Music in Gujarati Anything by પ્રિયાંશી સથવારા આરિયા books and stories PDF | સંગીત

Featured Books
Categories
Share

સંગીત

તેરા મેરા રિશ્તા હૈ કૈસા
ઈક પલ દૂર ગવારા નહિ,
તેરે લિયે હર રોજ હૈ જીતે
તુઝકો દિયા મેરા વક્ત સભી,


આપણા બધાનું કદાચ ફેવરેટ હશે આ ગીત, અને જ્યારે આ લાઇન આવે ત્યારે તો એમ લાગે કે "આહાહા આ લાઇન તો મારી માટે જ છે....."

રાઈટ??? મને પણ એવું જ લાગે. જ્યારે-જ્યારે રાત્રે 12 વાગ્યે કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાઈને (ઈયર પોડ્સ લેવાની ઓકાદ નથી એટલે નહિ લા, પણ મને બ્લુટૂથવાળા નથી ગમતા. એવું લાગે કે એનાથી જલ્દી કાન ખરાબ થઈ જશે. એટલે......) જ્યારે-જયારે હું આ ગીત સાંભળું તો આહા એવું લાગે કે અરીજીત અને પલક મૂછછલને સાઇડમાં મૂકી હું જ ગીત ગાવા લાગુ. એટલી જોરદાર ગીત ગાઉ કે આસપાસના પાડોશીઓ મને ઓસ્કર એવોર્ડ આપી દે ચૂપ થવા માટે...

પછી તો સાથે સાથે આખા દિવસની આવેલ નોટિફિકેશન જોયા કરું, આવા જ ગીતો સાંભળતા. કેટલીક વખત તો એવું લાગે કે જો આ સંગીત કે મ્યુઝિકની દુનિયા જ ન હોત તો શું થાત????

એક મસ્ત મજાની યુ ટ્યુબ ચેનલ છે "હોન્ટિંગ ટ્યુબ" એમા બતાવવામાં આવ્યું કે મધ્યયુગીન રોમમાં લગભગ 15મી સદીની આસપાસ એવો એક રોગ ફેલાયો જે ડાન્સ રોગ હતો. એટલે કે લોકો દિવસો સુધી નાચીને મૃત્યુ પામતા, અથવા તો ઠીક થઈ જતા. ખૂબ સાદા મ્યુઝિક પર એ લોકો ડાન્સ કરતા, પણ એ વખતના ડોકટર આ બાબત સમજી ન શકતા. ડાન્સ અને સંગીતનો આ સુભગ સમન્વય બીજે ક્યાં જોઈ શકાય???

મધ્યયુગમાં જ અકબરના સમયમાં જઈએ તો એમના સમયમાં સંગીતની દુનિયા ખૂબ વિકસેલી હતી. વડનગરના તાના-રીરીના સમયના મલ્હાર રાગને કઈ રીતે ભૂલી શકાય???

બિચારા નીતિન સિંઘાનિયાને આર્ટ અને કલચરમાં સંગીતને આખી એક અલગ કલા તરીકે સ્પેશ્યલ મેનશન આપવું પડ્યું. વિચારો આ બધું જ ન થયું હોત તો??

સંગીત એટલું અગત્યનું છે કે પ્રાચીન કાળથી એ સતત ચાલતું હોવા છતાં, અલગ ભાષાઓમાં હોવા છતાં, લોકોને કઈ જ સમજ ન આવતું હોવા છતાં "બુટ બમમાં" ગીત જોરજોરથી ગાઈએ છીએ. આ કોઈ મંત્ર નહિ પણ અલા અર્જુનનું નોન હિન્દી ડબડ પિક્ચર "અલા વૈકુંઠપુરમનું" ગીત છે.

