RED AHMEDABAD - 10 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 10

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

રેડ અમદાવાદ - 10

૨૦૨૦, જાન્યુઆરી ૯, રાતના ૦૮:૦૦ કલાકે

સોનલ અને મેઘાવી ઝેવિયર્સ કોર્નરથી, વિજય છ રસ્તા તરફ જતા માર્ગમાં સ્થિત યાંકી’સ સીઝલર્સ રેસ્ટોરન્ટમાં તેમના પસંદીદા ઓર્ડર ચાઇનીઝ સીઝલર્સની પ્રતીક્ષામાં હતા. રેસ્ટોરન્ટમાં દાખલ થતા જ જમણી તરફ ચાર વ્યક્તિઓ સમાવી શકે તેવા ત્રણ ટેબલ ગોઠવેલા હતા. તેને અડોઅડ માછલીઘર અને તેની બીજી તરફ બીજા ત્રણ ટેબલ. સોનલ અને મેઘાવી બીજી તરફના પહેલા ટેબલ પર બિરાજમાન હતા. ત્રીજા ટેબલ તરફથી સેવકો સીઝલર્સની પ્લેટ લઇને આવતા. ફ્રાય રાઇસ, મન્ચુરીયન, નુડલ્સ અને ફ્રેંચ ફ્રાઇસથી સુશોભિત પ્લેટ, તેમજ તેના પરથી નીકળતી વરાળ સાથે ફણફણતો અવાજ વાતાવરણને થોડી વાર માટે ઉષ્માથી ભરી નાંખતો. પરંતુ પ્લેટ તેમની તરફ આવવાને બદલે બીજા ટેબલ પર ગઇ.

‘અરે... યાર! આપણા ઓર્ડરનું શું?’, મેઘાવીની ભૂખ તેની અકળામણ બની.

‘આવશે...! સાથે સાથે વરાળને ઠંડી કરવા મોજીતો પણ મંગાવ્યો છે.’, અવાજ તેમની પાછળના ટેબલ પરથી આવ્યો.

‘જય... ‘, મેઘાવીએ તેની સામે જોયું. તે સોનલની પીઠ તરફ હતો.

‘મને ખબર છે કે તું અમારી પાછળ જ હતો...તારો ચહેરો ગોગલ્સમાં જોયો.’, સોનલે ગોગલ્સને તેના તરફ ફેરવી જયનું પ્રતિબિંબ બતાવ્યું.

‘એટલે જ તો હું તમને સલામ કરૂં છું. તમારે પોલીસમાં નહિ, રેડ જેવી સંસ્થામાં હોવું જોઇતું હતું.’, જયે સોનલને વખાણી.

‘સારૂ... સારૂ.... હવે અમારી સાથે જોડાઇ જા... તને એકલો જમતા જોઇ અમને દુ:ખ થશે.’, મેઘાવીએ ટીખણ કરી.

‘હા... કેમ નહિ...! તમારા જેવા ચતુર-ચબરાક પોલીસકર્મીઓ સાથે જમવાનો લાભ... હું તો ધન્ય થઇ ગયો.’, જયે પણ ટીખણનો જવાબ ટીખણથી આપ્યો.

એટલામાં જ વરાળથી ધમધમતા એંજીનનો અવાજ કરતી ચાઇનીઝ સીઝલર્સની પ્લેટ ટેબલ પર આવી ગઇ. સેવકે બધાની પરવાનગી માંગીને ત્રણેયની પ્લેટમાં એક તરફ મન્ચુરીયન, તેની બરોબર બાજુમાં રાઇસ અને તેને અડોઅડ નુડલ્સ પીરસ્યા. પ્લેટની મધ્યમં ફ્રાઇસ ગોઠવ્યા. ઓર્ડરની પ્લેટમાં રહેલ સીઝલર્સને સેવકે મિશ્ર કર્યું. ટેબલની બરોબર કેન્દ્રમાં ગોઠવી રવાના થયો.

‘ચાલો, શરૂ કરો, મને તો બહુ જ ભૂખ લાગી છે.’, મેઘાવીએ ફોર્ક ઉપાડ્યો અને એક મન્ચુરીયનને મુખગુફામાં દાખલ કર્યો. ગરમ મન્ચુરીયન પરથી નીકળતી વરાળ ગુફામાં ઓસરાઇ ગઇ. આંખો બંધ અને ચહેરા પરના હાવભાવ મેઘાવીએ પૂરેપૂરો સ્વાદ માળ્યો હોય તેની પુષ્ટિ કરી રહ્યા હતા.

