મારા સિનિયર આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી સુખથનકરને જ્યારે મેં આ વાત કરી ત્યારે તેઓ રોમાંચથી ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું... ‘વેલડન... ઈન્સેક્ટ શાહ... કદાચ તમે ગુજરાતીઓનું નામ રોશન કરશો એમ લાગે છે... કમ ઓન... ગો અહેડ એન્ડ એરેસ્ટ ધીસ બ્લડી વિલેન ઓફ ધ નેશન’ મારા શરીરમાં જોરશોરથી લોહી ફરવા લાગ્યું હતું. મારો ચહેરો લાલ થઇ ગયો હતો. રોમાંચ મારા સમગ્ર શરીરમાં પ્રસરી ગયો હતો.
ત્યારબાદ સતત બે દિવસ હું તેના પડછાયાની જેમ તેની પાછળ ફર્યો હતો. આજે સવારે જ મને અત્યંત સ્ફોટક બાતમી મળી હતી કે રાતે આઠ વાગ્યે બાન્દ્રાની એક હોટેલમાં ખૂબ જ અગત્યનું ડીલીંગ થવાનું છે, જેમાં અત્યંત સ્ફોટક અને ઘાતક હથિયારોની ડિલીવરી સલીમ લેવાનો છે. મેં મારી સમગ્ર ટીમને એલર્ટ રહેવાની સૂચના આપી અને બાન્દ્રાની એ હોટલને મારું લક્ષ્ય બનાવી મેં મારી જાળ બિછાવી.
હોટેલ ચાર રસ્તાના જંકશન પર પૂર્વ તરફના છેડે હતી. સામેના રસ્તાના કોર્નર પર કપડાનો આલીશાન ભવ્ય શો રૂમ હતો. સામેની ફૂટપાથ પર ‘ગ્લોબલ બેંક’ની શાખા હતી. બેંક તો બંધ હતી. પરંતુ તેના ‘એટીએમ’ કાઉન્ટર પર એક હથિયારધારી શખસ બેઠો હતો. મારા વિશ્વાસુ કોન્સ્ટેબલ અક્ષયને મેં સમગ્ર યોજના સમજાવી દીધી હતી. તે મુજબ તે અમારા માણસોને જુદી જુદી જગ્યાએ ગોઠવવાનો હતો. કોન્સ્ટેબલ જતીન, શિશિર, સંજય, અજિત, ગૌતમ વગેરે સાદા ડ્રેસમાં સજજ થઈ તૈયાર હતા. તેમાંય જતીનને તો હું ઓળખી જ ન શક્યો. તે શાકવાળા ભૈયાજીના ડ્રેસમાં અદ્દલ ભૈયાજી જ લાગતો હતો. અજિત હાફપેન્ટ પર મેલું ઘેલું શર્ટ પહેરી બુટપોલિશનો ડબ્બો લઈ ઊભો હતો. મને અક્ષય માટે માન થયું. કોઈ પણ જાતની કોઈને શંકા ન આવે તેની વ્યવસ્થા તેણે કરી લીધી હતી. અક્ષય પોતે ‘ગ્લોબલ બેન્ક’ના વોચમેનને સમજાવી તેની સાથે બેસવાનો હતો. જતીન રેંકડી લઈ હોટેલના ગેટ પાસે ઊભો રહેવાનો હતો. અજિત સામેની ફૂટપાથ પર ‘બૂટ પોલિશવાળા’ તરીકે બેસવાનો હતો. શિશિર અને સંજય સાદા ડ્રેસમાં મારા ઈશારાની રાહ જોતાં હોટેલની અંદર બેસવાના હતા. ગૌતમ જીપ લઈ મોબાઇલ પર મારી સૂચના મળતાવેંત નજીકની ગલીમાંથી ત્રાટકવાનો હતો. બધી જ વ્યવસ્થા કરી હું મારી મારુતિ લઈ હોટેલથી દૂર સલીમની વાટ જોઇ રહ્યો હતો.
