Pati Patni ane pret - 27 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૨૭

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૨૭

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૭

નાગદાએ રેતાને ધક્કો મારી બહાર કાઢી મૂકીને ઘરનો દરવાજો બંધ કરી દીધો. પણ તેના મનના દરવાજામાંથી વિચારોનું ટોળું દોડી આવ્યું. રેતા અહીં કેવી રીતે આવી ગઇ? તેણે મારા દરવાજાનું તાળું કેવી રીતે ખોલ્યું હશે? તેનું મંગળસૂત્ર મારી આંખો કેમ આંજી દેતું હતું? નરવીરને રેતા ઓળખાઇ ગઇ તો નહીં હોય ને? પછી એનું મન જ એને જવાબો આપવા લાગ્યું. નરવીરે રેતાને ઓળખી નહીં જ હોય. તેણે કહ્યું કે આ ગાંડી સ્ત્રી અગાઉ પણ ફરતી હતી અને તેના સાયબાની બૂમો પાડતી હતી. પોતે પરિસ્થિતિને બરાબર સંભાળી લીધી છે. રેતાને પોતાની શક્તિથી મગજ પર હળવો ભ્રમ આપી દીધો કે તે પાગલ જેવી છે. અને એ એવું વર્તન કરવા લાગી. એ કારણે જ નરવીરના મનમાં એ ધારણા પાકી થઇ કે આ કોઇ પાગલ સ્ત્રી છે. એ સારું જ થયું. આ કારણે એ મને સામાન્ય સ્ત્રી સમજી શક્યો છે. જો એને ખબર પડી જાય કે હું જયનાનું પ્રેત છું તો એ મને પત્ની તરીકે સ્વીકારશે જ નહીં અને ભાગી જશે. મારે ક્યાં તો એની હત્યા કરવી પડશે અથવા જવા દેવો પડશે અને બીજા કોઇ પરિણીત પુરુષને પકડવો પડશે. આ બધું જલદી શક્ય નથી. અત્યારે નરવીરને કોઇપણ રીતે મનાવીને મારું ધ્યેય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો પડશે. રેતાને એ ઓળખી શક્યો નથી. એના મનમાં રેતા માટે એવો ભ્રમ છે કે એ પોતાના સાયબાને શોધી રહી છે. રેતા બીજી વખત આવી છે. અને આ વખતે એણે કોઇ શક્તિનો ઉપયોગ કરી મારા સામ્રાજ્યની અંદર પ્રવેશ મેળવ્યો છે. ચિલ્વા ભગતના સાથથી જ એ આવી હિંમત કરી શકી છે. મારે આ ભગતથી ચેતવું પડશે. એને એક વખત ઠેકાણે પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ક્યાંક સુરક્ષા કવચમાં જતો રહ્યો હતો. મારે એનો સામનો કરવા બીજી શક્તિઓ મેળવવી પડશે. એ પહેલાં રેતાને વચ્ચેથી હટાવવી પડશે. એની પાસે જે મંગળસૂત્ર છે એ એની તાકાત લાગે છે. મંગળસૂત્રનો પ્રભાવ હું વધારે વખત જીરવી ના શકું એટલો હતો. એની પાસેથી કોઇપણ રીતે મંગળસૂત્ર મેળવી લેવું પડશે. એનું પવિત્ર મંગળસૂત્ર મારા હાથમાં આવી ગયા પછી મારી શક્તિ વધી જશે. નાગદાએ કંઇક વિચારીને એક યોજના બનાવી. અને નક્કી કર્યું કે તે નરવીરને મોકલીને રેતાને કોઇ વાત કરી છેતરીને એ મંગળસૂત્ર મેળવી લેશે.

નાગદા વિચારોમાં ને વિચારોમાં ક્યારે નરવીર પાસેના ખાટલા પર આવીને બેસી ગઇ એનો ખ્યાલ જ ન રહ્યો. નરવીર તેને દયાભાવથી જોઇ રહ્યો હતો.

નરવીર બોલ્યો:"કેવી અભાગી બાઇ છે. બિચારી કેટલાય દિવસથી તેના સાયબાને પાગલોની જેમ શોધી રહી છે. ભગવાન કરે એને એનો સાયબો જલદી મળી જાય..."

નરવીરના શબ્દો કાને પડતાં જ નાગદા ચમકી ગઇ.

તે ખોટું હસીને બોલી:"પ્રિયવર! તમે એની ચિંતા કરવાનું છોડી દો. એના નસીબમાં જે લખાયું હશે એ એને મળશે..." પછી મનમાં જ બબડી:"એના નસીબમાં એનો પતિ નથી. જો તું મને સાથ નહીં આપે તો એના કપાળ પરનો ચાંદલો ભૂંસાઇ જશે..."

"હા, પણ પતિ હોવા છતાં એ ભટકે છે એ કેવું નસીબ કહેવાય? એનો પતિ ક્યાં ગૂમ થયો હશે?" નરવીરને એ સ્ત્રીના જ વિચાર આવતા હતા. વારંવાર એનો દુ:ખી ચહેરો આંખ સામે આવી જતો હતો.

નાગદાને થયું કે નરવીર એની વધારે પડતી ચિંતા કરી રહ્યો છે. નાગદાને પોતાનો જયનાનો સમય યાદ આવી ગયો. પોતે પાગલ હતી અને લગ્ન કરવા માટે ગાંડા કાઢતી હતી. આજે લગ્ન કરીને જીવન જીવવા રેતાને તેણે ગાંડી બનાવી દીધી છે.

