RED AHMEDABAD - 8 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 8

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

રેડ અમદાવાદ - 8

સોનલ બિપીન સાથે ભટ્ટની હત્યા સ્થળેથી પોલીસ સ્ટેશન માટે રવાના થઇ. ચિરાગને તેણે સાથે આવવા સૂચવ્યું હતું. ચિરાગ પણ કેસ વિષે પોલીસ પાસે રહેલી માહિતી જાણવા માંગતો હતો, આથી સોનલના કહેતાની સાથે જ તેની સાથે સ્ટેશન જવા તૈયાર થઇ ગયેલો. સોનલ પાછળની સીટ પર અને ચિરાગ બિપીનની બાજુમાં જ આગળની સીટ પર બિરાજેલો. સુમો ભાડજ તરફના માર્ગ પર ગતિમાં હતી. ચિરાગ મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓના ટેરવા પછાડી રહેલો. સોનલ બારીમાંથી બહારની તરફ નજર નાંખી રહેલી. આંખો ખુલ્લી હતી, પરંતુ મન વિચારોમાં રમી રહેલું. મનહર પટેલ અને ઇંદ્રવદન ભટ્ટના કેસ વચ્ચેની કોઇ સમાન દોરી પકડવા પ્રયત્ન કરી રહેલું. બંને કેસની સામય્તા બાબતે ઘટનાસ્થળ પર મળેલા પૂરાવાના ચિત્રો એક પછી એક તેની આંખો સામે ચાલી રહેલા. સોનલે આંખો બંદ કરી અને ઊંડો શ્વાસ લીધો. અચાનક મેડમ નામના ઉચ્ચારણે સોનલને વિચારોના કૂવામાંથી બહાર ખેંચી. શબ્દ ચિરાગ તરફથી આવ્યો હતો.

‘મેડમ...! તમારી તપાસ કેટલે સુધી પહોંચી છે?’, ચિરાગ સોનલ તરફ પાછળ ફર્યો.

‘કેમ?’

‘એટલા માટે કે ત્યાં સુધીની માહિતીથી જ મારે આગળનો માર્ગ નક્કી કરવાનો રહેશે.’, ચિરાગે સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘તું એક ખાનગી જાસૂસ છે, અને તે માહિતી મેળવી જ લીધી હશે. મારી પાસેથી શું તેની ખરાઇ કરવા માંગે છે?’, સોનલે વળતો પ્રશ્ન ચિરાગ સમક્ષ મૂક્યો.

‘અરે...ના...ના... એવું કંઇ નથી. કદાચ કોઇ એવી વાત હોય જે મને ખબર ન હોય અને તમે જાણતા હોવ...’, ચિરાગે સ્પષ્ટતા કરી.

‘સારૂં, તમારી સંસ્થા શું વિચારે છે તે મને જણાવ’, સોનલે ચિરાગની જાણકારી વિષે માહિતી માંગી.

‘આપણે ચર્ચા કરીએ, તમે તમારૂ મંતવ્ય અને ધારણા જણાવો. હું મારૂં મંતવ્ય અને ધારણા જણાવું. કદાચ બંનેના અભિપ્રાય પરથી કોઇ નિષ્કર્ષણ પર પહોંચી શકાય.’, ચિરાગ સહેલાઇથી સોનલના પ્રશ્નનો જવાબ આપે તેમ હતું નહિ. તેણે અલગ જ પ્રસ્તાવ મૂક્યો.

‘ઠીક છે. જો પોલીસ પાસે અત્યારે શંકાઓના વિવિધ ટોપલા છે. અમે અત્યારે સિંહવાળા માસ્કની તપાસમાં છીએ. કદાચ તેના આધારે પગેરૂં મેળવી શકાય. તે એની ગુણવત્તા જોઇ. સારી એવી કિંમત ધરાવતું હશે. એટલે તે ચોક્કસ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યું હશે. અમે દુકાનની ભાળ મેળવવા કાર્યરત છીએ. જેવી દુકાન વિષે જાણકારી મળશે કે હત્યારો દૂર નથી.’, સોનલે તત્કાલીન માહિતી આપી. બધું જણાવ્યું નહિ.

