VEDH BHARAM - 49 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 49

Featured Books
Categories
Share

વેધ ભરમ - 49

વિકાસે બહાદૂરસિંહને આખી યોજના સમજાવી અને પછી બંને છુટા પડ્યા. ત્યાંથી નીકળી વિકાસ હોટલ પર પાછો આવ્યો રસ્તામાં તેણે પાછળ જોયુ તો પેલો બાઇકવાળો યુવાન હજુ પણ તેનો પીછો કરતો હતો. હોટલ પર આવી વિકાસ સાંજ સુધી હોટલમાં જ રહ્યો. રાત્રે જમીને તે ટેક્સી લઇ હોટલ બહાર નીકળ્યો. ટેક્સી તેણે વરાછા તરફ લેવડાવી અને નાના વરાછા મેઇન રોડ પર પહોંચી ટેક્સી ઊભી રખાવી. ત્યારબાદ તે ટેક્સીમાંથી નીચે ઊતર્યો અને ટેક્સીવાળાને ભાડુ ચૂકવી જવા દીધો. ટેક્સીવાળો ગયો એટલે વિકાસ સામે રહેલી ગલીમાં અંદર ગયો. આ આખો વિસ્તાર ટેક્સટાઇલના કારખાનાનો હતો. અત્યારે આ વિસ્તાર સુમસામ હતો. તે થોડો આગળ ગયો અને પછી ફરીથી ડાબી તરફની ગલીમાં વળી ગયો અને ત્યાં આવેલ એપાર્ટમેન્ટની સીડી ચડી ગયો. વિકાસનો પીછો કરતા માણસે આ દૃશ્ય જોયુ અને તેના માલિકને ફોન કર્યો. માલિક સાથે વાત કરી તેણે બાઇક સાઇડમાં પાર્ક કરી અને ધીમે તે વિકાસની પાછળ ગયો. તે પણ પેલી ગલી પાસે પહોંચ્યો અને તેમા વળ્યો. અહી હવે આગળ કોઇ દેખાતુ નહોતુ. બાજુમાં એક એપાર્ટમેન્ટની સીડી હતી અને આગળ પણ બીજા એપાર્ટમેન્ટ હતા. હવે શું કરવુ તેની ગડમથલમાં તે ઊભો હતો ત્યાં તેને તેની પાછળ કોઇના પગલાનો અવાજ સંભળાયો તે સતર્ક થઇ પાછળ ફરવા ગયો ત્યાં તો તેના માથામાં એક જોરદાર ફટકો પડ્યો. ખોપરી તુટી ગઇ હોય તેવો ભયંકર દુઃખાવો થયો અને તે બેહોશ થઇ ગયો.

તેના મો પર પાણી ફેંકાયુ અને તેને ભાન આવ્યુ. તેણે જોયુ તો સામે બે વ્યક્તિ ઉભેલી હતી. તે વિકાસ અને બહાદુરસિંહ હતા. તે એક ખુરશીમાં બેઠો હતો અને તેના હાથ પગ બાંધેલા હતા. તેના માથામાંથી જોરદાર સણકા ઉઠતા હતા. તેણે મહામહેનતે પૂછ્યું “તમે કોણ છો અને મને અહીં શું કામ લાવ્યા છો?”

આ સાંભળી વિકાસના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “બસ હવે નાટક બહું થયુ. ચાલ જલદી બોલવા માંડ મારુ અપહરણ કોણે કર્યુ હતુ? કોના કહેવાથી કર્યુ હતું?”

આ સાંભળી પેલો છોકરો બોલ્યો “તમારી કોઇક ભૂલ થતી હોય એવુ લાગે છે. મે કોઇનુ અપહરણ કર્યુ નથી.” આ સાંભળી બહાદુરને ગુસ્સો આવ્યો અને બોલ્યો સાહેબ તમે બાજુ પર હટો આની પાસેથી માહિતી એમ નહી નીકળે. એમ કહી બહાદુરે હાથમાં એક હથોડી લીધી અને તેના પગ પાસે બેસતા બોલ્યો “જો મિત્ર અમારી પાસે વધુ સમય નથી. હું તને એક જ વાર પ્રશ્ન પૂછીશ. જો તે સાચો જવાબ નથી આપ્યો તો તારી એક પછી એક આંગળીનો હું કચ્ચરઘાણ વાળતો જઇશ.” આ સાંભળી પેલો છોકરો ડરી ગયો પણ કંઈ બોલ્યો નહીં.

