“ભલુભાઈના સમાચાર સાંભળ્યા? ગજબ કહેવાય, નહીં?”
“ગજબ જ કહેવાય ને! આખી દુનિયા જાણે છે… હવે તો ટી.વી. પર સમાચાર આપવાના જ બાકી રહે છે!”
“તમને નથી લાગતું વડીલ, કે ભલુભાઈએ આ ઉંમરે …”
“હાસ્તો, વળી! આ ઉંમરે તો પ્રભુ ભજન કરવાનું હોય. મોટા હોદ્દાની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી માણસે પાછા આ રીતે સંસારમાં પ્રવૃત્ત થવાનું હોતું હશે?”
“કેમ? એમાં શું થઈ ગયું? કોઈ પ્રલય થઈ ગયો? આપણું માનસ જ દૂષિત છે. કોઈના પણ વિષે કશું જાણ્યા વિના આપણે એની નિંદા કરવા બેસી જઈએ છીએ…”
“ભલા માણસ! તમે ય ખાલી પીલી કાં ભલુભાઈના વકીલ થઈ જાવ છો?” જરાક સમજો તો ખરા દરેક ચીજની એક ઉંમર હોય છે. ભણવાની ઉંમરે ભણાય, પરણવાની ઉંમરે પરણ્યા અને પ્રભુ ભજન કરવાની ઉંમરે હાથમાં માળા જ શોભે!”
“એટલે જ તમારા હાથમાં આ ઉંમરે સિગારેટ માળા જેવી દેખાય છે, ખરું ને નાનાકાકા?”
રાતના દસેક વાગ્યે સોસાયટીના નાકે આવેલા પાનના ગલ્લાની બાજુના ઓટલા પર ચાલતી આજની ગંભીર સામાજિક ચર્ચાનો વિષય ભલુકાકા હતા. કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલમાં નિવૃત્ત થયે એમને બે વર્ષ થયા હતા. એમને બે દીકરા હતા. દીકરી એકેય નહોતી. બન્ને દીકરાઓ ઠેકાણે પડી ગયા હતા. મોટો સુરતની એક કોલેજમાં સંસ્કૃતનો પ્રોફેસર હતો અને નાનો મુંબઈમાં પોતાનો ધંધો કરતો હતો. મોટો દીકરો ધોતિયું-ઝભ્ભો નહોતો પહેરતો અને ચોટલી નહોતો રાખતો એટલું જ, બાકી એણે પોતાના રૂંવે રૂંવે સંસ્કૃતને એવું તો સમાવી લીધું હતું કે એને ‘ટિપિકલ શાસ્ત્રીજી’ જ કહેવું પડે. ભલુકાકા પ્રમાણમાં બહુ ‘રેશનલ’ માણસ હતા. પરંતુ એમનાં પત્ની મહાધાર્મિક અને કર્મકાંડી સંસ્કારનાં હતાં. મોટા દીકરા પર માતાના એ સંસ્કારો જાણે છવાઈ ગયા હતા.
નાનો દીકરો સારું સાસરું મળવાથી વધુ સુખી હતો. એના સાળાઓ સધ્ધર હતા. એમણે જ એને મુંબઈમાં હાર્ડવેરના ધંધાનો કીડો બનાવી દીધો હતો. છોકરો ધંધામાંથી નવરો નહોતો પડતો અને પાછું આર્થિક વર્ચસ્વને લીધે એની વહુનું રાજ સ્થપાઈ ગયું હતું. ભલુભાઈ સતત ચુસ્ત અને પ્રવૃત્તિશીલ રહેનાર માણસ હતા. સવારે ઊઠીને કાંકરિયાનાં ત્રણ પૂરાં ચક્કર લગાવનાર ભલુભાઈને માત્ર ઉંમરને કારણે જ સરકારે નિવૃત્ત કર્યા હતા. આવા કિસ્સાઓમાં ઉંમરના ચોક્ઠાં કેટલાં બધાં સતાર્કિક અને જડ બની જતાં હોય છે એ ભલુભાઈને જોયા પછી તરત સમજાઈ જાય. એમની ચુસ્તી અને સ્ફૂર્તિ જોયા પછી એમને શા માટે નિવૃત્ત કરવા જોઈએ એવો સવાલ અચૂક જાગે.
નિવૃત્ત થયા પછી ભલુભાઈને પી.એફ. અને ગ્રેજ્યુઈટીની સારી એવી રકમ મળી હતી. અમદાવાદમાં નાનકડો બંગલો પણ એમણે બનાવેલો હતો. બરાબર બાર વર્ષ પહેલાં એમનાં પત્ની કેન્સરની જીવલેણ બીમારીમાં મૃત્યુ પામ્યાં એ પછી ખરું પૂછો તો ભલુકાકાનું જીવન ધીમે ધીમે સાવ એકલવાયું બની ગયું હતું. પરંતુ સતત પ્રવૃત્તિશીલ રહીને એમણે એકલતાને હંફાવી હતી.
નિવૃત્ત થયા પછી એમની પાસે પ્રવૃત્તિ રહી નહોતી. હવે ઘરમાં રહેવાનું પણ ગમતું નહોતું. ‘શાસ્ત્રીજી’ના આગ્રહથી સુરત ગયા. પરંતુ એક તો સુરતનું ભેજવાળું હવામાન અને ઉપરથી શાસ્ત્રીજીનું ધાર્મિક ભેજથી ભીનું ભીનું ભેજું! બાપ દીકરાનો મેળ જામ્યો નહીં. બે પેઢીનું અંતર હંમેશાં કામ કરે છે. અહીં પણ એવું અંતર કામ કરતું હતું, પરંતુ ભલુભાઈના કિસ્સામાં ઊંધું હતું. શાસ્ત્રીજી ગઈ પેઢીના અને ભલુભાઈ નવી પેઢીના હોય એમ લાગતું હતું!
થોડા દિવસ નાનાને ત્યાં મુંબઈ રહેવા ગયા. પરંતુ જીવનભર પોતાના જ શાસન જીવેલા ભલુભાઈને પુત્રવધૂનું શાસન માફક ન આવે એ સમજી શકાય તેવી વાત છે. નજીક ગયા પછી ડુંગરા પર ધૂળ અને ઢેફાં જ વધુ હોય છે એ વાતની એમને ફરી એક વાર પ્રતીતિ થઈ. ભલુભાઈ પાછા અમદાવાદ આવી ગયા. લાઈબ્રેરી, નાટક અને ‘અમદાવાદમાં આજે’ની કોલમ વાંચીને રસ પડે એવા પરિસંવાદો કે વ્યાખ્યાનોમાં હાજરી આપવી એ એમનો શોખ થઈ પડ્યો. કહો કે એ જ એમની પ્રવૃત્તિ બની ગઈ. સારી હોટેલમાં સવાર-સાંજ જમવા માટે એમની પાસે પૈસા ખૂટવાના નહોતા.
ભલુભાઈનું ‘બેકગ્રાઉન્ડ’ જાણવાની કોઈને ચિંતા નહોતી. એટલે જ પાનના ગલ્લે આજે ભલુભાઈ જીભે ચડી ગયા હતા. બાસઠ વર્ષની ઉંમરે ભલુભાઈએ લગ્ન કર્યા. એ વાત જ કોઈથી સહન થતી નહોતી. છેવટે એક સણસણતો સવાલ નાનકાકાના માથા પર પટકાયો, “કાકા, તમે મને ભલે વકીલ કહો કે જે કહેવું તે કહો, પરંતુ તમારી એક વાત સાથે હું સંમત નથી થતો…”
“કઈ વાત?”
“એ જ કે દરેક ચીજ માટે એક ઉંમર હોય છે.” હોય તે જ થાય… આ ઉંમર તો પ્રભુ ભજનની છે , પરણવાની થોડી છે?”
“હું બિલકુલ સંમત નથી. ભલુકાકા તો ઠીક, કોઈ પણ વ્યક્તિ વિષે એના ‘બેકગ્રાઉન્ડ’ ને જાણ્યા વિના કોઈ પણ અભિપ્રાય આપવાનો આપણને અધિકાર નથી. ભલુકાકા વિષે તમે શું જાણો છો?”
“એમાં જાણવાનું શું છે? સીધી વાત છે. આ કંઈ પરણવાની ઉંમર નથી. નવી પેઢી પર આપણે શું સંસ્કારની છાપ પાડવાના હતા?”
“આ બધી વાહિયાત વાતો છે, કાકા! હું તો સ્પષ્ટ માનું છું કે ગમે તે ઉંમર લગ્ન માટેની ઉંમર છે. ભલુકાકાને આજે લગ્નની જેટલી જરૂરિયાત છે એટલી કદાચ અત્યારે ખુદ માટે પણ નથી…”
“……”
“મને ખબર છે કે આ વાત અત્યારે તમારા ગળે નહીં ઉતરે, કારણ કે તમે એ તબક્કામાંથી પસાર થતા નથી. ભલુકાકાને નિવૃત્ત થયા પછી જ ખરેખરી એકલતા સાલી છે. એમના દીકરાઓ એમની વૃદ્ધાવસ્થાની લાકડી બની શકે તેમ નથી. એમણે વગર વાંકે આવું એકાકી જીવન શા માટે વેંઢારવું જોઈએ? વળી ગમે તે ઉંમરે પણ માણસના શરીરની ભૂખ કંઈ મરી પરવારતી નથી. ભલુકાકા જુવાનને પણ શરમાવે એટલી શારીરિક સજ્જતા ધરાવે છે. પછી એમણે શા માટે એ ભૂખને પણ દબાવીને જ બેસી રહેવું?”
નરેશ એકી શ્વાસે અને સહેજ ઊંચા અવાજે બોલી રહ્યો હતો. ત્યારે બીજા બધા જ ઊંચા નીચા થઈ રહ્યા હતા. પરંતુ જાણે દરેકની જીભ સીવાઈ ગઈ હતી. નરેશે આગળ ચલાવ્યું, “ભલુકાકા પાસે કદાચ પચાસેક લાખ રૂપિયા રોકડા હશે. એ ઉપરાંત એમના બંગલાની પણ સારી કિંમત ઉપજી શકે તેમ છે. એમની અવસ્થામાં કોઈ એમને કામ નથી લાગ્યું, એમનું પોતાનું લોહી પણ નહીં. પછી શા માટે એમણે એ સંપત્તિ કોઈને આપવી જોઈએ? સંપત્તિ આપવી એ પણ એક મનગમતો અધિકાર છે. એટલું ગુમાન એમને બાકીનું જીવન સુખથી જીવવા માટે પૂરતું નથી?”
કોઈ કંઈ જ બોલતું નહોતું. એટલે નરેશે વાતને આગળ લંબાવી, “મને ખબર છે કે તમારી પાસે હવે કોઈ જવાબ નહીં હોય. તમે એવી એકલતા જોઈ નથી અને ભોગવી નથી. અને હા, ભલુકાકાએ એક સ્ત્રી સાથે રીતસર અને વિધિસર લગ્ન કરીને એને પત્નીનો દરજ્જો આપ્યો છે એ વાત તમે કેમ ભૂલી જાવો છો? એને બદલે એ ચોરી છૂપીથી વેશ્યાનું ઘર ગણતા હોત કે કોઈકની પત્ની સાથે છૂપો સંબંધ રાખતા હોત તો તમને વાંધો નહોતો…”
નરેશના અવાજમાં રીતસરની કડવાશ હતી. બધા એકબીજાનું મોં જોતા હતા. એણે ઝભ્ભાના ખિસામાંથી સિગારેટ કાઢીને સળગાવી. પછી કહ્યું, “ભલુકાકા ભલે મારા કરતાં બેવડી ઉંમરના રહ્યા, પરંતુ મારી અને એમની વચ્ચે મિત્રતાનો સંબંધ રહ્યો છે. તમારી જાણ માટે કહું છું કે, એમના લગ્ન વખતે હું હાજર હતો..."
ત્યાં નરેશના ખભા પર હળવો હાથ આવ્યો. ક્યારના એની પાછળ ઊભેલા ભલુકાકા બોલ્યા, “ચાલ, નરેશ! સંસાર છે, ચાલ્યા કરે! દુનિયા છે, જેને જે કહેવું હોય તે કહે. આપણને જે ઠીક લાગે તે કરવું. તું નાહક આટલો આકરો શું કામ થાય છે? ચાલ, તારી ભાભી પાસે કોફી બનાવડાવીએ… ચાલો, મિત્રો, નાનુભાઈ, આવજો!”