નાગદાએ વિચાર્યું કે રેતાને જોયા પછી નરવીરને કંઇ યાદ ના આવવા લાગે તો સારું છે. એની યાદશક્તિ જતી રહી છે ત્યાં સુધી એના નામનું મંગળસૂત્ર મારે પહેરી લેવું જોઇએ અને એના થકી ગર્ભવતી બનવું જોઇએ.

તે વાતને બદલતા બોલી:"પ્રિયવર, આપણે પ્રેમના કેટલા સરસ વાતાવરણમાં હતા? મને તમારો સાથ ગમી રહ્યો હતો. તમારો પ્રેમ મને એક નવી જ દુનિયામાં લઇ જઇ રહ્યો હતો. સ્વર્ગની સફરે નીકળી હોય એવો આનંદ આવી રહ્યો હતો. તમારા દિલની ધડકનો સાથે મારા દિલની ધડકનો તાલ મિલાવી રહી હતી..."

નાગદા એટલું બોલીને ફરીથી ગીત ગણગણવા લાગી.

આવી જા...પ્રિયવર, આવી જા...

તું મારા દિલમાં સમાઇ જા...

તારા પ્રેમમાં તડપું રાતદિન,

તું મારા તનમાં સમાઇ જા...

પછી નાગદા એકદમ નરવીરને વળગી પડી. તેને ગભરાયેલી જોઇ નરવીર ચમકીને બોલ્યો:"નાગદા, શું થયું અચાનક? આમ ડરથી ધ્રૂજે છે કેમ?"

"તમે કહી દો કે તમે મારા છો. મને છોડીને જશો નહીં..." નાગદાએ મનમાં ગોઠવેલું હતું એ કહ્યું.

"આવો ડર કેમ વ્યક્ત કરે છે?" નરવીર તેની વધતી જતી ભીંસથી રોમાંચ અનુભવવા સાથે ચિંતા કરતાં બોલ્યો.

"મને એવો ડર છે કે પેલી પાગલ સ્ત્રી તમને એનો પતિ માનીને લઇ જશે તો?" નાગદાએ રડવા જેવું મોં કર્યું.

"આવી ગાંડા જેવી વાતો કેમ કરે છે?" નરવીર એને સમજાવતાં બોલ્યો.

"પુરુષોનો કોઇ ભરોસો નહીં. સુંદર સ્ત્રી જોઇને એના મન ચળી જાય છે. જુઓને હું આટલી સુંદર અને પ્રેમ છલકાવતી સ્ત્રી છું છતાં તમે મારી પ્યાસ બુઝાવતા નથી. અને એ પાગલ માટે દયા વ્યકત કરી રહ્યા છો..." નાગદાએ નવી ચાલ ચાલી.

"ના-ના, એવું નથી. તું મને પસંદ છે. તારા જેવી તો કોઇ નહીં હોય. તારું યૌવન ખીલતી કળી જેવું છે. તારા શરીરની મઘમઘતી ખૂશ્બૂ મારા તનમનને તરબતર કરી દે એવી છે...આહ!" કહેતો નરવીર એના નાજુક શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો.

નાગદાને થયું કે તેની ચાલ કામયાબ થઇ રહી છે. નરવીર બાટલીમાં ઉતરી રહ્યો છે. તેને હવે સાથ માટે તૈયાર થતાં વાર લાગશે નહીં. નાગદાની ગણતરી સાચી પડી રહી હતી. નરવીરે તેનું ઉપવસ્ત્ર દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. તેનામાં કામભાવના જાગી રહી હતી. તે નાગદાના ઉઘાડા બદનને આંખો ભરીને જોઇ રહ્યો. નાગદા એના ચહેરા પર લાડથી હાથ ફેરવીને ઇશારાથી આગળ વધવા આહવાન આપી રહી. નાગદાએ બધાં જ વસ્ત્રો દૂર કરી દીધા. નરવીરે પણ પોતાના વસ્ત્રો એક પછી એક દૂર કરી દીધા. હવે બન્ને વચ્ચે કોઇ આવરણ ન હતુ. બંને એકબીજામા સમાઇ જવા આગળ વધી રહ્યા હતા. નાગદાને થયું કે હવે દુનિયાની કોઇ તાકાત એને નરવીરની પત્ની બનાવતા અટકાવી શકવાની નથી. પોતે જે રંગીન માહોલ ઉભો કર્યો હતો એમાં નરવીર ફસાઇ ગયો છે. ખાટલામાં એકબીજા સામે પ્રેમથી જોતા બંને બેઠા હતા. નરવીર એની આંખોના જામને પોતાની નજરોના ઘૂંટથી પી રહ્યો હતો. નરવીર પોતાનું શરીર નજીક લઇ ગયો અને એના હોઠના જામ પીવા જતો હતો ત્યારે એની નજર નાગદાના ખભા પર પડી અને તે એક ફૂટ દૂર ખસી ગયો.

નાગદા ચમકી ગઇ. અને પૂછવા લાગી;"પ્રિયવર, પ્રિયવર, શું થયું?"

નરવીરે તેના ખભાની સહેજ પાછળના ભાગ તરફ આંગળી ચીંધી અને બોલ્યો:"નાગદા, હું તારો પતિ છું તો આ કોણ છે?"

વધુ અઠ્ઠાવીસમા પ્રકરણમાં...