Scene of Story World - Issue 2 - Editing - View diameter in Gujarati Magazine by વાર્તાવિશ્વ કલમનું ફલક books and stories PDF | વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 2 - સંપાદન - દર્શના વ્યાસ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 2 - સંપાદન - દર્શના વ્યાસ

આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.

 

રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.

સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના.

 

'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ - સામાયિક અંક -૨

સંપાદક:

દર્શના વ્યાસ'દર્શ', ભરુચ

મો: 7405544547

ઇમેઇલ: darshanavyas04@ gmail.com

 

એડિટર ટીમ:

સેજલબેન શાહ

નિષ્ઠાબેન વછરાજાની

ઝરણાબેન રાજા

ગ્રાફિક્સ: ઝરણાબેન રાજા

ચેતવણી:

આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર, મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં. 

 

સંપાદકની કલમે✍

 

નમસ્કાર મિત્રો,

 

*વાર્તા વિશ્વ- કલમનું ફલક* ઇ -સામાયિકનો બીજો અંક પ્રથમ અંકની સફળતા પછી આપ સૌ વાચકો સામે મુક્તા બાળકને સફળતાની એક પછી એક સીડી ચડતાં જોઈ જેટલી ખુશી થાય તેટલી જ અનુભવું છું. *વાર્તા વિશ્વ કલમનું ફલક* એ સર્જકની સર્જનાત્મકતાંને ખોલી નાખતી બારી છે. કલ્પનો અહીં કલમથી અવતરી ટિપ્પણીઓથી ઘડાઈ છે. અને એટલે જ પ્રથમ અંક જોત જોતામાં સેંકડો વાચકો સુધી પહોંચી અમારી કલમનું બળ અને વિશ્વાસ વધારી રહ્યું. ગ્રુપનાં દરેક લેખક લેખિકાઓ અને ટીમને ખૂબ અભિનંદન...લખતાં રહી આ કોરોનાનાં કપરા કાળમાં ઇ મેગેઝીન દ્વારા વાચકો સુધી પહોંચી અને સર્જકની સર્જનતાની અનુભૂતિ કરાવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

 

અસ્તુ...

દર્શના વ્યાસ 'દર્શ'

ભરૂચ

��� 7405544547

Email: darshanavyas04@ gmail.com

 

 

 

પ્રસ્તાવના

 

"ગાગરમાં ઘૂઘવાતો સાગર થઈ શકું છું,

સંસારમાં રહીને શાયર થઈ શકું છું,

નહીં જેવો, તોય ઈશ્વર તારો જ અંશ છું,

હું પણ અનેક સ્વરૂપે હાજર થઈ શકું છું."

 

જ્યારે વર્ષો પહેલાં વાંચનની શરૂઆત કરી હતી ત્યારે ક્યાંક વાંચેલી આ ચાર લાઈન યાદ રહી ગઈ. કારણકે, આ લાઈનમાં એક હકારાત્મક સંદેશ હતો કે કાળા માથાનો આ માનવી ધારે તે કામ શક્ય કરી શકે છે. કદાચ વર્ષો પહેલાં વંચાયેલી આ ચાર લાઈનો આજે પણ ખૂબ જ સાર્થક જોવા મળે છે. "વાર્તા વિશ્વ- કલમનું ફલક" હજુ આ સફરની શરૂઆતને હજુ છ મહિના જેટલો જ સમય થયો છે અને ત્યાંતો આ સફરમાં તેમના ઈ મેગેઝીનનો બીજો અંક પણ પ્રકાશિત થવા જઈ રહ્યો છે. આ અદ્દભુત સફળતા દર્શાવે છે કે આ ગ્રુપના એડમીન અને સભ્યો ગુજરાતી સાહિત્યને વિશ્વભરમાં ઉજાગર કરવા કેટલા સજાગ છે. વાર્તા વિશ્વની એક ખાસિયત એ પણ છે કે અહિંયા સૌ એક પરિવાર છે. મને ખુબ જ આનંદ છે કે હું પણ આ પરિવારનો એક સભ્ય છું અને મારાથી શક્ય તેટલી સેવા ગુજરાતી સાહિત્યને પ્રદાન કરી શકું છું.

બિપીન ચૌહાણ

‘બિપ્સ’

 

 

 

 

 

 

 

શુભેચ્છા સંદેશ

અભિનંદન!

જ્યારે બધું જ ઓનલાઇન ઉપલબ્ધ છે ત્યારે મનગમતાં લેખકો અને લેખિકાઓની વાર્તાઓ પણ ઓનલાઇન વાંચવા મળે તો મજા જ પડી જાય. એમાંય આવા કોરોનાના કપરા કાળમાં જ્યાં ઘરની બહાર નીકળવું પણ ખતરો છે. ત્યાં કોરોનાગ્રસ્ત માણસોને કે જેને વાર્તાઓ વાંચવી ગમે છે. તેના માટે તો ઘેર બેઠા ગંગા મળી ગઈ એવું લાગે. એમ પણ કહે છે કે સારાં પુસ્તકો અને સારી વાર્તાઓ માણસને માનસિક તણાવમાંથી દૂર કરે છે. એવા સમયે દર્શનાબેનનું 'વાર્તા વિશ્વ -કલમનું ફલક' ઇ મેગેઝીન સૌ વાર્તા રસિકો માટે વરદાનરૂપ રહેશે.

દર્શનાબેનને આ ઇ મેગેઝીન ચાલુ કરવા બદલ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ. દર્શનાબેન પોતે એક સારાં વાર્તાકાર સાથે એક સારાં વ્યક્તિ છે. પોતાનાથી શક્ય હોય એટલી મદદ કરવા દરેકની સાથે ઊભાં રહે છે. આ ગુણ એમને અન્યોથી અલગ પાડે છે. આ ઇ મેગેઝીન થકી નવા નવા લેખક અને લેખિકાઓના કલમ દ્વારા રચાયેલી ઉત્કૃષ્ટ વાર્તાઓ વર્ષો વર્ષ સુધી આપણને વાંચવા ઉપલબ્ધ કરાવતા રહે. એવી માતાજીને પ્રાર્થના.

-શીતલ ગઢવી

 

 

 

 

 

શુભેચ્છા સંદેશ

અભિનંદન!

આજના સમયમાં જ્યારે અત્ર તત્ર સર્વત્ર કોઇ ને કોઇ પ્રકારની વાંચનસામગ્રી સહેલાઇથી ઉપલબ્ધ થાય છે ત્યારે શું વાંચવું અને શું ન વાંચવું તે મૂંઝવણ મોટી હોય છે.સારું વાંચન એ તો આપણા મનનો ખોરાક છે.આવા સમયે વાર્તાવિશ્વ આપ સૌની સમક્ષ ખૂબ જ સુંદર ટૂંકી વાર્તાઓનું નજરાણું લઇને આવ્યું છે.આ વાર્તાઓ કેટલાંક નવોદિતો તો કેટલાંક અનુભવી વાર્તાકારો દ્વારા લખાયેલ છે.વાર્તાવિશ્વનો હેતુ ઘણો ઉમદા છે.એક ઇપ્લેટફોર્મ પુરૂં પાડી વાર્તાકારોને પ્રોત્સાહન આપવાનો..

આ ઇ મેગેઝીન એક નવા જ પ્રકારના કન્સેપ્ટ સાથે આપની સમક્ષ રજૂ થયું છે.આ સુંદર શરૂઆત માટે સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવું છું અને અગ્રિમ સફળતા માટે શુભેચ્છા...

નૃતિ શાહ,

લેખિકા,ગીતકાર,

ઉપપ્રમુખ (ગુજરાતી બૂક ક્લબ)

 

 

 

 

 

 

અનુક્રમણિકા

 

૧ – દર્શના વ્યાસ 'દર્શ' – ઈસ્ટર ઇવ

૨ – ઝરણા રાજા 'ઝારા' - લિસોટા

૩ – હિમાંશુ ભારતીય - નેતિ નેતિ

૪ – લીના વછરાજાની - ઓવારણાં

૫ – સેજલ શાહ 'સાંજ' - આદત

૬ – નિષ્ઠા વછરાજાની – અંતિમ પળ

૭ – બિપીન ચૌહાણ 'બિપ્સ' - ન્યાય

૮ – ડૉ. વિનોદ ગૌર - ઈટ્સ ઓવર

૯ – શૈલી પટેલ – મૃદુ લાગણીઓ

૧૦ – કૌશિકા દેસાઈ – મોટી મા

૧૧ – વૃંદા પંડ્યા - પહેલ.....એક અનોખી શરૂઆત

૧૨ – રસિક દવે – કરૂણા

૧૩ – અનિરુદ્ધ ઠક્કર 'આગંતુક' – પ્રહર્ષિતા

 

 

(૧)

શીર્ષક: ઈસ્ટર ઇવ

લેખન: દર્શના વ્યાસ 'દર્શ'

Email: darshanavyas04@ gmail.com

ઉનાળાની એ લાંબી ગરમ રાત્રિમાં પરસેવો એસીની ટાઢકમાં સૂકાઈ રહ્યો હતો. ઈસ્ટર ઇવની ચર્ચમાં ઉજવણી કરી હું સીધો પબમાં આવ્યો. હજુ ઠંડીગાર જિંદગીની ગરમી વ્હિસ્કીમાં શોધી ત્યાં તો.."હોલ્ડ હર!!" ફાટી જતી એક ચીસ..ને અવાજ સાંભળી પાછળ ફરું ત્યાં તો,"મે બી વિથ મી?" હું કંઈ કહી શકું તે પહેલાં તે મને નાચી રહેલાં યુગલોનાં ટોળામાં લઈ ગઈ. ડાન્સ ફ્લોર પર મારા ખભે હાથ ગોઠવતાં તેણે કહ્યું,"તમે મને બચાવી શકો તેમ છો." મારી આંખમાં જોતાં તે દયનીય ભાવે પૂછી રહી,"મને બચાવશો ને?" અમારી ચારે તરફ નાચી રહેલાં લોકોનું વર્તુળ ફેલાતું જતું હતું. ઓર્કેસ્ટ્રામાંથી મોઝાર્ટના મ્યુઝિકની ધીમી લહેર પૂરા પબમાં ફરી રહી હતી.

મને બસ એટલું સમજાયું હતુ કે, આ છોકરી તકલીફમાં છે ને મદદ ઈચ્છે છે. ડાન્સ કરતાં તે પોતાને સંતાડવા માટે મારી છાતીમાં તેનું મોઢું છુપાવી રહી હતી. તેનાં ગરમ શ્વાસ મને અડી રહ્યાં હતાં. મેં છોકરીનું મોં ઊંચું કર્યું. આછાં પાઉડરની છાંટ પર એસીમાં પણ પરસેવાનાં ટીપાં ઉપસી આવ્યાં હતાં. લીસ્સા, કાળા ને સોનેરી વાળ તેના ખૂલ્લાં ખભાને અડી રહ્યાં હતાં. લાલ લિપસ્ટિક અને પોલકી પ્રિન્ટવાળું લાલ સમર સ્કર્ટ ને સફેદ શિફોન શર્ટમાં તે અદ્ભૂત દેખાતી હતી. તેને જોતાં જ ડાન્સિંગ ફ્લોર પર પગ નાચવા લાગે તેવી દેખાતી હતી, પણ તે ફફડતાં કાગળની જેમ અંદરથી કાંપી રહી હોય તેમ લાગતું હતું. મેં તેનો હાથ દબાવ્યો, "ડરો નહિ, હું છું સાથે."

 

"મને અહીંથી બહાર લઈ જાઓ પ્લીઝ." તેણે ડરતાં ડરતાં કોઈની સામે જોવા કોશિશ કરી મને વધુ કસીને પકડ્યો ને પસાર થતા વેઈટર પાસેથી સ્કોચ લઈ એકી શ્વાસે ગટગટાવી ગઈ. તે કોનાથી ડરે છે તે જોવા નજર ભીડમાં ઘુમાવું ત્યાં તે આજીજી ભર્યા સ્વરે ફરી બોલી,"મને બહાર લઈ જાઓ." ટોળાં વચ્ચે રસ્તો કરવો સહેલો નહોતો. કોનાથી તેને બચાવાની છે એ પણ ક્યાં જાણતો હતો?

"શું તમે મને અહીંથી લઈ જઈ શકો તેમ નથી?" તેના અવાજમાં વ્યગ્રતા ભળી. હું તરત જ તેનો હાથ પકડી ભીડને ચીરતો બેઝમેન્ટની સીડી સુધી પહોંચ્યો ત્યાં, પાછળથી કોઈએ મારો ખભો જકડી લીધો. પબનો મેનેજર હતો. કદાચ માલિકના આદેશથી તે દોડીને અમારી પાછળ આવ્યો હશે. તેના ખમીસની બાંયો લબડી રહી હતી. તે હાંફી રહ્યો હતો. એણે કહ્યું, "બિલ માંગતા હૈ તુમસે; ઐસે તુમ જા નહિ સકતે." જિન્સના પાછળનાં ખિસ્સામાંથી પાકીટ કાઢી નોટોનું બંડલ તેની સામે ધર્યું. તેની આંખમાં ચમક આવી ગઈ ને બંડલ લઈ તે ચાલતો થયો.

અમે ઝડપથી બેઝમેન્ટમાં પાર્ક કરેલી મારી ગાડી પાસે પહોંચ્યાં. ગાડીનું લોક જ્યાં હું ખોલવા જાઉં ત્યાં તો મારી પીઠને ચીરતી ગોળી પસાર થઈ ગ‌ઈ. લોહીલુહાણ હાલતમાં હું જમીન પર પટકાયો. એવી હાલતમાં મને મૂકીને બોલી‌, "મૈં મારિયા પરેરા. ચર્ચમે તુંને ફાધર કી જગહ મેરા કન્ફેશન સૂના.. તું જાન ગયા કિ મૈંને હી જુલીકા મર્ડર કિયા થા. મૈં સબૂત નહી છોડના ચાહતી થી, ઈસિલિયે તેરે પીછે આયી પર યહાઁ  ઉસીકે આદમી સે ટકરાઈ તો ગભરા ઉઠી પર વહાઁ તું હી કામ આયા." હું ઉભો થવાનો પ્રયત્ન કરું ત્યાં, એક ઘા ઝીંકાયો એ નીચે પડી ગઈ. વેઈટરના હાથમાં લોહીથી લથબથ પાઇપ અને પાછળ કોઈ ઉભું હતું. કદાચ જુલીનો આદમી જ હશે!

હોસ્પિટલનાં બિછાને પડ્યો હું એ ન ભૂલી શકાય તેવી એ ૨૫ મિનિટ.. ફરી વાગોળતો હતો ત્યાં જ દરવાજો ખૂલ્યો ને લીસ્સા, કાળા ને સોનેરી વાળ સાથેની નર્સ પર મારી નજર અટકી.

 

 

(૨)

લેખન: ઝરણા રાજા ‘ઝારા’

શીર્ષક: લિસોટા

Email: zaranaraja@gmail.com

શ્રીનાથ ટ્રાવેલ્સની ઓફિસ બહાર મુસાફરો માટે મુકેલી ખુરશીઓમાંની ખૂણાની ખુરશી પર બેસી હું વારંવાર મારી કાંડા ઘડિયાળમાં જોઈ વિચારતી,'આ સમય પણ કેટલો ધીરો ચાલે છે? બસ! હજુ નવ જ વાગ્યા છે! વિરાટ ઘરેથી હવે નીકળશે અને રામનગરથી પાલડી આવતાં ઓછામાં ઓછી વીસ મિનિટ તો થશે જ, એમાંય જો ટ્રાફિક નડશે તો અડધો કલાક નક્કી.' ત્યાં તો મારી નજર સામે બેઠેલા યુગલ પર પડી. બન્ને હાથમાં હાથ ભરાવી બેઠાં હતાં. યુવતી યુવકને વારંવાર જોઈ શરમથી નીચું જોઈ જતી અને યુવક એકીધારું એને જોયા કરતો. આ દ્રશ્ય જોઈ મારા મનમાં વીતેલો સમય ફરી સામે આવી ગયો.

કોલેજમાં કનૈયા તરીકે ઓળખાતા વિરાટે એક થી એક બધી સુંદર કોલેજ કન્યાઓને મિત્ર બનાવી હતી. હું જયારે પહેલીવાર એને મળી ત્યારે, એણે કોઈ ખાસ વાત કે વર્તન જતાવ્યા નહોતા, પણ કોણ જાણે ક્યારે એ મારી નજીક આવતો ગયો! કદાચ મારી બુદ્ધિમતા અને વ્યક્તિત્વ એને ગમી ગયાં હતાં. ધીરેધીરે મિત્રતા થોડી આગળ વધી. એ રોજ મારી રાહ જોતો. હું જરાક પણ મોડી આવું તો બેચેન થઇ જતો ત્યારે, હું હસીને કહેતી,"જાને તારી તો ઘણી બહેનપણીઓ છે. હું આવું કે ન આવું તને શું ફરક પડે?"

ત્યારે એણે વળતો જવાબ આપ્યો હતો,"આયુષી, આજ સુધી મારી જિંદગીમાં આવતી બધી છોકરીઓને મેં કહ્યું જ છે કે, મને એક મિત્રથી વધુ કંઈ ન સમજવું, કારણકે હું પણ કોઈનેય  એક મિત્રથી વધુ આગળ નથી વધવા દેતો, પણ તું દિલમાં ઉતરી ગઈ છે. તારા વગર જીવન જીવવા જેવું નથી લાગતું. તું મને જીવનભર સાથ આપીશ?"

હું બે ઘડી માટે અવાક થઈ ગઈ હતી ને કહ્યું'તું,"હું વિચારીને કહીશ."

હું જાણતી જ હતી કે, વિરાટ મારા હૃદયમાં વસી ગયો હતો, પણ એની આદતના લીધે એક ડર હતો કે ફરી કોઈ નવી સુંદર યુવતી દોસ્ત બનશે અને એ મને.....! આખરે મગજ સામે હૃદયની જીત થઇ. મે વિરાટનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. હું એક ઘા વાગ્યા પછી પણ ફરી હિંમત કરી બેઠી.

