Employment in Gujarati Short Stories by Shefali books and stories PDF | રોજગાર

The Author
Featured Books
  • इश्क दा मारा - 46

    यूवी गीतिका का हाथ छोड़ देता है और गीतिका वहां से चली जाती ह...

  • इंटरनेट वाला लव - 97

    भूमि की मुंह दिखाई. . .अरे भूमि जी आप चुप क्यों बैठे है. जरा...

  • चुप्पी - भाग - 3

    क्रांति अपने पिता का आखिरी फ़ैसला सुनकर निराश अवश्य हुई लेकि...

  • Dangerous Ishq - 1

    मुंबई सपनो का शहर, एक मायानगरी।रोज़ देख अगर मां बाबा को मालु...

  • प्यार का एहसास

    अभिमन्यु, गौरव, अतुल,और मुस्कान कॉलेज की कैंटीन में बैठे हुए...

Categories
Share

રોજગાર

રોજગાર

"અરે યાર.! ક્યાં હું પત્રકાર બનવા આવ્યો હતો અને ક્યાં મને આવી ગંદી જગ્યાએ પ્રોજેક્ટ માટે મોકલી દીધો." રસ્તાની બે બાજુ વહી જતા ગટરના પાણીની વચ્ચે ડોકાતા રોડ પર સાવચેતીથી પગલાં પાડતા રવિ બબડ્યો..

રવિ.. રવિ પરમારને નાનપણથી રિપોર્ટર બનવું હતું. એને હંમેશાથી આ કામ ઉત્તેજક લાગતું અને એટલે જ એણે બી.એ વિથ જર્નાલિઝમ કરવાનું નક્કી કર્યું. કૉલેજના બીજા વર્ષમાં હતો અને એને ફિલ્ડ વર્ક માટે ગણિકાની જિંદગી ઉપર પ્રોજેક્ટ મળ્યો. આમ તો એની જોડે આ પ્રોજેક્ટમાં એનો ફ્રેન્ડ અભિજિત હતો, પણ એના પિતાની તબિયત અચાનક જ ખરાબ થઈ જતાં એ હોસ્પિટલની દોડાદોડીમાં પડ્યો હતો. એક વાર તો એણે વિચાર્યું કે એ આજની મુલાકાત કેન્સલ કરી દે પણ કેટલાય દિવસની મહેનત અને આજીજી પછી એક સ્ત્રીએ ઇન્ટરવ્યુ માટે તૈયારી બતાવી હતી અને જો એ આજની તક જવા દે તો ફરી આ તક મળવાની શક્યતા ઘણી ઓછી હતી.

મનમાં એક જાતની સૂગ લઈને એ ધીમે ધીમે ગલીની અંદર ગયો. નાની સરખી ગલીમાં બે બાજુ હારબંધ બહુ સુઘડ પણ નહીં અને ગંદા પણ નહીં એવા જૂની બાંધણીના મકાનો હતા. નાનો એવો ખાંચો વટાવીને એ દસ નંબરના મકાન આગળ પહોચ્યો. બેલ વગાડતા જ એક સાદી પણ વ્યવસ્થિત સાડી પહેરેલી મહિલાએ દરવાજો ખોલ્યો. એક પળ તો એને મનમાં થઈ ગયું કે એ કોઈ બીજા ઘરમાં આવી ગયો કે શું પણ એના મનની મૂંઝવણ સમજી ગઈ હોય એમ એ સ્ત્રી તરત જ બોલી, "તમે બરાબર જ ઘરમાં આવ્યા છો સાહેબ."

રવિ સહેજ છોભીલો પડી ગયો, એણે ધારીને એ સ્ત્રીની સામે જોયું તો એને જાણીતા હોવાનો અણસાર દેખાયો. એણે સહેજ સ્મિત કર્યું અને બોલ્યો, "આજે તમે બહુ અલગ દેખાવ છો."

"હા.. અત્યારે હું કોઈ ઘરાકને રીઝવવા માટે તૈયાર થઈને સૂમસામ ગલીમાં નથી ઊભીને એટલે.!" ગ્લાન સ્મિત કરતાં એક મોટો નિસાસો નાખીને એ સ્ત્રી બોલી.

આગળ શું બોલવું એની સમજ ના પડતા રવિ એમને એમ ઊભો રહ્યો.

"બેસોને સાહેબ.. એમ કઈં અભડાઈ નહીં જાવ તમે.!" અવાજમાં સહેજ ધાર કાઢીને એ સ્ત્રીએ કહ્યું.

"ના.. ના.. એવું કંઈ નથી. આતો હું.. મને.. " આગળ શું બોલવું એ વિચારમાં અટવાતા અધૂરા શબ્દો છોડીને બેસતા રવિએ કહ્યું..

"હું જાણું છું સાહેબ.! તમને હું, કે મારી જોડે વાત કરવાનું પસંદ નથી. એક ચીડ અને કદાચ એક ધિક્કાર છે તમને મારા માટે જે તમારી અને તમારા મિત્ર જોડે અગાઉ થયેલી મુલાકાતમાં જ મને દેખાઈ ગયો હતો, અને ખરું કહુંને તો હું એટલે જ તમારી જોડે વાત કરવા તૈયાર થઈ હતી. પણ તમે એકલા કેમ.? તમારા એ મિત્ર નથી આવ્યા આજે.? એ સ્ત્રીએ જાણે રવિની આરપાર ઝાંક્યું હોય એમ કહ્યું..

