Management Guru in Gujarati Spiritual Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | મેનેજમેન્ટ ગુરુ

Featured Books
Categories
Share

મેનેજમેન્ટ ગુરુ

આધ્યાતમિક મેનેજમેન્ટ ગુરુ

DIPAK CHITNIS (dchitnis3@gmail.com)

........................................................................................................................................................

यढ् यदाचरित श्रेष्ठस्त्तत्तदेवेतरी जन:

यत्प्रमाणं कुरुते लोकस्तदनुवतँते ।।

મહાપુરુષ જે જે આચરણ કરે છે, તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે, તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે.

આપણો ભારત દેશ એક વિશાળ મહામાવતાનો ક્ષીરસાગર છે. આ ક્ષીરસાગરમાં અનેક પ્રકારની માનવ જાતિઓની વસ્તી ગંગા-જમુનાની જેમ એકબીજામાં ભળી જવા પામેલ છે. ભારત નામ એક વિશાળ સંસ્કૃતિનું નામાભિધાન થવા પામેલ છે. ભારત દેશમાં વસતાં પ્રજાજનોની જોવાની,માણવાની દ્રષ્ટિ એક જ પ્રકારની કંડારાયેલી છે. પ્રશ્ન અને સમસ્યાઓ ઉપર વિચાર કરવાની રીત પણ એક જ છે.

રામ અને કૃષ્ણ, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ આ બધા દેશને પોતાના સંદેશથી અનેક પ્રકારની પ્રેરણા તેમના કાર્યોમાંથી મળેલ છે. આજે પણ આ બધી વ્યક્તીઓના જીવન માર્ગદર્શનમાંથી અનેક પ્રકારની પ્રેરણાનો ધોધ આપણને પ્રાપ્ત થાય છે. આ બધી વ્યક્તિઓના કરેલ કાર્યોના અભ્યાસ કરવામાં આવે તો તેમનું મેનેજમેન્ટ જે આજે પણ વિકાસના કાર્યોમાં અદભૂત મદદરૂપ બને છે.

મેનેજમેન્ટ આ શબ્દ વિશ્વમાં પોતાના ઘરથી માંડી નાની મોટી ઔદ્યોગિક વસાહતો તેમજ ખાનગી કે અર્ધ ખાનગી સરકારીકે અર્ધસરકારી તમામે તમામ સંસ્થાઓને આ શબ્દ લાગુ પડે છે. કારણ બધી જ જગ્યાએ વહીવટને ચલાવવા સારૂ મેનેજમેન્ટ અગત્યનો ભાગ બની રહેતો હોય છે.

સાદી અને સરળ ભાષામાં જો આપણે કહીએ તો જ્યાં મેનેજમેન્ટ વગરની કામગીરી હોય તે કયારેય કોઇપણ સંજોગોમાં સયળતાના શીરને આંબી શકતી નથી. તે પછી નાનું મોટુ સંયુક્ત કે વિભક્ત કુટુંબનું ઘર હોય,નાની કે મોટી કોઇ ઔદ્યોગિક સંસ્થા હોય કે અન્ય કોઇ પ્રકારની સંસ્થા હોય જેનું મેનેજમેન્ટ નબળું હોય તેના તમામે તમામ કાર્ય કરવાના પાસા અવળા જ પડતાં હોય છે. તેવી રીતે કોઇપણ ચીજવસ્તુના ઉત્પાદકે અઢળકલ ઉતપાદન કરવા શું કરવું, કોર્પોરેટ ક્ષેત્રો (મુખ્ય મોટી કંપનીઓ) તેનું વ્યવસ્થાપન કેમ કરવું એ વિશે શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવત્ ગીતામાં ચોખ્ખા ઘીનો શીરો આપણા ગળામાં ઉતરી જાય તે રીતે મુદ્દાસર પાઠ ભણાવે છે ત્યારે શ્રીકૃષ્ણ જગતના શ્રેષ્ઠ મેનેજમેન્ટ જગતગુરુ સાબિત થાય છે અને દૂંદેશીયતા પ્રગટ થાય છે. આજે કેટલાક તેમના જે કાર્યો છે તે આજના મેનેજમેન્ટમાં બહુજ ઉપયોગી નીવડે છે.

