MANJARI in Gujarati Short Stories by અનિરુદ્ધ ઠકકર આગંતુક books and stories PDF | મંજરી

Featured Books
  • इश्क दा मारा - 46

    यूवी गीतिका का हाथ छोड़ देता है और गीतिका वहां से चली जाती ह...

  • इंटरनेट वाला लव - 97

    भूमि की मुंह दिखाई. . .अरे भूमि जी आप चुप क्यों बैठे है. जरा...

  • चुप्पी - भाग - 3

    क्रांति अपने पिता का आखिरी फ़ैसला सुनकर निराश अवश्य हुई लेकि...

  • Dangerous Ishq - 1

    मुंबई सपनो का शहर, एक मायानगरी।रोज़ देख अगर मां बाबा को मालु...

  • प्यार का एहसास

    अभिमन्यु, गौरव, अतुल,और मुस्कान कॉलेज की कैंटीन में बैठे हुए...

Categories
Share

મંજરી


મંજરી
( એક નાનકડી રહસ્યમયી વાર્તા)

નાનું સરખું એ ગામ આશ્ચર્ય અને ચર્ચાના ચગડોળે ચડ્યું હતુ. નવી નવાઈની વાતોનું રહસ્ય હજુ કોઈની સમજમાં આવતું નહોતું.
ઘટનાઓ જ કંઈક એવી બની હતી.
એક તો આખા ગામમાં કેટલાક વર્ષોથી પાગલની જેમ ફરતી મંજરી અચાનક ડાહી થઈ ગઈ હતી, તો બીજી તરફ ગામના સ્મશાનમાં રાત્રે કોઈક ચિતા પર લાશ સળગાવી ગયેલું.
સવારે ત્યાં કોઈના હાડકા મળી આવેલા.
પણ, કોના..? ભગવાન જાણે...
ગામમાં સૌ સલામત જ હતા.
કોઈક કહેતું કે, " મંજરીએ બલિ ચડાવ્યો અને સાજી થઈ ગયી..!"
કોઈક વળી કહે, "ના રે..,બાપડી પાગલને બલિમાં શુ ખબર પડે, અને માનો કે બલિ ચડાવ્યો તો ય કોને..?"
અન્ય એક જણ બોલ્યું , "થોડા દિવસ પહેલા ગામમાં આવેલો પેલો ખાખી બાવો ખરેખર તાંત્રિક હશે. તેણે બલિ માટે આપણું ગામ પસંદ કર્યું હશે, લાશ એ જ લાવ્યો હશે અને રાત્રે સાધના કરીને કોઈ ના જાણે એમ જતો રહ્યો હશે. એમેય આપણા ગામનું સ્મશાન કેટલું સુમસામ જગ્યાએ છે..!
ગામનો એક વડીલ બોલ્યો, "જે હોય તે, આપણા ગામમાં સૌ સલામત છે, એટલો ભગવાનનો પાડ અને ગામની જુવાન દીકરી ડાહી થઈ ગયી, એટલી ભગવાનની કૃપા. સૌ કોઈ ઘેર જાઓ અને ઘેર પ્રસાદ કરી પ્રભુને ધરાવજો.. માતા, મહાદેવ કે ભુવાનું કંઈ હોય તો આપણને નડતર નહીં. એમ કરવાથી કોઈ મેલો દેવ રુઠે નહીં અને આપણા પર રાજી રહે..!"

તેમની વાત પર હાજીયો પુરાવતું લોક ઘેર ગયું.
અને, પોતાના અમૂલ્ય જીવનમાં પરત ફરેલી મંજરી એમની વાત સાંભળીને મનમાં હસતી પ્રભુનો પાડ માનતી ઘર તરફ ચાલી. ત્યારે ગામના લોકોને ખબર જ નહોતી કે એ ચિતાનું રહસ્ય હવે આખી જીંદગી મંજરીના સ્મિત પાછળ જ છુપાઈ રહેવાનું હતું.

રહસ્ય કંઇક આમ હતું.

** ** **


અંધારી રાત્રે તે યુવાન ધોરીમાર્ગથી ગામ તરફ જવાના રસ્તે નીકળ્યો હતો. ખૂબ ઝડપથી પગલાં ભરતો, કહોને કે લગભગ દોડતો તે ગામ તરફ જઈ રહ્યો હતો. કોઈ તેને જુએ નહીં તે રીતે પરોઢ ફાટતા પહેલા જ તેણે ગામ છોડી દેવું પડે તેમ હતું.
તેની ઉતાવળનું કારણ, ગામ સાથે જોડાયેલી કેટલીક વાયકાઓ હતી. ગામનું કોઈ વ્યક્તિ તેને જોઇ જાય એવું તે ઇચ્છતો નહોતો. પોતાની આર્થિક મજબૂરીનો ઉપાય ગામમાં જ હતો, એટલે તે આવ્યો હતો. અન્યથા, પોતાના વતન એવા આ ગામમાં તે આજીવન પગ મુકવા માંગતો નહોતો, મૂકી શકે એમ પણ નહોતો.
કેમ કે...
પોતાના મૃત્યુની લોકવાયકા તેણે જ ત્રણેક વર્ષ પહેલાં શહેરથી ગામ તરફ મોકલી દીધી હતી.
લોકોના મતે, શહેરમાં કોઈક અકસ્માતમાં તે મરી ગયેલો હતો. વળી, તેની બિનવારસી લાશના પોલીસે અગ્નિસંસ્કાર કરી દીધા હતા, તેવી વાયકાઓય ગામમાં બહુ ચાલેલી.
ગામના લોકોએ થોડાક દિવસ તેની એકાકી વૃદ્ધ માની દયા ખાધેલી. અંતે તેની આસપાસની બધી વાતો શાંત થઈ ગયેલી. છેવટે તે યુવાનની હયાતી લોકોમાં ભુલાઈ ગયી હતી.
આ બધું તેણે ભૂતકાળના એક કર્મના લીધે કરવું પડ્યું હતું. યુવાનને તેનો જ પાપી ભૂતકાળ દોડાવ્યા કરતો હતો.
ચાર વર્ષથી તે પોતાના ભુતકાળથી, પોતાના કર્મોથી ભાગતો હતો.
વળી અત્યારે...આ અડધી રાત્રે પણ તે દોડી જ રહ્યો હતો ને.?"
શહેરથી જ તે વિચારીને આવેલો , "અડધી રાત્રે ગામમાં જવું. માને પોતાની હયાતી વિશે જણાવવુ, મા પાસેથી પડેલા પૈતૃક ઘરેણાં લઈને તરત પાછા વળવુ..!!
બસ, આવી ગણતરી મૂકીને તે આવ્યો હતો.

* * *
અંધારી રાત્રે નેળિયામાં ચાલતા ચાલતા તેના પગે જોરદાર ઠોકર વાગી. યુવાન રસ્તા પર ગબડી પડ્યો. તેના ઢીંચણ છોલાયા. સારું થયું કે તેના બંને હાથ જમીન પર મુકાઈ ગયા હતા, નહીં તો તેનું માથું જ ફાટી ગયું હોત.
ઢીંચણ પરની કળતર ભૂલીને જમીનને ટકો દઈને તે ઉભો થવા ગયો, અને તે ભડક્યો. તેનો હાથ એક માનવશરીર પર ટેકવાયો હતો. તેને માનવઆકૃતિ અનુભવાઈ.
ઓહ... પોતે એક શરીરને ઠોકર મારતો પડ્યો હતો.
તે ડરી ગયો. પણ, મન મક્કમ કરીને તેણે ખિસ્સામાંથી લાઈટર કાઢીને અજવાળું કર્યું.
"મંજરીઇઇઈઇઇઇ...!" ચીસ પાડતો તે બેસી પડ્યો અને જોરજોરથી હાંફવા લાગ્યો. તેણે મંજરીનો દેહ જોયો. તે જડવત પડી હતી, લાશસ્વરૂપે.
પહેલા તો તેણે ભાગવાનો વિચાર આવ્યો. પણ તેણે પોતાના મનને ટપાર્યુ. તેના મનમાં ડર ફેલાયો હતો તેણે વિચાર્યું, "જો અત્યારે અહીં પોતાને કોઈ પણ જોશે તો ચોક્ક્સ મંજરીના મૃત્યુનો દોષ પોતાના જ નામે આવશે. ને ઘરેણાં વિના પાછો જશે તો શહેરમાં લેણદારોના હાથે તેનું મૃત્યુ નિશ્ચિત થશે. મંજરી નામના આ ભૂતકાળથી જ પોતે યુવાન ચાર વર્ષ પહેલાં ભાગ્યો હતો. પણ, છેવટે આ કાળરાત્રીએ તેનો ભૂતકાળ તેને આંબી ગયો હતો. શુ કરવું..? શુ ના કરવું ..?"
અને તેને એક ભયંકર યોજના સૂઝી.
ગામ હજુ એક ગાઉ દૂર હતું. રસ્તામાં સ્મશાન આવતું હતું. તેણે પોતાના પાપી વિચારને અમલમાં મુક્યો. તેણે મંજરીનું શરીર ઉપાડીને પોતાના ખભે નાખ્યું. બાદમાં તે સ્મશાન તરફ ચાલ્યો.

* * *
ખભા પર મંજરીનો દેહ લઈને ચાલતો તે યુવાન યાદોમાં સરી પડ્યો. ગામની સૌથી સુંદર છોકરી મંજરીને તેણે પ્રેમજાળમાં ફસાવી હતી. મંજરીના શરીરને તેણે વારંવાર ભોગવ્યુ હતું. મંજરી તેને ખૂબ જ ચાહતી હતી. તેના પર અપાર શ્રદ્ધા રાખતી હતી. પણ, તે યુવાન બિન્દાસ્ત અને બેફિકર જિંદગી જીવતો. તે મંજરીને માત્ર ઉપભોગનું સાધન માત્ર સમજતો.

પણ થોડાક મહિનાઓમાં બાદ જ...

તેની આ કામલીલાનો અંત આવે તેવી ઘટના ઘટી હતી.

મંજરી મા બનવાની થયી અને તે યુવાનના ઘેર આવી ઉભી રહી ગયી હતી. યુવાનની સમજાવટ છતાં મંજરી બાળહત્યા માટે તૈયાર ન થતા એક રાત્રીએ ડરનો અને ઈજ્જતનો માર્યો તે ગામ છોડીને ભાગ્યો હતો.
નાનકડા ગામના રીતરિવાજો અને નિયમો સામે લડવાની તે યુવાનની કોઈ તૈયારી નહોતી.
તેની ઘરડી મા અને મંજરી પાછળ છૂટી ગયા હતા.
શહેરમાં રહેતા તેણે ઉડતા સમાચાર સાંભળ્યા હતા કે મંજરીના પેટે મરેલું બાળક જન્મ્યું હતું. કુંવારી મા બનવાને કારણે લોકોએ મંજરી અને તેના પરિવારનો બહિષ્કાર કર્યો હતો. લોકોએ બહુ ઝુલ્મ કર્યો છતાંયે મંજરીએ એના બાળકના પિતાનું નામ કોઈને ય જણાવ્યું નહોતું, તે ગાંડી થઈ ગયી હતી. યુવાને ઘણી વાર વિચાર્યું કે હવે પોતે ગામ જાય. પણ તેને ડર હતો કે..રખે ને.. પોતાને પાછો આવેલો જોઈને મંજરી સામે આવીને ઉભી થઇ જાત તો.? ડાહી થઈને પાછળ પડે તો.? એટલે તે કયારેય ગામ પાછો ના આવ્યો. અને, તેણે પોતાની પાછળ પોતાના જ મોતની લોકવાયકાઓ રમતી મુકી હતી.
પણ, હાય રે..કિસ્મત..
નિયતિનો ખેલ જુઓ.
આજે અડધી રાત્રે ગામ આવ્યો ત્યારે પહેલી મંજરી જ ભટકાઈ.
સ્મશાને પહોંચતા જ તે યાદોમાંથી પરત આવ્યો.
સ્મશાનમાં છૂટાછવાયા પડેલા લાકડાં એકઠા કરીને તેણે ચિતા ગોઠવી. મંજરીનું શરીર ચિતા પર ગોઠવ્યું. અચાનક જોરદાર વાવાઝોડું આવ્યું, અંધારી રાત.. દૂર બોલતા શિયાળવા..ચિબરીનો ડરામણો અવાજ અને સ્મશાન નજીક રડતા કૂતરા...વાતાવરણને ખૂબ જ ભયાનક બનાવતા હતા.
વાવાઝોડાએ ગતિ પકડી. હવે બહુ સમય નથી એવું વિચારતા ખિસ્સામાંથી લાઈટર કાઢીને તેણે ચિતાને આગ ચાંપી દીધી. એક પળ તો તેને એવું લાગ્યું કે તેણે જાણે કે પોતાનો આખો ભૂતકાળ સળગાવી દીધો. અને, સવાર પડવાનો ડર હોવાથી પાછા વળીને જોયા વગર તેણે ગામ તરફ ચાલવા માંડ્યું.

પણ, નિયતિને કંઈક અલગ જ મંજુર હતું.

વાવાઝોડાથી ઉઠેલા પવનની ઝાપટથી ચિતા હોલવાઈ ગયી .દૂર ભસતા કુતરાઓ મનુષ્યદેહ ચૂંથવાની લાલચે ચિતા પરના લાકડાં મોઢેથી હટાવવા લાગ્યા. મંજરીના શરીરમાં અચાનક થોડી હલચલ થઈ. કૂતરા ભડકયા.
ઊંડો શ્વાસ લેતી મંજરી ચિતા પર બેઠી થઈ ગયી.
હા, તે બેઠી થઈ.
તે મરી નહોતી.
તે મરી જ નહોતી.
અર્ધપાગલની જેમ મંજરી ગામમાં ખાધા પીધા વગર રખડતી હતી. તેથી નબળાઈને લીધે રસ્તા પર આવીને મંજરી બેહોશ થઈ ગયી હતી.

