Holi in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | હોળી

Featured Books
Categories
Share

હોળી

લેખ:- હોળી વિશે માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આજે થોડી ચર્ચા હોળીના તહેવાર વિશે કરી લઈએ. આમ તો હોળીના તહેવારને લઈને ઘણી બધી માન્યતાઓ છે, એમાંની કેટલીક જાણીતી, કેટલીક અજાણી બાબતો વિશે જાણીએ.

હોળીનો તહેવાર ઘણાં અલગ અલગ નામથી ઓળખાય છે, જેવા કે, રંગોનો તહેવાર, દોલોત્સવ, વસંતોત્સવ, દોલયાત્રા, કામદહન વગેરે. આ ઉપરાંત, ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં એ હુતાશની, આસામમાં ફાકુવા, ગોવામાં ઊકકુલી તરીકે ઓળખાય છે. 7મી સદીના સંસ્કૃત નાટક રત્નાવલીમાં પણ હોળીનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરથી કહી શકાય કે હોળી એ ઘણાં સમયથી/ ઘણી સદીઓથી ઉજવાતો તહેવાર છે. હોળી પ્રગટાવી આસુરી શક્તિનો નાશ કરવો અને દૈવી શક્તિની પૂજા કરી તેમનું સન્માન કરવું એ જ સાચી પૂજા છે.

આ દિવસે સાંજે ગામનાં પાદરે કે સોસાયટીઓનાં નાકે હોળી પ્રગટાવી ઢોલ નગારાં વગાડવામાં આવે છે અને ગીતો ગાવામાં આવે છે, જેને 'હોળીના ફાગ' કહેવાય છે. હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવાય છે, જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ કોઈ એકબીજા પર રંગ છાંટે છે અને રંગે છે. હોળી સાથે જોડાયેલ પ્રહલાદની કથા તો સૌ કોઈ જાણે જ છે. આજે હું ચર્ચા કરીશ આ સિવાયની કેટલીક કથાઓ સાથે, જે વધારે પ્રચલિત નથી.

પહેલી કથા છે ભગવાન શિવ, માતા પાર્વતી અને કામદેવ સાથે જોડાયેલ. માતા પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતા હતાં. પરંતુ ભગવાન શિવ તો તપસ્યામાં લીન હતા. આથી મા પાર્વતીએ કામદેવની મદદ લીધી. કામદેવે શિવજી પર પુષ્પબાણ ચલાવ્યું. તપસ્યા ભંગ થવાથી શિવજીએ પોતાનાં ત્રીજા નેત્ર વડે કામદેવને ભસ્મ કરી નાંખ્યા. આ સમયે શિવજીની નજર પાર્વતી માતા પર પડી. માતાની ભક્તિ અને કામદેવનાં પુષ્પબાણે એની અસર કરી દીધી. શિવજીએ પાર્વતી માતાને પત્ની સ્વરૂપે સ્વીકારી લીધા. આથી જ એવું કહેવામાં આવે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મકરૂપે સળગાવી સાચા પ્રેમનાં વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે.

બીજી કથા છે શ્રી કૃષ્ણની. કંસ જ્યારે ગોકુળમાં રાક્ષસી પૂતનાને મોકલે છે ત્યારે બાળક કૃષ્ણ દ્વારા તેનો સ્તનપાન થકી વધ થાય છે. ત્યારથી ત્યાં હોળીનો તહેવાર ઉજવાય છે. આ ઉપરાંત ગોકુળની હોળીની સાથે સાથે મથુરા, નંદગામ અને રાધાજીનાં ગામ બરસાનાની હોળી પણ એટલી જ પ્રખ્યાત છે. આખા દેશમાં હોળી અને ધૂળેટી એમ બે દિવસ આ તહેવાર ઉજવાય છે, જ્યારે વ્રજમાં આ તહેવાર દોઢ મહિનો ચાલે છે.

ભારતનાં અલગ અલગ વિભાગમાં આ તહેવાર જુદા જુદા પ્રકારે ઉજવવામાં આવે છે. તો ચાલો સફર કરીએ આ અલગ અલગ પ્રકારની ઉજવણીની.

1. લડડ઼ુની હોળી:-
રાધાજીનાં ગામ બરસાનામાં આ હોળી મનાવાય છે. લોકવાયકા મુજબ ફાગણ સુદ પૂનમનાં દિવસે પોતાને ત્યાં હોળી રમવા આવવાનું આમંત્રણ રાધાજીએ શ્રી કૃષ્ણને મોકલ્યું હતું. કૃષ્ણએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો અને ત્યાં ગયા હતા. આથી ખુશ થઈને રાધાજીએ આખા ગામમાં લાડુ વહેંચયા હતાં. તે સમયથી બરસાનામાં હોળી લડડ઼ુની હોળી તરીકે ઓળખાય છે. ત્યાં આ દિવસે ફાગ આમંત્રણનો ઉત્સવ પણ ઉજવાય છે, જેમાં લાડુ ઉછાળવામાં આવે છે અને લોકો એને લૂંટવા પડાપડી કરે છે.

