HASYA RATAN DHAN PAAYO - 3 in Gujarati Fiction Stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય રતન ધન પાયો...! - 3

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

હાસ્ય રતન ધન પાયો...! - 3

હાસ્ય રતન ધન પાયો...!

(પ્રકરણ-૩)

આદિત્યની બાલ્યાવસ્થા

કોને ક્યાં અને ક્યારે જનમ આપવો, એનો અબાધિત અધિકાર હજી ઈશ્વર પાસે છે, એ સારું છે..! કેમ કે સરકારના હાથ ત્યાં સુધી પહોંચતા નથી. નહિ તો સોના-ચાંદીના વાસણોમાં જમતા પરિવારમાં જનમ લેવાની લોકોની ઈચ્છાઓ આસાની બર આવી જાત. જીંદગીમાં પછી તો ‘હાય-વોય’ જ નહિ હોત. આ તો એક ગમ્મત..! બાકી, આદિત્યમાં એવું થયું નહિ. પાછલી બાકીને વસુલવા માટે જ ધરતી ઉપર જનમ લઈને આવ્યો હોય એમ, જન્મ્યો ત્યારથી ગરીબીએ એનો પીછો મુક્યો નથી. આજે ભલે બે પાંદડે એ સુખી હોય, પણ ગરીબીની વેદનાઓ હજી પણ એમને દસ્તાવેજની માફક સાચવેલી. બાળપણમાં ઊંઘવા માટે એને હાલરડાંની જરૂર પડેલી જ નહિ. ભોંયે પથારી કરવી ને મોકળા થઇને સુવાનું સુખ એના લમણે હતું. સૂરજનો નામરાહી હોવા છતાં, સુરજ આદિત્યની ઉઠવાની રાહ પણ નહિ જોતો. ને આદિત્ય પણ માની લેતો કે, એ ઉઠે ત્યારે જ સુરજ પણ ઉગે..! ભગવાનની પણ કેવી અદભૂત લીલા છે દાદૂ..? મિત્રો-મહાજન-સમાજ સુખ આપે કે નહિ આપે, પણ તત્ક્ષણ સુખ આપવાનું કોઈ અમુલ્ય ઔષધ હોય તો તે નીંદર..! નીબાર આવતાવેંત જ તમામ દુખો આપમેળે છૂટાછેડા લે. ને જાગે એટલે ફરી પોતાના સ્થાને ગોઠવાય જાય. એટલે જ તો કહેવાયું છે કે, ‘સુએ તો સમાધી ને જાગે તો ઉપાધી..!’ દુખ આપે તેની સાથે ભગવાન સહનશક્તિ પણ આપતો જ હોય. આદિત્ય પાસે સહનશક્તિની મૂડી ને ચૌદ-ચૌદ પેઢીની સ્મૃતિ અને સંસ્કારની થાપણ હતી. એટલે ગમે તે સ્થિતિમાં પણ પરમ આનંદની અનુભૂતિ હતી. દુખ આવતું ને આવીને સરકી જતું. આદિત્યએ એનું પ્રાથમિક શિક્ષણ અમલસાડ સરીસ્ટેશનકુમારશાળા જેવી પ્રતિષ્ઠિત શાળામાં લીધેલું. એને હજી યાદ છે કે, ભણવા માટે શાળામાં દાખલ કરતી વેળા પિતાનો હરખ અનેરો હતો. આનંદનો ઉન્માદ હતો. દીકરો ભણે તો દિવસો બદલાય એવી અપેક્ષાઓના ચળકાટ હતો. નિશાળમાં દાખલ કરવા જતી વેળા આદિત્યની આંગળી પિતાએ ઝાલેલી કે આદિત્યએ પિતાની આંગાલી ઝાલેલી એ એને યાદ નથી. પણ આદિત્યનું માનવું છે કે, પિતાની આંગળી પોતે જ ઝાલી હશે. એટલા માટે કે, બાળકને સંભાળવા માટે પિતા અને પરિવાર સિવાય બીજું ખાત્રીનું સ્વજન હોય પણ કોણ..? અમલસાડના આઝાદ સદનમાં રહેતા પરિવારથી નિશાળ અડધો કિલોમીટર દુર હશે. પણ કોને ખબર આદિત્ય માટે એ સફરમાં સરસ ભવિષ્યને આંબવાની કોઈ દૌડ પણ હોય..! છતાં, પ્રણાલિકા પ્રમાણે કતલખાને જતાં બકરાના બક્વાસની માફક આદિત્યની આંખોની વેદના પણ આંસુ વાટે બહાર નીતરતી હતી. ત્યારે નવા-નકોર ધોતી અને ખમીશના પરિવેશમાં ભાંગી પડેલા પિતાની આંખમાં ઉજળા ભવિષ્યનો ઉજળો ઉજાસ હતો. નિશાળના પ્રાંગણમાં પગલું પડતાની સાથે જ, આદિત્યની બચપણની આઝાદી છીનવાય જવાનો આક્રોશ ડૂમો બનીને રહી ગયો. નિશાળનું વાતાવરણ તો સાંદીપની ઋષિના આશ્રમથી સહેજ પણ ઉતરતું ન હતું. એટલે પિતાના મુખ ઉપર પુત્રને કોઈ મોટી યુનીવર્સીટીમાં દાખલ કર્યાનો આનંદ હતો. મફત શિક્ષણ મફત ભણતર અને તે પણ વણાટકામનું બુનિયાદી શિક્ષણ..! જાતે રેન્તીયો કાંતવાનો અને શાળ ઉપર કાપડ વણવાનું. આદિત્યને નિશાળમાં મૂકી વિદાય થયેલા પિતાની આંખમાં ઝળહળિયા તો આવ્યા જ હોય, પણ આદિત્યને જોવાના તો ક્યાંથી મળે..? બાળકોના ઝુંડમાં ને કાળા પાટિયાની સાક્ષીમાં આદિત્ય એવો ગોઠવાય ગયો કે, એના ડુસકાનો અવાજ પોતે પણ સાંભળી ના શક્યો. સમયની થપાટ સાથે બધું જ રાબેતા મુજબ થઇ ગયું. આદિત્ય પણ ટેવાય ગયો. શાળાનો ઘંટ મિત્ર બની ગયો. ‘ઘંટ બજ્યો તો દૌડી આવ્યા, ને સ્કુલ છૂટી તો ગંગા ન્હાયા..! નિશાળ માત્ર શિક્ષણ જ નથી આપતું, અનેક મિત્રો અને ગુરુવર્યની હુંફ પણ આપે એ એને સમજાય ગયું. આજે પણ આદિત્યને ગુરુવર્યના સંસ્મરણો એના સ્મરણપટ પર છે. ખાદીધારી સ્વ.બાલુભાઈ જેસિંગભાઈ પટેલ સાવ મફતમાં રાત્રિશાળા ચલાવતા, રાત્રે દૂધ અને વિટામીનની ગોળી ને ફળો આપતાં, આકાશ દર્શન કરાવતાં એ બધું જ હજી એને યાદ છે, જેમણે જેમણે શિક્ષણનું ભાથું આપ્યું, એ પૈકી ઘણા ગુરુજીઓ આજે ધરતી પર નથી, જેને એ આકાશ દર્શન કરી, આકાશના તારલામાં ખોળે છે. સાંસ્કૃતિક ક્ષેત્રે કક્કો ઘૂંટવાની શરૂઆત આદિત્યને પ્રાથમિક શિક્ષણથી જ મળેલી. આદિત્ય અનેક સાંસ્કૃતિક પ્રવૃતિમાં ભાગ લેતો. એમાં શાકભાજીવાળો બનવા માટે દાદાની પોતડી મેળવવા માટે કરેલી મથામણ હજી એને યાદ છે. પિતાજી કહેતાં, કે આપણી ચોથી પેઢીથી આપણા કુળમાં સાંસ્કૃતિક પ્રવૃતિનો વારસો ચાલી આવે છે. આગલી ચોથી પેઢીમાં આપણા એક સ્વજન ઘેરૈયામાં કવિયો હતા. અને ઘેરને ગીતો ગવડાવતાં. જાણીતી અભિનેત્રી નિરૂપારોયએ કાગળ લખીને આદિત્યના પિતાને ફિલ્મમાં કામ કરવા બોલાવેલા એ પત્ર આદિત્યને એના પિતાએ બતાવેલો આદિત્યના પિતામાં પણ એ ગુણ ઉતરતા, તેઓ એક સામાજિક કવિ તરીકે સન્માનિત થયેલા હતાં. અને ‘ગુર્જરેશ’ તરીકે કવિતા લખીને સમાજમાં પંકાયેલા કવિ હતા. જેનો પાયો મજબુત હોય, એ ઈમારત જલ્દી ધરાસયી થતી નથી. એમ આદિત્ય પણ એ માર્ગે આગળ વધતો ગયો. અને વિશ્વ હાસ્ય પરિષદમાં પણ તેને નિમંત્રણ મળ્યું.

વચ્ચે એક ઘટના એવી પણ બનેલી કે, આદિત્યના કાકા-કાકી શિક્ષક હતાં. માતાના આગ્રહને વશ થઇ આદિત્યને વલસાડ ભણવા લઇ જવા તૈયારી પણ થઇ, પણ સમયની સરવાણીએ સાથ આપ્યો નહિ, અને કાળની કેડીએ બધું જ સમેટાઈ ગયેલું. ફાઈનલની પરીક્ષા જેમ તેમ પાસ કરીને અમલસાડની હીરાચંદ ધૂળચંદ જેવી પ્રતિષ્ઠિત માધ્યમિક શાળામાં એ દાખલ થયો. જુના વિદ્યાર્થીના ચોપડા અડધી કીમતે લઈને માધ્યમિક શિક્ષણના મંગળાચરણ કર્યા. ઈચ્છા પ્રબળ હોય તો ભગવાન પણ માર્ગ મોકળો કરી આપે એમ, એ જ વરસે એ શાળામાં સંગીત શિક્ષણનો વિષય પણ આવ્યો. આદિત્યએ એનું શિક્ષણ સંગીતકાર સ્વ. જમનાદાસ રાણાસાહેબ પાસે લીધું, સંગીતના અનેક રાગો પણ શીખ્યો, ને સંગીતની એકાદ બે બાહ્ય પરીક્ષાઓ પણ આપી. ૨૦ રાગોની પરીક્ષા આપ્યા છતાં, આદિત્યનો માનસિક ઢોળાવ વાજિંત્રો શીખવા ઉપર વધારે હતો. દિલરુબા વગાડવાનું એને ખુબ ગમતું. પણ એની ઈચ્છા સિતાર અને વાયોલીન શીખવાની હતી, પણ તે બર નહિ આવી. આજે પણ આદિત્યની આ ઈચ્છા અધુરી હોવા છતાં, ઘરના ખૂણે એ બબ્બે વાયોલીન અને સિતાર વસાવીને બેઠો છે. અને ક્યારેક એના તારને ઝણઝાણાવી બચપણની ઈચ્છાને આકાર આપવા મથામણ કરે છે. માણસ ધારે છે કંઈ ને, ઈશ્વર બનાવે છે કંઈ..! અંધકેશ્વરના મેળામાં જ્યારે જ્યારે આદિત્ય એના પિતા સાથે જતો, ત્યારે મેળામાં વેચાતી અને વાગતી વાંસળી એનું મન હરી લેતું. ખરીદવા માટે આજીજી કરતો ને નહિ ખરીદી આપે તો પાછળ ફરી-ફરીને વાંસળીવાળાને એકીટશે જોવાની ચેષ્ટા હજી પણ એને યાદ છે. છતાં, ઈચ્છાઓ ક્યારેય અધુરી રહેતી નથી. વાંસળી એના હાથમાં આવતી ત્યારે શ્રી કૃષ્ણ એનો હાથ ઝાલી લેતાં હોય, એમ આદિત્ય આજે નાકથી વાંસળી વગાડી રેડિયો-ટીવી ને ડાયરાઓ ગજવે છે. કોઈપણ પ્રકારની રસવૃત્તિ માણસને જીવાડી જાય છે. કળા ક્યારેય માનવીને ઘરડો થવા દેતી નથી, ને રસવૃત્તિ ને કળાને ક્યારેય કોઈ આભડછેટ નડતી નથી. કળા કોઈપણ હોય, એ ગરીબોની આશિક બની જતી. ઉત્સાહ મહેનત અને લગન એ કળાનો ખોરાક છે. ભણતર સાથે આદિત્ય સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઢળતો ગયો. જૂની મેટ્રિકની પરીક્ષા પાસ કરી પણ અંગ્રેજીના વિષયમાં નાપાસ થયો. એના શિક્ષક શ્રી ભીમભાઈ દેસાઈએ જ્યારે એમ કહ્યું કે, ‘ તું આદિત્ય તારી જીંદગીમાં ક્યારેય અંગ્રેજીના વિષયમાં પાસ નહિ થાય, એનું આદિત્યને ખુબ લાગી આવ્યું. ને આદિત્યએ બહારથી પરીક્ષા આપી, ને ત્યારે સફળ થયો ત્યારે તેણે પેલા પ્રબુદ્ધ શિક્ષકને કહ્યું પણ ખરું કે, ‘સર હું અંગ્રેજીમાં પાસ થઇ ગયો.’ ત્યારે એ શિક્ષકને આદિત્ય માટે જાગેલો અહોભાવ હજી આજે પણ એના હ્રદયના ખૂણે સચવાયેલો છે. જગતમાં કોઇપણ કામ મુશ્કેલ નથી. માત્ર મહેનત ઉત્સાહ ને લગન જોઈએ એનું પ્રમાણ આદિત્યને આ ઘટનાથી મળ્યું. માધ્યમિક શાળામાં જતો ત્યારે પગમાં ચંપલ નહિ હોય, ભાંગી-તૂટી લાજપોર ફૂવાજીને ત્યાંથી લાવેલી સાઈકલ ઉપર ભણવા જવાનું હોય, એ દિવસો હજી આજે પણ એની સ્મૃતિમાં છે. બાકી ટીખળવૃતિ તો બાળપણથી જ ખરી. હાસ્યકલાકાર થવા માટે બચપણની ટીખળવૃતિ જ એની પડખે પણ આવી. સમયે આભડછેટની પકડ છોડી ના હોય, રહેવા માટે ભાડાના સિવાય કોઈ ઘર નહિ હોય, પિતાના ધંધામાં ખાસ આવક નહિ હોય, એ અવસ્થામાં ભણવું કેટલું અઘરું હોય એ તો જેને વીતે તેને સમજાય..! કુટુંબના ભાગલા થયાં, અમલસાડનું ભાડાનું મકાન ખાલી કરી ધમડાછા ગામમાં રહેવા ગયા. બે થી અઢી કિલોમીટર વગર ચંપલે ચાલીને આદિત્ય ભણવા આવતો. હજી આજે પણ આદિત્યને યાદ છે કે, આદિત્યને ધમડાછા ગામના કીકીબેન દેસાઈ એને ખુબ વ્હાલ કરતા. પણ સમયે ફરી કરવટ બદલી, ત્યાંથી પણ ઘર ખાલી કરાવતાં, એ વાસણ ગામે રહેવા ગયો. ત્યાં બાજુમાં રહેતાં હલીમચાચી અને મહમદકાકા એને ખુબ વ્હાલ કરતા. સારી નોકરી મળે એ માટે પરમાર ઇન્સ્ટીટ્યુટ બીલીમોરામાં ટાઈપીંગના કોર્ષ કર્યા. એક સાથે બબ્બે ઝડપની ટાઈપીંગની પરીક્ષા આપી. સાથે શોર્ટહેન્ડના પણ કોર્ષ કર્યા. પણ શોર્ટહેન્ડની પરીક્ષા આપું તે પહેલા ચીખલી તાલુકા પંચાયતમાં ઈલેક્શન ક્લાર્ક તરીકે રૂપિયા ૧૬૫ માં સરકારી નોકરી મળી ગઈ. ચીખલીથી વાસણ આવ-જા કરવું અઘરું હોવાથી, આદિત્ય એની બાની ફોઈને ત્યાં ચીખલીમાં રહ્યો. જ્યાં એની વિદેશી કાંતામામીએ એની ખુબ કાળજી લીધી. શોર્ટહેંડમાં માત્ર છ મહિનાનો કોર્ષ બાકી હતો, બાકી આદિત્ય આજે કોઈ ઉચ્ચ પોસ્ટ ઉપરથી નિવૃત થયો હોત. સમય સાથ આપે તો જ માણસના સમય બદલાય, નહિ તો માત્ર સમય જ બદલાય એ શીખવાનું મળ્યું. સમય સમયની બલિહારી છે દાદૂ..!

( વધુ હવે પછી )

---------------------------------------------------------------------------------------------------------------------------