નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે આપ સૌ કુશળ મંગલ હશો. એક તરફ આખું વિશ્વ કોરોના વિરુદ્ધ જંગ લડી રહ્યું છે તો બીજી તરફ ભારત ચાઈના વિરુદ્ધ #Boycott_china અભિયાન ચલાવી રહ્યું છે. આ લેખ લખતા પહેલા એક ચોખવટ કરવી આવશ્યક છે કે મારા લખેલા લેખ માં હું માત્ર અને માત્ર મારા વિચારો રજૂ કરું છું અને મારા વિચારો થી બધા સહમત હોઈ એ જરૂરી નથી. વિચારો માં તર્ક-વિતર્ક, મત-મતાંતર હોવા સામાન્ય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ લેખ અને બીજા બધા લેખ લખવાનો તાત્પર્ય કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે ધર્મ ના લોકો ની લાગણી દુભાવવાનો નથી. જેની સર્વે વાંચક મિત્રો એ નોંધ લેવી.
કોરોના વાઇરસ નું ઉદભવ સ્થાન ચીન દેશ છે એમાં કોઈ બેમત નથી અને એ પાછળ ચીન દેશ ની કોઈ રાજનીતિ છે કે કેમ એ હજુ પુરવાર થયું નથી. આવતા દિવસે અમેરિકા ચીન પર પ્રહાર કરી રહ્યું છે કે ચીન દેશે જાણી જોઈને આ વાઇરસ પુરા વિશ્વ માં ફેલાવ્યો છે. જો કે, WHO (World Health Organisation) આ વાત ને સદંતર નકારી રહ્યું છે. આની પાછળ કોઈ પણ કારણ હોઈ પરંતુ ભારત માં એ દિવસ થી એક અભિયાન ચાલવા લાગ્યું કે ચાઈનીઝ ચીજવસ્તુઓ ની ખરીદી કે ઉપયોગ ના કરવો. એમાંય અધૂરા માં પૂરું આપણા દેશ ના માનનીય પ્રધાનમંત્રી એ 12 મે ના રોજ પોતાના સંબોધન માં એવું કહ્યું કે આપણે દેશ ને 'આત્મનિર્ભર' બનાવવા તરફ પ્રયાણ કરવું જોઈએ એટલે આ ચળવળ ને હજુ વેગ મળ્યો. આ પહેલા ના લેખ માં આપણે અને આપણા દેશ ને 'આત્મનિર્ભર' બનાવવા શું-શું કરવું જોઇએ એ પ્રધાનમંત્રી ના સંબોધન મુજબ નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે પ્રધાનમંત્રી ના 'આત્મનિર્ભર ભારત' ના સંબોધન અને Boycott China અભિયાન ને એક ત્રાજવા પર મૂકીને જોઈએ તો મારા મતે અને મારા વિચાર મુજબ પ્રધાનમંત્રી એ આપેલા સંબોધન નું પલડું ભારે છે. કેમકે પ્રધાનમંત્રી એ આપણો અને આપણા દેશ નો વિકાસ કેમ થશે એ બાબતે ચર્ચા કરી હતી, જ્યારે આપણે શું કરી રહ્યા છીએ? Tiktok app અને બીજી ચાઈનીઝ app uninstall કરવાથી કે પછી ચાઈનીઝ પ્રોડક્ટ નો બહિષ્કાર કરવાથી શું આપણે આત્મનિર્ભર બની જવાના છીએ? માન્યું કે આવું કરવાથી ચીન ની અર્થવ્યવસ્થા નીચે તરફ જશે, પરંતુ એવું માનવું કે આવું કરવાથી ચીન ની અર્થવ્યવસ્થા ભાંગી પડશે તો આ વાત માં મને અતિશયોક્તિ લાગે છે. કેમ કે ચીન ની અર્થવ્યવસ્થા ફક્ત ચાઈનીઝ app પર નથી ટકેલી. આપણને ખબર પણ નથી હોતી કે કંઈ અને કેટલી વસ્તુઓ ચીન માં ઉત્પાદિત થઈને ભારત માં આયાત થાય છે. બીજું એ કે અમુક એવી વસ્તુઓ પણ છે જે બીજા દેશ દ્વારા ઉત્પાદિત (Manufactured) છે પરંતુ ચીન માં તેના અમુક ભાગ એકત્રિત (Assemble) કરાય છે. જેમ કે, Samsung ફોન જે ચાઇના નો નથી પરંતુ તેના હાર્ડવેર પાર્ટ્સ ચીન માં ભેગા (Assemble) કરાય છે. આ તો એક ઉદાહરણ છે આવી તો અનેક ચીજવસ્તુઓ હશે જે આપણને ખબર પણ નહીં હોય પરંતુ રોજિંદી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ માં આપણે એને ઉપયોગ માં લેતા હશું. આ કહેવાનો હેતુ એવો જરાય નથી કે આપણે 'Made In China' પ્રોડક્ટ નો બહિષ્કાર ના કરવો જોઈએ પરંતુ હું 'બહિષ્કાર કરવા કરતાં આવિષ્કાર' કરવામાં માનું છું. મારા મતે આપણે દેશ ને એટલો સક્ષમ બનાવવો જોઈએ કે બહિષ્કાર કરવાનો પ્રશ્ન જ ના ઉભો થાય.
થોડા મહિના પહેલા સોનમ વાંગચુક (જેના જીવન થી પ્રેરાઈને 3 Idiots ફિલ્મ બની છે) એ એક વીડિયો ફરતો કર્યો, જેમાં તેમણે બહુ જ સારી રીતે ચાઇના ના software ને અત્યારે જ uninstall કરવા અને ચાઇના ના hardware 1 વર્ષ સુધી માં પોતાના જીવન માંથી નાબૂદ કરવા જણાવ્યું. ખુબજ સચોટ અને સારી વિચારધારા રાખીને આ વીડિયો લોકો સમક્ષ રજુ કરાયો. તેમના બીજા વીડિયો માં લોકો ને ઉદ્દભવેલા સવાલ અંગે સોનમજી એ ખૂબ જ સારી રીતે સમજણ આપી. જો ખરેખર આવું કરવામાં આવે તો ઘણો બદલાવ આવી શકે એમ છે. પરંતુ એ પહેલાં આપણે આપણા દેશ ને બધાં પાંસા માં સક્ષમ બનાવવો છે. આપણે ઉત્પાદન ની ક્ષમતા વધારવાની છે, આપણે ગુણવત્તા ના માપદંડ વધારવાના છે, આપણે દેશ ને માંગ મુજબ ના અને એનાથી પણ વધુ પુરવઠા ને પહોંચી શકીએ એવો સક્ષમ બનાવવો છે. મેં નાનપણ માં એક વાર્તા સાંભળેલી હતી જે હજુ સુધી મને યાદ છે જે કંઈક આ મુજબ છે, એક શિક્ષક બોર્ડ પર ચોક વડે એક લીટી દોરે છે અને એની સહેજ બાજુ માં એના થી નાની લીટી દોરે છે અને બધા વિદ્યાર્થીઓ ને પૂછે છે કે, આ મોટી લીટી ને અડ્યા કે ભુંસ્યા વિના એને નાની કરી આપો. બધા વિદ્યાર્થીઓ મૂંઝાય જાય છે, પરંતુ એક વિદ્યાર્થી ઉભો થઈને ચોક વડે નાની લીટી ને મોટી લીટી કરતા મોટી કરી દે છે જેના લીધે મોટી લીટી આપોઆપ સાપેક્ષ માં નાની થઈ જાય છે. આ વાર્તા નો બોધપાઠ એવો છે કે બીજાને નીચે લઈ આવવા કરતા આપણે ખુદ ને એનાથી વધુ ઊંચું લઈ જવું જોઈએ. મને તો આ વાર્તા અને એની શીખ હજુ સુધી ગળે જ ઉતરેલી છે. આપણે ચીન ને પાછળ લઈ જવા કરતા ખુદ ને આગળ લઈ આવવો જોઈએ. દેશ ને એટલો સક્ષમ બનાવવો જોઇએ કે પછી આવી ચળવળ કરવાની જરૂર જ ના રહે, બાકી અત્યારે તો આ ચળવળ ચાલે છે વર્ષ દિવસ પછી કોઈને યાદ ભી નહીં હોય. આ આપદા ને આપણે જ અવસર માં પરિવર્તિત કરવો પડશે. આ જ સાચો સમય છે આવિષ્કાર કરવાનો ના કે બહિષ્કાર કરવાનો.
જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ નો બહિષ્કાર કરીએ છીએ તો એના વિકલ્પ તરફ પહેલા ધ્યાન કરવું જોઈએ. Tiktok app ના વિકલ્પ સ્વરૂપે 'Mitron' app Playstore પર ઉપલબ્ધ છે. App ની વાત થાય જ છે તો એક 'Remove China Apps' કરીને એક app આવેલી જે તમારા ફોન માં સ્કેન કરીને ચાઇના ની બધી apps ને uninstall કરવાનો વિકલ્પ આપતો હતો. સદભાગ્યે આ app ખૂબ જ લોકપ્રિય થઈ અને પ્લે સ્ટોર પર 4.7 સ્ટાર નું રેટિંગ પણ આવ્યું પરંતુ દુર્ભાગ્યે પ્લે સ્ટોર એ આ app ને પોતાના લિસ્ટ માંથી કાઢી નાખ્યું છે. આ 2 app નો ઉલ્લેખ કરવાનો તાત્પર્ય એટલો જ છે કે સમય નો લાભ ઉઠાવીને આ બંને apps ને ઘણી લોકપ્રિયતા મળી પરંતુ બંને apps ને ત્યારબાદ પ્લે સ્ટોર માંથી કાઢી દેવામાં આવી. પરિણામે ભારતીય લોકો માં રોષ ભભૂકી ઉઠ્યો અને પ્લે સ્ટોર જે ગૂગલ નું છે તેના પર પણ સવાલો ઉઠવા લાગ્યા જેના જવાબ માં Android અને Google Play ના ઉપ પ્રમુખ સમીર સમટ (જી હાં, એ પણ ભારતીય છે, તમારી ને મારી જેમ) ને નિવેદન આપવું પડ્યું. તેમના નિવેદન મુજબ, Mitron app માં ગુગલ પ્લે ના અમુક નીતિ નું ઉલ્લંઘન થયેલ હતું અને તે app ના ડેવલપર સાથે વાટાઘાટ ચાલુ છે જેનું નિવારણ થતા આ app પાછી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઈ જશે. (આ નિવેદન તા. 04-06-2020 ના આપેલ છે અને આ લખાય છે ત્યારે Mitron app પ્લે સ્ટોર પર પાછી ઉપલબ્ધ થઈ ગઈ છે.) જો કે 'Remove China Apps' એ ગૂગલ પ્લે ના ઘણા નીતિઓ નું ઉલ્લંઘન કર્યું છે અને તે પાછી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નહીં થાય એવું સમીર સમટે એ જણાવ્યું. આપણે સમજવું જોઈએ કે આપણે જે ક્રિયા કરીશું તો એની શું પ્રતિક્રિયા આવશે. આ બહિષ્કાર આંદોલન નું શું પરિણામ આવશે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ આપણે આ સમયે જોશ થી નહીં પરંતુ હોંશ થી કામ લેવાનું છે. તમે ક્યાં પક્ષ માં છો? આવિષ્કાર ના પક્ષ માં કે બહિષ્કાર ના પક્ષ માં એ હું તમારા પર છોડું છું.
ખૈર, આ તો મારા વિચાર છે તમે લોકો આ વિચાર થી સહમત થાવ એ જરૂરી નથી જ. પરંતુ આ લેખ વાંચીને એક વ્યક્તિ ભી જો સહમત થશે તો મારા માટે એ સફળતા જ ગણાશે. હંમેશ ની જેમ આ લેખ નો અંત પણ એક હળવી વાત સાથે કરીશ. એક સમાચાર અનુસાર, આ #Boycott_China ઝુંબેશ ને સમર્થન આપવા Boycott China લખેલ ટોપી અને ટી-શર્ટ પણ બજાર માં ઉપલબ્ધ છે જે પોતે 'Made in China' છે અને લોકો તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તો મને સમજ નથી આવી રહ્યું આપણે બહિષ્કાર કોનો કરી રહ્યા છીએ? આંદોલન કરવું જ હોઈ તો પદ્ધતિબદ્ધ કરવું બાકી આંધળી દોટ મુકવાથી કોઈ ફાયદો નથી થવાનો. જો આવું જ કરવું હોય તો એના કરતાં આવિષ્કાર કરવા ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ હિતાવહ છે.
✍️ Anil Patel (Bunny)