“ચાલ બોલ સાહેબનો પીછો કરવા માટે તને કોણે મોકલ્યો હતો?” બહાદુરસિંહે પહેલો પ્રશ્ન પૂછ્યો.

“જુઓ હું સાચુ કહું છું. તમારી કંઇક ભૂલ થાય છે. હું કોઇનો પીછો નહોતો કરતો.” તે બોલવાનુ પૂરુ કરે તે પહેલા બહાદુર સિંહે તેના પગની એક આંકળી પર જોરદાર હથોડી મારી. આ સાથે જ પેલા છોકરાના મોં માંથી ચીસ નીકળી ગઇ. આંગળીમાંથી લોહીની ધાર ઉડી. તે છોકરાનું આખુ શરીર ધ્રુજવા લાગ્યું અને તે ફરીથી બેહોશ થઇ ગયો. બહાદુરસિંહે વિકાસ સામે જોઇ કહ્યું “પાંચ મિનિટ પછી ફરીથી ભાનમાં લાવીશુ. હવે તે પોપટની જેમ બોલવા લાગશે.”

પાંચ મિનિટ પછી બહાદુરસિંહે તે છોકરાના માથા પર ઠંડા પાણીની એક ડોલ રેડી દીધી. ઠંડુ પાણી રેડતા જ તે ભાનમાં આવ્યો. ભાનમાં આવતા જ આંગળીના અસહ્ય દુઃખાવાથી તે ધ્રુજવા લાગ્યો. બહાદુર સિંહે તેને એકાદ મિનિટ બેસવા દીધો અને પછી નીચે બેસતા બોલ્યો “ચાલ હવે તારી બીજી આંગળીનો વારો.” એમ કહી તેણે હથોડી ઉંચી કરી એ સાથે જ તે છોકરો બોલ્યો “નહીં નહીં પ્લીઝ એવુ નહીં કરતાં હું તમને બધુ કહેવા તૈયાર છું.”

આ સાંભળી બહાદુરસિંહ ઊભો થયો અને વિકાસ સામે જોઇને બોલ્યો “લો સાહેબ હવે તમારે જે પૂછવુ હોય તે પૂછો. જો હવે તે કંઇ પણ ખોટુ બોલશે તો હું તેની બધીજ આંગળીઓ છુંદી નાખીશ.” આ સાંભળી વિકાસે એક ટેબલ લીધુ અને પેલા છોકરા પાસે બેઠો.

“હા તો પહેલા એ કહે કે તારુ નામ શું છે?”

“મારુ નામ નાનુસિંઘ છે.”

“તુ ગુજરાતનો તો નથી લાગતો. કયાં રાજ્યમાંથી અહી આવ્યો છે?”

“બિહાર”

“તને મારો પીછો કરવા માટે કોણે કહ્યું હતુ?”

“મારા સાહેબે.”

“તારા સાહેબનું નામ શું છે?”

“શરણ દાસ. પણ બધા તેને દાસ બાબુ કહે છે.” નાનું સિંઘે કહ્યું. પણ હવે તેનુ ગળુ સુકાતુ હતુ.

આ જોઇ વિકાસે તેને પાણી પાયુ અને પછી ફરીથી પૂછ્યું.

“મારુ અપહરણ કોણે કર્યું હતું?”

“દાસબાબુએ જ કર્યુ હતુ?”

“કોના કહેવાથી કર્યુ હતું?”

“સાહેબ તે તો મને નથી ખબર. મારે તો દાસ બાબુ કહે તે કામ કરવાનું હોય છે. પ્લીઝ આ હું સાચુ કહું છું.” નાનુ સિંઘે કરગરતા કહ્યું.

“મને કઇ જગ્યાએ રાખ્યો હતો?” વિકાસે પૂછ્યું.

“સાહેબ એ હું તમને કહીશ તો દાસ બાબુ મને મારી નાખશે.” પેલા નાનુસિંઘે ગભરાતાં ગભરાતાં કહ્યું.

