Tapi River, Surat in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | તાપી નદી, સુરત

Featured Books
Categories
Share

તાપી નદી, સુરત

લેખ:- તાપી નદી વિશે માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




દક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી તાપી નદીનો આજે જન્મદિવસ છે. થોડી તાપી નદી વિશેની માહિતી રજુ કરું છું.

આજે અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. આજે શહેરીજનો તાપી માતાની આરતી ઉતારશે અને તેમને ચૂંદડી અર્પણ કરવામાં આવશે.

સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. જેમાં મુખ્ય લોકવાયકા મુજબ બ્રહ્માજીનાં નાભિ કમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી બધા દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન સૂર્યનું તપ કર્યું, અને તેમને પ્રસન્ન કર્યા. આનંદના અતિરેકમાં તેમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી પર પડ્યું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને એ જ તાપી નદી તરીકે ઓળખાઈ. તાપી નદી એ ગંગા અને નર્મદા નદી કરતાં પણ વધુ પૌરાણિક નદી છે.

ગંગાજીમાં સ્નાન, નર્મદાજીનાં દર્શનથી તમામ પ્રકારના પાપો નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે, જ્યારે તાપીનાં તો સ્મરણમાત્રથી જ તમામ પાપો નષ્ટ થાય છે. લોકો 'મા તાપી પાપ હરો' કહીને ભક્તો તેમનું સ્મરણ કરે છે.

તાપી નદીનું ઉદ્‌ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલ્તાઈ છે. મુલ્તાઈ શહેરનું સંસ્કૃત નામ 'મૂલતાપી' છે. જેનો અર્થ થાય છે 'તાપીનું મૂળ'. તાપીનું પ્રાચીન નામ તાપ્તી અને સૂર્યપુત્રી છે. મધ્યપ્રદેશમાં જન્મસ્થાન ધરાવતી માતા તાપી 724 કિલોમીટરનું અંતર કાપી સુરતમાં પ્રવેશ કરે છે અને દરિયામાં સમાઈ જાય છે. મુલ્તાઈમાં જન્મ બાદ તેનો એક ફાંટો મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઈને સુરત આવે છે.

ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓ માટે તાપી નદી ખૂબ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રી ડૉ. કર્દમ દવેના જણાવ્યા અનુસાર સુરત પાસેનું ફુલપાડા ગામ અતિ પ્રાચીન છે. આ સ્થળે મનુષ્ય દેહે સંવરણ રાજા અને તૃપ્તિ એટલે કે તાપીનું મિલન થયું હતું. વરિયાવ ગામમાં તેમનો લગ્ન ઉત્સવ યોજાયો હતો. તેમની લગ્નવિધી મહા મંડલેશ્વર શ્રી વશિષ્ઠજીએ કરાવી હતી. આ કારણે વરિયાવ સંવરણેશ્વર તરીકે પણ ઓળખાય છે. સંવરણ રાજાને નાની પત્ની સુલોચના દ્વારા જે પુત્ર થયો તેનું નામ 'તપસ' રાખ્યું અને તાપીને જે પુત્ર થયો તેનું નામ 'કુરુ' રાખ્યું, જેનાં વંશજ પાંડવો અને કૌરવો હતા. રાંદેર ગામથી અઢી માઈલ દૂર એક તપોભૂમિ આવેલી છે, જે કુરુક્ષેત્ર તરીકે ઓળખાય છે.

તાપી નદી સાથે જોડાયેલી અન્ય એક કથા મુજબ ગૌતમ મુનિના શાપથી ભગવતી તૃપ્તિ અને સંવરણને દેવલોક છોડીને પૃથ્વીલોકમાં આવવું પડ્યું હતું. કુરુક્ષેત્રની ભૂમિ આ કથા સાથે સંકળાયેલી છે. તપસ અને કુરુ બંને વચ્ચે ઝગડો થયો ત્યારે તેનાં નિવારણ માટે વશિષ્ઠ મુનિએ સમાધાનનાં ભાગરૂપે કહ્યું કે તપસ ગાદી પર બેસે અને વંશનું નામ કુરુ રાખવામાં આવે. બંને ભાઈઓ વચ્ચે સમાધાન તો થયું પણ કુરુને થોડો અસંતોષ હતો. આથી તેણે માતા તૃપ્તિનું પ્રબળ વ્રત કર્યું. જેનાં કારણે માતા તૃપ્તિ પ્રસન્ન થયા અને કુરુને દર્શન આપ્યાં. માતાએ વરદાન માંગવા કહ્યું ત્યારે કુરુએ તેમને કાયમ માટે કુરુક્ષેત્રમાં જ કાયમ માટે વસવાટ કરવા કહ્યું. માતા તૃપ્તિએ માંગણીનો સ્વીકાર કરી પોતાની સંમતિ આપી.

ગુજરાતનાં મહાન સંત પૂજ્ય શ્રી મોટાએ પોતાનો 'હરી ૐ' આશ્રમ પણ અહીં જ સ્થાપ્યો છે. અહીં લોકો ધ્યાન ધરવા અને મૌન સાધના કરવા માટે આવે છે. તાપી નદીનાં કિનારા પર ઘણાં તીર્થધામો આવેલાં છે.

તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દક્ષિણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઈને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઈને મળે છે. ગુજરાતનું સુરત પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.

તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે, જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.)માં આવેલો છે.

તાપીનો ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશીમ, જલગાંવ, ધુળે, નંદરબાર અને નાસિકમાં થઈને વહે છે. મધ્ય પ્રદેશના બેતુલ અને બુરહાનપુર તથા ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાના ડુમસ ખાતે ખંભાતના અખાતને મળે છે.

તાપી નદીની ઉપનદીઓ

ગિરણા નદી

પાંઝરા નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.

વાઘુર નદી

બોરી નદી

અનેર નદી

અમરાવતી નદી - ધુલિયા જિલ્લામાં માલપુર ગામ પાસે તાપી નદીમાં ભળે છે.

અરુણાવતી નદી - શિરપુર જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.

ગોમાઈ નદી - નંદુરબાર જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.

વાકી નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.

બુરાઈ નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.

તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે:

ઉકાઇ (તાપી જિલ્લામાં)

કાકરાપાર (સુરત જિલ્લામાં)

થાઈલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫માં પાડવામાં આવ્યું છે.


આભારસહ

- સ્નેહલ જાની