Sasu-vahu in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | સાસુ-વહુ

Featured Books
Categories
Share

સાસુ-વહુ

શ્વેતા બેટા, તું તૈયાર થઈ કે નહિ..?? કેટલી વાર..?? જલ્દી કર હવે છોકરાવાળા આવતા જ હશે. " શ્વેતાની મમ્મી પીન્કી બેન શ્વેતાના રૂમનું બારણું ખખડાવી રહ્યા હતા અને બૂમો પાડી રહ્યા હતા. " આ અત્યારની છોકરીઓને તૈયાર થવામાં આટલો બધો ટાઈમ કેમ લાગતો હશે. " પીન્કી બેન બેઠક રૂમમાં આંટા મારી રહ્યા હતાં અને મનમાં ને મનમાં બબડી રહ્યા હતા.

પીયુષ ભાઈએ તેમને ટોક્યા પણ ખરા કે, " હવે બૂમો પાડવાની અને બબડવાનું રહેવા દે, તે જ એને કહ્યું હતું કે, સરસ તૈયાર થજે, બહુ પૈસાવાળા ઘરનો છોકરો છે, દેખાવમાં પણ સરસ છે અને એન્જિનિયર થયેલો છે એટલે તારા કરતાં વધારે ભણેલો છે, તને પસંદ કરી લેશે તો તારું ભાગ્ય ખૂલી જશે. અને હવે તું જ બૂમો પાડે છે. હે ભગવાન આને કઈરીતે સમજાવવી."

અને પીયુષ ભાઈ બહાર હિંચકે જઈને બેઠા.

એટલામાં પીન્કી બેને પીયુષ ભાઈને બૂમ પાડી, " સાંભળો છો.. મને અહીં ઉપરથી નવા કપ-રકાબી ઉતારી આપોને.."

અને પીયુષ ભાઈ ઉભા થઈને અંદર ગયા એટલી વારમાં ડોરબેલ વાગ્યો.

પીન્કી બેન: જૂઓ, હું નહતી કહેતી કે, મહેમાન આવી જશે. આવ્યા જ લાગે છે. તમે એક કામ કરો મહેમાન ને આવકારો હું શ્વેતાને બૂમ પાડું

શ્વેતા, પીન્કી બેન અને પીયુષ ભાઈની ચોથા નંબરની દીકરી હતી. દિકરાની આશામાં ને આશામાં પીન્કી બેને એક પછી એક એમ ચાર દીકરીઓ ભેગી કરી હતી. ચારેય દીકરીઓ એક બીજા કરતાં વધુ ને વધુ રૂપાળી હતી અને કહેવાય છે ને કે, જેનું કોઈ નથી તેનો ભગવાન છે. તેમ ત્રણેય દીકરીઓને એકબીજા કરતાં ચડિયાતું સાસરું મળ્યું હતું બસ હવે આ એક છેલ્લી દીકરી શ્વેતા બાકી હતી. જે પણ ખૂબજ રૂપાળી, ડાહી અને ઠાવકી હતી તેમજ ઘરના તમામ કામમાં એક્સપર્ટ હતી. રસોઈ તો એવી બનાવે કે તમે આંગળાં ચાટી જાવ. આમ, તેનાં વખાણ મુકેશભાઈએ પોતાના મિત્ર પાસેથી સાંભળ્યા એટલે પોતાના સગા ભાણીયા માટે શ્વેતાને જોવા આવ્યા હતા. મુકેશભાઈના બનેવી કાર ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા તેથી પોતાના બેન-ભાણીયાનુ ધ્યાન મુકેશભાઈ જ રાખતા હતા.

પીયુષ ભાઈએ ડોરબેલ વાગતાં જ બારણું ખોલ્યું અને મહેમાનને આવકાર્યા.

શ્વેતા જેટલી દેખાવમાં સુંદર હતી તેટલી જ સંસ્કારી પણ હતી. મનિષને અને તેના મમ્મીને જોતાંવેંત જ શ્વેતા ગમી ગઈ.

શ્વેતા અને મનિષના ધામધૂમથી લગ્ન લેવાયા. લગ્નના દિવસે જ મનિષના મમ્મી રેખાબેને શ્વેતાના હાથમાં એક હીરાની નથ આપી અને કહ્યું કે, " બેટા, આ હીરાની ખૂબજ કિંમતી નથ છે. મારા સાસુએ મને પહેરાવી હતી. જે હવે હું તને પહેરાવું છું, તેને જીવથી પણ વધારે સાચવીને રાખજે. "

હીરાની નથ પહેર્યા પછી શ્વેતાનો ચહેરો ઓર ચમકી રહ્યો હતો. લગ્નના થોડા દિવસ પછી શ્વેતાથી પોતાની સાસુની આપેલી હીરાની નથ ખોવાઈ ગઈ..!!

તેણે આખાય ઘરમાં નથ ખૂબ શોધી ખૂબ શોધી પણ ન મળી તો ન જ મળી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ એમ કરતાં કરતાં અઠવાડિયું વીતી ગયું. પણ નથ ન મળી તો ન જ મળી. તે ઉદાસ રહેવા લાગી.

પોતાની પત્નીને પરેશાન જોઈને એક રાત્રે મનિષે તેને કારણ પૂછ્યું. શ્વેતાએ તેને કહ્યું કે, " હું એક વાત કહું પણ તમને મારા સમ છે તમારે આ વાત મમ્મીને નહીં કહેવાની, મારાથી મમ્મીએ આપેલી હીરાની કિંમતી નથ ખોવાઈ ગઈ છે. "

મનિષે તેને પ્રોમિસ આપી કે તે આ વાત પોતાની મમ્મીને નહીં કરે.

આમ કરતાં કરતાં બીજા પંદર દિવસ નીકળી ગયા પછી શ્વેતાથી રહેવાયું નહિ એટલે એક દિવસ બપોરે શ્વેતા પોતાની સાસુમાના રૂમમાં ગઈ અને સાસુમા પાસે બેસીને રડવા લાગી.

સાસુમાએ રડવાનું કારણ પૂછતાં જ શ્વેતાએ હીરાની નથ પોતાનાથી ખોવાઈ ગઈ છે તે વાત જણાવી.

સાસુમાએ પહેલા તો શ્વેતાને છાની રાખી અને પછી કહ્યું કે, " બેટા, એમાં આટલું બધું શું રડે છે..!! મને તો ક્યારની ખબર છે કે તારાથી નથ ખોવાઈ ગઈ છે. ( અને ઉભા થઈને તિજોરીમાંથી બીજી નથ શ્વેતાના હાથમાં મૂકી અને બોલ્યા ) લે આ બીજી નથ પહેરી લે.

શ્વેતા: બા, તમને ખબર હતી કે મારાથી હીરાની કિંમતી નથ ખોવાઈ ગઈ છે તો તમે મને અત્યાર સુધી કંઈ કીધું કેમ નહીં..??

રેખાબેન: કારણ કે બેટા, એ હીરાની નથ કરતાં મારે માટે તું વધારે કિંમતી છે. તને કહીને હું તને ખોવા ન હતી માંગતી. મારે માટે તો મારો સાચો અને કિંમતી હિરો તું જ છે બેટા અને શ્વેતા પોતાની સાસુના પગમાં પડી ગઈ અને સાસુમાએ તેને બેઠી કરીને પોતાના હ્રદય સોંસરવી ચાંપી લીધી.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