાં પપ્પાની મંજૂરી મળતાં ખૂબ ખુશ હતી. એને ઉડવું હતું અને પાંખો મળી ગઈ.
હવે સૌમ્યા રોજ કોલેજથી ઘેર આવી, સોફા પર પગ લંબાવીને આરામથી મમ્મીને
કોલેજની વાતો કરતી .કોલેજમાં કેવા પ્રોફેસરો છે? કેવી રીતે સંગીતની સમજણ આપીને ગાવાની પ્રેક્ટિસ કરાવે છે? વગેરે વાતો..સાથે સાથે મિત્રો કેવાં છે? કેટલી મજા કરે છે..બધું અતથી ઈતિ કહે છે. અવનીબેનને પણ
વાતો સાંભળવાની મજા આવતી. કૉલેજનાં ત્રણ વર્ષ તો જાણે આંખનાં પલકારામાં વીતી ગયા. હવે છેલ્લું વર્ષ ચાલું થયું. થોડાં વખતથી અવનીબેનની અનુભવી આંખો સૌમ્યાના વર્તનમાં અજીબ ફેરફારો નોંધતી હતી. જે સૌમ્યા
વખતસર ઘરે આવી જતી. તેમની સાથે વાતો કરતી તે હવે મોડી આવે છ. કંઈકને કંઈક મોડાં પડવાનાં બહાના બતાવે છે અને પછી પોતના સ્ટડી રૂમમાં જઈને મોબાઈલ લઈને બેસી જાય છે. અવનિબેને અતુલભાઈને પણ આ વાત કરી. અતુલભાઈએ કહ્યું,”અવની, એમ ઉતાવળે પૂછપરછ નહિ કરવાની. છોકરાઓ સાથે વિવેકબુદ્ધિ વાપરીને વાત કરવાની નહિતર વાત વણસી જાય. તું જરાય ચિંતા ના કર. હું ધ્યાન રાખીશ.” એ પછી અતુલભાઈએ સૌમ્યાને ખ્યાલ ના આવે તેમ તેની તપાસ ચાલુ કરી. ઓફિસેથી વહેલા નીકળી સૌમ્યા કોલેજથી છુટીને ક્યાં, કોની સાથે જાય છે? તેની પર નજર રાખી. એમણે ધાર્યુ હતું તેમ સૌમ્યા કોઈક છોકરાના
ગાઢ સંપર્કમાં લાગી. એમણે સૌમ્યાને ફતેહગંજ આગળ યુવાનોને પ્રિય એવી હોટેલમાં જતાં જોઈ. ઘરે આવીને મમ્મીને
ખોટાં બહાના બતાવતી સાંભળી. એક રવિવારે સવારે ચા-નાસ્તો કરતાં હસી મજાકમાં અતુલભાઈએ સૌમ્યાને પૂછ્યું,”બેટા, તું પેલા સમીરભાઈને ઓળખે છે ને? એમનો દીકરો એન્જીનિયર થઈ ગયો છે અને એને
બહું સારી કંપનીમાં જોબ પણ મળી છે. એમના કુટુંબીઓને તું ખૂબ પસંદ છે તો તને અજય પસંદ છે?
આપડે વાત ચલાવવી છે? તારી મમ્મીની ઈચ્છા છે કે હવે તારા માટે મૂરતિયો શોધીએ.” સૌમ્યા એકદમ ભડકી.
તે બોલી,”ના હો.. પપ્પા, મારો અત્યારે કાંઈ વિચાર નથી. અત્યારે તો ભણવામાં જ ધ્યાન આપવું છે.” "છતાં
બેટા, વિચારજે ખરી!” પપ્પાએ ટમકું મૂકી જ દીધું. બીજે દિવસે સવારે ફરી નાસ્તાનાં ટેબલ પર ભેગાં થયાં.
અતુલભાઈ છાપું વાંચતા હતા. ત્યાં એક સમાચાર વાંચ્યા કે, 'દિલ્હીમાં એક ઓફિસરની દીકરીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, કારણકે એનાં પિતાએ એને મિત્રો સાથે ટુરમાં જવાની ના પાડી હતી! તાત્કાલિક સારવાર મળતાં બચી ગઈ.” અવનીબેન તરત બોલ્યાં,”આ અત્યારની પેઢીનાં છોકરાઓ આવું કેમ કરતાં હશે?” ત્યાં તો સૌમ્યા એકદમ બોલી,”શું કરે નહિતર? મા બાપની ઈચ્છા મુજબ જ રહેવાનું? થોડી ફ્રીડમ તો હોવી જોઈએ ને? મિત્રો સાથે ફરવામાં શું વાંધો?” બંને મા બાપ સ્તબ્ધ થઈ ગયાં,પણ અતુલભાઈએ ધીરજ ગુમાવ્યા વગર એટલું જ કીધું, “મા બાપ દુશ્મન નથી. કંઈક તો ખોટું દેખાયું હશે ત્યારે જ ના પાડી હશે.”
