tran gorajee in Gujarati Motivational Stories by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ books and stories PDF | ત્રણ ગોરજી

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

ત્રણ ગોરજી



ધારાનગરીના ભોજ રાજાનો દરબાર જેમ ચૌદ રત્નો વડે શોભતો હતો તેમ કચ્છ-ભુજનો દેશળ-દરબાર પણ ચૌદ રત્નો વડે દીપતો હતો. આ રત્નોમાં પ્રથમનાં ત્રણ રત્નો તરીકે ત્રણ જૈન યતિઓની ગણતરી થતી હતી. આ ચૌદ રત્નોનાં નામનો એક છપ્પય નીચે મુજબ છે –

મોતી, મેરુ, અરુ, ખંત, ફતું ઔર અકબર અલી,
રુદ્ર, ચંદ્ર, ગોવિંદ, ઉન્નડ કવિ, કેશવ કલી;
કહાન, વીર ખેંગાર, વાલ, અરુ લાલા છલ્લી,
જુગ મયંક સમ અંક, રત્ન નાર મહા પ્રબલ્લી;
જ્યાં ભોજ ભુપ ધારાપતિ, લસત બસંત બલ બુદ્ધિ યુત,
ત્ય ઈત રાજ રાજેન્દ્ર, રાજયો દેશલ કચ્છપત.

ગોરજી મોતીચંદજી

આ ચૌદ રત્નોમાં પહેલાં ત્રણ રત્નોમાંના મોતીચંદ ગોરજી કચ્છ- અંજારમાં હતા. આજે પણ દેવળિયાને નાકે એમનાં મકાનો મોજૂદ છે. મોતીચંદ ગોરજી આયુર્વેદના નિષ્ણાત હતા. એમની વૈદકીય કુશળતાની અનેક વાતો આજે પણ કચ્છમાં પ્રચલિત છે.

વૈદરાજ મોતીચંદજી કચ્છના રાજકુટુંબમાં પણ માનીતા હતા. રાજકુટુંબની કુશળતાની ખબર કાઢવા દર અઠવાડિયે અંજારથી ભુજ આવતા મોતીચંદજી મોટા નાડીવૈદ હતા. માત્ર નાડી જોઈને એ બધું સમજી શકે છે એવી માન્યતા આખા કચ્છમાં ફેલાયેલી હતી. યતિ મહારાજની આ પ્રશંસા સાંભળીને એક વાર ભુજ દરબારગઢના જનાનખાનાની રાણીઓને એમની કસોટી કરવાની ઈચ્છા થઈ આવી.

ગોરજી મોતીચંદજી જ્યારે ભુજ આવતા ત્યારે જનાનખાનાની રાણીઓની નાડી પણ જોઈ લેતા. રાણીઓ ઓઝલમાં રહેતી હોવાથી રાણી અને ગોરજી વચ્ચે પડદો રાખવામાં આવતો. નાડી જોવા માટે રાણીના હાથના કાંડામાં દોરી બાંધવામાં આવતી. દોરીનો બીજો છેડો ગોરજીના હાથમાં રહેતો. રાણીના હાથના ધબકારા દોરીમાં ઊતરતા અને દોરીના ધબકારા પરથી મોતીચંદ ગોરજી રાણીના સ્વાથ્યને સમજી લેતા. આ રીતે રાણીઓની નાડી પરીક્ષા કરવામાં આવતી!

આજે તો રાજરાણીઓને ગોરજીની જ પરીક્ષા કરવી હતી. રાણીઓએ પોતાના હાથમાં દોરી બાંધવાને બદલે એક બિલાડીને પકડીને તેના પગમાં દોરી બાંધી દીધી અને દોરીનો બીજો છેડો ગોરજી મહારાજના હાથમાં આપ્યો. દોરી હાથમાં લઈ ગોરજી તેના ધબકારાનું બારીક નિરીક્ષણ કરવા લાગ્યા. આ વખતે થયું એવું કે બિલાડીના મ્યાંઉનો ઝીણો અવાજ ગોરજીએ સાંભળી લીધો. ગોરજી મહારાજ ચતુર હતા. રાણીઓનું કારસ્તાન તે હવે સમજી ગયા હતા. એમણે ધીમે સાદે કહ્યું, કે “કાં તો આ રાણીજીએ આજે ઉંદરનો આહાર કર્યો છે અને કાં તો મારું મોત ભરાઈ આવ્યું છે.”

