Radhavtaar - 7 - 8 in Gujarati Book Reviews by Khyati Thanki નિશબ્દા books and stories PDF | રાધાવતાર..... - 7 અને 8

Featured Books
Categories
Share

રાધાવતાર..... - 7 અને 8

શ્રી રાધાવતાર...
લેખક શ્રી ભોગીભાઈ શાહ

પ્રકરણ-7:શ્રી રાધા અવતારનું રહસ્ય

ઈશ્વર રચેલું સૌથી મોટું રહસ્ય એટલે માનવ જીવન. જીવન રૂપી પુસ્તકમાં દરરોજ સવારે સૂર્યદેવના અવતરણની સાથે ઉઘડતા નવા પાના પર ઈશ્વર પોતે હસ્તાક્ષર કરે છે, અને માનવી સામે પોતાના જ જીવનનું રહસ્ય પ્રગટ થાય છે આ રહસ્ય જ જીવનનું પ્રેરણાબળ છે, જીવનની ગતિ છે, અને જીવન પ્રત્યેની જીજીવિશા છે આ રહસ્ય થી ભરેલું ભાવિ જ સમય પહેલાં છતું થઈ જાય તો જીવન જ મૃત્યુ પામે અને મૃત જીવન શક્ય નથી.

શ્રી કેશવ આ રહસ્યને યોગ્ય સમયે કહેવાની સારી કલા ધરાવે છે પોતે જ લીલા દ્વારા પહેલા તો રહસ્ય ઉત્પન્ન કરે, જીજ્ઞાશા જગાવે અને પછી રહસ્ય પરથી પડદો ઉપાડી આનંદ પણ શ્રી કેશવ જ આપે.

શ્રી રાધાજીનું યમુનાજીમાં કૂદકો મારવો આ સ્વપ્નને ફક્ત શબ્દોથી વિચારવાનું નથી તેની પાછળના ગૂઢાર્થ ને પણ સમજવાનું છે શ્રીકૃષ્ણ એટલે જ પહેલાં યમુનાજીની પૂર્વ પ્રાસ્તાવિક કથા કહી દે છે જેથી યમુનાજીએ આપેલું રાધાજીના રક્ષણના વચન ના સંદર્ભમાં આ સ્વપ્ન આ રહસ્યને જાણી શકાય.

સ્વપ્નની પેલે પારનું કૃષ્ણ નું મનોમંથન પણ માણવા જેવું છે. યમુનાજીનું રાધા અને તેની સખીઓને સૂર્ય લોકમાં લઈ જવાનો પ્રસંગ ખૂબ જ સારી રીતે આલેખવામાં આવ્યો છે રાધા બંધ આંખે પણ ફક્ત કૃષ્ણ સ્વરૂપ ના દર્શનની ઈચ્છા રાખે છે.

આજ નિખાલસ પ્રેમ ને સ્મરીને કૃષ્ણ ફરી એકવાર રાધાજી સાથે જીવેલા વસંતઋતુના એક સંસ્મરણ માં ખોવાઈ જાય છે. બંને વચ્ચેના નિર્મળ પ્રેમની સાક્ષી પ્રકૃતિ પણ અનુકૂળ વાતાવરણ સર્જી આપે છે. અને એ સાથે ગાળેલા સમય નો પ્રભાવ રાધાજી પર એટલો વધારે પડે છે કે તે ભૂત કે ભવિષ્યના શ્રીકૃષ્ણના સમગ્ર પ્રભાવમાંથી મુક્ત થઈ મનમોહક પ્રેમી ફક્ત રાધાના જ કૃષ્ણના મુખારવિંદની દિવાની બની રહે છે.

🍂 મુખારવિંદ
મનમોહક પ્રેમ
દિવાની રાધા 🍂

સાચા પ્રેમની ઘણીવાર પોતાની જ મીઠી નજર લાગી જાય છે. તેમ શ્રી કૃષ્ણ રાધા અવતાર ના રહસ્યને નવા સંદર્ભમાં પણ વર્ણવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચેના સંવાદ ના સંઘર્ષને સાંભળીને તો નારદજી અને રુકમણીજી પણ થોડી વાર માટે આશ્ચર્યમાં પડી જાય છે.

પોતાના શ્રી રામ અવતાર કાર્ય ના સંવાદમાં રાધાજી સાથે મીઠો ઝઘડો થઈ જાય છે તે સમયે રાધાજી પોતાના પ્રેમની ઉચ્ચકક્ષાએ વિચારી પોતાની જ પરીક્ષા કરવાના ઇરાદાથી લાંબો વિરહ સહન કરી શકવાની ક્ષમતા સિદ્ધ કરવા કૃષ્ણ પાસે વિરહ માંગી લે છે આ ઘટનાને રાધાઅવતાર ના રહસ્ય સાથે સાંકળવામાં આવી છે.

પ્રકરણની શરૂઆત ,શીર્ષક અને અંત પણ રહસ્યમય. શ્રી નારદજી અને રુકમણી એટલું તો જાણી જ ગયા કે સ્થુળ સ્વરૂપે ભલે શ્રીકૃષ્ણ આપણા બધાની વચ્ચે હોય પણ જ્યારે પણ તેની હદયેશ્વરી તેને સાચા ધબકાર થી યાદ કરે ત્યારે તે સ્થળ અને સમયથી પરે એ પોતાની પ્રિયતમા સન્મુખ થઈ જાય છે. આવી જ એક મનોરમ્ય સાંજે પશ્ચિમ ઝરૂખે દરિયા ની સામે ઉભેલા શ્રીકૃષ્ણના શબ્દ ચિત્રને આલેખી લેખક આ પ્રકરણનો અંત લાવે છે.


પ્રકરણ 8 : શ્રીકૃષ્ણની એશ્વર્ય શક્તિનો પરાજય....


ઉત્તમ કૃતિનું ઉડીને આંખે વળગે તેવું તત્વ તેમાં છુપાયેલી રહેલો માનવ બોધ છે. જેમ અનુભવ દ્વારા મળેલું જ્ઞાન અદ્રશ્ય છે તે ઉત્તમ કૃતિ દ્વારા આપણી જાણ બહાર આપણને ઉપયોગી માનવમૂલ્યો આપણાં સંચિત થાય છે.


લેખક શ્રી ભોગીભાઈ ની રાધાવતાર માં જોઈએ તો દરેક પ્રકરણમાં કોઈને કોઈ રીતે તે માનવ મૂલ્યો જોવા મળે છે. વ્યસ્તતા માનવીને બધા જ દુઃખો થી દૂર લઇ જાય છે વ્યસ્ત વ્યક્તિને અન્ય વિશે વિચારવાનો સમય જ રહેતો નથી તેથી આપોઆપ તે કર્મ બંધનમાં બંધાતો નથી. આવી જ વ્યસ્તતાના વર્ણન થી પ્રકરણની શરૂઆત થાય છે.


આ પ્રકરણમાં લેખકશ્રીએ શ્રી કૃષ્ણ ભગવાનને એક નવા જ વ્યક્તિત્વના વાધા પહેરાવ્યા છે.બીજા દિવસ સવારથી નવગ્રહ શાંતિ યજ્ઞનું આયોજન અને વ્યવસ્થા શરૂ થાય છે .માનસિક કક્ષાએ અને સ્થૂળ કામગીરી સ્વરૂપે આ બંને વિવરણ માં કૃષ્ણ ભગવાન દ્વારા થતું આયોજન લેખકની સૂક્ષ્મ નિરીક્ષણ વૃત્તિનો પરિચય કરાવે છે. માનવીની વ્યસ્તતાની સાથે સાથે સંયુક્ત કુટુંબ અને સમૂહભોજન મહાત્મ્યને પણ વર્ણવવામાં આવ્યું છે.


માનવી સામાજિક પ્રાણી છે અને વારે તહેવારે ઉજવાતાં પર્વો જીવવા નો ખોરાક પુરો પાડે છે તો પછી માનવ દેહને ઉતરેલા શ્રી કૃષ્ણ ભગવાન આવા અનહદ અલૌકિક આનંદ ને કેમ જતો કરે?


શ્રી કૃષ્ણ ભગવાન દ્વાપરયુગ અને કળિયુગ ના સંધિકાળમાં પોતે તો આનંદ ભોગવે છે પણ સાથોસાથ સ્વજનો અને પ્રિયજનો ને પણ સહભાગી બનાવે છે. બધાને પોતાનું મહત્વ સમજાવવા અને જવાબદારીનું ભાન ગમતા કાર્યો સોંપીને કરે છે આ બધામાં લેખક શ્રી ની સ્ત્રી પુરુષ સમાનતા ની આધુનિક વિચારસરણીના પણ દર્શન થાય છે.


આ માંગલિક શુભ કાર્ય દ્વારા કૃષ્ણ ભગવાન પોતાના બે ધ્યેય પૂરા પાડવા માંગે છે. એક તો મહાભારતના યુદ્ધ પત્યા પછી બધા જ સ્વજનોને દુઃખદાયી ભાવાવરણ માંથી બહાર ખેંચી લાવવા અને બીજું સમગ્ર વાતાવરણ રાધામય બનાવવું .આ બીજા ઉદ્દેશ્યની પૂર્તિ માટે રાત્રે ફરી નારદજી અને રુકમણી ની સાથે વાતનું અનુસંધાન સાથે છે.


🍂 રાધે સીતાની

હરિહર માટેની

ભક્તિ નોખી 🍂


શ્રીકૃષ્ણ નિખાલસ ભાવે બંને અવતાર કાર્ય ની સરખામણી કરી રાધાના મહાભાવ ને શ્રેષ્ઠ બતાવે છે. ભોગવીને ત્યાગે અને ત્યાગીને ભોગવે આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા બતાવી રાધાના ભોગવ્યા વિનાનાં અખંડ વિરહ અવસ્થા નો મહિમા ગાયો છે .સાથે સાથે રુકમણીના મનમાં રહેલી આછેરી શંકા પણ દૂર કરી દીધી.

સાચો પ્રેમ શારીરિક સંબંધોના બંધનમાં બંધાયેલો નથી કોઈ પણ અપેક્ષા વિનાનો રાધા નો પ્રેમ કૃષ્ણના હૃદયની વધારે નજીક છે.આવા જ પ્રેમના પથ પર આગળ વધતા રાધાના મહા ભાવમાં ખુદ સર્વેસર્વા શ્રીકૃષ્ણ પણ પોતાનું ઐશ્વર્ય ઓગળતું જુએ છે. રાધા જી સાથેના વસંત પ્રસંગને યાદ કરી પોતાના ઐશ્વર્યને કઈ રીતે રાધાજીએ પોતાના માધુર્ય ઢાંકી દીધું તે પ્રસંગને સુચારુ રીતે વર્ણવે છે.


અને આમ છતાં મહાન આત્મા એ જ છે જે બધા જ કાર્યો નું શ્રેય અન્યોને આપી દે છે. પ્રકરણના અંતમાં હળવી શૈલીમાં કૃષ્ણ ભગવાન બધું જ રુકમણી ઉપર ઢોળી દઈ મીઠી મજાક કરે છે. અને વાચક વર્ગ પણ આ ગમતા ભાવાવરણનો આનંદ માણી વિરામ લે છે.