મંજરીએ વિચાર્યું કે, "કોઈએ તેને બચાવવાના બદલે મરેલી જાણીને ચિતા પર સુંવાડી દીધી હતી..!"
તે સભાન હતી. તે પાગલ ય નહોતી જ. તે માત્ર વિરહિણી હતી. પ્રેમભગ્ન થયેલી મંજરી માત્ર આમતેમ રખડયા કરતી હતી. કૂતરાઓને મારવા માટે ચિતા પરથી લાકડું લેતી'કને તે ઉભી થઈને ગામ તરફ ચાલી.
તેને વિચાર આવ્યો ," કોણ તેને ઊંચકીને અહીં સુધી લાવ્યું હશે.? અચાનક, તેને પોતાના શરીર પર ચોક્કસ ગંધ વર્તાઈ હતી, એક જાણીતી ગંધ વર્તાઈ હતી..!" હા, સ્ત્રી પુરુષના શરીરની ગંધ પારખી લે છે.

મંજરીને ચોક્કસ ખાતરી થઈ ગયી કે, "આ એ જ પુરુષના શરીરની વાસ હતી જેણે તેના જીવનને નર્ક બનાવી મુક્યું હતું. તે યુવાનના શરીરની જ ગંધ તેને વર્તાતી હતી. હા, તે જ ગંધ..જે યુવાને તેને દગો આપ્યો હતો, તેની જ આ વાસ હતી, તો શું એ વ્યક્તિ આટલી હદે આવી ગયો હતો ? પોતાને ચિતા પર મરવા મૂકી ગયો હતો.? ના..ના.. તે.. એવું ના..કરે..તે તો અહીં હતો જ નહીં. લોક કહે છે કે એ તો ક્યારનોય મરી પરવાર્યો છે. હા,તે દગાખોર હતો. તેણે વિશ્વાસઘાત કર્યો હતો. પણ પોતાને આમ જીવતી ચિતા પર બાળવા મૂકે, એટલો નીચ નહોતો. સાવ એવો નહોતો જ..!! પણ, તો પછી પોતાને એની ગંધ પોતાને કેમ વર્તાતી હતી.?"
અચાનક મંજરીની નજર રસ્તા પર પડી. ગામ તરફથી કોઈક પુરુષ આકૃતિ આવતી હતી. તે એક ઝાડ પાછળ છુપાઈ ગયી.
પોતાની ઘરડીમાં ગામમાં જ ના હોવાથી તે યુવાન અત્યન્ત ઉતાવળે ગામથી ધોરી માર્ગ તરફ પરત આવી રહ્યો હતો. જાણે કે સાચે જ ભાગતો હોય તે રીતે તે આવી રહ્યો હતો. તે યુવાન નજીક આવ્યો. તેને જોતા જ મંજરીનું હૃદય એક ધબકરો ચુકી ગયું. હાય..રામ..આ તો એ જ હતો. મંજરીએ પોતાના પ્રેમીને ઓળખી લીધો હતો.
તેના મગજે તાળો મેળવ્યો. પોતે છેલ્લે રસ્તા પર બેભાન થઈને પડી હતી. તેનો પ્રેમી ખાનગી રાહે ગામ આવ્યો હતો અને, હવે ગામમાંથી પરત પણ જઇ રહ્યોં હતો. મતલબ.? મતલબ કે તેણે જ મુજ જીવતીને ચિતા પર નાખી હશે.?તેને મારી સહેજ પણ દયા નહીં આવી હોય.? આટલો નરાધમ હતો તે..? આખરે મંજરીનો પુણ્યપ્રકોપ જાગ્યો. વર્ષોથી છુપાયેલો તેનો આક્રોશ ભડક્યો. યુવાનની સામે રસ્તા પર આવતી'કને તેણે ચિતા પરથી કૂતરા ભગાડવા લીધેલું લાકડું યુવાનના માથા પર ફટકાર્યું દીધું.
અને,
એક જ ફટકામાં તેણે યુવાનનું ઢીમ ઢાળી દીધું. બાદમાં, મંજરી તે યુવાનના મૃત શરીરને હાથ વડે ઘસડતી ચિતા સુધી લઈ ગયી. ચિતા પર મૃતદેહ મૂકી લાકડાં ગોઠવી પેલા જ લાઈટર વડે ચિતા સળગાવી. ચિતા ભડ ભડ સળગી. તેની સાથે જ પોતાનો ભૂતકાળ સળગાવતી મંજરી નવું જીવન જીવવા ગામ તરફ રવાના થઈ.
તે રાત્રે તેનું ગાંડપણ ય તેના મોહ અને પ્રેમની સાથે જ જાણે કે ગાયબ થઈ ગયું હતું.

-- અનિરુદ્ધ ઠક્કર "આગંતુક"
અમદાવાદ 09328947741