RED AHMEDABAD - 11 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 11

Featured Books
  • नज़र से दिल तक - 14

    अगली सुबह hospital के atmosphere में वही usual hustle था, ले...

  • Shadows Of Love - 2

     Secrets of the Night – झील के भीतरझील की सतह पर उभरा वह चमक...

  • अंतिम प्रतिबिंब

    कहानी का शीर्षक: अंतिम प्रतिबिंब ️ लेखक: विजय शर्मा एरी---रव...

  • जीवन का विज्ञान - 1

    जीवन का विज्ञान देह, मन, आत्मा और मृत्यु का संतुलित रहस्य —...

  • Saza e Ishq - 1

    एक बड़े से महल जैसे घर में एक बड़े से कमरे में एक बड़े से मि...

Categories
Share

રેડ અમદાવાદ - 11

૨૦૧૭

સી.જી. રોડથી ઝેવિયર્સ કોર્નર તરફ જતા માર્ગમાં સ્થિત મનહર પટેલના બંગલામાં પટેલ અને ભટ્ટ ડ્રોઇંગ રૂમમાં ચર્ચા કરી રહ્યા હતા. પટેલ તેની આદત મુજબ સફેદ સુતરાઉ લેંઘા-ઝભ્ભામાં લાકડાની બનેલ આરામ ખુરશી પર હાથમાં ચાના કપ સાથે બેઠેલો હતો. સામે ૬૫ ઇંચના ટીવી પર સમાચાર ચાલી રહેલા. ભટ્ટ ખુરશીની પાસેના સોફા પર બિરાજેલ હતો. સમીરાબેન ભટ્ટ માટે પણ પહોળો લંબગોળાકાર, ચમકતો કાચ ધરાવતી ટીપોઇ પર ચા પીરસી ગયા હતા. ટીપોઇ પર સમાચારપત્ર અને વ્યવસાયિક સામાયિકપત્ર પણ પડેલું હતું. જેમાં પટેલ અને ભટ્ટનો ફોટો મુખપત્ર પર છપાયેલો. પટેલે થોડી વાર પહેલાં જ સમાચારપત્ર વાંચીને મૂક્યું હોય તેમ તેની ગડી પણ બરોબર વળેલી નહોતી.

‘આપણો...’, ભટ્ટ થોડુંક અટક્યા, ‘રોહનને કેનેડા મોકલવાનો નિર્ણય અત્યંત નફાકારક સાબિત થયો... કેમ?’, ભટ્ટે ટીપોઇ પર પીરસાયેલ ચાનો કપ ઉઠાવ્યો.

‘હં... દીર્ઘર્દષ્ટિ કોની? પટેલની ભાઇ...’ , પટેલે ચાની ચૂસ્કી માણી.

‘હાસ્તો વળી, એ તો છે જ... આ વિષય પર તને વિચાર કેવી રીતે આવ્યો?’, ભટ્ટે પટેલની ર્દષ્ટિ વિષે જાણવાની ઉત્સુકતા દર્શાવી.

પટેલે ચાની લિજ્જત માણતા માણતા જ વાત આગળ વધારી, ‘મે-૨૦૧૬માં, હું જે સંસ્થાનો ટ્રસ્ટી છું તેમાં પુરાતત્ત્વવિદ્યાશાખામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ મને એક રીસર્ચ પેપર અભ્યાસ કરવા આપ્યું. મેટ વિન્ડસર લિખીત તે પેપરમાં આઇએસઆઇએસના ભૂગર્ભમાં છુપા સ્થળોની તપાસ કરવા માટે વપરાતા સેટેલાઇટ રીમોટ સેંસીંગની વાત કરેલી હતી. ખરેખર વિષય છે સ્પેસ આર્કિઓલોજીનો, પરંતુ તેના દ્વારા ધરાની છાતીમાં દબાયેલા રહસ્યો પણ શોધી શકાય તેમ હતું, તે બાબત મને પેપરનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાથી જાણવા મળી.’

