Pati Patni ane pret - 34 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૩૪

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૩૪

પતિ પત્ની અને પ્રેત ૩૪

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૪

ચિલ્વા ભગતને થયું કે શું પોતે પોતાના ગુરૂજીની પરીક્ષા કરવી પડશે કે એ સાચા છે કે નહીં? ઘણાં વર્ષ થઇ ગયા છે એટલે એમનો ચહેરો બદલાયો છે. પણ આ જયનાનું પ્રેત ચાલાક છે. જયનાને મારા ગુરૂજી વિશે ખબર હોય એવું બની શકે. તે નાની હતી ત્યારે ડૉકટર સાથે આવતી હતી. એ ગુરૂના રૂપમાં ઉપસ્થિત થઇને અમને તેના માર્ગમાંથી હઠાવી શકે છે. રેતા પણ વિચારવા લાગી કે ચિલ્વા ભગતના ગુરૂ દીનાનાથ ખરેખર આવ્યા છે કે જયનાની કોઇ ચાલ છે? જામગીર ગુરૂ દીનાનાથ વિશે જાણતા હોવા છતાં તેમને આ સંજોગોમાં વિશ્વાસ કરવાનું યોગ્ય લાગી રહ્યું ન હતું. રિલોકને થતું હતું કે વિરેનને બચાવવા માટે કેવા કેવા સંજોગોનો સામનો કરવાનો વખત આવ્યો છે. વિરેન પોતાની ફરજ પૂરી કરવા આવ્યો હતો અને કેવો ફસાઇ ગયો છે.

બધાંને વિચાર કરતા જોઇ ગુરૂ દીનાનાથ મંદમંદ મુસ્કુરાતા બોલ્યા:"રેતા બેટા, મંગળસૂત્ર તારા માટે કિંમતી છે એ હું જાણું છું. તારા પતિનું અસ્તિત્વ એની સાથે જોડાયેલું છે. પરંતુ મારે એને માત્ર જોવું છે. હું એને ચકાસવા માગું છું..."

રેતાએ કહ્યું:"ગુરૂજી, આમ તો હું મારું મંગળસૂત્ર કોઇને આપતી નથી. આ અસલ સોનાનું જ છે. એને ચકાસવાની જરૂર નથી...."

"બેટા, મંગળસૂત્ર સોનાનું હોય કે પિત્તળનું એનાથી કોઇ ફરક પડતો નથી. એને વિધિપૂર્વક પહેરાવવામાં આવ્યું છે કે નહીં અને કેટલી આસ્થાથી પહેરવામાં આવ્યું છે એ ચકાસવું છે..." ગુરૂજીએ પોતાનો હેતુ સ્પષ્ટ કર્યો.

દરમ્યાનમાં ચિલ્વા ભગતે કંઇક વિચારી લીધું. એમણે વચ્ચે જ સવાલ પૂછ્યો:"ગુરૂજી, અહીંથી નીકળ્યા પછી તમે વધુ શક્તિઓ પ્રાપ્ત કરી હશે નહીં? અહીંના લોકો તમને યાદ આવતા હતા કે નહીં?"

"હા ચિલ્વા, હું અહીંથી નીકળીને હિમાલય નજીકની એક પર્વતમાળામાં તપસ્યા કરવા લાગ્યો હતો. શિવજીની એ તપસ્યામાં મારી આત્માને અજબની શાંતિ મળી હતી. એ તપસ્યાએ મારામાં એક નવી ઉર્જા ભરી દીધી હતી. ત્યાં મને એક સ્વામિ મળ્યા હતા. એમણે ભૂત-પ્રેત નિકટ ના આવે અને એના પર વિજય મેળવી શકાય એવી વિદ્યા શીખવાડી હતી. હું ફરતો ફરતો પાછો આ તરફ આવ્યો એટલે થયું કે ગામના જૂના જોગીઓને મળી લઉં..." ગુરૂ દીનાનાથે પોતાની વાત કહી એમાં ચિલ્વા ભગતને પોતાની શંકાનું સમાધાન ના મળ્યું.

ચિલ્વા ભગતના મનમાં શંકા વધી ગઇ. તેમણે પૂછ્યું:"તમે ગામમાં બીજા કોઇને મળ્યા? કોને કોને મળવાની ઇચ્છા રાખો છો?"

"જો, તારી તો અહીં જ મુલાકાત થઇ ગઇ. મુખ્ય તો તને જ મળવાની ઇચ્છા હતી. મારો શિષ્ય શું કરે છે એ જાણવા જ આવ્યો છું. તને કેટલીક વિદ્યા શીખવવી હતી. આવ્યો છું ત્યારે બીજી વિદ્યા શીખવવા માગું છું. જેથી બુરાઇ કરનારા તત્વો સામે તું લોકોનું ભલું કરી શકે. અને આનંદ છે કે આ વડિલ જામગીરકાકા મળી ગયા છે. જીવાબેન, હિરકભાઇ વગેરેને પણ મળીને જવું છે. શું એ દિવસો હતા... ભક્તિનો રંગ જામતો હતો. કોઇને કોઇ સમસ્યા ન હતી. કેવી શાંતિ હતી..."

ચિલ્વા ભગતને હવે ખાતરી થઇ ગઇ કે આ ગુરૂ દીનાનાથ પોતે જ છે. જયનાની કોઇ ચાલ નથી. એમણે બધા તરફ નજરથી ઇશારો કરીને કહી દીધું કે કોઇ વાંધો નથી. બધાંને દિલમાં શાંતિ થઇ.

રેતાએ તરત જ પોતાનું મંગળસૂત્ર ઉતારીને એમને ધરી દેતાં કહ્યું:"ગુરૂજી, આને બરાબર ચકાસી લો અને મને એવા આશીર્વાદ આપો કે હું હમણાં જ જઇને મારા પતિને છોડાવી લાવું...."

મંગળસૂત્ર હાથમાં લઇ એના પર નજર નાખતાં ગુરૂ દીનાનાથ બોલ્યા:"બેટા, અમે બધાં છે પછી તારે જીવને જોખમમાં મૂકવાની જરૂર નથી. પહેલાં હું અને ચિલ્વા ત્યાં જઇશું. પછી જરૂર પડશે તો તમને બોલાવીશું..."

અચાનક ગુરૂજીની નજર મંગળસૂત્ર પર લખેલા અંગ્રેજી અક્ષર પર ગઇ અને તેમણે પૂછ્યું:"આ શું લખ્યું છે?"

***

નાગદા મંગળસૂત્ર માગી રહી હતી ત્યારે નરવીર પોતાના હાથમાં મંગળસૂત્ર લઇને વિચારી રહ્યો હતો કે મંગળસૂત્ર ક્યાંથી આવ્યું હશે? તેની નજર મંગળસૂત્ર પર ગઇ. તેણે નજીક લાવીને ધ્યાનથી જોયું. એના પર અંગ્રેજી અક્ષર કોતરાયેલા હતા.

વિરેન ધ્યાનથી વાંચવા લાગ્યો. એના પર અંગ્રેજીમાં "વિરેન" કોતરાયેલું હતું. તે બોલી ઉઠ્યો:"આના પર તો "વિરેન" નામ કોતરાયેલું છે. મારી પાસે કેવી રીતે આવ્યું?"

નાગદા પણ ચોંકી ગઇ. તેને કલ્પના ન હતી કે મંગળસૂત્ર પર વિરેનનું નામ કોતરાયેલું હશે. સારું છે કે વિરેનને નરવીર બનાવ્યો છે અને તેની યાદશક્તિ ગૂમ થઇ ગઇ છે. નાગદાએ તેને સમજાવતાં કહ્યું:"પ્રિયવર, આ મંગળસૂત્ર પર એને બનાવનારનું નામ હશે. આપણે એની સાથે શું લેવાદેવા છે. લાવો મને આપો હું જોઇ લઉં?"

