Pati Patni ane pret - 18 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૧૮

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૧૮

પતિ પત્ની અને પ્રેત ૧૮

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૮

રેતા અને રિલોકના પ્રશ્નો સાંભળી ચિલ્વા ભગત સહેજ હસ્યા અને થોડીવાર આંખો બંધ કરી કંઇક સ્મરણ કરતા હોય એમ બેસી રહ્યા. પછી બોલ્યા:"જામગીરકાકાએ મને જે વાત કરી હતી એના પરથી મને અંદાજ આવી ગયો હતો. એટલું જ નહીં મારી શક્તિઓએ પણ મને અહેસાસ કરાવ્યો કે ડૉ.ઝાલનની હત્યા જયનાએ જ કરી છે. જયના ભલે મૃત્યુ પામી છે પણ એનું પ્રેત ફરી રહ્યું છે. એની અધૂરી ઇચ્છા એના પ્રેતને આ વિસ્તારમાં ભટકાવે છે. ડૉ.ઝાલનના અંતિમ સંસ્કારની ગામલોકો વ્યવસ્થા કરી રહ્યા હતા ત્યારે જામગીરકાકા મને એક ખૂણામાં લઇ ગયા અને એમણે જે વાત કરી એ સાંભળીને કોઇપણ ચોંકી જાય એમ હતું. એમને ખુદ ડૉ.ઝાલને જયનાના મૃત્યુની એ દિવસની વાત કરી હતી. મારું માનવું છે કે જામગીરકાકા જ એમની ડૉ.ઝાલન સાથેની વાત કરે તો યોગ્ય રહેશે. હું અત્યારે બીજી બાબતો પર ધ્યાન ધરી રહ્યો છું. આપણે જયનાના પ્રેતનો સામનો કરવો પડશે. વિરેનને તેની પાસેથી છોડાવવાનું કામ સરળ નથી..."

ચિલ્વા ભગતનો અનુરોધ સ્વીકારી જામગીરે એ દિવસને યાદ કરતાં કહ્યું:"હું લગ્નના આગલા દિવસે ડૉ.ઝાલનને મળવા ગયો ત્યારે તે મૂંઝવણમાં હતા. મને નવાઇ લાગી. આવતીકાલે જેના લગ્ન થવાના છે એ ડૉ.ઝાલન અત્યારે આમ કોઇ બીમાર દર્દી જેવા ચહેરા સાથે કેમ બેઠા છે? એમને કોઇ તકલીફ થઇ રહી હશે કે શું? મને જોઇને એમણે કોઇ પ્રતિસાદ ના આપ્યો. એમના મોં પર સંતાપ હતો. મેં એમને પૂછ્યું:"ડૉ.ઝાલન, કોઇ તકલીફ છે? તબિયત સારી છે ને?" તો પણ એમણે કોઇ જવાબ ના આપ્યો. મારી ચિંતા વધી ગઇ. મેં તેમનો હાથ પકડી ઢંઢોળ્યા:"ડૉ.ઝાલન... ડૉ.ઝાલન...સાંભળો છો ને? તમને કંઇ થઇ રહ્યું છે?"

આખરે એમણે મોં ખોલ્યું:"જામગીરભાઇ...શું કહું? મને દિલમાં તકલીફ થઇ રહી છે. એ તકલીફની દવા કોઇ ડોકટર કે વૈદ્ય આપી શકે એમ નથી. એ તકલીફ મારા મનને કારણે છે. મારા મનમાં એક પસ્તાવો થઇ રહ્યો છે..."

"શેનો પસ્તાવો? શું હંસા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું એ ખોટું લાગે છે?" મેં પૂછ્યું.

"ના, હંસા સાથે લગ્ન કરવા જે કર્યું એ ખોટું કર્યું એનો ગુનાહિત ભાવ મને ચેનથી બેસવા દેતો નથી..."

"ડૉ.ઝાલન...તમે શું ખોટું કર્યું? હંસા સાથે નવું જીવન શરૂ કરવા માગો છો એ ખોટું નથી." મને સમજાતું ન હતું કે ડૉ.ઝાલન કયા ગુનાની વાત કરીને પોતાને દોષી માની રહ્યા છે.

"મેં...મેં...જયનાને મારીને ખોટું કર્યું છે...આ હાથ... જેમાં એ લાડકી ઉછરી હતી એનાથી જ એનો જીવ લઇ લીધો..." કહી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.

હું તો એમની વાત સાંભળીને ચોંકી ગયો હતો. પૂતળાને જેમ આંખને પલકારો માર્યા વગર એમની સામે જોઇ રહ્યો. એમની નજર જ નહીં આખું માથું શરમથી- પોતે કરેલા પાપથી ઝૂકી ગયું હતું. મને એમની વાત માનવામાં આવતી ન હતી. ડૉ.ઝાલને પોતાની જ પુત્રીની હત્યા કરી દીધી? જયનાનો એવો તો કયો ગુનો હતો કે એની હત્યા કરવી પડે. અને એમણે જ તો કહ્યું હતું કે જયનાએ ગાંડપણમાં એના હાથમાં ચીરો પાડી મોતને વહાલું કરી દીધું હતું.

રડીને એમની આંખો સૂજી ગઇ હતી. મેં એમને પાણીનો ગ્લાસ ધર્યો. એમણે પાણી પીવાને બદલે જમીન પર એ પાણીની ધાર કરી ઉપર જોઇ કહ્યું:"જયના...બેટી જયના...મને માફ કરજે...મારા અપરાધ બદલ જે સજા આપીશ એ મને મંજુર હશે. પણ મેં તારી બાકીની જિંદગી દુ:ખમાં ના વીતે અને મારી બાકીની જિંદગી ખુશહાલ રહે એ માટે આ પગલું ભર્યું હતું..."