‘પણ...તું આ વિષયમાં એટલો નિષ્ણાંત નથી. તો તે આટલી બધી માહિતી મેળવી કેવી રીતે?’, ભટ્ટે મનમાં ચાલી રહેલા વિચારોની માયાજાળમાંનો એક પ્રશ્ન પટેલ સમક્ષ મૂક્યો.

‘એટલે જ તો રોહનને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં આર્કિઓલોજીનો અભ્યાસ કરવા મોકલ્યો. આટલો બધો ખર્ચો કરવાનું કારણ એક જ હતું કે રોહન આ વિષયમાં અભ્યાસ કરે અને આપણને તેનો પૂરેપૂરો લાભ થાય.’, પટેલે ચાનો કપ ટીપોઇ પર મૂક્યો અને ખુરશી છોડીને સોફા પાસે ગોઠવેલ નાના કબાટના પહેલા ડ્રોઅરમાંથી એક કાગળ કાઢીને ભટ્ટને સોંપ્યો, ‘વાંચ.’

ભટ્ટે ચાનો કપ ટીપોઇ પર મૂક્યો અને ગડી કરેલો કાગળ ખોલ્યો. કાગળ પર પટેલની શૈક્ષણિક સંસ્થાનું લાક્ષણિક ચિહ્ન હતું. સાથે સાથે લખાણ હતું.

માનનીય સાહેબશ્રી,

જયભારત સહ, આપશ્રી સાહેબને સહર્ષ જણાવવાનું કે હું ડૉ. મનહર પટેલ, તમારી પ્રતિષ્ઢિત સંસ્થાને આર્થિક ફાયદો કરાવી શકું તેમ છે. જે અર્થે આપશ્રીએ પણ મને મારા અત્યંત ખાનગી કાર્યમાં મદદ કરવાની રહેશે. કાર્ય મારૂ નામ વાંચીને તમે સમજી ચૂક્યા હશો.

આભાર સહ

ડૉ. પટેલ

ભટ્ટે નજર પટેલ તરફ ફેરવી, ‘કયું ખાનગી કાર્ય? તું શું ફાયદો કરાવી શકે તેમ છે? અને આ પ્રતિષ્ઢિત સંસ્થા કઇ છે?’

‘શાંત...! ભાઇ...! જો આ કાગળ હજુ મેં મોકલ્યો નથી. તેની સોફ્ટ કોપી હું મોબાઇલ દ્વારા મોકલવાનો છું. હાર્ડકોપી મોકલવાની નથી. હું નથી ઇચ્છતો કે કોઇ પણ આપણી ભવિષ્યની યોજના વિષે જાણે.’, પટેલે તે કાગળ ભટ્ટના હાથમાંથી લઇ લીધો.

‘મને તો જણાવી શકે ને...’, ભટ્ટે ચાનો કપ ટીપોઇ પરથી ઉપાડ્યો.

‘હા...કેમ નહિ... આ કાગળ જશે રાજસ્થાનની એક સંસ્થાને, જે આર્કિઓલોજી વિષયને લગતું કામ કરે છે. અને તે આપણને આપણા કાર્યમાં મદદ પણ કરશે. પરંતુ તે પહેલાં...’, પટેલ અટક્યો.

‘તે પહેલાં...’, ભટ્ટ સ્થિર બન્યો.

‘તે પહેલાં...રોહનને કેનેડા સ્થાયી થવા દો, તેનો અભ્યાસ પૂર્ણ થવા દઇએ, અને પછી તેની મદદથી આપણે આપણું કામ આગળ વધારીશું.’, પટેલે પાછું આરામ ખુરશી પર લંબાવ્યું.

બંને ચાની ચૂસ્કી લેવામાં મશગૂલ બન્યા.

*****

ગુજરાત યુનિવર્સિટી,

‘સાહેબ... મેં પટેલને સેટેલાઇટ દ્વારા મેળવેલી છબીઓની વાત કરી તો તે એકદમ અવાક બની ગયા. જાણે નસોમાં લોહી ફરતું બંદ થઇ ગયું હોય.’, ભાવિન તેના ગાઇડ મુકેશના રૂમમાં દાખલ થયો.

ડૉ. મુકેશ પટેલ સ્કુલ ઓફ સાયન્સના કેમેસ્ટ્રિ વિભાગમાં વડા તરીકે ફરજ નિભાવતા હતા. તેઓના માર્ગદર્શન હેઠળ ૬ વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી ચૂકેલા અને ભાવિનનો ક્રમાંક સાતમો હતો. મુકેશ પટેલને યુનિવર્સિટી સાથે જોડાયાને આશરે ત્રણેક વર્ષ જ થયા હતા. પરંતુ તેમના જ્ઞાન અને શિક્ષણનિતીને કારણે તેઓએ વિદ્યાર્થીઓમાં એક આગવું સ્થાન મેળવ્યું હતું. તે પહેલાં તેઓ અન્ય યુનિવર્સિટીમાં ફરજ નિભાવી ચૂકેલા અને ત્યાં પણ તેઓ ઘણાં વિદ્યાર્થીઓની પીએચ.ડી.ની પદવી માટે માર્ગદર્શક બન્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં હજી તેમની શરૂઆત હતી. ભાવિનને રેડિયોએક્ટિવ પદાર્થો પ્રત્યે પહેલીથી જ રૂચિ હતી, અને મુકેશ પણ તે જ વિષયમાં નિષ્ણાંત હતો. આથી જ તેમણે ભાવિનના માર્ગદર્શક બનવાનું સ્વીકાર્યું હતું.

‘તારે પટેલની સામે જવાની જરૂર નહોતી...’, મુકેશના શબ્દોમાં ભાવિન માટે ચિંતા વર્તાઇ.

‘કેમ સાહેબ...? તેમણે જે શોધનો દાવો કર્યો છે, તેના પર તો આપણે કામ કરી રહ્યા છીએ. કદાચ ભારતમાં આ પ્રસ્તાવ મૂકનાર આપણે સૌથી પહેલા હોઇશું...’, ભાવિન અટક્યો, ‘વળી, તેઓ પાસે આ માહિતી ક્યાંથી આવી તે જાણવું તો જરૂરી બને છે ને?’

‘ના...’, મુકેશ ગુસ્સે થયો, ‘એવું નથી... તેં એની સામે જઇને, એની આંખો ઉઘાડી દીધી છે. હવે તે જાણી ચૂક્યો છે કે તેના સિવાય અન્ય પણ એ જ વિષય પર કાર્યરત છે, જેના માટે તેણે સમિટમાં એવોર્ડ સ્વીકાર્યો છે.’

‘તો મેં કોઇ ભૂલ કરી છે? મારે ત્યાં જવા જેવું નહોતું.’, ભાવિન થોડો ઉદાસ થયો.

‘હા...અવશ્ય તે ભૂલ તો કરી છે. પરંતુ હવે તેને સુધારવી પડશે. થોડા સમય માટે તું અહીંથી ચાલ્યો જા. અમદાવાદમાં અને ખાસ કરીને સ્કુલ ઓફ સાયન્સના વિસ્તારમાં દેખાતો નહિ.’, મુકેશે ભાવિનના ખભા પર સમજાવટનો હાથ મૂક્યો.

‘સારૂ સાહેબ... તમે જે કહો તેમ...’, ભાવિન રૂમમાંથી ચૂપચાપ નીકળી ગયો.

ભાવિનના રવાના થતાની સાથે જ મુકેશનો ફોન રણક્યો. મુકેશે ફોન ઉપાડ્યો, ‘મેં તેને સમજાવી દીધો છે સાહેબ... હવે તે આ વિષય પર ના તો વાત કરશે કે ના આપને અમદાવાદમાં દેખાશે...’