એમાંય અંગ્રેજી નહિ પણ સ્પેનિશ ડેસપસીતો જેટલું પ્રખ્યાત છે એટલું કદાચ જ કોઈ હશે. અંગ્રેજી, સ્પેનિશ, ચાઈનીઝ, જાપાનીઝ, ઉર્દુ, તમિલ, તેલુગુ, મલયાલી આ બધી જ ભાષાઓના ગીતોના શબ્દો સમજ્યા વગર આપણે અમુક તો એટલા જોરથી ગાતા હોઈએ કે આપણી બાજુવાળાને એમ જ લાગે કે "નક્કી આને ભૂત વળગ્યું...."
હિન્દી ગીતોની હવે જે દશા ખરાબ થઈ છે એ પહેલાં નહતી.
સવાર-સવારમાં તો સાક્ષાત બદ્રી અને કેદારનાથ પહોંચી ગઈ છું, એવી ફીલિંગ આવે. જ્યારે ચાલુ થાય, "પવન મંદ સુગંધ શીતલ...." સાથે લક્ષ્મી સુકતમ લઈ લક્ષ્મી માતા અને ગાયત્રી જાપ લઈ ગાયત્રી માતા આવી જ ગયા હોય. સાથે સાથે શિવ તાંડવઃ સ્રોતમ ચાલુ કરી દેશ-વિદેશના લોકોની કમેન્ટ્સ વાંચી હું પણ એ જટિલ સ્ત્રોત ગાવાની કોશિશ કરું.
જ્યારે-જ્યારે શમ્મી કપૂર ગાય "યે ચાંદ સા રોશન ચહેરા." હું પણ એની સાથે જોરથી ગાઈ એમ જ તાળીઓ પાડતા કુદવા લાગુ.
જ્યારે દુઃખી હોઉં ત્યારે "આદત" અથવા "વો લમહે" સાંભળી મારી એકલતા દૂર કરું. જ્યારે વરસાદ પડે ત્યારે તો શર્મિલા ટાગોરનું ગીત "અબ કે સજન સાવન મેં" ચાલુ કરી બારીની બહાર વરસાદ જોવાનો નજારો માણું. જ્યારે પ્રિયતમની યાદ આવવા લાગે ત્યારે સેમ "તુમ હી હો" અથવા "તુમ હો" અથવા "નઈ લગદા જી મેરા માહિયા" ચાલુ કરી એ સાંભળું. આઈ એમ શ્યોર આવા બધા જ ગીતો સાથે આપણા ઇમોશન જોડાયેલ જ હોય છે.
અને જો નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક, ડાકલા કે દીપિકાનું "લીલી લેબડી" ના ચાલુ કરીએ તો આપણા દિવસો પસાર ના થાય.
ક્યારેય વિચાર આવ્યો છે કે જો જીઓવાળાએ કોલર ટ્યુનનો ઓપશન ના આપ્યો હોત તો અત્યારે કોરોના કરતા એની રિંગટોન સાંભળી બોરીયતથી મરનાર લોકો વધુ હોત.
બસ એમ જ સંગીતને કારણે આપણે અને આપણી આ સીધી-સાદી જિંદગી ચાલી રહી છે. એ વગર શુ થાત? એ વિચારી પણ ના શકાય.
છેવટે, હેન્ડ્સ ફ્રી લોકોને માત્ર ઇગ્નોર કરવાના જ નહીં ગીતો સાંભળવાના પણ કામમાં આવે છે. એ આપણે યાદ રાખવું જોઈએ.
તો કોઈ માણસ ભલે સાથ નિભાવે કે ન નિભાવે પણ સંગીતે આપણો સાથ બરાબર નિભાવ્યો છે. અને એ સાથ તો છૂટવાથી રહ્યો.


તારો મારો સાથ જગથી નિરાળો
એવું નથી કે આપણે એકબીજાના,
ઘણા છે તારી સરાહના કરનારા
હું તો માત્ર સાંભળી ખુશ થઉં તને,
તારી તો પૂજા કરનારા ઘણા છે....


અને જો આ લેખ પૂરો થવાથી તમને પણ દુઃખ થયું હોય તો પ્રતિભાવમાં જરૂર તમારા ગમતા ગીતો લખી મારી પ્લેલીસ્ટ લાંબી કરવા વિનંતી.

(બીજા ઘણા એવા દક્ષિણ ભારતીય ગીતો છે, જે તમે સાંભળશો તો કદાચ તમે એના સંગીતમાંથી બહાર નહિ નીકળી શકો...)