કોઈ જોરદાર આંચકો લાગ્યો હોય એમ રવિ દિગ્મૂઢ થઈને બેસી રહ્યો. એણે કેટલી તૈયારી કરી હતી આજના ઇન્ટરવ્યુ માટે પણ આજે એને લાગ્યું કે એક રૂમમાં બેસીને તૈયારી કરવી અને ફિલ્ડ વર્ક એ બંને સાવ અલગ જ કામ છે. આસમાન જમીનનો ફર્ક જાણે..

રવિ હજી વિચારતો બેસી રહ્યો હતો અને પેલી સ્ત્રીએ સામેથી એને પ્રશ્ન કર્યો, "તો સાહેબ તમે કહ્યું હતું કે તમારે પત્રકાર બનવું છે, તો એ બનીને તમે શું કરશો.?"

રવિને આ સ્ત્રી વ્યવસ્થિત લાગી. વાત કરવા માટે ક્યાંથી તો શરૂઆત કરવી પડશેને એમ વિચારીને એણે ગર્વ સાથે જવાબ આપ્યો, "મને નાનપણથી પત્રકાર બનવું હતું. મને આ કામ એકદમ રોચક અને ઉત્તેજક લાગતું. અને એટલે જ મેં આ ક્ષેત્રમાં જ ભણવાનું પસંદ કર્યું."

"સરસ વાત કહેવાય એતો કે તમને જે કરવું હતું એ કરવા સાચી દિશા મળી. પણ પત્રકાર બનીને તમે શું કરશો.?"

"રોજ આપણા દેશમાં કેટલીય ઘટના બને છે. એને જનતાની સામે રાખીશ. એની પાછળ રહેલી સચ્ચાઈ ઉજાગર કરીશ. એક રીતે તમે કહી શકો કે હું દેશસેવા કરીશ." ભારોભાર ગુમાન સાથે રવિએ જવાબ આપ્યો..

"તો, હેં આ દેશસેવા તમે મફતમાં કરશો.?" સાવ ભોળાભાવે પેલી સ્ત્રીએ પૂછ્યું..

"ના એવું તો કંઈ રીતે શક્ય છે. મારા મમ્મી પપ્પાએ અત્યાર સુધી મને પાળ્યો પોષ્યો હવે મારી જવાબદારી છે એમના પાછળના જીવનમાં એમને કોઈ તકલીફ ના પડે એ જોવાની." અકળામણ સાથે રવિએ કહ્યું..

"મતલબ તમે એમ જ કહેવા માંગો છો ને કે આ તમારો રોજગાર હશે, જેનાથી તમે તમારી અને તમારા પરિવારની જરૂરિયાત પૂરી કરશો.?" પેલી સ્ત્રીએ સામો પ્રશ્ન કર્યો..

"હાસ્તો વળી.." કંટાળાના ભાવ સાથે રવિએ કહ્યું..

"બસ સાહેબ, હું એજ કહું છું અને એજ કરું છું. શરીર વેચવું એ મારો રોજગાર છે. ખાલી એક ફેર છે.. તમને રોજગાર પસંદ કરવાની તક મળી છે, જ્યારે મારા માટે આ રોજગાર પસંદ કરવો એ મારી મજબૂરી છે." ભારોભાર દર્દ સાથે રવિ તરફ વેધક નજર નાખતા એ સ્ત્રી બોલી..

એની નજર અને એના શબ્દો જાણે રવિના હૈયાની આરપાર નીકળી ગયા હોય એમ એના ચહેરા પર ભારોભાર સંકોચ ડોકાઈ આવ્યો. પેલી સ્ત્રીએ પણ મનોમન આની નોંધ લીધી અને બોલી, "બસ સાહેબ હવે તમે તૈયાર છો મને પ્રશ્નો પૂછવા. હું નહતી ઈચ્છતી કે મનમાં કોઈ ગ્રંથિ સાથે તમે મારા અને મારા રોજગાર વિશે જાણવાની કોશિશ કરો. કારણ કે, એમ તમે ક્યારેય સાચી પરિસ્થિતિનો ક્યાસ ના કાઢી શકયા હોત. તમારે મને જે પૂછવું હોય એ વિનાસંકોચ પૂછી શકો છો." હેતાળ સ્વરે પેલી સ્ત્રીએ કહ્યું..

એ પછી તો રવિ અને એ સ્ત્રી વચ્ચે લગભગ બે કલાક જેવી વાતો થઈ. એ સ્ત્રીના જન્મથી લઈને એના આ રોજગાર સુધીની સફર.. એને થતો અલગ અલગ વ્યક્તિનો ભેટો અને એમની માનસિકતા.. અને આ ધંધામાં રહીને પણ પોતાનું અલગ ગૌરવ જાળવી રાખવાની એ સ્ત્રીની પળ પળની પળોજણ..

તોય ઘણું હતું જે હજી રવિને સમજવાનું બાકી હતું. બે દિવસ પછી ફરી મળવાના વાયદા સાથે એ ત્યાંથી એના મનની ઘણી ખોટી દિવાલો તોડીને બહાર નીકળ્યો..

"મજબૂરી નામના પહાડ નીચે સૌ કોઈ દટાય છે અહીં,
તોય એમ ક્યાં પોતાની જવાબદારીથી છટકાય છે અહીં.?"

તમે મને ઈન્સ્ટાગ્રામ માં પણ ફોલો કરી શકો છો.
shabdone_sarname_

જય જિનેન્દ્ર
© Shefali Shah