Slaves - 13 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 13

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ગુલામ – 13

ગુલામ – 13

લેખક – મેર મેહુલ

( બિનસચિવાલયની તૈયારી – 2 )

ઓગસ્ટ, 2019

“પરીક્ષાની તારીખ આવી ગઈ અલા !” અભય રૂમમાં પ્રવેશ્યો એટલે ઉદયે સમાચાર આપ્યાં, “20, ઓક્ટોબરે પરીક્ષા છે”

“મતલબ હજી બે મહિનાની વાર છે” અભયે બેગ નીચે રાખતાં કહ્યું.

“હજી બે મહિનાની નહિ, ખાલી બે મહિનાની જ વાર છે” ઉદયે ચિંતાગ્રસ્ત અવાજે કહ્યું, “તને નથી લાગતું આપણે કંઈ વાંચતા જ નથી !!!”

“થઈ જશે ભાઈ” સૌરભે કહ્યું, “આટલી બધી ચિંતા કેમ કરે છે ?”

“ચિંતા તો થાય જ ને, બાપાએ ચાર મહિના વાંચવા માટે આપ્યા છે અને આપણે બે મહિનાથી વાતુના વડા સિવાય કંઈ નથી કરતાં”

“એવું નથી, એક મહિનાથી આપણે ધ્યાન આપીને જ વાંચીએ છીએ” સૌરભે દલીલ શરૂ કરી, “રાગે પડતાં એક મહિનો તો લાગે જ ને !”

“તો પણ, આટલી તૈયારીએ બિનસચિવાલય ક્લિયર ના થાય. જગ્યા ત્રણ હજાર છે અને ફોર્મ દસ લાખ ભરાયા છે” ઉદયે કહ્યું, “ આપણે વાંચવાનું વધારવું પડશે”

“તો પછી રાત્રે પણ વાંચવાનું શરૂ કરી દઈએ” સૌરભે ગંભીર થતાં કહ્યું.

“મારાં બાપા નો આવવા દે” અભયે કહ્યું, “અને બપોર સુધી ખેતરમાં કામ કરવું પડે એટલે હું બપોરે બે થી સાંજના આઠ વાગ્યા સુધી જ વાંચી શકું”

“તારાં બાપાને સમજાવ, ખેતરમાં કામ કરે પરીક્ષા પાસ નો થાય અને જો એવું થતું હોત તો અત્યારે બધી પોસ્ટ પર ખેડૂતનાં દિકરા જ હોત” ઉદયે ઊંચા અવાજે કહ્યું.

“આ બધું મારાં બાપાને સમજાવ, હું તો સમજુ જ છું” અભયે પણ ઊંચા અવાજે કહ્યું.

“બધી વાત મારે નો સમજાવવાની હોય, હું એનો દીકરો નથી” ઉદય ગુસ્સે થઈ ગયો.

અભય ચૂપ થઈ ગયો. બે મિનિટ મૌન રહી, કંઈક વિચારીને તેણે કહ્યું, “હું વાત કરીશ”

“હા બસ એમ, આજે સાંજે જમીને આપણે અહીં જ મળીએ છીએ” ઉદયે કહ્યું, “બ્રેક પૂરો થયો હોય તો હવે આપણે વાંચવામાં ધ્યાન આપીએ”

સૌરભ ઉભો થયો, તેણે ગજવામાંથી બીડી કાઢીને સળગાવી. આ વખતે અભયે પણ બીડી સળગાવી. ઉદય ફાટેલી આંખોએ અભયને જોતો રહ્યો પણ કંઈ બોલ્યો નહિ. વાતાવરણ તંગ થઈ ગયું હતું. હદ બહારનું તંગ.

*

સાંજના સાડા આઠ થયાં હતાં. અભય પરિવાર સાથે બેસીને વાળુ(રાતનું ભોજન) કરી રહ્યો હતો.

“બાપા, પરિક્ષાની તારીખ આવી ગઈ છે. બે મહિના પછી પરીક્ષા છે” અભયે અચકાતા અચકાતા રજુઆત કરી.

ભુપતભાઇ જમવામાં વ્યસ્ત હતાં. તેણે એક કોળિયો મોઢામાં રાખ્યો. અડધી મિનિટ સુધી કોળિયો ચાવીને ગળા નીચે ઉતર્યો. ત્યારબાદ અભય સામે જોઇને કહ્યું, “ કાલથી ખાલી રીંગણા ઉતારવા જ આવજે, રીંગણા વેચીને વાંચવા હાલ્યો જાજે”

પિતાની વાત સાંભળીને અભય ખુશ થઈ ગયો. આજે પિતાનો મૂડ સારો લાગતો હતો. તેણે વધુ હિંમત ઝૂંટવી.

“અમે બધા રાતે વાંચવાનું નક્કી કર્યું છે બાપા” અભયે કહ્યું, “હું જાવને વાંચવા”

“એમાં પૂછવાનું થોડું હોય, વાંચવાનું છે તો જાવાનું જ હોયને” ભુપતભાઇએ શાંત સ્વરે કહ્યું.

અભયની ખુશીમાં ચાર ચાંદ લાગી ગયાં. ઉતાવળથી જમવાનું પતાવીને એણે બેગ ખભે નાંખ્યું, હીરો-હોન્ડાને કિક મારી અને તરપાળા તરફ અગ્રેસર થયો.

“ખુશ લાગે છે આ તો” અભય રૂમમાં પ્રવેશ્યો એટલે તેનો ખીલેલો ચહેરો જોઈને સૌરભે કહ્યું.

“બાપાએ વાંચવની રજા આપી દીધી હશે” ઉદયે કહ્યું.

“એવું જ છે ભાઈ” અભયે બેગ બાજુમાં રાખીને બેઠક લેતાં કહ્યું, “ બાપાએ કોઈ દલીલ કર્યા વીનાં વાંચવાની હા પાડી દીધી”

“કીધું’તું ને, પ્રેમથી થોડી વાત કરો એટલે ગમે એ પીઘળી જાય” ઉદયે ચોપડીમાંથી નજર ઊંચી કરીને કહ્યું.

“મૂડ સારો હશે એટલે” અભયે મોઢું બગાડ્યું, “નહીંતર ગમે એટલી પ્રેમથી વાત કરો, લાવાનાં જ ફુંવારા ફૂટે”

“તારાં બાપાને લાવાનાં ફૂંવારા ફૂટે ઇ આજે ખબર પડી મને” સૌરભે મોટેથી હસવાનું શરૂ કર્યું. સૌરભની વાત પર ત્રણેય પેટ પકડીને હસ્યાં. વાતોમાંને વાતોમાં સાડા દસ થઈ ગયાં. સૌરભને બીડી પીવાની ઈચ્છા થઈ એટલે એ બહાર જઈને પાળીએ ટેકો આપીને નીચે બેસી ગયો. અભય પણ તેની પાછળ પાછળ બહાર ગયો. દસ મિનિટમાં બંને બીડી પીને રૂમમાં આવ્યાં. બધાએ પોતપોતાની જગ્યા પકડી લીધી અને વાંચવા બેસી ગયાં. સાડા અગિયાર થયાં એટલે અભય કંટાળી ગયો અને ઘર તરફ નીકળી ગયો.

*

રાત્રે વાંચવાનું શરૂ થયું તેને ચાર દિવસ થયાં હતાં. અભય સવારે અગિયાર વાગ્યાં સુધી કામ કરતો અને ત્યારબાદ બાર કલાક વાંચવામાં કાઢતો. ધીમે ધીમે બધાં વાંચવા પ્રત્યે ગંભીર થઈ ગયાં હતાં. શરૂઆતમાં બે-ત્રણ કલાક વાતો થઈ અને અડધી કલાક વાંચતુ, હવે તેનાથી ઉલ્ટું બાર કલાકનાં વાંચનમાં અડધી કલાકનાં બે જ બ્રેક આવતાં. અભય રાત્રે બાર-એક વાગ્યાં સુધી વાંચતો અને પછી ઘરે આવી જતો.

એ રાત્રે અભય સાંજે ઘરે જમવા આવ્યો હતો. ભુપતભાઇ જેમ બાજ પોતાનાં શિકારની રાહ જોઇને બેઠું હોય એમ અભયની રાહ જોઇને જ બેઠાં હતાં. અભય ખડકીમાં પ્રવેશ્યો એટલે તેઓએ શરૂ થયા ગયા, “કાલથી દસ વાગ્યે ઘરે આવી જાજે”

“નવ વાગ્યે તો જમીને જાવ છું બાપા, એક કલાકમાં હૂ વંચાય ?” અભયે દલીલ કરી.

“તો ઘરે પડ્યો રેજે, નોકરી નો મળે તો માય ગયું. ખેતરમાં લડે રાખજે” ભુપતભાઇએ ઝેરયુક્ત તીરની માફક અભય પર વાર કર્યો.

“પણ બાપા, પરિક્ષાને હવે બે મહિનાની જ વાર છે”

“બાપા હામે બોલવા મંડયો ?, એટલો મોટો થઈ ગયો છો ?, છાનોમાનો દસ વાગ્યે પાછો આવી જાજે નયતર કાલથી ઘરે પડ્યો રેજે” ભુપતભાઇએ વિષધરની જેમ ઝેર ઓક્યું.

અભય રસોડામાં ગયો. તેને ભૂખ લાગી હતી, પેટમાં ઉંદર કુદતાં, હોજરી સળગતી હતી પણ તેનાં ગળેથી એક કોળિયો નીચે ના ઉતર્યો. મગજમાં વિચારોનું ધમાસાન યુદ્ધ ચાલતું હતું. તેનાં પિતા આવું શા માટે કરતાં હતાં એ તેને નહોતું સમજાતું.

પછીનાં બે મહિના તેણે એ જ પરિસ્થિતિમાં પસાર કર્યા. અઠવાડિયામાં એકવાર પિતા તરફથી કટુ વચન સાંભળવાનાં અને ખેતરે બિનજરૂરી કામમાં રોકાય જવાનું. આ જ અભયનો નિત્યક્રમ બની ગયો હતો. આખરે જ્યારે પરિક્ષાને દસ દિવસ બાકી હતાં ત્યારે ઘરે જ મોડી રાત સુધી વાંચીને અભયે જેમ તેમ કરીને સિલેબસ પૂરો કર્યો. પરીક્ષા માટે હોલ ટીકીટ નીકળવા લાગી હતી. પરિક્ષાને ત્રણ જ દિવસ બાકી હતાં. બધા વાંચવામાં મશગુલ હતાં અને ત્યારે જ એક માઠાં સમાચાર મળ્યાં.

કોઈ કારણસર પરીક્ષા એક મહિનો પાછળ ધકેલવામાં આવી હતી. પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ, જે માનસિક રીતે પરીક્ષા આપવા તૈયાર થઈ ગયા હતાં તેઓનું મનોબળ પડી ભાંગ્યું. એક મહિના પછી એ જ મહેનત કરવાની હતી જે છેલ્લાં દસ દિવસમાં દિવસ-રાત જાગીને કરી હતી.

ત્રણેય દોસ્તોએ નક્કી કર્યું. આપદાને અવસરમાં ફેરવવા તેઓએ વાંચવાનું બે ગણું કરી દીધી. છેલ્લાં ચાર મહિનામાં જેટલું નહોતું વાંચ્યું એ એક મહિનામાં વાંચી લીધું. આખરે પરીક્ષાનો દિવસ આવી ગયો. અભયને મહુવા સેન્ટર આવ્યું હતું. તેણે શાંતિથી પેપર આપ્યું. તેનું પેપર સારું ગયું હતું સાથે મેરિટમાં આવી જાય એનાં આસાર તેને દેખાવવા લાગ્યાં હતાં.

પરીક્ષા પુરી થયાને પાંચમાં દિવસે જ પેપર લીક થયાનાં સમાચાર મળ્યાં. ફરી બધાં વિદ્યાર્થીઓનું મનોબળ પડી ભાંગ્યું. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવા ગાંધીનગરમાં રેલીઓ થઈ, વિદ્યાર્થીઓ અનશન ઉપર ઉતરી આવ્યાં. ઉદય અને સૌરભ પણ આ રેલીમાં જોડાયા હતાં. અભયને ઘરેથી મંજૂરી ના મળી એટલે તે નહોતો જઈ શક્યો. આખરે બે દિવસની મહેનત પછી પરીક્ષા રદ્દ થયાનાં સમાચાર મળ્યાં. અભય માટે આ કપરી પરિસ્થિતિ હતી. તેનાં પિતા પાસેથી માંગેલો સમય લંબાવવા તેની પાસે કોઈ કારણ નહોતું.

આખરે કંડક્ટરની ભરતી આવી એટલે તેણે એમાં ફોર્મ ભરીને ‘ગમે તે મળે, પહેલાં સરકારી નોકરી મેળવવી’ એમ વિચારીને કંડક્ટરની તૈયારીમાં લાગી ગયો.

(ક્રમશઃ)