Slave - 11 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 11

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ગુલામ – 11

ગુલામ – 11

લેખક – મેર મેહુલ

(અમદાવાદમાં નોકરી)

ફેબ્રુઆરી, 2019,

દિવની ટ્રીપ સપ્ટેમ્બરમાં થઈ હતી, એ ટ્રીપ પછી અભય અને તેનાં પિતા વચ્ચે બે અઠવાડિયા સુધી અબોલા રહેલાં. ત્યારબાદ અભયનો ગુસ્સો શાંત થયો એટલે તેણે જ સામેથી પોતાનું વર્તન સુધારી લીધેલું. ત્યારબાદનાં ચાર મહિના અભયે રીંગણી, કપાસ અને ઘઉં જેવાં પાકોમાં પાણી આપવું, દવા છાંટવી, રાત્રે પાકોનું ધ્યાન રાખવું જેવાં કામોમાં જ આપ્યાં હતાં. ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં અભયે કૉલેજનાં અને ગામનાં દોસ્તોને બોલાવી રાત્રે ઓળાનો પણ પ્રોગ્રામ બનાવ્યો હતો. એ રાત્રે બધાએ તાપણું કરીને મોડી રાત સુધી વાતો કરી હતી. જો કે ત્યારે અભયે તેનાં પિતા વિશે એક વાત પણ નહોતી કહી. માત્ર કોલેજ અને બાળપણની યાદો જ વાગોળી હતી.

દિવની ટ્રીપ પછી ઉદયે અમદાવાદનાં દોસ્ત યજ્ઞદીપ સાથે વાત કરીને અભયની નોકરી વિશે વાત કરી હતી. ઉત્તરાયણનાં દિવસે યજ્ઞદીપનો ફોન આવ્યો હતો અને મહિનાનાં અંત સુધીમાં અભયને અમદાવાદ આવી જવા કહ્યું હતું.

અભયે અને ઉદયે ભેગાં મળીને ભુપતભાઇને સમજાવ્યા હતા,

‘કોલેજ કરેલાં છોકરાઓને અમદાવાદમાં આસાનીથી નોકરી મળી જાય છે, જીવનમાં આગળ વધવું હોય તો ગામડું તો છોડવું જ પડે’

ભુપતભાઇએ એક દિવસ વિચાર કરીને બીજાં દિવસે પોતાનો નિર્ણય જણાવ્યો હતો અને પરાણે જવાની મંજૂરી આપી હતી, સાથે જરૂરી રૂપિયા અને અમદાવાદમાં કેવી રીતે રહેવું તેની સલાહનું પોટલું પણ અભયનાં માથે રાખી દીધું હતું. અભયે જે દિવસે પિતા વિરુદ્ધ શીતયુદ્ધ છેડેલું એ જ દિવસથી તેણે પોતાનાં પિતાની વાતો એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાંખવાની વૃત્તિ અપનાવી હતી.

30, જાન્યુઆરીનાં દિવસે સવારે અગિયાર વાગ્યે સાવરકુંડલા-કૃષ્ણનગરની બસમાં વલભીપુરથી અભય અમદાવાદ જવા નીકળી ગયો. અભય પહેલાં પણ યજ્ઞદીપનાં ઘરે પંદર દિવસ રોકાયો હતો. કોલેજનાં પહેલાં વર્ષમાં જ્યારે અભયે આર્મીનું ગ્રાઉન્ડ પાસ કર્યું હતું ત્યારે રીમેડીકલ માટે તેને અમદાવાદની એમ.એચ. આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે યજ્ઞદીપે જ અભયને મદદ કરી હતી.

યજ્ઞદીપ બારમાં ધોરણ સુધી તારપાળામાં રહ્યો હતો ત્યારબાદ પોતાનાં પરિવાર સાથે અમદાવાદમાં ઠક્કરનગરની બદ્રીનારાયણ સોસાયટીમાં શિફ્ટ થયો હતો. પ્રતાપગઢમાંથી નીકળીને અભયે રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. થોડાં મહિના માટે પાપાની કચકચ અને ટોકટોકથી છુટકારો મળી ગયો હોવાથી અભય હદ બહારનો ખુશ હતો, સાથે તેનાં દોસ્તોથી દૂર થઈ ગયો એ વાતથી ઉદાસ પણ હતો. બંને પક્ષોનો વિચાર કરતો કરતો અભય આવી પહોંચ્યો અમદાવાદ.