હા, એ જ ઘા જે વિનીતે આપ્યો હતો. સાચું કહું તો મારી લાગણીઓનો ગેરફાયદો ઉઠાવવાના એના ઈરાદા નાકામ થયા, પણ એક ઊંડો ઘા વાગ્યો એનું શું? ત્યારે વિરાટને વિનીત વિશે જણાવવાનું યોગ્ય ન લાગ્યું. જોકે વિરાટ વિનીતને ઓળખતો જ હતો. તેથી કંઈ છૂપું રહેવાનું ન હતું, પણ વિરાટને વિનીત વિશે જણાવવા હું યોગ્ય સમયની રાહ જોવા લાગી.વિરાટ મારા પ્રત્યે એનો અનહદ પ્રેમ જતાવવા લાગ્યો ને હું પણ એને અમાપ પ્રેમ કરવા લાગી. વિરાટ એકદમ બદલાઈ ગયો. એનો દિવસ મારાથી જ ઉગતો ને મારાથી જ પૂર્ણ થતો. હું પણ મારો ભૂતકાળ ભૂલવાં લાગી હતી, પણ વિરાટથી એ વાત છુપાવવાનો રંજ મનમાં સતત ઘુંટાયા કરતો. વિનીત નામનો ભૂતકાળ ભૂલવાં વિરાટની માફી માંગવી અનિવાર્ય લાગી. આખરે મેં નિર્ણય લઈ જ લીધો. હોસ્ટેલથી સીધા ઘરે જવાને બદલે મેં વિરાટ સાથે વીરપુર જવાનું નક્કી કર્યું. વિરાટ પણ તૈયાર થઇ ગયો.

"આયુષી, ક્યાં ખોવાઈ છે?" અચાનક અવાજ સંભળાયો સામે જોયું તો વિરાટ ઉભો હતો. મેં સ્વસ્થ થઇ વિરાટને આવકાર્યો. હું અને વિરાટ બસમાં બેસી વીરપુર જવા નીકળ્યાં. અમદાવાદથી વીરપુર જતાં રસ્તામાં મેં વિરાટને મારા ભૂતકાળ વિશે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે વિરાટ બોલ્યો, "આયુષી, મારે તારો કોઈ ભૂતકાળ જાણવો નથી. મારે તારા ભૂતકાળ કે વિનીત સાથે કોઈ લેવાદેવા નથી. આજે તું મારો વર્તમાન છે ને જીવનભર રહીશ. તારા ભૂતકાળના લિસોટા આપણાં ભવિષ્ય પર ના પાડીશ પ્લીઝ. મારોય ભૂતકાળ હતો છતાં, તે મારા વર્તમાનને ચાહ્યો છે ને!"

"પણ વિરાટ એકવાર..." આગળ કંઈ બોલું એ પહેલાં જ વિરાટે મારા હોઠ ઉપર એનો હાથ મૂકી મને ચૂપ કરી દીધી.

 

 

 

 

 

 

(૩)

શીર્ષક : નેતિ નેતિ

લેખન : હિમાંશુ ભારતીય

Email: hemhimanshu001@gmail.com

ઓહ! વધુ એક ચિઠ્ઠી! પરંતુ એનું ધ્યાન તો પેલી રાણી બાંધણીમાં જ હતું. ઇન્દુનો આ ગમતો રંગ! એને શોભતો પણ ઘણો! એ થોડાં ઉઘડતા વાનની હતી. થોડાં ભારે શરીરની હતી, પણ હસતાં ચહેરાને કારણે એ નમણી લાગતી હતી. શું કરતી હશે?' નંદુને વિચાર આવ્યો. 'અત્યારે તો સાવ એકલી હશે'. થોડાં કોલાહલથી નંદુની વિચારતંદ્રા તૂટી. બે દિવસથી એની સાથે વાત નહોતી થઈ અને એમાં પણ આ ડબ્બા જેવો ફોન સવારનો બંધ હતો. આટલી બધી ભીડના કારણે ફોન ચાર્જીંગમાં મૂકવાનો પણ સમય નહોતો મળ્યો. આજે તો  ભૂરિયાની ભાષામાં કહીએ તો રોજ કરતાં ઘણી વધારે ઘરાકી હતી. 'ઘરાકી' - નંદુને હસવું આવ્યું. ઇન્દુ ચોક્કસ ખીજાઈ જ હોત 'ઘરાકી' શબ્દ પર. છેલ્લાં વરસથી કામ વધ્યું હતું, પણ આવક ઓછી થઈ ગઈ હતી. નંદુને ચાની તલબ લાગી હતી, પણ એક પછી એક ગાડીઓ આવ્યા જ કરતી હતી ને એ નવરો જ નહોતો પડતો. ફરી એનું ધ્યાન રાણી બાંધણી પર ગયું. ભૂરિયો હાજર હોત તો આ બાંધણી કોણ લઈ જાય એ માટે બંને વચ્ચે માથાકૂટ જરૂર થઈ હોત. જોકે હમણાંથી તે પણ બીકનો માર્યો કપડાંને હાથ નહોતો લગાવતો; ખાલી રોકડમાં જ રસ બતાવતો. એણે આવેલી ચિઠ્ઠીમાં નામ વાંચ્યું અને વ્યવસ્થા કરવા દોડ્યો. અહીંના મેનેજરે  વધુ ભીડના કારણે ટોકનપદ્ધતિ ચાલુ કરી હતી જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

લાકડાં ગોઠવી એણે સગાવહાલાંને શરીર ગોઠવવા કહ્યું. 'શરીર' એને હસવું આવ્યું. પોતે તો 'મડદું' શબ્દ જ વાપરતો હતો, પરંતુ ઇન્દુ એના પર ખીજાતી,"તમાર તો આ રોજનું સે પણ મેલવા આવેલા ઘરનાંઓને કેવું લાગ? કેવું દુ:ખ થાય?" વાત તો સાચી હતી! છ વર્ષની કુમળી વયે પહેલી વખત અડધાં બળેલાં મૃતદેહને ચિતામાં બેઠો થઈ જતો જોઈ એ છળી મરેલો. એના બાપા ખીજાયેલા,"આમ, હાવ પાણીપોચો થયે તો ચમનું હેંડસે? આ જ કામ કરવાનું સે જિંદગીભર". બીજું જ મડદું એણે એના બાપનું જોયું હતુ. નાની ચકળવકળ આંખે એ બધું જોઈ રહેલો. રડવાની પણ એને સમજણ નહોતી પડી રહી. જોકે ભૂરિયાના બાપાએ એને આ કામમાં સારો એવો  તૈયાર કરેલો. એ પોતે મરી ગયા ત્યારે વરસાદ પડતો હોવા છતાં નંદુએ ચિતામાં ધૂણો નહોતો થવા દીધો. પોતાની આ આવડત પર નંદુ પોરસાતો ને ભૂરિયો બળતો. મૃતદેહ આવતાં રહેતાં. થોડીવાર રોકકળ થતી ને સળગતાં શરીરની ગંધ સાથે બધું હવામાં ભળી જતું. સુજ્ઞજનોના નાકનાં ટીચકાં ચઢતાં. કોઈ જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરતું તો કોઈ કરજ કરીને કારજ કરવું કે નહીં એની પણ ચર્ચા કરી લેતાં. ધૂમાડાનાં ધૂંધળા વાતાવરણમાં ઘણાં મહોરાં સાફ દેખાઈ આવતાં. નંદુને આ બધી પળોજણ કરતાં પાથરેલ કપડાંમાં આવતી દક્ષિણામાં વધુ રસ રહેતો. ભૂરિયો દયા ધર્મની વાતો કરી લોકોને વધુને વધુ દાન કરવા ઉકસાવતો. બધાંના ગયા પછી બંને ભેગા થઈ રોકડ અને બીજી વસ્તુઓના ભાગ પાડતા ને પછી ડાઘુઓના ચાળા પાડી હસતા. ભૂરિયો તો સળગતી ચિતામાંથી ડાઘુઓ જોડેથી માંગેલી બીડી લઈ સળગાવતો. નંદુને આ ઓછું ગમતું. એમાં ધરમ કરતાં ચીતરીની ભાવના વધુ રહેતી. એ ટોકતો તો ભૂરિયો કહેતો,"આ બીડી-બાકસના બે રૂપિયા બચાઇશું તો આપડાં સોકરાં ચવાણું ખઈ હકસે. હુ કેવું?" એક વખત ભૂરિયો, મૃતકના ફુવાને કૂતરાંને વહેંચવા માટેના લાડવાની થેલી સગેવગે કરતાં જોઈ ગયેલો અને પૂરા પાંચ લાડવાના બદલામાં આ રહસ્ય પચાવી ગયેલો. આવું ઘણી વખત બનતું. નંદુને આ બધું એટલી હદે હબકે ચઢી ગયુ હતું કે ક્યાંક ફૂલોની ગંધ આવે તો પણ એનું મન ને નજર નનામી શોધવા લાગતાં, જોકે પારિજાતની સુગંધ એને ગમતી. સ્મશાનગૃહની પાછળ ઉગેલ પારિજાત પરથી રોજ એ ઇન્દુ માટે ફૂલ લઈ જતો. પોતાના હાથે જ વેણી ગૂંથી એની વ્હાલી ઇન્દુને પહેરાવતો. "ઇન્દુ" એમની નાતમાં જોવા ના મળે એવું નામ હતું એટલે જ તો એણે પોતાનું નામ બદલાવીને નંદુ કરી દીધું હતું. 'નંદુની ઇન્દુ'!

 

એમ્બુલન્સની સાઇરથી એના વિચારોની મોજમાં ભંગ પાડ્યો. છેલ્લાં ઘણાં સમયથી એના 'ધંધા'ની રોનક ઓછી થઈ ગઇ હતી. મૃતદેહ વધુ આવતાં પણ સાથે માણસો ઓછાં આવતાં. જેથી લોકોની દાતારી ખૂલી ગઈ હોવા છતાં દક્ષિણા ઓછી આવતી. પ્લાસ્ટિકમાં વીંટેલા શરીરને કારણે ઉપર નાખેલ કપડાંની આવક પણ ઓછી થઈ ગઈ હતી. 'સાદા' શરીર પણ આવતાં. એમાં પણ સાથે માણસો તો ઓછાં જ આવતા. પ્રત્યક્ષરૂપે માણસો વચ્ચે વધેલી દૂરી જોઈ ભૂરિયો પણ ઘણો શાંત થઈ ગયો હતો. એક વખત એક ભારે શરીરવાળા કાકા આવ્યા હતા. મૃતદેહને ઊંચકીને અંદર મૂકવા માટે સગાઓને બોલાવ્યા તો કોઈ આગળ ના આવ્યું એટલે તેમની નાની પુત્રી બધાં નિયમ બાજુ પર મૂકી બાપને મૂકવા આવી. ભારે શરીરને ઊંચકવામાં બિચારી છોકરીના ફેફસાં ફાટી રહ્યાં હતાં. ભૂરિયાએ એના સ્વભાવની વિરુદ્ધ જ‌ઈ એક પણ પૈસો લીધા વગર મૃતદેહને અંદર મૂકાવવામાં છોકરી અને નંદુની મદદ કરી હતી. શરીરને લગભગ ઘસડીને લઈ જવાતું હોવા છતાં એક પણ વ્યક્તિના પેટનું પાણી નહોતું હલ્યું. જાત સાચવવાની બધાંને વધુ પડી હતી. ત્યારથી, નંદુનું મન બહુ જ આઘાત પામ્યું હતું. એનું નાસ્તિક મન ભગવાનથી વધુ દૂર થયું હતું અને ઇન્દુના સમજાવવા છતાં એ સમજી નહોતો શકતો. નામ અને નંબર લખેલી ચિઠ્ઠી એના મન પર લિસોટા નહિ, પણ ઘસરકા પાડી જતી. "ઓહ.. કુદરત! આ બધુ ચાણ બંધ થશે?" એ મનમાં ચિત્કારી ઉઠતો. રોજે રોજ મરનારની સંખ્યા વધતી જ જતી હતી. પરમ દિવસે સત્યાવીસ હતાં. ગઈકાલે, પાંત્રીસ હતાં અને આજે તો દાટ જ વળી ગયેલો. ભૂરિયો હોત તો એણે શરત લગાવી હોત કે,"આજે તો અર્ધી સદી પાકકી બાકી!" સતત ચાલતી ભઠ્ઠી પણ જવાબ આપવા મંડી હતી અને લાકડાં પણ ખૂટવા માંડ્યાં હતાં. રઝળતી લાશો જોઇને નંદુને શું નું શું થઈ જતું! ફરી એણે નામ અને નંબર વાંચ્યાં. આ તો પેલાં રાણી બાંધણીવાળાં જ બહેન. સારું હતું કે તે 'સાદાં' હતાં. એની નજર રાણી બાંધણી પર ફરતી રહી. વિધિ પતાવી તેમનું શરીર લાકડા પર ગોઠવ્યું. નંદુનું ધ્યાન તે બહેનનાં કાનમાં રહી ગયેલ સોનાનાં કાપ પર ગયું ને એણે એમનાં પતિનું ધ્યાન દોરી એ કાપ લેવડાવી લીધાં. ભૂરિયો હોત તો તેણે આમાં હાથચાલાકી કરી જ હોત! એટલામાં તે બહેનનાં જેઠે રાણી સાડી હાથમાં લઈ કહ્યું,"આ સાડી આવી ને આવી શું કરવા મૂકી દીધી? આ લોકોને તો ફાડીને જ આપવું પડે." એમ બોલી છરી લઈ બાંધણીનો છેડો ફાડવા જતાં હતાં, પરંતુ તાજા જ વિધુર થયેલા ભાઈએ તેમને અટકાવ્યાં. "ભાઈ, ભલે ને આ લોકો નવું ને આખું લૂગડું પહેરતાં, રાજી થશે બિચારાં!" નંદુને એ છરી એના કાળજા પર ચાલતા અટકી હોય એવું લાગ્યું. 'કાલથી નવરાત્રિ ચાલુ થતી હતી અને આ અખંડ સાડી પહેરી ઇન્દુ તો ખૂબ જ રાજીની રેડ થવાની! બસ! કાલ સુધી પાછી આવી જાય તો શાંતિ!' ત્યાં ભૂરિયો દોડતો આવ્યો અને નંદુના હાથમાં ચિઠ્ઠી પકડાવી એને વળગી રોવા માંડ્યો. એની બહેનને પણ કોરોના થયો હતો. નંદુ હલી ગયો. એને પોતાને પણ તેણે સગા ભાઈની જેમ જ રાખેલો. "આપડ લૂટઇ જ્યા નંદુઊ! અન તારો ફોન ચમ બંધ આવ સ? સાહેબેય તન કોંય ના કીધું?" ભૂરિયાનું રડવાનું ચાલુ જ હતું. ન્ંદુએ ચિઠ્ઠીમાં નામ વાંચ્યું. "બોડી નંબર પચાસ" આ વાંચી એના હ્રદય પર જાણે ઘા પડ્યો. એણે મેનેજર સાહેબ સામે જોયું. ભોંઠા પડેલા સાહેબે નજરો ચોરી. નંદુએ રાણી બાંધણી હાથમાં લીધી ને મૃત શરીર પર ઓઢાડીને બોલ્યો,"આ તારા હાટાની પેલી ને સેલ્લી અખંડ ચૂંદડી ઇન્દુ."

 

 

(૪)

શીર્ષક : ઓવારણાં

લેખન: લીના વછરાજાની

 

દાદી’સા માનાં આંસુ લૂછતાં આશ્વાસન આપી રહ્યાં હતાં. એ જોઈને યુવાનીના ઉંબરે ડગ માંડીને ઉભેલા સૂરજસિંહે પૂછ્યું,“મા તું કેમ રડે છે?” દાદી’સાએ પણ ભીની આંખો લૂછી જવાબ આપ્યો,“વીસ વરહ પહેલાં ઊંટદૌડમાં તારા બાપુ’સા ગુમ થઈ ગયા હતા ત્યારે તું ટાબર હતો. તારા બાપુ’સા વાસ્તે એ દૌડ ત્યારે સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો, પણ મુખિયાના દગાખોર દિમાગને લીધે તારા બાપુ’સા પાણીદાર અસવાર હોવા છતાં હારી ગયા. દર વર્ષે એ દોડનો કાળમુખો દિવસ અમારા માટે માતમમાં પસાર થાય છે.”

વર્ષો પહેલાં દરેક ગામના જાગીરદાર માટે પ્રતિષ્ઠિત કહેવાતી ઊંટદોડમાં જીતવાના મક્કમ નિર્ણય સાથે કરમસિંહ ઊંટ પર સવાર થયા, પણ બાજુના કસ્બાના જાગીરદારે મેલી મુરાદ રાખી ને કાવાદાવા કરી‌ કરમસિંહના ઊંટને વચ્ચેથી અલગ દિશામાં વાળીને દિશાહીન કરી દીધું. ને..એ પળથી એમના માથે કાયરનો સિક્કો વાગી ગયો. એ નાલેશી કરમસિંહ સહન ન કરી શક્યા અને એક રાત્રે એ રણની સફેદ ચાદર ઓઢીને ગાયબ થઈ ગયા.

બસ, દાદી’સાની વાત અને માનાં આંસુને પાઘડીના સાત રંગમાં લપેટીને એ વર્ષે ફરી એ જ ઊંટદોડમાં હિસ્સો લઇને પિતાના અપમાનનો બદલો લેવા લબરમૂછિયો સૂરજસિંહ તૈયાર થઈ ગયો. રંગબેરંગી પતાકાઓથી શોભતાં મેદાનમાં કતારબંધ પાણીદાર ઊંટમાંથી એક ઊંટ પર સવાર દોડ માટે તૈયાર વીસ વર્ષના એવા જ પાણીદાર સૂરજસિંહના દિમાગ પર હથોડાની જેમ દાદી’સાનાં વાક્યો વાગી રહ્યાં હતાં.

તૂતી અને નગારાંનાં જોરદાર રણકાર સાથે  ઊંટદોડ શરૂ થઈ. દરેક ઊંટના અસવારને એના સાથીઓના શોરબકોરનું પ્રોત્સાહન અજબ જોશ પ્રેરી રહ્યું હતું. આ બધાં હલ્લાગુલ્લા વચ્ચે અચાનક સૂરજસિંહનું ઊંટ ખુન્નસથી બે બાજુ દોરી બાંધેલી સરહદની પાર પંડાલમાં બેઠેલા મુખિયા તરફ ધસી ગયું અને એને પછાડીને ફરી ઝનૂનભેર ઊંટને વાળીને સૂરજસિંહ સહુથી આગળ રેખા પાર કરી ગયો.

