Butmogro in Gujarati Moral Stories by Amrut patel Svyambhu books and stories PDF | બટમોગરો

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

બટમોગરો

અલગ અલગ મેડિકલ ટેસ્‍ટ કરાવી તેમજ અનેક મંદિર-મસ્‍જિદનાં પગથિયા ઘસી નાંખ્‍યા છતાં કોઈ સફળતા મળી હોતી. તેમ છતાં અભિલાષા કુદરત સામે હાર માનવા તૈયાર નહોતી!

ગઈકાલની વાતે તેનું માતૃહદય ફરી એકવાર જાગી ઉઠયું. દિલમાં એક આશાનું કિરણ ઉગતા અંબરને ઓફિસ બેગ આપતા બોલી, 'આવતી કાલે તમે ઓફિસમાં રજા રાખશો?'

'કેમ કોઈ ખાસ વાત છે?' અંબરે સામો પ્રશ્‍ન કર્યો.

'ના.... આ તો અમસ્‍તા જ... ' સહેજ સંકોચ અનુભવતા અભિલાષા બોલી!

'ના... ના... કાંઈક વાત તો છે. બોલ શું છે...?' અંબર બોલ્‍યો.

'કહું પણ તમે પાછું ખોટું ના લગાડતા....!'

'હવે તારાથી શું ખોટું લગાડવાનું જે હોય તે સંકોચ વગર કહી દે…'

'પેલા બાજુવાળા વૈદેહી બહેનના માસી ગઈ કાલે આપણે ત્‍યાં આવ્‍યા હતાં. મમ્‍મી સાથે વાત વાતમાં તેમની દીકરીની વાત નીકળતા તે કહેતા હતા કે તેમની દીકરીને પણ વરસો સુધી કોઈ સંતાન નહોતું. તે છેક દસ વરસ પછી તેમનાં ગામ નજીક આવેલા પીરબાબાની દરગાહે બાધા રાખતા તે બાધા ફળી હતી. તેને ફૂલકુંવર જેવા દિકરાનો જન્‍મ થયો હતો ! જતાં જતાં મમ્‍મીને તે દરગાહનું સરનામું આપતા ગયા છે. મમ્‍મીનો પણ ખૂબ જ આગ્રહ છે કે આપણે એકવાર ત્‍યાં જઈ આવીએ. તેમણે મને તમને સમજાવવા કહયું છે!'

'તું પણ શું અભિ.... કયા જમાનામાં જીવે છે? તારે મમ્‍મીને સમજાવવા જોઈએ!'

'જુઓ મને ખબર જ હતી તમે આવું જ બોલશો... અભિલાષાએ અણગમો બતાવ્‍યો.'

'પણ તું એ કેમ નથી સમજતી કે આપણે આ બધું જ આ અગાઉ કરી ચૂકયા છીએ અને પરિણામ…?'

'અંબર બસ એકવાર... મને પૂરી શ્રઘ્‍ધા છે. મમ્‍મી પપ્‍પાને ખાતર... પીરબાબા આ વખતે આપણને નિરાશ નહીં જ કરે... આ પછી હું તમને કયારેય કોઈ વાતે આગ્રહ નહીં કરું બસ…!'

અભિલાષાનાં ચહેરા ઉપર એક આશાની લહેર દોડતી અંબર જોઈ રહયો !

' ભલે આવતીકાલે આપણે ત્‍યાં જઈશું બસ… ' કહેતા અંબર ઓફિસ જવા નીકળ્‍યો.

અભિલાષા અંબરને જતા જોઈ રહી.

અભિલાષા લગ્ન કરી સાસરે આવી ત્‍યારે સૌથી વધારે આનંદ કેશાને થયો હતો! કેશાને ભાભીનાં રૂપમાં એક ' સખી ' મળી હતી.

લગ્નનાં શરૂઆતના વરસોમાં તો કેશાના લીધે ઘર ભર્યુ રહેતું. કેશાનાં વાચાળ હસમુખા સ્‍વભાવને કારણે પરિવારમાં કોઈને એકલતા લાગતી નહોતી. કેશાને અભિલાષા થોડા જ સમયમાં નણંદ-ભોજાઈ મટી બહેનપણી બની ગઈ!