મને પહેલાં તો એમ થયું કે ડૉ.ઝાલનની ડાગળી ચસકી ગઇ તો નથી ને? કેવી કેવી વાતો કરી રહ્યા છે.

મારા વિચારો આગળ વધે એ પહેલાં જ પાણીનો ગ્લાસ બાજુમાં મૂકી ડૉ.ઝાલન ગંભીર થઇ બોલ્યા:"ભાઇ, હું સાચું બોલી રહ્યો છું. મેં જયનાની હત્યા કરી છે. તમને જયનાની આત્મહત્યાની જે વાત કરી હતી એ ખોટી હતી. હવે એ વાત કહી રહ્યો છું જે મારા દિલમાં શૂળ બનીને ચૂભી રહી છે. મારી ફૂલ જેવી દીકરીની હત્યા કરતાં મારું કાળજું કંપી ગયું હતું. પરંતુ એ સમય પર મને એ યોગ્ય લાગ્યું હતું. મેં જ્યારે જયના સમક્ષ મારા હંસા સાથેના લગ્નનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તેનું પાગલપન વધી ગયું. તે ધમાલ કરવા લાગી. પોતાના લગ્ન માટે જીદે ચઢી. તેને થયું કે હું આટલા સમયથી મારા લગ્ન માટે કહી રહી છું અને મારા લગ્ન કરાવતા નથી. પોતાના લગ્ન કરવાની ઉતાવળ કરી રહ્યા છે. મારા લગ્નથી એને એના લગ્નનું સપનું તૂટતું લાગ્યું. મેં એને સમજાવી કે કોઇ સારો છોકરો મળશે એટલે તારા લગ્ન કરાવી આપીશ. તેણે મારી કોઇ વાત માની નહીં અને બૂમાબૂમ કરવા લાગી. ત્યારે આસપાસમાં કોઇ હતું નહીં. હું કોઇને મદદ માટે બોલાવવા જઉં એટલો વખત એકલી છોડી શકું એમ ન હતો. એને જબરદસ્તી પકડીને બાંધી દીધી. તેણે ઘણા હાથપગ માર્યા પણ હું એને બાંધી દેવામાં સફળ રહ્યો. તે હાથપગ પછાડતી મારી સામે લાલઘૂમ આંખે બેફામ બબડી રહી હતી. મેં એના મોંમાં કાગળનો ડૂચો દબાવી દીધો. તે તરફડતી રહી. મેં એક વિચાર કર્યો અને ઉંઘનું ઇન્જેક્શન લાવીને આપી દીધું. થોડી જ વારમાં એ બેભાન જેવી થઇ ગઇ. મને ખ્યાલ હતો કે ચાર કલાક સુધી ઉઠવાની નથી. એના શરીર પરથી દોરડું છોડી ખાટલામાં સૂવડાવી દીધી. તેને શાંત ઉંઘતાં જોઇ મને થોડી રાહત થઇ. મને એક વાત સમજાઇ ગઇ કે જયના પોતાના લગ્ન કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. મારા લગ્ન સામે તેને જિંદગીભર વિરોધ રહેવાનો છે. જાગીને તે મારા ઉપર હુમલો કરી શકે છે. ગાંડપણને કારણે એના લગ્ન મારાથી કરાવી શકાશે નહીં. એની જિંદગી બરબાદ થઇ રહી છે. વર્ષો સુધી એ પોતે હેરાન થશે અને મને પણ હેરાન કરશે. હું હંસા સાથે શાંતિથી જીવી શકીશ નહીં. જીવનમાં દુ:ખ જ દુ:ખ રહેવાનું છે. જો એને મારી નાખવામાં આવે તો એનો છૂટકારો થઇ જાય. એ આવી જિંદગીમાંથી છૂટી જશે અને હું એક નવું જીવન શરૂ કરી શકીશ. મેં એક નિર્ણય લઇ લીધો. દવાખાનામાંથી એક જૂનું વપરાયેલું ઇન્જેક્શન લઇને દિલ પર પથ્થર રાખી તેના હાથમાં એ ઇન્જેક્શન પકડાવી તેના જ હાથની નસ કાપી નાખી. તે સહેજ તરફડી અને તેનો જીવ નીકળી ગયો.

જામગીરને આટલું બોલતાં શ્રમ પડ્યો એના કરતાં દુ:ખ વધારે થયું હોય એમ અવાજ પરથી લાગ્યું. જામગીરનો અવાજ ભીનો થઇ ગયો હતો. એમના દિલમાં પણ કોઇ દર્દ હતું.

રેતાને જયનાની હત્યાની વાતથી આઘાત લાગ્યો હતો. તે બોલી ઊઠી:"કાકા, તમે કેમ આ વાત બધાંને કરી નહીં? ડૉ.ઝાલન ભલે લોકોનો જીવ બચાવતા હોય પણ આમ પોતાની જ પુત્રીનો જીવ લેવાનો તેમને કોઇ અધિકાર ન હતો..."

"બેટા, તારી વાત સાચી છે. પણ હું મજબૂર હતો..." જામગીરના અવાજમાં બધાંને ભારે દર્દ વર્તાયું.

"તમે તો ગામના વડિલ છો. તમારે ન્યાય ખાતર ડૉ.ઝાલનના કૃત્યને જાહેર કરવું જોઇતું હતું. તમારી એવી તે કઇ મજબૂરી હતી કાકા કે એક દીકરીના મોતને છુપાવ્યું?" રેતાને સમજાતું ન હતું કે જામગીરકાકાએ જયનાની હત્યાની વાતને છુપાવવા સાથ કેમ આપ્યો.

વધુ ઓગણીસમા પ્રકરણમાં...

***