‘…ગોરખનાથની આજ્ઞા પ્રમાણે કઠીનમાં કઠીન આત્મ પરીક્ષા પસાર કરીને, ક્ષુલ્લક અને ભૌતિક સુખ-સંપત્તિને ઠોકર મારીને ‘અહાલેક’ની ધૂન જગાવતો ભર્તુહરિ ત્યાંથી ચાલી નીકળ્યો…’ અને એણે પુસ્તક બંધ કરી દીધું.
‘રાજા ભર્તુહરિ હવે સિધ્ધ ભર્તુહરિ બન્યો. એનું નિર્માણ જ સિદ્ધ ભર્તુહરિ તરીકે થયું હતું…વાહ ભર્તુહરિ!’ મનોમન એ બબડ્યો. ચાર કલાકથી ‘ભર્તુહરિ’ વાંચવા બેઠો હતો. પરંતુ ‘ભર્તુહરિ ત્યાંથી ચાલી નીકળ્યો’ સુધીનો ફકરો ત્રણ વાર વાંચી ગયો, અને ત્યાં જ અટકી ગયો. આગળ વધવા જાય ત્યાં જ અચાનક પુસ્તકમાંથી નજર બહાર નીકળી જતી. છેવટે એણે પુસ્તક બંધ કરીને કમરામાં અંધકાર પાથરી દીધો. એને તો અંધકારમાં જ ડૂબી જવું હતું!
ઠંડીની ઋતુ હતી. બારી બારણા બંધ રાખવાને બદલે ખોલી નાંખ્યા. ગમે તેમ પણ આ અંધકાર ખૂબ છે. એમ થાય છે કે અંધકારમાં અસ્તિત્વને ઓગાળીને એક જ ઘૂંટડે પી જવાય તો મજા આવે. પછી આખું જ અસ્તિત્વ નવું રૂપ લઈ લે! પરંતુ એણે જ્યારે જ્યારે એ અંધકારને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે એ હજુ સુધી તો એ અંધકારને સ્પર્શવામાં સફળ થઈ શક્યો નથી.
ખુલ્લી બારીમાંથી રોડ પરની ટ્યૂબલાઈટ આછો પ્રકાશ દેખાતો હતો. એણે આંખો અને ટ્યૂબલાઈટના એ ઝીણા પ્રકાશની વચ્ચે પાંપણોનો પડદો ઢાળી દીધો. પરંતુ એ પડદો બહુ વાર ટકી શક્યો નહીં. એ પડદા સાથે પાંપણો પર રહેલો એક એક વાળ પોતાના નિત નોખા અસ્તિત્વ માટે સંઘર્ષ ખેલતો હતો. દરેક વાળનું અલગ અસ્તિત્વ હતું. એકનું મનોવૈજ્ઞાનિક, એકનું કૌટુંબિક, એકનું સામાજિક, એકનું આર્થિક તો વળી એકનું દાર્શનિક અસ્તિત્વ હતું. દરેકે આજે સંગઠિત બનીને પ્રકાશ માટે પડદો ચીરી નાંખવાની ઘમકી આપી. ભીંસાતી, રૂંધાતી આંખોને પ્રકાશના અસ્તિત્વનું ભાન થયું. પોતાના એકલાના અસ્તિત્વની જ ચિંતા પૂરતી છે શું?
આંખો ખૂલી ગઈ. પેલી ખુલ્લી બારીમાંથી હવા સાથે એણે એક જીવડું અંદર દાખલ થતું જોયું. એને એમ લાગ્યું કે ભર્તુહરિ અંદર આવ્યો. પરંતુ એ પછી તો એને હવામાં કેટકેટલા રજકણો અંદર આવતા દેખાયા! એક એક રજકણ એક એક ભર્તુહરિ હતો જાણે! એણે ઊભા થઈને બારી બંધ કરી દીધી. એને હવે કોઈ ભર્તુહરિ એ બારીમાંથી અંદર પ્રવેશે એ ગમતું ન હતું. પરંતુ પેલા જે ભર્તુહરિઓ અંદર આવી ગયા તેમનું શું? ફરીથી એણે આંખો બંધ કરી દીધી. તરત જ પાછી ખોલી નાખી. એને થયું કે ફરીથી પેલી પાંપણના વાળ વારાફરતી અથવા સંગઠિત રૂપે પોતાનું અસ્તિત્વ જોખમાશે તો બીજા કેટલાય ભર્તુહરિ તૈયાર થઈ જશે અને ‘અહાલેક’ની ધૂન જગાવશે તો… તો… હું…હું… હવે તો એણે નક્કી કરી લીધું કે જાતે આંખ બંધ નથી કરવી. એની મેળે બંધ થઈ જાય તો જુદી વાત… સહેજ વાર એને thoughtless થઈ જવાની ઈચ્છા થઈ. પરંતુ જ્યાં પ્રયત્ન શરૂ કર્યા ત્યાં તો એકાએક એને એવી અનુભૂતિ થઈ કે એના હાથ, પગ, આંખો અને … અને… બધું જ paralyse થઈ ગયું છે અને જો હવે વિચારક્રિયા paralyse થઈ જશે તો… તો… ના… ના…. નથી થવું thoughtless!
તો પછી આ બધા સંઘર્ષનું શું? ભર્તુહરિનું એક ‘દાંપત્ય અસ્તિત્વ’ જોખમાયું. પરંતુ મારાં આટલાં બધાં અસ્તિત્વો જો જોખમાઈ જશે તો કેટલા ભર્તુહરિ મારા એકમમાંથી હું પેદા કરીશ? છેવટે એણે આગળ વિચારવાનું ચાલુ જ રાખવાનું નક્કી કર્યું. અસ્તિત્વ જોખમાય એ હવે નહીં પાલવે. અસ્તિત્વ ટકે એ જરૂરી છે અને પેલાં બધાં જ અસ્તિત્વો માટે સંઘર્ષ ચાલુ રાખવો એ જ સાચો માર્ગ છે. એને એમ લાગ્યું કે હવે તો સંઘર્ષમાં જ romance છે. લોકો romance શોધે છે. સંઘર્ષ તો પળે પળે દેખાય છે, પછી romance શોધવા ક્યાં જવાનું-?
એ ફરીથી બેઠો થઈ ગયો. Romance આદરવા… સંઘર્ષ શરૂ કરવા. બારી ખોલી નાખી. સંતોષ ન થયો. લાઈટ ચાલુ કરી. સ્વસ્થતાથી પેલી ચોપડી ફરી ઉઘાડી અને ફરીથી પેલા ફકરાથી જ શરૂ કર્યું… અને ‘અહાલેક’ની ધૂન જગાવતો ભર્તુહરિ ત્યાંથી ચાલી નીકળ્યો…’