નાગદાએ મંગળસૂત્ર હાથમાં લીધું અને એની ચમકને અવગણી હાથથી ચકાસ્યું ત્યારે ગુસ્સો લાવાની જેમ ફૂટી નીકળશે એમ થયું. રેતાએ તેની સાથે બનાવટ કરી હતી. સામાન્ય પતરાનું આ ઘરેણું હતું. તેનું પવિત્ર મંગળસૂત્ર તેણે આપ્યું ન હતું. નાગદાએ મનમાં જ પોતાના ગુસ્સા પર ઠંડું પાણી નાખ્યું અને એના પર કાબૂ મેળવ્યો. નરવીરને પોતાનો કરવાની, તેની સાથે લગ્ન કરવાની, તેના સંસર્ગથી મા બનવાની એકપણ કારી ફાવી રહી ન હતી. દર વખતે રેતા તેને માત આપી રહી હતી. હવે ખતરનાક હુમલો જ કરવો પડશે... નરવીર વિચારમાં પડી ગયો હતો. પોતે આ મંગળસૂત્ર ક્યાંથી લાવ્યો હશે? પોતે તો પોતાના અસ્તિત્વની શોધમાં નીકળ્યો હતો. અહીં પાછો કેવી રીતે આવી ગયો? આ 'વિરેન' કોણ છે? પેલી સ્ત્રી મને 'સાયબા' તરીકે કેમ બોલાવી રહી હતી? આ નાગદા મને અજાણી કેમ લાગે છે? હું કોઇ બીજી દુનિયામાં જીવતો હોઉં એવું કેમ લાગે છે? અનેક સવાલો નરવીરના મનમાં ગણગણાટ કરવા લાગ્યા. ત્રાસીને તેણે પોતાના કાન પર હાથ મૂકી દીધા.

એ જોઇને નાગદા ગભરાઇ ગઇ:"પ્રિયવર, શું થયું?"

"મને ખબર પડતી નથી..." કહી નરવીર જઇને આંખો બંધ કરી ખાટલામાં સૂઇ ગયો. ગભરાટ થતાં તે હાંફવા લાગ્યો.

નાગદા દોડી અને એને બાથમાં ભરીને એની સાથે જ સૂઇ ગઇ. એની સાથે પ્રેમનું નાટક કરવા લાગી. એને ચુંબનોથી નવડાવવા લાગી. પોતાની શક્તિથી એની વિચારધારાને અટકાવી દીધી. નરવીર હાંફતો બંધ થઇ ગયો. તેના ચહેરા પર સંપૂર્ણ શાંતિ છવાઇ ગઇ. ધીમે ધીમે તે નાગદાના શરીરને પસવારવા લાગ્યો. નાગદાએ ફરી એનો સાથ મેળવવા પ્રયત્ન શરૂ કરી દીધો. પોતાની શક્તિઓનો વધુ ઉપયોગ કરવાનું જોખમ લીધું. તેણે પોતાની રૂપજાળમાં નરવીરને ફસાવવાનું શરૂ કર્યું. ત્યાં એને ભાસ થયો કે તેના ઘરની આસપાસમાં કોઇ શક્તિ આવી રહી છે. કોઇ આવરણ બનવા લાગ્યું છે. એ એમાં કેદ થઇ શકે છે. તેને સમજાતું ન હતું કે આટલી બધી શક્તિ કોની પાસે આવી ગઇ છે? જે મારા પર હાવી થવા માગે છે? તે વધારે કંઇ સમજે કે વિચારે એ પહેલાં એક અદ્રશ્ય વર્તુળ તેની નજીક આવી ગયું. તેને થયું કે જો આ વર્તુળ મારા પર આવી જશે તો હું કેદ થઇ જઇશ. નાગદાએ તરત જ પોતાની શક્તિઓને કામે લગાવી દીધી અને નરવીરની સાથે અદ્રશ્ય થઇ ગઇ.

વધુ પાંત્રીસમા પ્રકરણમાં...