Morning dream in Gujarati Classic Stories by SHAMIM MERCHANT books and stories PDF | સવારનું સપનું

Featured Books
Categories
Share

સવારનું સપનું


આજે સવારે જ્યારે હું હંસિકાને ઉઠાડવા ગઈ, તો એના મોઢા પર એક મોટું સ્મિત હતું. એ હજી ઊંઘમાં હતી, પણ એનો ચહેરો જોઈને લાગ્યું, કે કોઈ સારું સપનું જોતી હશે. કોલેજનો સમય નહોતો થયો, ઘણી વાર હતી. આખો દિવસ તો ઉલ્લાસથી નાચતી, કૂદતી, દોડાદોડી કરતી હોય છે. સુતેલી એટલી શાંત અને સુંદર લાગી રહી હતી, મન થયું, બે ઘડી એને જોતી રહું. જરા પણ ડિસ્ટર્બ ન કરું.

થોડી વાર પછી એણે આપમેળે આંખ ખોલી અને સૌ પ્રથમ એની નજર મારા પર પડી. મને જોવાની સાથે એની મુસ્કુરાહટ હજી મોટી થઈ ગઈ અને હંસિકાનો ચહેરો પહેલા કરતા વધુ ખીલી ગયો. એને જોઈને, હું પણ મારુ સ્મિત રોકી ન શકી, અને તેની બાજુમાં બેસીને કહ્યું,
"ગુડ મોર્નિંગ બેટા."
"ગુડ મોર્નિંગ મમ્મી."
"શું વાત છે! આજે તું ઊંઘમાં બહુ મલકાઈ રહી હતી. સપનામાં કોઈ રાજકુમારને જોયો લાગે છે."

હંસિકા બેઠી થઈ, અને ટેવ મુજબ પોતાની હથેળી સામે જોઈને મોઢે હાથ ફેરવ્યો. પછી ઉત્સુકતાની સાથે કહ્યું,
"રાજકુમાર તો નહીં, પણ હાં મમ્મી, આજે મે એક અતિશય સુંદર સપનું જોયું, ખબર નથી એનો શું અર્થ હશે, પણ જે જોયું, એનાથી દિલ ખુશ થઈ ગયું."
"અચ્છા! એવું શું જોયું? હું પણ તો સાંભળું."

"જરૂર, હું તમને કહેવા ઉત્સાહિત છું."
હંસિકા ઉભી થઇ અને ધીમે ધીમે, સાવચેતી સાથે, સપનું યાદ કરીને કહેવા લાગી. જાણે કાયક મહત્વનું છૂટી ન જાય.
"તમને થોડું વિચિત્ર લાગશે, પણ મે જોયું, કે પાણીનો પડછાયો આકાશ પર પડી રહ્યો હતો. સીતારાઓથી ભરેલા આકાશમાં એક મોટુ મયુર પંખ ફેલાયેલું હતું. અને પંખની વચ્ચોવચ્ચ એક મોટો ધ્રુવ તારો હતો, જેને એક નાની છોકરી સ્પર્શ કરી રહી હતી. અને એ નાની છોકરી... હું હતી."

હું હંસિકાનું સપનું સાંભળતી રહી ગઈ. જ્યારે તે મારી બાજુમાં આવીને બેઠી, ત્યારે અમારા બન્નેનું સ્મિત એક જેવુ હતું.
"મમ્મી, તમે આટલું બધું સપનાઓ અને એસ્ટ્રોલોજીના બારામાં વાંચન કરો છો, તો કહોને, આ સપનાનું શું અર્થ હશે? સવારનું સપનું છે, એટલે મને જાણવાની વધુ ઉત્સુકતા છે."

હું થોડી વાર ચૂપ રહી અને વિચારવા લાગી. મને એને કોઈ ખોટી આશા નહોતી આપવી, પણ સાથે સાથે, મારે એ પણ ધ્યાન રાખવાનું હતું, કે એની ઉત્સુકતા ઓછી ન થાય.
"હંસિકા, આ સપનાના બે તાત્પર્ય નીકળે છે. એક તો મયુર પંખ. મોરના પીંછા સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. તે નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને સકારાત્મક વાઇબ્સને આકર્ષિત કરે છે."
હંસિકાનો ઉલ્લાસ વધ્યો.
"વૉવ મમ્મી! ધેટ્સ ગ્રેટ! જલ્દી, આગળ બોલો."

હું હંસી પડી.
"અને સપનામાં તારાને જોવું, એ રજૂ કરે છે કે તું પોતાનો લક્ષ્ય શોધી રહી છે. સામાન્ય રીતે, સપનામાં તારાને જોવું સુખી પરિણામનું પ્રતીક છે."
હંસિકા ખુશ થતા મને વળગી પડી અને કહ્યું,
"Fabulous!! તમને ખબર છેને, મને લેખિકા બનવું છે. એક પ્રસિદ્ધ લેખિકા."
મે મજાકમાં એનું નાક ખેંચ્યું અને ઉભા થતા આદેશ આપ્યો,
"હાં જરૂર. પણ સપના જોવાથી સાકાર નથી થતા, મહેનત કરવાથી થાય છે."

"મેડમ."
મે ચશ્મા સીધા કર્યા અને મમ્મીની ડાયરી બંધ કરતા ઊંચું જોયું, મારો ડ્રાઇવર સામે ઉભો હતો.
"શું થયું રામસિંગ?"
"મેડમ, તમારી પુસ્તક વિમોચન સમારોહનો સમય થઈ ગયો છે. કાર તૈયાર છે."
"આભાર રામસિંગ. બસ પાંચ મિનિટ, હું આવું છું."
મે મમ્મીના ચંદન માળા ચડેલા ફોટા સામે જોયું અને એની આગળ દિવા બત્તી કરીને નમનમાં ઉભી રહી.
"મા, આજે મારી આઠમી પુસ્તકનું વિમોચન સમારોહ છે. સપનું મે જોયું હતું, પણ એની રૂપરેખા તમે સમજાવી હતી. અને મારા લક્ષ્યથી ક્યારેય ભટકાય ન જાવ, એનું પણ તમે ધ્યાન રાખ્યું હતું. બસ આજ રીતે, તમારો આશીર્વાદ સદૈવ મારા પર બનાવી રાખજો."

શમીમ મર્ચન્ટ, મુંબઈ.