બરાબર એ પળે સફેદ રેતીના ગોટેગોટામાં દૂર ઝાડીઓમાંથી બે આંખો, પોતે ટાબર મુકીને ગયેલા ને આજે ઊંટ પર શોભી રહેલા નવયુવાને પોતાનો પ્રતિશોધ પૂરો કર્યાના સંતોષથી ઓવારણાં લઈ રહી. ટ્રોફી અને પરંપરાગત પાઘ લઇને ઘેર પાછા ફરેલા સૂરજસિંહે માને કહ્યું,“હવે, તારે રડવાની જરુર નથી. હવે, સામણેવાલા રોવેગા.”

 

 

(૫)

શીર્ષક : આદત

લેખન : સેજલ શાહ ' સાંજ '

Email: sejal2383@gmail.com

શિયાળાની કડકડતી ઠંડી ને એમાંય રાત્રિની નોકરી! ઠંડીથી થરથર ધ્રુજતાં મજૂરો માંડમાંડ કોલસો ભરી રહ્યા હતા. બરાબર નવ વાગ્યા એટલે શિફ્ટ બદલાવાનો સમય થયો. આજે નાઇટમાં પટેલ સાહેબ આવવાના હતા એટલે સૌ પોતપોતાનું કામ બરાબર કરી રહ્યા હતાં. એટલામાં કોઇએ આવીને કહ્યું,"સાહેબ આવી ગયા છે. બધાં સાવધ રહેશો."

૫' ૫" જેટલી ઓછી હાઇટ, શ્યામ વર્ણ, ૩૫ની આસપાસનો યુવાન, આમ દેખાવે સામાન્ય, બહુ આકર્ષક નહિ, પણ ભેજું ગજબ! ભલભલા સાહેબો એનાથી ધ્રૂજે. પટેલ સાહેબે શિફ્ટનો ચાર્જ હાથમાં લીધો. આગલી શિફ્ટનાં રિપોર્ટ જોતાં હતાં ત્યાં જ પાછળથી અવાજ આવ્યો,"સાહેબ, આજે તમારે શાંતિ છે. આગલી શિફ્ટમાં ગાડીઓ ભરાઈ ગઈ છે એટલે આપણે ખાલી પચાસ જ ગાડી ભરવાની બાકી છે. તમતમારે આરામ કરો. બાર વાગ્યા સુધીમાં તો ટાર્ગેટ પતી જશે."

"હા, ઓકે" પટેલ સાહેબે મગજમાં કંઈ વિચારતાં વિચારતાં માથું ઊંચું કર્યા વિના જ જવાબ આપ્યો.

પટેલ સાહેબ પોતાનું રૂટિન કામ પતાવી પોતાની જીપ લઈને માઈન્સમાં રાઉન્ડ મારવાં નીકળ્યા. આજે પટેલ સાહેબ બધાં જોડે હસીહસીને વાતો કરી રહ્યાં હતા. માઈન્સનાં મજૂરોને પણ નવાઈ લાગી રહી હતી. પટેલ સાહેબ આખી માઇન્સમાં રાઉન્ડ મારતાં મારતાં બધાને ઇશારાથી પૂછી રહ્યાં હતા બધું બરાબર ને? સામેથી જવાબ 'હા' મળે એટલે આગળ વધે.  

બરાબર રાતનાં બાર વાગ્યાં. બીજા ઓફિસરો જે ટાર્ગેટ પૂરો થઈ ગયો હોઈ, જેને જ્યાં જગ્યા મળી ત્યાં પગ લંબાવીને સૂઈ ગયા હતા. કોઈ ટેબલ પર પગ લંબાવીને સૂતું હતું, તો કોઈ ખુરશીમાં, તો કોઈ નીચે જમીન પર એટલે પટેલ સાહેબે પોતાની કારીગીરી ચાલુ કરી. પટેલ સાહેબની આ જ આદતના કારણે આખી ઓફિસ એમની દુશ્મન બની ગઈ હતી, પણ પટેલ સાહેબને કામનાં સમયે કોઈ સૂઈ જાય એ એમના સિદ્ધાંત વિરુધ્ધ હતું. કાયમ નીતિથી ચાલવું એ એમનો સિદ્ધાંત હતો. સરકાર આપણને કામ કરવાનો પગાર આપે છે, સૂવાનો નહિ.

 "ઓ સાહેબ! તમે પાછા ચાલુ પડી ગયા વિડિયોગ્રાફી કરવાં! શું કામ દુશ્મનોનું લિસ્ટ લાંબુ કરી રહ્યા છો? તમારી આ જ આદત એક દિવસ તમને તકલીફમાં મૂકી દેશે. મૂકો ફોન ને ચાલો બાજુની ઓફિસ પર આવો, બધાં તમારી રાહ જોઈ રહ્યાં છે. ટાર્ગેટ પૂરો થવાની ખુશીમાં જી.એમ. સાહેબ પણ આવે છે ને ચા-નાસ્તો પણ મંગાવ્યા છે." પાછળથી એમનો હાથ ખેંચતાં વિપુલે કહ્યું.

 "સાહેબ આવ્યા છે? અત્યારે? સારું સારું હું આયો. આ ફોન ચાર્જમાં મૂકીને આવું."

"હા, તમે ટાર્ગેટ પૂરો કરી આપ્યો એની ખુશીમાં. લાવો, ફોન હું મૂકી દઉં તમે જાઓ, હું આયો." કહેતા વિપુલે સાહેબના હાથમાંથી ફોન લઈ લીધો.

"સારું" કહી પટેલ સાહેબ પહોંચ્યાં બાજુની ઓફિસ પર. પાછળ પાછળ વિપુલ પણ પહોંચ્યો. સૌ કોઈ પાર્ટીના મૂડમાં હતા. ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો એટલે સવારે પાંચ વાગ્યા સુધી કશું કામ નહોતું. સૌ કોઈ ચા અને ગરમગરમ ભજીયાની મજા માણી રહ્યાં હતાં. જી.એમ. સાહેબે કહ્યું,"પટેલ, અભી તુમ ભી થોડા રેસ્ટ કર લો. કલ સુબહ તક કોઈ કામ નહિ હે. મેં ભી ઘર જા રહા હું."

 

"ઓકે સર" એટલું કહી પટેલ સાહેબે વિપુલને ઇશારાથી ફોન લઈ આવવા કહ્યું. વિપુલે હાથના ઇશારાથી કહ્યું,'પાંચ મિનિટમાં લઈ આવું.' લગભગ અડધો કલાક બાદ સૌ સૌના કામે વળગ્યા. પટેલે પણ વિચાર્યું કે,'ચાલ, સાહેબે સામેથી કીધુ છે તો અહીઁ જ ઓફિસમાં થોડું લંબાવી દઉં.' બરાબર સવારે સાડા ચાર વાગ્યે પટેલ સાહેબની આંખ ખૂલી. પાંચ વાગે શિફ્ટ પૂરી થવાની હોવાથી બધા રિપોર્ટ ભર્યા. આગળના શિફ્ટ ઇન્ચાર્જને શિફ્ટ સોંપી પાંચ વાગે ઘરે જવા નીકળ્યા.

ઓફિસમાં ઊંઘ મળી ગઈ હતી એટલે ઘરે આવીને નાહી ધોઈને તૈયાર થઈ ઘરનાં રૂટિન કામ પતાવી ચા લઈને હિંચકે બેઠા. લગભગ આઠ વાગ્યા હશે ત્યાં જ ફોનમાં રીંગ વાગી. 'ટ્રિંગ ટ્રિંગ....' ફોન હાથમાં લીધો, જોયું તો જીએમ. સાહેબનો કોલ હતો. "ગુડ મોર્નિંગ સર, બોલો."

"પટેલ તુમ અભી કે અભી ઓફિસમેં આઓ." એટલું કહી જીએમ. સાહેબે ફોન પછાડ્યો. પટેલ સાહેબ કંઈ જવાબ આપે એ પહેલાં જ ફોન મુકાઈ ગયો એટલે એ તરત ઓફિસ પહોંચ્યા.

"મે આઈ કમ ઈન સર?" પટેલ સાહેબે ઓફિસમાં પ્રવેશવા પરવાનગી માંગી. "યસ, કમ ઇન." જીએમ. સાહેબે ગુસ્સાથી કહ્યું. "પટેલ, યુ આર ફાયર્ડ....! આઈ નેવર એક્સપેક્ટેડ ધિસ ફ્રોમ યુ. હાઉ કેન યુ ડુ ઇટ? જસ્ટ શેમ ઓન યુ." જીએમ. સાહેબ ગુસ્સાથી બોખલાઈ ગયા હતા. જીએમ. સાહેબની વાત સાંભળી પટેલ સાહેબના પગ નીચેથી જમીન ખસી ગઈ. "પર સર, ક્યાં હુઆ યે તો બતાઈએ? કિસ બાત કે લિયે મુજે નિકાલા જા રહા હે? મેરી ગલતી ક્યાં હૈ?" પટેલ સાહેબે હડબડાહટમાં એક સામટાં સવાલો પૂછી નાખ્યાં.

"કલ રાત એક ગાડી બિના પરમિશન કે બહાર ગઈ થી ઔર ડ્યુટી પર તુમ થે. હમને ઉસ ગાડી કે ડ્રાઈવર સે ભી બાત કી, ઉસને તુમ્હારા નામ લિયા હૈ. અબ બોલો." પટેલ સાહેબ શાંત ચિત્તે બધું સાંભળી રહ્યા હતા. મગજમાં ફૂટેલા દાવાનળને રોકી ચહેરા પર સ્વસ્થતા જાળવી રાખી.

"દેખો પટેલ, મેં તુમ્હે અચ્છી તરહ જાનતા હું. મુજે તુમ પર પૂરા ભરોસા હૈ પર ઉસ ડ્રાઈવરને તુમ્હારા નામ લિયા હૈ, ઈસલિયે મેં કુછ નહીં કર સકતા. તુમ્હારે પાસ આધા ઘંટા હે સોચ લો ક્યાં કરના હૈ?"

 "સર આપ હી બતાઇએ મેં ક્યા કરું?""માય લાસ્ટ એડવાઇસ ટુ યુ ઇઝ, ઇટ ઇઝ બેટર ટુ રીઝાઈન ધેન ટરમીનેટ."

ઓકે સર, આઈ વિલ થીંક અબાઉટ ઇટ. થેંકયુ સર." એટલું કહી પટેલ સાહેબ ઓફિસની બહાર નીકળી ગયા ને એટલામાં જી.એમ. સાહેબના ફોનમાં એક વીડિયો આવ્યો.

જી.એમ. સાહેબે વિડિયો ચાલુ કર્યો. એ વિડિયો જોતાં જ જી.એમ. ખુરશીમાંથી ઊભા થઈ ગયા. આખા શરીરે પરસેવો વળી ગયો. ફરીથી પટેલનો મેસેજ આવ્યો,'સર, કલ આપ જબ ઘર જાને કે લિયે નિકલે, તબ રાસ્તેમેં આપને એક કૉલ કિયા ઔર આપને જીસ જગહ પર બાત કી વહાં મેરા ફોન ચાર્જિંગમે રખા થા. જીસમેં બાય મિસ્ટેક વિડિયો મોડ ચાલુ રહ ગયા થા.

સર, નાવ, યુ હેવ ઓન્લી ટ્વેન્ટી ફાઈવ મિનિટ્સ!

આઈ થિંક, યુ આર રાઇટ સર. ઇટ ઇઝ બેટર ટુ રિઝાઈન ધેન ટરમીનેટ.....

 

 

(૬)

શીર્ષક: અંતિમ પળ

લેખન: નિષ્ઠા વછરાજાની

Email: nishthadv05@gmail.com

અમદાવાદની સાબરમતી જેલના એક ખૂણામાં લટકાવેલું કેલેન્ડર આઠમી એપ્રિલ બે હજાર વીસનો દિવસ બતાવતું હતું. કોર્ટના ચુકાદા પ્રમાણે આજથી બરાબર એક અઠવાડિયા પછી જેલની કાળકોટડીમાં બંધ સુબોધને ફાંસી આપવાની હતી. એ આખું અઠવાડિયું સુબોધ મનોમંથન કરતો રહ્યો, પોતાની જાતને મનાવતો રહ્યો ને મનને મક્કમ કરતો રહયો. હવે, કોર્ટનો ચુકાદો આવી ગયો હતો ને ફાંસીની સજા નિશ્ચિત જ હતી. આખરે એ દિવસ આવી જ પહોંચ્યો. આજે સવારે બરાબર પાંચ વાગ્યે એને ફાંસી આપવાની હતી. આગલી આખી રાત એણે પડખાં ઘસવામાં જ કાઢી હતી. એનું મન અજંપાથી ભરાઈ ગયું હતું.

જેલની દિવાલ પર લટકાવેલ ઘડિયાળ હવે ચાર ને પાંત્રીસનો સમય દર્શાવતી હતી ને સુબોધના મનમાં એક વિચાર ઝબક્યો, 'બસ, હવે છેલ્લી પચ્ચીસ મિનિટ ને પછી કાયમને માટે મારું અસ્તિત્વ ભૂંસાઈ જ‌શે આ કાળકોટડીમાંથી ને આ પૃથ્વી પરથી.' એ હજી આમ વિચારતો હતો ત્યાં જ જેલર તરફથી એને નાહી લેવા માટે સૂચના આપવામાં આવી. નાહતાંનાહતાં એને વિચાર આવી ગયો કે, 'આ મારી જિંદગીનું અંતિમ સ્નાન' ને એ ઝડપથી નાહીને પોતાની બેરેકમાં પાછો ફર્યો ને એક ખૂણામાં આંખો બંધ કરી બેસી ગયો.

એને મનમાં વિચાર આવ્યો કે,'હમણાં સુધી તો ફાંસી વિશે માત્ર વાંચ્યું કે સાંભળ્યું હતું ને ફિલ્મોમાં આવતાં દ્રશ્યો જ જોયેલાં પણ, આજે તો મને ફાંસી આપવામાં આવશે. ફિલ્મોમાં જોયેલાં દ્રશ્યો પ્રમાણે, ફાંસી આપવામાં આવે ત્યારે જેને ફાંસી અપાઈ હોય એના આંખોના ડોળા ને જીભ બહાર નીકળી જાય. શું પોતાની પણ એવી જ હાલત થશે? એ વિચારે ડરનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું.' તરત જ એણે એ વિચારોને ખંખેરી નાંખવા પોતાનું માથું ઝટકાવ્યું ને વિચાર્યું,'હવે જે થવાનું હશે તે થશે..!'

હજી, એ આમ વિચારતો હતો ત્યાં જ જેલર સંગ્રામસિંહ ને ડૉકટર નાણાવટી તેની બેરેકમાં પ્રવેશ્યા. એમને આવેલા જોઈને સુબોધને યાદ આવ્યું કે, બે દિવસ પહેલાં જેલર સંગ્રામસિંહ એની અંતિમ ઈચ્છા પૂછવા એની પાસે આવેલા. ત્યારે, સુબોધે મરણોપરાંત પોતાના અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ને પછીનાં બે દિવસોમાં એ‌ માટે એના મેડિકલ રિપોર્ટસ સહિતની તમામ ફોર્માલિટિઝ પૂરી કરી દેવામાં આવી હતી. એના તમામ મેડિકલ રિપોર્ટસ એકદમ નોર્મલ આવ્યાં હતાં. ડૉક્ટર નાણાવટીએ સસ્મિત વદને એની સામે જોયું ને કહ્યું,"હેલો યંગ મેન! તમે મરણોપરાંત તમારા અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એ ખરેખર કાબિલે તારીફ છે. યુ આર યંગ ઈનફ એટલે તમારા અંગોનું દાન કરીને તમે ઘણી જિંદગીઓ બચાવી શકશો ને એમનાં જીવનની ખુશહાલી તમારે આભારી હશે. તમે માનવતાની દ્રષ્ટિએ ખૂબ જ ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છો." આમ, વાતચીત કરતાં કરતાં એમણે સારી રીતે સુબોધની શારિરીક તપાસ કરી સુબોધ અને જેલર સંગ્રામસિંહની સામે જોઈને કહ્યું,"એવરી થિંગ ઈઝ ફાઈન."

આ બધી કાર્યવાહી ચાલતી હતી ત્યાં જ હવાલદારે ઉતાવળે આવીને એમને જાણ કરી કે, સુબોધનો પરિવાર એને અંતિમ વિદાય આપવા માટે આવી ગયો હતો. જેલર સંગ્રામસિંહ એને તેના માતા-પિતા ને બહેન સીમાને મળવા લ‌ઈ ગયા. સુબોધને એના પરિવાર પાસે મૂકી જેલર સંગ્રામસિંહ ત્યાંથી નીકળી ગયા. માતા-પિતાને પોતાની નજર સમક્ષ જોઈને સુબોધ સ્હેજ ઢીલો પડી ગયો ને એમને પગે લાગ્યો. ત્યારે એના પિતા એને એકદમ ભેટી પડ્યા ને કહ્યું,"સુબોધ, અંગદાન એ મહાદાન છે. તે આવો સરસ નિર્ણય લીધો એ માટે અમને ઘણો આનંદ છે." એની માએ પણ આંખમાં આવેલાં આંસુને લૂછતાં કહ્યું,"તેં તારા અંગોનું દાન કર્યું એટલે એ રીતે તું જરૂરિયાતમંદ ઘણાં લોકોની જિંદગી બચાવી શકીશ ને એ લોકો સાથે અમે સંપર્કમાં રહીશું ને એમનામાં અમને તારી હાજરીનો અહેસાસ થશે."

 એની બહેન સીમાએ સુબોધને ભેટી એની છાતી પર માથું ઢાળી કહ્યું,"ભાઈ! હું તારી ઈચ્છાઓ ને લાગણીઓને બરાબર સમજું છું. હું તને વચન આપું છું કે, હું 'સજૅન' બનીશ ને ગામના લોકોની સેવા કરીશ ને તારા બાકી રહેલાં તમામ સપનાઓને પૂરાં કરીશ. આપણાં માતા-પિતાને સમાજમાં માનભર્યું સ્થાન અપાવીશ ને હું એમની દીકરી નહીં પણ દીકરો બનીને રહીશ." આ સાંભળીને સુબોધને હૈયે ઘણી ધરપત વળી.