આપણે નાના કુટુંબના ઘરથી શરૂઆત કરવામાં આવે તો આ ઘરમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો હોય તો ઘરમાં તેના પતિની આવક અનુસાર ઘરને સમતોલપણા હેઠળ ચલાવવાનું કાર્ય ઘરમાં પત્નીનું હોય છે. આથી જો ઘરમાં પતિની આવક અનુસાર આવક-જાવકની ગતીવીધી સપ્રમાણમાં ચાલતી રહેતી હોય તો ત્યાં કોઇપણ મુશ્કેલી પડવાની નથી. પરંતુ જ્યાં ઘરમાં આવકના પ્રમાણે જો આડેધડ ખર્ચા કરવામાં આવતાં હોય અને આવકના પ્રમાણે મેનેજમેન્ટની ગોઠવણી કરવામાં આવેલ ન હોય ત્યાં ‘‘એક તૂટે ને તેર સાંધે’’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળશે તે નિશ્ચિત છે અને આને પરિણામે આ બધી અસર ઘરનાં બાળકો ભણતર-ગણતર પડ્યા વિના નહીં રહે. માટે મુખ્ય મેનેજમેન્ટની શરૂઆત જો પોતાના ઘરથી શરૂ કરવામાં આવી હશે તો તે વ્યક્તિ આગળ જતાં તેની કામ કરવાની જગ્યાએ પણ તેની પુરેપેરી દરકાર રાખશે ઉપરાંત તેને કરવાની થતી કામગીરી એ એટલી ઉત્સાહ અને ધગશથી કરશે કે જેની અસર તે જે જગ્યાએ કામગીરી કરતો હશે તેના મેનેજમેન્ટ પર એટલી સારી અને અદભૂત અસર પાડી શકશે.

આજ પ્રમાણે કોઇપણ ધંધો કરવો તો અધિષ્ઠાનં એટલે કે ક્ષેત્ર-દેશકાળ પર ધ્યાન આપવું જરૂરી બને છે. જો ખેતી કરવી હોય તો તેના માટે ખેતર પણ ઉત્તમ કક્ષાનું પ્રસંદ કરવું પડે. ફ્રીઝ-એ.સી. આ પ્રકારના ઉપકરણોનો વેપાર ધંધો જો આપણે કાશ્મીર કરીએ તો શું થાય ? બીલકુલ ખોટનો ધંધો કહેવાય. કર્તા, કર્મ અને કરણ કેવા છે ? કર્તાને કર્મનું જ્ઞાન હોવું આવશ્યક છે અને કર્મ કરવા માટેના સાધનો પર્યાપ્ત અને અદ્યતન હોવા તે પણ તેટલું આવશ્યક અને જરૂરી બને છે. પોતાના સ્વાભાવિક કર્મો કરી જે અંતઃકરણની શુદ્ધિ રાખે છે તે જ સિદ્ધિની પ્રાપ્ત કરી શકે છે. કર્મ કરવામાં કપટ ક્યારેય કામ આવતું નથી અને જો કપટ રાખીને કામ કરી સફળતાને પ્રાપ્ત કરી હોય તો તે સફળતા ક્યારેય ઝાઝું ટકતી નથી. કોઇપણ કર્મ કરવામાં આત્મવિશ્વાસ મહત્વનો ભાગ ભજવતો હોય છે. મન-ચિત્તને અડગ રાખવું અત્યંત જરૂરી છે. જે તે ક્ષેત્રના નિયત કરવામાં આવેલ ધંધાના વેપારના નિયમો-કાયદાઓ-સુચનાઓનું યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે પાલન કરવું પણ તેટલું જ આવશ્યક અને જરૂરી છે.

यत: प्रवृत्तिभूँतानां येन सवँमिदं ततम्

स्वकमँणा तमभ्यच्यँ सिद्धं विन्दति मानव: ।। ४६ ।।

જે જીવમાત્રનું ઉદ્દભવસ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે પરમાત્માની ઉપાસના કરીને મનુષ્ય પોતાનાં નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે.

કથાકારો હોય કે નેતા, કોઈ જુવાનિયો હોય કે મેનેજમેન્ટ ગુરુઓ ! બધાએ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની અસીમ પ્રતિભાનો સહારો લીધો છે. ખાસ કરીને કૃષ્ણ પોતાની લીડરશિપ (નેતૃત્વ) કુશળતા માટે ખૂબ જાણીતા અને માનીતા રહ્યા છે ! અર્જુનનું ડેવલપમેન્ટ (વિકાસ) હોય કે નિરાશામાંથી બેઠા થવાની પ્રેરણા હોય, ભગવદ્ગીતામાં કૃષ્ણ એટલું કહી ગયા છે કે હવે આજે એ IIM અને દેશની દરેક જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ફુલ ફ્લેજ્ડ વિષય બન્યો છે. આજે 4G-5Gના આ જમાનામાં કૃષ્ણ જેવું મલ્ટિ-ડાયમેન્શલ(વિશાળ પરિણામલક્ષી) વ્યક્તિત્વ કેટલું બેજોડ રીતે ફિટ બેસે છે !