‘યસ... સીઝલર્સમાં આનો જવાબ નહિ.’, જયે મેઘાવીના હાવભાવને ખરાઇનો સિક્કો માર્યો. તેણે એક ફ્રેંચ ફ્રાઇ ઉપાડી અને આગળનો ભાગ ખાવાનો શરૂ કર્યો, ‘તમને આ રીતે પોલીસ યુનિફોર્મ વિના મેં પહેલી વાર નિહાળ્યા. કોઇ વિશ્વાસ ન કરે કે સામાન્ય ભારતીય પોશાકમાં તમે બન્ને હીરોઇન જેવા લાગો છો.’

સોનલ સોનેરી રંગના પાંદડાઓ છાપેલા લીલા રંગના આકર્ષક ગાઉનમાં સજ્જ હતી. જેને વન-પીસ તરીકે ઓળખવામાં આવે છે. બંધ ગળાથી શરૂ કરી પગ સુધી એક જ કાપડ અને જેમ પગ તરફ આવો તેમ ઘેર વધતી જાય, તેવી ડીઝાઇન એટલે વન-પીસ ગાઉન. ગાઉનની શોભા વધારી રહ્યો હતો દુપટ્ટો. સોનેરી ઝીણા ટપકાંઓ અને આછા પારદર્શક લીલા રંગનું પોલીએસ્ટર કાપડ, ગાઉન પર ગળાથી છાતીના ભાગ પર આવતા જ કાપડની કિંમત વધારી દે. વળી તેને ધારણકરનાર જો પોલીસકર્મી હોય કે જેના વિસ્તરાયેલા પહોળા ખભા, મજબૂત લાંબી ડોક, હ્રદયના ધબકારને છુપાવતા આકર્ષક અને અદ્દભૂત ગુંબજોની જોડ, જોડ પર આવીને વિરામતી છેડેથી વળાંક લેતી વાળની લટો, ગાઉન તો શું? કોઇ પણ પ્રકારના કાપડની શોભા વધારી નાંખે. જ્યારે મેઘાવી, તેના ગરમ સ્વભાવને શોભે તેવા ભભૂકતા લાલ રંગની ચમકતી પ્લેન સાડી, જેની બોર્ડરનો બે ઇંચનો પટ્ટો સોનેરી હતો, અને દક્ષિણી શૈલીમાં પહેરેલી સાડીને મેઘાવીનું તન આકર્ષક બનાવી રહી હતી. ડાબા ખભા પરથી સર્પની માફક જમીનને સ્પર્શતો સાડીનો છેડો, મેઘાવીએ તેના ડાબા હાથ પર વીંટાળેલો. જમણા ખભાને છુપાવતા સાડીના રંગના જ પોલકા પર કરેલ કાચનું ભરતકામ રેસ્ટોરન્ટના પીળા પ્રકાશને વધુ ચમકદાર બનાવી રહ્યું હતું.

‘બસ હવે...તારે શું જાણવું છે, તે બોલ...’, મેઘાવી વખાણને અટકાવી સીધી મુદ્દાની વાત પર આવી.

‘તેને પટેલ અને ભટ્ટના કેસમાં, બધે આપણી સાથે રહેવું છે...કેમ?’, સોનલે ગ્રીન મોજીતોની ચૂસકી લીધી અને કાચની બોટલના આકારનો પ્યાલો ટેબલ પર મૂક્યો.

‘એટલે જ... એટલે જ... હું કહું છું કે તમે રેડ સાથે જોડાઇ જાવ. મારા કહ્યા વિના તમે સમજી ગયા.’, જયે ફરી વખાણનો વખાર કર્યો.

‘ખબર છે, તારા બોસ દ્વારા પ્રસ્તાવ આવી ચૂકેલ છે-એક, બે નહિ પણ સાત વખત...’, મેઘાવીએ રાઇસનો પહાડ ધરાવતી ચમચી ઉપાડી.

‘શું વાત કરો છો, મને પણ ખબર નથી...’, જયે સોનલ સામે જોયું.

‘એટલે જ તો તું હજી શીખે છે... ધીરે ધીરે ઘણી બધી ખબર પડશે.’, સોનલે મેઘાવીને વાત અટકાવવાનો આંખોથી ઇશારો કર્યો.

‘આભાર...તમારા જેવા શિક્ષકો સાથે તો શીખવા મળશે જ...’, જયે વ્યંગ કર્યો.

‘ઉદાસ થઇશ નહિ. ચાલ મને જણાવ કે મહોરા પાછળની પંક્તિઓ વિષે તે શું અભ્યાસ કર્યો.’, સોનલે જયના નાહકના ગુસ્સાને શાંત પાડવા વાત બદલી.

જય થોડો શાંત થયો, અને પંક્તિ ઉચ્ચારી, ‘યુવાનોનો દિવસ, મને પકડી લો. નહિતર ત્રીજો સિંહ જોવા તૈયાર થઇ જાઓ. હું તમને જનમેદની વચ્ચે મળીશ. ખરીદવાની ચીજ નક્કી કરીને આવજો.’

મેઘાવી પ્લેટમાં પીરસાયેલ સીઝલર્સને આરોગવામાં મસ્ત હતી. તેણે જયની વાત પર બહુ ધ્યાન આપ્યું નહોતું. સોનલે ચપટી વગાડી મેઘાવીનું ધ્યાન ખેંચ્યું. મેઘાવીએ તુરત જ સોનલ સામે જોયું અને નજર જય તરફ કરી, ‘બીલ તુ જ આપજે.’

જય હસવા લાગ્યો, ‘હા પાર્ટી મારા તરફથી જ, પરંતુ પંક્તિઓનો ઉકેલ તો મેળવી લઇએ.’

‘સારૂ, ચાલો મગજ દોડાવીએ,’ મેઘાવીએ ફરી રાઇસથી ભરપૂર ચમચી મુખમાં દાખલ કરી.

ત્રણેય જમતા જમતા જ ચર્ચા ચાલુ કરી. એક પછી એક ભાગ ઉકેલવાનું વિચાર્યું. ચર્ચા એ હજુ દોર પકડ્યો જ હતો, અને ધડામ દઇને રેસ્ટોરન્ટનો દરવાજો ખૂલ્યો. આઠેક યુવાનોના કલબલાટથી વાતાવરણ ધમધમી ઉઠ્યું. તે બધા સોનલના ટેબલની પાસે આવેલા ટેબલ પર ગોઠવાયા. એકબીજા સાથે ઊંચા સૂરમાં વાતોમાં મશગૂલ યુવાનોને આસપાસના લોકોની કોઇ પરવાહ જ નહોતી. તેઓ તો ફક્ત તેમની નાની અને અસ્તિત્વ વિનાની દુનિયામાં મસ્ત હતા. રેસ્ટોરન્ટના શાંત વાતાવરણના ડહોળાવાથી મેઘાવી અકળાઇ, ‘આજના યુવાનો, જો તો ખરી... ના ભવિષ્યની ચિતા, ના આજની પરવાહ, ના ભૂતકાળથી મેળવેલી કોઇ કેળવણી.’, સોનલ સામે જોયું.

‘એક્ઝેટલી, યુવાનો, યુવાનોનો દિવસ... મહોરા પાછળ લખેલા ઉખાણાનો પહેલો ભાગ યુવાનોનો દિવસ...‘, સોનલે જય સામે જોયું.

‘સોનલ બરોબર દિશામાં અનુમાન લગાવવાનો પ્રયત્ન કરી રહી છે...’, સોનલના ટેબલ પાસે ગોઠવેલી ચાર લાકડાની ખુરશીઓમાં એક ખાલી હતી. તે રિક્ત સ્થાન ચિરાગે શોભાવ્યું.

‘મેં તેને મેસેજ કરીને બોલાવ્યો.’, ચિરાગના બિરાજતા જ જયે, સોનલ અને મેઘાવીને ચિરાગના ત્યાં આવવાનું કારણ જણાવ્યું.

‘ઓકે, લેટ્સ સ્ટાર્ટ, પહેલી કડી, યુવાનો... યુવાનો...’, ચિરાગે જયની પ્લેટમાંથી એક મન્ચુરીયન પર ફોર્કથી હુમલો કર્યો, ‘યુવાનો... યુથ... યુવાનોનો દિવસ... યુથ ડે...’, ચિરાગે ફોર્કને મુખમાં દાખલ કર્યો અને ફોર્ક તેની પાંસળીઓરૂપી કાંટાઓ સાથે બહાર આવ્યો. તેના પર ચીપકેલું મન્ચુરીયન રૂપી માંસ ચિરાગ આરોગી ચૂકેલો.

સોનલે પાણીનો પ્યાલો ઉપાડ્યો, ‘યસ... યુથ ડે... અને યુથ ડે હોય છે...’

’૧૨ જાન્યુઆરી…’, મેઘાવીએ સોનલની વાત પૂરી કરી.

’હા... ૧૨ જાન્યુઆરી એટલે નેશનલ યુથ ડે... રાષ્ટ્રીય યુવા દિન.’, જયે પણ સાથ પૂરાવ્યો.

ચિરાગે જયને ટપલી મારી,’અમે એ જ કહીએ છીએ...’, બધા હસવા લાગ્યા, ‘નેશનલ યુથ ડે અને જનમેદનીને શો સંબંધ?’,ચિરાગે આગળની કડીઓ સાથે વાત આગળ વધારી.

‘જનમેદની... એવી કોઇ જગા જ્યાં અસંખ્ય માણસો ભેગા થતા હોય...’, સોનલે ચમચીને જમણા હાથની બે આંગળીઓ વચ્ચે રમાડી, ‘અસંખ્ય માણસો...’, ચમચી હજુ રમી જ રહેલી,’માણસો છોડો... અમદાવાદમાં ઘણી બધી એવી જગા છે જ્યાં અસંખ્ય માણસો ભેગા થતા હોય...’, સોનલે આંખો બંદ કરી, ચમચી રમતાં અટકી ગઇ, ‘યસ... ૧૨ જાન્યુઆરી... નેશનલ યુથ ડે... ઉજવવામાં આવે છે સ્વામી વિવેકાનંદજીની યાદમાં...’

‘હા...’, મેઘાવીએ તુરત જ બોલી પડી.

‘એટલે... એવી જગા જે સ્વામી વિવેકાનંદને સાંકળતી હોય અને જ્યાં ખરીદી પણ કરી શકાય...’, જયે ચિરાગ સામે જોયું. ચિરાગે માથું ધુણાવી જયની વાતને સમર્થન આપ્યું. જયે વાત આગળ વધારી, ‘સ્વામી વિવેકાનંદ... વિવેકાનંદ કોલેજ, વિદ્યાપીઠ, અને હા... અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંરક્ષિત દાણાપીઠમાં આવેલી હેરીટેજ સાઇટ...આમાંથી કોઇ પણ હોઇ શકે...’

‘ના... મને યાદ છે કે મેં મારી સરકારી નોકરીઓને લગતી પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે ક્યાંક વાંચેલું...’, મેઘાવીએ ચમચી પ્લેટમાં મૂકી, ‘૧૮૯૨માં એન્જિનિયર હિંમતલાલ દ્વારા સ્ટીલનો ઉપયોગ કરી સાબરમતીતે બંને કાંઠે વસેલા અમદાવાદને જોડતો પહેલો પુલ બનાવ્યો હતો. જેનું નામ ઉત્તર ઝોનના કમિશ્નર સર બેરો હેલબર્ટ એલિસના નામ પરથી એલિસ બ્રિજ આપવામાં આવ્યું. જે હજી પણ અમદાવાદીના મુખ પર વસેલું છે.’, મેઘાવીએ જયની વાતને અટકાવી તેનું અનુમાન સૌ સમક્ષ મૂક્યું.

‘હા... અને ૧૯૯૭ મોટા વાહનોને ધ્યાને લઇને, ૧૮ કરોડના ખર્ચે પુલના તનને બંને તરફ કોંક્રીટથી બનેલી પાંખો જોડવાનું નક્કી કરવામાં આવ્યું. પાંખો જોડવાનું ભગીરથ કાર્ય ૧૯૯૯માં પૂર્ણ થયું. પરંતુ ૧૯૯૭માં જ પુલને નવું નામ આપવામાં આવ્યું... “સ્વામી વિવેકાનંદ પુલ”...’, સોનલે મેઘાવીને વાતને સમર્થન આપતા અનુમાનને સત્યનો થપ્પો લગાવ્યો.

ચિરાગે પણ સોનલ અને મેઘાવીને વાતના સમર્થનમાં માથું ધુણાવી સૂર પૂરાવ્યો, ‘અને ૧૨ જાન્યુઆરીએ રવિવાર છે... રવિવારે આ બ્રીજની નીચે માર્કેટ ભરાય છે અને જનમેદની પણ હોય છે... એટલે...’

‘એટલે... ગુજરી બજાર...’, ચારેયના મુખમાંથી એક સાથે શબ્દો વરસ્યા.

ગુજરી બજાર અથવા રવિવારી બજાર, બજારની શરૂઆત સુલતાન અહમદ શાહે ૧૧૪૧માં કરી હતી. તે સમયે બજાર ત્રણ દરાવાજા અને ભદ્રની વચ્ચેના વિસ્તારમાં દર શુક્રવારે ભરાતું, અને આથી જ તેનું નામ શુક્રવારી બજાર હતું. ૧૯૧૪માં થયેલા કોમી રમખાણોને કારણે બજાર અસ્થાયી સ્વરૂપે બંદ થયું. ટૂંક જ સમયમાં તે નવી જગાએ એટલે કે સિદિ સૈયદ મસ્જિદની નજીક ભરાવા લાગ્યું. પછી તે જુની સિવિલ કોર્ટમાં સ્થળાંતરીત થયું, અને ૧૯૫૪થી સાબરમતીના પટમાં એલિસબ્રીજની નીચે ભરાવા લાગ્યું. આ વખતે દિવસ થયો રવિવાર અને માટે જ બજાર રવિવારી તરીકે ઓળખાવા લાગ્યું. બજારમાં કોઇ પણ પ્રવેશદ્વાર કે નિર્ગમનદ્વાર નથી, કે જ્યાંથી બજાર શરૂ થાય અને સમાપ્ત થાય. પરંતુ જગાઓ માટે વિક્રેતાઓ વચ્ચે ચોક્ક્સ કરાર થયેલ છે. એલિસબ્રીજ અને સરદારબ્રીજ વચ્ચે ૩૨૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું બજાર એટલે રવિવારી. અહમદ શાહ ગુઆજરી એસોસિએશન દરેક ગુજરી વેપારીઓની દેખરેખ રાખે છે, અને દરેક વિક્રેતા રવિવારના ભાડા પેટે આશરે રૂ. ૩૦૦ ચૂકવે છે. દર રવિવારે આશરે ૩૦૦૦થી વધુ મુલાકાતીઓ બજારની મુલાકાતે આવે છે. આ બજારમાં તમામ પ્રકારના રસોડાના સાધનો, ફર્નિચર, હાર્ડવેર, કપડાં, વપરાયેલી પુસ્તકો, પથારી, પ્રાચીન વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, બકરીઓ, મરઘા-મરઘીઓ, અન્ય ઘરવપરાશ માટેનો સામાન, વિવિધ ધાનુના બનેલા ઓજારો, વાસણો, લાકડાની બનેલી લારીઓ જેવી વિવિધ સામગ્રીઓનું વેચાણ થાય છે.

'એટલે... સ્વામી વિવેકાનંદ પુલ, એલિસબ્રીજ... રવિવારી...ગુજરી બજાર... હવે ખરીદીની વસ્તુ... આપણી પસંદની...', જયે ચિરાગે સામે જોયું.

'મારૂ માનવું છે કે, મનહર પટેલ એટલે શિક્ષણ અને ઇંદ્રવદન ભટ્ટ એટલે કાયદો... શિક્ષણ અને કાયદો બંને ચોક્કસ માહિતીઓ, મુદ્દાઓ, સિદ્ધાંતોને આધારિત હોય છે... અને આ બધું જ હોય છે...', ચિરાગે ટેબલ પર મૂકેલા પાણીના પ્યાલા પર આંગળીઓ ફેરવી.

'હોય છે... પુસ્તકોમાં... શિક્ષણ માટેના પુસ્તકો.... દરેક પ્રકારના કાયદાના પુસ્તકો...', સોનલે ચપટી વગાડી.

'યસ... એટલે કે આપણને આ હત્યારો શોધવાની એક તક મળી છે... સોરી...! તેણે આપણને આ તક આપી છે... સ્વામી વિવેકાનંદ પુલ. રવિવાર, ગુજરી બજાર અને બજારનો એ વિસ્તાર જ્યાં પુસ્તકો વેચાતા હોય.', મેઘાવીએ સેવકને બીલ માટે ઇશારો કર્યો.

'યસ... અને તે પણ ચોક્કસ દિવસે', જયે બીલનું ચૂકવણું કરવા તેનું ડેબિટ કાર્ડ ખીસ્સામાંથી કાઢ્યું.

'રહેવા દે... મેઘાવી તો મજાક કરી રહી હતી... પાર્ટી અમારી તરફથી છે...', સોનલે ડેબિટ કાર્ડ બીલબુકમાંથી ઉપાડી જયને પરત કર્યું.

'ઓકે. તો હવે સ્થળ, વાર અને તારીખ નક્કી છે... પકડી પાડવાનો છે હત્યારાને', સોનાલે ત્રણેયની સામે જોયું.

'યસ... વાય નોટ...!', ચિરાગે સૂર પૂરાવ્યો.

'તો બસ પ્રતીક્ષા રહેશે...', સોનલે ઊભા થવા ખુરશીને પાછળની તરફ સરકાવી.

'શેની?', મેઘાવીએ સોનલની સામે જોયું.

'૧૨ જાન્યુઆરીની...'

*****

ક્રમશ:...