‘મારૂં આનવું છે કે, આ માસ્ક કોઇ એવી ચોક્કસ દુકાનમાંથી ખરીદવામાં આવ્યા નહિ હોય. જો તમે ધ્યાન આપ્યું હોય તો તે કોઇ એકદમ નવાનકોર નથી. અમુક જગાએથી રંગ ઝાંખો પડી ગયેલો છે, તો અમુક જગાએ રેતીના થરે તેની ચમક છુપાવી દીધી છે. એટલે કોઇ એવી જગાએથી મેળવ્યા હશે અથવા ખરીદ્યા હશે, જ્યાં કોઇ ભંગાર લે-વેચનું કામ થતું હોય.’, ચિરાગે તેનું અનુમાન સોનલ સમક્ષ આધાર સાથે મૂક્યું.

‘તારૂ કહેવું યોગ્ય છે. પરંતુ બંનેની પાછળ એક જ કંપનીનો લોગો છે. તેના આધારે અમે આ વાત પર પહોંચ્યા કે…’, સોનલનાં શબ્દો અટક્યા.

ચિરાગે તેના મોબાઇલની સ્ક્રીન સોનલ તરફ ફેરવી, ‘આ જુઓ...’

‘આ તો પટેલ અને ભટ્ટ...’

‘હા... આનો અર્થ કે પટેલ અને ભટ્ટ મિત્ર સિવાય વ્યવસાયિક રીતે પણ એકબીજા સાથે સંકળાયેલા હતા’, ચિરાગે બંનેનો ગુજરાત સમાચાર સમાચારપત્રના પહેલા પાના પર આવેલ છબી બતાવેલી, ‘અને, બીજું કે આ છબી વાઇબ્રન્ટ ગુજરાત પ્રોગ્રામની છે, જેમાં આ બંનેને બેસ્ટ ઇનોવેટિવ પ્રોજેક્ટ બાબતે ખાસ સમ્માન આપવામાં આવેલું. આ અમારી સંસ્થાએ મને મોકલેલ માહિતી છે.’

‘આ વકીલ અને શિક્ષણ ક્ષેત્રે નામના મેળવેલ વ્યક્તિઓ એકબીજાની સાથે જોડાયા કેવી રીતે?’, સોનલે ચિરાગને મોબાઇલ પરત કર્યો.

‘પૈસા... મેડમ... પૈસા...’ ચિરાગે મોબાઇલ હાથમાં રમાડતા કહ્યું, ‘પૈસો પૈસાને ખેંચે... અને આ લોકોએ બહુ જ ખેંચી લીધા હતા. જેમ વધતા જાય તેમ ભૂખ પણ વધતી જાય, અને આ ભૂખ એવી છે કે તે ક્યારેય સંતોષાતી નથી.’

‘ઓહ... ફીલોસોફી... અને એ પણ જાસૂસના મોઢે. બાય ધ વે....આ છબી કયા સમયની છે?’, સોનલે ચિરાગની વાત કાપી.

‘જાન્યુઆરી ૨૦૧૭, આઠમો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ.’

૨૦૧૭ સાંભળી સોનલે આગળ કોઇ પ્રશ્ન કર્યો નહિ. ચૂપચાપ સીટ પર માથું ટેકવી, આંખો બંધ કરી દીધી. ચિરાગ આગળની તરફ ફર્યો. બિપીન સુમોની ઝડપ વધારી. સુમો સી.જી.રોડ પોલીસ સ્ટેશન તરફ ગતિમાં હતી.

*****

તે જ દિવસે સાંજે, ૦૫:૩૦ કલાકે,

સોનલને કમિશ્નરે એક મિટીંગ માટે બોલાવી હતી. સોનલની જેમ જ કમિશ્ન૨ કચેરી, શાહીબાગના સભાખંડમાં અન્ય ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસકર્મીઓ હાજર હતા. દરેક કર્મી કમિશ્નરની પ્રતીક્ષામાં હતો. દીર્ઘવૃત્તાકાર ટેબલની આસપાસ ગોઠવેલી ખુરશીઓ કર્મીઓની હાજરીથી ભરાયેલી હતી. ટેબલના એક છેડા પર ખુરશી ખાલી હતી. જ્યાં કમિશ્નર બિરાજવાના હતા. મિટીંગનો એજન્ડા કોઇ જાણતું નહોતું. ફક્ત આકસ્મિક સભા અર્થે દરેક જણ પહોંચી ચૂકેલા. પ્રત્યેકના ચહેરા પર સભાનું કારણ જાણવા માટેના ચિહ્નો સ્પષ્ટ દેખાઇ રહેલા. ગુપચુપ ચાલી રહેલી. ખંડનો દરવાજો ખૂલ્યો, કમિશ્નર દાખલ થયા. ખંડમાં નિરવ શાંતિનું મોજું ફરી વળ્યું. કર્મીઓ ફટાક દઇને ઊભા થયા અને સલામ ઠોકી. કમિશ્નર તેમની ખુરશી પર બિરાજ્યા અને તે સાથે જ કર્મીઓએ પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

કમિશ્નરના વક્તાએ વાત શરૂ કરી, ‘નમસ્કાર! મિત્રો. આપણને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળેલ આદેશ અને કાર્યક્રમ અનુસાર તારીખ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. જે પ્રવાસના ભાગરૂપે તારીખ ૨૪ના રોજ તેઓ અમદાવાદ ખાતે હશે. મુખ્ય આકર્ષણ એટલે કે મુલાકાતની જગા સરદાર પટેલ સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે. આથી જ તેના પુર્નવિકાસનું કાર્ય શરૂ થઇ ગયું છે. કાર્યક્રમનું નામ “નમસ્તે ટ્રમ્પ” છે. તમોએ તમારા નિયત્રંણમાં આવતા દરેક પોલીસકર્મીઓના કાર્યક્રમ અંતર્ગત બંદોબસ્ત અર્થે આદેશ કરવાના રહે છે. ટ્રમ્પ સાહેબના ખાસ અંગરક્ષકો તેમના આગમનના નક્કી કરેલા દિવસથી અઠવાડિયા પહેલા અહીં પહોંચી જશે. તેમની સાથે આપણે તાલમેલ બેસાડી ગુજરાત પોલીસનું નામ ઊંચું કરવાનું છે. કમિશ્નર સાહેબને મળેલ સત્તાની રૂએ આપ સૌનો આદેશ તમને અહીંથી વિદાય લેતા પહેલા મળી જશે, આગળની વ્યવસ્થા તમને સંદેશરૂપે જણાવવામાં આવશે.’

સભા અર્ધો કલાક જેવી ચાલી. સોનલે પટેલના કેસ વિષે વાત કરવા માટે સમય ઉચિત લાગ્યો નહિ. આથી તેણે ચૂપકી સાધી. બધા કર્મીઓ સભાખંડ છોડી ચાલવા લાગ્યા. કમિશ્નરે સોનલને તેમના કાર્યાલયમાં મળવા માટે કહ્યું. સોનલ તેમની સાથે જ ચાલવા લાગી. પરસાળમાં ચાલતા ચાલતા જ કમિશ્નરે પૂછ્યું, ‘કોઇ અપડેટ?’

‘સર... શ્રીમાન ભટ્ટની પણ ગઇ રાતે હત્યા થઇ છે. મેં તમને જણાવવા માટે ફોન કર્યો હતો. પણ...’

‘હા, હું કલેક્ટર સાહેબ સાથે મિટીંગમાં હતો. નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામ અંતર્ગત.’, કમિશ્નરે કારણ જણાવ્યું.

સોનલે કાર્યાલય સુધી પહોંચી ગયા હોવાને લીધે, દરવાજો ઉઘાડ્યો. બન્ને અંદર દાખલ થયા. કમિશ્નરના કિનાયથી સોનલ બરોબર તેમની સામેની ખુરશી પર ગોઠવાઇ.

‘સર... ભટ્ટ અને પટેલ ભાગીદાર હતા. મને બન્ને હત્યાઓ પાછળ કોઇ ચોક્કસ વ્યવસાયિક કારણ લાગે છે...’, સોનલે તેનું અનુમાન જણાવ્યું.

‘તેઓ ભાગીદાર હતા તે વાત ચિરાગે કહી ને... રેડને આ કામ કોણે સોંપ્યું હશે?’, કમિશ્નરે ડાબા હાથની બે આંગળીઓ કપાળ પર ઘસી, ‘હશે... આપણે જલ્દીથી આ કેસનું નિરાકરણ લાવવું પડશે. બને તો ૫ ફેબ્રુઆરી પહેલાં જ, કારણ કે પછી મને નથી લાગતું આપણી પાસે એટલો બધો સમય બચશે, અને તારા હોદ્દા પ્રમાણે હું તને બંદોબસ્તના કામમાંથી આ કેસ માટે થઇને મુક્તિ પણ નહિ આપી શકું.’

‘સમજું છું, સર. હું આ કેસ બને તેટલી ઝડપથી પતાવવાનો પ્રયાસ કરીશ.’

‘એમ નહિ... મને સમય જણાવ.’

‘ઠીક છે. ૫, ફેબ્રુઆરી પહેલા...’

‘ના, ૩૧ જાન્યુઆરી પહેલા.’

‘સારૂ... સર...’, સોનલ રજા લઇને કમિશ્નરના કાર્યાલયમાંથી બહાર નીકળી.

*****

૨૦૨૦, ૯ જાન્યુઆરી, સવારના ૧૧:૩૦ કલાકે

‘આજનું પેપર વાંચ્યુ?’, મેઘાવીએ સોનલના રૂમમાં દાખલ થતાં જ કહ્યું. સોનલ ભટ્ટની હત્યાના સ્થળ અને પટેલની હત્યાના સ્થળના ફોટાઓનો અભ્યાસ કરી રહી હતી. બધી જ છબીઓ ટેબલ પર વિખરાયેલી પડેલી. સોનલ એક પછી એક ઉપાડતી અને મૂકી દેતી. મેઘાવીના અવાજે તેનું ધ્યાન દરવાજા તરફ ખેંચ્યું, અને તેના હાથમાં રાખેલી છબી હવામાં જ લટકતી રહી

‘શું થયું?’, સોનલે મેઘાવીને બેસવા માટે ઇશારો કર્યો.

‘સમાચાર વાંચ, આપણને પટેલના કેસનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છીએ, અને ભટ્ટની હત્યા માટે આપણે જ જવાબદાર છીએ, તેવું સમાચારપત્રવાળા કહે છે.’, મેઘાવી ગુસ્સે થઇ. તેનું નાક ફૂલવા લાગ્યું.

‘શાંત થા. લે... પાણી પી. એ તો લખે, આપણે આપણા કામથી વિચલીત થવાની જરૂર નથી.’, સોનલે મેઘાવીને પાણીનો પ્યાલો આપ્યો.

મેઘાવી થોડી વાર માટે સોનલની સામે જ બેસી રહી. આશરે દસેક મિનિટ પછી સોનલે કહ્યું, ‘ચિંતા કરીશ નહિ. આપણે આ કેસ સોલ્વ કરીને જ રહીશું. જો તું જ્યારે અંદર આવી ત્યારે હું જે છબીઓનો અભ્યાસ કરી રહી હતી, તેમાંથી એક ફોટો તું પણ ધ્યાનથી જો.’ સોનલે તેના હાથમાં જે છબી હતી તે મેઘાવીને આપી.

‘શું છે તે ફોટોમાં?’

‘તું જો તો ખરી, પછી મને કહે.’

મેઘાવીએ ટેબલ પર પડેલ બિલોરી કાચ ઉપાડ્યો અને ફોટો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ‘શ્રીમાન ભટ્ટના હાથ પર ડામ આપેલ છે. તો આ નિશાન આપણી નજરથી કેમ બચી ગયું?’

‘કારણ કે ખેતરની ભીની માટીનું આવરણ તેના પર ચડી ગયું હતું. આ ફોટો પોસ્ટમોર્ટમ વિભાગે પાડીને મોકલ્યા છે. અહેવાલ હજી બાકી છે, પરંતુ મારી રજુઆતને ધ્યાને લઇને તેઓએ છબીઓ ઝડપથી મોકલી આપી.’, સોનલે મેઘાવીને સમજાવ્યું.

‘તને શું લાગે છે? આપણે શોધી શકીશું?’

‘ચોક્કસ...! ચાલ આપણને મળેલી માહિતીને ક્રમવાર ગોઠવીએ, અને તાળો ક્યાં મળે છે, તે જાણીએ.’, સોનલે ફોટો મેઘાવીના હાથમાંથી લઇને ટેબલ પર મૂક્યો.

‘ઠીક છે.’