વૈદરાજની આ વાત સાંભળીને રાણીઓના આશ્ચર્ય અને આનંદનો પાર રહ્યો નહિ. એમણે સારી ભેટ આપીને ગોરજી મહારાજને વિદાય કર્યા. આ વાત આખા કચ્છમાં ફેલાઈ ગઈ અને ગોરજીની નાડી પરીક્ષાની ખ્યાતિ ચારે તરફ ગવાઈ ગઈ. મોતીચંદજી ગોરજી પછી એમનો ચેલો દેવચંદજી એમની ગાદી પર આવ્યો.

કચ્છના જામ હમીરજીને ચાર કુંવર હતા. ખેંગારજી, સાહેબજી, રાયબજી અને અબિયોજી. જામ રાવળે જૂના વેરનો બદલો લેવા હમીરજીને પોતાના બાળા ગામે બોલાવીને દગાથી ખૂન કર્યું અને એના આખા વંશનું ઉચ્છેદન કરવા તે ખેંગારજી અને સાહેબજી પાછળ પડ્યો. હમીરજીના નિમકહલાલ સેવક છછર બૂટાને આ વાતની જાણ થતાં તે બંને કુંવરોને લઈને પોતાના મિત્ર મિયાણા ભીંયા કક્કલને ત્યાં પહોંચી ગયો. ભીંયા કક્કલે પોતાના છોકરાને ભોગે જામ રાવળના પંજામાંથી કુંવરોને બચાવી લીધા એ હકીકત સુપ્રસિદ્ધ છે.

છછર બુટો કુંવરોને લઈ, રણ ઓળંગીને ચરાડવા ગામે આવ્યો. એ વખતે સાંજનું અંધારું થઈ ગયેલું હોવાથી આ ત્રણે જણાએ ગામના પાદરમાં એક વડલા નીચે પોતાનું મેલાણ નાખ્યું. છછર બૂટો રણના પ્રવાસથી થાકેલા કુંવરોની ચોકી કરવા આખી રાત જાગ્યો હતો.

અહીં ચરાડવા ગામે માણેક મેરજી નામે એક પ્રખ્યાત જૈન યતિ રહેતો હતો. તે માતા અંબાજીનો પરમ ભક્ત હતો. સવારમાં ખેંગારજીના પગ પર તેની દૃષ્ટિ પડી. ગોરજી મહારાજ સામુદ્રિક શાસ્ત્રનો જ્ઞાતા હતો. ખેંગારજીના પગમાં રાજચિહ્ન જોઈને તેને નવાઈ લાગી. રાજકુમાર જેવા કિશોરને એક રખડુની હાલતમાં પડી રહેલો જોઈને ગોરજીના મનમાં એક હીલો આવી જવાથી તેનું મસ્તક ડોલી ઊઠ્યું અને ગોરજી પોતાના હાથમાંના લોટા સાથે આગળ વધ્યો.

ગોરજીના મસ્તકનું ડોલન ચાલાક છછર બૂટાના લક્ષ બહાર ન રહ્યું. તેને વહેમ પડ્યો કે આ માણસ જામ રાવળનો જાસૂસ હોય તો બધી બાજી બગડી જાય. આથી તેણે ગોરજીની પીઠ પકડી તેનો હાથ પકડી . અને તેને માથું ધુણાવવાનું કારણ પૂછવા લાગ્યો. ગોરજીએ કહ્યું: ‘એ કારણ અહીં કહેવાય તેમ નથી. કારણ જાણવું હોય તો ઉપાશ્રય પર આવજો!” અને ગોરજી ચાલતા થયા.