સૌમ્યા પગ પછાડતી નીકળી ગઈ. બે ત્રણ દિવસ પછી અતુલભાઈએ વાત યાદ કરાવતા પૂછ્યું,”સૌમ્યા, તે પેલા અજય વિશે કાંઈ વિચાર્યુ? તને કેવાં છોકરાની અપેક્ષા છે? તારા મનમાં કોઈ પાત્ર છે? અમે એટલાં જૂનવાણી નથી કે તારા મનપસંદ પાત્રનો અસ્વીકાર કરીએ.”
આખરે સૌમ્યાએ મૌન તોડ્યું. તેણે કહયું,”પપ્પા-મમ્મી, હું લગભગ છએક મહિનાથી એક
હિન્દી ભાષી છોકરાના સંપર્કમાં છું. તે આઈ. ટી. આઈમાં સેવા આપે છે. અમારી કોલેજનો નથી પણ રોજ મને
મળવા આવે છે અને અમે બંને એકબીજાંને પસંદ કરીએ છીએ. તેને પણ સંગીતનો શોખ છે.”
અવનીબેનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો,પણ અતુલભાઈએ ઈશારાથી શાંતિ રાખવાનું કહ્યું. અતુલભાઈએ શાંતિથી કીધું,”સૌમ્યા, તું એને કાલે આપણે ઘેર બોલવી શકીશ?અમે પણ તારા એ મિત્રને મળીશું. કાલે સવારે લંચ બધાં ઘરે સાથે લઈશું, પણ એનું નામ તો કહે?” "પપ્પા, એનું નામ રણવીર છે. હું એની સાથે વાત કરી લઉં છું. કાલનું પાક્કું જ હો!” અતુલભાઈએ રણવીરને જોયો તો હતો પણ હવે એનેને રુબરુ મળવાની તાલાવેલી હતી. બીજે દિવસે સવારે ત્રણેય જણાં આતુરતાપૂર્વક 12 વાગ્યાની રાહ જોવા લાગ્યાં. અતુલભાઈ
છાપું વાંચતા હતા ત્યાં, અચાનક એક નાની કોલમના ફોટા સામે જોઈ રહ્યા! એમણે સૌમ્યાને કહ્યું,”હવે, તારો રણવીર નહિ આવે. લે..આ વાંચ.” સૌમ્યા ફોટો જોઈને ચોકી ગઈ. રણવીરના ફોટા ઉપર લખ્યું હતું કે,' ત્રણ યુવતીઓનો બાળાત્કારી પૂનાની જેલમાંથી ફરાર. ગુજરાતમાં હોવાની શક્યતા. પોલીસ પીછો કરી રહી છે.' સૌમ્યા ભાંગી પડી. તે હેબતાઈ ગઈ. અતુલભાઈ બોલ્યાં,”જો બેટા, યુવાનીમાં આંખો આડા પડળ કેવાં હોય છે કે માતાપિતાની સંભાળ, દેખરેખ, સલાહસૂચન ઉગતી પેઢીને બિનજરુરી સિક્યોરીટી જેવાં દેખાતા હોય છે તેનો આ પૂરાવો છે.” સૌમ્યાએ મૌન તોડ્યું, “મમ્મી-પપ્પા, યુવાની એક એવી લપસણી સપાટી છે જેનાં ઉપર ચાલવાની મજા તો આવે છે પરંતુ પગ બરાબર ના મૂકાય તો કેવી પરિસ્થિતિ થાય તેનો આજે મને અહેસાસ થયો. પપ્પાની
સ્વસ્થતા અને ગંભીરતાએ મને બચાવી લીધી. પપ્પા-મમ્મી, હું માફીને પાત્ર તો નથી જ તેમ છતાં…..મમ્મી
હવે તમે જ્યાં નક્કી કરશો ત્યાં હું લગ્ન કરીશ. મારી સંપૂર્ણ સંમતિ છે.”





13
શીર્ષક:- હા.. હું જીવીશ..
