" પપ્પા, મમ્મીને ક્યારે સારું થશે..?? મમ્મી ક્યારે ઘરે આવશે..?? પપ્પા બોલોને, મમ્મીને ક્યારે સારું થશે..?? મમ્મી ક્યારે ઘરે આવશે..?? " નાનકડી ગુડ્ડી પરેશને હચમચાવી દેતી હતી અને અવાર-નવાર આ એક જ પ્રશ્ન પૂછ્યા કરતી હતી. જેનો જવાબ પરેશ પાસે પણ ન હતો.
અને પરેશ ડૉક્ટર સાહેબને બે હાથ જોડીને વિનંતી કરતો હતો અને ધ્રુસકે ને ધ્રુસકે રડતો જતો હતો.
"જુઓ સાહેબ, મારી પત્ની પ્રીતિને કંઈ થઈ જશે તો મારા બંને નાના અને માસુમ બાળકો રખડી પડશે સાહેબ અને મારું ભર્યું ભાદર્યુ ઘર છિન્નભિન્ન થઈ જશે. ગમેતેમ કરીને તેને બચાવી લેજો સાહેબ, હું બે હાથ જોડીને આપને વિનંતી કરું છું."
અને પછી ભગવાન પાસે પોતાની પ્રીતિના જીવનની ભીખ માંગતો હતો. અને પોતાનાથી બનતું બધું જ તે કરી છૂટતો હતો.
ડૉક્ટર સાહેબે કહ્યું કે, " પરેશભાઈ તમે હૉસ્પિટલમાં પગ ન મૂકશો, તમને કેટલી વાર સમજાવવાના, જો તમે પણ આ ઘાતક જીવલેણ રોગની ઝપટમાં આવી જશો તો તમને પણ અહીંયા હૉસ્પિટલમાં દાખલ કરવા પડશે. અમે અમારા તરફથી પ્રીતિબેનને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ. પછી તો ઉપરવાળાના હાથમાં છે. અને તમને જે ઑક્સિજનના બાટલાની વ્યવસ્થા કરવાની કીધી છે તે તમારે તાત્કાલિક કરવી પડશે, કારણ કે પ્રીતિબેનનું ઑક્સિજન લેવલ ઘટી ગયું છે અને તેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. "
પરેશ: જી, સાહેબ હું તે વ્યવસ્થા આજે જ કરી લઉં છું. આપ ચિંતા ન કરશો.
અને પરેશ ઑક્સિજનના બાટલાની વ્યવસ્થા કરવા માટે આમથી આમ અને આમથી આમ ખૂબ રખડ્યો છેવટે છોકરાઓના નસીબે ઑક્સિજનના બાટલાની વ્યવસ્થા થઈ ગઈ અને પ્રીતિનું ઑક્સિજન લેવલ બરાબર આવી ગયું.
પરેશ અને પ્રીતિનો ખૂબજ સુખી ઘર-સંસાર હતો. પ્રીતિ દેખાવે ખૂબજ સુંદર અને રૂપાળી હતી. પરેશના કાકીના ભાઈની દીકરી હતી પરેશને તે પહેલેથી જ ખૂબ ગમતી હતી તેથી તેણે સામે ચાલીને લગ્નનું માંગુ મૂક્યું હતું અને બંનેની "હા" માં "હા" થતાં સોનામાં સુગંધ ભળી હતી.
પ્રીતિ દેખાવે જેટલી સુંદર હતી તેટલી જ સ્વભાવે પણ સુંદર, ડાહી અને શાંત હતી. તેનાં અગિયારેક વર્ષનાં લગ્ન જીવન દરમ્યાન તેણે આઠ વર્ષનો એક દીકરો અને દશ વર્ષની એક દિકરીને જન્મ આપ્યો હતો. પરેશ અને પ્રીતિનો સુખી અને શાંત પરિવાર હતો
પરંતુ આ સુખી અને શાંત પરિવારને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ પ્રીતિને કોરોના જેવો જીવલેણ રોગ થઈ જતાં આ સુખી અને શાંત પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
હવે પ્રીતિને થોડું સારું છે તેમ લાગતાં જ પરેશને થોડી રાહત લાગતી હતી અને એટલામાં તો હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે, " તમારી પત્ની પ્રીતિબેન સીરીયસ છે અને ચાળીસ હજારનું એક ઇન્જેક્શન આવે છે તે તેમને તાત્કાલિક આપવું પડે તેમ છે તો તમે આ ઇન્જેક્શની વ્યવસ્થા કરો " અને પરેશ પાછો ટેન્શનમાં આવી ગયો.
આ ઇન્જેક્શન સહેલાઈથી મળતું ન હતું અને એમાં પણ આટલો બધો ખર્ચ થઈ ગયા પછી તાત્કાલિક પાછી ચાળીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાની પરેશ માટે થોડું મુશ્કેલ કામ હતું પણ પૈસાની સગવડ કર્યા વગર છૂટકો પણ નહતો.
પરેશે ફરીથી આમથી તેમ દોડાદોડ કરીને પૈસાની સગવડ કરી અને ઇન્જેક્શન લાવીને હૉસ્પિટલમાં પહોંચતું કર્યું અને ફરીથી પોતાની પ્રીતિને બચાવવા માટે ડૉક્ટર સાહેબને બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડતાં રડતાં પૂછવા લાગ્યો કે, "સાહેબ, હવે તો મારી પત્ની બચી જશે ને..?? "
ડૉક્ટર સાહેબ: જૂઓ, પરેશભાઈ અમે અમારાથી બનતો બધો ઉત્તમ પ્રયત્ન કરીએ છીએ તમે ઈશ્વરને પ્રાર્થના કરો અને ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખો. " અને પરેશ ઢીલાં પગે પોતાના ઘરે પાછો ફર્યો.
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ આમ કરતાં કરતાં બરાબર એક અઠવાડિયું પસાર થઈ ચુક્યું હતું. ત્યારે એક દિવસ સવાર સવારમાં હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે, "પરેશભાઈ, પ્રીતિબેનને હવે એકદમ સારું છે આજે તેમને રજા આપવાની છે તો તમે અહીં હૉસ્પિટલમાં આવીને તેમને લઈ જઈ શકો છો.
અને પરેશ-પ્રીતિનું પરિવાર ફરીથી હસતું-ખેલતુ થઈ ગયું.
સત્ય ઘટના ✍️
આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ કે આ કોરોના ચાલ્યો જાય અને પરેશ તેમજ પ્રીતિ જેવા હજારો પરિવાર બચી જાય.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/4/2021