ગોરજીની વાત છછરના મનમાં ખટકવા લાગી. આ ત્રણે જણ નિત્યકર્મથી પરવારીને ચરાડવા ગામમાં ગોરજીના ઉપાશ્રયની શોધમાં નીકળી પડ્યા. ઉપાશ્રય શોધતાં બહુ સમય લાગે તેમ ન હતું. ગોરજીને નમન કરી છછર બૂટાએ તેને ફરી માથું ધુણાવવાનું કારણ પૂછ્યું. એ વખતે ગોરજીએ ખેંગારજી તરફ અંગુલિનિર્દેશ કરીને કહ્યું કે “આ કિશોરના પગમાં રાજરેખા હોવાથી તે ભવિષ્યમાં રાજા થશે એમ મને લાગે છે.” ગોરજી મહારાજની આ ભવિષ્યવાણીએ આ ત્રણે જણની નિરાશામાં આશાની ચમક ભરી દીધી. એમના આનંદનો પાર રહ્યો નહિ. ગોરજીને એક સમર્થ મહાનુભાવ માનીને છછર બૂટાએ તેને પગે પડીને માર્ગદર્શનની માગણી કરી.

ગોરજીએ ખેંગારજીના હાથમાં માતા અંબાજીની સાંગ આપીને કહ્યું કે, આ સાંગ વડે તેમનો રસ્તો સરળ થશે અને તેની નિશાની તરીકે રસ્તામાં તેમને ધોળું શિરામણ અને કાળો ઘોડો મળશે. ગોરજી મહારાજની બધી વાતો સાચી નીવડી. આ ત્રણે જણ અમદાવાદ ગયા, ત્યાં ખેંગારજીએ એ જ સાંગ વડે સિંહનો શિકાર કરી મહમદ બેગડાનો જાન બચાવ્યો અને કચ્છમાંથી જામ રાવળને દૂર કરી કચ્છની રાજગાદી પ્રાપ્ત કરી.

કચ્છની રાજગાદી પર આવીને ખેંગારજીએ આપત્તિના સમયમાં તેને સહાય કરનારાઓને બદલો આપવા માંડ્યો. ગોરજી માણેક મેરજીને ઉપાધ્યાયની પદવી અને બાર ગામ આપ્યાં. ઉપરાંત કચેરીમાં ખાસ મિસલ આપી અને વણિકયજમાનો ઉપર લાગો કરી આપવામાં આવ્યો. ગોરજીએ એમને આપેલી સાંગ આજે પણ ભુજની પોશાળમાં મોજૂદ છે. વિજયાદશમીના દિવસે આ સાંગની આજે પણ પૂજા કરવામાં આવે છે.

ગોરજી ખાંતિવિજયજી

ગોરજી ખાંતિવિજયજી કચ્છ માંડવીના. એનું બીજું નામ ‘બોડો ગુરજી'. આખા કચ્છમાં એ બોડા ગોરજીના નામે પ્રખ્યાત હતો. કહેવાય છે કે “કર્ણપિશાચિકા' નામીન વિદ્યાની સાધના કરતાં એ સાધના અવળી ઊતરી અને એના કાનની શક્તિ એ ગુમાવી બેઠા હતા. બોડા ગોરજી મોટા વૈદરાજ હતા. એમની બાળાગોળીઓ આખા કચ્છમાં પ્રખ્યાત હતી.

એ ખાંતિવિજયજી યતિ રાજદરબારમાં પણ માનકારી હતા. દેશળજી બાવાને એમની વૈદકીય શક્તિમાં ખૂબ શ્રદ્ધા હતી. જ્યારેજ્યારે એમની જરૂર પડતી, ત્યારે ખાસ વેલ મોકલીને એમને ભુજ બોલાવી લેતા.