લેખન : રીટા મેકવાન ' પલ '
ઈમેઇલ: ritamacwan5@gmail.com

લગ્નની ભેટ સોગાદ પેટીમાં ભરતી વખતે રજનીએ પોતાનો શોખ, પોતાની અંગત ડાયરી, પોતાની પેન ને ખડિયો.. પેટીમાં સાચવીને મૂક્યું. એની મમ્મીએ કહ્યું,"સાસરીમાં સમય જ નહિ મળે બેટા."
રજની હસીને માને કહ્યું,"મા..જિંદગીમાં કોઈવાર કપરો સમય આવશે ત્યારે હું મારા આજ ખડિયો, કલમ ને ડાયરીને મારા સાથી બનાવીને આત્મનિર્ભર બનીશ". તું તો જાણે છે ને મમ્મી મને ગઝલ લખવાનો શોખ છે. કવિતા લખું છું. મારી ઘણી કવિતાઓ ન્યૂઝપેપરમાં પ્રકાશિત થાય છે. ને રજની આંખોમાં સપનાં સજાવીને પિયુના ઘરે આવી.
સમીરની અને પરિવાર પ્રત્યેની બધી જવાબદારી નિભાવીને સૌની લાડકી બની ગઈ.એક રૂપાળા દીકરાને જનમ આપ્યો ને એના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ.
એનો પતિ સમીર પત્નીનો સુંવાળો સંગાથ, સ્પર્શ ઝંખતો હતો પણ રજનીને તો કુટુંબની જવાબદારી નિભાવવી હતી. એ સમજી ન શકી. એકલો પડેલો સમીર ઓફીસની સાક્ષી સાથે સમય પસાર કરવા લાગ્યો.
એકવાર સાંજે કામથી બહાર નીકળેલી રજની સમીર અને સાક્ષીને સાથે જોઈ ગઈ. ઘરે આવીને સમીરની રાહ જોવા લાગી.
સમીર ઘરે આવ્યો. રજનીએ શાંતિથી સમીરને સાક્ષી વિશે પૂછયું. સમીરે સાચું જણાવતા કહ્યું,"હા..હું ને સાક્ષી એકબીજાની ખૂબ નજીક છીએ."
આખી રાત મનોમંથન પછી સવારે રજનીએ કહ્યું,"મારા તરફથી હું તને આઝાદ કરું છું.
તારા ઘર..પરિવારને મેં સાચવ્યાં. આપણા બાળકને એકલાં હાથે ઉછેરવામાં વ્યસ્ત બની ને તેં મને સાચવવાના, સમજવાના, સાથ આપવાને બદલે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો? સોરી, હું તને માફ નહિ કરું. હવે હું મારા માટે જીવીશ ને તું ઘર અને પરિવારને સંભાળજે ને આપણાં દીકરાને સાચવજે. હા, હું તને મદદ જરૂર કરીશ, કારણ કે આ ઘરને પરિવારને હું મારો પોતાનો માનું છું ને આપણાં દીકરાને લીધે હું તને ક્યારેય નહી છોડી શકું."
સમીરે કહ્યું,"આપણે બન્ને ફરીથી એક ન થઈ શકીએ? રજનીએ સ્પષ્ટ ના પાડી.
ને બીજે દિવસે સવારે પોતાના પિયરથી લાવેલી પેટી ખોલી. પેટીમાંથી પેન, ખડિયો અને ડાયરી બહાર કાઢી પોતાની અંગત ડાયરીનાં પાનાઓ પર હાથ ફેરવ્યો. જાણે કોઈ સ્વજન સાથે હોય એવો અનુભવ થયો. એક આસું આંખની પાંપણ પર આવીને અટક્યું ને રજનીએ એક પાનું વાળી દીધું. પછીના ડાયરીનાં પહેલે પાને લખ્યું..
"અમાસ ઘેરી એકલતાને દૂર કરવા આજથી રજની..અમાસે પણ કલમ વડે એક ચાંદને ચમકાવશે."
ને રજની સ્વગત બોલી,"હા...હું જીવીશ..હા...હું હવે મારા માટે જીવીશ..મારા નિજાનંદ માટે જીવીશ...મારી કલમને કાગળ પર કંડારીને શબ્દોને દેહરૂપે સજીવન કરીશ. હું આત્મનિર્ભર બનીશ."