એક દિવસે કેશા ગાર્ડનમાં ફૂલઝાડને પાણી પાતી હતી ત્‍યારે અભિલાષા તેની નજીક આવતા કેશાએ ગાર્ડનના ખૂણા તરફ પાણીનો છંટકાવ કરતા કહયું, 'ભાભી આ બટમોગરની વેલ તો વાંઝણી છે. કેટલા વરસ થઈ ગયા છતાં હજી તેના ઉપર એકેય ફૂલ ખીલ્‍યું નથી. મમ્‍મી કહેતા હતા કે, આ વરસ સુધી તેની રાહ જોવી છે. જો આ વરસે પણ ફુલ ન ખીલે તો તેને ગાર્ડનમાંથી ઉખેડીને ત્‍યાં રાતરાણીને ઉછેરવી છે!'

પીણાંના છંટકાવથી બટમોગરાની વેલ કંપી ગઈ...!!

ત્‍યાં અભિલાષા સહજ ભાવે બોલી, 'ના... ના... કેશાબહેન આવું ના કરશો.... ફૂલ ભલેને ના ખીલે તેથી કાંઈ તેની શોભામાં થોડી ઓછપ આવે છે. જુઓને કેટલી ઘટાદાર છવાયેલી લાગે છે. જોતાં જ આંખ ઠરે છે. આ ગાર્ડનનાં એક ખૂણામાં ભલેને ઉછરતી રહેતી અને હા, રાતરાણી ઉછેરવી જ હોય તો ગાર્ડનમાં બીજે કયાં જગ્‍યા નથી.' તે પછી મજાક કરતા અભિલાષા બોલી. 'બીજી રાતરાણી વાવીએ તો ખરા પણ આ ગાર્ડનની માટીમાંજ ખોટ હોય તો...?!'

' ભાભી..... તમે પણ…' બોલતા કેશાએ અભિલાષા ઉપર પાણીનો છંટકાવ કર્યો બન્‍ને સહેલી બની હસી પડી!

સમય તે પછીનો સરતો રહયો ને એક સાંજે અંબર હાથમાં કાગળ લઈ ઉદાસ ચહેરે બેઠો હતો. ત્‍યારે કાગળ ઉપર નજર કરતા અભિલાષા હસતા હસતા બોલી હતી.

'આવી નકામી વાતો લઈને તમેય શું ઉદાસ થઈ જાવ છો..... હજી તો આપણે નાનાં છીએ....!!'

'અભિ.... તું મને…'

અંબર આગળ બોલે તે પહેલાં જ અભિલાષાએ તેના મોં ઉપર હાથ ધરી દેતા બોલી, 'અંબર આ ઘરમાં વહુ બનીને આવી છું. હવે આ દ્વારથી મારી અર્થી ઉઠશે.... હવે પછી તમે કયારેય આવી વાત કરી મને દુઃખી ના કરશો…!'

અંબરે અભિલાષાને તેની બાહુપાશમાં સમાવી લીધી. તે સાથે ઉદાસી જોજનો દૂર ભાગી ગઈ....!

કેશાનાં લગ્ન થયા. તે સાથે ઘરનો એક એક ખૂણો જાણે એકલતા અનુભવવા લાગ્‍યો. નવા મહેમાનની બધા પ્રતીક્ષા કરવા લાગ્‍યાં. પરિવાર બધી વાતે સુખી હતો. કોઈને કોઈ વાતે દુઃખ નહોતું. અભિલાષાનો માયાળુ સ્‍વભાવ. ઘરમાં કોઈને ઓછું ન આવે તેની તે ખાસ કાળજી રાખતી. સાસુ-સસરા તેના આ વર્તનથી ખૂબ જ ખુશ હતાં. આખા પરિવારમાં બસ એક જ વાતની કમી હતી. અને તે અંબરનાં બાળકની. અંબરના મમ્‍મી પપ્‍પાને પૌત્રને રમાડવાનાં કોડ જાગ્‍યા. કહેવાય છે કે, મુદ્દલ કરતા વ્‍યાજ વધારે વહાલું હોય તેમ દિવસે દિવસે દાદા-દાદી બનવાની તેમની ઈચ્‍છા વધુને વધુ પ્રબળ બનતી જતી!

ત્‍યાં એક દિવસે અભિલાષાએ ધટસ્‍ફોટ કર્યો !