આ બધી વાતો ચાલતી હતી ત્યાં જ હવાલદારે ભારેખમ અવાજે સુબોધના નામની બૂમ પાડી. હવે, પાંચ વાગવામાં માત્ર પાંચ મિનિટની વાર હતી. સુબોધે પોતાના પરિવાર તરફ એક અંતિમ દ્રષ્ટિ નાંખી, એક ઉંડો શ્વાસ લ‌ઈ જાણે દુનિયાની તમામ મોહમાયા ને બંધનો છોડી હવાલદાર પાસે પહોંચી ગયો. ત્યાંથી, તેને ફાંસી આપવાની હતી તે રૂમમાં લઈ જવામાં આવ્યો.

ત્યાં જતાં જ, એણે જોયું કે જેલર સંગ્રામસિંહ, ડૉક્ટર નાણાવટીની ટીમ ને જલ્લાદ તૈયાર ઉભા હતા. એણે સૌની સામે જોઈને 'ગુડમોનૅિગ' કહીને સ્મિત કર્યું. પોતાની અંતિમ પળોમાં સુબોધ એકદમ સ્વસ્થ હતો ને ખુશ હતો કે,' પોતે 'અંગદાન' કરીને સમાજ માટે એક સારૂં કાર્ય કરશે. જે બીજાઓ માટે પણ ઉદાહરણરૂપ બની રહેશે.' એણે ડોક્ટર નાણાવટીને એક પળનોય વિલંબ કર્યા વગર તેના અંગો કાઢી લ‌ઈ  'ઓગૅન બેન્ક'માં જમા કરવા માટે વિનંતી કરી ને જવાબમાં ડૉક્ટર નાણાવટીએ સહમતીપૂર્વક માથું ધુણાવ્યું.

સુબોધને ખૂબ સંતોષ થયો. હવે, તેના ચહેરા પર કાળું કપડું ઓઢાડી દેવામાં આવ્યું. ચારેકોર અંધકાર ને સૂનકાર હોય એવું તેને લાગ્યું. એણે મનમાં ને મનમાં ઈશ્વરના નામનું રટણ ચાલુ કર્યું ને એના કાને જલ્લાદનો કર્કશ અવાજ સંભળાયો,'એક...બે...ત્રણ.' થોડી ક્ષણોની છટપટાહટ પછી એનો દેહ હવામાં ઝૂલવા લાગ્યો. જેલર સંગ્રામસિંહે પોતાની કૅપ ઉતારી ને કાંડા ઘડિયાળ તરફ નજર નાંખી જે બરાબર સવારના પાંચ વાગ્યા ને પાંચ મિનિટનો સમય દર્શાવતી હતી.

 

 

 

 

(૭)

શીર્ષક:- ન્યાય

લેખન : બિપીન ચૌહાણ ' બિપ્સ '

Email: bipinc207@gmail.com

બેભાન અવસ્થામાંથી મનીષ ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો. શરીર આખું જકડાઈ ગયું હોય તેવું લાગ્યું. આંખો ઉપર કસીને બાંધવામાં આવેલાં કાપડનાં પાટાના કારણે આંખ સામે અંધકાર છવાયેલો હતો. હાથ-પગ હલાવવાનો પ્રયત્ન કરતાં ખ્યાલ આવ્યો કે, તેને કોઈ ખુરશીમાં બાંધેલો છે ને મોઢાંની અંદર કાપડનો ડૂચો નાખી મારેલી ટેપના કારણે ગળામાંથી નીકળતો અવાજ હુંકાર ભરી પાછો અંદર જ સમાઈ જતો હતો. મનીષના મનમાં વિચારોનો દાવાનળ ફાટી નીકળ્યો હતો.

 "હું ક્યાં છું? મને કોણ અહીંયાં લઈ આવ્યું? મારી સાથે આ શું થઈ રહ્યું છે? હું તો બેન્કમાંથી પૈસા ઉપાડી ગાડીમાં બેસવા જતો હતો ત્યાં તો કોઈએ પાછળથી આવી નાક પર રૂમાલ દબાવ્યો ને પછી કંઈ યાદ જ નથી."

મનમાં ઉઠેલાં સવાલોના જવાબ શોધવાની મથામણ કરતાં મનીષને કોઈ પગરવ સંભળાયો. પોતાના કાન સતર્ક કરી બંધ મોઢેથી પણ મોટો હુંકાર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પગરવનો અવાજ ધીમેધીમે નજીક આવતો હતો તેમ તેમ મનીષ હાથ-પગ હલાવી બંધનમાંથી છૂટવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગ્યો. અચાનક તેના મોઢાં ઉપર લગાવેલી ટેપ કોઈએ જોરથી ખેંચી કાઢી. મોઢામાં ભરાયેલાં ડૂચાને જોરથી થૂંકી મોટા અવાજે બૂમ પાડી ઉઠ્યો,"કોણ છે? મને અહિંયા કેમ બાંધી રાખ્યો છે?" જવાબમાં મનીષને એક અટ્ટાહાસ્ય સંભળાયું.

 "જો મને કંઈ થયું તો તમારી ખેર નથી. તમે મને ઓળખતા નથી. આ શહેરના પોલીસ કમિશનર મારા અંકલ છે. તમને કોઈને છોડશે નહીં." ગભરાયેલો મનીષ આ કેદમાંથી છૂટવા માટે ધમકી આપવા લાગ્યો.

 "ખબર છે તારા અંકલ આ શહેરનાં કમિશનર છે એટલે જ આજે તું અહિંયા છે. હવે જો, જીવતો રહેવા માંગતો હોય તો કશું જ બોલ્યા વગર બેસી રહે નહીંતર..!" કડક અવાજમાં કહેવાયેલા શબ્દો મનીષના શરીરમાં ધ્રુજારી છોડી ગયાં.

પોતે કઈ પરિસ્થિતિમાં ફસાયો છે તેનો ખ્યાલ આવી જતાં મનીષ એકદમ દયામણો થઈ કહેવા લાગ્યો,"પ્લીઝ, મને જવા દો. મેં તમારું શું બગાડ્યું છે? મારી દીકરી હોસ્પિટલમાં છે. જો મેં સમયસર હોસ્પિટલમાં પૈસા નહીં ભર્યા તો મારી દીકરીનું ઓપરેશન નહીં થાય અને અને તેની જિંદગી...." આટલું બોલતાં બોલતાં મનીષ આક્રંદ કરવા લાગ્યો, "મારી દીકરી મરી જશે. પ્લીઝ મને જવા દો...."

"કેમ જવા દઉં તને? તારા જેવા માણસ સાથે આવું જ થવું જોઈએ. તને પણ ખબર પડવી જોઈએ કે, જ્યારે પોતાની દીકરી તકલીફમાં હોય ત્યારે એક બાપની શું હાલત થાય છે! એક બાપ તરીકેના દર્દને તે કદાચ બે વર્ષ પહેલાં સમજી લીધું હોત તો તું આજે અહિંયા ના હોત." સામેથી જવાબ આવ્યો.

"શું કહો છો? બે વર્ષ પહેલાં શું કર્યું તું મેં?"

 "યાદ કર બરાબર. સી. જી. રોડ, તારો અકસ્માત અને..."

આટલું સાંભળતાં જ બે વર્ષ પહેલાં બનેલી ઘટના મનીષના માનસપટ પર ઉપસી આવી. ગાડી ચલાવતાં સમયે મોબાઈલ પર વાત કરવાના ધ્યાનમાં એક અકસ્માત અને એક ચાર વર્ષની છોકરીનું મૃત્યુ..! અંકલ કમિશનર હોવાથી એફ.આઈ.આર. માં પોલીસે ઘણી છટકબારી ગોઠવી દીધી અને તેનો લાભ વકીલે ઉઠાવી કોર્ટમાં મનીષને હજુ એક મહિના પહેલાં જ નિર્દોષ જાહેર કરી દીધો.

મનીષને ખ્યાલ આવી ગયો કે, તેના દ્વારા થયેલાં તે અકસ્માતનો બદલો આજે કદાચ તે છોકરીનો બાપ કે સગો મારી સાથે લઈ રહ્યો છે. તેણે વિનંતી કરતાં કહ્યું, "મને માફ કરી દો. અજાણતાં થયેલાં તે અકસ્માતમાં મારી કોઈ ભૂલ નહોતી."

"તારી ભૂલ હતી મનીષ..! તે કોર્ટમાં સ્વીકાર્યું નહિ કે, તે સમયે તારું ધ્યાન મોબાઈલમાં હતું, તે સ્વીકાર્યું નહીં કે શહેરના ટ્રાફિકમાં તારી ગાડી ઓવરસ્પીડ હતી, ચાર રસ્તા પર લાગેલા કેમેરાના ફૂટેજ તે ગાયબ કરાવી દીધાં અને છતાં તને એક બાળકીના મોતનો કોઈ પસ્તાવો નથી. તારા જેવા બેદરકાર અને લાગણીહીન લોકોને સજા અપાવવા જ મારા જેવા પ્રતિનિધિએ આવાં કામ કરવાં પડે છે."

"અત્યારે કદાચ હું મારા એ જ પાપની સજા ભોગવી રહ્યો છું. મારાથી થયેલ અકસ્માતની સજા હું નહીં, પણ મારી દીકરી હોસ્પિટલની પથારી પર ભોગવી રહી છે. એને પણ મારા જેવા કોઈ બેદરકાર કારચાલકે અડફેટે લઈ લીધી છે. પ્લીઝ, મને જવા દો નહીંતર હું તેને બચાવી નહીં શકું..." લાચાર મનીષ પોતાની દીકરીના મૃત્યુના વિચારથી સમસમી ઉઠ્યો ને આક્રંદ કરવા લાગ્યો.

 "જો તું તારી દીકરીનો જીવ બચાવવા માંગતો હોય તો તારે એક કામ કરવું પડશે." તે વ્યક્તિ સત્તાધીશ અવાજમાં બોલ્યો.

 "હું મારી દીકરી માટે કંઈ પણ કરવા તૈયાર છું. બસ, મને જલ્દીથી તેની પાસે જવાદો." મનીષ આજીજી કરતો બોલ્યો.

 "તો સાંભળ, તારે તારા એ ગુનાની કબૂલાત કરી જેલમાં આજીવન કેદની સજા ભોગવવાની છે. બોલ, મંજૂર છે?"

મનીષ વિમાસણમાં પડી ગયો. ગુનાની કબૂલાત કરે તો આજીવન પોતાની પત્ની અને દિકરીથી દૂર રહેવું પડે. પોતાનો ધંધો, રૂપિયા, કુટુંબ બધું જ છોડી જેલમાં અજ્ઞાત જિંદગી જીવવી પડે. "જો તું એમ વિચારતો હોય કે, અત્યારે 'હા' કહી પછી મને જોઈ લઈશ તો તું ભૂલ કરે છે. જો તારા જેવા વ્યક્તિને અપહરણ કરી હું અહીંયાં લાવી શકતો હોઉં તો તારી દિકરી સુધી પહોંચતાં મને કેટલીવાર લાગશે?" મનીષને સમજાવતાં તે બોલ્યો.

અપહરણકર્તા પહેલા મનીષની ભૂલનો ભોગ બનેલી બાળકીનો પિતા કે સગો લાગ્યો, પણ હવે એ નક્કી નહોતો કરી શકતો કે ખરેખર આ કોણ છે? આખરે, કોઈ અન્ય ઉપાય નહિ જણાતાં મનીષે તેની વાત સ્વીકારવાનો નિર્ણય કર્યો, "સારું મને મંજુર છે, પણ પહેલાં મારી દીકરી..."

"તારી દિકરીને કંઈ નહીં થાય, પણ જો આ શરતમાં ભૂલ કરી છે તો...." કહી તે મનીષનો એક હાથ ખોલી નીકળી ગયો કોઈ બીજા ગુનાની કબૂલાત કરાવવા માટે જેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.

 

 

 

(૮)

શીર્ષક : ઈટ્સ ઓવર

લેખન : ડૉ. વિનોદ ગૌડ

Email: dr_vbgaur@yahoo.co.in

સુનીતાબેન દવે, શહેરની પ્રતિષ્ઠિત કાનૂની ફર્મ, દવે એન્ડ સન્સ એડવોકેટસના એક માત્ર મહિલા વકીલ. તેમના પતિ એડવોકેટ શ્રી આશુતોષ દવેના આકસ્મિક અવસાન પછી, તેમણે પોતાના પુત્ર અવિનાશ સાથે ફર્મનો સંપૂર્ણ કારભાર કુશળતાથી સંભાળી લીધો હતો. તેમનાં માટે કહેવાતું કે, સુનીતાબેન જેના પક્ષે હોય તે અસીલની જીત નિશ્ચિત! જાજરમાન વ્યક્તિત્વ અને ભલભલા અનુભવી વકીલોને પોતાની દલીલોથી નિરુત્તર કરી દેવાની તેમની આવડતની ખ્યાતિ આસપાસના શહેરો સુધી પ્રસરી ગઈ હતી.

ઘરમાં પણ તેમનો પડ્યો બોલ ઝીલાતો. પુત્ર અવિનાશ કે પુત્રી આંકાંક્ષા બન્નેમાં સુનીતાબેનની કોઈ પણ વાત ઉથાપવાની હિંમત નહોતી. સુનીતાબેનનો અમુક બાબતોમાં થોડો જિદ્દી સ્વભાવ. કોઈનું ના માને. સ્વભાવે ઘાર્મિક, પણ જ્ઞાતિ, કુળ, ઉંચનીચ અને ખાનદાન વિગેરેમાં ચુસ્તપણે માનનારાં.

જિંદગીમાં ક્યારેય હાર ન માનનારાં સુનીતાબેન આજે પોતાની જાતને ખૂબ જ બેબસ અને લાચાર અનુભવી રહ્યાં હતાં. તેમની નજર એકીટસે ઓપરેશન થીયેટરનાં બંધ બારણાં પર ઝબૂકતી લાલ લાઈટને જોઈ રહી હતી. રહી રહીને તેમની નજર દવાખાનાની દિવાલ પરની ડિજિટલ ઘડીયાળના ઝબુકતાં લાલ ટપકાંને જોતી, જેમાં સવારના 08:05 વાગ્યાં હતાં અને ખાતરી કરવા પોતાની કાંડા ઘડીયાળ પર જતી, તેમની આંખોમાં એક પ્રકારનો અજંપો, ઉચાટ અને ચિંતા સ્પષ્ટ વરતાઈ રહ્યાં હતાં. તેમને લાગી રહ્યું હતું કે સમય જાણે થંભી ગયો હતો. કારણ હતું ડૉક્ટર સ્વાતિ લિંબચિયા.

ડૉક્ટર સ્વાતિ લિંબચિયા, શહેરના ખ્યાતનામ ગાઈનેકોલોજીસ્ટ, જેમનાં માટે કહેવાતું કે, તેમના હાથમાં જાદુ છે. ગમે તેટલો કોમ્પલિકેટેડ કેસ હોય, એક વાર તેમણે હા પાડી એટલે બસ. સુવાવડીના સગાંવહાલાં નિશ્ચિંત થઈ જતાં, પણ સુનીતાબેન આજ કારણથી વધારે ચિંતીત હતાં. ઓપરેશન થીયેટરમાં જતાં પહેલાં ડૉકટર સ્વાતિ લિંબચિયાની કરડાકી ભરી આંખોં જોઈને અને શબ્દો “વેઈટ ફોર ટ્વેન્ટી ફાઈવ મિનીટ્સ, એવરી થીંગ વીલ બી ઓવર“ સાંભળીને તેમના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.

છેલ્લી ક્ષણે ડૉ પ્રજ્ઞા, જે તેમની દીકરી આંકાંક્ષાની પ્રસૂતિ કરાવવાનાં હતાં, તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં બધાંના જીવ અધ્ધર થઈ ગયાં હતાં. એક તો દીકરીની પ્રથમ પ્રસૂતિ, તેમાં પણ કોમ્પલિકેશનને કારણે સિઝેરિયનથી બાળકને આ દુનિયામાં લાવવાનો નિર્ણય! ડૉ પ્રજ્ઞાએ તેમને ધરપત આપી કે, ”સુનીતાબેન જરા પણ ચિંતા કરવાની જરુર નથી, મારી એક ખાસ ગાઈનેકોલોજીસ્ટ મિત્ર સાથે વાત થઈ ગઈ છે અને તેઓ આ કેસ હાથ પર લેશે. આ પહેલાં પણ અનિવાર્ય સંજોગોમાં અમે અરસપરસ એક બીજાને મદદ કરી છે.” આ સાંભળીને તેમને થોડી શાંતિ થઈ. પ્રસૂતિ માટે પુત્રીને દાખલ કરી તેની બીજી સવારે જ્યારે સુનીતાબેને ડૉકટર સ્વાતિ લિંબચિયાને પોતાની કારમાંથી ઉતરીને દવાખાનામાં આવતાં જોયાં ત્યારે તેમનો જીવ તાળવે ચોંટી ગયો.

સિસ્ટરને પુછ્યું પણ ખરું, ”આકાંક્ષાની પ્રસૂતિ માટે કયા ડૉકટર આવવાના છે?”

સિસ્ટરે હસતે મોઢે જવાબ આપ્યો, “સુનીતાબેન, તમે જોયાં નહીં? ડૉકટર સ્વાતિ લિંબચિયા હમણાં જ આવ્યાં ને! હવે, તમે જરાય ચિંતા ના કરો. તેઓ એકવાર ઓપરેશન થીયેટરમાં જાય એટલી જ વાર.”

સુનીતાબેનની આંખો સામે બે વરસ પહેલાની ઘટના અને તેમણે લીધેલ નિર્ણય ચલચિત્રની જેમ દ્રશ્યમાન થઈ ઉઠ્યાં. સંભવિત પરિણામની આશંકાથી કંપી ઉઠ્યાં. આકાંક્ષા કૉલેજના છેલ્લા વરસમાં હતી. સપ્રમાણ શરીર સૌષ્ઠવ ધરાવતી, રુપરુપનો અંબાર, જાણે ઈશ્વરે ખાસ સમય લઇને ઘડી હોય! ભણવામાં હોંશિયાર, સાહિત્ય અને અભિનયમાં ખાસ રુચિ. કૉલેજનું કોઈપણ નાટક, નાયિકા તરીકે આકાંક્ષા વગર અધુરું જ રહે. દરેક આંતરકૉલેજ નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પારિતોષિક આકાંક્ષાને જ મળે.