આ સાંભળી વિકાસને આ યુવાનની દયા આવી ગઇ પણ અત્યારે દયા ખાવી પોશાય એમ નહોતી અને આમ પણ મને ત્રણ વર્ષ સુધી એક ઓરડામાં બંધ કરી રાખ્યો હતો ત્યારે આ યુવાનને દયા આવી નહોતી. આ યાદ આવતા જ વિકાસના જડબા ભીંસાયા અને તે બોલ્યો “જો તુ નહી કહે તો મારે ફરીથી બહાદુરસિંહને કામે લગાડવો પડશે.” આ સાંભળતા જ પેલો છોકરો ડરી ગયો અને બોલ્યો “સાહેબ કામરેજ ચોકડીથી આગળ ઉદ્યોગ નગર છે. આ ઊદ્યોગનગરમાં છેલ્લી ગલ્લીના છેડે એક બંધ ફેક્ટરી છે તેમાં તમને રાખવામાં આવ્યાં હતા.”

“આ શરણ દાસ ક્યાં મળશે?” વિકાસે પૂછ્યું.

“તે ત્યાં ફેક્ટરી પર જ હોય છે.” નાનુ સિંઘે કહ્યું.

“ત્યાં ફેક્ટરી પર બીજુ કોણ કોણ હોય છે?” વિકાસ બધી જ માહિતી મેળવી લેવા માંગતો હતો.

“ફેક્ટરી પર દાસબાબુ અને બીજો એક માણસ હોય છે. બાકી બીજા માણસો ક્યારેક ક્યારેક મળવા આવતા હોય છે.” નાનુસિંઘે કહ્યું.

આ સાંભળી વિકાસે થોડુ વિચાર્યુ અને પછી બોલ્યો “ઓકે તો કાલે તારે અમને તે ફેક્ટરી પર લઇ જવાના છે.”

વિકાસ હજુ નાનુ સિંઘને કહેવા જતો હતો ત્યાં નાનુસિંઘનાં મોબાઇલમાં રિંગ વાગી. વિકાસે મોબાઇલની સ્ક્રીન બતાવતા કહ્યું “આ કોનો ફોન છે?”

“દાસબાબુનો જ ફોન છે.” નાનુસિંઘે ગભરાતા કહ્યું.

“જો ગભરાવાની કે ચાલાકી કરવાની જરુર નથી. નોર્મલ રીતે જ વાત કરજે અને ગમે તે બહાનુ બનાવી આજે રાતે તુ નહીં આવે તે કહી દે જે. જો જે તેને શક ન જવો જોઇએ.” આટલુ કહી વિકાસે ફોન સ્પીકર ઉપર કરી દીધો.

નાનુ સિંઘે થોડી માહિતી આપી અને પછી તે રાત્રે દોસ્તને ત્યાં દારુ પીવાનો પ્રોગ્રામ છે તેવુ બહાનુ બનાવી દીધુ. અને પછી ફોન કટ કરી નાખ્યો.

ત્યારબાદ વિકાસે બહાદુરસિંહને એક ડૉક્ટરને લઇ આવવા કહ્યું. ડૉક્ટરે આવી પગમાં અને માથામાં પાટા બાંધી દીધા અને દુઃખાવો ઓછો થાય તે માટે દવા આપી.

આજ સમયે હેમલ આ મકાનની બહાર ઉભીને રિષભને ફોન પર બધી માહિતી આપી રહ્યો હતો. વિકાસને ખબર નહોતી પણ અત્યારે તે ત્રણેયના ફોન ટેપ થઇ રહ્યાં હતા.

રિષભે હેમલનો ફોન મૂકી અભયને ફોન કર્યો અને કહ્યું “અભય હવે ગમે ત્યારે તારે એકશનમાં આવવુ પડશે તૈયાર રહેજે.”

અભયનો ફોન મૂકી રિષભે બીજો એક બે નંબરી ફોન ખીસ્સામાંથી કાઢ્યો. આ ફોન અને તેનુ સિમકાર્ડ જે માણસના નામે હતુ તે ઘણા સમય પહેલા મરી ચૂક્યો હતો. આ ફોન પરથી એક નંબર ડાયલ કર્યો. એકાદ રિંગ બાદ ફોન ઉંચકાયો એટલે રિષભે કહ્યું. “આપણો પ્લાન 80% સુધી સફળ થઇ ગયો છે. હવે મહેમાન ગમે ત્યારે તમારે ત્યાં આવી શકે છે.”