14
શીર્ષક - આભાર
લેખન - ડૉ વિનોદ ગૌડ
ઈમેઇલ : dr_vbgaur@yahoo.co.in


વડોદરાના લકી ડિપાર્ટમેંટલ સ્ટોરમાં આજે અમદાવાદની શાહ એન્ડ શર્મા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઑફિસમાંથી વાર્ષિક ઑડિટ માટે બે જણાં આવવાના હતા .
લકી ડિપાર્ટમેંટલ સ્ટોરના માલિક શ્રી પ્રગ્નેશ ગણાત્રા થોડા અસ્વસ્થ હતા . આમ તો વર્ષોથી ચાલતો તેમનો કારોબાર એકદમ ચોખ્ખો હતો અને વાર્ષિક ઑડિટ માટે ટેવાયેલા હતા.
આ વર્ષે જીદ કરીને તેમના પુત્ર જિગ્નેશે નવી ફર્મ શાહ એન્ડ શર્મા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને કામ સોંપ્યું હતું એટલે થોડા ચિંતીત દેખાતા હતા .
બરાબર નવના ટકોરે એક ટેકસી તેમના સ્ટોરના બારણે આવીને ઉભી રહી , બે સ્માર્ટ ટ્રેઈની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉતરીને અંદર આવ્યા.
જેવા બન્ને તેમની કેબિનમાં દાખલ થયા પ્રગ્નેશ ગણાત્રાની આંખોં આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
“નિર્મીષ તું?“
“હા પ્રગ્નેશભાઈ,’ હું તમારો ક્લાઉન તમારો જોકર’ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયો.”
“સરસ, આનંદ થયો”
“ખરેખર આનંદ થયો?”
પ્રગ્નેશ ગણાત્રાની આંખોંમાં સહજ વિષાદમિશ્રીત હર્ષના ઝળઝળિયાં ડોકાયાં.
“તો પ્રગ્નેશભાઈ , લેટ્સ કમ ટુ વર્ક, હિસાબના બધા ચોપડા આપો તો ઑડિટ ચાલુ કરું”.
“હા , તમે લોકો કોન્ફરેન્સ રુમમાં બેસો હું વ્યવસ્થા કરું છું”
નિર્મીષ દાઢમાં હંસ્યો “ધેટ્સ બેટર“
નિર્મીષ સરીન , બી.કોમ. સુધીના અભ્યાસ પછી ઈચ્છા હતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની , પણ પરિસ્થિતિવશ મનમાં સંજોવેલા સ્વપ્નોને જવાબદારીઓના અથાગ ગર્તામાં દફનાવી દેવા પડ્યા.
------------------------------------------------------------------------------------
સ્કુલથી લઈને કૉલેજ સુધી પોતાના વર્ગમાં કાયમ પ્રથમ ક્રમે પાસ થનાર, ભણવામાં હોંશિયાર વિદ્યાર્થી તરીકે તેના મિત્રો અને શિક્ષકો વચ્ચે તેની નામના. સ્વભાવે રમુજી અને હાજર જવાબ. તેની સેન્સ ઑફ હ્યુમરનો એક ચાહકવર્ગ કૉલેજ તેમજ તેના મિત્રવર્તુળમાં તેની જાણ બહાર આકાર લઈ રહ્યો હતો. અમુક ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓની ઈર્ષાનો પાત્ર પણ ખરો. તેઓ તેની પીઠ પાછળ તેને જોકર કહીને બોલાવતાં. જેની તેને જાણ હતી છતાંય તે પોતાની મસ્તીમાં જ જીવતો. તેની રમુજી વાતો લોકોને ગમતી હતી. શાળા અને કૉલેજના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નિર્મીષની એક પ્રસ્તુતિ તો હોય હોય ને હોયજ. વિધ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો જ નહીં શિક્ષકો પણ નિર્મીષની પ્રસ્તુતિ જોવા અધીરાં થઈ જતાં. તેમાં તેના કોમર્સના શિક્ષક ઠાકર સાહેબ તો ખાસ. તેની પ્રસ્તુતિ અનોખી અને વિલક્ષણ હોય, સમાજમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ વિશે સરળ શબ્દોમાં કરેલ માર્મિક ટકોર રમૂજ સાથે લોકોને વિચારતા કરી મુકતી.
તેના કોમર્સના શિક્ષક ઠાકર સાહેબનો તે ખાસ માનીતો શિષ્ય. આમ તો ઠાકર સાહેબનો ખૂબ જ કડક સ્વભાવ કોઈપણ વિધાર્થી તેમની સામે એકલા જતાં પહેલા સૌ વાર વિચાર કરે, પણ નિર્મીષ તેમાં અપવાદ.
