રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૫૩
જનાર્દનને એ સમજાતું ન હતું કે સુજાતાબેન પળે પળે રંગ બદલી રહ્યા છે કે એમનો રંગ જમાવી રહ્યા છે. વિરોધ પક્ષને એમની લોકપ્રિયતા અને વ્યક્તિત્વ પર એટલો વિશ્વાસ છે કે એ તેમની સાથે આવીને સરકાર બનાવી શકે છે. એમજેપીએ સુજાતાબેનને સરકાર રચવા ટેકો આપવાની વાત કરી એ પરથી એવું લાગે છે કે સુજાતાબેન પાસે ઘણા ઉમેદવારોનો ટેકો હોય શકે. અને વળી એ એમજેપીની ઓફર પર વિચાર કરી શકે એમ છે. તો શું સુજાતાબેન સત્તાના ભૂખ્યા છે? એક તરફ રાજીનામું આપવાની વાત કરતા હતા અને હવે બીજી તરફ વિરોધ પક્ષની વાતનો વિચાર કરે છે. સુજાતાબેનને સમજવાનું હવે અઘરું બની રહ્યું છે. છતાં એક વાતનો વિશ્વાસ રહ્યો છે કે તે કંઇ ખોટું કરશે નહીં. તેમની નજરમાં નાગરિક સર્વોપરિ છે. એક નાગરિકને એના હકનું મળવું જોઇએ એ બાબતે બહુ ચોક્કસ છે. તેમની મંશા નાગરિકોની સેવાની રહી છે. આજ સુધી રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે જ ચૂંટણી લડતા આવ્યા છે. જનાર્દનને થયું કે સુજાતાબેનની વિચારધારા સારી છે પણ એ પવન જોઇને સઢ બદલવા માગતા હોય એવું લાગતું રહ્યું છે. જનાર્દને પૂછી જ લીધું:"બહેન, એમજેપી તો આપણી વિરોધી પાર્ટી છે. એમને ટેકો આપવાનું કેવી રીતે વિચારી શકાય?"
"જનાર્દન, મેં એમ કહ્યું કે એમજેપીની ઓફર પર વિચાર થઇ શકે. મતલબ કે એમજેપીનો બી.એલ.એસ.પી. માટે ટેકો મેળવી શકાય. જો બી.એલ.એસ.પી.ને ઓછી બેઠકો મળે અને થોડી બેઠકો માટે એમજેપીનો બહારથી ટેકો લેવામાં તો આપણી સરકાર બની શકે. આપણે બી.એલ.એસ.પી. ની જ સરકાર બનાવવાની છે. એમજેપીની નહીં. એ ટેકો માંગી શકે તો આપણે કેમ નહીં? તને તો ખબર જ છે કે સત્તા માટે શું નથી થતું? અને આ બધું તો એક દિવસ માટે છે. હજુ તો ન જાણે કેવી કેવી વાતો સાંભળવા મળશે. આપણે આપણો કોઇ મત જાહેર કરવાનો નહીં. સ્થિતિ પર નજર રાખવાની. એમજેપીને એવું કળાવા નહીં દેવાનું કે તેને ટેકો આપવા તૈયાર છીએ કે નહીં. અને આ વાતનો નિર્ણય તો હાઇકમાન્ડને લેવાનો છે. આપણે એમાં ઉંડા ઉતરવાનું ટાળવું જોઇએ... "
"પણ તમે વિચાર કરવાનું કહ્યું હશે તો એમજેપીવાળા મિડિયામાં આ વાતને ઉછાળી શકે છે..." જનાર્દન લાંબો વિચાર કરીને બોલ્યો.
"હું પણ એ જ ચાહું છું. જો આ વાત ઉડશે તો બી.એલ.એસ.પી. ના આકાઓને ડર રહેશે કે સુજાતાબેનનું મહત્વ ઓછું આંકીશું તો એ કંઇપણ કરી શકે છે. મુખ્યમંત્રી સમક્ષ રાજીનામું આપવાનું નાટક તો કર્યું જ છે. અને પરિણામ સુધી આપણે આપણું મહત્વ પણ ઉભું કરવું પડશે ને?" બોલીને સુજાતાબેન ઉભા થઇ કોઇની સાથે વાત કરવા અંદરના રૂમમાં ગયા.
જનાર્દન ધીમેથી બોલ્યો:"હિમાની, સુજાતાબેન ઘડાઇ ગયા છે. રાજકારણીની જેમ જ વાત કરી શકે છે. મેં એક વાત નોંધી છે કે હવે તેમણે પોતાની વાતોને આપણાથી છુપાવવાનું ઓછું કર્યું છે. જે મનમાં હોય તે કહી રહ્યા છે. તેમને આપણા પર વિશ્વાસ બેસી ગયો છે કે પછી આપણું મહત્વ વધારી રહ્યા છે?"