અભય ઠક્કરનગર એપ્રોચ ઉતર્યો ત્યારે સાડા ચાર થયાં હતાં. યજ્ઞદીપ અભયની રાહ જોતો ઉભો હતો. અભય ઉતર્યો એટલે યજ્ઞદીપે ‘આવો બાપુ, અમદાવાદમાં તમારું હાર્દિક સ્વાગત છે’ કહીને ભાવભર્યું સ્વાગત કર્યું.

“શું લેશો ?, ચા, બીડી, સિગરેટ ?” યજ્ઞદીપે પુછ્યું.

“હાલ તો એક નંબર જવામાં માટે જગ્યા જોઈએ છે, ચાર કલાકથી રોકીને બેઠો છું” અભયે ટચલી આંગળી વડે ઈશારો કરીને કહ્યું.

યજ્ઞદીપ તેને એપ્રોચ નીચેનાં ‘પે & યુઝ ટોયલેટ’ માં લઇ ગયો. અભય હળવો થયો એટલે તેણે ફરી રાહતનાં શ્વાસ અનુભવ્યા. બંને પાનનાં ગલ્લે પહોંચ્યા. યજ્ઞદીપે બે સિગરેટ મંગાવી. બીડીનાં અનુભવ પરથી હવે અભય પણ વાકેફ હતો એટલે તેણે પ્રેમથી સિગરેટ લઈ લીધી. સામાન્ય વાતચીત પછી યજ્ઞદીપ અને અભય, યજ્ઞદીપ જ્યાં નોકરી કરતો એ ઓફિસે ગયાં. આમ તો યજ્ઞદીપે પણ બી.એ. જ કરેલું હતું પણ તેનાં પપ્પાની ઓળખાણને કારણે અહીં તેને હિસાબનિશમાં રાખવામાં આવ્યો હતો. એક વર્ષનાં અનુભવથી હવે એ સારી રીતે હિસાબો સંભાળી શકતો હતો. ઑફિસમાં બધાને મળીને યજ્ઞદીપ અને અભય બંને યજ્ઞદીપનાં ઘરે ગયાં. યજ્ઞદીપનાં પરિવારને પણ અભય મળ્યો. તેઓને મળીને અભયને પોતાનાં હોય એવું લાગ્યું. ફ્રેશ થઈને બંને મિત્રો રોડ પર ચક્કર લગાવવા નીકળ્યાં.

“એક જગ્યાએ તારું નક્કી કર્યું છે, અત્યારે પગાર ઓછો આપશે પછી અનુભવ મળી જાય એટલે પગાર વધારી દેશે” રોડની જમણી તરફ ચાલતાં યજ્ઞદીપે કહ્યું.

“અહીંથી કેટલું દૂર છે ?”

“છ કિલોમીટર, કાલે હું તને ઓફીસ બતાવી દઈશ. પછી ત્યારે ઉત્તમનગરથી ત્રણ રૂપિયાવાળી ટીકીટ લઈ લેવાની. ક્યાં જવું છે એમ ના કહેતો નહીંતર સાત રૂપિયાની ટીકીટ આપશે”

અભયે યંત્રવત માથું ધુણાવ્યું.

“આપણે સાથે નોકરી કરી શકીએ એવું ના થાય ?” અભયે પોતાની મૂંઝવણ કહી, “મેં હજી અમદાવાદનાં રસ્તા નથી જોયાં, તું સાથે રહીશ તો મજા આવશે”

“એક માણસની જરૂર છે અમારે ત્યાં, હું વાત કરી જોઇશ. ત્યાં નક્કી થાય તો સાથે નોકરી કરીશું”

“ઘરે બધાં કેમ છે ?, મજામાં ને ?” યજ્ઞદીપે પુછ્યું.

“હા મજામાં જ છે, એક મહિના પહેલાં ભાભીને દીકરો આવ્યો એટલે બધાં ખુશ જણાય છે” અભયે કહ્યું.