સંબંધોનું મેનેજમેન્ટ : સુદામા સાથેની એમની દોસ્તી, સરખી જ પરિસ્થિતિમાં રહેવાની એમની જીદ, રાજા બન્યા પછી પણ કોઈ ઈગો(અહંકાર), સ્ટેટસ અને પાવર જેવાં દૂષણો નહીં ! દોસ્તી અને પ્રેમ બંનેમાં કૃષ્ણનું સમર્પણ અને વફાદારી એક મિસાલ હતાં ! કંપની પણ કર્મચારીને ખુશ રાખી શકશે તો જ એ ગ્રોથની ટ્રેન પકડી શકશે !

ઝડપી નિર્ણયશક્તિ : આયોજન ગમે એટલું સખત હોય, પણ એક્શન અને ત્વરિત નિર્ણય બધું નક્કી કરતા હોય છે ! કર્ણનો રથ જ્યારે યુદ્ધમાં ફસડાઈ પડ્યો ત્યારે કૃષ્ણે જ અર્જુનને આદેશ આપ્યો કે એને બાળીને ખતમ કરી દે. ક્યારેક નિર્ણય લેવો કઠિન હોય, પણ સાચા સમયે લેવો બહુ જ જરૂ‚રી થઈ પડતો હોય છે !

સ્ટ્રેટેજી પ્લાનર (વ્યૂહરચના અને આયોજન) : દૂર્યોધન આતતાયી હતો, પણ પુત્રપ્રેમને વશ થઈ તેના માતા ગાંધારીએ તેને એક વખત સંપૂર્ણ નગ્ન થઈ બોલાવ્યો. ગાંધારી આંખની પટ્ટી ખોલી તમામ શક્તિથી પોતાના પુત્રનું શરીર વજ્રનું કરવા માંગતા હતા, પણ કૃષ્ણએ સ્ટ્રેટેજી રચી અને દુર્યોધનને કહ્યું, "ભાઈ, આ રીતે માતા સામે નગ્નાવસ્થામાં જવું યોગ્ય નથી. દુર્યોધને વાત માની લીધી અને પાંદડાથી પોતાની કમર ફરતેનો હિસ્સો ઢાંકીને માતા પાસે ગયો. જેથી જાંઘના ભાગ સિવાયનો હિસ્સો જ વજ્રનો થયો. વરસો બાદ દુર્યોધન જ્યારે કોઈનાથી નહોતો મરતો ત્યારે કૃષ્ણએ જાંઘ પર પ્રહાર કરવાનું કહી તેનો નાશ કરાવ્યો. છેલ્લે તો કૃષ્ણ કુનેહથી એમનું ધાર્યું જ પાર પાડે છે. આમ કૃષ્ણ સ્ટ્રેટેજી પ્લાનર તરીકે યુવાનોને દૂરંદેશી વિચાર કરી કાર્ય કરવાનું સૂચવે છે.

ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) બેલેન્સ : નેતા એ છે જેનો પોતાની બધી જ ઇન્દ્રિય પર કાબૂ છે. કૃષ્ણને દેવકી અને યશોદામાં ક્યારેય કોઈ ફરક રાખ્યા વગર એકસરખાં વહાલાં હતા. શેષનાગવાળો કિસ્સો તો કૃષ્ણનો ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ બંને આસ્પેક્ટ ક્લિયર કરે છે !

પરિસ્થિતિને કંટ્રોલ કરવાની શક્તિ : કૃષ્ણ જ્યારે યુદ્ધમેદાનમાંથી ભાગ્યા ત્યારે ‘રણછોડ’ ઘોષિત કરાયા, પણ જરાસંધને મારવા માટે એમણે કેટલાંક વર્ષો પછી ભીમના હાથે બદલો લીધો, એ પણ કોઈ દયા રાખ્યા વગર ! કેમ, ક્યારે અને કોના પર વાર કરવો એ કૃષ્ણ બખૂબી જાણતા !

ઇનસાઇડ ક્લેરિટી (આંતરદ્રષ્ટિ સુઝ) : એક વખત ભોજન બાબતે એક ઋષી ગોપીઓ પર અત્યંત ક્રોધિત થયા અને રીસાઈને ભોજન કર્યા વિના જ યમુના નદીને સામે કાંઠે ચાલ્યા ગયા. ગોપીઓ કૃષ્ણ પાસે ગઈ અને મુંઝવણ વ્યક્ત કરી કે, "અમારે આ ધસમસતી નદી કેમ પાર કરવી ? કૃષ્ણએ કહ્યું, "આપ યમુના માતાજીને વિનંતી કરો કે જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો તમને મારગ આપે. કૃષ્ણની વાત સાંભળી ગોપીઓ હસી પડી. અંદરો અંદર ચર્ચા કરવા લાગી કે, આટલી બધી ગોપીઓ સાથે રાસલીલાં કરનારા વળી બ્રહ્મચારી ક્યાંથી હોય ?

કૃષ્ણ મર્માળુ હસી બોલ્યા, "ગોપીઓ તમે જાવ તો ખરી !

આખરે ગોપીઓએ યમુના માતાજીને વિનંતી કરી અને આશ્ર્ચર્ય વચ્ચે યમુનાજીએ તરત જ ગોપીઓને સામે કાંઠે જવા માર્ગ કરી આપ્યો. આ ઘટના પોતે જ શ્રીકૃષ્ણના એક નવા સ્વ‚પનો પરિચય આપે છે.

સહનશક્તિ : શિશુપાલે શ્રીકૃષ્ણનું ખૂબ અપમાન કરેલું. કૃષ્ણની સહન કરવાની તાકાત ફક્ત ને ફક્ત ૯૯ વખત અપમાન થયા બાદ ૧૦૦મી ગાળે સુદર્શનચક્ર છુટ્ટું મૂકીને શિશુપાલને ખતમ કરીને જ જંપ્યા ! યુવાન માટે આ મહત્ત્વની વાત છે કે પોતાનું મગજ ગુમાવ્યા વિના કામ લેવું.

સામાજિક જવાબદારી : જ્યારે ૧૬૧૦૦ મહિલાઓને નરકાસુરની કેદમાંથી આઝાદ કરાવી ત્યારે સવાલ થયો કે તેમનો નાથ કોણ બનશે ? ત્યારે કૃષ્ણે એમના નાથ બની એમની સામાજિક આબરૂ‚ને સાચવી.

દૂરંદેશી : દ્રોણ, ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ જેવા વડીલો સાથે જે રીતે કૃષ્ણે કામ લીધેલું અને કંસ, જરાસંધ અને શિશુપાલ સાથે જે રીતે બદલો લીધેલો એ એક લીડરનાં જ લક્ષણ હતાં.

ડિફરન્ટ સ્ટ્રોક્સ (ઝાટકો) અને ફોક્સ : દરેક વ્યક્તિમાત્ર સાથે કેમ અલગ રીતે કામ લેવું. એવી જ રીતે કૃષ્ણે દુર્યોધન સાથે કડક હાથે અને સુદામા સાથે હંમેશાં પ્રેમથી કામ લીધેલું ! કૃષ્ણ વ્યક્તિના મહત્ત્વને સમજતા એટલે જ જાણતા કે બધાને એકસરખી રીતે ટ્રીટ ન કરી શકાય !

નફા અને નુકસાનની બેલેન્સશીટ : દોસ્તો બન્યા, દુશ્મનો બન્યા, કોઈક મળ્યું તો કોઈ વિદાય લઈ ગયું ! સહેજ પણ ફ્રસ્ટ્રેટ થયા વગર કૃષ્ણે પોતાના જીવનની બેલેન્સ શીટને મેચ કર્યે રાખી ! કૃષ્ણ એક જ વાત કહે છે કે જિંદગીમાં મધ્યમ માર્ગને જાળવી રાખો. ક્યારેક દુ:ખ આવે તો ક્યારેક સુખ આવશે ! એ પ્રેમ જ છે, જે દુ:ખના દહાડામાં એક દવા બનીને રહેશે ! હિંમત ન હારો ક્યારેય. (Lord Krishna Was a Real Chief Executive Officer CEO) !

ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને કવન આ પૃથ્વી પરનું ઉત્તમોત્તમ જીવનભાથું છે. કૃષ્ણ મુખે ગીતા જીવનના દરેક તબક્કે માર્ગદર્શક દીવાદાંડી સમાન બની રહે છે. ગીતામાં જ ભગવાન શ્રીકૃષ્ણ ઉવાચ : ‘મામેકં શરણં વ્રજ...’ અર્થાત્ બધુ છોડીને મારા શરણે આવો. ચાલો આપણે સૌ શ્રીકૃષ્ણને શરણે જઈએ.

………………………………………………………………………………………………………………………………………………………………….