2. લઠમાર હોળી:-
વ્રજમાં રમાતી સૌથી પ્રખ્યાત હોળી એટલે લઠમાર હોળી. આ હોળી બરસાનામાં ત્યાંની યુવતીઓ અને નંદગામનાં યુવકો વચ્ચે રમાય છે. લોકવાયકા મુજબ રાધાના આમંત્રણ પર શ્રી કૃષ્ણ જ્યારે સખાઓ સાથે બરસાનામાં હોળી રમવા જાય છે ત્યારે રાધાજી અને તેમની સખીઓ આ બધાને ગામમાં પ્રવેશતા રોકવા માટે લાકડીઓ લઈને તેમણે મારવા દોડે છે. જેનાં જવાબમાં કૃષ્ણ અને એમનાં સખાઓ આ બધાં પર ગુલાલની છોળો ઉડાડે છે અને ગામમાં પ્રવેશે છે. આજે પણ ત્યાં આ હોળી ઉજવાય છે. ફેર એટલો જ છે કે યુવકો યુવતીઓના મારથી બચવા સાથે ઢાલ રાખે છે.

3. ફૂલોની હોળી:-
આ હોળી મથુરામાં આવેલ દ્વારકાધીશ મંદિરમાં ઉજવાય છે. 'રંગભરની' તરીકે ઓળખાતી આ હોળીમાં ભગવાનને રંગબેરંગી ફૂલોથી હોળી રમાડવામાં આવે છે.

4. છડીમાર હોળી:-
આ પણ લઠમાર હોળી જેવી જ છે, પરંતુ તે ગોકુળમાં ઉજવાય છે. મથુરામાં યુવાન કૃષ્ણ હતાં એટલે ત્યાં લાઠી વાપરવામાં આવે છે. જ્યારે ગોકુળમાં એમનું બાળપણ વીત્યું હતું, એટલે આજે પણ ત્યાંના લોકો કૃષ્ણનાં બાળ સ્વરૂપને જ પૂજે છે. આથી ભગવાનને વાગી ન જાય તે માટે તેઓ કાપડમાંથી છડી બનાવે છે અને પછી છડીમાર હોળી રમે છે.

આ સિવાય પણ ઘણી બધી જગ્યાએ હોળી ઉજવવાની રીતો અલગ છે. આ ચર્ચા તો માત્ર શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલ પ્રકારોની જ કરી છે. હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ છાંટે છે. આજકાલ મળતાં રંગોમાં ઘણાં રસાયણો વપરાતા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થતા હોય છે. પહેલાંના સમયમાં લોકો શરીરને નુકસાન ન કરે એવા કુદરતી રંગોથી રમતા હતા. એમાંના કેટલાંક રંગો બનાવવાની રીત જોઈએ.

1. કાળો રંગ:-
દ્રાક્ષ, કોલસો અને આમળાનો રસ ભેળવી કાળો કે રાખોડી રંગ બનાવી શકાય છે.

2. પીળો રંગ:-
હળદર પાવડર અને પીળા ગલગોટાનાં ફૂલની પાંદડીનો રસ મિક્સ કરી પીળો રંગ બનાવાય છે.

3. કથ્થઈ રંગ:-
સૂકી ચાનાં પાંદડાંમાંથી બનાવાય છે.

4. મજેન્ટા અને જાંબલી રંગ:-
પાણીને ગરમ કરી એમા બીટને બાફવાથી આ રંગો બને છે.

5. લીલો રંગ:-
ગુલમહોરનાં ઝાડનાં લીલા પાન લીલો રંગ અને સુકા પાન મહેંદી રંગ આપે છે.

6. લાલ રંગ:-
પલાશનાં ફૂલો લાલ રંગનો કુદરતી સ્રોત છે. આ ઉપરાંત મૂળા અને દાડમના રસને મિક્સ કરતાં પણ લાલ રંગ મળે છે.

7. નારંગી અથવા કેસરી રંગ:-
કેસુડો એનું ઉત્તમ સ્રોત છે. એનાં ફૂલોનો રસ કાઢી પાણીમાં ભેળવીએ એટલે કેસરી રંગ તૈયાર. આ ઉપરાંત કેસરનો ઉપયોગ કરીને પણ કેસરી રંગ બનાવી શકાય, પણ એ ખૂબ મોંઘો પડે.

આપેલ લેખ વાંચવા બદલ આપ સૌ વાચક મિત્રોનો આભાર. આશા રાખું છું કે માહિતી પસંદ આવી હશે.

જય શ્રી કૃષ્ણ🙏
- સ્નેહલ જાની