1992ના હુલ્લડ પછી મુંબઈ શાંત થઈ ગયું હતું. રાક્ષસી કૃત્ય જોઈ કોઈ બાળક છળી જાય અને સાવ શાંત થઈ જાય તેમ. પરંતુ અંદર ખાનગીમાં પ્રવૃત્તિઓ ચાલુ જ રહી હતી. ભવિષ્યમાં ફરી બાણું જેવી સ્થિતિ આવી ન પડે તેની માટે અમારું સમગ્ર ડિપાર્ટમેન્ટ સાવચેત હતું. એક નાનકડી કડી મળવાથી મને અત્યંત મહત્વની બાતમી મળી ગઈ હતી અને સલીમ હાથમાં આવ્યો હતો. હું આનંદિત હત. સલીમને ઝડપવાથી એક મહત્વના કાવતરાને અટકાવવાનો યશ મને મળશે ઉપરાંત દેશ પ્રત્યેનું ઋણ-આ ધરતીનું ઋણ ચૂકવવાનો અવસર પણ મને મળશે એનો વધારે આનંદ હતો. મુંબઈને બચાવવાનો – ફરી હુલ્લડગ્રસ્ત બનતા અટકાવવાનો થોડો ઘણો પણ શ્રેય મને મળશે તેનો આનંદ થયો એ સ્વાભાવિક હતું. દેશનાં ગદ્દારો પ્રત્યે મને બહુ જ ચીડ છે અને આવા જ દેશના ગદ્દારોને રંગેહાથ પકડવાની તક મળે તે જેવી તેવી વાત ન હતી.
સલીમે માલની ડિલીવરી આપવા કચ્છથી ફારૂખ કુરેશી આવવાનો હતો.
મેં પેન્ટમાં ભરાવેલી મારી પિસ્તોલ પર હાથ ફેરવ્યો. મારા દરેક માણસ પાસે પણ ગન હતી. હું આજે સવારથી જ જુદા મૂડમાં હતો. રોમાંચ મારા ચહેરા પર અછતો નહતો રહેતો. ઘરેથી નીકળતી વખતે શિલ્પા પણ પૂછતી હતી. ‘શું થયું છે તને?’ મેં વાત ઉડાડવાની કોશિશ કરી હતી. પણ તેણે મારી... પિસ્તોલ જોઈ લીધી હતી. ‘એનીથીંગ સિરીયસ?’ આમ તો મારી પાસે પિસ્તોલ હોવી એ કોઈ અસ્વાભાવિક વાત ન હતી. પરંતુ મારા ચહેરાના હાવભાવને તે વાંચી શકતી નથી અને તેથી જ તેની આંખોમાં ચિંતા ડોકાઈ રહી હતી. તેનો સુંદર ચહેરો સહેજ રતાશ પકડી રહ્યો હતો. તેની ઝૂલ્ફોની લટ ચહેરા પર લહેરાઈ હતી. તેની મોટી મોટી આંખો કંઈક પ્રશ્નાર્થ ભરી. કંઈક ચિંતામાં મારી તરફ જોઈ રહી હતી. ‘નથીંગ સિરીયસ ડાર્લિંગ’ મેં તેને બાહોમાં સમાવી લીધી હતી. હળવા ચુંબનોની આપ-લે કરી. હું ઘરની બહાર નીકળ્યો ત્યારે હું જાણે સફળતાના રાજમાર્ગ પર ચાલી રહ્યો હોઉં એવી લાગણી થઈ રહી હતી.