'મમ્‍મી અમે તમારાથી એક વાત છૂપાવી છે....!'

'અમારાથી છૂપાવવા જેવી વળી કઈ વાત છે....? ' કૈલાસબહેન બોલ્‍યા.

'અમે કેશાબહેનના લગ્ન પહેલા શારીરિક તપાસ કરાવી હતી. જે રિપોર્ટ પ્રમાણે હું કયારેય તમારી ઈચ્‍છા પૂરી કરી શકું તેમ નથી.' બોલતા અભિલાષાનાં ગળે ડૂમો વળ્‍યો.

' શું વાત કરે છે... તું?! કૈલાસબહેને આંચકો અનુભવ્‍યો.

'હા... મમ્‍મી તે સાચું છે. કહેતા અભિલાષા ડ્રોઈંગરૂમ તરફ આંખો લૂછતી દોડી ગઈ....!

કૈલાસબહેન સ્‍થિતપ્રજ્ઞ બની જોઈ રહયા.! તેમણે પતિને માંડીને વાત કરી. દિનકરરાયે વાત જાણી ત્‍યારે તેમને પણ ઉંડો આઘાત લાગ્‍યો!

બન્‍નેને દીકરાનાં દીકરાને રમાડવાનાં અરમાન અધૂરા રહેતા જણાયા!

સમય સાથે સાથે હવે દિનકરરાય અને કૈલાસબહેનનો સ્‍વભાવ પણ બદલાતો જતો હતો. જે અત્‍યાર સુધી અભિલાષાને દીકરીની જેમ સાચવતા હતા. તે જયારથી તેમણે જાણ્‍યું કે અભિલાષામાં કોઈ ખોટ છે ત્‍યારથી તેની સાથે દરેક વાતે અંટશ ઉભી કરવાનાં પ્રયત્‍નો કરતાં. નાની અમથી વાતમાં તેની અવહેલના કરતા. પરંતુ અભિલાષા ઉપેક્ષાને પણ સહન કરી લેતી...!!

પૌત્ર લાલસાએ એક દિવસે કૈલાસબહેને પતિને કહયું, 'હવે તો આ આપણી ઉંમર થવા આવી... મને નથી લાગતું કે આપણા ભાગ્‍યમાં દાદા-દાદી બનવાનું સુખ લખાયેલું હોય...!

'તું સાચું કહે છે, મને પણ હવે તો…' દિનકરરાય એ વાકય અધૂરું છોડયું.

'મને એક ઉપાય સૂઝે છે. જો તમે સંમત થતા હોય તો..?!' કૈલાસબહેન બોલ્‍યા.

'શું....?'

એ જ કે આપણા અંબરને તમે સમજાવો. આમને આમ તો હવે વંશવેલો ચાલી રહયો. જો આપણે અંબરને કયાંય બીજે ગોઠવી દઈએ તો કેવું....?!

' અરે.... તેં તો મારા મનની વાત કરી. મને પણ કેટલાય સમયથી થતું હતું કે આપણે વહુને સમજાવીશું. તેનામાં જ ખોટ છે એટલે આપણી વાત માની જશે. આમ પણ તેણે કયારેય આપણો વિરોધ કર્યો નથી !' દિનકરરાય બોલ્‍યા.

'હા... હવે વાતને લંબાવવા કરતા સમય જોઈને તમે અંબરને કાને વાત નાંખી તો જુઓ.' કૈલાસબહેન બોલ્‍યા.

અભિલાષા તેને પિયર ગઈ હતી. બે ત્રણ દિવસ રોકાઈને આવવાનું કહી ગઈ હતી! તકનો લાભ લઈ એક સાંજે અંબર ડ્રોઈંગરૂમમાં કાંઈક શોધી રહયો હતો ત્‍યાં દિનકરરાય આવી બોલ્‍યા, 'દિકરા અંબર, અભિલાષા ગુણવાન છે. સંસ્‍કારી છે.. કયારેય તમારા જીવનમાં અમે તણખા ઝરતા જોયા નથી. તેણે કયારેય અમારી પણ ઉપેક્ષા કરી નથી. પણ...!

' પણ... શું ?!' અંબર બોલ્‍યો.

અંબરને પપ્‍પાની વાતથી આશ્‍ચર્ય થયું !