તે વરસે પણ, આંતરકૉલેજ નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પારિતોષિક આકાંક્ષાને જ મળ્યો.

બાજુના શહેરની કૉલેજના નાટકનો નાયક, અનામિક શ્રેષ્ઠ અભિનેતા તરીકે વિજેતા બન્યો. ઈનામ વિતરણ સમારંભમાં તાળીઓના ગડગડાટ વચ્ચે મંચ પરથી અનામિક, પોતાનું શિલ્ડ અને પ્રમાણપત્ર લઈને નીચે ઉતરી રહ્યો હતો, ને આકાંક્ષા પોતાનું શિલ્ડ અને પ્રમાણપત્ર લેવા માટે મંચ પર જવાની તૈયારીમાં હતી.

અચાનક બન્નેની નજર મળી અને જાણે એક તારામૈત્રક રચાઈ ગયું.

પળવાર માટે આકાંક્ષાનું હ્રદય સોહામણા અનામિકને જોઇને એક ધબકારો ચૂકી ગયું. તે સંતુલન ગુમાવી બેઠી, કાંઈ અજુગતું થાય તે પહેલા બે સશક્ત હાથોએ તેને સંભાળી લીધી. એક મધુર સ્વર તેના કાને પડ્યો “બી કેર ફુલ, આર યુ ઓકે?“

તેણે હકારમાં ડોકું હલાવ્યું. ચાહીને પણ મોઢેથી 'થેન્ક યુ' ના કહી શકી.

પોતાનું શિલ્ડ અને પ્રમાણપત્ર લ‌ઈને મંચ પરથી નીચે આવી ત્યારે તેની આંખો અનામિકને શોધતી હતી. તે મનમાં બબડી, 'મારે અનામિકનો આભાર માનવો રહ્યો, જો તે ના હોત તો આજે સભાગૃહમાં હું હાંસીને પાત્ર બની જાત.'

અનામિક તેની પાછળની હરોળમાં જ બેઠો હતો. તેની નજર પણ આકાંક્ષાની નજરને અનુસરી રહી હતી, બન્ને ના હોઠો પર એક મધુર સ્મિત છવાઈ ગયુ. કાર્યક્રમ પૂરો થયો, વિદ્યાર્થીઓ સભાગારમાંથી બહાર નીકળવા લાગ્યાં. આકાંક્ષા શરમાતી સંકોચાતી અનામિકની નજીક જઇને ઉભી રહી. “થેંક્સ અ લોટ” નાટકમાં લાંબા-લાંબા ડાયલોગ સહજતાથી સડસડાટ બોલી નાખતી આકાંક્ષા માંડમાંડ બોલી શકી.

“માય પ્લેઝર હિરોઈન સાહિબા“ અનામિકે ફિલ્મી અંદાજમાં મોહક સ્મિત સાથે જવાબ આપ્યો.

આ તેમની પ્રથમ મુલાકાત. ધીમે ધીમે મુલાકાતો વઘતી ગઈ અને ક્યારે પ્રણયરુપી પુષ્પમાં બદલાઈ ગઈ બન્નેને ખબર જ ના પડી.

કહેવાય છે કે “ઈશ્ક ઔર મુશ્ક છુપાયે નહીં છુપતે."  સુનીતાબેનના એક અસીલે જ્યારે, આ વિષયમાં તેમને જણાવ્યુ, તો પળવાર માટે તેઓ અસ્વસ્થ થઈ ગયાં, પછી બાહોશીથી પોતાની લાગણીઓને કાબૂમાં કરી.

સાંજે જમ્યાં પછી રોજના ક્રમ પ્રમાણે હિંચકે બેસી મુખવાસ મમળાવતાં આકાંક્ષાને પાસે બોલાવી. “બેટા આ અનામિક કોણ છે, ક્યાં રહે છે? તેના પરિવારમાં કોણ-કોણ છે. તમે એકબીજાને કેટલા સમયથી ઓળખો છો?”

 “મમ્મી, અનામિક બાજુના શહેરમાં તેના મમ્મી સાથે રહે છે. અમે ગયા વરસે નાટ્ય મહોત્સવમાં મળ્યાં હતાં. તેના મમ્મી ગાઈનેકોલોજીસ્ટ છે અને પોતે એમ.ડી.નો અભ્યાસ કરે છે.”

 “સારું આવતા રવિવારે તેમને આપણા ઘરે બોલાવ, તારી ખુશી એ જ મારી ખુશી.“

રવિવારે મહેમાનોની સરભરાની સંપૂર્ણ તૈયારી સાથે વાટ જોવાઈ રહી હતી.

સમયસર અનામિકની કાર ડૉ સ્વાતિ સાથે સુનિતાબેનના કમ્પાઉન્ડમાં પ્રવેશી. મહેમાનોની આગતા-સ્વાગતા પછી બધાં ડ્રોઈંગરૂમમાં બેઠાં.

“સ્વાતિબેન, આજના સમયમાં બાળકો પોતાના જીવનસાથીની પસંદગી પોતે જ કરી લેતા હોય છે. આપણે વાલીઓને ભાગે તો માત્ર આશીર્વાદ આપવાના જ આવે છે.”

 “સાચી વાત છે સુનીતાબેન, મને તો આકાંક્ષા મારી દીકરી સમાન લાગે છે. બન્નેને ઉપરવાળાએ જાણે એકબીજા માટે બનાવ્યાં છે.”

અનામિક અને આકાંક્ષા બન્નેની આંખોં હસી રહી. અચાનક સુનિતાબેન બોલી ઉઠ્યાં, “આકાંક્ષા, જા બેટા  અનામિકને તારો રૂમ બતાવ.”

અનામિક અને આકાંક્ષાના ગયા પછી સુનીતાબેને સીધો પ્રશ્ન કર્યો, “સ્વાતિબેન તમારી અટક?”

“લિંબચિયા” સાંભળીને સુનિતાબેનના મોંઢાના હાવભાવ બદલાઈ ગયા.“માફ કરશો સ્વાતિબેન, આ સંબંધ શક્ય નથી, અમે બ્રાહ્મણ અને તમે ..! અનામિક સારો છોકરો છે, પણ મારી દીકરી તમારા પરિવારની વહુ નહીં બની શકે“

પાછાં જતાં ડૉકટર સ્વાતિ લિંબચિયાની આંખોમાં, સુનીતાબેનને, અપમાન થકી ધગધગતા જવાળામુખીની લપેટો દેખાઈ. આકાંક્ષા પોતાના પ્રથમ પ્રેમને મનના એક ખુણામાં ધરબી સુનુતાબેનની આજ્ઞા પ્રમાણે એક સારા બ્રાહ્મણ પરિવારમાં પરણી ગઈ.

 "ઊંઆ, ઊંઆ, ઊંઆ ....."

નવજાત શીશુના રડવાનો અવાજ સાંભળી સુનીતાબેન તંદ્રામાંથી બહાર આવ્યાં. ઘડિયાળમાં બરાબર 8:30 થયાં હતાં.

ડૉકટર સ્વાતિ લિંબચિયા તેમને કહી રહ્યાં,“ઈટ્સ ઓવર“ અને નવજાત શીશુને તેમના ખોળામાં આપીને પાછા વળી ગયાં. પાછાં જતાં આજે પણ ડૉકટર સ્વાતિ લિંબચિયાની આંખોમાં, સુનીતાબેનને અપમાન થકી ધગધગતા જવાળામુખીની લપેટો જ દેખાઈ.

 

 

(૯)

શીર્ષક : મૃદુ લાગણીઓ

લેખન : શૈલી પટેલ

Email: shailipatel.3@gmail.com

સરકારી શાળાના પ્રાંગણમાં એક કાર્યક્રમ હતો. તેમાં પોતાનું વકતવ્ય આપતાં છાયાએ શરૂઆત કરી."આશા એન.જી.ઓ.ના પ્રમુખશ્રી નિર્મલાદેવી, કન્યાશાળાના આચાર્યશ્રી નયનાબેન, ઉપસ્થિત મહેમાનો, વડીલો અને મારી પ્રિય સખીઓ, નમસ્કાર, હું છાયા શાહ.

'આજના સમયમાં સગર્ભા-ધાત્રીઓની સંભાળ' કાર્યક્રમમાં આપનું સ્વાગત છે."

કાર્યક્રમ અંતર્ગત સંભાળ અંગેની માહિતી કમલાબહેન આપશે, પણ એ પહેલાં એક સ્ત્રી તરીકે હું મારા અનુભવો અને અવલોકનો તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. એક છોકરીની જિંદગીની સફર અવિવાહિત, પરિણિતા અને પછી માતૃત્વ પર અટકે છે. હું પરણીને સાસરે આવી પછી નવા લોકો અને નવા વાતાવરણને સમજતાં સમજતાં તો સગર્ભા બની ગઈ. બધાંની જેમ જ મારા જીવનમાં પણ કંઈક એવી જ ઘટનાઓ બની છે. પહેલી વખત મા બનવાનો અહેસાસ ખૂબજ રોમાંચિત કરનારો હોય છે.

પહેલીવાર એક પરિણિતાને ખબર પડે કે તે મા બનવાની છે, ત્યારે તેનું રોમ રોમ પુલકિત થઈ જાય છે અને આ વાત જયારે તે તેના પતિને કહે ત્યારે... ત્યારે તો એ પતિ-એ પુરુષ લગભગ બહાવરો થઈ જાય! સાચ્ચે જ એને સમજાતું નથી કે એ ખડખડાટ હસે કે ખુશીથી નાચવા માંડે! મારા પતિને પણ કંઈક આવું જ થયું હશે, એના મન-મસ્તિષ્કમાં દરિયાનાં મોજાં ઉલાળા મારતાં હશે! એને એમ થઈ જાય કે, બ્યુગલ લઈને આખા ગામમાં બૂમો પાડીને જાહેર કરું કે 'હા..હું પિતા બનવાનો છું.' વળી, પાછો થોડો ડરે કે, પત્ની સ્વસ્થ તો છે ને? વળી, પાછો ઉદ્વેગ આવે કે ઝૂમી જાઉં ને નાચવા માંડુ, પણ પાછા વડીલોના ચહેરા યાદ આવે એટલે આવેશ રોકાઈ જાય.

વિચારોના મોજાં આમ-તેમ અફળાયા કરે. તેની પત્ની બિચારી પ્રતિભાવની રાહ જોઈ ઊભી રહે ને પતિ 'બિચારો પુરુષ' પોતાના મનોભાવ દર્શાવવામાં કાચો પડે, પણ હા.. આ બધાંમાં એક વાત ખાસ ધ્યાને આવી કે મનોમન મલકાતો પતિ, મૂછોમાં મલકાવાનું ના છુપાવી શકે. ગમે તેવો કઠોર કે સ્થિર મુદ્રાધારી પુરુષ પણ આવા સમયે એનું મીઠું સ્મિત તો હોઠો પર ફરકી જ જાય અને આ સ્મિતની લાલી એની આંખોને પણ પાણીદાર બનાવી દે. મારા પતિના મનમાં પણ આવું જ કંઇક ચાલતું હશે, પણ બહાર તો માત્ર એક જ શબ્દ,"સાચ્ચે " જ ઉચ્ચારેલો. અચાનક આવેશનો ઉભરો આવ્યો એટલે મને ભેટીને "દુનિયાભરનું થેંકયુ તને" એવુંય કંઈક અજુગતું કહેલું અને વળી, પાછા નાના બાળકનો વિચાર આવતાં કયાંક મને વાગી ન જાય એટલે ઝડપથી મને અળગી કરી "સોરી..સોરી.. તને વાગ્યું તો નથીને?" એવુંય કંઈક ગડબડ બોલી નાખેલું".છાયા બોલ્યે જતી હતી અને દરેક અનુભવી નારીઓ પોતાની જાતને આ દ્રશ્યોમાં પરોવી રહી હતી.

છાયાએ વાત આગળ ધપાવી. "સખીઓ, હજુ તો નવા મહેમાનના સમાચાર જ મળ્યા છે, પણ પુરુષના મનમાં બનતાં ચિત્રો અને સગર્ભાની લાગણીઓ સમયને પણ જાણે થંભાવી દે છે.

ધીમે-ધીમે સમય ચક્ર ફરતું રહયું. ઘરના બહારના સૌ કોઈ જેને મારા સમાચાર મળ્યા એ બધાં મારી ખબર અંતર પૂછતાં રહેતાં. કયારેક આડોશી પાડોશી અને કયારેક સગા-વ્હાલાને ત્યાંથી મારા માટે પકવાન પણ આવતાં. મને તો આ સેવા સરભરામાં બહું મજા પડતી. અઢળક શુભેચ્છાઓ અને અઢળક સલાહો,ઉદાહરણો અને અનંત દાખલાઓ મળતાં જ હોય, પણ આ બધાંમાં મારા મનમાં પેલું જૂનું ગીત ચાલે,"આજકલ પાંવ ઝ઼મી પે નહીં પડતે મેરે, બોલો દેખા હૈ કભી તુમને મુઝે ઉડતે હુએ..."

સાસુમાની સલાહો પણ એટલી અને સંભાળ પણ એટલી! ખૂબ કેળવણી આપે, અને હા ઘરમાં કંઈ પણ નવું બનાવવાનું હોય તો પહેલાં મારી ઈચ્છાને માન અપાય. મને ન ગમતી ગંધવાળી કોઇ પણ વસ્તુ ઘરમાં ન રખાતી. મનને જેટલી મોકળાશ મળે એમ સમય વીતતાં શરીરે પણ ફેલાવવામાં પીછેહઠ ન કરી. ફેલાયેલી કાયાને ફેરવવામાં તકલીફો પડે ત્યારે ઘરનાં સૌ કોઈ ખડેપગે ઊભાં રહેતાં. એમ લાગતું કે, બધાં મારા સૈનિકો બની ગયાં છે. કયારેક રાત્રે કંઈક ખાવાની ઈચ્છા થાય તો પતિ પરમેશ્વરને જગાડું. લગભગ નહિવત રસોડામાં જતાં પતિદેવ અડધી રાત્રે રસોડામાં ધાડ મારતાં, ડબ્બા ફંફોસવામાં ફેઈલ પ્રાણનાથથી ડબ્બાનાં ઢાંકણાં જમીન પર પછડાતાં. અવાજથી સાસુમા રસોડામાં આવી જાય ને દીકરાને નાસ્તો શોધી આપે. મા નાક ચડાવી દીકરાની ટીખળ પણ કરે, "કયારેય મા ને પૂછ્યું છે કે, તારે શું ખાવું છે? ને હાજર જવાબી દીકરો તરત મા ને વળગીને કહે, 'બોલને ગાંડી, તારી માટે તો જાન પણ કુરબાન કરી દઉં, તું અવાજ તો કર એકવાર..' અને મા હસીને, 'જાને લુચ્ચા' એટલું બોલીને ગાલે ટપલી પણ લગાવતી.

મને ચટપટું ખાવાની ઈચ્છા હોય ત્યારે પતિ દેવ મોળા ગાંઠિયા ધરતાં ને ખાટું ખાવાનું મન થાય ત્યારે પારલે બિસ્કીટ આપતાં જેથી હું ભૂખી જ સૂઈ જતી. શૂન્યથી સ્વાનુભવે પતિ પરમેશ્વર એટલું ગણિત શીખી ગયેલા કે આ પરિસ્થિતિમાં રાત્રે ભૂખ લાગે છે ને ખાટું અથવા ચટપટું એવું કંઈક આ જોગમાયા માંગે છે. પરિણામે, પાકો ધંધાદારી આમાં સરવાળે નુકસાન ન થાય એટલે રૂમના કબાટમાં એક ડબ્બામાં આંબલી અને થોડાંક ચટપટા પ્રકારના વેફર્સના પડીકા સંઘરતો થઈ ગયેલો. કબાટમાં વસ્તુઓ ગોઠવતાં જયારે મને આ પડીકાં મળી આવેલાં ત્યારે બેકગ્રાઉન્ડમાં ફરી પેલું ગીત ચાલુ થઈ જાય,"આજકલ પાંવ ઝ઼મી પે નહીં પડતે મેરે..."

છાયાના અવાજ અને છટામાં એટલો પ્રભાવ કે ઉપસ્થિત સર્વે એમાં ઓળઘોળ થઈ જતાં ને એની રજૂઆત આગળ ચાલી.

દિવસો એક પછી એક વીતે અંતે પ્રસૂતિનો દિવસ આવી જાય. બહેનો, હું અહીં પ્રસવ પીડાની વાત કરી આનંદિત માહોલને નહીં બગાડું, પણ પહેલી વખત બાળકને જોયાની લાગણી વિશે થોડું કહીશ.

પતિને જયારે પહેલીવખત તેના બાળકને જોવાની પરવાનગી મળે ત્યારે તે લગભગ આભો જ બની જાય. અવર્ણનીય લાગણીઓનું ઘોડાપૂર લઈને એ બાળકને નીરખ્યા જ કરે! દુનિયાને ઘડીભર ભૂલીને એ નાના ફૂલમાં, એની ટમટમતી આંખોમાં જોઈને ભલભલો પથ્થર પણ પીગળી જાય! અશ્રુની નદીઓ નહીં સમંદર છલકાઈ જાય અને વડીલોની હાજરીની વચ્ચે ગળા નીચે બે -ત્રણ ડૂસકાં ગળાઈ જવાય. બહેનો, અહીં મારા અવલોકનોને અટકાવું છું.

બહેનો, તમે તો જીવનદાત્રીઓ છો. ખરેખર! માતૃત્વને વરદાનથી ઓછું ન સમજો. તમારું ખૂબ ધ્યાન રાખો અને ખૂબ ખુશ રહો. મને અહીં મારી લાગણીઓને વાચા આપવાનો અવસર આપ્યો તેના માટે હું કૃતજ્ઞ છું. મને શાંતિથી સાંભળવા માટે સૌનો આભાર. અસ્તુ."

એટલાંમાં ફોલ્ડિંગ ઘોડિયામાંથી રડવાનો અવાજ શરૂ થયો. છાયા સ્ટેજ પરથી ઉતરી તરત જ ઘોડિયા તરફ દોડી. માલિની જે છાયાની કામવાળી છે તેણે બાળકને ઉંચકીને છાયાને આપ્યું. ઘોડિયું, બીજો થોડો સામાન ને છાયાનું પર્સ લઈ રીક્ષા શોધવા માંડી.

આઠ મહિનાનું એક માનસિક વિકલાંગ બાળ એટલે છાયાનો પુત્રરત્ન યશ. પહેલી દીકરી રિયાના જન્મ પછી પાંચ વખત છાયા પ્રેગ્નન્ટ થઈ ને દરેક વખતે જાતિપરીક્ષણ કરાવી છાયાના સાસુ સુશીલાબેન ભૃણહત્યા માટે છાયાને મજબૂર કરતાં રહ્યાં. પાંચ પાંચ વખત પિતા બનવાના સમાચાર પછી છાયાના પતિ આશિષને પુત્રી ભૃણહત્યાના સમાચાર મળતાં. હવે છાયાની પ્રેગ્નન્સીના સમાચારથી એ ગભરાવા માંડયો હતો ને એની માનસિક સ્થિતિ થોડી બગડવા માંડેલી. ધંધાંમાં પણ મંદી આવી ગઈ હતી, પણ સુશીલાબેનનું 'દીકરો તો જોઇએ જ' નું રટણ ચાલું હતું.. આ બધામાં છાયા પીસાતી જતી. ચોવીસ કલાક સાસુના મ્હેણાં સહન કરતી ને આશિષની વધતી નારાજગીને કારણે તેને થાઈરોઈડ નામની બીમારી થઈ ગયેલી. આખરે, એ પુત્રની માતા બની. જન્મના ઘણાં સમય સુધી યશ ન રડયો ત્યારે તેને કાચની પેટીમાં રાખેલો. લગભગ બાર દિવસે ડોકટરે કહેલું કે, 'મગજમાં તકલીફ છે અને અવાજની દિશા તરફ નજર નહીં ફેરવી શકે એવી કોઇ અજુગતી બીમારી યશને છે'. આ વાત જાણી દીકરાનો જન્મ ઉત્સવ નહી પણ ઉત્સાહરહિત ઘટનામાં પરિણમ્યો.

છાયા આવા બાળકને સાથે રાખી એન.જી.ઓ.ના કાર્યક્રમમાં ભાગ લેતી. યશનુ રડવાનું ચાલું હતુ એટલે રિક્ષાવાળાને પણ દયા આવવા માંડી. તેણે રિક્ષા ઉભી રાખી યશને ચૂપ કરવા મદદ કરવા કહયું. છાયાએ હા પાડી. એવામાં માલિનીથી બોલાઈ ગયું, "છાયાબેન, તમારા સાસુ આટલો ત્રાસ આપે છે ને આશિષભાઈ તો તમારી સામે ય નથી જોતાં, તો શું કામ આટલી વેઠ કરી આવા ભાષણો આપવા આવો છો? હેરાન થાઓ છો! એના કરતાં યશને લઈને પડી રહો ને ઘેર. શરીરને કળ વળે એવું કંઈક કરો ને! તમારા ભાષણથી કોનું ભલું થવાનું?"

છાયા યશને પંપાળી રહી.

રિક્ષાવાળો પણ તાલી પાડી, અલગ અલગ વ્હીસલ વગાડી પ્રયત્ન કરી રહયો. યશને હાથ ફેરવતાં છાયા બોલી "માલિની, આ એન.જી.ઓ. વાળાઓનું કહેવું છે કે મારા વકતવ્યની પોઝિટિવ અસર આ બહેનો ઉપર થાય છે એવું એમનાં ધ્યાનમાં આવ્યું છે. મારા વકતવ્ય વિશે બહુ સારા અભિપ્રાયો આવ્યાં છે અને એટલે જ તેઓ મને સંબોધવા આમંત્રણ આપે છે. મારો સમય જો બીજી સગર્ભાઓ અને ધાત્રીઓને સારી ઊર્જા આપે તો મારી રોજિંદી વેઠ સાર્થક થઈ કહેવાય અને સાચું કહું તો આ ૨૫ મિનિટની મારી જે વાતો છે, જે લાગણીઓ છે એ મારી કલ્પનાઓ છે. આ ૨૫ મિનિટમાં હું મારો ૨૪ કલાકનો દિવસ જીવી લઉં છું. મારો બધો થાક, ફરિયાદ, અસંતોષ, વ્યાકુળતા બધું જ શમી જાય છે. આ ૨૫ મિનિટ કદાચ મને બીજા ૨૫ વર્ષ સુધી ચાલે એટલી ઊર્જા આપે છે. આશિષની નારાજગી તો દૂર થતી નથી અને અમારી વચ્ચે અંતર વધતું જાય છે, પણ અહીં દર્શાવાયેલ આશિષની છબી મારા આશિષ સાથેના લાગણીના તાંતણાને તૂટવા નથી દેતી. હું આશિષને ખૂબ ચાહું છું એને મારાથી દૂર નથી જોઈ શકતી અને સંજોગોને પણ બદલી નથી શકતી." આટલું બોલતાં એના ગળામાં ડૂમો બાઝી ગયો અને આંસુઓ દદડીને યશના ગાલ પર પડયાં. કોણ જાણે મા ના રુદનનો અવાજ યશ કળી ગયો અને એણે પહેલીવાર અવાજની દિશામાં નજર કરી. માના ગળામાં ભરાયેલ સાયલેન્ટ ડૂમો આજે યશ પામી ગયો. માની આંખો સામે જોઈ તેણે રડવાનું બંધ કરી દીધું. સમય સાચે થંભી ગયો.

રિક્ષાવાળો, માલિની અને છાયા ત્રણેય જણાં યશને તાકી રહ્યાં, યશના ચહેરા પર આઠ મહિને પહેલી મુસ્કાન આવેલી અને એણે મા નામનો ઉંહકાર પણ કર્યો. છાયાએ યશને છાતીસરસો ચાંપી દીધો. આ દ્રશ્ય જોઈ રિક્ષાવાળો અચંબિત થઈ ગયો ને માલિનીની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. તે કંઈ બોલી ન શકી પણ તેનો હાથ સલામી આપવા ઉંચો થઈ ગયો.

 

 

 

 

(૧૦)

શીર્ષક: મોટી મા

લેખિકા: કૌશિકા દેસાઈ

Email: kaushikadesai2007@gmail.com

રોહન આજે દસ વર્ષ પછી પોતાને ગામ જતો હતો. હૈયામાં એક આનંદની લાગણી હતી, પણ સાથે એક દુઃખ પણ હતું. દુઃખ એ હતું કે જે મોટી માથી નારાજ થઈ સોગંધ ખાધાં હતાં કે હવે ગામમાં પાછો નહીં આવે એ જ મોટી માના મૃત્યુના સમાચાર સાંભળી તે પાછો ગામ જ‌ઈ રહ્યો હતો. મુંબઈથી ટ્રેનની મુસાફરી કરી, ગામ જવા માટે બસ પકડી અને એને જગ્યા પણ મળી ગઈ. ટ્રેનમાં ઊંઘ પૂરી કરી હતી એટલે હવે, એનું મન વિચારોના વમળોમાં અટવાઈ ગયું હતું. તેને યાદ આવ્યો એ દિવસ જે દિવસે મોટી માના આકરા આદેશથી એને ઘર છોડીને ભણવાં માટે મુંબઈ જવું પડ્યું હતું. મોટી માએ તેને કહી દીધું હતું કે એ એક સારો ડોક્ટર બનીને જ ગામમાં પગ મૂકી શકશે, નહીં તો એને માટે ગામમાં કે હવેલીમાં કોઈ જગ્યા નથી.

રોહન ગામના ઠાકોર કુટુંબનો એક નો એક દીકરો હતો, ગામમાં તે કુટુંબનો દબદબો હતો, એક મોટી હવેલી જેમાં રોહન, એની મા અને મોટી મા રહેતાં હતાં, ચારે બાજુ જાહોજલાલી, નોકર ચાકર અને પૈસો જ પૈસો. રોહનના પિતા ગુજરી ગયા હતા, ત્યારે એ ખૂબ નાનો હતો. એવું કહી શકાય કે, એણે તો એમને ફોટામાં જ જોયા હતા.

રોહનની મા એટલે વહાલનો દરિયો. સ્વભાવે ખૂબ નરમ ને પ્રેમાળ પણ એટલી જ! માનું કંઈ ચાલતું નહીં, એ હંમેશા મોટી માનું કહેલું જ કરતી, બસ રોહનને પ્રેમ ખૂબ કરતી. મોટી માનો વિચાર આવતાં જ રોહનનું મન બગડી ગયું, એને મોટી મા જરા પણ ગમતાં નહીં, કારણકે તે હમેંશા એને એની ભૂલો માટે આકરી સજા કરતા અને એ સજા તેની મા પાસે અપાવતાં, પોતે તો કોઈ દિવસ પોતાના કક્ષમાંથી બહાર ન આવતાં, રોહને તો કોઈ દિવસ એમને જોયાં જ ન હતાં. એ સદાય એક બંધ અંધારા કક્ષમાં રહેતાં, કોઈ એમના વિશે કોઈ વાત પણ ન કરે, બસ! જ્યારે રોહન કોઈ ભૂલ કરે ત્યારે માને સજા કહે. મા બિચારી રડતાં રડતાં રોહનને સજા કરે. રોહનને યાદ આવ્યું કે એને મુંબઈ મોકલવાનો નિર્ણય પણ એમણે માની ઉપર થોપી દીધો હતો, મા તો બિચારી કેટલાય દિવસ જમી પણ ન હતી. રોહનની આંખમાંથી અનાયાસે આંસુ સરી ગયાં. એને જાણે એવું લાગ્યું કે મોટી માના જવાથી એની મા કેદમાંથી બહાર આવી. આમ વિચારોમાં જ હતો કે બસ ઉભી રહી અને કંડકટરે કહ્યું ," ભાઈ તમારું ગામ આવી ગયું."

રોહન ગામને પાદર આવ્યો, ગામ જોઈને એ રાજી રાજી થઈ ગયો, એ જ ગામનું પાદર અને એ જ નાનું તળાવ જેમાં નાના બાળકો રમતાં હતાં, એ પોતે પણ ખૂબ રમતો હતો તળાવમાં. એ જાણે દોડતો દોડતો હવેલીએ પહોંચી ગયો, રસ્તામાં કોઈ ખાસ પરિચિત મળ્યું નહિ. દસ વર્ષ ઘણો લાંબો સમય કહેવાય કોણ ઓળખે એને!

હવેલી આવીને દરવાજેથી જોયું, મા આંગણામાં બેઠી હતી. મા તેને જોતાં જ દોડી એને ભેટી પડી અને ખૂબ રડી. રોહનને તો જાણે એનાથી અળગા થવાનું મન જ ના થયું. પછી મા એને ઘરમાં લઈ ગઈ, ઘરમાં જતાં એણે મોટી માનો  ફોટો દીવાલ પર શોધ્યો પણ મળ્યો નહીં, એને ખૂબ નવાઈ લાગી! માને પૂછ્યું તો માએ કહ્યું કે મોટી મા ના પાડીને ગયાં છે. રોહન નિરાશ થઈ ગયો એને મોટી માને જોવા હતાં, એણે એમનો અવાજ પણ કોઈ દિવસ સાંભળ્યો ન હતો અને એમની જોડે સંબંધ શું હતો એ પણ એને ક્યાં ખબર હતી! એને થયું માને પૂછું, પણ પછી થયું રહેવાં દઉં મા પણ માંડ એમના ત્રાસને ભૂલી હશે!

 

મા રાત્રે જમ્યા પછી એક કાગળ આપી ગઈ જે મોટી મા રોહન માટે મૂકી ગયાં હતાં. એમાં લખ્યું હતું, "રોહન મને ખબર છે તું મારાથી ખૂબ નારાજ છે અને તને મારા પ્રત્યે ઘૃણા છે, પણ મારી પાસે કોઈ ઉપાય ન હતો, તું ઠાકોર કુટુંબનું લોહી છે. તારામાં તારા બાપદાદાના ગુણ હશે જ. એ લોકોએ ગામના લોકોનું લોહી પીને આટલી સંપત્તિ ભેગી કરી હતી. તું એ માર્ગે ના જાય માટે મારે તને આમ ડરાવીને રાખવો પડ્યો હતો. તું આજે એક ખૂબ જ હોંશિયાર સર્જન બની ગયો છે એ જાણી ખૂબ આનંદ થયો. હવે મારી એક છેલ્લી ઈચ્છા છે કે મારો આકરો આદેશ સમજીને તારે અહીં ગામમાં રહીને ગામમાં એક મોટી હોસ્પિટલ બનાવવાની છે. ગામમાં સારી શાળા અને કોલેજ પણ બનાવવાની છે. પૈસા ખૂબ છે આપણી પાસે એટલે એની ચિંતા ના કરતો, પણ જો તું ગામમાં નહિ રહે તો આ હવેલી અને બધાં પૈસા ટ્રસ્ટને આપી દેવામાં આવશે, એના ઉપર તારો કોઈ હક નહિ રહે. તારા મોટી માના આશિષ."

રોહનને ખૂબ ગુસ્સો આવ્યો. એને થયું, મોટી મા મરતાં મરતાં પણ મને સજા આપતાં ગયાં, પણ આ સજા હું નહી સ્વીકારું મારે એમના પૈસા કે હવેલીની જરૂર નથી. કાલે સવારે જ માને કહી દઈશ કે આ બધું ટ્રસ્ટને સોંપી આપણે મુંબઈ જતાં રહીએ.'

રાત્રે રોહન આખા દિવસના થાકને લીધે જલ્દી સૂઈ ગયો. રાતના બે વાગે હવેલીનો દરવાજો કોઈએ જોર જોરથી ખખડાવ્યો. રોહન અને મા બંને દરવાજે આવ્યાં, જોયું તો એ પટેલ કાકા હતા, રોહનને યાદ આવ્યું કે એ પટેલ કાકા હતા જેમના ખેતરને રોહને નાનો હતો ત્યારે નુકશાન કર્યું હતું. જેના પરિણામે મોટી માએ બે દિવસ ખાવાનું નહીં આપવાની સજા આપી હતી. રોહને આટલી મોડી રાત્રે આવવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે પટેલ કાકાના દીકરાને પેટમાં અચાનક દુખાવો થયો હતો. બાજુના ગામમાં હોસ્પિટલ હતી ત્યાં લઈ ગયા, પણ ત્યાં કોઈ ઓપરેશન કરી શકે એવા ડૉક્ટર નહોતા એટલે તે રોહનને લઈ જવાં આવ્યા હતા. રોહન કંઈ પણ વિચાર્યા વગર ત્યાં દોડી ગયો અને જોઈતી પ્રક્રિયા કરી ઓપરેશન કર્યું. પટેલ કાકાનો દીકરો બચી ગયો. રોહન ઘરે આવ્યો ત્યારે એને સમજાઈ ગયું હતું કે એની જરૂર આ ગામમાં છે, મુંબઈમાં એના જેવાં ડૉક્ટર ગલીએ ગલીએ મળી જશે, પણ ગામને ઉગારવાનું કામ એણે કરવાનું છે. એને મોટી માની અંતિમ ઈચ્છા સ્વીકારી લીધી.

તેણે ખૂબ મેહનત કરી અને ગામનો નકશો બદલી નાખ્યો. ગામમાં શહેર જેવી સુવિધાઓ તૈયાર કરી દીધી અને ગામના લોકોના પૈસા એમની સેવામાં વાપર્યા, લોકો એને પૂજતા હતા. વખત એમજ વીતવા લાગ્યો.

એક રાત્રે માને થોડી બેચેની થઈ એટલે એણે રોહનને બોલાવ્યો. માએ રોહનને કીધું, "રોહન મારે તારી માફી માંગવી છે, મેં તને બહુ દુઃખી કર્યો છે, મારે તને ખૂબ ભણાવી એક સારો માણસ બનાવવો હતો, પણ હું તારી મા તરીકે દિલથી નબળી હતી એટલે મારે મોટી માની જરૂર પડી. આજે તું જે પણ છે એ મોટી માના પાત્રને લીધે જ છે. મને આશા છે કે તું મને સમજીશ. મારી લાગણીઓને સમજીશ અને મને માફ કરી દઈશ. તારે મોટી માનો ફોટો જોવો હતો ને? એ મેં મઢાવીને સંદુકમાં રાખ્યો છે. જા, જોઈ લે..! ને પછી ઈચ્છા થાય તો દીવાલ પર હાર ચઢાવી લગાવી દેજે અને મન ના માને તો સંદુકમાં પાછો મૂકી દેજે."

રોહનને કંઈ સમજણ પડી નહીં, પણ એ ઉભો થ‌ઈ એક જૂની મોટી સંદુક પાસે ગયો. એને ખોલીને જોયું તો એક ફોટો કપડામાં લપેટેલો હતો. એણે હળવેકથી તે કાઢ્યો. ફોટો જોતાં જ એના હૃદયનાં ધબકારા એટલા જોરથી ધબકવાં લાગ્યાં કે એનો અવાજ તે પોતે સાંભળી શકતો હતો. એનો શ્વાસ જાણે રુંધાતો હોય એવું લાગ્યું એનાથી ચીસ પડાઈ ગઈ, " મા!!!!!!!"

એ મા પાસે આવ્યો ત્યારે મા એને છોડી ને જતી રહી હતી. એ બધું સમજી ગયો અને મોટી મા માટે આટલી ઘૃણા કરવા માટે એને ખૂબ દુઃખ થયું એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

 

 

(૧૧)

શીર્ષક: પહેલ...એક અનોખી શરૂઆત

લેખન: વૃંદા પંડ્યા

Email: vrunda.pandya84@gmail.com

આજે સવારથી પહેલ ઘણી અવઢવમાં હતી. એની સાથે શું થઈ રહ્યું હતું એની એને સમજ પડતી ન હતી.

"અરે સાવિત્રી... સાંભળ તો"

"શું છે દીદી?" સાવિત્રીએ પ્રતિસાદ

આપ્યો.

"જોને આજ સવારથી કંઈ કેટલા ફોન આવે છે, કંઈ સમજ પડતી નથી!"

"કઈ વાતનો ફોન દીદી?"