“ઓકે સાહેબ નો પ્રોબ્લેમ હું આગતા સ્વાગતા માટે તૈયાર જ છું.” અને પછી ફોન કટ થઇ ગયો.

ફોન પૂરો કરી રીષભ તે ફોન ખીસ્સામાં મુકવા જતો હતો ત્યાં તેમા રીંગ વાગી. રિષભે સ્ક્રીન પર નંબર જોયો અને તેના ચહેરા પર સ્મિત આવી ગયુ.

ફોન રિસિવ કરી રિષભે થોડી વાત કરી અને પછી ફોન મૂકી દીધો. આ ફોન આવતા જ આખી યોજના હવે સ્પીડમાં થવાની હતી. રિષભે ફરીથી અભયને ફોન કરી કહ્યું “ચાલ અભય તારા માટે એક્શનનો સમય થઇ ગયો છે. કાલે સવારે મહેમાન માટે ભેટ મોકલી આપવાની છે.”

“ઓકે સાહેબ તમે ચિંતા ન કરો મહેમાનને તેની ભેટ મળી જશે.”

ત્યારબાદ રિષભે ફરીથી બેનંબરી મોબાઇલમાંથી નંબર લગાવ્યો.

“હાલો ભાઇ મહેમાન કાલે સવારે જ આવે છે. તેની આગતા સ્વાગતાની જવાબદારી તમારી. મહેમાનને આપવાની ભેટ સવારે તમને મળી જશે. પણ યાદ રાખજો મહેમાન ભેટ લીધા વિના જાય નહીં.”

“એ ચિંતા તમે મારા પર છોડી દો સાહેબ. તમારા જેવા સાહેબનુ કામ કરવાનો મોકો ક્યારેક મળતો હોય છે. હું મહેમાનગતિમાં કોઇ કસર નહી રહેવા દઉં.” ત્યારબાદ રિષભે ફોન મૂકી દીધો.

વિકાસે નાનુ સિંઘને જમાડ્યો અને પછી હોટલ જવા માટે નીકળતો હતો. ત્યાં જ બહાદુરસિંહ બોલ્યો “સાહેબ મારે તમને એક વાત કહેવી છે પણ સમજાતુ નથી કે કઇ રીતે કહું.”

આ સાંભળી વિકાસ રોકાઇ ગયો અને બોલ્યો “કેમ એવુ શું છે કે તને કહેવામાં ખચકાટ થાય છે?”

“સાહેબ આ વાત મેડમ વિશે છે.” બહાદુરસિંહે અચકાતા અચકાતા કહ્યું.

આ સાંભળી વિકાસ તરતજ સાવચેત થઇ ગયો અને બોલ્યો “જે હોય તે તમે મને કહીદો. મને તમારા પર પૂરો વિશ્વાસ છે.”

“સાહેબ મેડમ હમણાં હમણાં તમારા મિત્ર કબીરને વધુ મળે છે. મેડમ ઘણીવાર તેને મળવા હોટલમાં પણ જાય છે.” આટલુ બોલી બહાદુર અટકી ગયો. એટલે વિકાસે કહ્યું “જો બહાદુરસિંહ ગભરાવ નહી. જે પણ કહેવુ હોય તે સ્પષ્ટ કહો.”

