Ego - 7 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | અહંકાર - 7

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

અહંકાર - 7

અહંકાર – 7

લેખક – મેર મેહુલ

જીપ ચોકીનાં પરસાળમાં પ્રવેશી ત્યારે પરસાળમાં બે કાર પડી હતી. જેમાંથી એક કાર ડૉ. એસ. ડી. પ્રજાપતિની હતી જ્યારે બીજી કાર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સાગરની હતી. આ એ જ સાગર હતો જેણે શ્વેતાનાં મર્ડર કેસમાં રીટાની ફિંગરપ્રિન્ટ મેચ કરી હતી. અફસોસ, એ બળવંતરાયનું જ કાવતરું હતું. જયપાલસિંહ જ્યારે તુલસી પાર્કમાંથી નીકળ્યો હતો ત્યારે આ તેણે આ બંને એક્સપર્ટને કૉલ કરીને બોલાવી લીધાં હતાં.

ચારેય છોકરાને જીપમાંથી ઉતારવામાં આવ્યા, ત્યારબાદ પહેલાં તેની આંગળીઓની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી અને પછી બધાનાં બોડી ટેસ્ટ કરવામાં આવ્યાં. બોડી ટેસ્ટમાં યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, શરીર પરનાં નિશાનની તપાસ જેવા કામો કરવામાં આવ્યાં હતાં. બધી કામગીરી પુરી થઈ ત્યાં સુધીમાં એક વાગી ગયો હતો. પોતાનું કામ પતાવીને બંને એક્સપર્ટ જયપાલસિંહની રજા લઈને રવાના થઈ ગયાં.

“સર…અમે કાલ બપોરથી કશું જમ્યા નથી…ભૂખ લાગી છે..” મોહિતે આગળ આવીને કહ્યું.

“દારૂ જોઈએ છે ?” જયપાલસિંહ કટાક્ષ મિશ્રિત કડક અવાજે કહ્યું.

“અમે બંનેએ દારૂ નહોતો પીધો સર…” મોહિતે પોતાની અને ભાર્ગવ તરફ ઈશારો કરીને કહ્યું.

“સુહાગરાત તો મનાવી હતીને…” દિપક વચ્ચે બોલ્યો, “રસોડામાં જમવાનું વાસી થઈ ગયું તો પણ તને પહેલા એ કામ કરવું યોગ્ય લાગ્યું…ત્યારે ભૂખ નહોતી લાગી ?”

“શું કહ્યું તે દિપક ?, સુહાગરાત..!!”

“હા સર…તેણે સ્ટેટમેન્ટ આપ્યું એમાં લખાવ્યું છે કે ગઈ રાત્રે એ એક છોકરીને રૂમે લઈને આવ્યો હતો અને સવાર સુધી એ રૂમમાં જ હતો…વહેલી સવારે એ છોકરીને છોડીને આવ્યો અને સીધો રૂમમાં જ ઘુસી ગયો”

જયપાલસિંહ ચાલીને મોહિત પાસે ગયો.

“શું નામ છે એ છોકરીનું ?”

“કાજલ..” મોહિતે અચકાતા અચકાતા જવાબ આપ્યો, “સર..”

“ક્યાં રહે છે ?”

“કેસરગંજ..”

“એનો કોન્ટેક્ટ નંબર ?”

“એણે કશું નથી કર્યું સર…અમે પુરી રાત સાથે જ હતાં…” મોહીતે કાજલ નામની છોકરીની તરફેણમાં કહ્યું.

“સાલા..હવસખોર… મેં તારી પાસે ચુકાદો નથી માંગ્યો…એનો કોન્ટેક્ટ નંબર માંગ્યો છે..” જયપાલસિંહે મોહિતની કોલર પકડીને કહ્યું, “આપે છે કે લગાવું બે પૂંઠા પર..”

“ના.. ના..નાઇન, એઇટ, ટુ, ફોર…ડબલ સિક્સ…” મોહિતે તુટક અવાજે નંબર લખાયો. અત્યારે તેનું શરીર ડ્રીલ મશીન જેમ ધ્રુજતું હતું.

“નોટ કરી લે ભૂમિકા…અને આજે જ ચોકીએ બોલાવ એને…”

“યસ સર…” ભૂમિકાએ કહ્યું.

“અને આ લોકોની જમવાની વ્યવસ્થા કરો…” કહેતાં જયપાલસિંહ બહાર તરફ ચાલ્યો.

*

જયપાલસિંહ પોતાની ઑફિસની ખુરશીમાં બેઠો હતો. તેની સામે દીપકે લીધેલાં સ્ટેટમેન્ટની એક ફાઇલ હતી. જયપાલસિંહે એ ફાઇલ હાથમાં લીધી અને દોરી ખોલીને ફાઇલ વાંચવા લાગ્યાં.

(પહેલું સ્ટેટમેન્ટ – ભાર્ગવ રાજ્યગુરુ)

હું હાર્દિકનો પાડોશી છું. ગઈ કાલે હાર્દિકનો જન્મદિવસ હોવાથી તેઓ દારૂની પાર્ટી કરવાના હતા. હાર્દિકે સવારે મને પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું હતું. રાત્રે મારા મમ્મી-પપ્પા ઘરે આવવાનાં હતાં એટલે મેં દારૂની મનાઈ ફરમાવી અને માત્ર કંપની આપવા આવીશ એવું જણાવ્યું હતું. રાત્રે હાર્દિક, હર્ષદ, શિવ અને જય એમ ચાર લોકોએ દારૂ પીવાનું શરૂ કર્યું હતું. એક બોટલ પુરી થઈ ત્યાં સુધીમાં જય અને હર્ષદની લિમિટ પુરી થઈ ગઈ હતી. જયને વોશરૂમ જવું હતું પણ એ ચાલી શકે એવી હાલતમાં નહોતો એટલે તેને સહારો આપીને હું બહાર લઈ ગયો. બહાર આવીને જયે ઉલ્ટી કરી. તેણે પાણી આપીને થોડીવાર મેં એને ત્યાં જ બેસારી દીધો. જ્યારે એ ચાલે એવી પરિસ્થિતિમાં આવ્યો ત્યારે હું એને અંદર લઈ ગયો.

અમે અંદર પહોંચ્યા ત્યારે હાર્દિક અને શિવ વચ્ચે શબ્દોનું યુદ્ધ છેડાયેલું હતું અને બીજી બોટલ ખાલી થઈ ગઈ હતી. હર્ષદ તો દારૂ નહોતો પીવાનો એટલે આ બોટલ બંનેએ જ ખાલી કરી હશે અને વધારે નશો થયો હશે એટલે બંને ઝઘડો કરતાં હશે એમ વિચારીને હું વચ્ચે ના પડ્યો.

બંને ગાળોથી ઝઘડો કરતાં હતાં. પછી હાર્દિકે, શિવને બેનને સંબંધીને ગાળ આપી એટલે શિવે પોતાનો મિજાજ ગુમાવ્યો અને હાર્દિકને મારવા લાગ્યો. હાર્દિક પણ શિવનાં ગળે ચોંટી ગયો. બંને સામસામે ગળે ચોંટી ગયાં હતાં. ત્યારબાદ હાર્દિકે, શિવનાં પેટમાં જોરથી મુક્કો માર્યો. શિવને પથરીની બીમારી છે એટલે શિવ ત્યાં જ પેટ પર હાથ રાખીને ઢળી ગયો.

મારાથી રહેવાયું નહિ એટલે હું વચ્ચે કુદ્યો અને બંનેને જુદા પડ્યા. બંને ફરી શબ્દોનું યુદ્ધ કરવા લાગ્યાં. બંનેએ એકબીજાને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. બંને ત્યારે નશામાં ધૂત હતા, સરખી રીતે બોલી પણ નહોતાં શકતાં. ત્યારબાદ હર્ષદ, હાર્દિકને ખેંચીને બહાર બાલ્કનીમાં લઈ ગયો અને મેં શિવને ત્યાં જ સુવરાવી દીધો. બંને સુઈ ગયા એટલે હર્ષદને સમજાવીને હું ઘરે આવી ગયો હતો.

સવારે જ્યારે પપ્પા આવીને મને હાર્દિકનાં મર્ડર વિશે કહ્યું ત્યારે હું જાગ્યો હતો. હું જ્યારે અહીં (હાર્દિકનાં ઘરે) પહોંચ્યો ત્યારે પોલીસ આવી ગઈ હતી.

(બીજું સ્ટેટમેન્ટ – જય ત્રિવેદી)

જયનાં સ્ટેટમેન્ટમાં ભાર્ગવે કહી એ જ વાતો હતી. ઉલ્ટી કરીને જય રૂમમાં આવ્યો હતો. તેણે પણ હાર્દિક અને શિવ વચ્ચે જે બોલાબાલી થઈ હતી એ સાંભળી હતી, પણ જય ઉભી થઇ શકે એવી હાલતમાં નહોતો અને એ ત્યાં જ ફર્શ પર સુઈ ગયો હતો. પછી જ્યારે એક કૉન્સ્ટબલે તેને ઢંઢોળ્યો ત્યારે તેની આંખો ખુલ્લી હતી.

“ત્રીજું સ્ટેટમેન્ટ – મોહિત પંડ્યા)

મોહિતે જે રીતે જયપાલસિંહ સાથે વાતો કરી હતી એમ જ તેણે સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું. વહેલી સાંજે એ ઉપરનાં રૂમમાં ચડી ગયો હતો ત્યારબાદ વહેલાં પાંચ વાગ્યે એ કાજલને છોડવા બહાર નીકળ્યો હતો. સાડા પાંચ વાગ્યે પરત ફરીને, ‘બધા નશામાં ચકચૂર હશે એટલે કોઈ જાગતું નહિ હોય એમ વિચારીને એ ઉપરનાં રૂમમાં સુઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે કોલાહલ થયો ત્યારે એની આંખો ખોલી હતી ત્યારે એ નીચે ઉતર્યો હતો અને બધી ઘટનાથી વાકેફ થયો હતો.

(ચોથું સ્ટેટમેન્ટ – શિવ અગરવાલ)

હાર્દિક જ્યારે તેને બહેનને સંબંધિત ગાળ આપી હતી ત્યારે તેણે પોતાનો મિજાજ ગુમાવ્યો હતો અને બંને વચ્ચે હાતાપાઇ થઈ હતી. ત્યારબાદ ભાર્ગવે વચ્ચે કૂદીને તેણે દૂર હડસેલ્યો હતો. ઊંઘમાં એ હાર્દિકને મારવાની ધમકી આપી રહ્યો હતો પણ એ ઉભો થઇ શકે એવી હાલતમાં પણ નહોતો એટલે એ ત્યાં જ સુઈ ગયો હતો અને જ્યારે એક કૉન્સ્ટબલે તેને ઢંઢોળ્યો ત્યારે એ પણ જયની માફક ભાનમાં આવ્યો હતો.

*

જયપાલસિંહે શિવ અગરવાલનું સ્ટેટમેન્ટ બીજીવાર વાંચ્યું. સ્ટેટમેન્ટ વાંચ્યા બાદ હત્યાની સોઈ સીધી શિવ પર આવીને અટકી હતી. શિવે રાત્રે હાર્દિકને મારવાની ધમકી પણ આપી હતી અને એ પહેલાં બંને વચ્ચે હાતાપાઇ પણ થઈ હતી. અત્યારે વધુ ન વિચારવું અને રિપોર્ટ આવે ત્યારે નિર્ણય લેવો એમ વિચારીને જયપાલસિંહે ફાઇલ સાઈડમાં રાખી. ત્યારબાદ તેણે એક કૉન્સ્ટબલને અવાજ આપીને અનિલને મોકલવા કહ્યું. થોડીવાર પછી અનિલ રૂમમાં પહોંચ્યો.

“બેસ અનિલ…” જયપાલસિંહે બેસવાનો ઈશારો કરીને કહ્યું. અનિલ ટેબલની સામેની ખુરશી પર બેસી ગયો.

“તે સ્ટેટમેન્ટની ફાઇલ તો વાંચી જ લીધી હશે..” જયપાલસિંહ અનિલની જિજ્ઞાસા અને હોશિયારી વાકેફ હતો એટલે તેણે અનુમાન લગાવીને કહ્યું.

“હા સર…બપોરે જ વાંચી લીધી હતી..”

“ગુડ…તારી આ જ આદતો તને બીજા કૉન્સ્ટબલથી અલગ તારવે છે..” જયપાલસિંહે કહ્યું, “તને શું લાગે છે..!, કોણ સાચું બોલે છે અને કોણ ખોટું બોલે છે ?”

“સ્ટેટમેન્ટ વાંચ્યા પછી શિવે જ મર્ડર કર્યું હશે એવું લાગે છે પણ મારું દિમાગ કંઈક બીજું જ વિચારે છે…” અનિલે કહ્યું, “શિવે હદ બહારનો દારૂ પીધો હતો એ તેને સવારે જોઈને પણ ખબર પડી જતી હતી, તેની સામે હર્ષદ નામનાં વ્યક્તિએ ભલે દારૂ પીધો હતો પણ એ ભાનમાં હતો, એ જ હાર્દિકને સમજાવીને બહાર લઈ ગયો હતો. હવે એવું પણ બન્યું હોયને કે હર્ષદે જ હાર્દિકની હત્યા કરી હોય અને પોતે એની બાજુમાં ઢળીને બેભાન થવાનું નાટક કરતો હોય જેથી આપણી શંકા સીધી શિવ પર જ જાય…”

“એવું પણ બને કે સવારે મોહિત પેલી છોકરીને ઉતારીને રૂમમાં આવ્યો હોય, હાર્દિક સાથે તેને કોઈ દુશ્મની હોય અને બધા નશામાં ધૂત થઈને સુતા હતાં એટલે તકનો લાભ ઉઠાવીને હાર્દિકને મૌતને ઘાટ ઉતારી દિધો હોય અને બરોબર એ જ સમયે હર્ષદ ઉઠી ગયો હોય, હર્ષદે વધારે દારૂ નહોતો પીધો એટલે એ જાગી જાય એની સંભાવના વધુ છે. મોહિતે હર્ષદને સમજાવી દીધો હોય અથવા અંધારામાં હર્ષદ મોહિતનો ચહેરો ના જોઈ શક્યો હોય એટલે મોહિતે હર્ષદને બેહોશ કરી દીધો હોય અને ઉપરનાં રૂમમાં જઈને સુઈ ગયો હોય…”

“ભાર્ગવે મર્ડર કર્યું હોય એવું પણ બની શકેને સર…ભાર્ગવ જાણતો હતો કે બધા જ નશામાં સુતા હશે અને તમે જે રીતે મોહિત અને હર્ષદની ઘટના કહી એવી જ રીતે ભાર્ગવે પણ હર્ષદને બેહોશ કરી દીધો હોય અને ચુપચાપ પોતાનાં ઘરે જઈને સુઈ ગયો હોય…”

“એ સંભાવના પણ નકારી ન શકાય…” જયપાલસિંહે કહ્યું, “પણ સુબોધ મિશ્રાને ત્યાંથી એક સફેદ મોતીની માળા મળી છે જે કોઈ છોકરીની હોય શકે, ઉપરાંત ઘરની બાજુનાં પ્લોટમાં બે વ્યક્તિનાં પગલાનાં નિશાન છે, જેમાં એક સ્ત્રીનાં પગલાનાં નિશાન છે. ઉપરાંત, જેવી રીતે હાર્દિકને મારવામાં આવ્યો છે તેના પરથી આ ઘટનાને એકથી વધુ વ્યક્તિએ અંજામ આપ્યું હોય એવું પ્રતિત થાય છે તો એ હિસાબે મોહિત અને કાજલ પર શંકા વધુ જાય છે…”

“ચાલો માની લઈએ કે એ બંનેએ જ હાર્દિકની હત્યા કરી હશે…તો પોતાનાં મનસૂબાને અંજામ આપીને તેઓને પાછળનાં રસ્તેથી ભાગવાની શું જરૂર પડી ?, એ લોકો સામેનાં રસ્તેથી પણ ભાગી શક્યા હોતને..!” અનિલે મુદ્દો ઉઠાવ્યો.

“એની પાછળ બે કારણ હોય શકે…” જયપાલસિંહે કહ્યું, “એક કારણ પોલીસને ગુમરાહ કરવાનું…તેઓનાં કહ્યા મુજબ બંને સવાર સુધી રૂમમાં જ હતાં પણ તેઓ મર્ડર કરીને પાછળનાં રસ્તેથી નીકળી ગયા હોય. જેથી આપણે તેઓ રૂમમાં હતાં એ સમયે કોઈ અન્ય બે વ્યક્તિ, જેમાં એક સ્ત્રી અને એક પુરુષ પાછળનાં રસ્તેથી આવ્યા અને એ જ રસ્તેથી નીકળી ગયા હોય એવું માની લઈએ અને એ બંને પર શંકા ના કરીએ. બીજું કારણ હર્ષદ હોય શકે…મેં હમણાં જ કહ્યું એ અનુસાર હર્ષદે ઓછો દારૂ પીધો હતો એટલે એ જાગી ગયો હોય અને હલચલ સાંભળીને ‘કોણ છે ત્યાં ?’ એવો અવાજ આપ્યો હોય. જવાબમાં હર્ષદને બેહોશ કરી દેવામાં આવ્યો હોય. હર્ષદનાં અવાજને કારણે કોઈ જાગી જશે એવા ભયને કારણે પણ બંને પાછળનાં રસ્તેથી નીકળી ગયા હોય એવું બની શકે…”

“હાલ તો બધા જ વ્યક્તિ સસ્પેક્ટ છે સર…કોણ કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું બોલે છે એ વાત તો રિપોર્ટ આવે પછી જ જાણી શકાશે..” અનિલે કહ્યું.

“એ વાત તારી એકદમ સાચી છે…પણ રિપોર્ટ આવે ત્યાં સુધી આપણે હાથ પર હાથ રાખીને તો ના બેસી રહેવાયને… અત્યારે બધી સંભાવના વિશે ચર્ચા કરી લઈએ તો રિપોર્ટ આવે ત્યારે એનાલિસિસ કરવામાં સરળતા રહે…”

અનિલે સહમતી પૂર્વક ડોકું ધુણાવ્યું. સહસા રૂમનો દરવાજો ખુલ્યો એટલે બનેનું ધ્યાન દરવાજા પર પડ્યું. દરવાજો ખોલીને ભૂમિકા રૂમમાં પ્રવેશી.

“કાજલ આવી ગઈ છે સર…” ભૂમિકાએ કહ્યું.

“એને ઇન્કવાઇરી રૂમમાં લઈ જા…હું આવું છું..” કહેતાં જયપાલસિંહ ઉભો થયો. કાજલ ડોકું ધુણાવીને બહાર નીકળી ગઈ.

“અનિલ…તું હાર્દિક વિશેની બધી જ માહિતી એકઠી કર…એ ક્યાં કામ કરતો હતો, છેલ્લા અઠવાડિયામાં એ કોને કોને મળ્યો હતો અને જેને એ રોજ મળતો હતો એની સાથે તેનાં કેવા સંબંધ હતાં એ બધી જ બાબત જાણી લે..”

“યસ સર…તમે કહી એ બધી વાત જાણીને એની ફાઇલ હું કાલ સાંજ સુધીમાં ટેબલ પર હાજર કરી દઈશ..”

“ગુડ..” જયપાલસિંહે કહ્યું, “એ પહેલાં અત્યારે બધાને ઇન્ટ્રોગેટ કરવાની તૈયારી કરી લે…કાજલ સાથે પૂછપરછ કરીને હું બધાને એકાંતમાં સવાલો કરવા માંગુ છુ અને હા.., હોસ્પિટલમાં ફોન કરીને હર્ષદનાં સમાચાર મેળવી લે..એ હોશમાં આવ્યો હોય તો એની પણ પૂછપરછ કરવાની છે..”

“તમે કાજલને ઇન્ટ્રોગેટ કરો ત્યાં સુધીમાં હું બધી જ વ્યવસ્થા કરી લઉં છું..” અનિલે કહ્યું.

“અનિલ....” જયપાલસિંહે અનિલની આંખોમાં આંખ પરોવીને ભાવુક શબ્દોમાં કહ્યું, “હું તને કૉન્સ્ટબલ નહિ, સાથી ઇન્સ્પેક્ટર સમજુ છું…અને તું મારાથી વધુ સારી અને સચોટ રીતે વિચારી શકે છે એવું હું જાણું છું. મારી લાઇફનો આ પહેલો મર્ડર કેસ છે અને આ કેસમાં આપણી આબરૂ ના જાય તેની જવાબદારી હું તને સોંપુ છું”

“આ કેસ સોલ્વ કરવા હું મારો બેસ્ટ આપીશ સર…” અનિલે પણ એ જ ભાવે કહ્યું.

“ગુડ…હવે કામ પર લાગી જા…” કહેતાં જયપાલસિંહ બહાર તરફ ચાલવા લાગ્યાં.

“યસ સર…” અનિલ મનમાં બોલ્યો અને એ પણ બહાર તરફ ચાલ્યો.

(ક્રમશઃ)