વાર્તા:- દુર્ઘટના(સત્ય ઘટના)
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જતા રહે છે. એનાથી નાસીપાસ થઈને જીવવું મુશ્કેલ થઈ જાય છે. પણ ક્યારેક અચાનક આવી પડેલ દુઃખ કે કોઈ દુર્ઘટના માનવીને સંપૂર્ણપણે હતાશ કરી દે છે. એ વ્યક્તિને જીવન જીવવાની કોઈ જ ઈચ્છા નથી નથી. આવી જ એક દુર્ઘટના એક પરિવારમાં બને છે. આ એક સત્ય ઘટના છે, જેને મેં વાર્તા સ્વરૂપે રજુ કરી છે.
શિરીષભાઈ અને રીટાબેન સુખેથી પોતાનાં સંસારમાં જીવતા હતા. એમનાં ત્રણેય બાળકો પણ ખૂબ જ સમજુ. આર્થિક રીતે તો બહુ સદ્ધર નહોતા, પણ કોઈની આગળ હાથ લંબાવવો પડે એવી પરિસ્થિતી ક્યારેય ઊભી થઈ ન્હોતી. ઘરનાં, કુટુંબનાં સામાજિક પ્રસંગોમાં પણ યથાશક્તિ વ્યવહાર કરતા. બંને પતિ પત્ની ખૂબ જ ધાર્મિક. ભગવાનમાં અપાર શ્રદ્ધા.
સમય પસાર થતાં બધાં બાળકો ભણી ગણીને નોકરીએ લાગ્યા. સમય થતાં બંને દીકરીઓને સાસરે વળાવી. દિકરો પણ સરકારી નોકરીમાં પ્રથમ પ્રયાસે જ લાગી ગયો. પરંતુ અચાનક જ એમનાં આ સુખી સંસારને જાણે કે કોઈની નજર લાગી. શિરીષભાઈને વારસામાં ડાયાબિટીસનો રોગ નાનપણથી જ મળ્યો હતો. જેની દવાની આડઅસરરૂપે હ્રદયરોગે દસ્તક દીધી હતી.
એક દિવસ અચાનક જ એમને હ્રદયરોગનો હુમલો થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા. ત્યાં એમને પેસ મેકર મૂકવું પડયું, હ્રદય ધબકતું રાખવા. આ માટે બંને દીકરીઓ અને જમાઈઓ ખડે પગે હાજર હતા, એમનાં દીકરાની સાથે. ઓપરેશન સફળ રહ્યું અને ફરીથી બધું નોર્મલ થઈ ગયું. પરંતું શિરીષભાઈની ખાવા પીવાની રીતો સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. એમની જીવવાની ઈચ્છા ખૂબ જ પ્રબળ હોવાથી ખાવા પીવાનાં શોખીન શિરીષભાઈએ ચુસ્ત પરેજી પાળવાની શરૂઆત કરી દીધી હતી. પોતાને ભાવતી વાનગીઓ જોઈને જે માણસ પોતાની જાતને કાબૂમાં ન રાખી શકતો હતો, એ જ માણસ હવે ગમે એટલી સારી ને ભાવતી વાનગી સામે પડી હોય, એનાં પ્રત્યે લાલચ રાખતા ન હતા. એમના પત્ની અને બાળકોનો જીવ બળતો હતો, અને એથી જ હવે ઘરમાં ખૂબ જ મર્યાદિત વાનગીઓ બનવા માંડી હતી. પરંતુ મનનાં મક્કમ શિરીષભાઈએ આવું કરવાની ના પાડી અને બધુ બનાવવા કહ્યું. માત્ર એમનાં પૂરતું જ અલગથી બનાવવું. અંતે એમની જીદ આગળ સૌએ નમતું જોખ્યું.