“સાહેબ, કબીર લગભગ એકાદ વર્ષથી મેડમ પાછળ પડેલો હતો પણ મેડમ તેને કોઇ રિસ્પોન્સ આપતા નહોતા. પણ પછી છએક મહીનાથી મેડમ પણ તેને મળવા જવા લાગ્યા છે. અને આ સંબંધ પ્રેમનો હોય એવુ મને લાગે છે.” આ સાંભળી વિકાસ ગુસ્સે થઇ ગયો અને કબીરને ગાળો દેવા લાગ્યો અને બોલ્યો “કબીર તો પહેલેથી જ હરામી છે પણ અનેરી પણ તેની ચાલમાં આવી ગઇ તે મને વિશ્વાસ નથી આવતો. કોઇ વાંધો નહી આ પ્રકરણ પતવા દો એટલે તે કબીરને તો હું જોઇ લઇશ.” આટલુ બોલી વિકાસ બહાદુરસિંહની નજીક ગયો અને તેના ખભા પર હાથ મૂકી બોલ્યો “બહાદુરસિંહ તમે મારી સાથે જે વફાદારી નીભાવી છે તે હું ક્યારેય નહીં ભૂલુ. આ બધાની કીંમત તો હું નહીં ચૂકવી શકુ પણ તમારી ઇમાનદારીનુ ઇનામ હું તમને ચોક્ક્સ આપીશ. ખૂબ ખૂબ આભાર.” આટલુ બોલી વિકાસ ત્યાંથી નીકળી ગયો અને બહાદુરસિંહ દયાથી તેને જતો જોઇ રહ્યો.

વિકાસે હોટલ પર પહોંચી કપડા બદલ્યા અને બેડ પર લાંબો થયો પણ હજુ તેના મગજમાંથી બહાદુરસિંહની વાત જતી જ નહોતી. તે હજુ વિચાર કરતો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી નંબર જોઇ તેના ચહેરા સ્મિત આવી ગયુ. આ તેના અપહરણકારનો જ ફોન હતો. પણ વિકાસ હવે તેનુ નામ જાણતો હતો. તે જાણતો હતો કે આ વ્યક્તિ શરણ દાસ જ છે. વિકાસે ફોન ઉચક્યો એટલે સામેથી શરણ દાસ બોલ્યો “હેલ્લો મિ. વિકાસ તમે તો એક જોડીદાર શોધી લીધો ને? મે તમને ના કહી હતી કે કોઇ પર વિશ્વાસ નહીં કરતા પણ તમે મારી વાત માની નહીં. ઓકે મને શું છે, તમે હેરાન થશો. મે તો એટલે ફોન કર્યો છે કે જો તમને માહિતી જાણવામાં રસ હોય તો આપણે મળીએ.”

આ સાંભળી વિકાસ બોલ્યો “હા ચોક્કસ. તમે જ્યારે કહો ત્યારે આપણે મળીએ.હું તો તમારા ફોનની રાહ જ જોતો હતો.”

“ઓકે તો કાલે તમે એક કરોડ રુપીયા લઇને હું કહું ત્યાં મળવા આવી જાવ.” શરણદાસે કહ્યું.

“એક કરોડ તો બહુ મોટી રકમ છે. એટલા પૈસા તો મારાથી આપી શકાશે નહીં.”વિકાસ શરણદાસને શક ન જાય તે માટે ભાવતાલ કરી રહ્યો હતો.

“ઓકે તો ફાઇનલ 75 લાખ. જો માહિતી જોઇતી હોય તો બોલો નહીંતર કંઇ નહીં.” શરણ દાસે એકદમ કડકાઇથી કહ્યું. આ સાંભળી વિકાસે નમતુ જોખવાનો દેખાવ કરતા કહ્યું “ઓકે ઓકે તો ક્યારે મળવુ છે?”

“કાલે સાંજે મળીએ.” શરણ દાસે કહ્યું.

“અરે પંચોતેર લાખની વ્યવસ્થા કરવા માટે મારે એક દિવસનો સમય તો જોઇએ ને?” વિકાસે નાટક ચાલુ રાખતા કહ્યું.

“ઓકે તો પરમ દિવસે મળીએ. પણ એકવાત યાદ રાખજો તમે એકલા જ આવશો અને કોઇ પણ ચાલાકી કરશો નહીં. મારી તમારા પર સતત નજર છે.” શરણ દાસે કહ્યું.

“ઓકે, હું એકલો જ આવીશ.” ત્યારબાદ શરણ દાસે ફોન કટ કરી નાખ્યો.

ફોન મૂકીને વિકાસ ગુસ્સામાં બોલ્યો “દાસ પરમ દિવસે તુ વાત કરવાની સ્થિતિમાં નહી હો. કાલે જ તારો ખેલ ખતમ થઇ જશે.

હવે બધાજ પોતાના પાસા ફેંકી ચુક્યા હતા. પણ દાવ કોણ જીતશે તે તો સમય જ નક્કી કરવાનું હતું.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM