Delicious ghazal ... in Gujarati Poems by Ashok Vavadiya books and stories PDF | રોચક ગઝલ...

Featured Books
  • ભાગવત રહસ્ય - 279

    ભાગવત રહસ્ય -૨૭૯   ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યા...

  • આત્મનિર્ભર નારી

    આત્મનિર્ભર નારી નારીની ગરિમા: "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन...

  • ધ વેલાક

    ભૂતિયા નન - વડતાલના મઠની શાપિત વાર્તાવડતાલ ગામ, ગુજરાતનું એક...

  • શેરડી

                         શેરડી એ ઊંચા, બારમાસી ઘાસની એક પ્રજાતિ...

  • પ્રેમ અને મિત્રતા - ભાગ 11

    (નીરજા, ધૈર્ય , નિકિતા અને નયન..) નીરજા : બોલો...પણ શું ?? ધ...

Categories
Share

રોચક ગઝલ...

ગઝલ..જિંદગાની ધકેલપંચા...!!!

ના રહ્યું આભ ઊડવા લાયક,
ના રહી ભૂ* ટહેલવા લાયક.

ભાઈ થોડું તમે, અમે થોડું;
લ્યો ખસેડો, ખસેડવા લાયક.

તોય લોકો ઉખેળવાના એ,
વાત ના હો ઉખેળવા લાયક.

ઊછરી ના ખુશી,બચી છે એક;
બસ ઉદાસી ઉછેરવા લાયક.

ઓઢવા આભ હોય નિર્ધનને-
શુષ્કત્વચા પહેરવા લાયક.

જિંદગી હાથથી ગઈ વીતી,
શ્વાસ પણ અલ્પ ખેડવા લાયક.

જિંદગાની ધકેલપંચાની,
શેષ ક્યાં છે ધકેલવા લાયક.?

-અશોક વાવડીયા

*ભૂ = ભૂમિ, પૃથ્વી, જમીન, ધરા, ધરતી.

ભોંકો તમ શૂળ સમય તમારો છે.
કે ધરો ફૂલ સમય તમારો છે.

આજ અનુકૂળ સમય તમારો છે,
ચલ હો કે સ્થૂળ સમય તમારો છે.

બે કદમ આસમાનની દૂરી,
છો કરો ભૂલ સમય તમારો છે.

છો વસૂલો સખત પરિશ્રમથી,
વ્યાજ કે મૂળ સમય તમારો છે.

જ્યાં વસો છો તમે,પછી ત્યાં;વસી-
જાય ગોકુળ, સમય તમારો છે.

અશોક વાવડીયા

છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન
પાનખર વિણ વસંત આવે નૈ.
એમ સીધો ઉમંગ આવે નૈ.

દુખ ભરી સાંજ,પ્રભાતે સુખ;
કોઈ એક,કદી સળંગ આવે નૈ.

કેટલાંયે ઉઠે વમળ ભીતર,
વ્યર્થ કાંઠે તરંગ આવે નૈ.

નામ તેનો જ નાશ છે કાયમ,
કોઈનું કૈ અનંત આવે નૈ.

પૂછડું બાંધવું પડે ત્યારે,
કાબુ જ્યારે પતંગ આવે નૈ.

કર્મના ફળ સ્વરૂપ આપે ઈશ,
ક્યાંય આડો સબંધ આવે નૈ.

-અશોક વાવડીયા

છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

તું પ્રથમ મળ એક પણ કારણ વિના,
સ્નેહ સૌ કળ એક પણ કારણ વિના.

પ્યાસ મારી જોઈ રણના ઝાંઝવા,
થાય જો જળ એક પણ કારણ વિના.

થાય દુશ્મનનું ભલું મારા થકી,
હે દુવા ફળ એક પણ કારણ વિના.

જે તળેટી પર છે, શિખરે એજ છે;
જળ સમો ઢળ એક પણ કારણ વિના.

દુખ વિચારીને દુખી શે થાય છે,
ખુશ રે હર પળ એક પણ કારણ વિના.

-અશોક વાવડીયા

છંદ= રમલ બહરનો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુઈન

કોઈને મારવા નહીં આવે,
કોઈને તારવા નહીં આવે.

ઘોર કળિયુગ નખોદ વળશે,ને-
કોઈ ઉગારવા નહીં આવે.

આવશે રામ કે નહીં સીતા,
દશ મુખી હારવા નહીં આવે.

ના રહ્યા દેવકી હવે વસુદેવ,
કૃષ્ણ અવતારવા નહીં આવે.

ક્યાંય ગોવાળ ને નથી ગોકુળ;
કૃષ્ણ ગૌ ચારવા નહીં આવે.

ભક્ત પ્રહલાદ છો હવે સળગે,
વિષ્ણુ પણ ઠારવા નહીં આવે.

ના વલોણાં રહ્યા હવે ગોપી-
નોની ઉતારવા નહીં આવે.

-અશોક વાવડીયા

*નોની= માખણ,નવનીત
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

જેમ સોનાની કસોટી આગમાં,
એમ સાધુની કસોટી ત્યાગમાં.

કાપવું, ઘડવું રહે આકારમાં,
વિશ્વકર્માની કસોટી સાગમાં.

હાથમાં ડમરું ને મહુવર વેશમાં,
રે મદારીની કસોટી નાગમાં.

પોષવું,કરવું, સુશોભિત રાખવું;
એક માળીની કસોટી બાગમાં.

નિત નવાં પડકાર લાવે જિંદગી,
એક ભાઈની કસોટી ભાગમાં.

-અશોક વાવડીયા

*મહુવર= મહુઅર; મોહર; મોહ લગાડે તેવા સૂરનું વાજું; વાદી, મદારી કે ગરુડીની વાંસળી; તૂંબડીને એક છેડે બે પાવા લગાડીને બનાવેલું ફૂંકીને વગાડવાનું વાજું; મોરલી.

છંદ= રમલ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુઈન

સફળતા એ નથી, દુનિયા જુએ છે;
સફળતા એ,મળી દુનિયા જુએ છે.

રહે છે "દૂધ માં સાકર ભળી",એ-
સરળતાથી ઘણી દુનિયા જુએ છે.

તુરો,કડવો,મધુર, ખારો સમજનાર,
લહેજત અનુભવી દુનિયા જુએ છે.

જુએ સાકાર સપના જાગતાં જે,
સનાતન એ નવી દુનિયા જુએ છે.

લખો ઉપયોગનું ને ભાવ સ્પષ્ટ,
લખે એનાં ભણી દુનિયા જુએ છે.

-અશોક વાવડીયા

છંદ= હજઝ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
લગાગાગા લગાગાગા લગાગા
અરબી શબ્દો
મફાઈલુન મફાઈલુન ફઊલુન

લાલ પીળી સુગંધ આવે છે,
ફાગણીયો ઉમંગ આવે છે.

કૂંપળે ઘોષણા કરી છે, કે-
પાનખરનો રે અંત આવે છે.

મૉર આંબે અથાગ ઝૂલે છે,
કહી દો સૌને વસંત આવે છે.

કેસરી વેશ કેસૂડો, જાણે-
દૂરથી કોઈ સંત આવે છે.

શબ્દ સ્ફુરે કલમ ઉપાડું, ને-
ભીતરે કંઈ તરંગ આવે છે.

-અશોક વાવડીયા

છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન