Slaves - 16 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 16

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ગુલામ – 16

ગુલામ – 16

લેખક – મેર મેહુલ

( લોકડાઉન પછીનો સમય )

જુલાઈ, 2020

જુલાઈ મહિનામાં લોકડાઉન પછી ધીમે ધીમે બધાં ધંધા ફરી શરૂ થવા લાગ્યાં હતાં. ઋષિને પણ પોતાની નોકરી શરૂ થઈ ગઈ હોવાથી એ ભાવનગર ચાલ્યો ગયો હતો. અભય ઉમરાળા પાસે આવેલાં સાબુનાં કારખાનામાં કામે લાગી ગયો હતો. લોકડાઉન પછી બજારમાં માલની એટલી અછત હતી કે કારખાનામાં માલનું ચોવીશ કલાક ઉત્પાદન કરવું પડતું હતું. અભયે અહીં પણ તકનો લાભ ઉઠાવ્યો હતો. એ સવારનાં આઠથી રાતનાં આઠ વાગ્યાં સુધી દિવસની પાળીમાં કામ કરતો અને રાતનાં આઠથી સવારનાં ત્રણ વાગ્યાં સુધી રાતની પાળીમાં કામ કરવા લાગ્યો હતો.

અભયે કારખાનાને જ પોતાનું ઘર બનાવી લીધું હતું. ત્રણ-ચાર દિવસે ઓવર ટાઇમનાં જે રૂપિયા ભેગાં થતાં એ પિતાને આપવા વહેલી સવારે ઘરે આંટો મારી આવતો. પિતાને રૂપિયા આપી, કપડાં બદલી એ ફરી કામે લાગી જતો. અભયનાં કામથી તેનાં પિતા પણ ખુશ હતાં. ઘણીવાર રાત-દિવસ કામ ન કરવા અભયને સલાહ આપતાં પણ અભયને જુનૂન જ એવું ચડ્યું હતું કે એ કોઈ દિવસ કામેથી રજા ના લેતો.

જોતજોતામાં એક મહિનો પૂરો થઈ ગયો. મહીનાને અંતે જ્યારે અભયે હિસાબ કર્યો ત્યારે તેણે એક મહિનામાં ચોવીશ હજાર રૂપિયા કમાઈ લીધાં હતાં. તેનાં પિતા તો આ વાત જાણીને હદ બહારનાં ખુશ હતાં. પોતાનો દીકરો ઠેકાણે પડી ગયો એવું તેઓને લાગવા લાગ્યું હતું.

જેમ દિવસ પછી રાત, સુખ પછી દુઃખ અને ચડાવ પછી ઉતાર આવે જ છે એમ અભયની જિંદગી પણ આવા પડાવોમાંથી પસાર થતી હતી. કારખાનામાં ટાઈમ પરવારી મજૂરોની જરૂર હતી. ધીમે ધીમે ઓર્ડર ઓછાં થવા લાગ્યાં તેમ તેમ કારખાનાનો માલિક મજૂરોને છૂટા કરતો ગયો. છૂટા થયેલાં મજૂરોમાં અભય પહેલો હતો.

અભય ફરી એ જ થાકેલાં અને હારેલાં પગે ઘરે આવ્યો. તેનાં બા-બાપા હજી ખેતરે ગયેલાં હતાં. ભાભી રાતનાં ભોજનની વ્યવસ્થામાં હતાં.

“કેમ અભયભાઈ આજે વેલા(વહેલાં) !, રજા રાખી છે કે શું ?” અભય ખડકી ખોલીને ફળિયામાં પ્રવેશ્યો એટલે ભાભીએ પુછ્યું.

“છૂટો કરી દીધો છે મને” અભયે કહ્યું, “હવે મજૂરોની જરૂર નથી”

“ઓહ !!” અભયનાં ભાભી માત્ર આટલું જ બોલ્યાં.

અભયે કપડાંની થેલી બાજુમાં રાખી. દોઢ વર્ષનાં થઈ ગયેલા ભત્રીજાને તેડ્યો. અભય તેનાં માટે ચોકલેટ લઈ આવ્યો હતો એ હાથમાં આપી એટલે ભત્રીજો ખુશ થઈ ગયો. થોડીવાર તેની સાથે હેત કરીને અભય નાહવા ચાલ્યો ગયો. એ નાહીને બહાર આવ્યો ત્યાં સુધીમાં તેનાં બા-બાપા ઘરે આવી ગયાં હતાં. તેઓએ પણ ભાભીનાં સવાલનું પુનરાવર્તન કર્યું અને અભયે પણ વળતો જવાબ એ જ આપ્યો.

“કાંઈ વાંધો નય, એક નય તો બીજી જગ્યાએ કામ મળી જાહે” ભુપતભાઇએ ધરપત આપતાં કહ્યું, “નયતર આપડું ખેતર તો છે”

અભય કંઈ ના બોલ્યો. માથું ધુણાવીને ચુપચાપ ઘરમાં ચાલ્યો ગયો.

અભયે એક મહિનાથી સતત બળનું કામ કર્યું હતું એટલે બીજાં દિવસે સવારે તેનાં સ્નાયુઓ છુટા પડવા લાગ્યાં હતાં, જેને કારણે થાક અને તાવ આવી ગયો હતો. પિતાનાં કહેવાથી એ ઉમરાળા જઈને દવા લઈ આવ્યો. ચાર દિવસ થયાં તો પણ અભયને સતત થાક લાગતો હતો, જેને કારણે તે ચાલી શકે એવી સ્થિતિમાં પણ નહોતો રહ્યો.

પછીનાં દિવસે સવારે જ્યારે અભય ઉઠ્યો ત્યારે તેનાં બાપાએ કહ્યું, “ઘરે પડ્યો રઈશ તો વધુ માંદો પડીશ, ખેતરમાં હાલ. ત્યાં પગય છૂટો થાહે અને કામમાં મનય લાગશે”

અગાઉનાં અભય અને તેનાં પિતાનાં સંબંધો પરથી અભય એ જાણી ગયો હતો કે વધુ દિવસો માટે પોતે ઘરે નહીં બેસી શકે એટલે કોઈ પણ દલીલ વિના અભય ખેતર જવા તૈયાર થઈ ગયો. ખેતરમાં કામ કરતાં સમયે અભયનાં બાએ ટકોર કરી, “તું તારાં ભાઈ હારે, હીરામાં હાલ્યો જાને”

“મારે હીરા નથી ઘહવા બા” અભયે કહ્યું.

“હીરા નો ઘહવા હોય તો બીજાં કારખાનામાં કામ ગોતી લે” ભુપતભાઇ વચ્ચે પડ્યા.

“હાજો તો થાવા દ્યો મને” અભયે કંટાળાજનક અવાજે કહ્યું.

“અમને એમ હતું કે બે-ચાર મહિના તું ન્યા કામ કરીશ તો થોડું લેણું ઓછું થઈ જાહે” ભુપતભાઇએ કહ્યું, “કાલે ભીખાકાકાનાં છોકરાંને દહ(દસ) હજાર આપ્યાં છે અને એક અઠવાડિયા પછી બીજા દહ આપવાનાં છે” ભુપતભાઇએ મરણીયા અવાજે કહ્યું.

અભય કંઈ ના બોલ્યો.

“હું છાશ લેવાં જાવ છું, તમે લોકો એક વાગે એટલે વયા આવજો” ભુપતભાઇએ કામ પડતું મૂકીને કહ્યું.

“હજી તો દહ વાગ્યાં છે પણ” સગુણાબેને કહ્યું.

“મારે કામ છે થોડું” કહેતાં ભુપતભાઇ ચાલવા લાગ્યાં.

અભય સમજી ગયો હતો. ખેતરમાં પુરુષનું કામ અભયનાં માથે આવે એટલે ભુપતભાઇ પહેલેથી જ પોબારા ગણવાની વૃત્તિ રાખતાં હતાં. દીકરાને રોકટોક કરે છે અને મન ફાવે ત્યાં ચાલ્યાં જાય છે એ વાત અભયને નહોતી ગમતી.

*

“કાંઈ કામનો મેળ આવ્યો ?” બીજાં દિવસે ભુપતભાઇએ એ સવાલ કર્યો.

“ના બાપા, ભાઈબંધો હારે વાત કરી છે. જગ્યા હશે તો કેશે એમ કીધું છે” અભયે કહ્યું.

“કાંઈ વાંધો નય, જ્યાં હુધી કામ નો મળે ત્યાં હુધી મારે ખેતરમાં હથવારો મળી જાહે” ભુપતભાઇએ કહ્યું.

“તું કે તો હોય તો ધોળાની મિલમાં નાનુમામાનો છોકરો જાય છે એની હારે વાત કરું” ભુપતભાઇએ પુછ્યું.

“કરોને, મારે ન્યા(ય) કામ કરવું અને આયા(ય) કામ જ કરવું છે”

“હારું, તો હું વાત કરીને તને કવ છું” ભુપતભાઇએ કહ્યું, “અત્યારે તારાં મામા બળદ્યો લઈને આવે છે. તારે હાંકવાનો છે”

“વાંધો નય” કહેતાં અભય પોતાનાં કામે લાગી ગયો.

થોડીવારમાં અભયનાં મામા બળદ્યો અને ગાડું લઇને આવ્યાં. ગાડામાં ખેતીનાં જરૂરી સાધનો હતાં. ભુપતભાઇ એ અભયને હુકમ કરતાં રહ્યા અને અભય પિતાનાં હુકમનું પાલન કરતો રહ્યો. અડધી કલાકમાં બળદ્યો જોતાઈ ગયો હતો.

“જો ડાબી બાજુનો પાળો તૂટે તો જમણી રાશ(બળદનાં નાકે બાંધેલી દોરી) ખેંચવાની છે અને જમણી બાજુનો પાળો તૂટે તો ડાબી બાજુની” ભુપતભાઇએ કહ્યું. અભયે હકારમાં માથું ધુણાવ્યું. અભયે લાકડાની પાતળી સોટી હાથમાં લીધી અને બળદની પીઠ પર મારી. બળદ ચાલવા લાગ્યો. આગળ જતાં દાંતી(ખેતર ખેડવાનું સાધન) જમણી બાજુનો પાળો તોડતું હતું એટલે અભય હજી ડાબી બાજુની રાશ ખેંચે એ પહેલાં ભુપતભાઇ બોલ્યાં, “ડાબી બાજુની રાશ ખેંચ”

અભયે ડાબી બાજુની રાશ ખેંચી એટલે બળદ ડાબી બાજુ તરફ થોડો વળ્યો અને પાળો તૂટતો બંધ થઈ ગયો. હવે જ્યારે જયારે પાળો તૂટતો ત્યારે અભય રાશ ખેંચે એ પહેલાં જ ભુપતભાઇ રાશ ખેંચવાની સલાહ આપતાં.

‘મને ખબર છે મારાં બાપ, એકવાર કેશો તોય સમજાય જશે’ મનમાં અભય બોલતો હતો.

અડધું ખેતર ખેડાણું ત્યાં સુધીમાં અભય બળદ ચલાવતાં શીખી ગયો હતો એટલે ભુપતભાઇ જઈને તેનાં સાળા સાથે બેસીને વાતો કરવા લાગ્યાં. અભય અહીં બળદ સાથે વાતો કરતો હતો,.”તારી અને મારી એક જેવી જ છે ભાઈ, ફરક એટલો છે કે તારાં નાકે દોરી બાંધી છે અને મારાં ગળે શબ્દોનો પટ્ટો છે. બાકી તુય તારો માલિક કહે એમ કરે છે અને હુય મારો માલિક કહે એમ કરું છું. આપણે બેય ગુલામ જ છીએ”

અભયને બળદ સાથે વાતો કરવામાં મજા આવતી હતી. બંને સરખા દુખિયારા ભેગા થયા હોય એવું તેને લાગતું હતું. ત્રણ દિવસ સુધી સતત અભયે ખેતરમાં બળદ ચલાવ્યો. ખેતીમાં કામ કરવું અભયને પસંદ જ હતું પણ સુપરવાઈઝરની જેમ તેનાં પિતા માથે ચડીને ઊભાં રહેતાં એ અભયને નહોતું ગમતું. સરકારી નોકરીનાં આસાર 2021 સુધી નહોતાં દેખાતાં એટલે કોઈ પ્રાઇવેટ નોકરી મળી જાય એ આશાએ અભય રોજ પોતાનાં દોસ્તો પાસે પૂછપરછ કરતો પણ કોરોનાને કારણે પરિણામ શૂન્ય મળતું.

(ક્રમશઃ)