‘સર એક ‘લાલ એસ્ટીમ’ આવી રહી છે.’ મારા મોબાઈલ પર ગૌતમનો અવાજ સંભળાયો. હું સાવચેત થઈ ગયો મેં અક્ષયને ઈશારો કર્યો. બધા જ એલર્ટ મુદ્રામાં આવી ગયા. રોડ પર રોજની જેમ જ ટ્રાફિકની ચહલપહલ હતી. વટેમાર્ગુઓની ભીડ પણ હતી. જતીનની રેકડી પર એક બુઢ્ઢાકાકા અને બે-ત્રણ યુવાન શાક લેવામાં વ્યસ્ત હતા. અજિત પાસે પણ ત્રણ-ચાર ગ્રાહક ઊભા હતા. મને આશ્ચર્ય થયું. ‘મુંબઇમાં રોજિની કેટલી બધી તકો પડી છે?’ મને વચાર આવ્યો અને હસવું પણ આવ્યું. જતીન મગજ પર પૂરેપૂરો કાબુ રાખી શાકભાજી જોખતો હતો અને નજર રાખવાનો પ્રયત્ન કરતો હતો અને લાલ એસ્ટીમ આવી પહોંચી હતી. સલીમ નીચે ઉતર્યો. હળવેકથી દરવાજો લોક કરી તે હોટેલના મેઈન ગેટ તરફ આગળ વધ્યો. મેં મારુતિ લોક કરી હોટેલ તરફ પ્રયાણ કર્યું. જતીન અને અજિત પાસે ભીડ વધી ગઈ હતી. મારા મનમાં શંકા જન્મવા લાગી. અક્ષય વોચમેન સાથે વાતોમાં મશગુલ હોય તેવી એક્ટિંગ કરી રહ્યો હતો. મારી પિસ્તોલ મેં ચકાસી અને સલીમની પાછળ હું પણ હોટેલમાં દાખલ થયો.
સલીમ એક જાડા બાંધાના આદમી પાસે પહોંચ્યો. એ માણસનું કદ સાજા છ ફૂટ હશે. એની આંખો બિહામણી હતી. ખભા પહોળા હતા અને તેના બાજુઓ સ્નાયુબદ્ધ હતા અને તેના બાજુઓ સ્નાયુબદ્ધ હતા. તેણે પહેરેલા ઝભ્ભામાંથી તેનું કસાયેલું- સ્નાયુબદ્ધ શરીર પ્રગટ થતું હતું. તેના તદ્દન ટૂંકાવાળ, મોટી મૂંછો અને ભયાનક આંખો... તેના દેખાવને બહામણો બનાવતા હતા. ફારુક કુરેશી અને સલીમ એક ટેબલ પર ગોઠવાયા. હું તેમનાથી થોડે દૂરના ટેબલ પર ગોઠવાયો. ‘એક ટોસ્ટ સેન્ડવીચ – એક કોફી’ મેં ઓર્ડર લખાવ્યો. દરમિયાન સલીમના બે માણસ એક મોટી બ્રિફકેસ લઈને આવી પહોંચ્યા. બ્રિફકેસ સલીમને સોંપી ને ખુરશી ત્રાંસી કરી તેઓ સલીમની પાછળ ગોઠવાયા. ફારુકની પાછળ પણ બે-ત્રણ માણસો ખુરશી ત્રાંસી કરીને બેઠા હતા. હોટેલમાં ભીડ ઘણી હતી. તેથી હોટેલના આ ખૂણામાં બનતી બાબતો પ્રત્યે કોઈનું લક્ષ્ય જાય તે શક્ય ન હતું. શિશિર અને સંજય ક્યાંય જણાતા ન હતા. શિશિર અને સંજય ક્યાં ગયા? હોટેલમાં હું એકલો જ હતો કે શું? શું કરું? મારા મગજ પર સવાલો અફળાવા લાગ્યા. શિશિર અને સંજયને ગોતવા હું આજુબાજુ જોવા લાગ્યો. પણ ક્યાંય તેઓના પત્તો ન હતો. મારી અંદર ગડમથલ ચાલવા લાગી. શું કરુ? મારો આત્મા મને કહેવા લાગ્યો કે આવી તક ફરી નથી મળતી, ઝડપી લે. અને મારું મન કહેતું હતું કે તું એકલો જ છે માટે બહાર નીકળી જા. મારી અંદર મંથન શરૂ થઈ ગયું. ક્યારેક મારી આત્મા મારા મન પર હાવી થવા લાગ્યો તો ક્યારેક મારું મન મારા આત્મા પર હાવી થવા લાગ્યું અને અંતે એ ક્ષણ આવી પહોંચી.