‘ગુડ...! તેને જેટલો દૂર રાખશો તેટલો જ તમારો ફાયદો છે. આર્થિક અને સામાજીક બંને, સાથેસાથે માનસિક પણ’, શબ્દોની રેખા પૂરી થતાં જ ફોન કપાઇ ગયો.

*****

કલોલ, ભાવિનના ઘરે

‘મોટાભાઇ... શું આ સમાજમાં પ્રતિષ્ઢિત લોકોનું વર્ચસ્વ જ ચાલશે?’, ભાવિન તેના જ્યેષ્ઠ ભાઇના પગ પાસે બેઠેલો. ગાદલાની પાસે.

ભાવિન કલોલ ગામમાં અંબિકાનગરથી મહેસાણા તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક આઠની ડાબી તરફ અંબિકાનગરથી આશરે ૮૦૦ મીટરના અંતરે આવેલ શારદા સોસાયટીની પાછળ આવેલ સ્વામી વિવેકાનંદ સોસાયટીના ૨ નંબરના બંગલામાં નીચેના માળ પર ભાડેથી રહેતો હતો. તે અને તેનો મોટોભાઇ એકલા જ હતા. માતાપિતા ગામડે વસવાટ કરતા હતા. ગામડેથી શહેર તરફ વિકાસની આશાએ બંને ભાઇઓ આવ્યા હતા. મોટાભાઇનું નામ હાર્દિક. હાર્દિક બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કરી, ખાત્રજમાં આવેલ અરવિંદ મીલના સ્ટોર વિભાગમાં નોકરીએ જોડાયો હતો. ભાવિનને પીએચ.ડી.ની પદવી અપાવી, હાર્દિક તેનું સપનું પૂર્ણ કરવા માંગતો હતો. ભાવિને પણ ભાઇના સપનાને સાર્થક કરવા માટે કોઇ કસર બાકી છોડી નહોતી. ઘરમાં માત્ર બે ગાદલા, ચાર પ્લાસ્ટિકની ખુરશીઓ, એક ટીપોઇ અને એક અભ્યાસ અર્થે બનાવેલ ટેબલ જ હતું. બધા જ પૈસા હાર્દિક બચાવી રહેલો. એક રૂમ રસોડાના મકાનમાં ભાડે રહેતા ભાઇઓને જમવા માટે પ્રતિદિન ટિફિન આવતું.

‘જો...ભાવિન, તું જે વ્યક્તિનું નામ લઇ રહ્યો છે, તે આપણા મકાન માલિકના પણ ખાસ મિત્ર છે, અને પટેલ સમાજના અગ્રણ્ય છે. તેમની સાથે લડવામાં કોઇ મજા નથી.’, હાર્દિકે સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘પણ... ભાઇ... મારી શોધનો જે વિષય છે, તેમાં દેશનો ફાયદો છે, અને તે લોકો તેનો ઉપયોગ પોતાના અંગત લાભ અર્થે કરવા માંગી રહ્યા છે.’, ભાવિને તેનો પક્ષ મૂક્યો.

‘તારો વિષય અને શોધ બંને હું જાણું છું, પણ...’

‘પણ શું, ભાઇ? તમારૂ મંતવ્ય મારા વિચારોથી ભિન્ન હોય તો કહો...’

‘મારૂં માનવું છે કે તું જે શોધી રહ્યો છે તે આપણી ધરોહર છે, અને જો તે ચોરાઇ જાય તો આપણો કોઇ ભૂતકાળ રહેશે નહિ.’, હાર્દિકે તેનો વિચાર જણાવ્યો, ‘તું તારૂ કામ ચાલુ રાખ. મારો સાથ હંમેશા તારી સાથે જ છે.’

‘થેંક યુ...! ભાઇ.’

‘સારૂ, ચાલ જમી લઇએ.’

હાર્દિકે ટીપોઇ પર મૂકેલ ટિફિન ખોલ્યું. ભાવિનની ભીની આંખોને આંગળીના ટેરવાથી સાંત્વના આપી. બંનેએ જમવાનું શરૂ કર્યું.

*****