"મને તો એમના પર પૂરો વિશ્વાસ છે. એ અને આપણો પક્ષ બંને બંને આપણું સારું જ ઇચ્છશે. આપણે ફળની આશા વગર કર્મ કર્યું છે. ઉપરવાળો બધું જુએ છે..."
ત્યાં ટીવીમાં એન્કર બોલતો દેખાયો:"...તો હવે બી.એલ.એસ.પી. પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. પરિણામોમાં એમજેપી કરતાં વધુ બેઠકો પર આગળ છે. હવે થોડા જ કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. એમજેપીના ઉમેદવારો ઘણી જગ્યાએ પાતળી સરસાઇ ભોગવી રહ્યા છે. બાજી ક્યારે પલટાય એ કોઇ કહી શકે એમ નથી.....અને અમને હમણાં જ ખબર મળી છે કે મુખ્યમંત્રીશ્રીએ અમારા પ્રતિનિધિ સાથે ખાસ વાતચીત કરી છે. એમનો ચૂંટણીના પરિણામો અંગે અભિપ્રાય મેળવી લેવામાં આવ્યો છે. બસ આ નાનકડા બ્રેક પછી અમે એમની સાથેની વાતચીત બતાવીશું. ક્યાંય જશો નહીં. અમે બહુ જલદી પાછા ફરીએ છીએ...જોતા રહો...."
જનાર્દનને થયું કે મુખ્યમંત્રીશ્રી રાજેન્દ્રકુમારની મુલાકાત આ સ્થિતિમાં મહત્વની બની રહેવાની હતી. તેમના વિચારો રાજકારણની હવે પછીની દિશા કેવી હશે એનો અંદાજ આપશે. તેમના ફરી મુખ્યમંત્રી બનવાના અરમાન પૂરા થવાના છે કે નહીં એનો ફેંસલો નજીકમાં જ છે. આ મુલાકાત સુજાતાબેને જરૂર જોવી જોઇએ. તેણે હિમાનીને કહીને સુજાતાબેનને મુલાકાત જોવા બોલાવ્યા. સુજાતાબેન પણ મુખ્યમંત્રીની મુલાકાત જોવા ઉત્સુક જણાયા. તે પોતાની વાત જલદી પૂરી કરીને આવી ગયા.
ન્યૂઝ ચેનલનો એન્કર પણ બ્રેક પતાવીને પાછો આવી ગયો હતો. તેણે ચૂંટણીના પરિણામો પર એક નજર નાખીને મુખ્યમંત્રીશ્રી રાજેન્દ્રકુમારની ટેલિફોનિક મુલાકાત રજૂ કરી.
પ્રતિનિધિ:"સાહેબ, અત્યારના પરિણામો પરથી લાગે છે કે તમે ફરી મુખ્યમંત્રી બની શકો છો. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે..."
મુખ્યમંત્રીના ફોન પર એકદમ સન્નાટો છવાયો. પ્રતિનિધિને થયું કે તેનો અવાજ પહોંચ્યો છે કે નહીં? તેણે ચકાસવા કહ્યું:"સાહેબ, મારો અવાજ તો આવી રહ્યો છે ને?"
રાજેન્દ્રકુમારે પોતાને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ માટે વધુ સમય લેતા હોય એમ કહ્યું:"હા-હા, તમારો અવાજ મારા સુધી આવી રહ્યો છે. અને તમારી ચેનલનો અવાજ તો જનજન સુધી પહોંચી રહ્યો છે. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. મને પાકો વિશ્વાસ છે કે અમારો પક્ષ બહુમતિ મેળવશે... રહી વાત મારા ફરી મુખ્યમંત્રી બનવાની તો એ નક્કી કરવાનું કામ પક્ષનું છે. પક્ષના આદેશને અમારે માથા પર ચઢાવવો પડે..."
પ્રતિનિધિ:"તમારી અંગત મહત્વાકાંક્ષા ખરી કે નહીં ફરીથી પદ મેળવવાની?"
મુખ્યમંત્રી:"હું મહત્વાકાંક્ષા પૂરી કરવા રાજકારણમાં આવ્યો નથી. પક્ષનો એક આમ કાર્યકર છું. પક્ષ જે જવાબદારી સોંપશે એને હું પૂરી ઇમાનદારી અને જવાબદારીથી નિભાવીશ..."