સાવિત્રી પહેલના ઘરમાં કામ કરતી કરતી હતી પણ એ ઘરના સભ્ય જેવી હતી.

"આપણી હોટલને લઈને કાલના એટલાં બધાં શુભેચ્છા આપતા ફોન આવે છે કે સમજ નથી પડતી શું કરવું?" પહેલ થોડી ગૂંચવાયેલી હોય એમ બોલી.

"એમાં સમજ શું નથી પડતી! તમે કામ જ એવું કર્યું છે તો વખાણ તો થશે જ ને!" સાવિત્રી ખુશખુશાલ થઈ બોલી ઉઠી.

 "સારું સારું, બહુ ખુશ ના થઈશ! મોડું થઈ ગયું છે. તું કામ પતાવ ને હું તૈયાર થઈને આવું, આપણે સાથે જઈએ."બંને જણ સાથે એક્ટિવા પર હોટલ જવા નીકળ્યાં.

અરરર..! આ શું? આટલી બધી ભીડ? આ મીડિયાવાળા અહીં શું કરે છે? આ ચાલી શું રહ્યું છે?

પહેલ ઝડપી પણ મક્કમ પગલે આગળ વધી. મીડિયાના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપતી આગળ વધી. અંદર પ્રવેશતાંની સાથે જ એના સ્ટાફે પણ એનું ભવ્ય સ્વાગત કર્યું.

 "અરે, શિલા, શ્રધ્ધા, મીના, રાધિકા આ બધું શું છે?"

"આ બધું તમારી મહેનતનું પરિણામ છે. તમે જે કર્યું છે એની સામે આ તો કંઈ જ નથી." શ્રધ્ધા ગળે વળગી બોલી ઊઠી.

"આપણે ત્યાં આવેલ એક ગ્રાહકે આપણી હોટલનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો ને એ રાતોરાત વાયરલ થયો. તમે તો ફેમસ થઈ ગયા દીદી." સૌની ખુશીનો પાર નહતો.

 "ચાલ, હવે વાતો તો ચાલતી રહેશે. બધાં સાથે મળીને આ કેક પર હુમલો કરીએ. આજે આપણે જે છીએ એમાં આપણાં બધાંની સરખી ભાગીદારી છે."હરખની પળોની ઉજવણી થઈ રહી હતી ત્યાં પહેલનો ફોન રણક્યો.

"હેલો! કોણ?" નંબર જાણીતો નહતો એટલે પહેલે પૂછ્યું. "હેલો મેમ, હું રેડિયો સ્ટેશનથી ધ્રુવ વાત કરૂં છું. અમને હોટેલ અને આપના વિશે તાજેતરમાં ઘણું સાંભળવા મળ્યું છે તો આપને મળવાની અને આપના આ પ્રેરણાદાયી કાર્યને લોકો સુધી પહોંચાડવાની તીવ્ર ઈચ્છા છે. તો શું આપ સાંજે છ વાગ્યે રેડિયો સ્ટેશન આવી શકશો? હું એડ્રેસ તમને ટેક્સ્ટ કરી આપું છું. પ્લીઝ મેમ! ના ન પાડશો." ધ્રુવે એકદમ આજીજી ભર્યા અવાજે કહ્યું.

ફોન સ્પીકર હતો એટલે બધાં જ આ વાત સાંભળી રહ્યાં હતાં. પહેલે આંખોના ઈશારાથી બધાંની સંમતિ લઈ લીધી. બધાંએ એકજ અવાજમાં હામી ભરી એટલે પહેલે ધ્રુવને પણ આવવાની 'હા' પાડી..

 

આખો દિવસ ઉત્સવની જેમ ઉમંગ ઉત્સાહપૂર્વક વીત્યો ને સૂર્ય પણ જાણે પોતાનો કાર્યભાર સમેટતો હોય તેમ પશ્ચિમ તરફ પ્રયાણ કરવાની તૈયારી કરી.આ બાજુ પહેલ પોતાની વાત દુનિયા સુધી પહોંચાડવા મનને મક્કમ બનાવી રહી હતી.

પહેલ રેડિયો સ્ટેશન પહોંચી ત્યાં એનું ખૂબ સરસ સ્વાગત થયું. કાર્યક્રમની શરૂઆત ધ્રુવે પોતાના અનોખા અંદાજમાં કરી. દરેક પ્રશ્નોના જવાબ પહેલ ખૂબ જ આત્મવિશ્વાસથી આપતી હતી.

પણ ધ્રુવે જ્યારે પૂછ્યું "મેમ કોની પ્રેરણાથી તમે આટલો સુંદર નિર્ણય લઈ શક્યાં?" આ પ્રશ્નનો જવાબ આપતી વખતે તેની આંખો ભીની થઈ. ખૂણે કંઈ કેટલીય વેદનાની ચાડી ખાતી ખારાશ નીતરવા લાગી. સ્વયં પર કાબૂ મેળવી એણે ગળું ખંખેરી વાત આગળ વધારી.

"ભાઈ! જિંદગીના દરેક નિર્ણય કોઈની પ્રેરણાથી નથી લેવાતાં." કોઈક નિર્ણય ખરાબ અનુભવનું પરિણામ પણ હોઈ શકે"

"મેમ આપના મનની વાત જો વિસ્તારથી જણાવશો તો ઘણો આનંદ થશે" ધ્રુવે વાત જાણવાનો પ્રયત્ન કર્યો. સ્વસ્થતા જાળવી પહેલ બોલી,"કેમ! નહીં આજે કહેવા બેઠી છું તો બધું જ કહીશ. હું મારા માતાપિતાનું એકમાત્ર સંતાન હતી. પિતાએ મને બધી જ છૂટ આપી હતી, પણ મમ્મીએ સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કર્યું હતું.

"મમ્મી કહેતી બેટા, સ્વતંત્રતા ને સ્વચ્છંદતા વચ્ચે એક બારીક રેખા જેટલો ફરક છે અને બેટા એ તારે સમજવો પડશે" મારા મમ્મીપપ્પાએ મારા અભ્યાસ બાદ મને કારકિર્દીમાં પણ આગળ વધવા દીધી.સમય પાણીના પ્રવાહની જેમ વહેતો ગયો.

એક દિવસ પપ્પાએ પૂછ્યું, "બેટા, લગ્ન વિશે તારો શું વિચાર છે? તારા ધ્યાનમાં કોઈ છોકરો છે? જો હોય તો કહે, બાકી અમે એક છોકરો જોયો છે. તારી જો ઈચ્છા હોય તો આ રવિવારે એને બોલાવીએ. તમે બંને મળો, વાતચીત કરો ને એકબીજાને સમજો ઓળખો પછી આગળ વાત વધારીએ." મેં હા પાડી એટલે મુલાકાત ગોઠવાઈ. દેખાવમાં નમણો ને સ્વભાવે થોડાં  ઓછા બોલા આરવ નામના યુવક સાથે મારા લગ્ન લેવાયાં.

 

લગ્ન પછીનો થોડો સમય હસી ખુશીથી પસાર થઈ ગયો. જીવનમાં સૌથી પહેલો ઝટકો ત્યારે લાગ્યો જયારે એણે મારી જોબ છોડાવી દીધી. શરૂઆતમાં જેને હું મારી કાળજી સમજતી હતી એ ક્યારે મારા માટે ઘૂટન બની ગઈ એની મને પણ જાણ ના થઈ. એનો શંકાશીલ સ્વભાવ, નાની નાની વાતને ઉગ્ર સ્વરૂપ આપવાની વૃતિ મને અંદરથી દુઃખી કરવા લાગી. મને એ ક્યાંય ખાસ બહાર જવા દેતો જ નહીં અને સંજોગોવશાત જવું પણ પડે તો એ પળેપળનો હિસાબ માંગતો. મારા મમ્મી પપ્પા એક જ શહેરમાં રહેતાં હોવાં છતાં પણ ભાગ્યેજ એમને મળવા જવાતું અને જયારે જઈએ ત્યારે એ પણ સાથે જ આવે ને સાથે જ પાછો ખેંચી લાવતો એટલે ખાસ વાત પણ થાય નહી. આમને આમ અમારી વચ્ચે ઝઘડાં વધવા લાગ્યાં.

મમ્મીને કહેવાની કોશિશ પણ કરી પણ એ "બેટા આ તો સંસાર છે. ચાલ્યા કરે, બધું બરાબર થઈ જશે." એમ કહી વાત ટાળી દેતી. આરવની વારંવાર ટોકટોક કરવાની આદતને કારણે હું મારી અંદરનો આત્મવિશ્વાસ ખોવા લાગી. મારી અંદર દરરોજ કંઈ તૂટતું ને ખૂટતું હોય એમ લાગતું હોવા છતાં મેં લગ્ન જીવન બચાવવાના ઘણાં પ્રયત્નો કર્યા. કયારેક શાંત રહીને તો કયારેક એની વાત ખોટી હોવા છતાં આંધળાની જેમ માનીને તો, કયારેક હવસ વૃત્તિને પણ સહર્ષ સ્વીકારીને.

હું આરવ માટે ખાલી ઉપભોગનું સાધન હતી. સતત નિરાશા વચ્ચે ઘેરાયેલી હું હવે શૂન્યમનસ્ક રહેવા લાગી, પણ એક દિવસ ઘોર નિરાશા વચ્ચે આશાનું એક કિરણ મારી કૂખમાં પાંગરવા લાગ્યું. મને લાગ્યું, એ જાણ્યા પછી તો એના સ્વભાવમાં પરિવર્તન આવશે જ, પણ મારી આશાઓ પણ પાણી ફરી વળ્યું. એના સ્વભાવમાં કોઈ જ પરિવર્તન ના આવ્યું. ઉલટાનું એ વધારે ચીડાયેલો રહેવા લાગ્યો.

અતિશય ચિંતા, માનસિક તાણને કારણે મારા કૂખની એ કળી ખીલતાં પહેલા કૂખમાં જ મુરઝાઈ ગઈ. આ બનાવે મને અંદરથી ઝંઝોડી નાખી. મેં નિશ્ચય કરી લીધો કે, આ વ્યક્તિ સાથે જીવન હવે તો ના જ જીવાય અને એક દિવસ હું મોકો શોધી એના નામે ચિઠ્ઠી છોડી ચાલી નીકળી. મે મમ્મી-પપ્પાને પણ જાણ કરતો પત્ર લખ્યો કે,"તમે આપેલ સંસ્કારને કારણે મે આ લગ્નજીવન બચાવવા ઘણું બધું સહન કર્યું, પણ વાત હવે મારા આત્મસન્માનની છે તો હવે હું સહન નહીં કરી શકું. મને માફ કરશો. મારો રસ્તો હું મારી જાતે જ શોધીશ. બધું બરાબર ગોઠવાઈ જશે એટલે મળવા જરૂર આવીશ, પણ આપના માથે બોજ બનવા નહીં આવું અને વિશ્વાસ રાખજો, આજે પણ તમારી દીકરી તમારું મસ્તક નમે એવું કોઈપણ કામ નહીં કરે!"

મે ઘર, સોરી ઘર નહીં એક પીંજરું છોડી આઝાદી તરફ ડગ માંડ્યાં, પણ પ્રશ્ન એ હતો કે હવે કરવું શું? ને યાદ આવ્યો મારો મિત્ર પ્રશાંત. એને ફોન કરી મે મારી આપવીતી જણાવી એણે ઘણું દુઃખ વ્યક્ત કર્યુ ને સાથેસાથે મારી રહેવાની ને નોકરીની પણ વ્યવસ્થા કરી દીધી. "મેમ પણ આ હોટલ 'અસ્તિત્વ' કઈ રીતે અસ્તિત્વમાં આવી? એ જાણવા અમે ઘણાં આતુર છીએ. રેડિયો સાંભળનાર અને આ શહેરનો પ્રત્યેક વ્યક્તિ જાણવા માંગે છે" ધ્રુવે પોતાના રેડિયો જોકી અંદાજમાં પ્રશ્ર્ન પૂછ્યો.

પહેલ સહેજ અટકી ખોખાંરો ખાઈ ગળું સાફ કરતા બોલી, "હું જ્યાં નોકરી કરતી હતી એ હોટલના માલકણ શ્રીમતી આનંદીબહેન હતાં એ વિધવા હતાં ને હું પતિપીડિત. ખૂબ ટૂંકાગાળામાં અમે એકબીજાના હમદર્દ બની ગયા ને જાણે કોઈ ઋણાનુબંધથી અમે એકબીજા પ્રત્યે મા દીકરી જેટલું હેત રાખવા લાગ્યાં. દિવસો ખુશીથી પસાર થવા લાગ્યાં, પણ એમના મનમાં એક વાત હંમેશા ખટક્યા કરે. અંદરથી એક જ અવાજ આવે. તારી જેવી કેટલી પહેલ આ શહેરમાં હશે! કંઈક તો કરવું જોઈએ એમના માટે, પણ શું એ સમજાતું નહોતું.

એવામાં એક દિવસ આનંદીબહેન બોલ્યાં,"તારા અંકલની એક ઈચ્છા હતી કે આ હોટેલની બીજી એક શાખા પણ હોય, પણ હું એકલી તે કઈ રીતે કરી શકું?" મેં એમની વાતને વધાવી લેતાં કહ્યું કે, "હોટેલ આપણે શરૂ કરીએ હું તમને મદદ કરીશ એ હોટેલ ચલાવવાની જવાબદારી મારી ..પણ!!"

"પણ શું બેટા? મનમાં જે હોય એ સંકોચ વગર બોલ દીકરા"

"આનંદી આંટી મારી એક ઈચ્છા છે કે એ હોટેલમાં જેટલો પણ કર્મચારી વર્ગ હશે એ સ્ત્રીઓ જ હશે ને તે પણ પોતાના અસ્તિવ માટે ઝઝૂમતી, કંઈક મારા જેવી સ્ત્રીઓ." આંટીએ મારી વાત ખુશીથી વધાવી લીધી ને પછી અસ્તિત્વમાં આવી આ અમારી હોટલ 'અસ્તિત્વ' કે જેમાં વેઈટરથી લઈને હિસાબનીશ સુધી બધાં જ  મહિલા કર્મચારીઓ છે. અરે! એટલું જ નહીં આ હોટલની રખેવાળ પણ મહિલાઓ જ છે, ને ખાલી મહિલા જ નહીં, પણ કંઈક ને કંઈક રીતે પોતાના અસ્તિત્વની શોધમાં નીકળેલી મહિલાઓ છે.

'અસ્તિત્વ' પહેલની નથી, પણ અમે બધી જ પહેલે ભેગાં થઈને આ 'અસ્તિત્વ'ને બનાવી છે..

આ સંવાદ સાંભળી રહેલું આખું રેડિયો સ્ટેશન તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું ને ઘરે બેસી દીકરીનો વાર્તાલાપ સાંભળી રહેલા પહેલના મમ્મી આંખોના ખૂણા લૂછતાં સ્વગત બોલ્યાં 'મારી દીકરી ખરેખર સ્વતંત્ર છે, પણ સ્વચ્છંદી નથી.'

 

 

 

 

 

(૧૨)

શીર્ષક : કરૂણા    

લેખન : રસિક દવે

 

"એ બ્લેક બ્યૂટી, મારી ડ્રોઈંગબૂકને હાથ ના લગાડીશ હો! નહીં તો જોવા જેવી થશે."

"એમ! તો તું પણ સાંભળી લે, બાફેલ છોલેલ બટેટા! મને બીજીવાર આમ બોલાવી છે ને તો તારી પણ ખેર નથી."

"એ..એ..એ..કાગડી! એક તો કાળી મેશ છો ને પાછી હંસલી થાવાની વાત રહેવા દે હોં!"

"એમ તો બગલા ને ગધેડા પણ ઉજળાં હોય એથી કંઈ ગુણવાન ના થઈ જાય!"

આજે પણ આ જોડિયા બહેનોની રોજીંદી રામાયણ સરયુબેન સાંભળી રહ્યાં હતાં. કામિની અને કોકિલા બંને બહેનો વચ્ચે જન્મસમયમાં માત્ર દસ જ મિનિટનો તફાવત હતો. કામિની નામ મુજબ ઊંચી, નાક-નકશીએ સપ્રમાણ અને ગોરવર્ણી હતી. તેનું રૂપ સુંદર હોઈ, થોડી ઘમંડી હતી.

જયારે કોકિલા થોડી ભીનેવાન, થોડી નીચી છતાં નમણી, શાંત ને વિનયી હતી. પરંતુ, કામિની સદાય મોટી હોવાનો રોફ જમાવતી.

અભ્યાસમાં કોકિલા હંમેશા સારૂં પરિણામ લાવતી. જ્યારે કામિની હંમેશાં પાછળ રહી જતી. આથી એક છૂપો ઈર્ષાભાવ તેના મનમાં ઘૂંટાતો રહેતો.

શિક્ષણેત્તર પ્રવૃત્તિમાં પણ કોકિલા પ્રથમ રહેતી અને ઈનામ તેમજ શિલ્ડ લાવતી. મા-બાપને મન તો બંને સમાન હતી, પરંતુ કામિનીના મનમાં ધીમેધીમે નકારાત્મકતા બળવત્તર બનતી જતી હતી.

પરિણામ સ્વરૂપ એકવાર ચિત્રકામની સ્પર્ધા સમયે કોકિલાના સુંદર ચિત્રને પીંછીનાં લસરકે બગાડી નાખેલું. આમ, બંને બહેનો વચ્ચે એક અદૃશ્ય મનભેદની દીવાલ ચણાઈ હતી. જોકે કોકિલા નાની હોવા છતાં સમજુ હોઈ જતું કરતી. બંનેનું મિત્રવર્તુળ પણ રૂચિ મુજબ ભિન્ન હતું.

આજે પણ ચિત્રસ્પર્ધા હતી ને  "માનવીય ગુણોનું ચિત્રાત્મક નિરૂપણ" આ વિષય આપવામાં આવેલો. બંને બહેનોએ ભાગ લીધો હતો. કોકિલાએ જે ચિત્ર દોર્યું તેના પ્રતિબિંબ જેવું ચિત્ર કામિનીએ પણ દોર્યું. ચિત્ર પૂરૂં કરી કોકિલા પાણી પીવા ને ફ્રેશ થવા બહાર ગઈ. આ તકનો લાભ લઈ કામિનીએ તેના ચિત્રમાં ધ્યાનસ્થ વ્યક્તિની આંખમાંથી અશ્રુબિંદુ બહાર આવતું હોય તેવો એક લસરકો પીંછીથી કરી નાખ્યો. કોકિલાએ આવીને એ જોયું તે સમજી ગઈ પરંતુ, કાંઈ બન્યું ના હોય તેમ ચિત્ર જમા કરાવી આપ્યું.