સલીમ બ્રિફ્કેસ અવળી કરી ટેબલ પર મુકીને ફારુક તરફ સરકાવી. ફારુકે બ્રિફકેસની અંદર એક નજર ફેરવી સલીમ તરફ જોઈ સંમતિસૂચક માથું હલાવ્યું અને એક ચાવીને ઝૂડો સલીમ તરફ સરકાવી બહાર રોડ તરફ ઈશારો કર્યો. હોટેલના કાચમાંથી બહાર રોડ પર ઊભેલી મેટાડોર દેખાતી હતી. સલીમે પણ માથું હલાવ્યું. મારા મગજમાં જે ઘમસાણ મચ્યું હતું તે એકક્ષણમાં સાવ ઓગળી ગયું.
હું હિંમત કરી આગળ વધ્યો. ‘હેન્ડઝ અપ.’
આખી હોટેલમાં સન્નાટો છવાઈ ગયો. ધીમે ધીમે વાતો કરતા સૌ બંધ થઈ ગયા. ગણગણાટ શમી ગયો. વેઈટરો પૂતળાની માફક ઊભા રહી ગયા. સલીમ અને ફારુક અવાક બની મારી તરફ જોઈ રહ્યા. સલીમે હળવેકથી પોતાનો હાથ ખિસ્સા તરફ લંબાવવાનો પ્રયત્ન કર્યો. ‘ડોન્ટ મૂવ’ મારા ગળામાંથી સત્તાવાહી સ્વર નીકળ્યો. ‘ડોન્ટ નર્વસ મી ટુ શૂટ’ હું ધીરેકથી સલીમ પાસે સર્યો. તેના લમણે પિસ્તોલ ધરી ‘બધાને કહે હથિયાર મને સોંપી દે’ મારો સત્તાવાહક અવાજ સાંભળી મને ખુદને આશ્ચર્ય થતું હતું. સૌ મંત્રમુગ્ધ થયા હોય તેમ પોતપોતાના હથિયાર ત્યાં ટેબલ પર મૂકી દીધાં. ત્યાં શિશિર અને સંજય બે માણસને ઢસડતા ત્યાં આવી પહોંચ્યા. શું થયું? ક્યાં ગયા હતા? પૂછવાનો સમય ન હતો. બંનેએ બધા હથિયાર પોતાના કબજામાં લીધા. ‘નાવ મુવ’ મેં સલીમને ઊભા થવા ઈશારો કર્યો. ‘કોઈએ પણ ચાલાકી કરી છે તો અમારી પિસ્તોલમાંથી ગોળી છૂટશે.’ શિશિરનો અવાજ હોટેલમાં પડઘાઇ રહ્યો. શિશિર અને સંજય પિસ્તોલ લઈને અલગ અલગ પોઝીશનમાં એવી રીતે ઊભા રહી ગયા કે દરેકને આવરી શકાય. સલીમ આગળ થયો. લમણે પિસ્તોલ ધરેલી રાખી હું તેની બાજુમાં ચાલવા લાગ્યો. ‘બધા એખ પાછળ એક આગળ વધો.’ મારા અવાજમાં કરડાકી ભળી રહી. સલીમ, ફારુક તેનાં માણસો લાઈનબંધ આગળ વધવા લાગ્યા. મેં ગૌતમને મેસેજ આપી દીધો હતો. ધીરે ધીરે અમે સૌ ગેટ પાસે પહોંચ્યા. ફારુક ધૂઆં પૂઆં થયેલા સિંહની જેમ ગુસ્સે થયો હતો. તેની બિહામણી આંખો ભલભલાને થથરાવી મૂકી એવી હતી. તે ભયાનકતાથી અમારી સામે જોઈ રહ્યો હતો, પણ અમને એની પરવા ન હતી. બાજી અમારા હાથમાં હતી. જતીન અને અજિત પણ મેટાડોર પાસે ચાર માણસને મુશ્કેરાટ બાંધીને ઊભા હતા. હોટેલના ગેટ પાસે પહોંચી એક ક્ષણ સલીમ ઊભો રહી ગયો. તેની બાજુમાં ડાબી તરફ હું જમણા હાથે પિસ્તોલ પકડીને ઊભો હતો. મારી ડાબી તરફ બેન્ક હતી. હું તે બાજુ જોવા જરા ડાબી તરફ ઝૂક્યો.