એક દિવસ એમણે એમનાં રૂટીન ચેક અપ માટે જવાનું હતું. બધાંને વિશ્વાસ હતો કે રિપોર્ટ નોર્મલ જ આવશે. સાંજે રિપોર્ટ આવ્યો. બધું જ નોર્મલ. એમણે હૉસ્પિટલમાંથી જ રીટાબેનને ફોન કર્યો કે બધુ જ બરાબર છે, આજે કંઈક સારુ ખાવાનું બનાવજે. ડૉક્ટરે એક લોહી પાતળું કરવાની દવા સિવાય બધી જ બંધ કરાવી દીધી છે. થોડું થોડું બધું જ ખાઈ શકાય એવું કીધું છે, અને એમની ટ્રેન આવતાં ફોન બંધ કર્યો. ટ્રેનમાં એમને ઓળખીતા એક ભાઈ મળી ગયા.
એમનું સ્ટેશન આવવાને માત્ર બે જ સ્ટેશનની વાર હતી ને શિરીષભાઈને તરસ લાગતાં પાણી પીધું. પાણી પીતા પીતા અચાનક જ એમનું પેસ મેકર બંધ થઈ ગયું અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા. ટ્રેનમાં હોહા થઈ ગઈ. એમનાં ઓળખીતા ભાઈએ એમનો મોબાઈલ ચેક કર્યો તો જે નંબર છેલ્લો ડાયલ કર્યો હતો એનાં પર કોલ કર્યો. એ રીટાબેનનો જ નંબર હતો. પરંતુ રીટાબેન રસોઈની તૈયારીમાં વ્યસ્ત હોવાથી તેમનાં દીકરાએ ફોન ઉપાડ્યો. હું હમણાં આવું છું કહીને એ ચાલ્યો ગયો.
જીવતા શિરીષભાઈ લાશ બનીને ટ્રેનમાંથી બહાર નીકળ્યા. નિયમ પ્રમાણે એમનું પોસ્ટમોર્ટમ કરવું પડે એટલે પોલિસ તરફથી એમની બોડી આપવામાં આવી નહીં. આથી નાછૂટકે દીકરાએ માતાને ક્હેવું પડયું. સાંજ પડી ગઈ હોવાથી પોસ્ટમોર્ટમ બીજા દિવસે સવારે થયું. આખી રાત સૌ સ્વજન ઘરે જ બેસી રહ્યાં. રીટાબેન આ દુર્ઘટના સહન કરી શક્યા નહીં, અચાનક આવી પડેલ આ દુઃખ એઓ સહન કરી શક્યા નહીં.
લગ્ન પછી ભાગ્યે જ અલગ થયેલા તેઓ આ વિરહ સહન કરી શક્યા નહીં અને નવ મહિનામાં જ બીજી દુર્ઘટના બની. રીટાબેન પણ કોઈ જ જાતની તકલીફ ન હોવાં છતાં સ્વર્ગે સિધાવ્યા.
પ્રભુ બંનેની આત્માને શાંતિ આપે🙏🙏🙏
😢😢😢
અંતે એટલું જ કહીશ કે મૃત્યુ એ સનાતન સત્ય છે. એને સ્વીકારવું જ રહ્યું. કોઈ એક વ્યક્તિનાં મૃત્યુનો એટલો બધો શોક ન કરાય કે એનાં વિરહમાં પોતે પણ જીવ ગુમાવવો પડે. જો બાળકો નાનાં હોય તો આવા કિસ્સામાં અનાથ બની જાય. જીવન તો વહેતો પ્રવાહ છે. એને જીવ્યે જ છૂટકો. મૃતકનું દુઃખ થાય સ્વાભાવિક છે, એમની ખોટ કોઈ જ પુરી શકે એમ નથી. પરંતુ આવા સંજોગોમાં પાછળની જિંદગીનો પણ વિચાર કરવો જોઈએ. હિંમત ભેગી કરી પરિસ્થિતિનો સામનો કરવો, સાથે સાથે પરિવારની પણ હિંમત બનવું.
વાંચવા બદલ આભાર.
ભૂલચૂક ક્ષમા🙏
- સ્નેહલ જાની
(નોંધ:- સત્ય ઘટના)