--------------------------------------------------------------------------------
બી.કોમની પરીક્ષાના ઝળહળતા પરિણામની ઉજવણીના ભાગરુપે નિર્મીષે તેના માતા પિતા અને નાના ભાઈ નિહીત સાથે શિમલા ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો. સુખરુપ શિમલા પહોંચી ત્યાંના દર્શનીય સ્થળોની મુલાકાત લીધી. પરીક્ષાના પરિણામ અને તેના અનુસંધાને શિમલાનું પર્યટન સમગ્ર પરિવાર માટે આનંદોત્સવ બની ગયું.
કહેવાય છે કે સમય અને કાળનો કોઈ ભરોસો ના કરાય. શિમલાથી પાછા ફરતાં સમગ્ર પરિવારજન હળવી બરફ વર્ષાના આનંદ સાથે નિર્મીષે ચાર્ટર્ડ એકાઉંટેટ થવા માટે કઈ સંસ્થામાં પ્રવેશ મેળવવો એની ચર્ચામાં મશગુલ હતા. અંધારું ઘેરાવા લાગ્યું હતું અને તેમની ટેક્સી ઉત્તરાખંડના બરફ આચ્છાદિત પહાડીઓ વચ્ચે સડસડાટ પોતાની મંઝીલ ભણી સરકી રહી હતી. અચાનક એક તીવ્ર વંળાક પર સામેથી આવતાં ખટારાની તેજ રોશનીથી ડ્રાયવરની આંખો અંજાઈ ગઈ, તેણે સ્ટેરિંગપરનો કાબૂ ગુમાવ્યો અને ટેક્સી એક ધડાકા સાથે ખટારાની સાથે અથડાઈને રસ્તાના પહાડી ખડક પર ઉંધી વળી ગઈ.
નિર્મીષને દેહરાદૂનના દવાખાનામાં ભાન આવ્યું ત્યાં સુધીમાં, તેની દુનિયા વેરાન બની ગ‌ઈ હતી.
તેના માતાપિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં .
નિર્મીષ જિંદગીથી હારી ગયો. તેના સ્વપ્નાઓ શિમલાની બર્ફીલી વાદિયોમાં થીજી ગયાં. તેના શિરે નાના ભાઈ નિહીતની જવાબદારી આવી પડી.
વડોદરા આવ્યા પછી ઠાકરસાહેબ તેને ઘરે મળવા આવ્યા.
“નિર્મીષ, બેટા જે થયું તે ખોટું થયું , થઈ ગયું તેને પાછું ના વાળી શકાય. હવે આગળ શું વિચાર છે?”
“સર, મમ્મી-પપ્પાનું સ્વપ્નું હતું કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનું. હવે મારે નિહીતનું પણ ધ્યાન રાખવાનું છે. કાંઈ સુઝતું નથી હું શું કરું?"
“દીકરા જો તને મંજૂર હોય તો હાલ મારા નજીકના એક મિત્રના ડિપાર્ટમેંટલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે જોડાઈ જા, પછી વિચાર કરીએ કે શું કરી શકાય?"
“જેવી આપની મરજી સર.“
અને નિર્મીષ લકી ડિપાર્ટમેંટલ સ્ટોરમાં, રમકડાં વિભાગમાં કાઉન્ટર સેલ્સમેન તરીકે જોડાઈ ગયો. તેણે પોતાની જાતને સંપૂર્ણપણે તેના કામમાં ઓતપ્રોત કરી નાખી.
સમય બધાં દર્દોની દવા છે. થોડાં મહીનામાં માતાપિતા ગુમાવ્યાનાં ઘા પર રુઝ આવા લાગી અને તેનો રમૂજી સ્વભાવ તેના આચરણમાં દેખાવા લાગ્યો.
તેના રમૂજી સ્વભાવના કારણે રમકડાંનાં કાઉન્ટર પર બાળકોની મુલાકાત અને સાથે ઘરાકી પણ વધવા લાગી. નિર્મીષ સદાય બાળકોથી ઘેરાયેલો રહેવા લાગ્યો.
પ્રગ્નેશભાઈની ચકોર નજરથી આ વસ્તુ છાની ના રહી. એક બે વાર તેમણે ટકોર પણ કરી
“નિર્મીષ આપણને જોકરવેડા ના ચાલે. કામમાં જરા ગંભીરતા રાખો.” ઠાકરસરના ઉપકારને ધ્યાનમાં રાખીને તે ગમ ખાઈ ગયો.
થોડાં દિવ