'દીકરા આ તો તારે જ સમજવું જોઈએ…'

'એટલે હું કાંઈ સમજયો નહીં પપ્‍પા..... મને કાંઈ સમજાય તેવું બોલો.' અંબર બોલ્‍યો.

'અંબર દીકરા, અભિલાષાનાં કારણે આપણો વંશ ડૂબે તે કેટલે અંશે...?!

'પપ્‍પા..... તમે ??

'હા, હવે કયાં સુધી આપણે આમ રાહ જોઈ રહીએ... તારે તેને સમજાવીને નકકી કરી લેવું જોઈએ. આપણે તેને કાંઈ ખાલી હાથે થોડી મોકલીશું. ખાધા ખો....રા....કી...!!!

'પપ્‍પા....! ! અંબરનો અવાજ તરડાઈ ગયો. તેના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. પળવારે જાત સંભાળતા બોલ્‍યો, 'જુઓ પપ્‍પા આજ પછી આવી વાત મારી સામે કરી છે તો…!'

અને હા, તમે અભિલાષાને આ ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો. અરે અભિલાષા જેવી વહુ આજનાં કળિયુગમાં મળી તે આપણા માટે સૌભાગ્‍યની વાત છે. આપણે શું તેને કાઢી મૂકવાના હતા. તેની જો ઈચ્‍છા આ ઘરને છોડી જવાની હોત તો આ ઘરમાં આવી તેના થોડા વરસમાં જ ચાલી ગઈ હોત....! અરે અભિલાષાએ આપણાં ખાનદાનને ઠેસ ન પહોંચે તેના માટે શું નથી કર્યુ... તમારી સેવા ચાકરીમાં કયારેય ઉણપ આવવા દીધી છે? તમારા તરફથી થતા અપમાનને પણ તે મૌન બની સહન કરતી રહી.તમે તમારા દીકરાને કયારેય તેનાં કારણે દુઃખી જોયો છે...? પપ્‍પા આજે મારે તમને બધી વાત જણાવવી જ પડશે ! સહનશીલતાની પણ એક હદ હોય છે અને આજે તમે આ હદ ઓળંગી ગયા છો. આતો અભિલાષાએ મને વચનથી બાંધી દીધો હતો. એટલે આજ સુધી તમારા અપમાનને અમે સહન કરતા રહયાં. આ ઘરને ખુશ રાખવા અભિલાષાએ શું નથી કર્યુ ?

'પણ દીકરા, તારા પપ્‍પા તો આપણા બધાના ભલા માટે કહે છે.' કૈલાસબહેન બોલ્‍યા.

'મમ્‍મી... કોણ કોના ભલા માટે આ બધું કરે છે... સંસારનો રથ ચલાવવા માટે કોણે કેટલો ભોગ આપ્‍યો છે તે આજે તમે સાંભળી લો, મમ્‍મી તે દિવસે અભિલાષાએ તમને જે કહયું તે તમારા આ દીકરા ની આબરુને ઢાંકવા ખાતર તેણે તેની જાતને દોષિત ગણાવી હતી. આપણા પરિવારને સુખી રાખવાના હેતુથી તે તમને આજ સુધી અંધારામાં રાખતી હતી. અમે બન્‍નેએ 'શારીરિક તપાસ' કરાવી હતી. અને તેમાં અભિલાષા નહીં પણ હું પિતૃત્‍વની ક્ષમતા ધરાવતો નહોતો !

'હે...!! બન્‍ને આશ્‍ચર્યથી અંબરને જોઈ રહયા!

અભિલાષા પિયરથી વહેલા આવી ગઈ. ઘરનાં દરવાજે ઊભા ઊભા તે બધું સાંભળી રહી હતી. તે તરફ કોઈનું ઘ્‍યાન નહોતું. બધું સાંભળતા જ તે કિંકર્તવ્‍યમૂઢ બની દરવાજામાં જ જડાઈ રહી!

કૈલાસબહેનની નજર અભિલાષા ઉપર પડતા…'દીકરી... કરતા દોડીને અભિલાષાને ભેટી પડયા!!

દીકરી સાસરેથી પિયરમાં મળવા આવી હોય તેવા


મિલાપને દિનકરરાય અને અંબર સજળનયને જોઈ રહયા!


- અમૃત પટેલ ' સ્વયંભૂ '

અમદાવાદ.