બીજા દિવસે સ્પર્ધાનું પરિણામ જાહેર થયું ને કોકિલા પ્રથમ વિજેતા અને કામિની દ્વિતિય વિજેતા જાહેર થઈ. નિર્ણાયકોએ કોકિલા અને કામિનીના ચિત્ર વિશે વાત કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, બંને બહેનોએ એક જ થીમ પર ચિત્ર દોરેલાં અમે પણ વિચારમાં પડી ગયા કે પ્રથમ નંબર કોને આપવો? પરંતુ, બારીકાઈથી જોતાં કોકિલાના ચિત્રમાં આંખથી સરતાં અશ્રુએ ચિત્રને ચડિયાતું સાબિત કરી આપ્યું." બંનેએ ધ્યાનસ્થ વ્યક્તિ ને ઉગતો સૂર્ય દોર્યા હતાં પરંતુ, કોકિલાના ચિત્રમાં દૂરથી ઉડતાં આવતાં શ્વેત પક્ષીઓ જે તેના શીરમાં સમાતાં દર્શાવ્યાં હતાં. જે વેદમાં દર્શાવ્યા મુજબ: "અમને સર્વ દિશામાંથી સારા વિચારો પ્રાપ્ત થાઓનો નિર્દેશ કરે છે".

જ્યારે, કામિનીએ તેનાથી ઊલટું ધ્યાનસ્થ વ્યક્તિ, સવારનો સમય અને શીરમાંથી નીકળી દૂર જતાં કાળા પક્ષીઓ દ્વારા "મનમાંથી દુર્ગુણોને બહાર કાઢી નાખવાનો નિર્દેશ કરે છે."

 

બંને ચિત્રમાં ધ્યાનસ્થ વ્યક્તિ ઈશ્વર સમર્પણ અને પ્રાર્થનાનું પ્રતિક છે. ઉગતો  સૂર્ય અને પ્રકાશ, આત્મા અને આત્મિક ચેતના દર્શાવે છે. આમ, અમે અવઢવમાં હતા કે કયા ચિત્રને પ્રથમ નંબર આપવો? પરંતુ, કોકિલાના ચિત્રનું અશ્રુબિંદુ માનવીય કરૂણાને નિર્દેશતું હોઈ ચઢિયાતું સાબિત થયું, ને અમે તેને પ્રથમ વિજેતા જાહેર કરી. બંને બહેનોને આ સિદ્ધિ બદલ અમે બિરદાવીએ છીએ. કોકિલાએ વિનંતિ કરી કે, "સાહેબ, મારે મારા ચિત્ર અંગે બે શબ્દ કહેવા છે."

આ સાંભળી કામિની નીચું જોઈ ગઈ. તેને થયું કે કોકિલા મારી પોલ છતી ના કરે તો સારૂં. કોકિલાએ સૌ ગુરૂજનોને વંદન કરી કહ્યું, "નિર્ણાયક ગુરૂજનો, ખરેખર આ પ્રથમ ઈનામની હક્કદાર મારી મોટીબેન કામિની છે. એણે અમારા ચિત્રની સમાન થીમ જોઈ, હું જ્યારે ફ્રેશ થવા બહાર ગઈ, ત્યારે મને આ યશ અપાવવા મને ખબરના પડે તેમ આ અશ્રુબિંદુ ટપકતું મારા ચિત્રમાં દોરી નાખ્યું હતું. આથી એ નિર્ણાયક બન્યું. ખરેખર તો તે પોતાના ચિત્રમાં એ દોરી શકતી હતી. આથી આ ઈનામ હું તેને આપના વરદહસ્તે અપાય એવું ઈચ્છું છું."આ સાથે જ કરતલ ધ્વનિનાદથી બંને બહેનો વચ્ચેના પ્રેમભાવને વધાવવામાં આવ્યો. કામિનીએ  કોકિલાને ભેટતા કહ્યું, "કોકિ તેં હારીને પણ મને જીતી લીધી."

 

 

(૧૩)

શીર્ષક : પ્રહર્ષિતા

લેખન : અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

 

સંપૂર્ણ આર્મી પરિવેશમાં સજ્જ એવો યુવાન પોતાના સાથીદારની રાહ જોતો રેલવે પ્લેટફોર્મ પર બેઠો હતો. પહેલી જ નજરે ગમી જાય એવો રૂપકડો યુવાન દેશની સેવા કરવા આર્મીમાં જોડાયો હતો. યુવાન ટ્રેન આવવાની દિશા તરફ થોડી થોડી વારે નજર નાંખી રહ્યો હતો.  અચાનક તેને લાગ્યું કે કોઈક તેને ધારીને જોઈ રહ્યું છે. તેણે આખા પ્લેટફોર્મ પર નજર ફેરવી. પોતાની તરફના પ્લેટફોર્મ પર કેટલાક છુટાછવાયા મુસાફરો દેખાતા હતાં. જેમાં કોઈક છાપું વાંચી રહ્યું હતું, તો કોઈક વળી ફોનમાં લાગેલું હતું, પણ તેમાંથી કોઈ જાણીતું અથવા તેને જોઈ રહ્યું હોય તેવું દેખાયું નહીં, અને એમ પણ...અહીં જમ્મુમાં એને કોણ ઓળખે..? એવું પોતાના મનને  તે સમજાવી રહ્યો હતો.

પણ...

ફરી તેને એવું અનુભવાયુ કે સાચે જ કોઈ તેને ધારીને જોઇ રહયું છે. હવે તેણે સામેના પ્લેટફોર્મ પર નજર દોડાવી. સામેના પ્લેટફોર્મ પર પ્રમાણમાં ભીડ થોડીક વધારે હતી. ત્યાં કેટલાક છુટાછવાયા મુસાફરો હતા. વળી એક-બે પરિવારો પણ બેઠા હતા. બે ત્રણ કુલી પણ ધુમ્રપાન મનાઈના કાયદાને અવગણતાં બીડી ફૂંકતા બેઠા હતા. આમાંથી કોઈનું ધ્યાન પોતાની તરફ નહોતું, એવું જાણીને યુવાને તેનો દ્રષ્ટિ વિસ્તાર વધાર્યો.

તેની નજર પ્લેટફોર્મની અંદર દાખલ થવાના ગેટ પાસેની બેન્ચ પર બેઠેલી યુવતી પર પડી. યુવાન એ યુવતી વિશે હજુ કંઇક વિચારે તે પહેલાં કોઈ અન્ય દિશા તરફ જોઈ રહેલી યુવતી ઉભી થઈ. હાથમાં એક હેન્ડબેગ તેમ જ બીજી ટ્રાવેલ બેગ લઈને આવી રહેલા એક વૃદ્ધ મહિલાની પાસે જઈને યુવતીએ તેમની બેગ પકડી તેમજ તેમનો હાથ પકડીને આરામથી તેમને બેન્ચ પર બેસાડ્યા. યુવાને આખી ઘટના નિહાળી. તેણે જોયું કે બાદમાં પેલી યુવતીએ મહિલાને પાણી આપ્યું. આટલે દૂરથી પણ યુવાનને એટલો ખ્યાલ આવ્યો કે વૃદ્ધ મહિલાએ યુવતીનો આભાર માન્યો. વળી, તેના માથે હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા. હવે યુવતી આરામથી બધે નજર ઘુમાવતી બેઠી. યુવકે હવે ધ્યાન રાખવા માંડ્યું, 'શું હમણાં થોડીકવાર પહેલા આ યુવતી પોતાને જોઈ રહી હતી..?' એક અજાણી વૃદ્ધ મહિલાની મદદ કરનાર આ ખુબસુરત યુવતી માટે યુવકના દિલમાં નમ્ર ભાવનાએ જન્મ લીધો. થોડીક વારની નજરોની લુક્કાછુપીથી યુવાનને પોતાના સવાલનો જવાબ મળી ગયો. આ જ યુવતીની નજર તેને નોંધી રહી હતી. હા, યુવતી થોડી થોડી વારે યુવાનને જોઈ રહી હતી. શરૂમાં યુવાન થોડો શરમાયો. પછીથી  યુવાન પણ યુવતીને જોવા લાગ્યો. બંનેની નજર મળે એટલે તે ધીમેથી નજર ફેરવી લેતો. આમ બંનેની આંખો વારંવાર મળતી રહી. છેવટે યુવતીએ સુંદર સ્મિત આપ્યું. યુવાનનું દિલ ધડકવાં લાગ્યું. યુવતી બેહદ ખૂબસુરત હતી. તેના એક જ સ્મિતમાં યુવાન જાણે દિલ હારી ગયો. જાણે પહેલી નજરનો પ્રેમ જ થઈ ગયો. યુવાનને યાદ આવ્યું. માએ કહેલું કે આ વખતે રજાઓમાં તે ઘેર જશે ત્યારે મા તેને પરણાવી દેશે. યુવાનને થયું કે માને અત્યારે જ ફોનમાં કહી દઉં કે, 'મા.. મેં તારા માટે વહુ  શોધી લીધી છે...!' પણ, તેણે પોતાના મનને ટપાર્યું. માત્ર બે પાંચ મિનિટની નયન ચેષ્ટાને આધારે પોતે કેવા સપના જોવા લાગ્યો હતો, પણ...એક નવાઈ થઈ.

તેણે જોયું કે પેલી યુવતી ઇશારાથી તેને બોલાવી રહી હતી. પળભર માટે તો તે ચમક્યો, તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો, પછી તેણે ફરી નોંધ્યું કે.. હા..યુવતી ઇશારાથી પોતાને જ બોલાવી રહી હતી. ખૂબ ઝડપથી દોડતો, પ્લેટફોર્મની સિડીના બબ્બે પગથિયાં કુદાવતો યુવાન સામેના પ્લેટફોર્મ પર પહોંચ્યો. આ રીતે એકશ્વાસે દોડતો જ તે યુવાન યુવતી સામે જઈને ઉભો થઇ ગયો. તેની આવી બેચેની ભરી ઝડપ જોઈ યુવતીએ તોફાની સ્મિત આપ્યું. તેના ગાલે ખંજન પડ્યા. યુવાન પોતાની ઝડપી નાદાનીથી શરમાયો, પછી તે પણ હસી પડ્યો. બંનેએ એકબીજાની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ વાંચી લીધો. યુવતીએ એની હેન્ડબેગમાંથી એક ફ્રેંડશીપબેલ્ટ કાઢીને યુવાનના હાથમાં બાંધ્યો.

યુવાને પૂછ્યું, "દોસ્તી જ...?".

યુવતી મક્કમતાથી બોલી, "દોસ્તી જ નહીં, પ્રેમ પણ...હું તમારી રાહ જોઇશ. હવે હું તમારી જ....!"

યુવક બોલ્યો, "ઓહ, થોડીક ક્ષણોની નજરમાં જ...? કોઈ પરિચય વિના..? હજુ તો તું મને જાણતી પણ નથી ? મારુ ખાનદાન, ખોરડું...ધર્મ...

યુવાનની વાતને અધવચ્ચેથી કાપતા યુવતી બોલી, "ઓહ, એક ક્ષણ પણ પૂરતી હોય છે, કોઈની ચાહત બનવામાં અને રહી વાત ખાનદાન, ખોરડું અને ધર્મની..? તો એ પૂછીને એક આર્મીમેનનું અપમાન નહિ કરું.  હું પણ એક શહીદ આર્મીમેનની દીકરી છું, હવે વાત કરું પરિચયની.. તો તમને જોયા એ ક્ષણે જ લાગ્યું કે આપણે કોઈક ભવમાં વિખુટા પડેલા છીએ, મારા માટે મેં કલ્પેલા સ્વપ્નપુરુષ તમે જ છો. એ વાત અલગ છે કે તમે જુના કોઈ યુગની કોઈ જૂની સહેલી કે આ યુગની કોઈ નવી સહેલીની યાદમાં તેની સાથે જીવતાં હોય તો રહેવા દો, હું તમારા માર્ગમાં નહિ આવું.

યુવક બોલ્યો, "અરે, અરે.. હું પણ માત્ર પ્લેટફોર્મની સીડીઓને કુદીને નથી આવ્યો, મને પણ લાગે છે કે મેં પણ કંઈ કેટલાય યુગ કૂદાવી નાખ્યા તને પામવા. વળી, હમણાં જ કોઈક ભવમાં છુટા પડેલા આપણે આજે મળ્યા હોય તેવું મનેય અનુભવાય છે. મને સાચે જ તારા બની રહેવું ગમશે..!" યુવકના જવાબથી યુવતી શરમાઈ. બંને નજરો વડે જ એકબીજામાં સમાઈ રહયા.

યુવકે પૂછ્યું, "તારું નામ...?"

યુવતી બોલી, "તમે ડ્યુટી પર જતાં લાગો છો, માટે જઇ આવો. હવે પછીની મુલાકાતમાં મારા નામ પાછળ હું તમારું નામ લખીશ, ત્યારે જોઈ લેજો, અને હા, તમારું નામ મેં તમારા ગણવેશ પર વાંચી લીધું છે ....!"

તે હસ્યો અને બોલ્યો, "તું ખૂબ જ સુંદર છે, મારી માને તું બહુ જ ગમવાની અને હા, આ મારી માનો મોબાઈલ નંબર છે,  આજની આ ક્ષણ પહેલા આખી દુનિયામાં મારા માટે મા અને મા માટે હું.. આમ એકબીજા માટે અમે બંને એકલાં જ હતા. હવેથી તું પણ અમારી દુનિયામાં છે, મારી તો દુનિયા પણ હવે તું જ. તું મા સાથે વાત કરજે, તેને ગમશે..!" કહીને તેણે યુવતીના હાથમાં માનો ફોન નંબર લખ્યો.

યુવતી બોલી, "તમે માને કહી દેજો કે તેમના માટે વહુ શોધી લીધી છે...!"

યુવાને હસીને કહ્યું, "હવે એ કહેવાની જવાબદારી પણ તારી...!"

આમ જ કેટલીક મિનિટો વીતી રહી.

સામેના પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગઈ હતી. યુવતીની રજા લેતો યુવક ગયો.

તે ટ્રેનમાંથી યુવકનો ટુકડીનો બીજો સાથીદાર ઉતર્યો હતો. પોતાના કેપ્ટનના આદેશને લીધે યુવક આ સાથીદારને રિસીવ કરવા આવ્યો હતો. અહીંથી હવે તેમનું યુનિટ આગળ વધવાનું હતું.

પ્લેટફોર્મની બહાર જતાં જતાં.. સામેના પ્લેટફોર્મથી જ યુવકે ઇશારાથી તેના સાથીદાર અને યુવતીની એકબીજા સાથે ઓળખાણ કરાવી.

બાદમાં, યુવતીને ફ્લાઇંગ કિસ આપતો તે ગયો. યુવતીએ હવે પોતાની ટ્રેનમાં ધ્યાન આપ્યું.

માઈક દ્વારા થયેલા એનાઉન્સમેન્ટને લીધે, "માય ગોડ, મારી ટ્રેન સાત કલાક લેટ છે...!" એવું બોલતી યુવતી પ્લેટફોર્મ પર લાંબો સમય વિતાવવાનો હોવાથી બેસવા માટે ઉચિત જગ્યા શોધવા લાગી. અંતે.. પ્લેટફોર્મના વિઝિટિંગ રૂમના ટેલિવિઝનની નજીકની એક બેન્ચ પર સામાન ગોઠવતી તે બેસી. ત્યાં બેસીને પોતાની યાદોમાં તે ખુબસુરત યુવાન સાથે વિહરવા લાગી હતી. તેને થયું, હજુ પચીસ ત્રીસ મિનિટ પહેલા તે એકલી હતી, અને હવે જાણે..તે કોઈની થઈ ચૂકી હતી. તેની અંદર કોઈક એટલું બધું વિસ્તરી ગયું હતું કે તેના લલાટ, કંઠ અને હૃદય પર તેનું નામ કોતરાઈ ગયું હતું. આ રીતે બેઠા બેઠા જ સુંદર ભવિષ્યના સપના સજાવતાં તેની આંખો કયારે મીંચાઈ ગઇ તે તેને જ ના સમજાયું.

પણ...

અચાનક ખૂબ જોરથી થતા કોલાહલ તેમ જ વ્યાકુળ અવાજોથી યુવતી જાગી ગયી. લોકો પ્લેટફોર્મના વિઝિટિંગ રૂમમાં રાખેલા ટેલિવિઝન પાસે એકઠા થયા હતા અને બુમો પાડીને વાતો કરી રહ્યાં હતાં.

ભયંકર આતંકવાદી હુમલાના સમાચાર ટેલિવિઝનમાં ચાલી રહ્યાં હતાં. લગભગ ૪૦ જેટલા આર્મીના જવાનો શહીદ થયા હતાં. યુવતીએ ધડકતાં હૃદયે સમાચાર જોયા. મૃત જવાનોના વિખરાયેલા, કપાયેલા દેહ પડ્યાં હતાં. થોડીક વાર પહેલાં પોતે બાંધેલા સ્નેહના બંધન સાથેનો કપાયેલો હાથ અને તેની નજીક પડેલું યુવકનું શરીર તેણે જોયું અને ઓળખ્યું.

યુવતી બેહોશ થઈને પડી ગઇ.

થોડાક દિવસ પછી..

પેલા યુવાનની માતા સાથે સફેદ સાડીમાં સજ્જ થઈને શહીદોના સ્મારક પાસે પહોંચેલી યુવતીએ પોતાનું નામ લખ્યું, "પ્રહર્ષિતા આઝાદ....!"

હા.. પ્રહર્ષિતાએ વચન નિભાવ્યું હતું, તે બોલી," હવે હું તમારી જ..!" તેણે પોતાના નામની પાછળ સાચે જ હંમેશા માટે તે યુવાનનું નામ લખ્યું. આમ કરીને હજી કોઈ બીજા યુગમાં મિલન માટેની સંભાવના તેણે જીવંત રાખી હતી.