ત્યાં અચાનક જ એક હળવો ધડાકો થયો. અને મારી છાતીમાં ડાબી તરફ ભયાનક વેદના શરૂ થઈ. કોઈ અણીદાર વસ્તુ, કોઈએ ઝનૂનથી પૂર્ણ તાકાત લગાવી મારી છાતીમાં ખુંતાડી દીધી હોય એવી મને અનુભિત થઈ. પારાવાર દર્દની લાગણી થવા લાગી. મારા હાથમાંથી પિસ્તોલ પડી ગઈ. મારા બંને હાથ છાતી પર ભિંસાઈ ગયા. પથ્થરમાંથી ઝરણૂં ફૂટે તેમ મારી છાતીમાંથી અવિરત લોહીની ધારા ફૂટી રહી. મારા બંને હાથ લોહીથી લથબથ થઈ ગયા. હું જમીન પર ફસડાયો. ગોળી સામેની ફૂટપાથ પરથી આવી હોય તેમ લાગ્યું. મારી આંખો આગળ ધીરે ધીરે ઝાંખુ અંધારું જામવા લાગ્યું.
‘સ...લી... મ યુ... આર... અં... ડ... ર એ... રેસ્ટ.’
મારા ગળામાંથી તૂટક તૂટક સ્વરો બહાર પડ્યા. સલીમના હોઠ પર હળવું સ્મિત રમતું હતું.
ત્યાં જ એક પોલીસવાન ધસી આવી.
હજુ કાંઈ સમજાય તે પહેલાં સુખથનકર ઝડપથી સલીમ નજીક આવ્યા અને પિસ્તોલ ધરી દીધી. બે કોન્સેટબલ સામેથી એક રાયફલધારી માણસને પકડી લાવ્યા.
‘અભિષેક શાહ... યુ ડન એ વન્ડરફૂલ જોબ’ સુખથનકરના શબ્દો પાતાળમાંથી આવતા હોય તેમ મારા કાને પડ્યા ‘દેશદ્રોહીને ઝબ્બે કરવામાં તમે જબરી હિંમત કરી... શાહ’ મારા કાનમાં ધીરે ધીરે સુનકાર પથરાતો જતો હતો. તીણી સાયરને જેવો અવાજ મારા કાનમાં ગુંજતો હતો. મારા પોપચાં પર ભારેખમ વસ્તુ મૂકી હોય તેમ એ બીડાતા જતા હતા. ‘સુખથનકર સાહેબ... તે... ઓ... ને છો... ડ... તા નહીં... તેઓ દે... શૂદ્રો... હી છે. હ... ત્યારા છે. તે... ઓ... ને છોડ... તા ન...હીં.’
‘કોને નહીં છોડવાની વાત કરે છે? શું થયું યાર તને?’ મારા બરડા પર હળવો ધબ્બો પડ્યો.
મારી આંખ ઊંઘડી.
અક્ષય હસતો હસતો મારી સામે જોઈ રહ્યો હતો.
"અભિષેક તારે ક્રાઈમ સ્ટોરી આપવાની છે યાદ છે ને તને?" અક્ષયે પૃચ્છા કરી.
મારે ક્રાઈમ સ્ટોરી? મને ધીરે ધીરે યાદ આવવા લાગ્યું.
હું અભિષેક શાહ... ‘સાંજનગર’ અખબારનો નવોદિત ક્રાઇમ રિપોર્ટર...
કાલે અડધી રાત સુધી વાતો વાંચીને ઓફિસના ટેબલ પર જ ઝોકું આવી ગયેલું...
ત્યાં જ ફોનની રીંગ વાગી.
મેં ફોન ઊંચક્યો
‘હલ્લો હલ્લો અભિષેક શાહ છે? હું સુખથનકર... આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ બોલું છું’.... મારા શરીરમાં રોમાંચ પ્રસરી ગયો..!!