નમસ્કાર મિત્રો હું આપ સૌનો આભારી છું કે આપ સૌ એ મારી આગળની સ્ટોરી "મહેલ - The Haunted Fort" ને સારો એવો પ્રતિસાદ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી આપને વિનંતી છે કે રેટિંગ સાથે કોમેન્ટ પણ કરો જેથી મને ખબર પડે કે વાત આપને કેવી લાગી રહી છે અને જે વાચક મિત્રો ઓછા રેટિંગ આપે છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ ખાસ કરીને કોમેન્ટમાં લખે જેથી હું મારી રીતે તે ભૂલ પર કામ કરી અને રેટિંગ સુધારી શકું.
            હું મારી નવી વાર્તા લખવા જઈ રહ્યો છું, જેનો વિષય મારા માટે બિલકુલ નવો છે, જેથી આ વિષય પર લખવું મારા માટે ઘણું મુશ્કેલ હતું, છતા મેં આ વિષય પર લખવાનો પ્રયત્ન કર્યો છે મને ખબર છે કે મારી આ વાર્તામાં તમને ઘણી બધી જગ્યાએ મારી ખામીઓ નજર આવશે. મારી આપને નમ્ર વિનંતી છે કે મારી આ ખામીઓને તમે મારા ધ્યાનમાં લાવો જેથી હું આ વિષય પર થોડું વધારે કામ કરીને મારી વાર્તા સુધારી શકું. મને આશા છે કે તમને મારી આ નવી વાર્તા જરૂર પસંદ આવશે. હવે હું આપનો વધારે સમય લેવા માંગતો નથી, આપ સૌ વાચક મિત્રોનો આભાર માની મારી નવી નવલકથા રજૂ કરવા જઈ રહ્યો છું 'ચક્રવ્યૂહ The side of crime'.
                                               
                                                          લિ. કલ્પેશ પ્રજાપતિ
    
       ચક્રવ્યૂહ - The dark side of crime (Part-1)
            ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. હજુ તો માર્ચ મહિનો પૂરો થઈ એપ્રિલ મહિનો ચાલું જ થયો હોય છે, પણ અત્યારથી જ ગરમી પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી રહી હતી. ગરમીનો પારો ૪૦ વટાવી ગયો હોય છે, ગરમીનાં કારણે લોકો ઘરની બહાર પણ નીકળતા નથી. બપોરનાં 1 વાગ્યા પછી તો રસ્તાઓ પણ સૂમસામ લાગે છે , વાહન અને મોટી ગાડીઓ સિવાય રસ્તા પર કોઈ ફરકતું નથી. ઉપરથી પાકા રસ્તા અને આર.સી.સી.રોડ ના કારણે ગરમીનો પારો વધારે ઊંચો લાગે છે.
          ગાંધીનગર સીટી ની મધ્યમાં એક પોલીસ ચોકી છે જેમાં ૪ કોન્સ્ટેબલ અને 1 ઇન્સ્પેક્ટર છે. ઇન્સ્પેક્ટર ચેર પર બેસી ટેબલ પર પગ લાંબા કરી છતની સીલીંગ પર લગાવેલ સીલીંગ ફેન તરફ જોઇ મનમાં સરકારને ગાળો આપી રહ્યાં હોય છે. આટલી ગરમીમાં સરકારે આપેલો બાબા આદમ વખતનો પંખો કાચબાની સ્પીડે ચાલતો હોય છે જે બરાબર હવા પણ નથી ફેંકી શકતો, એટલામાં એક છોકરો શેરડીનો રસ લઈને અંદર આવે છે અને ઇન્સ્પેક્ટર ના ટેબલ પર મૂકે છે.
           " અરે રઘુ! સારું કર્યું તુ શેરડીનો રસ લઈને આવી ગયો મને ઇચ્છા હતી કે શેરડીનો રસ મંગાવીને પીવું એટલામાં તું આવી ગયો." ઈન્સ્પેક્ટરે શેરડીના રસ નો ગ્લાસ ઉઠાવતાં તે છોકરાને સ્માઇલ આપતાં કહ્યું.
           " દવે સર તમારા મનની વાત હું ન જાણું એવું બને ખરું? મને હતું જ કે તમે જરૂર ઠંડા વિશે વિચારો છો એટલે જ મેં રઘુ ને ફોન કરી ને શેરડીનો રસ મંગાવી લીધો." દવે ની વાત સાંભળી એક કોન્સ્ટેબલ બોલ્યો. રઘુએ બાકીના ચાર ગ્લાસ બીજા કોન્સ્ટેબલોને આપ્યાં.
           " સારું કર્યું શંભુ, એમ પણ ગરમી બહુ જ છે અને આ સરકારી પંખો જે સરકાર ની માફક ચાલે છે અને પવન પણ નથી આપતો." દવેએ શંભુ નો આભાર માનતાં કહ્યું એટલામાં ચોકી ના ફોનની રીંગ વાગી.
          " હેલ્લો! ગાંધીનગર પોલીસ સ્ટેશન શંભુ સ્પીકિંગ." ફોન રિસીવ કરતા શંભુ પોતાની આગવી અદામાં બોલ્યો. " ક્યાં? કોનું? કેવી રીતે? અમે હમણાં જ ત્યાં આવીએ છીએ અને જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ અંદર ના જવું જોઇએ અને તમે કોઈ પણ વસ્તુને હાથ ન લગાવતાં." શંભુ એ આગળની વાત સાંભળતા સામે છેડે પૂછ્યું અને હુકમ કરતાં કહ્યું.
          " શું થયું શંભુ?" દવે એ શંભુ ને ફોન મૂકતાં જ પૂછ્યું.
          " સર સેક્ટર 16 માં મકાન નંબર 13-B માં એક 20 વર્ષની છોકરી નું મર્ડર થયું છે." શંભુ એ દવેને જવાબ આપતાં કહ્યું પછી તેઓ તરત જ સેક્ટર 16 માં આવેલ મકાન નંબર 13-B તરફ જવા માટે નીકળે છે.
          " મર્ડર કઈ રીતે થયું છે શંભુ?" દવે એ ગાડીમાં બેસતાં શંભુ ને પૂછ્યું.
          " સર કોઈએ કોઈ ધારદાર વસ્તુ વડે તેના ગળા ની નસ કાપી મારી નાંખી છે." શંભુ એ દવે તરફ જોઈ જવાબ આપતા કહ્યું. પછી ફટાફટ ગાડી ચલાવી સેક્ટર 16 માં લઈ જાય છે. 10 જ મિનિટમાં તેઓ મકાન નંબર 13 B માં પહોંચી જાય છે. ત્યાં પહોંચી ગાડી સાઈડમાં પાર્ક કરી દવે નીચે ઉતરે છે પાછળ-પાછળ શંભુ પણ નીચે ઉતરી તેમની પાછળ જાય છે. ઘરની બહાર ભીડ નો જમાવડો થયો હોય છે ઇસ્પેક્ટર દવે ને જોતા જ બધા સાઈડમાં થઇ જાય છે.
          દવે ઘરમાં પ્રવેશે છે ઘરમાં પ્રવેશતા સામે ચાર વ્યક્તિ નજરે ચડે છે. જેમાંથી બે દંપતી આક્રંદ કરી રહ્યા હોય છે અને બીજા બે વ્યક્તિ તેમને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. દવે ને સમજૂતા વાર ન લાગી કે આક્રંદ કરતા દંપતી મૃતકના માતા-પિતા છે. દવે તરત જ  ત્યાં ઊભેલા ભાઈને પોતાના તરફ આવવા માટે ઈશારો કરે છે. દવેનો ઈશારો સમજી તે વ્યક્તિ ઝડપથી દવે પાસે આવે છે.
           " ફોન કોણે કર્યો હતો?" તે વ્યક્તિને નજીક આવતાં જ દવેએ પૂછ્યું.
           " સર મારું નામ ધીરજ છે હું એમનો પડોશી છું અને મેં જ તમને ફોન કર્યો હતો." ધીરજભાઈ એ દવેને જવાબ આપતાં કહ્યું.
           " આ મૃતકના માતા-પિતા છે?" દવે એ આક્રંદ કરતા દંપતી તરફ આંગળી ચીંધતા પૂછ્યું.
           " હા સર એ કામિની નાં પિતા વિપુલભાઈ અને માતા જમનાબેન છે, જમનાબેન ની બાજુમાં ઉભા એ મારા પત્ની છે." ધીરજભાઈ એ દવેને ઓળખાણ આપતાં કહ્યું.
           " ડેડ બોડી ક્યાં છે?" દવે એ ધીરજભાઈ ને પૂછ્યું. દવે ની વાત સાંભળી ધીરજભાઈ તેમને હોલ માંથી દાદર ચઢી ઉપરનાં માળે આવેલા દાદરા ની બાજુના રૂમમાં લઈ જાય છે. દવે રૂમમાં પ્રવેશતાં જ જુએ છે લાશ નીચે જમીન પર પડી હોય છે અને જમીન પર ઘણું બધું લોહી પડ્યું હોય છે.
           " લાશ પહેલા કોણે જોઈ?" દવેએ ધીરજ ભાઇને પૂછ્યું આ દરમિયાન દવે રૂમ ને ધ્યાનથી જોઈ રહ્યા હતા.
           " સર કામિની નાં માતા પિતા કાલ સાંજ નાં બહાર ગયાં હતાં. અત્યારે બપોરે ઘરે આવ્યાં અને દરવાજો ખખડાવ્યો પણ કામિનીએ દરવાજો ન ખોલતાં તેમણે તેમની પાસે રહેલી બીજી ચાવી વડે દરવાજો ખોલ્યો અને જેવા એના રૂમમાં ગયા તેવી જ તેમનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ તેમની ચીસ સાંભળી અમે તરત જ દોડતાં અહીં આવ્યાં અને તમને કોલ કર્યો." દવે દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતાં ધીરજભાઈ બોલ્યા. પછી દવે ધીરજભાઈ ને નીચે જવા માટે કહે છે અને તરત જ ફોરેન્સિક ટીમને કોલ કરી ઘટનાસ્થળે બોલાવી લે છે. જ્યાં સુધી ફોરેન્સિક ટીમ આવે ત્યાં સુધી તેના મોબાઇલમાં ફોટાઓ ખેંચે છે દવે લાશ ના પણ અલગ અલગ એંગલથી ફોટા પાડે છે.
           " શંભુ રૂમની બરાબર તલાશી લે કઈ પણ રહી જવું ના જોઈએ." દવે હાથમાં ગ્લવ્ઝ ચઢાવતાં શંભુ ને કહ્યું. દવે ની વાત સાંભળી શંભુ એ ગ્લવ્ઝ પહેરી રૂમની તલાસી લેવાનું શરૂ કર્યું.
To be continued............
 મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805 
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.