“તું કાકા બની ગયો હેં !!” યજ્ઞદીપે ખુશ થઈને કહ્યું, “શું નામ રાખ્યું છે ?”

“ખુશાલ”

“સરસ નામ છે લ્યો” યજ્ઞદીપે કહ્યું, “હવે તારે શું વાર છે ?, તું છેલ્લો જ છે ને હવે તો !”

“વિશ વર્ષમાં મારે ખિલ્લે નથી બંધાવું મારા ભાઈ, હજી તો ત્રણ-ચાર વર્ષની વાર છે”

અભયની વાત સાંભળી યજ્ઞદીપ હસવા લાગ્યો. થોડીવાર વાત કરીને બંને ઘરે આવ્યાં.

પછીના ત્રણ દિવસ અભય નોકરી માટે ગયો હતો પણ ત્યાં સેટ ન થતાં તેણે નોકરી છોડી દેવાનું વિચાર્યું. એ જ સમયે યજ્ઞદીપની ઓફિસમાં એક જગ્યા ખાલી પડી એટલે અભય તેની સાથે નોકરીએ લાગી ગયો.

એ પછીનાં ત્રણ મહિના અભય માટે સુવર્ણકાળ જેવા રહ્યાં હતાં. આ ત્રણ મહિનામાં તેનાં પિતોનો ત્રાસ નહોતો. કોઈ રોકટોક કરવાવાળું નહોતું. અભય અને યજ્ઞદીપ બંને પરમમિત્ર બની ગયાં હતાં. બંને ચોવીશ કલાક સાથે રહેતા એટલે બંને વચ્ચે જુદું જ બોન્ડ થઈ ગયું હતું.

આ ત્રણ મહિનામાં અભય એક વાર ઘરે ગયો હતો અને એકવાર ઘરે જાણ કર્યા વીનાં બીજી દિવની ટ્રીપ કરી આવ્યો હતો. એ સિવાય યજ્ઞદીપે અભયને પૂરું અમદાવાદ બતાવ્યું હતું. રાત્રે બંને મોડે સુધી વાતો કરતાં, બ્રિજ પર બેસતાં, અઠવાડિયામાં એકવાર માણેક ચોકની મુલાકાત લેતાં તો ક્યારેક રિવરફ્રન્ટ પર આવીને બેસતાં. અભયને પોતાની જિંદગી આઝાદ પક્ષી જેવી લાગવા લાગી હતી. પણ કહેવાય છે ને ઉતાર પછિ ચડાવ અને ચડાવ પછી ઉતાર આવે જ છે. ફેબ્રુઆરીમાં અભય અમદાવાદ આવ્યો હતો અને મે મહિનામાં તેને ટાઇફોઇડ થઈ ગયો. ટાઇફોઇડને કારણે એક જ અઠવાડિયામાં અભયનો ચાર કિલો વજન ઘટી ગયો અને તેનાં પિતાએ ગામડે બોલાવી લીધો. અભયને રિકવરી આવતાં એક મહિનો લાગી ગયો અને એ સમય દરમિયાન તેની નોકરી છૂટી ગઈ. અભય ફરી અમદાવાદ જવા ઇચ્છતો હતો પણ બીજીવાર તેનાં પપ્પાએ મંજૂરી ન આપી અને આજુબાજુમાં જ કોઈ નોકરી શોધી લેવાં કહ્યું.

અભયે બે-ત્રણ જગ્યાએ રિસ્યુમ આપ્યાં પણ કોઈ જગ્યાએ જવાબ ન આવ્યો. એ દરમિયાન વર્ષ-2018 માં રદ્દ થયેલી બિનસચિવાલયનાં ફોર્મ ભરાવવાની જાહેરાત આવી. અભયે નક્કી કરી લીધું, પ્રાઇવેટ કંપનીમાં જોબ ન કરતાં હવે સરકારી જમાઇ બની જવું, એ માટે તેણે પોતાનાં પપ્પા સાથે વાત કરી, મોબાઈલ ઘરે આપી દીધો અને તરપાળામાં ઉદયનાં નવાં ઘરનાં ત્રીજા માળે ત્રણ દોસ્તોએ વાંચવાનું શરૂ કર્યું.

(ક્રમશઃ)