પ્રતિનિધિ:"પક્ષને બહુમતિ મળ્યા પછી બીજા કોઇને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તમે એમને કેવો સાથ આપશો?"
મુખ્યમંત્રી:"જેવો મને બધાંએ આપ્યો છે એવો જ સાથ આપીશ..."
પ્રતિનિધિ:"પરિણામોમાં વિરોધ પક્ષના અત્યાર સુધીના દેખાવ વિશે તમારે શું કહેવું છે?"
મુખ્યમંત્રી:"હું નથી માનતો કે એમને ડબલ ડિજિટમાં પણ સફળતા મળે. બે-પાંચ બેઠકમાં તેમની સફળતા સમેટાઇ જવાની છે..."
પ્રતિનિધિ:"આ વખતે પક્ષને વધારે બેઠકો મળી શકે એમ છે એની પાછળ કેવી રણનીતિની સફળતા માનશો?'
મુખ્યમંત્રી:"જુઓ, અમે પ્રજાની સેવાને અમારો ધર્મ માન્યો છે. પ્રજાહિતના કાર્યો કર્યા છે. મોટી મોટી યોજનાઓ સફળ રીતે કાર્યાંન્વિત કરી બતાવી છે. તમે જોયું છે કે અમે દરેક શહેરમાં મોટા મોટા ઓવરબ્રીજ બનાવ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનેક યોજનાઓ કાર્યરત કરી છે. પ્રવાસન સ્થળોનો વિકાસ કર્યો છે. તમામ સુવિધાઓ ઓનલાઇન કરી દીધી છે. દરેક નાગરિક પોતાના ઘણા સરકારી કામો પણ પતાવી શકે છે. અને એવાઓ ઓનલાઇન કરવાથી પારદર્શિતા આવી છે. ભ્રષ્ટાચાર અટકી રહ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક હેતુ માટે કામ કરતા વિશેષ મોબાઇલ સાધન આપીને શિક્ષણમાં ક્રાંતિ કરી છે. હજુ આગામી ત્રણ વર્ષમાં અમે જે કામો કરવાના છે એનું વિઝન રજૂ કરી ચૂક્યા છે..."
પ્રતિનિધિ:"હવે એક છેલ્લો સવાલ...શું તમને લાગે છે કે નવા ઉમેદવારી કરનારા અને સ્ટાર પ્રચારક રહેલા સુજાતાબેનને કારણે પક્ષને વધુ બેઠકો મળી શકે છે...? તેમણે પ્રચારમાં કરેલી મહેનત પરથી આ જવાબ આપવાનો છે..."
મુખ્યમંત્રી:"જુઓ, કોઇ એક વ્યક્તિથી પક્ષ ચાલતો નથી. સુજાતાબેનની જેમ બધાંએ મહેનત કરી છે. હું પાંચ વર્ષ મુખ્યમંત્રી રહ્યા પછી પણ માનતો નથી કે મારાથી પક્ષ કે રાજ્ય ચાલે છે. દરેકના સાથથી જ કોઇપણ સંસ્થા કે પછી સરકાર ચાલે છે...આવજો..આભાર..."
મુખ્યમંત્રીએ સુજાતાબેન વિશેના વધુ સવાલોનો સામનો કરવો ના પડે એટલે મુલાકાતને પોતે જ અટકાવી દીધી એનો જનાર્દન જેવા ઘણાને ખ્યાલ આવી ગયો.
ટીવી પરની મુખ્યમંત્રીની મુલાકાત જોઇ સુજાતાબેન મર્માળુ હસ્યા.
"બહેન, પાંચ વર્ષમાં રાજેન્દ્રકુમાર પાકા રાજકારણી બની ગયા છે...." જનાર્દને હસીને કહ્યું.
અચાનક ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઇ ગયા હતા.
બી.એલ.એસ.પી.ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી રાજ્યની મુલાકાતે આવ્યા છે.
તેઓ ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરશે.
તેઓ બી.એલ.એસ.પી.ના સંગઠનમાં કોઇ મોટી જાહેરાત કરી શકે છે.
એવી ખબર આવી રહી છે કે મુખ્યમંત્રી રાજેન્દ્રકુમાર એમને મળવા જવાના છે.
આ સમાચાર સાંભળીને સુજાતાબેન એકદમ ચોંકી ગયા એ જનાર્દન અને હિમાનીએ નોંધ્યું. શું એમને એવી અપેક્ષા નહીં હોય? આ મુલાકાત તો સામાન્ય ગણાય. તો પછી સુજાતાબેનને આ મુલાકાતથી આંચકો લાગ્યો હોય એવું કેમ લાગે છે?
ક્રમશ: