Tankha – Divyesh Trivedi in Gujarati Moral Stories by Smita Trivedi books and stories PDF | તણખા – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

તણખા – દિવ્યેશ ત્રિવેદી

દાળ ઉકળી ગઈ હતી. સ્ટવ બંધ કરીને એ રોટલીનો લોટ બાંધવા બેઠી. દશ વાગ્યે પતિને ઓફિસે જવાનું છે અને સાડા નવે બધું જ તૈયાર થઈ જવું જોઈએ એ વાતનો સતત ખ્યાલ રહેતો હતો. ઝટપટ લોટ બાંધી દીધો. સગડીમાં કાકડી મૂકી. બરાબર કોલસા ભર્યા અને શૂન્ય થઈને જોતી રહી. પતિ છાપું વાંચતા હતા. નાહીને આવશે અને જમવાની ઉતાવળ કરશે. આ સગડી પણ કમબખ્ત સળગતી નથી જલ્દી!

વિચારોમાં ખોવાઈ ગઈ. હું આટલું બધું કરું છું. સવારથી સાંજ સુધી એમની જ ફિકર કરતી રહું છું. છતાં… હોય હવે! ના, પણ સવારથી રસોડામાં લાગી જાઉં છું કે જેથી એમના જતાં પહેલાં રસોઈ તૈયાર થઈ જાય. ઓફિસથી આવે કે તરત ચા – નાસ્તો. એમના રોજેરોજનાં કપડાં – ફાઈલો – એમના બૂટ એમની બધી જ વસ્તુઓનું પૂરતું ધ્યાન આપું છું. છતાં પણ… સગડી જરા સળગવા લાગી હતી. કોલસા તડતડ બોલતા હતા. પૂઠું નાખવા લાગી. તણખા ઝરવા લાગ્યા.

એ રોટલી બનાવવા માંડી. રોટલી થતી જ રહી અને એના વિચારો પાછા ચાલુ રહ્યા. વિચારો એની રોટલી વણવાની કે શેકવાની ક્રિયામાં ખલેલ નહોતા પાડી શકતા. કારણકે હાથ હવે યંત્રવત્ ચાલતા હતા. કેટલીક વાર એક જ ઘરેડમાં થતું કાર્ય એટલું બધુ ઘડાઈ જાય છે કે એમાં બીજા પરિબળો ખલેલ ભાગ્યે જ પહોંચાડતાં હોય છે. રોટલી થતી રહી અને એના વિચારો પણ ચાલતા રહ્યા. ઘડી ઘડી એક જ સવાલ ઊઠતો. કેમ એ મારી સાથે હમણાં હમણાંથી અતડા રહે છે? કંઈ પણ પૂછું છું તો કેમ સીધો જવાબ નથી આપતા અને ચીડાઈ પણ જાય છે? મને ખ્યાલ છે ત્યાં સુધી તો મેં એમની સંભાળ રાખવામાં કાંઈ ઉણપ રાખી નથી… કે એવું કાંઈ બોલી પણ નથી કે જેથી એ ગુસ્સે થાય. તો પછી… હવે સગડીમાંથી તણખા નહોતા નીકળતા… સગડી બરાબર સળગતી હતી.

પતિએ આવીને તરત જ પાટલા ઉપર બેઠક લઈ લીધી અને એણે થાળી પીરસી દીધી. એમણે ખાવાનું શરૂ કરી દીધું. એણે બે-ત્રણ વાર પ્રેમથી એમની સામું જોયું. પરંતુ એ તો ગંભીરતાથી ચૂપચાપ જમતા જ રહ્યા. એને જરા ગુસ્સો આવી ગયો. બોલી નહીં, પરંતુ મનોમન તો થઈ ગયું કે સાત વાર ગરજ હશે તો બોલશે. હું શા માટે બોલાવું. પ્રેમથી બોલાવું છું. એમની સાર સંભાળ રાખું છું. કશી દલીલ નથી કરતી. એટલે વધારે રોફ બતાવે છે. ગરજ હશે તો બોલાવશે. હવે એમને બોલાવું જ નહીં. લગભગ અડધો અડધ રોટલી થઈ ગઈ હતી. કોલસા ઉપર જરા રાખ વળી હતી. એટલે પવન નાખીને બે-ચાર કોલસા નાંખ્યા અને પાછું પૂંઠું નાખ્યું. પાછા તણખા ઊડ્યા. એનાથી જરા મોટેથી બોલાઈ ગયું.

“સૂકા કોલસામાંથી બહુ તણખા ઝરે છે!” પછી પાછી ચૂપ થઈ ગઈ.

પતિએ જમી લીધું. ફરી પાછી વિચારવા લાગી જો કે કારણ નહોતું સમજાતું પરંતુ અટકળ થતી હતી. પતિનો મિત્ર એમ.બી.બી.એસ. થઈને ત્યાં પ્રેક્ટિસ માટે આવ્યો હતો. છ મહિના ટ્રેનિંગના હતા. પતિએ એને જમવા માટે ઘેર આવવાનું કહ્યું હતું. જરા મળતાવડા સ્વભાવનો હતો. શરૂઆતમાં તો ખાસ બોલતો નહીં. પરંતુ છેલ્લા મહિનાથી એ જરા વધુ હળી મળી ગયો હતો અને આમે ય એને હસીને વાત કરવાની ટેવ હતી. કદાચ પતિની નજર એથી જ કડક… ના… ના. એ કાંઈ એમ ખોટા વહેમમાં ફરે તેવા નથી. તો પછી બીજું શું કારણ હોય? અને જો એ જ કારણ હોય તો પછી ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી. એમની મેળે ઠેકાણે આવી જશે. હવે થોડીક જ રોટલી બાકી રહી હતી. ઝટપટ વણવા લાગી પતિના ખાઈ લીધા પછી રસોઈનું કોઈ ખાસ મહત્વ નથી હોતું. કોલસા જરા ઠંડા પડી ગયા હતા. પણ હવે ઉતાવળ ન હોતી એટલે ધીમે ધીમે રોટલી કરવા લાગી.

જો પતિને એવું જ હોય તો ચિંતા નથી. તો તો મારે એમની સાથે બોલવું જ નથી. એમની મેળે ઠેકાણે આવશે. સહેજ હસી જતી અને પાછી ગંભીર થઈ જતી. પછી થયું કે મારે એમને ન ગમે તેવું ન કરવું જોઈએ. પછી જેમ બાળક એક રમત પરથી બીજી રમત પર આવે અને પહેલી રમત વિસરી જાય તેમ આવા સિદ્ધાંતોને એ પણ વિસરી જતી. હવે બે ચાર રોટલી બાકી રહી ગઈ હશે. સગડી નાની હતી. કોલસા બહુ માતા નહોતા એટલે વારંવાર કોલસા પૂરવા પડતા હતા અને વારંવાર તણખા ઉડતા હતા.

માત્ર બે-ચાર રોટલી માટે થઈને કોલસા પૂરવા પડશે. પાછા ઠારી નાખવા પડશે. કાંઈ નહી. દાળ જરા ઉકળવા મૂકીશ. એમ કહીને ચાર કોલસા નાંખ્યા પાછા તણખા… રોટલી પૂરી થઈ ગઈ. પણ ધીમે ધીમે તણખા ઉડતા રહ્યા.