ખાંતિવિજયજી મહારાજે દરેક વરસનું ભવિષ્ય ભાખતા દોહરાનો એક મોટો સંગ્રહ તૈયાર કર્યો હતો. એના એક-બે નમૂના અત્રે આપવામાં આવે છે -

સંવત ઓગણીસ ત્રેપનો, મકડ મોલને ખાય,
ખાંતિવિજય કહે રા દેશળને, માનવ પણ મર જાય.

સંવત ૧૯૫૩માં ઉપરના દોહરા પ્રમાણે કચ્છમાં તીડોનો ત્રાસ એકદમ વધી પડ્યો હતો અને મુંબઈ તથા માંડવીમાં મરકીના રોગો ભારે ઉત્પાત મચાવ્યો હતો.

સંવત ઓગણીસ પચાવનો, નદીએ ખળકે નીર,
ખાંતિવિજયે કહે રા દેશળને, ધેનુએ ઝાઝાં ખીર.

આ રીતના અનેક દોહરા ખાંતિવિજયજી મહારાજે રચેલા હતા, પરંતુ આજે એમનું સાહિત્ય લુપ્ત થઈ ગયું છે.

એક વાર દેશળજી બાવા અને યતિ ખાંતિવિજય ભદ્રસરમાં મિલન થઈ ગયું. એ વખતે વારાહી તીર્થધામની સ્થિતિ બેહાલ બની ગઈ હતી. ખાંતિવિજયજીએ વસહી તીર્થની દયાજનક હાલત દેશળજી બાવાને રૂબરૂ બતાવી અને આ તીર્થનો ઉદ્ધાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી. દેશળજી બાવાને યતિજી માટે ખૂબ માન હતું. ભુજ જઈને એમણે જૈન સંઘના અગ્રણીઓને એકઠા કર્યા અને વસહી જેવા મહાન તીર્થની કોઈ સંભાળ લેતું નથી એ માટે એમને મીઠો ઠપકો આપ્યો. જૈન સંઘના અગ્રેસરોએ બાવાનો ઠપકો માથે ચડાવ્યો અને વસહી તીર્થના ઉદ્ધારનું કાર્ય શરૂ કરી દીધું. આ કાર્યમાં દેશળજી બાવા તરફથી પણ સારી રકમની સહાય મળી હતી.

એક વખત યતિ ખાંતિવિજયજી એક ચારણકવિની નાડી જોઈ રહ્યા હતા. નાડી પરીક્ષા વખતે દરદીના હાથની નાડી પર વૈદનાં આંગળાં રહેલાં હોય છે. એ વખતે દરદીનો હાથ બોલતો હોય છે અને વૈદનો હાથ સાંભળતો હોય છે. આ પરિસ્થિતિ જોઈને ચારણકવિના અંતરમાંથી કચ્છી ભાષાનો એક દોહરો બહાર આવી પડ્યો -

હથ બોલે ને હથ સુણે, કન તાં સુણે ન કીં;
કાં બોડો ગુરજી સુણે, ળ્યો કો સુણે ન તીં.

હાથ બોલે છે અને હાથ સાંભળે છે. કાન કશું જ સાંભળતા નથી. સાંભળે છે એક બહેરો ગોરજી અને બીજો કોઈ ન સાંભળે એવી રીતે એ સાંભળે છે.

બોલવાનો જેનો ધર્મ નથી તે બોલે છે અને સાંભળવાનો જેનો ધર્મ નથી તે સાંભળે છે એવા અર્થનો આ દોહરો આગળ જતાં એક પિરોલી (પહલી)માં પલટાઈ ગયો. યતિ શ્રી ખાંતિવિજયનું નામ ભદ્રાવતી તીર્થના ઉદ્ધારક તરીકે અને નાડી પરીક્ષક વૈદરાજ તરીકે આખા કચ્છમાં પ્રખ્યાત થઈ ગયું.


ટાઈપીંગ :- ભરતસિંહ ગોહિલ ગાંગડા ગાંગડગઢ

ધન્ય વાદ