‘જો... સૌથી પહેલા, આપણે પેલા છોકરા-છોકરીને શોધ્યા. જે આપણી તપાસમાં ક્યાંય પણ કામ આવે તેમ નથી. પછી આપણે જસવંત અને રમીલાને સિંહવાળું માસ્ક વેચતી દુકાન શોધવા મોકલ્યા છે. પરંતુ ચિરાગ, એટલે કે રેડ એવું માને છે કે તે કોઇ ભંગાર વેચનાર પાસેથી ખરીદેલ હશે. તે દરમ્યાન જ આપણને ભટ્ટ વિષે જાણકારી મળે છે, અને આપણી મુલાકાત પહેલા જ તેની હત્યા કરવામાં આવે છે. અહીં ચિરાગ નવું પત્તું ખોલે છે કે ભટ્ટ અને પટેલ મિત્રો હતા અને તે પણ વ્યવસાયિક. એક પ્રખ્યાત શિક્ષણવિદ અને બીજો જાણીતો ફોજદારી વકીલ... હવે જાણવું એ રહ્યું કે શિક્ષણ અને ગુના વચ્ચે મિત્રતા કેવી રીતે અને શા માટે થઇ?’, સોનલે શાંતચિત્તે સંપૂર્ણ વાત મેઘાવી સમક્ષ મૂકી.

‘વાહ... ચોક્કસપણે વાત તો સાચી છે. પરંતુ ખૂનીને કેવી રીત ખબર પડી કે આપણે ભટ્ટનો સંપર્ક કર્યો છે?’, મેઘાવીએ શંકા દર્શાવી.

‘હું પણ એ જ વિચારૂ છું. વળી તેણે આપણી એક માન્યતાને ખોટી ઠેરવી કે સિંહનું મહોરૂ એટલે મૂકવામાં નહોતું આવ્યું કે પટેલની રાશિ સિંહ છે. કારણ કે ભટ્ટના કેસમાં પણ તેણે સિંહનુ માસ્ક જ મૂક્યું છે.’, સોનલે બંને હાથ વચ્ચે પોતાનો ચહેરો દબાવ્યો.

‘અને... ચાર આંગળીઓ પટેલની અને ત્રણ આંગળીઓ ભટ્ટની... એનો અર્થ એવો થાય કે...’, મેઘાવી અટકી.

‘એનો અર્થે એવો થાય કે કુલ ચાર હત્યામાંથી બે થઇ ગઇ. હવે બાકીના બે કોણ હશે?’, સોનલે આંગળીઓ ટેબલની ધાર પર રમાડી.

‘અને હા... સિંહ પણ ચાર જ છે ને આપણી રાષ્ટ્રિય મુદ્રામાં.’, મેઘાવીએ ચપટી વગાડી.

‘યસ... યુ આર રાઇટ... ચાર સિંહ... જેમાંથી બે માસ્ક આપણને મળી ચૂક્યા છે, બે હત્યા બાકી અને બે સિંહના મહોરા પણ બાકી...’, સોનલે મેઘાવી સામે સ્મિત ફરકાવ્યું.

‘પણ... ખૂની આપણને આ ચિહ્નો દ્વારા શો સંદેશ આપવા માંગે છે?’

‘એ જ તો આપણે ખંખોળવાનું છે કે તે કહેવા શું માંગે છે?’, સોનલ ઉઠીને બારી તરફ ગઇ. બારીમાંથી આવતો આછો પ્રકાશ તેના ચહેરાને ચમકાવા લાગ્યો, ‘કહેવા શું માંગે છે?’, સોનલે આંગળીઓને બારીની જાળી પર આરામ આપ્યો, ‘કહેવા શું માંગે છે?’, આંખો બંધ કરી અને થોડી વાર પ્રકાશ સામે લડતી રહી, ‘યસ... મેઘાવી... આપણે બે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે.’

‘ક્યા બે મુદ્દા?’

‘એક...’, સોનલે ડાબા હાથની એક આંગળી દર્શાવતા કહ્યું, ‘ભટ્ટના પાસેથી મળેલ સિંહના મહોરા પાછળ રહેલી પંક્તિઓને ઉકેલવી અને બીજું.’, સોનલે બીજી આંગળી દર્શાવી, ‘ચિરાગના કહેવા પ્રમાણે ભટ્ટ અને પટેલ વચ્ચેના વ્યવસાયિક સંબંધો વિષે વિસ્તારપૂર્વક માહિતી એકઠી કરવી.’

‘પહેલું તો બરોબર છે, પરંતુ બીજા મુદ્દાની માહિતી ક્યાંથી મળશે? તેમના સગાંઓ તો મગનું નામ મરી નથી પાડતા.’, મેઘાવીના શબ્દોમાં ચિંતા દેખાઇ.

‘એ માહિતી આપણને ભૂતકાળમાંથી મળશે?’

‘કેવી રીતે અને ક્યાંથી?’

‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ, ૨૦૧૭’

*****